Saturday, March 11, 2017

પરિણામ પછી થોડી વાત~

એક તરફ ઉશ્કેરાટભર્યા જયઘોષ અને બીજી તરફ વાસ્તવ ન સ્વીકારવાના- તેના માટે બહાનાં શોધવાનો પલાયનવાદ-- આ સિવાયની લાગણી ધરાવતા લોકો પણ આ દેશમાં વસે છે. તેમના પ્રતિનિધિ તરીકે મહત્ત્વનાં ચૂંટણી પરિણામ સમજવાનો પ્રયાસ 


(courtesy : The Indian Express, 5:10 pm)


  • આ પરિણામો વડાપ્રધાન મોદીની પ્રચંડ જીત છે. લોકસભામાં હતી એના કરતાં પણ મોટી, કારણ કે વડાપ્રધાન બન્યાનાં આટલાં વર્ષ પછી, તેમનો રેકોર્ડ જોઇને (કે અવગણીને) ઉત્તર પ્રદેશના લોકોએ તેમને આટલા બધા મત આપ્યા છે. 
  •  લોકોએ જ્ઞાતિનાં કે ધર્મનાં બંધન (કે ભેદભાવ) ફગાવ્યા નથી, પણ સમાજવાદી પક્ષ- બહુજન સમાજ પક્ષ- કોંગ્રેસ પ્રત્યેની વફાદારીઓ ફગાવી દીધી છે. પોતે જ્ઞાતિ કે ધર્મની રૂએ કોઇ પક્ષની વોટબેન્ક નથી, એ મતદારોએ સ્પષ્ટ કરી આપ્યું છે અને નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. સમાજવાદી પક્ષની વિકાસવાર્તાને બદલે તેમણે તેમણે વડાપ્રધાનની વિકાસવાર્તા પર મહોર મારી છે.  એટલે કે આ પરિણામ મા્ત્ર વિકાસ વિરુદ્ધ કોમવાદ કે વિકાસ વિરુદ્ધ જ્ઞાતિવાદનાં નહીં, વિકાસના વાયદા વિરુદ્ધ વિકાસના વાયદાનાં છે. બાકી, વડાપ્રધાન અને ભાજપના પક્ષપ્રમુખ વિકાસ સિવાયનું ન બોલવા જેવું પણ ઘણું બધું બોલ્યા જ છે. પણ લોકોએ તેને ગણકાર્યું નથી.
  • સમાજવાદી પક્ષમાં ઓછી વયને કારણે અખિલેશ યાદવ પાસે રાજકારણમાં હજી તક રહેવાની છે. માયાવતીનું રાજકારણ અપ્રસ્તુત જેવું બની ગયું છે. 2014 પછી પણ નહીં જાગેલી કોંગ્રેસનું એ જ થયું છે, જે થવું જોઇએ. હજુ સુધી ભાજપમાં ન જતા રહેલા કોઇ મજબૂત નેતાને કોંગ્રેસ આગળ કરે, તો તેના માટે લાંબા ગાળે હરીફાઈમાં ઉભા રહેવાની તક છે. બાકી, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા પછી સમાજવાદી પક્ષની જે દશા થઈ, એ જોતાં ભવિષ્યમાં બીજો કોઈ પક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની હિંમત નહીં કરે...અને ભાજપને તો સોનિયા ગાંધી પરિવાર સિવાયના બધા કોંગ્રેસીઓ ખપે જ છે. 
  • સામાન્ય રીતે (ગુજરાત જેવા કિસ્સામાં) યોગ્ય વિકલ્પનો અભાવ ભાજપની જીતનાં મુખ્ય કારણમાંનું એક ગણાતો રહ્યો છે. પણ ઉત્તર પ્રદેશમાં એ લાગુ પડતું નથી. ત્યાં સમાજવાદી પક્ષ જેવો મજબૂત (સત્તાધારી) વિકલ્પ હોવા છતાં, ભાજપને મત મળ્યા છે--અને અત્યારના અહેવાલો પ્રમાણે, એ મત ભાજપી ઉમેદવારોને નહીં, પણ વડાપ્રધાન મોદીને મળ્યા છે. 
  • છેલ્લા શ્વાસ ભરતી કોંગ્રેસે પંજાબમાં આમઆદમી પક્ષને પાછળ પાડીને અકાલી દળ- ભાજપ પર જીત મેળવી છે. તેના કારણે દિલ્હીની બહાર--અને ખાસ તો રાષ્ટ્રિય સ્તરે-- ભાજપને થોડી ટક્કર આપવાની આમઆદમી પક્ષની મહત્ત્વાકાંક્ષા ખીલતાં પહેલાં જ રૂંધાયેલી જણાય છે. 
  • કનુભાઈ કળસરિયા હોય કે ઇરોમ શર્મિલા, ભપકાબાજીના રાજકારણ-ચૂંટણીકારણમાં તેમનું ફાવવું અઘરું ને અઘરું બનતું જાય છે-- ભલે તેમનું કામ કે તેમની પ્રતિબદ્ધતા ગમે તેટલાં સાચાં હોય.
  • ચૂંટણીવિજય લોકસ્વીકૃતિ સૂચવે છે. લોકસ્વીકૃતિ પાછળનાં અનેક કારણ હોય છે. લોકસ્વીકૃતિ મળી એટલે વાજબી ટીકાના બધા મુદ્દા અપ્રસ્તુત થઇ ગયા, જેણે ટીકા કરવી હોય તે દેશ છોડીને જતા રહે--એવું કહેવા-સમજવાની જરૂર નથી. કટોકટી ઉઠાવ્યા પછીનાં બે-અઢી વર્ષમાં ઇંદિરા ગાંધી ફરી ચૂંટાઈ આવે, તેનાથી કટોકટીનાં પાપ ટળી જતાં નથી અને આવાં ભારે પાપ છતાં લોકસ્વીકૃતિ (અનેક કારણોસર) મેળવી શકાય છે, એવું ઇતિહાસ શીખવે છે. 

વડાપ્રધાન મોદીના ટેકેદારોને-સમર્થકોને અભિનંદન અને
સાદા ટેકેદારોને બદલે ભક્તની હરોળમાં આવતા જનો કદીક નાગરિક તરીકે 'વિકાસ' પામે એવી શુભેચ્છા. 

1 comment: