Monday, March 06, 2017
પૃથ્વીની 'પડોશ’માં આવેલા સાત ગ્રહો પર ક્યારે પહોંચાશે?
પૃથ્વીથી આશરે ૩૯ પ્રકાશવર્ષ છેટે, બ્રહ્માંડની વિશાળતાના હિસાબે 'નજીક'માં, એક તારો અને તેની પ્રદક્ષિણા કરતા સાત ગ્રહો મળી આવ્યા. આ સમાચારે ગયા મહિને સંશોધકો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ ઉત્તેજના પેદા કરી. કારણ કે, હજુ સુધી પૃથ્વીવાસીઓને જીવસૃષ્ટિ ધરાવતો બીજો ગ્રહ મળ્યો નથી.
કારણ? પૃથ્વી આપણી સૂર્યમાળામાં જ નહીં, બ્રહ્માંડમાં પણ લાખોંમેં એક અથવા અબજોમેં એક છે. બ્રહ્માંડમાં આપણા સૂર્ય જેવા ગણ્યા ગણાય નહીં એટલા તારા છે. તારાની આસપાસ ગ્રહ ફરતા હોય તો ત્યાં પ્રાથમિક તપાસ કરવાપણું રહે. તારાની આસપાસ ભ્રમણ કરતા અને એક્ઝોપ્લેનેટ તરીકે ઓળખાતા ગ્રહો શોધવાની શરૂઆત પચીસેક વર્ષ પહેલાં થઈ. અત્યાર લગી બ્રહ્માંડમાં આપણી સૂર્યમાળા સિવાયની બીજી ઘણી સૂર્યમાળાઓ (એટલે કે તારો અને તેનાં ચક્કર કાપતા ગ્રહનો આખો સેટ) મળી આવી છે. પરંતુ જીવન પાંગરવા માટે આ તો પહેલી ને સાવ પ્રાથમિક શરત છે--ડોક્ટર બનવા માટે એસ.એસ.સી. પાસ થવું પડે એવી.
ત્યાર પછી 'જો'અને 'તો'ના અનેક દરવાજા આવે છે : ફરતા ગ્રહ પર જીવન પાંગરી શકે, પણ ગ્રહ તારાથી માપસરના અંતરે હોવો જોઇએ. વધારે નજીક હોય તો તારાની ગરમીથી પાણી ઉડી જાય અનેેે વધારે દૂર હોય તો ગરમીના અભાવે બધું ઠરી જાય. જીવન માટે પાણી અનિવાર્ય ગણાય છે. સૂર્યનાં કિરણોની ઘાતક અસરોથી બચાવવા માટે ગ્રહની ફરતે વાતાવરણ હોવું જોઈએ. પૃથ્વીને છે એવી નક્કર સપાટી હોવી જોઇએ. મંગળ પરની તપાસમાં ત્યાં ભૂતકાળમાં પાણી હોવાનાં અેંધાણ મળ્યાં છે, પણ ત્યાં બીજા સંજોગો અનુકૂળ નથી.
નવા મળી આવેલા સાત ગ્રહો અને તેમના 'સૂર્ય'ની કેટલીક ખૂબીઓ તેમને જીવસૃષ્ટિ માટે અત્યાર સુધીના સૌથી આશાસ્પદ ઉમેદવાર બનાવે છે. અભ્યાસીઓના મતે, કોઈ એક જ સૂર્યની ફરતે આટલા બધા ગ્રહો સાગમટે પ્રદક્ષિણા કરતા મળ્યા હોય એવી (આપણી સૂર્યમાળા સિવાયની) આ પહેલી શોધ છે. સાતેસાત ગ્રહોનું કદ લગભગ પૃથ્વી જેવડું છે. તે તારાની આસપાસ ચુસ્ત, નિયમિત ભ્રમણકક્ષામાં ફરે છે. સંશોધકોએ તેને નામ આપ્યું છેઃ TRAPPIST-1. આ નામકરણ તેને શોધી કાઢનાર ટેલીસ્કોપને આભારી છે, જે TRAPPIST
તરીકે ઓળખાય છે. TRAPPIST
એટલે ટ્રાન્ઝિટિંગ પ્લેનેટ્સ એન્ડ પ્લેટેનેટેસિમલ્સ સ્મોલ ટેલીસ્કોપ. ચિલીની એક વેેેેધશાળામાં આવેલું આ ટેલીસ્કોપ તેના નામ પ્રમાણે, તારા પર નજર રાખે છે અને તારાની આગળથી ટ્રાન્ઝિટ/અધિક્રમણ કરતા નાના-મોટા ગ્રહોની હાજરી પારખે છે. તેનો નિયમ સાદો છે. તારાનો અખંડ પ્રકાશ આવતો હોય અને તેમાં વચ્ચે અવરોધ પડે તથા તેનો સમયગાળો નિયમિત હોય, તો તેનો અર્થ એ થયો કે એક ગ્રહ એ તારાની ફરતે ચોક્કસ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યો છે. તે તારાનો કેટલો પ્રકાશ અવરોધે છે તેની પરથી ગ્રહ વિશેની કેટલીક વિગતો મેળવી શકાય છે.
TRAPPIST-1 તારાના ત્રણ ગ્રહોનો પત્તો ગયા વર્ષે જ મળી ગયો હતો. પરંતુ વધુ અભ્યાસ પછી જણાયું કે તારાના પ્રકાશ આડેનો એક અવરોધ એવો હતો, જેના માટે અગાઉ એક ગ્રહને કારણભૂત ગણવામાં આવ્યો હતો. પણ ખરેખર તે ત્રણ જુદા જુદા ગ્રહોને આભારી હતો. ઉપરાંત, બે નવા ગ્રહ પણ નવા અભ્યાસમાં મળી આવ્યા. આમ
TRAPPIST-1ના ગ્રહોની કુલ વસ્તી સાતના આંકડે પહોંચી. તેમાંથી ત્રણ જીવસૃષ્ટિ માટે સૌથી વધુ સંભવિત મુરતિયા ગણાય છે. આપણી સૂર્યમાળામાં સૂર્ય પછી તરતનો ગ્રહ બુધ છે. તે વધુ પડતો નજીક હોવાથી ત્યાં જીવન પાંગરવાની સંભાવના નથી.
TRAPPIST-1 અને તેના ગ્રહો વચ્ચેનું અંતર સૂર્ય અને બુધ વચ્ચેના અંતર કરતાં પણ ઓછું છે. પરંતુ તારા તરીકે આપણો સૂર્ય TRAPPIST-1 કરતાં આશરે બે હજાર ગણો વધારે તેજસ્વી છે. આ ઓછા પ્રકાશને લીધે TRAPPIST-1થી નજીક હોવા છતાં, તેની પર ગરમી એટલી ન હોય કે પાણી વરાળ થઈને ઉડી જાય. માટે ત્યાં જીવનની સંભાવના રહે છે. આ ગ્રહો પૃથ્વીની જેમ જ ખડકાળ સપાટી ધરાવે છે. તારાની સૌથી નજીક રહેલા બે ગ્રહો પર ગુરુત્વાકર્ષણના પગલે જ્વાળામુખીઓ પણ હોઈ શકે છે. TRAPPIST-1ની ફરતે એક ભ્રમણ પૂરું કરવામાં સૌથી નજીકના ગ્રહને (પૃથ્વીના) દોઢ દિવસ જેટલો સમય લાગે છેે, જ્યારે નજીકના છ ગ્રહોમાં સૌથી છેલ્લો રહેલો ગ્રહ આ જ કામ ૧૨.૪ દિવસમાં પૂરું કરે છે.
અલબત્ત, આ બધું વર્ણન વાંચીને 'મનમેેં લડ્ડુ ફુટા'એવું થતું હોય તો ધીરજ ધરો. ટ્રમ્પની ફિલમ ઉડાડવા માટે એવી રમૂજ પણ થઈ કે 'જુઓ, ટ્રમ્પના રાજને મહિનો પણ નથી થયો ને નાસાએ રહેવા માટેનાં બીજાં ઠેકાણાં શોંધી કાઢ્યાં.’ રમુજ તરીકે તે ઉત્તમ છે, પણ રમુજથી વિશે એ કંઈ નથી. કારણ કે હવે પછીના વિગતવાર ઊંડા અભ્યાસો પછી TRAPPIST-1ના એક કે વધારે ગ્રહ જીવસૃષ્ટિ માટે અનુકૂળ લાગે તો પણ, ત્યાં સુધી પહોંચવાનું કઠણ છે. અહેવાલોમાં ૩૯ પ્રકાશવર્ષના અંતરની આગળ 'ફક્ત’ જેવો શબ્દ લાગવાનું અને આ તારો પૃથ્વીથી ‘નજીક’ હોવાનું કહેવાયું, તેનું કારણ એ છે કે અફાટ બ્રહ્માંડમાં ૪૦ પ્રકાશવર્ષ અંતર કોઈ હિસાબમાં નથી. પરંતુ વાત બ્રહ્માંડની ફુટપટ્ટીને બદલે માણસની માપપટ્ટી વાપરીને કરીએ તો ૩૯ પ્રકાશવર્ષ અંતર એટલે પ્રકાશ ૩૯ વર્ષમાં કાપી શકે એટલું અંતર. કિલોમીટરમાં આંકડો જાણવામાં સાર નથી. છતાં જાણવો જ હોય તો આશરે ૩૬૯ ટ્રિલિયન કિલોમીટર.
તેની સામે માણસે બનાવેલાં ઝડપીમાં ઝડપી યાનની ઝડપ કેટલી? અમેરિકાની અવકાશ સંસોધન સંસ્થા 'નાસા’એ 'જુનો’ નામનું યાન ગુરુ તરફ રવાના કર્યું હતું. તેની શરૂઆતની ઝડપ તો પ્રમાણમાં ઓછી હતી, પણ પછી ગુરુના ગુરુત્વાકર્ષણના પ્રતાપે તેની ઝડપ વધીને કલાકના બે લાખ પાંસઠ હજાર કિલોમીટર સુધી પહોંચી હતી. ધારો કે આ ઝડપ પહેલેથી હાંસલ કરવામાં આવે તો પણ એ યાનનેે
TRAPPIST-1 સુધી પહોંચવામાં દોઢ લાખથી પણ વધારે વર્ષો લાગે. ચીલઝડપી યાનોની આ હાલત હોય ત્યાં પ્રમાણમાં ઓછી ઝડપ ધરાવતાં સમાનવ સ્પેેસ શટલનો ગજ ક્યાં વાગે? તેને તો TRAPPIST-1 સુધી પહોંચવામાં ૧૫ લાખ વર્ષ નીકળી જાય. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીવન હોકિંગે લેસરના જોરે પ્રચંડ ઝડપે ચાલતાં ટચુકડાં યાનની કલ્પના મૂકી છે. તે પ્રકાશની ઝડપ કરતાં પાંચમા ભાગની ઝડપે ચાલી શકે. (કલાકના ૨૧.૬ કરોડ કિલોમીટર). આવાં યાન ધારો કે બને તો તેમને પહોંચતાં પણ લગભગ બસો વર્ષ નીકળી જાય.
Labels:
science/વિજ્ઞાન
Subscribe to:
Post Comments (Atom)
It appears almost impossible to trace any sign of life in the universe due its size and current limitations of human race to explore such vastness. I am ready to bet against it at least during our lifetime!
ReplyDelete