Thursday, March 23, 2017

ગાંધીજીના સૌથી નજીકના છતાં સૌથી ઓછા જાણીતા રહેલા મિત્ર પ્રાણજીવન મહેતા

એક માણસ જીવનમાં કેટકેટલું બની શકે? ડોક્ટર? વકીલ? દેશહિતચિંતક? વિદેશમાં રહીને ત્યાંના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર? કોઇ યુગસર્જકનો અંગત મિત્ર? તેની અંગત તેમ જ જાહેર બાબતોની આર્થિક જવાબદારી ચૂપચાપ ઉપાડી લેનાર દાનેશ્વરી? એક મહાન પુસ્તકનું પાત્ર?

આ યાદીમાંથી એકાદ ભૂમિકા મળે તો સરેરાશ માણસનું જીવન સફળ થઈ જાય. વ્યવસાય સિવાયની ભૂમિકાઓમાંથી કોઈ એક મળે તો જીવન સફળ જ નહીં, ધન્ય થઈ જાય. પરંતુ કોઈ માણસ આ તમામ ભૂમિકાઓ એકસરખી કાબેલિયતથી અદા કરે, છતાં તે મહદ્ અંશે ગુમનામ રહે, તે શક્ય છે?

શક્ય-અશક્યનો સવાલ નથી. આમ જ બન્યું છે અને એવું જેની સાથે બન્યું તેમનું નામ છેઃ પ્રાણજીવન મહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં ભણનારા તેમને 'પ્રાણજીવન છાત્રાલય' અને તેમાં એમણે 1920ના દાયકામાં આપેલા રૂ. અઢી લાખના દાનથી કદાચ જાણતા હોય. ગાંધીજીની સૌથી મૌલિક અને પ્રભાવશાળી કૃતિ 'હિંદ સ્વરાજ'ના વાચકો તેમને સવાલ પૂછનાર મિત્ર તરીકે કદાચ ઓળખતા હોય. (મિત્ર સવાલ પૂછે અને અધિપતિ જવાબ આપે એવું સ્વરૂપ ધરાવતા 'હિંદ સ્વરાજ'માં મિત્ર એટલે પ્રાણજીવન મહેતા.) મુંબઇના મણિભવનથી પરિચિત લોકો પ્રાણજીવન મહેતા અને તેમના ભાઈ રેવાશંકર મહેતા (ઝવેરી)ને એ મકાનના માલિક તરીકે જાણતા હોઈ શકે અને શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનોએ તેમનું નામ રાજચંદ્રના કાકાસસરા તરીકે સાંભળ્યું હોય.
Dr. Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા
(courtesy : The Mahatma And The Doctor)

આ બધા હકીકતમાં એક લીટીના પરિચય છે. ઓળખ જેવી ઓળખ નથી. ડો.પ્રાણજીવન મહેતાના પ્રતાપી વ્યક્તિત્વને ન્યાય આપી શકે એવી તો બિલકુલ નહીં. પરંતુ હમણાં સુધી ડો. મહેતા આવી જ રીતે ઓળખાતા રહ્યા. ચીવટપૂર્વકનું દસ્તાવેજીકરણ ધરાવતા ગાંધીસાહિત્ય અને તેના આનુષંગિક અનેક પુસ્તકોમાં પણ ડોક્ટરના ઉલ્લેખ અલપઝલપથી વધારે ન રહ્યા. એટલે પૂરા કદના ચરિત્રનો નાયક બે-પાંચ લીટીઓમાં આવજા કરતો રહ્યો ને થોડા જિજ્ઞાસુઓને વધુની તલપ લગાડતો રહ્યો. આખરે એ મહેણું ભાંગ્યું ઇતિહાસના વિદ્વાન અધ્યાપક શ્રીરામ મહેરોત્રાએ. ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રાણજીવન મહેતાનું બૃહદ ચરિત્ર, દુર્લભ તસવીરો અને તેમનાં લખાણોના અંશ 'ધ મહાત્મા અેન્ડ ધ ડોક્ટર’/ The Mahatma And The Doctor શીર્ષક હેઠળ તૈયાર કર્યા. ગાંધીમાં કે ગુજરાતની અસ્મિતામાં કે ગુજરાતે પેદા કરેલાં મહાન વ્યક્તિત્વોમાં રસ હોય એ સૌ માટે અનિવાર્ય ગણાય એવું આ પુસ્તક ડો.મહેતાની ત્રીજી પેઢીના અરુણભાઈ મહેતાએ તેમના વકીલ્સ પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત કર્યું. ગયા વર્ષે તેની ગુજરાતી આવૃત્તિ થઈ છે. અલબત્ત, જિજ્ઞાસુ વાચકો અનેક દસ્તાવેજો અને ભૂલચૂક વગરનું મૂળ લખાણ ધરાવતી અંગ્રેજી આવૃત્તિ જુએ તે જ ઇચ્છનીય છે.

મોરબીમાં જન્મેલા પ્રાણજીવન મહેતા (1864-1932)ની કારકિર્દી કોઈ પણ ધોરણે અને ભણતરનો આટલો મહિમા ધરાવતા અત્યારના યુગમાં પણ અસાધારણ લાગે એવી હતી. ફક્ત 22 વર્ષની ઉંમરે તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તે સમયે મળતી LM&S (લાયસન્સીએટ ઇન મેડિસીન એન્ડ સર્જરી)ની ડિગ્રી સાથે ડોક્ટર બન્યા. તેમાં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી મોરબી રાજ્યની સ્કોલરશીપ પર યુરોપ ભણવા ગયા અને બ્રસેલ્સમાંથી બે જ વર્ષમાં એમ.ડી. થયા. એ વર્ષ હતું 1889નું. કમાલની વાત એ છે કે બેલ્જિયમમાં એમ.ડી.નો અભ્યાસ કરતાં કરતાં પ્રાણજીવન મહેતાએ લંડનની મિડલ ટેમ્પલ માં બેરિસ્ટર તરીકે અભ્યાસ શરૂ કર્યો અને જે વર્ષે એમ.ડી. થયા એ જ વર્ષે બેરિસ્ટર (બાર-એટ-લો) પણ થયા.
ગાંધીજી સાથેનો તેમનો પરિચય પણ યુરોપમાં અભ્યાસ દરમિયાન થયો. ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે તેમ, લંડનમાં તેમને મળનાર પહેલા જણ પ્રાણજીવન મહેતા હતા. ઉંમરમાં તે ગાંધીજી કરતાં પાંચ વર્ષ  અને તેજસ્વીતામાં-દુનિયાદારીમાં તો ગાંધીજી કરતાં તે વખતે ઘણા મોટા.  19 વર્ષની કાચી ઉંમરે બેરિસ્ટર બનવા બ્રિટન ગયેલા શરમાળ મોહનદાસ પાસે ચાર-ચાર તો ભલામણચિઠ્ઠી હતી. એક  ડોક્ટર પી.જે. (પ્રાણજીવન) મહેતા પર, એક દલપતરામ શુક્લ પર, એક આગલી પેઢીના દેશનેતા દાદાભાઈ નવરોજી પર અને એક ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જામનગરના પ્રિન્સ રણજીતસિંહ પર.

લંડન પહોંચીને મોહનદાસ પહેલા દિવસે તો મોંઘીદાટ વિક્ટોરીયા હોટેલમાં ઉતર્યા. સાંજે જ ડો.પ્રાણજીવન મહેતા તેમને મળવા આવી ગયા. ડો.મહેતાએ ટેબલ પર મુકેલી ફરની ટોપી પર કાઠિયાવાડી યુવાન મોહનદાસે હાથ ફેરવ્યો એટલે તેનાં રૂંછાં વેરવિખેર થયાં. ત્યારે ડો. મહેતાએ ગાંધીજીને પહેલી સલાહ તો એ આપી કે 'બીજાની વસ્તુને અડવું નહીં અને ભારતમાં પૂછીએ છીએ એવા અંગત સવાલ પૂછવા નહીં.’ એ સિવાય આપેલી ઘણી શીખામણોમાં હોટેલને બદલે કોઇના ઘરે રહેવાની અને લોકોને સર નહીં કહેવાની શીખામણો ગાંધીજીએ ખાસ નોંધી છે. ડો.મહેતાએ તેમને કહ્યું હતું, 'હિંદમાં નોકરો સાહેબને સર કહે, તેવું કરવાની અહીં જરૂર નથી.’

ભૂગોળના સીમાડા અતિક્રમીને આજીવન ટકનારી વિશિષ્ટ મૈત્રીની આ શરૂઆત હતી. ડો.મહેતા ડોક્ટર-કમ-બેરિસ્ટર થઇને 1889માં મુંબઈ પાછા ફર્યા અને મુંબઇમાં પોતાના ભાઈ રેવાશંકર ઝવેરી સાથે રહેવા લાગ્યા. (ડો. મહેતા ઝવેરાતની પરખમાં પણ અત્યંત કુશળ ગણાતા હતા.)  પરદેશની ભૂમિ પર શરૂ થયેલી ગાંધી-મહેતાની દોસ્તી બે વર્ષ પછી મોહનદાસની ભારતમુલાકાત વખતે કાયમી બની. એ વખતે મોહનદાસ અને તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ પ્રાણજીવન મહેતાના ઘરે રોકાયા. આ જ મુલાકાત દરમિયાન તે શ્રીમદ્ રાજચંદ્રને પહેલી વાર મળ્યા. પચીસ વર્ષના રાજચંદ્ર આમ તો કાકાસસરા રેવાશંકર ઝવેરીની પેઢીના ભાગીદાર હતા, પણ   ગાંધી તેમના ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાનથી બહુ પ્રભાવિત થયા. આત્મકથામાં તેમણે લખ્યું છે કે 'વિવિધ ધર્મોના જ્ઞાનવેત્તાઓને પણ હું મળ્યો છું. પણ મારે કબૂલ કરવું જોઇએ કે શ્રીમદ્ રાજચંદ્ર જેટલા પ્રભાવશાળી વ્યક્તિઓ મારા જીવનમાં મેં બહુ ઓછા જોયા છે. એમની આધ્યાત્મિક પ્રતિભાની મારા ઉપર જે અસર પડી છે તે અન્ય કોઈ નથી કરી શક્યું...મારા અંતરમાં એક વાત દૃઢ થઇ કે આધ્યાત્મિક મુંઝવણ પ્રસંગે તેઓ મારા આશ્રયદાતા અને માર્ગદર્શક બની રહેશે.’

પરંતુ શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય એ તો ડો.મહેતા તરફથી ગાંધીજીને મળેલી સૌથી આડકતરી ભેટ હતી. ગાંધીમાં રહેલું વિત્ત બહુ પહેલાથી પારખી ગયેલા તેમના આદિમિત્ર ડો.મહેતાની બીજી ભેટો ગાંધીજીના યુગકાર્યમાં મોટો ટેકો પૂરો પાડનારી બની રહી. તેની વિગતો આવતા સપ્તાહે.

(સુધારોઃ મૂળ લખાણમાં ભલામણચિઠ્ઠી વિશેના ઉલ્લેખમાં સરતચૂક હત, જે લેખ આવી ગયા પછી અચાનક ધ્યાને આવી હતી. તે હવે સુધારી લીધી છે.)

1 comment:

  1. Hiren Joshi6:22:00 PM

    Informative and inspirational article. Please carry on next week....

    ReplyDelete