Sunday, June 17, 2018

ગુજરાતની અસ્મિતાઃ કનૈયાલાલ મુનશી પહેલાં...

અસ્મિતા એટલે 'હું'પણાનો કે હોવાપણાનો ભાવ. પોતાના અસ્તિત્ત્વ વિશેની સભાનતા. અમુક હદે તે જરૂરી ને હદ વટાવે તો જોખમી. તેની ભાવનાનો વિસ્તાર સ્વમાનથી અભિમાન અને મિથ્યાભિમાન સુધી વિસ્તરેલો છે. ગુજરાતના સંદર્ભે પ્રાદેશિક-સાંસ્કૃતિક અસ્મિતાનો ખ્યાલ પ્રચલિત બનાવવાનું શ્રેય કનૈયાલાલ મુનશીને જાય છે. ભરૂચમાં જન્મેલા ને વ્યવસાયે વકીલ એવા મુનશી મિજાજે અસલ મુંબઈગરા હતા. સંઘર્ષ કરીને આગળ આવેલા, સ્વપ્નદૃષ્ટા, ગુલાબી મિજાજ અને કંઈક અંશે નર્મદની યાદ અપાવે એવો જોસ્સો. ઉંમરની રીતે એ ગાંધીયુગમાં થયા, પણ તેમનાં સાહિત્યિક લખાણો ગાંધીપ્રભાવથી ઘણાં દૂર. તેમની સૌથી પ્રસિદ્ધ અને ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ દૃઢ કરનારી ત્રણ નવલકથા એટલે 'પાટણની પ્રભુતા’, 'ગુજરાતનો નાથ' અને 'જય સોમનાથ’.
                  K.M.Munshi / કનૈયાલાલ મુુુુનશી
ખુદ મુનશીને ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ તેમના માર્ગદર્શક એવા રણજિતરામ મહેતા પાસેથી મળ્યો હતો (જેમના નામે ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન અપાય છે.) રણજિતરામ મહેતાનું અકસ્માતે, અકાળે મૃત્યુ થયા પછી મુનશીએ ગુજરાતની અસ્મિતાના વિચારને બરાબર લાડ લડાવ્યાં અને આજીવન તેના પ્રખર પુરસ્કર્તા બની રહ્યા. તે એટલી હદ સુધી કે 'ગુજરાતની અસ્મિતા એટલે મુનશી' એવું સમીકરણ દૃઢ બન્યું અને નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતાની વાત કરનારા તે પહેલા લેખક હોય એવી છાપ ઉભી થઈ. મુનશીએ આવો દાવો કર્યો હોવાનું જાણમાં નથી, પણ ચર્ચામાં અને સ્મૃતિમાં તો એવો જ ખ્યાલ રહી ગયો.

શબ્દને બદલે ભાવની વાત કરીએ તો, ગુજરાતના અભિમાન કે સ્વાભિમાનની વાત નવલકથાઓના માધ્યમથી કરનારા મુનશી પહેલા ન હતા. તેમનાથી અડધી સદી પહેલાં થઈ ગયેલા મહીપતરામ રૂપરામ નીલકંઠે તેમની ઐતિહાસિક કથાઓ સધરો જેસંગ (૧૮૮૦) અને વનરાજ ચાવડો (૧૮૮૧)માં ગુજરાતના ગૌરવની ગાથાઓ રચી. મુનશીએ પછીથી કર્યું હતું તેમ મહીપતરામે પણ ઇતિહાસનો આધાર લઈને, તેમાં કલ્પનાના રંગ પુરીને ગુજરાતનો મહિમા ગાયો. ('વનરાજ ચાવડો'ને તેમણે સત્ય, અટકળ અને કલ્પનામિશ્રિત કથા તરીકે ઓળખાવી હતી) એ વખતે ગુજરાતનું અલગ ભૌગોલિક એકમ તરીકે અસ્તિત્ત્વ ન હતું.  ગુજરાત, કચ્છ અને અસંખ્ય દેશી રજવાડાંનું બનેલું સૌરાષ્ટ્ર મુંબઈ પ્રાંતનો હિસ્સો હતું. ત્યારે મહીપતરામે લખેલી કથા 'વનરાજ ચાવડો'નું છેલ્લું વાક્ય હતું : ગુજરાતનો જય થાઓ.

તેમનો ધોખો એ હતો કે આપણે કંઈક રાજાઓ ને બાદશાહોના ઇતિહાસ ભણ્યા, પણ ગુજરાતના પ્રતાપી રાજાઓ વિશે ન જાણ્યું. તેમને આપણે ભૂલાવી દીધા. તેનાં પાટણ જેવાં નગરોની સમૃદ્ધિ વિસારી બેઠા. મહીપતરામના મતે, આ કારણે 'ગુર્જર પ્રજામાંથી પ્રજાભિમાન જતું રહ્યું.’ છેવટે વિદ્યાપ્રેમી અંગ્રેજ અફસર અૅલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતી રાજાઓની કથાઓ શોધી કાઢી. મહીપતરામના શબ્દોમાં કહીએ તો, ‘આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું.’ મુનશીની જેમ જ, મહીપતરામને કેવળ ઐતિહાસિક વાર્તા લખવા ખાતર આ પુસ્તકો લખવામાં રસ ન હતો. એ લખવા પાછળ તેમનો ચોક્કસ હેતુ હતો. ‘ગુજરાતમાં સત્યધર્મ, સ્વદેશાભિમાન, સંપ, વિદ્યા, સદગુણો, હુન્નર અને ઉદ્યમની વૃદ્ધિ થાય, દેશી દરબારો સુધરે, લોક રાજકાજમાં મન ઘાલે, દેશમાં ધંધોરોજગાર વધારવાનું ચિત્ત પર લે, વિનાશકારી રૂઢિઓ તજી સુધારા કરે એ મારી ઇચ્છા છે.’ એ વખતે 'દેશ' શબ્દનો પ્રયોગ પ્રાંતના અર્થમાં થતો હતો. મહીપતરામે લખ્યું હતું, ‘ગુર્જરો સ્વદેશકલ્યાણની પાછળ ઉમંગથી લાગે, રાજાપ્રજા હળીમળીને વર્તી દેશને પાછો ઊંચી પદવીએ ચઢાવે એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં મારી જોડે સામેલ થવાની આ ગ્રંથ વાંચનારને વિનંતી કરું છું.’

નર્મદની જેમ મહીપતરામની વાતમાં 'સ્વદેશાભિમાન' કેળવવાની ભાવના પર ભાર મુકાયેલો જોવા મળે છે અને એ સ્વદેશાભિમાન એટલે મુનશીએ આલેખેલી ’અસ્મિતા’. તેમણે લખ્યું હતું કે માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવાને,  'દ્વારકાથી દાહોદ સુધીમાં અને ડીસાથી દમણ સુધીમાં રહેનારા તથા મુંબઈ વગેરે જઈ વસનારા ગુર્જરી ભાષા બોલનારા સ્વદેશીઓના દિલમાં સ્વદેશાભિમાનનો જુસ્સો પ્રદીપ્ત કરવો. તેમના હૈયાંમાં બંધુભાવ આણવો, આપણે સર્વ એકદેશી અને એક પ્રજા છીએ એમ તેમના મનમાં લાવવું અને ગુજરાતનું રૂડું કરવાની ઇચ્છા જગાડવી, એ મહાન હેતુઓ આ ગ્રંથ રચવામાં યાદ રાખ્યા છે. ધર્મભેદ અને જાતિભેદ છતાં સ્વદેશની પીડા ઓછી કરવામાં, આપણા વહાલા દેશની (એટલે કે ગુજરાતની) ચઢતી કરવામાં આપણે હિંદુ, મુસલમાન અને પારસી સંપથી ચાલી શકીએ. બેફિકરાઈ છોડી દઈ આપણે સર્વે જાગૃત થવું જોઈએ.’

મહીપતરામ સુધારકયુગના હતા. તેમણે જ્ઞાતિની ઉપરવટ જઈને દરિયો ઓળંગ્યો ને પછી માફી માગી ને પછી માફી દિલથી નથી માગી, એવા તાનપલટા દ્વારા ઘણી ટીકા વહોરી લીધી હતી. છતાં, અમદાવાદની સુધારાપ્રવૃત્તિના અગ્રણીઓમાં તેમની ગણના થતી હતી. (તેમના પુત્ર એટલે 'ભદ્રંભદ્ર'ના સર્જક રમણભાઈ નીલકઠં) મહીપતરામે ગુજરાતનું 'સ્વદેશાભિમાન' જગાડવા માટે ઇતિહાસનો આછોપાતળો આધાર ધરાવતી કલ્પનારંગી કથાઓ લખી, ત્યારે ૧૮૫૭ના સંગ્રામને બે દાયકા વીતી ચૂક્યા હતા. છતાં એ સમયના ઘણા સાક્ષરોની જેમ તેમને અંગ્રેજી રાજ અકારું લાગતું ન હતું.  રાજના તે વફાદાર સેવક-અધિકારી હતા. તેમને મન સ્વદેશાભિમાનનો ખ્યાલ નકરો ભૂતકાળના ગૌરવમાં રાચવાનો ન હતો. અંગ્રેજી સંસ્કાર પ્રમાણે તેમણે 'પબ્લિક સ્પિરિટ' શબ્દનો ઉલ્લેખ કરીને લખ્યું હતું, ‘એ બે અંગ્રેજી શબ્દોમાં જે ભાવાર્થ રહ્યો છે તે ગુજરાતી ભાષામાં સમજાવવો કઠણ પડે છે. તેનું કારણ એ કે એ ભાવ આપણા દેશમાં હાલ નથી.’ એ માટે તેમણે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ યાદ કરીને 'સ્વદેશસુખ સંબંધી ઉત્સાહ', ‘દેશહિતકાળજી અને ઉત્સાહ’ જેવા વિકલ્પ આપ્યા.

સુધારક મહીપતરામે આખી વાતને ગૌરવ ઉપરાંત સમાજસુધારાની દિશામાં લઈ જતાં લખ્યું, 'ધર્મના બખેડામાં, નાતની લડાઈઓમાં, લગ્ન કે મરણના જમણવારોમાં અને માત્ર સ્વાર્થમાં જેમનાં મન દટાઈ ગયાં છે, કૂવામાંનાં દેડકાં જેટલું જેમનું જ્ઞાન છે, એવી જ્યાં વસ્તી છે, ત્યાં સ્વદેશાભિમાન, સ્વદેશપ્રીતિ, સ્વદેશકલ્યાણેચ્છા અને સ્વદેશબંધુતા ક્યાંથી હોય. પરંતુ હું નિરાશ થતો નથી...સારા કે નઠારા જેવા છે તેવા એ આપણા સ્વદેશી ભાઈ છે, માટે તેમનું ભલું કરવું એ આપણો ધર્મ છે.’

મુનશીના રોમેન્ટિક ગૌરવયુક્ત અસ્મિતાખ્યાલની સરખામણીએ તેમનાથી પચાસ વર્ષ પહેલાં જન્મેલા મહીપતરામનો સ્વદેશાભિમાન અને 'દેશહિતઉત્સાહ'નો ખ્યાલ વર્તમાન નાગરિકધર્મથી વધારે નજીક નથી લાગતો? 

2 comments:

  1. Hiren Joshi USA5:48:00 AM

    Informative comparison between the writings of Munshi and Mahipatram. I was familiar with Munshi's novels; but did not know about Mahipatram's Gujarat Affection.

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી, સાહિત્ય વાંચતા ગુજરાતીઓને ‘અસ્મિતા’ નો ગુજરાતી-ભાષી રાજ્ય બન્યા પહેલાનો ‘અસ્મિતા’ નો ઈતિહાસ આટલી સરસ રીતે લખી અને શ્રી મહીપતરામ અને શ્રી મુશીના શબ્દો ટાંકીને જે સમજણ આપી છે તે માટે ધન્યવાદ.
    ગુજરાતી સાહિત્યમાં આવા ગુજરાતની ‘અસ્મિતા’ વિશેના લેખો લખનારા લોકો કાંતો પહેલ નથી કરતા કે તેઓ આ વિષયને બહુ મહત્વનું નથી ગણતા અને કદાચ કોઈ આવા લેખો લખતા હશે તો દૈનિકો/ સાપ્તાહિકોના તંત્રીઓ છપાવા નહિ દેતા હોય જે પણ કઈ હોય તે, તમે લેખ આપ્યો તેના તો ગુણગાન કરવા પડે.
    નરવીર કવિ નર્મદે લખ્યું છે ‘યા હોમ કરી પડો ફતેહ છે આગે’

    ReplyDelete