Friday, April 14, 2017

લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તાનો તફાવતઃ દાદા ધર્માધિકારીની નજરે

ગાંધીજીની આસપાસ એકઠા થયેલા લોકોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક—એમ અનેક ક્ષેત્રના ધુરંધરોનો સમાવેશ થતો હતો. વિદ્વત્તામાં અથવા કાર્યકુશળતામાં અથવા બન્નેમાં તેમની પ્રતિભા એટલી મોટી કે ગાંધીજી વિના પણ તે જાહેર જીવનમાં ઝળકી ઉઠે. પરંતુ એ સૌએ સ્વેચ્છાએ ગાંધીજીના સાથી થવાનું સ્વીકાર્યું. મહાદેવભાઈ જેવા અપવાદોને બાદ કરતાં ઘણા સાથીદારો એવા કે ગાંધીજી સાથે બધી વાતમાં સંમત ન હોય. પોતાના સ્વતંત્ર વિચાર અને વિચારશક્તિ તેમણે જાળવ્યાં હોય. છતાં ગાંધી પ્રત્યે તેમનો ભાવ અનન્ય હોય. ગાંધીજીના આવા વિશિષ્ટ સાથીદારોમાંના એક એટલે દાદા ધર્માધિકારી. સગવડપૂર્વક તેમની ઓળખાણ ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રખર વક્તા ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે આપી શકાય. તેમની આત્મકથા  'મનીષીની સ્નેહગાથા’ ગાંધીઘરાણાના સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
Dada Dharmadhikari/ દાદા ધર્માધિકારી

દાદા ધર્માધિકારીની વિશિષ્ટતા એટલે તેમનું ધારદાર, મૌલિક અને જમીન સાથે જોડાયેલું ચિંતન.  ગાંધીમૂલ્યોને છોડ્યા વિના, પણ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ભારતની લોકશાહી કેમ મજબૂત બને, તે દાદાના ચિંતનનો એક મહત્ત્વનો વિષય હતો. ભારતને આઝાદી મળી ગઈ, પણ ત્યાર પછી પ્રજાનું નાગરિકી ઘડતર કરવાનું કામ બાકી રહી ગયું--એવો એકરાર કહો તો એકરાર ને આલોચના કહો તો આલોચના આચાર્ય કૃપાલાણી જેવા ઘણા ગાંધીજનોને કરવાની આવી.  આ સંદર્ભે આઝાદીને માંડ દોઢ દાયકો પણ થયો ન હતો, ત્યારે દાદા ધર્માધિકારીએ કેટલાંક પ્રવચન આપ્યાં હતાં. તેમણે 1961માં આપેલાં આ પ્રવચન વડોદરાનાં યજ્ઞ પ્રકાશને 'વિશ્લેષણ’ એવા સામાન્ય મથાળા સાથે છાપ્યાં. બની તો એ માંડ 130 પાનાંની પુસ્તિકા, પણ તેમાં રહેલું વિચારભાથું  સાડા પાંચ દાયકા પછી એટલું જ તાજું ને પ્રસ્તુત છે. એક રીતે એ કમનસીબી પણ ગણાય. કારણ કે નાગરિકઘડતરનો અધૂરો એજેન્ડા આ પુસ્તિકા બહાર પાડ્યા પછી પણ પૂરો ન થયો. બલ્કે, આઝાદીના આંદોલન અને ગાંધીયુગની હવાના થોડાઘણા સંસ્પર્શ પણ નેસ્તનાબૂદ થયા.

લોકશાહી ચૂંટણીમાં સમાઈ જતી નથી અને સરકાર-વિરોધ પક્ષોની રાજકીય લડાઈમાં લોકોનો કશો શક્કરવાર વળવાનો નથી, એ બાબતની ચિંતા અને ચિંતન દાદાનાં પ્રવચનોમાં ચોટદાર રીતે જોવા મળે છે. સૌથી પહેલાં તો તેમણે લોકશાહી, લોકરાજ્ય અને લોકસત્તા--એ ત્રણ શબ્દોના અર્થ જુદા પાડ્યા--અને એમ કરવામાં કશી શબ્દાળુતા, ચાવળાશ કે ચબરાકી ન હતી. લિંકનને ટાંકીને લોકશાહીની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યુંં કે તેમાં તંત્ર સંપૂર્ણપણે લોકોના હાથમાં હોય. લોકરાજ્યને તેમણે આ રીતે સમજાવ્યુંઃ લોકોનું, પોતાના ઉપર, પોતાના દ્વારા ચાલતું રાજ્ય. પરંતુ લોકસત્તાની વ્યાખ્યા આટલી સીધી કે સહેલી નથી. તેમના મતે, લોકસત્તા એ છે, જેમાં લોકોનું અસ્તિત્વ અભિવ્યક્ત થાય છે. ‘રાજ્યપદ્ધતિ એ એક ચીજ છે, તંત્ર એ વળી બીજી ચીજ છે અને લોકોની સત્તા, તેમનું અસ્તિત્વ સર્વ જગ્યાએ પ્રતીત થાય એ બિલકુલ અલગ ચીજ છે.’

ઇતિહાસમાં જઇને દાદા કહે છે, ‘આપણા દેશમાં આજે જે લોકશાહી છે એનો આરંભ અંગ્રેજોના આગમન બાદ થયો, એ વાતનો નમ્રભાવે સ્વીકાર કરવો જોઇએ... જેની પરંપરામાં ક્યાંય આ પ્રકારની લોકસત્તા નહોતી, જેની પરંપરામાં ધર્મનિરપેક્ષ સત્તા કદી હતી જ નહીં, જેની પરંપરાએ બધા માણસને એક સ્તર પર માન્યા જ નહોતા, એવી પ્રજાએ વગર વિરોધ અનાયાસ આ લોકસત્તાનો સ્વીકાર કરી લીધો, એ અદભૂત ઘટના છે. એનું શ્રેય આપણા નેતાઓને છે. ’

આમ, લોકશાહી ભારતની પરંપરામાં નથી એ દર્શાવ્યા પછી પણ, તેની ઇચ્છનીયતા વિશે દાદાના મનમાં જરાય અવઢવ નથી. એવી જ રીતે, સામ્યવાદી ન હોવા છતાં દાદા કહે છે,’સામ્યવાદી પક્ષે સૌ પ્રથમ લોક શબ્દને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો. ‘લોક’ શબ્દ આટલો વ્યાપક માર્કસવાદી વિચાર પહેલાં કદી નહોતો. આ 'લોકો'એટલે કોણ? વિવેકાનંદે દરિદ્રનારાયણ શબ્દનો પ્રયોગ કર્યો. ગાંધીએ પણ કહ્યું કે આ દેશનો આરાધ્યદેવ દરિદ્રનારાયણ છે. લોકમાન્ય તિલકે જનતાત્માને પરમેશ્વર કહ્યો. પરંતુ સૌ પ્રથમ સામ્યવાદીઓએ કહ્યું કે દેશના ખેડૂત અને મજૂર એ 'લોક’ છે. લોકસત્તાનું સિંહાસન ખેડૂત અને મજૂરનું છે. આવું પહેલાં કોઇએ નહોતું કહ્યું.’

લોકની આ સમજ સ્પષ્ટ કર્યા પછી દાદાને છેક 1961માં ભારતની લોકશાહીમાંથી 'લોક'ખોવાયેલા લાગે છે.  માર્મિક શબ્દોમાં દાદા કહે છે, ‘આ કંઇક એવો લગ્નોત્સવ છે, જેમાં જાન તો આવી ગઈ છે, પણ વરરાજાનો જ પત્તો નથી. જાનૈયા ખુશ થઈ રહ્યા છે, આતશબાજી થઈ રહી છે, મહેફિલો ઊડી રહી છે, પણ વરરાજા ખોળ્યો જડતો નથી...આજની લોકશાહીમાં બધાય નજરે ચઢે છે, માત્ર 'લોક'નો પત્તો નથી. ’

લોકશાહી અથવા વધારે સાચી રીતે કહેવું હોય તો લોકસત્તા દૃઢ કરવામાં રાજકીય પક્ષો શો ભાગ ભજવી શકે? દાદાએ કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ જેવા પક્ષોનાં સારા તત્ત્વોનો ઉલ્લેખ કર્યો  અને તેની મર્યાદાઓ પણ ચીંધી. પ્રજા સમાજવાદી પક્ષે સમાજવાદ અને લોકશાહીનો સમન્વય સ્વીકાર્યો એટલો જશ આપીને તેમણે લખ્યું કે 'સમાજવાદ અને લોકશાહીનો આવો સમન્વય કરવાની ભૂમિકા સમાજવાદના અગ્રદૂત જવાહરલાલની રહી છે પણ જવાહરલાલના પક્ષની નહીં.’  સાડા પાંચ દાયકા પહેલાંના રાજકીય પક્ષો દાદાને તેમની ભૂમિકામાં ઊણા ઉતરતા લાગતા હોય, તો પછી એ દિશામાં સતત અને ઝડપી આગેકૂચ થઈ છે. પરંતુ લોકસત્તાને બદલે લોકશાહી અને લોકશાહીને પણ ચૂંટણીશાહી બનાવી દેવાની સમસ્યા દાદાએ આગોતરી પારખી અને તેનું ચોટડૂક નિદાન પણ કર્યું, જે તેમનાં પ્રવચનમાં જણાય છે.

દાદા કહે છે,  'આ દેશના બધા પક્ષોએ લોકોને ઘરાક માની લીધા છે. તેઓ એમ માને છે કે અમે રાજ્યકર્તા છીએ, વ્યવસ્થાપક છીએ અને જેમની વ્યવસ્થા કરવાની છે, તેનું નામ લોક છે. પરિણામે સામાન્ય માણસ ઇતિહાસનો એજન્ટ---ઇતિહાસને અસર કરનારને બદલે ઇતિહાસનો ઓબ્જેક્ટ- ઇતિહાસનો (નિષ્ક્રિય) વિષય બની ગયો છે. ઇતિહાસ રચવાનાં સાધન જેના હાથમાં રાજસત્તા છે તેના હાથમાં જતાં રહ્યાં છે. '

તો પછી લોકોને આ નિષ્ક્રિયતામાંથી કેવી રીતે બહાર કાઢવા? રાજકીય પક્ષોની વફાદારી લોકસત્તા માટે કેટલી હાનિકારક છે? અને રાજકીય પક્ષો રાજકારણ માટે અનિવાર્ય છે?  વ્યાવસાયિક નીતિમત્તા ચડે કે વ્યક્તિગત નીતિમત્તા? આવા ઘણા મહત્ત્વના મુદ્દાની દાદા ધર્માધિકારીએ કરેલી ચર્ચા હવે પછી.

1 comment:

  1. હિન્દુસ્તાનના નબળા અને ગરીબ વર્ગને તો નેતાઓના ભાષણોજ 'ખોરાક'માં મળ્યા છે,દરેક આવતા નવા નેતા પણ ગરીબીનો ખાત્મો કરવાનું પ્રણ(હોડ) કરતા હોય છે પણ જયારે સત્તા મળી જાય છે ત્યારે આ બબૂચકો બધું ભૂલી જતા હોય છે,જેના દાખલા અનેક છે કોઈના નામ લઈને તેમને વધુ કુખ્યાતિ આપવાનું જરૂરી લાગતું નથી,કેમકે આ બધા આપમેળે 'ગવાઈ' જતા હોય છે.
    નાગરિક ઘડતરનો પ્રશ્ન આજે પણ ઉભો છે.જાજી સ્કૂલો કે કોલેજોથી એમ નાગરિક ઘડતર પણ નથી થતું અગર જો ઘડતર થયું હોત તો આજે જે
    લાંચ રુશ્વત/લાગવગશાહી/સગાંવાદ
    દેશમાં ફાલ્યોફૂલ્યો છે તે નાં હોત.

    ReplyDelete