Thursday, March 02, 2017

તારક મહેતા : આખરે વિદાય

તારકભાઈની  'ચિત્રલેખા'ની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા'ને મળેલી પ્રચંડ લોકપ્રિયતા અને સ્વપ્રચારના ધમપછાડા કર્યા વિના ઉભી થયેલી તેની બ્રાન્ડ વેલ્યુ ગુજરાતીના અખબાર-સામયિક જગતની અભૂતપૂર્વ્ નહીં તો પણ, જવલ્લે જોવા મળતી ઘટના છે.

હા, તારકભાઈની કોલમ અને તારકભાઈ પોતે દંતકથાની હદોને અડતી એક ઘટના હતાં. માતાજીના કે જલારામ બાપાના પરચાની જેમ તારકભાઈએ સર્જેલી પાત્રસૃષ્ટિની લોકપ્રિયતાના પરચા ચર્ચાતા હતા. લેખકો સાથે સીધા સંપર્કનાં અત્યાર જેવાં માધ્યમોના અભાવે, વાચકો જેઠાલાલ-દયા-ચંપકલાલ-ટપુ જેવાં મુખ્ય પાત્રોથી માંડીને રસિક સટોડિયો, મોહનલાલ મટકાકિંગ, હિંમતલાલ એસ.ઇ.એમ., સ્મગલર સાળો સુંદરલાલ, મહેતાસાહેબનો બે માથાળો બોસ જેવાં કંઇક કાયમી પાત્રો વિશે અનુમાનો કરતા અને પોતાની આસપાસનાં પાત્રો સાથે તેમનો તાળો પણ બેસાડી જોતાં. કિશોરાવસ્થામાં 'દુનિયાને ઊંધા ચશ્મા' વાંચતી વખતે પડેલી સૌથી પહેલી છાપ તારકભાઇનાં પાત્રવર્ણનોની હતી. (દા.ત. બટાટાવડું ચોંટાડ્યું હોય એવું નાક, કીડીઓની હાર જતી હોય એવી ભ્રમર)
'દુનિયાને ઊંધા ચશ્મા' / A memento at Tarak Mehta's place 
'દુનિયાને ઊંધા ચશ્મા'એ તારકભાઈને (યોગ્ય રીતે) પ્રચંડ લોકપ્રિયતા અપાવી. આ હાસ્યશ્રેણીની સફળતાનું ખાસ્સું શ્રેય તારકભાઈ 'ચિત્રલેખા'ના તે સમયના તંત્રી હરકિસન મહેતાને આપતા હતા. 'ચિત્રલેખા' સિવાય તારકભાઈએ બીજે પણ કોલમ લખી. 'દિવ્ય ભાસ્કર' શરૂ થયું ત્યારે નવી પાત્રસૃષ્ટિ સાથે તેમણે 'બાવાનો બગીચો' શરૂ કરી અને અમુક સમય પછી સામે ચાલીને, લખવાની અશક્તિ જાહેર કરીને એ બંધ પણ કરી. દીપક સોલિયાના સંપાદકપદેથી પ્રગટ થયેલા  દિવ્ય ભાસ્કરના માસિક  'આહા! જિંદગી'માં તારકભાઈ તોફાની સવાલોના તોફાની જવાબોની કોલમ 'એન્કાઉન્ટર' લખતા હતા. શીલા ભટ્ટના તંત્રીપદેથી પ્રગટ થયેલા ગુજરાતી 'ઇન્ડિયા ટુડે'માં તેમની આત્મકથા 'એક્શન રીપ્લે' હપ્તાવાર છપાઈ. તેમાં તેમણે વર્ણવેલાં પોતાનાં ઘણાં 'પરાક્રમ'થી તેનો પાટલો નર્મદની આત્મકથા 'મારી હકીકત'ની સાથે પડતો થયો. (નર્મદના એકપાત્રી નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવનાર, જીન્સ-કાવ્યોના કવિ ચંદ્ર શાહ એટલે તારકભાઈના જમાઈ અને ઈશાનીબહેનના પતિ) આ બધાં પરાક્રમો દરમિયાન અને ત્યાર પછી તેમની સતત સંભાળ લેનાર, તેમને જીરવનાર અને જાળવનાર એટલે તેમનાં પત્ની ઇન્દુકાકી (જેમને તે પ્રેમથી 'જાડી' કહીને બોલાવતા હતા) નાટક તારકભાઈનો પણ મૂળ રસ હતો. તેમણે ઘણાં નાટક લખ્યાં, તેમનું દિગ્દર્શન કર્યું ને ભજવ્યાં પણ ખરાં.

Indu-Tarak Mehta / ઇન્દુ-તારક મહેતા (photo : Binit Modi)
પહેલાં પત્ની સાથે છૂટાછેડા પછી ઇન્દુકાકી સાથે તારકભાઈનું દાંપત્યજીવન તેમના છેલ્લા શ્વાસ સુધી ચાલ્યું. છેલ્લાં થોડાં વર્ષ શારીરિક ક્ષીણતા અને અનેક પ્રકારની તકલીફોનાં હતાં. ખુદ ઇન્દુકાકીની તબિયત પણ નાજુક. છતાં માણસોની મદદથી અને પોતાની આગ્રહી વૃત્તિથી તારકભાઈની સતત સારસંભાળ લીધી. તારકભાઈના વિશાળ ચાહકવર્ગમાં ઘણા ડોક્ટરનો સમાવેશ થતો હતો. એવા ઘણાને પોતાના પ્રિય લેખકની સારવાર કરવાનો મોકો ઘણી વાર મળ્યો. ઉપરાંત તેમની કાયમી દેખભાળ રાખનાર ભાણેજ તરીકે ડોક્ટર રામીલભાઈ તો ખરાજ.

તારકભાઈએ  ગુજરાતી હાસ્યમાં ઘટનાપ્રધાન છતાં બધી વખત સ્થૂળ નહીં, અને  સંવાદમાં (ગાળ), (ગાળ) આવતું હોવા છતાં, અશિષ્ટ નહીં એવું હાસ્ય લંબાણથી આપ્યુંઃ લાંબા લેખો દ્વારા અને લાંબા સમય સુધી. છતાં, ગુજરાતી સાહિત્યના ધુરાધારીઓને મન (અશ્વિની ભટ્ટની જેમ) તારક મહેતા સાહિત્યકાર તરીકે ગણતરી ન પામ્યા. એ જુદી વાત છે કે અશ્વિનીભાઈની જેમ તારકભાઈએ પણ પરિષદ-અકાદમીની તખ્તોં-તાજોંની દુનિયાને પોતાની ગણતરીમાંથી ક્યારની કાઢી નાખી હતી. તેમને 'પદ્મશ્રી' મળ્યો હતો. છેલ્લે છેલ્લે સાહિત્ય અકાદમીએ રમણભાઈ નીલકંઠના નામે શરૂ કરેલું સન્માન તારકભાઈ માટે જાહેર કર્યું, ત્યારે તેમાં તારકભાઈ કરતાં અનેક ગણું વધારે તો અકાદમીનું સારું દેખાયું હતું. તારકભાઈ વર્ષોથી માનસન્માનો અને બાહ્ય પ્રસિદ્ધિથી પર થઈ ગયા હતા. આશરે બે દાયકાના તેમની સાથેના સંપર્કમાં સૌથી સ્પર્શે એવી તેમની ખાસિયત હતી તેમની સાલસતા-નિર્ભારપણુંં. પોતે તારક મહેતા ધ ગ્રેટ છે, એવો ક્યાંય ફાંકો નહીં. અત્યંત પ્રેમથી અેન નમ્રતાથી વાતો કરે.

તે મુંબઈ છોડીને અમદાવાદ આવ્યા ત્યાર પછી તેમની સાથે પત્રસંપર્ક ્અને પછી રૂબરૂ સંપર્ક થયો. એ અરસામાં અમારી દિવાળીની શુભેચ્છાઓનો તેમણે આપેલો  જવાબ તેમનું સૌજન્ય અને પ્રોત્સાહક વૃત્તિ છતી કરે છે.

દિવાળીની શુભેચ્છાનો તારકભાઈએ આપેલો જવાબ, 28-10-95આ જ વર્ષે (1995માં) હું પત્રકારત્વમાં આવ્યો અને મુંબઈ 'અભિયાન'માં કામ શરૂ કર્યું, ત્યાર પછી પણ તે ક્યારેક પત્ર કે જવાબ લખવાનો થાય ત્યારે પ્રોત્સાહનના શબ્દો લખતા હતા. જેમ કે, આ પત્રમાં તેમણે મારા નડિયાદ વિશેના અહેવાલ (સિટી પ્રોફાઇલ) વાંચ્યાનો ઉલ્લેખ કર્યો છે. (આ જ અહેવાલથી હસિત મહેતાનો પરિચય થયો, જે અાગળ જતાં અત્યંત ગાઢ મૈત્રીમાં ફેરવાયો. હસિતના પપ્પા હરવિલાસભાઈ અને તારકભાઈ કુટુંબી થાય. તારકભાઈનાં બાળપણનાં થોડાં વર્ષ નડિયાદમાં વીત્યાં હતાં.)


તારકભાઈ સાથે અંગત પરિચય અને ખાસ તો તેમના ઘરે વિના સંકોચે છૂટથી અવરજવરનું સંપૂર્ણ શ્રેય બિનીત મોદીને જાય છે. તે પોતાની ઘસાઈ છૂટવાની વૃત્તિને કારણે 'તારકકાકા-ઇન્દુકાકી'નો પ્રિય બની ગયો. તેની સાથે જ એક વાર (વર્ષ 200માં) તારકભાઈ-ઇંદુકાકી મહેમદાવાદના જૂના ઘરે આવ્યા હતા. એ વખતની આ તસવીર
(L to R) Tarak Mehta, Pappa, Mammy, Indu Mehta, Urvish Kothari,
 Sonal Kothari  (ડાબેથી) તારક મહેતા, પપ્પા, મમ્મી, ઇન્દુકાકી, ઉર્વીશ, સોનલ
તારકભાઈના ઘરે જવા જેટલો પરિચય હતો. છતાં નિકટતા ન હોવાને કારણે જે સંકોચ નડતો હોય તે બિનીતને કારણે દૂર થયો. પછી બિનીત, હું અને ઘણી વાર પ્રણવ અધ્યારુ અમે સાથે એમને ત્યાં જતા. 2005માં મેં 'જ્યોતીન્દ્ર દવે સ્પેશ્યલ' વિશેષાંક કર્યો, ત્યારે તારકભાઈએ તેમના ગુુુુરુ અને નવયુગનગર, ફોર્જેટ હિલના ફ્લેટમાં તેમના પાડોશી એવા જ્યોતીન્દ્રભાઈ વિશે થોડી વાતો કરી અને અમુક જૂની તસવીરો પણ આપી. આ અંકના વિમોચનની સાથોસાથ વાક્બારસ નિમિત્તે હાસ્યબારસનો ઉપક્રમ પ્રણવના આઇડીયાથી 'આરપાર'ના તંત્રી મનોજ ભીમાણીએ શરૂ કર્યો, ત્યારે 2005ના એ પહેલા કાર્યક્રમને અભૂતપૂર્વ બનાવવા અને જ્યોતીન્દ્ર દવેના અંકની ઉજવણી માટે અમે ગુજરાતના ટોચના ચાર હાસ્યકારોને (કદાચ દાયકાઓ પછી) એક મંચ પર લાવ્યાઃ તારક મહેતા, બકુલ ત્રિપાઠી,વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર.
Tarak Mehta, Vinod Bhatt / તારક મહેતા, વિનોદ ભટ્ટ
વર્ષ 2008માં મારા પહેલા હાસ્યલેખસંગ્રહ 'બત્રીસ કોઠે હાસ્ય'ના પ્રાગટ્ય નિમિત્તે કંઈક વિશિષ્ટ ધમાલ કરવી એવું નક્કી કર્યું. ત્યારે પણ પ્રણવના આઇડીયાથી અમે મોક કોર્ટનું આયોજન વિચાર્યું. મારો ઇરાદો મારાં શક્ય એટલાં પ્રિય પાત્રોને એક મંંચ પર અેકઠાં કરીને ન ભૂતો, ન ભવિષ્યતિ જેવો મેળાવડો કરવાનો હતો. એ આશય સંપૂર્ણપણે સિદ્ધ થયો. પરંતુ આયોજનના શરૂઆતના તબક્કે મોક કોર્ટની થોડી આંટીઘૂંટીઓ જાણવા માટે અમે તારકભાઈના ઘરે જતા હતા. મેં તેમને કોર્ટના ન્યાયાધીશ બનવા કહ્યું ત્યારે તેમણે કહ્યું,'એમાં તો બહુ મહેનત કરવી પડે--બોલવું પડે. એ તો નહીં ફાવે, પણ હું સાક્ષી તરીકે ચોક્કસ આવીશ.' અને વચન પ્રમાણે, તબિયતના પ્રશ્નો અવગણીને તે મંચ પર આવ્યા. સાક્ષીના કઠેડામાં ઊભા રહેવાની શક્તિ ન હોવાથી તેમના માટે વચ્ચોવચ ખુરશી મૂકી. એ ત્યાં બેઠા અને તેમની સ્ટાઇલની ફટકાબાજી કરીને ગયા. મેળાવડો અભૂતપૂર્વ અને હવે તો સ્વપ્નવત્ લાગે એવા આ મેળાવડાની સમુહ તસવીર જ્યારે જોઉં ત્યારે અપાર સંતોષ થાય છે અને એ તસવીરમાંથી પહેલાં અશ્વિનીભાઈ અને હવે તારકભાઈની વિદાયનો અહેસાસ દુઃખી પણ કરે છે.

અદાલતનો તખ્તોઃ ન્યાયાધીશો વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગર, ફરિયાદી પક્ષના
વકીલો  હસિત મહેતા, પ્રણવ અધ્યારૂ, બચાવ પક્ષના વકીલ બિનીત મોદી

... અને 'ભરી અદાલત'માં બેઠાં બેઠાં જુબાની આપતા 'સાક્ષી' તારક મહેતા

(બેઠેલા, ડાબેથી) પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર, તારક મહેતા
વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી, (ઉભેલા, ડાબેથી) કેતન
રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિની ચૌહાણ,
ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા,
હસિત મહેતા (છેક આગળ) આસ્થા-શચિ-ઇશાન કોઠારીઃ ન ભૂતો, ન ભવિષ્યતિ મિલન

અસિત મોદીની હિંદી સિરીયલ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' તારકભાઈ માટે લોકપ્રિયતાનો નવો અને અનેક ગણો મોટો ડોઝ લઈને આવી. જેના નામમાં જ લેખકનું નામ સમાવિષ્ટ હોય એવી કદાચ આ પહેલી સિરીયલ હતી અને ભારતની હિંદી સિરીયલના ઇતિહાસમાં તે સૌથી લાંબી ચાલનારી સિરીયલ બની રહી છે. તેનાં વિવિધ નિમિત્તે અનેક ઉજવણાં થયાં ્ને તેમાં સહભાગી બનવાનો આનંદ લીધો છે. એ બધામાં તારકભાઈ દુઃખી નહીં, તો આનંદથી ઉત્તેજિત પણ નહીં એવી રીતે આવતા હતા. કોઈ પણ ઉંમરે, કોઈ પણ અવસ્થામાં માથે ચડી જાય એવી લોકપ્રિયતાથી જલકમલવત્ ને પછી તો કંઇક અલિપ્ત થઈ ગયા હતા.

Press Conference : 400 episodes of 'Tarak Mehta Ka Oolta Chashma'
'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના ચારસો હપ્તાની ઉજવણી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ

Disha Vakani taking interview of Tarak Mehta
તારક મહેતાનો મસ્તીભર્યો ઇન્ટરવ્યુ લેતાં દિશા વાકાણી
છેલ્લા ઘણા વખતથી તેમની તબિયત અત્યંત નાદુરસ્ત રહેતી હતી. છતાં, તેમના આગ્રહથી તેમને બહાર ફરવા લઇ જવાતા હતા. કંઈ નહીં તો છેવટે રોજ સાંજે તેમના ફ્લેટની નીચે તેમને વ્હીલચેર પર બેસાડીને ફેરવવામાં આવતા હતા. અવસાનના થોડા દિવસ પહેલાં તેમના પરમ મિત્ર રજનીકુમાર પંડ્યા મળવા ગયા ત્યારે તેમણે તારકભાઈને આ રીતે ફેરવવાનો લહાવો લીધો હતો.
Rajnikumar Pandya with Tarak Mehta
રજનીકુમાર પંડ્યા, તારક મહેતા તેમના
અવસાનના થોડા દિવસ પહેલાં

આજે સવારે સમાચાર આવ્યાઃ તારકભાઈ ગયા.
એ સાંભળીને થયેલી પહેલી લાગણી રાહતની અને વિશિષ્ટ પ્રકારના, ગમગીનીમિશ્ર આનંદની હતી.
26 ડિસેમ્બર, 1929ના રોજ જન્મેલા તારકભાઈએ 1 માર્ચ, 2017ના રોજ, 88 વર્ષનું ભરપૂર જીવન જીવીને વિદાય લીધી હોય અને કોઈ પણ પ્રકારના એક્શન રીપ્લે વગરની આ વિદાયથી તેમને પીડામુક્તિ મળી હોય તો એનો આનંદ જ હોય--તારકભાઈને પણ એ જ ગમે.
આત્મકથા પર તારકભાઈના હસ્તાક્ષરના પ્રતીક જેવો તારલો, 10-12-2000 

Tarak Mehta's Auto-biography 'Action Reply' (in two volumes)
તારકભાઈની બે ભાગની આત્મકથા : એક્શન રિપ્લે

9 comments:

 1. Hiren Joshi7:58:00 AM

  Timely Article with interesting snapshots of other famous names of Gujarati Literature.

  ReplyDelete
 2. કોઈ પણ લાગણીવેડાના પ્રદર્શન વગર પણ લાગણીસભર શ્રધ્ધાંજલી લખી શકાય એ જાણવા/વાંચવા મળ્યું.

  ReplyDelete
 3. Thank you for this wonderful share Urvishbhai from your personal collection/library.

  ReplyDelete
 4. તારકભાઈ ગયા.
  એ સાંભળીને થયેલી પહેલી લાગણી રાહતની અને વિશિષ્ટ પ્રકારના, ગમગીનીમિશ્ર આનંદની હતી.
  26 ડિસેમ્બર, 1929ના રોજ જન્મેલા તારકભાઈએ 1 માર્ચ, 2017ના રોજ, 88 વર્ષનું ભરપૂર જીવન જીવીને વિદાય લીધી હોય અને કોઈ પણ પ્રકારના એક્શન રીપ્લે વગરની આ વિદાયથી તેમને પીડામુક્તિ મળી હોય તો એનો આનંદ જ હોય--તારકભાઈને પણ એ જ ગમે.
  આજ સાચી એક્ઝિટ ,આ જ સાચી અંજલિ...હૂતાત્માને ...

  ReplyDelete
 5. ગુજરાતના બેનમૂન હાસ્યકલાકાર-લેખક ને જે ભાવ પૂર્વક અંજલી ઉર્વીશભાઈ કોઠારીએ આપી છે તે શ્રી તારક મહેતાની લોકચાહના પુરવાર કરે છ.
  ગુજરાતના એક મોટાગજાના હાસ્ય-લેખક ગુમાવ્યાનો ખેદ પણ છે, લાંબા સમય સુધી તેમની કૃતિઓ સાહિત્ય પ્રેમી
  લોકોના હૃદયમાં સંચાવાઈ રહેશે એજ પુરવાર કરી આપશે
  કે દિવંગત શ્રી તારક મહેતા કેટલા કદાવર હાસ્ય-લેખક હતા.
  ઉર્વીશ ભાઈ તમને પણ અબિનંદન કે સમયસર તમે શ્રી તારક મહેતાના તમારી સાથેના પરિચયની ઓળખાણ ગુજરાતી સાહિત્યપ્રેમીઓને આપી.

  ReplyDelete
 6. Very sorry to hear the news of the sad demise of Sri Tark Mehta Saheb. He will always live in the hearts of his millions of readers and the viewers of his serial. May his memory always stay in our hearts through the various characters of his creation. We will surely miss him. Our heartfelt condolences to his bereaving family.

  ReplyDelete
 7. Anonymous12:31:00 AM

  Urvishbhai,
  Thank you very much for such a wonderful artical on our evergreen and lovely writer TARAK MEHTA Saheb.
  Manhar Sutaria

  ReplyDelete
 8. મોક કોર્ટમાં તારકકાકા આવશે કે કેમ અને આવશે તો તેઓ કશું બોલશે કે કેમ એ અવઢવ હતી. તેઓ ટોપી અને લાકડી સાથે સ્ટેજ પર આવ્યા અને ચાલવા જતાં સહેજ ગડથોલિયું ખાધું. એ જોઈને સૌના જીવ ઊંચા થઈ ગયા અને આપણે બધા તેમને ઝીલવા માટે તેમની આસપાસ ગોઠવાઈ ગયેલા. એ વખતે તેમણે ફક્ત તોફાની સ્મિત આપીને સૂચવેલું કે એ અભિનય હતો.

  ReplyDelete
 9. Anonymous7:36:00 PM

  શ્રી ઉર્વિશભાઈ, તારક મહેતાના અવસાન પછીનો તેમના વિશેનો તમારો બ્લોગ વાંચ્યો. ખુબ જ ખુબ જ મજા આવી ગઈ. ઘણી ઘણી નવી વાતો વાંચવા મળી, ખાસ કરીને એમના અને તમારા સંબંધો બાબતમાં વાંચીને તથા તેમના તથા તમારા ક્યારેય ન જોયેલા ફોટા જોઈને ખુબ જ આનંદ થયો. તમારા લેખો હું દર મંગળવારે તથા રવિવારે 'નવાજૂની' ઘણાં વર્ષોથી નિયમિત વાંચુ છું. અગાઉ બોલ્યું ચાલ્યું માફમાં પણ લેખો વાંચતો. એકાદ બે વખત વાંચીને ઈ-મેઈલ પણ કર્યા હતા. - ભાઈલાલ ઠક્કર, ગાંધીનગર.

  ReplyDelete