Wednesday, April 19, 2017

અશાંતિના 'અપશુકન' કરાવતું મહાસત્તાઓનું ત્રેખડ

જેમ્સ બોન્ડની ફિલ્મોના વિશ્વનું એક સુખ હતુંઃ બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા-અમેરિકા વચ્ચેના શીતયુદ્ધનો જમાનો, પરમાણુ હથિયારોથી સજ્જ માથાભારે મહાસત્તા રશિયાની વિલનગીરી અને ત્રીજું વિશ્વયુદ્ધ-દુનિયાની તબાહી અટકાવવા મેદાને પડેલાં બ્રિટન-અમેરિકા. સોવિયેત રશિયાના વિઘટન પછી તેના મહાસત્તા તરીકેના દબદબાનો અંત આવ્યો. દ્વિધ્રુવી વિશ્વમાં ફક્ત એક જ ધ્રુવ રહી ગયોઃ અમેરિકા.  ત્યાર પછીની બોન્ડ ફિલ્મોમાં ઉત્તર કોરિયા જેવા દેશોનો વિલન તરીકે પ્રવેશ થયો, જેના ઘાતકી અને સત્તાલોભી સરમુખત્યારો આધુનિક ટેકનોલોજીની મદદથી વિનાશ વેરવા માગતા હોય.

પરંતુ હવે જેમ્સ બોન્ડ પણ ગુંચવાઈ જાય એવા સંજોગો વાસ્તવિક વિશ્વમાં પેદા થયા છે. બોલ્યા પ્રમાણે કરી બતાવવું એ હંમેશાં સદગુણ નથી હોતો--એવો બોધપાઠ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઉપરથી મળ્યો છે. ટ્રમ્પનું ચરિત્ર જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલન તરીકે આબાદ બંધ બેસે એવું છેઃ ફક્ત બેફામ બોલવાની રીતે નહીં, રીઆલીટી ટીવી સ્ટાર અને અબજોપતિ તરીકે સાવ નજીકના ભૂતકાળમાં તેમનાં કારનામાંથી પણ.

જેમ કે, રેસલિંગ (કુસ્તી)ના નામે ચાલતા ફારસમાં દસ વર્ષ પહેલાં ટ્રમ્પ અને બીજા અબજપતિ મેકમોહને શરત મારી કે તેમના પહેલવાનો લડે અને જેનો પહેલવાન જીતે તે અબજપતિએ સામેવાળા અબજપતિનો ટકો કરવાનો. ટ્રમ્પનો પહેલવાન જીતી ગયો. એટલે ટ્રમ્પ અને તેમના પહેલવાને ભેગા મળીને મેકમોહનને ખુરશી પર બાંધીને અસ્ત્રા વડે તેમનો જે રીતે ટકો કર્યો, તે દૃશ્યો જોવાલાયક છે. એમ કરતાં પહેલાં ટ્રમ્પ જે રીતે મેકમોહન પર ધસી જાય છે અને તેમને પછાડીને મુક્કા મારે છે એ દૃશ્ય, જોયા પછી પણ માનવાનું મન ન થાય એવું છે.  કબૂલ કે અમેરિકાના મનોરંજન જગતમાં આવું બધું ચાલતું હોય છે, પણ છીછરી હરકતોમાં આટલી હોંશથી ભાગ લેનાર ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે એ ગળે ઉતારવું અઘરું છે. (Youtubeમાં Trump, Macmohan, Shaving આ ત્રણ શબ્દો નાખવાથી એ ધન્ય ક્ષણો જોવા મળશે.)

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલનગીરીના મજબૂત દાવેદાર તરીકે ટ્રમ્પ એકલા નથી.  પુતિનના શાસન હેઠળ રશિયા ફરી એક વાર બોન્ડ ફિલ્મોમાં વિલનનો પાઠ મેળવી શકે એવું બન્યું છે. રશિયા અમેરિકા જેટલું સમૃદ્ધ નથી, પણ તેના પ્રમુખ પુતિન દાંડાઈ, મહત્વાકાંક્ષા અને ચબરાકીના કાતિલ સંયોજન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)માં 'વીટો' ધરાવે છે. તે ગમે તેવા દાંડ દેશનું ઉપરાણું લઈને, તેના વિરોધમાં થતા આંતરરાષ્ટ્રીય ઠરાવોનો વીંટો વાળી શકે છે. માથાભારે પુતિને સોવિયેત રશિયાના ભૂતપૂર્વ ઘટક જેવા યુક્રેન અને ક્રિમીયામાં લશ્કરી જોરજબરદસ્તીથી અડિંગા જમાવ્યા છે. ઓબામાના શાસન હેઠળ અમેરિકાએ તેમની સામે પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર પછી પ્રમુખપદની ચૂંટણી વખતે પુતિન (સ્વાભાવિક કારણોસર) ટ્રમ્પના પ્રશંસક હતા. તેમને લાગતું હતું કે ટ્રમ્પ સાથે તેમનું બરાબર ભળશે અને રશિયા-અમેરિકાની વર્ષોજૂની હુંસાતુંસી સમાપ્ત થશે. ટ્રમ્પના પુતિન સાથેના સંબંધ હંમેશાં આરોપોનો વિષય રહ્યા છે. પુતિને અમેરિકાની ચૂંટણીમાં રસ લઈને દૂરથી શક્ય એટલો દોરીસંચાર કર્યો હોવાનો આરોપ છે.  ટ્રમ્પ અને પુતિનની જુગતજોડી શરૂઆતમાં તો જામી હોય એવું લાગ્યું હતું. સિરીયના આંતરિક યુદ્ધે તેમને જાહેર દોસ્તી માટેની તક પૂરી પાડી.

સિરીયામાં 2011થી શરૂ થયેલા આંતરયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે,  લાખો જીવ બચાવવા માટે પહેરેલા કપડે સિરીયા છોડીને નિરાશ્રિત તરીકે ભાગ્યા છે. છતાં હજુ યુદ્ધનો અંત આવતો નથી. તેમાં એક તરફ સરમુખત્યાર-પ્રમુખ અસદ છે. તેની સામે વિરોધ કરનાર સ્થાનિક વિદ્રોહીઓ છે અને ત્રીજો પક્ષ છે ત્રાસવાદી સંગઠન ISIS. આ ત્રણે પક્ષો એકબીજા સામે લડે છે અને તેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે.  આટલો ગુંચવાડો ઓછો હોય તેમ, વિશ્વના દેશોએ સિરીયાને પોતાની ચોપાટનું મેદાન બનાવી દીધું છે. કારણ કે અખાતી દેશો પાસે જે નથી, તે દરિયાકિનારો અને એ રસ્તે યુરોપ સાથે વેપાર કરવાની તક સિરીયા પાસે છે.

ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો પગદંડો રાખવા માટે રશિયાને સિરીયામાં રસ છે. તે પહેલેથી અસદની પડખે રહ્યા છે અને સક્રિય લશ્કરી ટેકો પૂરો પાડ્યો છે. ઇરાન-ઇરાક-સિરીયાની શિયા મુસ્લિમ ધરી સાથે રહેલા પુતિન ઇરાનના ગેસભંડારોને યુરોપ સુધી પહોંચાડતી પાઇપલાઇનમાં રસ ધરાવે છે, ગેસના મોટા ભંડાર ધરાવતું રશિયા પણ યુરોપના દેશોને મોટા પ્રમાણમાં ગેસનો પુરવઠો પૂરો પાડે છે.  ઇરાન-ઇરાક-સિરીયાની ધરી તેમની સાથે મળી જાય, તો તેમની તાકાત અનેક ગણી વધી જાય. આ ઉપરાંત ISIS અને ઇસ્લામના નામે ચાલતો આતંકવાદ ઘરઆંગણે ન પહોંચે તેનો પણ ખ્યાલ પુતિનને હોવાનું કહેવાય છે.

અલબત્ત, સિરીયામાં રહેલાં રશિયાનાં દળો ફક્ત ISISની જ નહીં, અસદવિરોધી બળવાખોરોની પણ સામે છે. અસદ પર પોતાના નાગરિકો સામે રાસાયણિક શસ્ત્રો વાપરવાનો આરોપ પહેલી વાર મુકાયો, ત્યારે તત્કાલીન પ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે અસદે 'હદ (રેડ લાઇન) ઓળંગી છે.’ ત્યારે રશિયાએ સિરીયાનાં રાસાયણિક શસ્ત્રો મૂકાવીને, વૈશ્વિક મહાસત્તા તરીકે નવેસરથી ઊભી થઈ રહેલી પોતાની ભૂમિકાને ઘાટી કરી આપી હતી. સિરીયાના મુદ્દે ટ્રમ્પ-પુતિન એક થવાની હવા બંધાઈ હતી, પણ ટ્રમ્પે રાસાયણિક શસ્ત્રો વાપરવાના આરોપસર સિરીયા પર મિસાઇલ હુમલો કરાવ્યા પછી, બન્ને વચ્ચેના સંબંધ તળીયે પહોંચ્યા છે--અને બન્ને પક્ષો તરફથી એ મતલબનાં જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યાં છે. આમ, જે સિરીયાના મુદ્દે રશિયા-અમેરિકા ભેગાં થાય તેમ હતાં, એ જ સિરીયાને આગળ કરીને રશિયા-અમેરિકા લડી પડે એવી સંભાવના ઊભી થઈ છે.

અને આ કમઠાણમાં હજુ ઉત્તર કોરિયા-ચીનની વાત તો કરી જ નથી. અમેરિકાને ગાંઠ્યા વિના પરમાણુશસ્ત્રોના માર્ગે આગળ વધી રહેલું ઉત્તર કોરિયા ફક્ત ચીનનું થોડુંઘણું સાંભળતું હોવાની છાપ છે. એટલે, ટ્રમ્પ ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા માટે તે ચીનનો સાથ ઇચ્છે છે. આમ કરીને તેમણે બે મોટા નીતિપલટા માર્યા છેઃ એક તો, ચૂંટણીપ્રચાર વખતે તેમણે ચીન પર અમેરિકાની નોકરીઓ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને બીજો વધારે ગંભીર આરોપ અમેરિકાની ચીજવસ્તુઓની નકલનો હતો. તેના માટે તે ચીનને કોર્ટમાં ઢસડી જવાની શેખી મારી ચૂક્યા હતા. બીજું, આંતરરાષ્ટ્રીય શતરંજમાં પણ તે રશિયા સાથે દોસ્તીની અને ચીનને દૂર રાખવાની વાત કરતા હતા. તેને બદલે હવે તે ચીન સાથે દોસ્તી અને રશિયા સાથે દુશ્મની ઊભી કરી રહ્યા છે.

ટ્રમ્પ અને પુતિનની સરખામણીમાં ચીન તેમના જેટલું જ બળુકું, પણ તેમનાથી ઘણું વધારે ખંધું પુરવાર થયું છે. તેની પાસે પરમાણુશસ્ત્રોનો જ નહીં, વિદેશી હુંડિયામણનો અઢળક ભંડાર છે અને તેની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા ચીનનો સહકાર ઇચ્છતા ટ્રમ્પે ચીનનાં બીજાં અનેક આંતરરાષ્ટ્રીય દુઃસાહસો સામે આંખ આડા કાન કરવાના થાય. આમ, વિશ્વની ત્રણ મહાસત્તાઓ અત્યારે એકબીજાની સામે ને સાથેના પેંતરા બદલી રહી છે, પણ તેમની રમતમાં વિશ્વનો ખો નીકળે એ નક્કી છે. 

2 comments:

 1. ઉર્વીશ ભાઈ,
  અમેરિકામાં ઘણા હોશિયાર માણસો જુદાજુદા ક્ષેત્રમાં ભર્યા પડ્યા છે,વળી વાણી સ્વતંત્રતા લાભને લઈને જાહેરમાં તેના પ્રમુખની આકરી ટીકાટીપ્પણી કરીને પ્રમુખની આંખ ઉઘાડવામાં પણ આવે છે.જેની અસર કે સૂચનો પણ એળે નહિ જતા હોય.જયારે રશિયા અને ચીનમાં તો તદ્દન તાળાબંધી છે.એ રીતે ત્રણેય દેશો ભલે જગતજમાદારનું વર્તન કરે પણ ટ્રમ્પ સાહેબને થોડું કડક પગલું ભરવાને વિચારતો કરવો પડે,પોતાના દેશમાં આગ સળગે નહિ ત્યાં સુધી તો તેમણે વધુ દોઢ ડાહપણ કરવાનું મુનાસીબ નહિ લાગતું હોય.
  ઓબામા સાહેબનું પોતાનો 'એજન્ડા' હતો તેમાં થોડે અંશે દુનિયાના 'લિબરલ'લોકો તેની સાથે હતા,જયારે આજે ટ્રમ્પની બાજુમાં 'હાર્ડકોર' રૂઢીચુસ્તોજ છે.
  આવું બધું હોવા છતાંય આ ત્રણેય પક્ષો 'ડાહીમા'ના દીકરાઓ એમ કહેવું ખોટું પણ નથી. લડાઈ કોઈને પોતાના આંગણામાં જોઈતી નથી કેમકે તેના દુષ્કર પરિણામો ઇતિહાસમાં જોયા છે.
  જે દેશો આજે લડાઈ અને આંતરિક વિગ્રહોમાં સપડાયા છે અને છિન્નભિન્ન થઇ રહ્યા છે તેમાં ધાર્મિક મતભેદો વધુ નજરે પડે છે ઉપરાંત તેમના નેતાઓ પણ દુરન્દેશી નથી એવું જણાય આવે છે અને ઇસ્લામના ઓઠા નીચે અને નામે જે જોરઝુલમો થઇ રહ્યા છે તે કેટલો સમય ચાલશે તેતો કહી શકાય તેમજ નથી.
  યુરોપના દેશોમાં પણ કોઈ એકતા દેખાતી
  નથી,યુકે 'EU'માંથી નીકળી રહ્યું છે અને ત્યાના વડાપ્રધાનના હાથ 'EU'માંથી નીકળવા વધુ મજબુત બને તે માટે જુન માસમાં નવી ચુંટણી યોજાઈ છે,સમય આવ્યે ખબર પડેશે કે કેટલા યુરોપીય દેશો 'EU'માં રહેશે.તુર્કીમાં એકહથ્થુ સત્તાની ત્યાના પ્રમુખને લોકોની ઓછા મતે મંજુરી મળી ગઈ છે.
  આ ઉકળતો ચરુ કેટલો ઉકળતો રહેશે તેની કોઈજને જાણ નથી.
  જગતમાં હંમેશ રાજકારણ તપતું રહ્યું છે,બળીયાના બે ભાગ ની વાત સાચી છે!!

  ReplyDelete
 2. Hiren Joshi7:47:00 AM

  Good way to start an article with James Bond movie theme that relates to current scenario of political-military frictions taking place in the eastern hemisphere. Separately expecting any decency either in actions or words from Trump is like hoping against hope!

  ReplyDelete