Tuesday, April 04, 2017

સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી

દેશભરમાં તેની 173  સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે.  હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી (બે વર્ષ પહેલાંના અહેવાલ પ્રમાણે) ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે...

ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે નામચીન ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે.
***

કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ- સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડીયો ધર્મ.  કટ્ટરતા અને સગવડીયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, 'ધર્મ્ય' ગણાવી શકાય.

સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં '(સગવડીયો) ધર્મ' બનાવી શકાય—એવો 'ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું-તેમનું હિત ઇચ્છવાનું નહીં,  તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.

અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડીયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડીયા ધરમની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા-પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?

સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે.  તેમાં સગવડીયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી.  તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી.  કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી.  (સગવડીયા) ધર્મ કે (વિભાજક-ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.

સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું 'હમાસ’,  લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહુડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા... આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે.  થોડી છૂટછાટ સાથે આપણે તેને 'રોબિનહુડ મોડેલ' કહી શકીએ, જેમાં 'વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત' કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહુડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના 'શત્રુ' મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે.  તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર–અને વખત આવ્યે હિંસક કાર્યવાહી--આચરવામાં આવે છે.  ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી.  છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.

સવાલ એ થાય કે આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારા કે ત્રાસવાદ વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડીયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો 'તટસ્થતા'ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?

પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે.  ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળીયાં મજબૂત બનાવે છે. ISISકે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી. તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા (અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી.  તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.

આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે લાંબા ગાળે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે.  હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે. 

4 comments:

  1. Anonymous9:23:00 PM

    Superb superb article

    ReplyDelete
  2. ખુબ સરસ ઉર્વીશભાઇ

    ReplyDelete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી,પાકિસ્તાની ધાર્મિક(અંતિમવાદી) સંસ્થા'લશ્કરે તોયબા'વિશેનો લેખ વાંચીને બે શબ્દો લખવાનું થયું છે.આં સંસ્થા ને તમે જેમ લખ્યું છે તેમ પાકિસ્તાની લશ્કર અને જાસુસી એજન્સી આ બનેની સદભાવના અને આશીર્વાદ થી આટલી ફૂલીફાલીતે સાથે પાકિસ્તાની ધર્માંધ શ્રીમંતો અને જમીનદારોનો પણ આ સંસ્થાને પૈસેટકે ભરપુર મદદ કરેછે તદુપરાંત વિદેશમાં
    વસતા પાકિસ્તાની ધર્માંધ લોકો પણ બેસુમાર આર્થીક મદદ ધર્મના નામે કરી રહ્યા છે, કોઈ પણ સંસ્થા મજબુત આર્થીક સહાય વગર આટલી અને આવી સધ્ધરતાથી લાંબો સમય સુધી નાં ચાલી શકે,સાઉદી અરેબિયા જેવા દેશોના માલેતુજાર શેખો પણ છૂટહાથે ધર્મની આડશમાં આ સંસ્થાને
    કરોડોની સંખ્યામાં રકમ પૂરી પડતા રહે છે.ખૂબીની વાત તો એ છે કે ધર્મના નામે થતી આ મદદ માટે કોઈ પણ વ્યક્તિ કે કોઈ સામાજીક સંગઠન પણ પૂછપરછ નથી કર્રતું કે તમે પૈસા ક્યાં વાપરો છો ? કેમકે આ પાકિસ્તાન છે અને સરકાર પણ આંખાઆડા કાન કરે તે પણ સ્વાભાવિક છે.આવો છુટ્ટોદોર જો આવી આપખુદ અને આતંકવાદીને સંસ્થાને મળે તો તે કેમ પોતાના વિચારો અને કાર્યોને ધર્મ અને જાહેરસેવાના ઓઠા નીચે ફૂલેફાલે?
    મુસ્લિમ દેશોમાં જ્યાં લોકશાહી જેવું કાંઈજ હોતું નથી ત્યાં આવી ધર્મના નામે આવી પ્રવૃત્તિ જોરશોરથી પાંગરતી હોય છે.તેના પરિણામ કેવા આવે તેની આવી પ્રવૃત્તિ ચલાવનારાઓને કાંઈજ પડી નથી.

    ReplyDelete
  4. Anonymous5:45:00 AM

    This type of organisations(religious), any where in the world is dangerous for society.

    ReplyDelete