Tuesday, March 14, 2017

સફેદ રંગનાં ચહેરામહોરાં


પ્રચલિત માન્યતા પ્રમાણે સફેદ રંગ એટલે સારપનું પ્રતિક. જેટલાં હકારાત્મક વિશેષણ યાદ આવે તેટલાં સફેદ રંગની સેવામાં લગાડી શકાય. સદીઓ સુધી એવું મનાતું હતું કે સફેદ એ રંગ નહીં, પણ રંગનો અભાવ સૂચવે છે. ચહેરાનો રંગ ઉતરી જાય ત્યારે એ ધોળો પૂણી જેવો થઈ જાય ને કોઈ ચીજ સફેદ હોય તો તે બેરંગ કહેવાય. શુભ-અશુભના ચિરંતન દ્વંદ્વમાં સફેદ રંગ શુભ મનાયો અને યુરોપી આક્રમણખોરી પછી સફેદ રંગ જુદી રીતે સર્વોપરી બની રહ્યો. પરંતુ મહાન વિજ્ઞાની ન્યૂટને દર્શાવી આપ્યું કે સફેદ રંગ લાગે છે એવો ‘પવિત્ર’ (કે નીરસ, જેવો જેનો વિચાર) નથી. હકીકતમાં તે મેઘધનુષ્યના સાત રંગ જાનીવાલીપીનારાનો સરવાળો છે.

સામાજિક રીતે પણ સફેદ રંગમાં કેટકેટલા રંગ જોઈ શકાય છે? ગાંધીની ખાદીનો ને સ્વેદેશીસૂચક ટોપીનો રંગ સફેદ, તો આ સફેદીને વટાવીને અઢળક કાળાં નાણાં સર્જતા ભ્રષ્ટાચારનો રંગ પણ સફેદ. શાહુકારીના દાવા કરીને થતી લૂંટ તે સફેદ લૂંટ ને હિંદી ફિલ્મના દાણચોરો-વિલનોના બૂટ પણ સફેદ. બેસણામાં શોકના દેખાડા માટે સફેદ ને જાહેર જીવનમાં સાદગીના દંભ માટે પણ સફેદ. આ બાબતમાં સફેદ એટલે જાણે કાળું ઢાંકવા માટેનો રંગ.

બેદાગ ચારિત્ર્યનું પ્રતિક સફેદ રંગ. પણ પોત જેટલું સફેદ એટલું જ નાનામાં નાના ડાઘથી ખરડાવાને પાત્ર. અંદરનો મેલ જેટલી સહેલાઈથી ઢાંકે, એટલી જ ઉતાવળથી બહારનો મેલ જાહેર કરી દે. પહેલાં સફેદ પહેરવેશથી આંતરિક ચારિત્ર્યનો દાવો થતો હતો, હવે બાહ્ય સફેદીનો મુખ્ય ઉપયોગ વોશિંગ પાવડરની જાહેરખબરોમાં થાય છે અને જે કામ ચપટીક વોશિંગ પાવડરથી થઈ જતું હોય, તેના માટે ચારિત્ર્યકેળવણી જેવી ભારેખમ વાતોમાં ક્યાં પડવું?

સફેદ એટલે ગોરું અને ગોરું એટલે ભારતીય માનસિકતા પ્રમાણે ચડિયાતું. ‘ગોરાં તો ગધેડાં પણ હોય છે’ એવી કહેવત છતાં, લોકોને ગોરા બનાવવાના ધંધામાં કંપનીઓ કંઇક કાળાંધોળાં કરે છે. ભારતીયોને ગોરાપણાનો એવો મોહ કે ફેરનેસ ક્રીમનું કરોડો રૂપિયાનું બજાર એ દેશમાં વિકસ્યું, જ્યાં ગોરી ચામડીવાળાએ બસો વર્ષ રાજ કર્યું હતું. એ વખતે ભારત માટે સફેદ ગુલામીનો રંગ પણ હતો. તેથી કહી શકાય કે આઝાદી પહેલાં (શાસકરંગ તરીકે) સફેદ કરતાં વધારે ‘કાળો’ કોઈ રંગ ન હતો.

શાંતિનાં કબૂતરોનો રંગ સફેદ, સુલેહના ઝંડાનો રંગ સફેદ, પણ એ સફેદીમાં સંતાયેલી એક કે બન્ને પક્ષોની લાચારી-મજબૂરીનો ઘેરો રંગ તરત કળાતો નથી. અસંખ્ય રંગ બતાવતો સિનેમાનો પડદો સફેદ, રાજ કપુરની ફિલ્મમાં હીરોઇનોનાં વસ્ત્રોનો રંગ સફેદ, પણ એ જ સફેદ રંગને વિશ્લેષણના પ્રિઝમમાંથી પસાર કરતાં મહત્ત્વાકાંક્ષા, મજબૂરી, મદ, વાસના, ઝાકઝમાળ, સર્જકતા, શોષણ જેવી કેટકેટલી રંગછટાઓ જોવા મળે?

ફક્ત શાંતિનો જ નહીં, ચિરશાંતિનો રંગ પણ સફેદ. કફનના કલરશેડ ન મગાય. સફેદ એટલે નિષ્પ્રાણ, ધબકારવિહોણું, ઠંડાગાર બરફ જેવું, થીજી ગયેલું – ઠરી ગયેલું. પણ હિમાચ્છાદિત પર્વતો પર પથરાયેલી સફેદ રંગની ચાદર પહાડના કફન જેવી નહીં, જૂની વાર્તાઓમાં આવતી વિધવા માએ પહેરેલા સફેદ સાડલા જેવી કરુણામય અને લાગણીભરી લાગે છે.

રંગ તો એક જ છે. તેનો શેડ તમે પસંદ કરો તે તમારો.

(ધૂળેેેટી સ્પેશ્યલ પૂર્તિનો લેખ) 

1 comment:

  1. Anonymous12:40:00 AM

    ઘણા મોટા માણસોની દાઢીનો રંગ પણ સફેદ...

    ReplyDelete