Tuesday, March 07, 2017

સચ્ચાઈનું સેલઃ ભારે ડિસ્કાઉન્ટ, શરતો લાગુ

દૂધના વધેલા ભાવ, પેટ્રોલ-એલપીજીનો ભાવવધારો, ડોલર સામે રૂપિયાના ગગડેલા ભાવ, સરહદપારનો ત્રાસવાદ, કાશ્મીર સમસ્યા, ચીનની દાંડાઈ, વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં, બેરોજગારી... સમસ્યાઓની આ અછડતી યાદી 2014 સુધી કોંગ્રેસી શાસનની નિષ્ફળતા સૂચવતી હતી.

2014માં શાસન બદલાયું, પણ 2017માં સમસ્યાઓની એ યાદી નથી બદલાઈ. હા, એ યાદી ભણી જોવાની ઘણાની દૃષ્ટિ બદલાઈ છે. હવે દૂધના ભાવ વધે તેમાં સરકાર બિચારી શું કરે? આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલદીઠ ક્રૂડના ભાવમાં પ્રચંડ ઘટાડો થયો હોય, છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ન ઘટે, તો પણ વાંધો પડતો નથી. કાશ્મીર સળગતું રહે ને જવાનો પર સતત હુમલા થતા રહે તો? સરકારે એક વાર સર્જિકલ સ્ટ્રાઇક તો કરી. એવી કાર્યવાહી વારેઘડીએ થોડી થાય? ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ધરાર આડું ફાટે અને મસુદ અઝહરને આતંકવાદી જાહેર ન કરવા દે... તો એ ડિપ્લોમસીનો મામલો છે. (પાકિસ્તાન-ચીન ગાંઠે નહીં તેમાં તત્કાળ કશું ન થાય એ બરાબર છે, પણ એ દરેક સરકાર માટે સાચું હોય.) ડોલર સામે રૂપિયાના ભાવ 2014થી ચડતી ગતિ જ દેખાડે છે. પરંતુ હવે વ્યાપક નાણાકીય ચિત્ર જોવાનો મહિમા છે. એ બરાબર છે, પણ એ સત્ય સરકાર પ્રમાણે બદલાઈ ન શકે.

કહેવાનો અર્થ એ જરાય નથી કે આ સરકાર કામ નથી કરતી. એ કામ કરે જ છેે, પણ પ્રચારપડદા હટાવીને જુઓ તો, આગળની સરકાર પણ કામ કરતી જ હતી. તેમની વચ્ચેનો સૌથી મોટો તફાવત હોય તો એ આક્રમક પ્રચાર અને આત્મવિશ્વાસભર્યાં જૂઠાણાંનો છે. બાકી, ગામડાં સુધી એલપીજી પહોંચાડવાથી માંડીને વડાપ્રધાનની કેટલીક યોજનાઓના અમલમાં કેન્દ્રીય સ્થાન ધરાવતા આધારકાર્ડથી માંડીને મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના જેવી વર્તમાન સરકારની કેટલીક મહત્ત્વની બાબતો અને કામગીરી અગાઉની સરકારનો વારસો છે. પરંતુ જશતત્પર અને જૂઠું બોલવાનો છોછ ન ધરાવતા વડાપ્રધાન પાસેેેેથી કદી એવું સાંભળવા નહીં મળે.

ચૂંટણી પહેલાંના દાવા પ્રમાણે, વિદેશમાં અબજો નહીં, ખર્વો (ટ્રિલિયન્સ)નાં કાળાં નાણાં ઠલવાયેલાં હતાં અને છ મહિનામાં તે ભારતમાં આવીને અર્થતંત્રને ન્યાલ કરવાનાં હતાં. નવી સરકારના શાસનમાં સર્વોચ્ચ અદાલતે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) રચી હતી. તેના ઉપાધ્યક્ષ જસ્ટિસ પસાયતે ગયા સપ્તાહે આપેલા નિવેદન પ્રમાણે, અત્યાર સુધીમાં રૂ.70 હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કઢાયું છે. તેમાંથી રૂ.16 હજાર કરોડની ભાળ વૈશ્વિક સ્તરે (પનામા લીક્સ દ્વારા, સરકારની કોઈ કમાલ વિના) બહાર આવેલી માહિતીથી મળી છે. અલબત્ત, કેટલાક અહેવાલમાં એવું સૂચવાયું છે કે સરકારની વિવિધ યોજનાઓ થકી આ કાળું નાણું બહાર આવ્યું છે. આમ, કાળું નાણું મળ્યું છે, પણ ચૂંટણી પહેલાં ઊભા કરાયેલા ચિત્ર કરતાં ઘણું ઓછું.

જૂના વારસા ઉપરાંત વડાપ્રધાનેે કેટલાક મૌલિક પહેલ પણ કરી છે. પરંતુ તેમાં જ્વલંત સફળતાના સરકારી દાવા ભારોભાર અવિશ્વાસ ઉપજાવનારા અને સચ્ચાઈથી બહુ દૂર જણાયા છે. જેમ કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા. વડાપ્રધાને વહેતા મૂકેલા ઘણા બઝવર્ડ (નવા ચલણી થયેલા શબ્દો)માંનો એક. ભારતના યુવાનોને રોજગારી અને નવા આઇડિયાને પ્રોત્સાહન તરીકે તેમણે આ યોજના અતંર્ગત રૂ.10 હજાર કરોડના ભંડોળની જાહેરાત કરી. સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) આ ભંડોળનો વહીવટ કરવાની હતી. એ રકમ ‘સેબી’ માન્ય ફંડમાં રોકાવાની હતી અને તેમાંથી નવા સ્ટાર્ટ અપને આર્થિક ટેકો મળવાનો હતો. ગયા સપ્તાહે બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે, SIDBIએ રૂ. 10 હજાર કરોડને બદલે અત્યાર સુધીમાં માંડ રૂ.1,315 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે. આ ભંડોળમાંથી ચાર કંપનીઓને કુલ રૂ. 110 કરોડની રકમ આપવાની વાત કરવામાં આવી છે અને ચારમાંથી એક કંપનીને રૂ. 5.66 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાદો હિસાબઃ રૂ.10 હજાર કરોડની વાત, એક વર્ષ પછી રૂ.5.66 કરોડની ફાળવણી.

વડાપ્રધાનની બીજી મહત્ત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ આવકાર્ય છે. વર્ષ 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી હતી. તેના નવા રૂપરંગ સાથેના વિસ્તાર તરીકે મેક ઇન ઇન્ડિયા આવે તેમાં કશું ખોટું નથી, પરંતુ વિશ્વમાં સૌથી યુવાન સમૂહ ધરાવતા ભારતમાં સૌથી ગંભીર એવી નોકરીઓની સમસ્યા ઉકેલવામાં સરકારે નક્કર કામ કરવું બાકી છે. ઉદ્યોગો શ્રમજીવી-કેન્દ્રિત ઓછા ને મશીન-ટેક્નૉલોજીકેન્દ્રી વધારે થતાં રોજગારીની તકો ઘટી છે, ખેતી સાથે સંકળાયેલા સરેરાશ જણની હાલત કફોડી છે, ત્યારે થોડી મોટી કંપનીઓ ભારતમાં તેમની દુકાનો કે કારખાનાં ચાલુ કરે તેનાથી વડાપ્રધાનનો વટ પડી શકે છે (જેમ સાણંદમાં નેનોની ફેક્ટરીનો તેમણે પોતાની ઇમેજ માટે ઉપયોગ કર્યો) પરંતુ બેકારીની વ્યાપક સમસ્યા તેનાથી હલ થાય એમ નથી.

વડાપ્રધાને પહોંચતાપામતા લોકોને કહ્યું કે, ‘તમારી એલપીજી સબસિડી જતી કરો તો ગરીબ પરિવારનો ચૂલો સળગે.’ એક અંદાજ પ્રમાણે આ યોજનાની જાહેરખબરમાં વડાપ્રધાને જેટલા રૂપિયા ખર્ચ્યા તેટલા આ કામ માટે વપરાયા હોત, તો બીજા લોકોએ એલપીજી સબસિડી જતી કરવાની જરૂર ન પડત. તેમનો બીજો દાવો એ હતો કે સબસિડી લોકોનાં ખાતામાં સીધી જમા કરાવવાના અને બીજા આનુષંગિક નિર્ણયોથી દેશને રૂ.14,672 કરોડનો ફાયદો થયો. પરંતુ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા પ્રમાણે, ફક્ત એક જ વર્ષમાં વૈશ્વિક ભાવઘટાડાને પગલે એલપીજીની આયાતના બિલમાં આશરે રૂ.11 હજાર કરોડનો કાપ આવ્યો. કેનેડાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટે કરેલી ગણતરી પ્રમાણે, ભારત સરકારે રૂ. 14,700 કરોડ (2.2 અબજ ડોલર) નહીં, 2.1 કરોડ ડોલરની બચત કરી હતી.

વડાપ્રધાન ગામડાંમાં વીજળીના ફેલાવાનો જશ ઉઘરાવતા ફરે છે. તેમની સરકારે બેશક આ દિશામાં કામ કર્યું છે. પરંતુ આવું કામ કરનારા તે એકલા નથી. 2015-16માં 7,008 ગામમાં વીજળી પહોંચી. એપ્રિલ 2016થી 7 ફેબ્રુઆરી, 2017 સુધી 5,271 ગામમાં વીજળી પહોંચી. ત્યાર પહેલાંનાં ત્રણ વર્ષમાં પહેલી વાર વીજળી ધરાવનારાં ગામડાંનું પ્રમાણ ઘટ્યું હતુંઃ 2012-13 (2,587), 2013-14 (1,197), 2014-15 (1,405). પરંતુ ત્યાર પહેલાંનાં વર્ષોમાં આ આંકડા જોયા પછી શબ્દાર્થમાં અજવાળું થઈ શકે છે. 2008-09 (12,056), 2009-10 (18,374), 2010-11 (18,306), 2011-12 (7,285). પરંતુ વડાપ્રધાનના દાવા સાંભળીને એવું લાગે જાણે તેમના આવતા પહેલાં ભારતનાં ગામડાંમાં અંધારું હતું અને વડાપ્રધાનપદે તેમના પ્રાગટ્ય પછી જ પ્રકાશ થયો.

પણ આપણું તો સૂત્ર છેઃ  એ ન વિચારો કે સરકારે તમને કેટલી ગોળીઓ પીવડાવી. એ વિચારો કે તમે હોંશેહોંશે કેટલી ગોળીઓ પીધી.

3 comments:

 1. અરે હજી ત્રણ વરસ પ્હેલાં એક ગામથી બીજે ગામ કાચા રસ્તે અને વન વગડે ચાલતાં જતાં મુસાફરોને ઠગો લૂંટી લેતા એની જગ્યાએ આ સરકારે રસ્તા બનાવ્યા, વાહનવ્યવ્હારની સગવડ કરી, આવું કેટકેટલું કામ ત્રણ વરસથી પણ ઓછા ગાળામાં થયું જ છે ને! તમે આવી આંકડાબાજીથી દેશની પ્રજાને ભોળવવા માંગો છો? પણ એ દિશામાં ય ત્રણ વરસથી ઓછા ગાળામાં સરકારે ઘણું કામ કર્યું છે!

  ReplyDelete
 2. urvishbhai... really a very logical article.. and its true also.... and thanks for write article so we can see real picture....

  ReplyDelete
 3. हरीश देसाई8:57:00 PM

  सच घटे या बने सच ना रहे, जूझ की कोई इम्तेहान ही नही ा

  ReplyDelete