Sunday, April 16, 2017

દાદા ધર્માધિકારીનું લોકશાહી-ચિંતનઃ નાગરિક કોને જવાબદાર?

દાદા ધર્માધિકારીના લોકશાહી વિશેના કેટલાક વિચારોની ગયા સપ્તાહે વાત કરી હતી. બીજા ચિંતકો અને ગાંધીજનોની સરખામણીમાં દાદાનું સુખ એ છે કે તે સરેરાશ ગાંધીવાદીઓની ખાસિયત બની ગયેલા દંભથી દૂર રહ્યા હતા. અહીં જેની વાત કરવાની છે એ વિચાર તેમણે ૧૯૬૧માં આપેલાં પ્રવચનમાં વ્યક્ત કર્યા હતા--અને ત્યારે કોંગ્રેસનો-જવાહરલાલ નેહરુનો સૂરજ ધખતો હતો ત્યારે પણ દાદાને લોકશાહી વિશે ચિંતા-ચિંતન કરવાપણું લાગ્યું હતું. તેમની ખેવના એ હતી કે નેતાઓ અને પક્ષો અગત્યના નથી. મહત્ત્વની છે લોકશાહી અને તેમાં રહેલા લોક.

લોકશાહીનો વિચાર પશ્ચિમમાંથી આવ્યો છે અને એ ભારતીય નથી, તે સ્વીકારવામાં દાદાને નથી ખચકાટ, નથી ગૌરવ. તેમને એ વાતનો આનંદ હતો કે સમાજના નીચલામાં નીચલા સ્તરના લોકોની તમા કરતો લોકશાહી જેવો વિચાર ભારતમાં આવ્યો. લોકશાહીમાં લોક એટલે ખેડૂતો ને મજૂરો--એવી સામ્યવાદ પ્રેરિત સમજણ પણ આ ગાંધીવાદીને બહુ વહાલી લાગતી હતી. તેમને પક્ષનો કે વિચારધારાનો કશો બાધ ન હતો. તેમને લોકની પરવા હતી અને તે લોકશાહીના ચોકઠામાં રુંધાવાને બદલે કેવી રીતે વધારે મજબૂત બને, એ તેમનું મુખ્ય લક્ષ્ય. એટલે જ, લોકશાહી ચૂંટણીકેન્દ્રી કે પક્ષકેન્દ્રી બની જાય તેની સામે એમનો વિરોધ હતો. છેક ૧૯૬૧માં તેમણે કહ્યું હતું, ’અમે ભૂદાનવાળા પણ કંઈ દૂધમાં ધોયેલા નથી. અમે પાંચ કરોડ એકર જમીન મેળવવાનો સંકલ્પ કરેલો. જમીન પ્રાપ્ત થતી ગઈ, પણ દિલ બદલવા તરફ ધ્યાન ન અપાયું. હવે આજે રોઈ રહ્યા છીએ કે જમીન તો ખડકાઈ ગઈ, પણ લોકોના હૃદયનો કણમાત્ર હાથ ન આવ્યો.’ આવું ચૂંટણીમાં ન થાય અને ચૂંટણી જીતવાની-મત એકઠા કરવાની લ્હાયમાં લોકોને કેળવવાનું બાજુ પર ન રહી જાય, તે માટે દાદાએ ચેતવણી આપી હતી.

એક બાબતે દાદા બહુ સ્પષ્ટ હતાઃ મતયાચક- લોકોના મતની ભીખ(કે કૃપા) માગવા નીકળેલો માણસ લોકોનું ઘડતર ન કરી શકે. ચૂંટણી અને લોકશાહીના નામે ચાલતી પક્ષીય વફાદારી પણ ઘણી હદે અનિષ્ટકારી છે. એ સમયે બધા નેતાઓ પોતપોતાના પક્ષને મજબૂત બનાવવાની વાત કરતા હતા. તેનાથી ચોક્કસ સમુદાયો બળવાન થતા હતા. તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એવી દલીલ થતી હતી કે 'પક્ષ કે મજબુત થશે, તો લોક આપોાપ મજબૂત થશે.’ પરંતુ વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે એવું બનતું નથી. કોંગ્રેસે આટલાં વર્ષ મુસ્લિમો કે દલિતોની ભેર તાણવાના દાવા કર્યા. પણ તેમના માટે એ મહદ્ અંશે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા હતી. એટલે સામાન્ય દલિત કે મુસ્લિમનું સશક્તિકરણ ન થયું. ઉલટું, અોળખોની અણી વધારે નીકળી. ભાજપ એવી જ રીતે હિંદુ હિતની વાત કરે છે. પક્ષ કે જૂથ પ્રત્યેની વફાદારી સરવાળે રાષ્ટ્રની જ વફાદારી છે, એવા ચાલાકીથી ભરમાવા જેવું નથી. દાદાએ કહ્યું હતું,’જૂથવાદ માનવીય મૂલ્યો વિશે અંધ હોય છે. એને પોતાના સિવાય બીજા કશા રંગ દેખાતા નથી...સાધારણ નાગરિક જે નિષ્પક્ષ છે, તે પક્ષાપક્ષીની દુનિયામાં ભૂલો પડ્યો છે. બધા અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગયા છે અને જે બાકી રહ્યા છે તે સામાન્ય નાગરિક છે. ’

દાદાએ કહ્યું કે ધર્મોમાં પણ રાજકીય પક્ષ જેવી જ સ્થિતિ પ્રવર્તે છે. ‘મુસલમાનને પૂછો તો કહેશે કે માનવીય સમાનતાની વાત જેવી ઇસ્લામ ધર્મમાં કહી છે, એવી બીજા કોઈ ધર્મમાં નથી કહેવાઈ. ખ્રિસ્તીઓને પૂછીશું તો કહેશે કે અમારા ધર્મમાં તો ઇશ્વર અમારો પિતા છે ને મનુષ્ય માત્ર અમારા ભાઈ છે. હિંદુ ધર્મ કહેશે કે અમે તો ઘટઘટમાં ઇશ્વર જોઇએ છીએ. પથ્થરથી માંડી મનુષ્ય સુધી બધામાં ભગવાન છે. અમારો તો અધિક સમતાનો ધર્મ છે. પણ જ્યારે આ બધા પોતપોતાના સંગઠન બનાવે છે ત્યારે શું થાય છે?’ સવાલનો જવાબ આપણે બરાબર જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ.

પરંતુ પક્ષનિષ્ઠા, પક્ષ પ્રત્યેની શિસ્તબદ્ધ વફાદારી વિના પક્ષોનું અસ્તિત્વ કેવી રીતે ટકે? અને પક્ષો વિના લોકશાહીનું શી રીતે ચાલે? તેનો દાદા પાસે ચોખ્ખો અને આકરો જવાબ હતો. દાદા નાતજાતના ભેદભાવમાં માનતા ન હતા. એટલે દલિતો સાથે ભોજન કરવા બેઠા ત્યારે તેમના દાદાએ ઠપકો આપ્યો કે આવું ને આવું કરશે તો નાતજાત રહેશે નહીં અને તેના વગર સમાજ પણ શી રીતે ટકશે? ત્યારે દાદા ધર્માધિકારીએ કહ્યું કે બીજા એકેય ધર્મમાં નાતજાત નથી. છતાં સમાજ છે જ. એટલે નાતજાત વિનાનો સમાજ ટકી જ શકે. એવી રીતે, પક્ષ ન હોય તો પણ લોકશાહી ટકી જ શકે. ઉલટું, દાદાએ ભારપૂર્વક કહ્યું, ‘પક્ષનિષ્ઠા, સંપ્રદાયનિષ્ઠા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લોકનિષ્ઠા ક્ષીણ થતી જશે.’

ફરી ફરીને યાદ કરવું પડે છે કે અહીં આપેલા દાદાના વિચારો દાદાએ ૧૯૬૧માં પ્રવચનસ્વરૂપે કહ્યા હતા, જેને યજ્ઞ પ્રકાશન (વડોદરા) દ્વારા વિશ્લેષણ જેવા સીધાસાદા મથાળા હેઠળ ગ્રંથસ્થ કરવામાં આવ્યા. તેથી બીજાં ઘણાં ઉત્તમ પ્રવચનોની જેમ, આ પ્રવચનો વાહવાહી પછી હવામાં ઉડી જવાને બદલે પાંચ દાયકા પછી પણ વિચારભાથું પૂરું પાડવા માટે ઉપલબ્ધ બન્યાં. એ વખતે દાદાએ કહ્યું હતું, ‘પક્ષીય નેતાઓને મેં અપ્રામાણિક નથી માન્યા, પક્ષનિષ્ઠ માન્યા છે. એમને સૌને મારું નિવેદન છે કે તમે સૌ મળીને વ્યાપક નાગરિકતાનું સંરક્ષણ કરો. આજે એ શક્ય નથી બનતું. કારણ કે આજે સત્તાની સ્પર્ધા ચાલે છે. જે પોતાની તરફેણમાં લોકમત ઊભો કરી દે તે રાજ્યસત્તાનો પ્રતિસ્પર્ધી બની શકે છે.’

લોકશાહીમાં ઉત્તરદાયિત્વનું મહત્ત્વ સમજાવતાં દાદાએ કહ્યું હતું,’લોકશાહીમાં એક વાર ચૂંટાઈ ગયા પછી તે પ્રતિનિધિ આખા ક્ષેત્રનો ગણાય છે. જેણે એને મત ન આપ્યો હોય કે એની વિરુદ્ધ મત આપ્યો હોય તેનોય તે પ્રતિનિધિ ગણાય છે. છતાં તે આજે પોતાના પક્ષને જવાબદાર છે. પ્રતિનિધિ આખા ક્ષેત્રનો અને જવાબદાર પોતાના પક્ષને. આથી સુપ્રીમસી ઓફ વોટર્સ—મતદારોની અંતિમ સત્તા કલુષિત થાય છે, દૂષિત થાય છે.’

પ્રતિનિધિ નાગરિકને જવાબદાર, પણ નાગરિકનું શું? તેનો જવાબ છેઃ નાગરિકોનું ઉત્તરદાયિત્વ એકમેક પ્રત્યે હોય. દરેક નાગરિક પોતાના પાડોશીને જવાબદાર હોય.  એક નાગરિકનો સંરક્ષક બીજો નાગરિક જ બની શકે, પોલીસ કે ફોજનો સિપાહી નહીં. દાદાના મતે નાગરિક સંખ્યા ન બને અને વ્યક્તિ જ રહે, એ જરૂરી છે. ‘સમુદાયને એકમ માનવો એ વ્યક્તિનું અપમાન છે. સામ્યવાદે વર્ગને એકમ માન્યો, કુટુંબવાદીઓએ કુટુંબને એકમ માન્યું, જાતિવાદીઓએ જાતિને એકમ માની. માં વ્યક્તિનું કોઈ સ્થાન ન રહ્યું.’

રાજકીય પક્ષો સામે મીટ માંડવાને બદલે નાગરિકોમાં પરસ્પર જવાબદારીની-ઉત્તરદાયિત્વની લાગણી પેદા કરવી તે 1961માં પણ પડકાર હતો અને 2017માં વધુ મોટો પડકાર છે.

2 comments:

  1. Enter your comment... बन्ने लखाण सरस छे. युवानीमां डगला मांडतानी साथेज तरुण शांति सेनाना शिबिरोमां अमने दादा साथे रहेवानो अने आवा विचारो-विश्लेषण सांभळ्वानो लहावो मळ्यो. ते भातुं हजी पण सांप्रत परिस्थिति ने समजवामां काम लागे छे.

    ReplyDelete
  2. Anonymous9:33:00 PM

    Analysis are true and relevant, but pending by all stake-holder(s) and citizens of all religions as well as elected government:

    કોંગ્રેસે આટલાં વર્ષ મુસ્લિમો કે દલિતોની ભેર તાણવાના દાવા કર્યા. પણ તેમના માટે એ મહદ્ અંશે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા હતી. એટલે સામાન્ય દલિત કે મુસ્લિમનું સશક્તિકરણ ન થયું. ઉલટું, અોળખોની અણી વધારે નીકળી. ભાજપ એવી જ રીતે હિંદુ હિતની વાત કરે છે. પક્ષ કે જૂથ પ્રત્યેની વફાદારી સરવાળે રાષ્ટ્રની જ વફાદારી છે, એવા ચાલાકીથી ભરમાવા જેવું નથી;

    દાદાએ કહ્યું કે ધર્મોમાં પણ રાજકીય પક્ષ જેવી જ સ્થિતિ પ્રવર્તે છે. ‘મુસલમાનને પૂછો તો કહેશે કે માનવીય સમાનતાની વાત જેવી ઇસ્લામ ધર્મમાં કહી છે, એવી બીજા કોઈ ધર્મમાં નથી કહેવાઈ. ખ્રિસ્તીઓને પૂછીશું તો કહેશે કે અમારા ધર્મમાં તો ઇશ્વર અમારો પિતા છે ને મનુષ્ય માત્ર અમારા ભાઈ છે. હિંદુ ધર્મ કહેશે કે અમે તો ઘટઘટમાં ઇશ્વર જોઇએ છીએ. પથ્થરથી માંડી મનુષ્ય સુધી બધામાં ભગવાન છે. અમારો તો અધિક સમતાનો ધર્મ છે. પણ જ્યારે આ બધા પોતપોતાના સંગઠન બનાવે છે ત્યારે શું થાય છે?’;
    રાજકીય પક્ષો સામે મીટ માંડવાને બદલે નાગરિકોમાં પરસ્પર જવાબદારીની-ઉત્તરદાયિત્વની લાગણી પેદા કરવી તે 1961માં પણ પડકાર હતો અને 2017માં વધુ મોટો પડકાર છે.

    ReplyDelete