Thursday, April 06, 2017

સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...

ગુરુજનોની હાજરીમાં, મિત્રો-સ્નેહીઓની સાખે સાર્થક પ્રકાશનનો પ્રારંભ
લોકોને વાંચવાનો ટાઇમ જ નથી...ગુજરાતીઓ વાંચે છે જ ક્યાં...ગુજરાતી ભાષા મરવા પડી છે... સારાં પુસ્તકો કોણ ખરીદે?... પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાય?...સાચાજૂઠાનું મિશ્રણ ધરાવતી આવી અનેક વાતો શ્વાસની સાથે અંદર અને ઉચ્છવાસની સાથે બહાર આવતી હોય, ત્યારે ખાતરીપૂર્વક, ન જ કરવા જેવું કામ જો કોઈ હોય તો એ પ્રકાશન શરૂ કરવાનું.

અને એ અમે કર્યું. ચાર વર્ષ પહેલાં. શરૂઆત કરનારા અમે ચાર. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને ઉર્વીશ કોઠારી. ખ્યાલ એવો હતો કે લખનારાનું એક પ્રકાશન હોય. (આ વિચારમાં  અશ્વિનીભાઈની---અશ્વિની ભટ્ટની--સોબતની થોડી અસર પણ હોઈ શકે છે.)  દીપકને, ધૈવતને કે મારે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશકની મુશ્કેલી પડે તેમ ન હતી. પણ ખ્યાલ એવો હતો કે બીજાં પણ થોડાં ગમતાં પુસ્તક પ્રકાશિત કરી શકાય. કેટલાંક પુસ્તક એવાં હોય છે કે વ્યાવસાયિક પ્રકાશકોને તેમાં રસ ન પડે અને આપણને તે કરવાં (ફરજના અર્થમાં) ધર્મરૂપ લાગતાં હોય.  એવું કંઈ હોય તો કોઈને પૂછવાની કે કોઈની મંજૂરી લેવાની ન રહે અને સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકાય, એ માટે પ્રકાશન શરૂ કરવાનો વિચાર આવ્યો. (સાર્થક પ્રકાશનનો ઉલ્લેખ ધરાવતો પ્રતિલિપિ પરનો મારા ઇન્ટરવ્યુની લિન્ક )

પ્રકાશન શરૂ કરવાનાં કારણ એક-બે હતાં અને તે કેમ શરૂ ન કરવું જોઇએ, તેનાં કારણ (આરંભે જણાવ્યાં તેમ) ઘણાં હતાં. છતાં, લેખકો-મિત્રો દીપક-ધૈવતના સાથ, મિત્ર અને આર્થિક બાબતોના નિષ્ણાત એમ બન્ને ભૂમિકા એકસરખી ઉત્કટતાથી અદા કરનાર કાર્તિક શાહના ભારે સાથસહયોગ- માર્ગદર્શન તથા પુસ્તકક્ષેત્રની તમામ કળાઓના પારંગત અપૂર્વ આશરના સક્રિય સહકારથી આ સાહસ નામે સાર્થક પ્રકાશન શરૂ થઈ શક્યું.

એ વખતે ફક્ત પુસ્તક પ્રકાશનનો ખ્યાલ હતો, પણ મોટા ભાઈ બીરેન કોઠારી,  પરમ મિત્ર અમિત જોશી અને બીજા પણ થોડા મિત્રોના ઉત્સાહથી એક સામયિકનો વિચાર આવ્યો. તેમાંથી છ માસિક 'સાર્થક જલસો’નો જન્મ થયો અને જોતજોતાંમાં તે સાર્થકનું અત્યંત સંતોષ આપનારું કામ બની રહ્યું. આ મહિનાના અંતભાગમાં તેનો સળંગ આઠમો અંક આવશે. (સાર્થક જલસો વિશે સિડનીના સુરસંવાદ રેડિયોનાં આરાધના ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુની લિન્ક)

‘સાર્થક’નાં ચાર વર્ષ વિશે દીપકે તેમની અનોખી શૈલીમાં ફેસબુક પર લખ્યું છે. તે પ્રમાણે, પુસ્તકોના મામલે અમે કરવું જોઇએ એટલું કામ સંખ્યાની રીતે કરી શક્યા નથી. હજુ થોડાં વધારે પુસ્તક થઈ શકે એમ હતાં. આ વર્ષે અમે એ કસર સરભર કરવા કોશિશ કરી રહ્યા છીએ. એવી જ રીતે 'સાર્થક જલસો’ સારું વાચન ઝંખતા ઘણા મિત્રોને--અને વાચક તરીકે અમને પણ—જલસો પાડે છે.  દરેક 'જલસો' વખતે થતા લેખકો-સાથીદારો-વડીલોના મેળાવડામાં ક્યારેક રમેશ ઓઝા અને નીલેશ રૂપાપરા જેવા વડીલો-મિત્રો  છેક મુંબઈથી ચહીને આવે છે, તો અમદાવાદના ઘણા વડીલ ગુરૂજનો પ્રતિકૂળતાની પરવા કર્યા વિના અચૂક અને નિરાંતે હાજરી આપે છે. લેખન-પત્રકારત્વ-જાહેર જીવન-વિચાર જેવાં કેટલાંક ક્ષેત્રોના ઉત્તમ કહેવાય એવા અને ત્રણ પેઢીના પ્રતિનિધિ એવા મિત્રો-વડીલો એ અનૌપચારિક મિલનને ખરેખરો 'જલસો' બનાવે છે. આ પરમ સંતોષની સાથે એ વાત પણ ખરી કે પુસ્તકો અને 'સાર્થક જલસો’ આ બન્નેના પ્રચારપ્રસારમાં અમે અા ચાર વર્ષમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી.

યુવાન મિત્રો અનીશ દેસાઇ અને શર્મિલી પટેલના પ્રેમભાવથી સાર્થકની વેબસાઈટ શરૂ કરી, જેનું લોન્ચિંગ અમે (ગુજરાતના જાહેર જીવન અને લેખનમાં જેમનું નામ બહુ આદરપૂર્વક લેવાવું જોઇએ અને સાર્થક મિત્રમંડળમાં તેમનું એવું જ સ્થાન છે એવા) ચંદુભાઇ મહેરિયાના હાથે કરાવ્યું હતું.)  તેના કારણે ઓનલાઇન ઓર્ડરની વ્યવસ્થા ઉભી થઈ શકી. પરંતુ સાતત્યપૂર્વકના પ્રચારપ્રસારના અભાવે હજુ એવા ઘણા લોકો સુધી સાર્થકનાં પુસ્તકો અને 'સાર્થક જલસો’ની વાત પહોંચી નથી.  માટે, આવનારા વર્ષમાં અમે આ બન્નેની વાત વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છીએ છીએ.  તેના માટે તમારા, વધુ ને વધુ મિત્રોના સહકારની અને સૂચનોની માગણી અમે દોસ્તીદાવે કરીએ છીએ.

કેટલાક મિત્રો અમને પણ આનંદ અને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી સાર્થકનાં પુસ્તકો અને જલસોનો પ્રસાર કરી રહ્યા છે. તેમના અમે ફક્ત આભારી જ નથી.  તેમની આ ચેષ્ટા અમને કામ કરવાનું બળ પૂરું પાડે છે. કેમ કે, અમે પણ માણસ જ છીએ. આશા-નિરાશા, થાક-કંટાળો, ધીરજ-ખીજ જેવા અનેક લાગણીઓ ક્યારેક અમને પણ થતી હોય છે. એ વખતે એક તરફ સાર્થક દ્વારા થયેલા કામ પર અને બીજી તરફ આ મિત્રોની લાગણી પર નજર નાખવાથી અમારું તત્કાળ રિચાર્જિંગ થઈ જાય છે.

દીપકે તેમના લેખમાં 'સાર્થક' દ્વારા આ વર્ષે પ્રગટ થનારા એક મહત્ત્વના પુસ્તક તરફ ઇશારો કર્યો છે. તેમણે સસ્પેન્સ રાખ્યું છે, તો મારે પણ રાખવું જ પડે..બસ, જલસો-૮ સુધી રાહ જુઓ. તેમાં એક નહીં, બબ્બે મોટી જાહેરાતો સાર્થક પ્રકાશન દ્વારા થશે. આ બન્નેનો અમારે મન—અને અમને માથા સુધી ખાતરી છે કે ગુજરાતી વાંચનારાને મન—પણ ભારે મહિમા હોવાનો છે..બસ, વધુ ત્રણ અઠવાડિયાંની પ્રતિક્ષા.

'સાર્થક પ્રકાશન’ પહેલેથી વાચકોની રુચિ સંતોષવા ઉપરાંત તેમની રુચિ (અમારી સમજ પ્રમાણે) ઘડવામાં પણ માને છે. એટલે, 'સાર્થક જલસો’માં ઘણા બિનપરંપરાગત અને ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય વાંચવા ન મળે એવા અનોખા લેખો આવે છે. 'સાર્થક પ્રકાશન’નાં ઘણાં પુસ્તક પણ એટલા માટે જ વિશિષ્ટ હોય છે--અને એટલે જ તેના પ્રચારપ્રસારમાં તમે સૌ મિત્રો યથાશક્તિ મદદરૂપ થાવ એવી અપીલ અને અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારી મર્યાદામાં રહીને તમારા સુધી પહોંચવાના શક્ય એટલા પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.

સાર્થકના સૌ વાચકો-શુભેચ્છકો-મદદગારો-મિત્રો અને વડીલો સામે ભાવપૂર્વક માથું ઝુકાવીને આદર વ્યક્ત કરીએ છીએ

સાર્થક પ્રકાશનના આરંભની વાત વાંચવા માટેની લિન્ક
સાર્થક પ્રકાશન ઉત્સવ-1
સાર્થક પ્રકાશ ઉત્સવ-2
સાર્થક પ્રકાશન ઉત્સવ-3
સાર્થક પ્રકાશન ઉત્સવ-4
સાર્થક પ્રકાશન ઉત્સવ-5

1 comment:

  1. ઉર્વીશ ભાઈ કોઠારી,'સાર્થક જલસો અને સાર્થક પ્રકાશન' અંગે નો તમારો લેખ વાંચ્યો.
    તમારા જેવા ગુજરાતી-ભાષા પ્રેમી લેખકો અને પત્રકારો જે રીતે માતૃભાષાને જે ઉત્તેજન અને વધુમાં વધુ ગુજરાતીઓ વાંચે અને નવોદિત લેખકોને પણ પોતાના સાહિત્ય પ્રકાશનમાં વધુ તકો આપો છો અને આપતા રહેશો તેની ઘણી ખુશી છે.
    તમારા મિત્રોએ અને તમે જે 'યજ્ઞ પ્રયોગ' શરુ કર્યો તેમાં
    તમને એક યા બીજી રીતે ગુજરાતી વાંચકો તેમાં ચોક્કસ પોતાની વાંચન પ્રવૃત્તિદ્વારા સહાય કરતા રહેશે તેવી મારી શુભેચ્છા છે.
    ગુજરાતીમાં ઘણું સારું સાહિત્ય લખાય છે પણ પ્રકાશકો દ્વારા
    નવા લેખકો ને જલ્દી 'તક' નથી અપાતી તે ફરિયાદ તમારા જેવા સમજે પણ છે.
    આપણે એવી આશા રાખીએ કે એક દિવસ કોઈ એવો આવે કે ગુજરાતી લેખક માનવ હાર્દની સંવેદના,આનંદ અને રોષની લાગણીઓ પોતાના લેખનમાં ઉતારે અને દુનિયાના લોકોને આ અનુભવની તક મળે.(જેથી નોબેલ પારિતોષિક જીતી જવાનું પણ બને!)
    તમારો કાર્યક્રમ પૂરી સફળતાથી જાય તેવી શુભભાવના પાઠવી છીએ.

    ReplyDelete