Friday, September 04, 2015

જાહેર જીવનમાં ગાંધીમાર્ગ કે ઝીણામાર્ગ?

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી/ Census 2011ના ધર્મઆધારિત આંકડા ગયા સપ્તાહે જાહેર થયા. સંકુચિત ઓળખ આગળ કરીને અસલામતી ફેલાવવનારાને તેમાં ગોળનું ગાડું મળી ગયું. તેમણે છાપરે ચઢીને પોકાર કર્યા કે કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ પહેલી વાર ૮૦ ટકા કરતાં ઘટ્યું (૭૯.૮ ટકા થયું) અને મુસ્લિમોના પ્રમાણમાં વધારો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૧ માં દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧૩.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૧૪.૨ ટકા થયું.

આટલી વિગતોથી જોયું? અમે કહેતા હતા ને? હિંદુઓ ખતરામાં છે... પચાસ વર્ષ પછી મુસ્લિમો દેશ પર રાજ કરતા હશે.એ પ્રકારની કાગારોળ મચી. છડેચોક ઉશ્કેરણી કરવામાં બહાદુરી સમજતા અને અગમ્ય કારણોસર સુઓ-મોટો (સ્વયંભૂ) અદાલતી પગલાંમાંથી બચી જતા શિવ સેના જેવા પક્ષે તેના મુખપત્રમાં જાહેર કરી દીધું કે મુસ્લિમોના વસ્તીવધારા માટે ધર્મનું રાજકારણ જવાબદાર છે. કેટલાંક તત્ત્વો દેશના ઇસ્લામીકરણનો અને મોગલ શાસન પાછું આણવાનો ખ્યાલ સેવી રહ્યા છે. દેશમાં સેક્યુલારિઝમનું તૂત ચાલુ રહ્યું, તો આવતાં પચાસ વર્ષમાં આ દેશમાં મોગલ શાસન સ્થપાઇ જાય તો નવાઇ ન લાગવી જોઇએ.આ સિવાય પણ મુસ્લિમો વિશેની ચીલાચાલુ ઉશ્કેરણીજનક વાતો એ લેખમાં લખવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસ્લિમોની વસ્તી જેહાદના લીધે હિંદુઓ લુપ્ત થઇ શકે છે. (આવું ગમ્મતમાં નહીં, ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું હતું.) હિંદુઓના લુપ્તથવાની ગંભીર શક્યતાકયા આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવી હતી? વિશ્વ હિંદુ પરિષદના ઉચ્ચ હોદ્દેદારે કહ્યું કે ૧૯૫૧થી ૨૦૧૧ દરમિયાન કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ૮૪ ટકામાંથી ૮૦ ટકા નીચે આવી ગયું, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧૦ ટકામાંથી વધીને ૧૪ ટકા થઇ ગયા...આપણે વેળાસર નહીં જાગીએ તો ભારત ઇસ્લામિક દેશ થઇ જશે.

હિંદુઓના હિતચિંતક-હિંદુહિતરક્ષક હોવાનો ડોળ કરતા આ બન્નેએ સૂચવેલા ઉપાય જોકે સાવ સામસામા છેડાના હતા. વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારે બેથી વઘુ સંતાન પર અંકુશ મૂકવાની માગણી કરી, તો શિવ સેનાની ઉત્તર પ્રદેશ પાંખે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે પાંચ કે વધુ બાળકો ધરાવતાં હિંદુ પરિવારોને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી.

આવા હિતરક્ષકો હોય તો હિંદુઓને હિતશત્રુઓની શી જરૂર? આવો સવાલ થવાનું કારણ તેમણે નહીં ટાંકેલા વસ્તીગણતરીના આંકડામાંથી મળી રહે છે. સૌથી પહેલાં વાત વસ્તીવધારાની ધીમી પડી રહેલી ગતિની. ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (વસ્તીના ફાયદા) લેવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્ર માટે વસ્તીવધારાના દરમાં થઇ રહેલો ઘટાડો સૌથી આનંદદાયક સમાચાર ન કહેવાય? વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા એવા સારા સમાચાર લઇને આવ્યા હતા, પરંતુ અસલામતીની ખેતી કરનારાને તેની સાથે શી લેવાદેવા?

હકીકતમાં, દેશના હિંદુઓ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકોમાં વસ્તીવધારાનો દર સતત ઘટી રહ્યો છે અને એ ઘટાડો વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં પણ ચાલુ રહ્યો છે. હિંદુઓની વસ્તી ૧૯૮૧ સુધી સતત વધતી રહી. ૧૯૮૧માં હિંદુઓના વસ્તીવધારાનો દર ૨૪.૦૭ ટકા હતો. ત્યાર પછીની દરેક વસ્તીગણતરીમાં એ ઘટતો રહ્યો છે અને વર્ષ ૨૦૧૧માં એ ૧૬.૭૬ ટકા થયો છે. એટલે કે ત્રણ દાયકામાં હિંદુઓના વસ્તીવધારાનો દર આશરે ૭.૨૫ ટકા જેટલો ઘટ્યો છે, જેના કારણે ઉશ્કેરણીબાજો ખતરાના શંખ વગાડી રહ્યા છે. તેમની ઉશ્કેરણીમાં વજૂદ હોય,એટલે કે, તે ઉશ્કેરણી નહીં પણ ચેતવણી હોય, તો આ ગાળામાં પોપ્યુલેશન જેહાદને કારણે મુસ્લિમોનો વસ્તીદર મોટા પાયે વધવો જોઇએ. પરંતુ હકીકત જુદી છે.

હિંદુઓનો વસ્તીવધારાનો દર ૧૯૮૧ સુધી, તો મુસ્લિમોનો વસ્તીવધારાનો દર ૧૯૯૧ સુધી વધતો રહ્યો. પરંતુ ૧૯૯૧ પછી સતત બે દાયકાથી મુસ્લિમોનો વસ્તીવધારા દર ઘટી રહ્યો છે. ૧૯૯૧માં એ દર ૩૨.૮૮ ટકા હતો, જે ૨૦૧૧માં ૨૪.૬૦ થયો છે. એટલે કે પોપ્યુલેશન જેહાદના આરોપી તરીકે ચડાવી દેવાયેલા મુસ્લિમોના  વસ્તીવધારાનો દર હિંદુઓના વસ્તીવધારાના દર કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે : હિંદુઓની વસ્તીવૃદ્ધિનો દર ત્રણ દાયકામાં ૭.૨૫ ટકા ઘટ્યો, ને મુસ્લિમોનો બે દાયકામાં ૮.૨૫ ટકા. ૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં ૧.૭૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૦.૮ ટકા (અગાઉના દાયકા કરતાં અડધું) વધ્યું.

સવાલ સાચા અર્થઘટનનો અને સાચી રીતે રાષ્ટ્રહિત અંગે વિચારવાનો છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ફેલાયેલી અશાંતિ કરતાં એક સ્ત્રીનાં એકાધિક લગ્નો અને ઓરમાન સંતાનની હત્યાના ચોપડા ચૂંથવા હડી કાઢતાં ઘણાંખરાં ટીઆરપી-ક્લિકભૂખ્યાં પ્રસાર માધ્યમો વિશે તો શું કહેવાનું? વસ્તીગણતરીના આંકડાને ધાર્મિક ઉશ્કેરણીનું નિમિત્ત બનાવતાં તેમને કોણ રોકી શકે?

હિંદુ ખતરેમેં પ્રકારની અસલામતીને પોતાના રાજકીય અસ્તિત્ત્વનો આધાર બનાવનાર સૌએ પટેલોના અનામત આંદોલન જેવી તેની આડપેદાશો વિશે પણ વિચારવું જોઇએ. ૧૪.૨ ટકા મુસ્લિમોથી ૭૯.૮ ટકા હિંદુઓને ખતરો છે, એવા હથોડા મારનારા આડકતરી રીતે એવું સ્થાપિત કરી આપે છે કે તમે ગમે તેટલું સંખ્યાત્મક કે અન્ય પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હો, છતાં તમે અસલામત છો. તમે હિંદુ હો તો મુસ્લિમો સામે અસલામત છો, મરાઠી હો તો બિહારીઓ સામે અસલામત છો, તમે વગદાર-વર્ચસ્વદાર હો તો વંચિતો સામે અસલામત છો, તમે એન્કાઉન્ટરબાજ હો તો કાનૂની કાર્યવાહી ને અદાલતો સામે અસલામત છો... ટૂંકમાં, તમે અસલામત હો, તો જ અમે સલામત છીએ. કારણ કે તમે અસલામત હશો તો જ તમારા હિતરક્ષકની-હૃદયસમ્રાટની જગ્યા ખાલી હશે અને (અમારી જ ઊભી કરેલી) એ જગ્યાને અમે ભરી શકીશું.

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા આ પ્રકારના ઉત્તેજનને કારણે ગર્વસે કહો, હમ અસલામત હૈએ નવા સમયનું સૂત્ર બની ગયું છે. મહદ્‌ અંશે કાલ્પનિક એવી અસલામતીનું સૌથી મોટું સુખ એ છે કે  તેને આગળ ધરીને મનમાં રહેલા ધીક્કારને-દ્વેષને તર્ક અને વાજબીપણાના વાઘા પહેરાવી શકાય છે. મને તો કોઇના માટે કશું નથી, પણ તમે જ કહો. અમારી આવી દશા થાય એ કેવી રીતે સાંખી લેવાય?’

આવા વખતે જરૂર હોય છે અસલામતીના વિષચક્રને તોડનારની--નહીં કે એની ભીંસને ઓર જડબેસલાક બનાવનારની. ગાંધી-સરદાર જેવા નેતાઓએ આમજનતાના મનમાં અસલામતી ઊભી કરીને પોતાનું નેતાપદું ઊભું કર્યું ન હતું. તેમનો ઇરાદો એક યા બીજા ધર્મના, એક યા બીજા સમુદાયના નાગરિકોને મજબૂત કે નબળા પાડવાનો નહીં, દરેકને ભારતના નાગરિક તરીકે સ્થાપવાનો- મજબૂત બનાવવાનો હતો.  ભારતના ભાગલા વખતે થયેલી ઐતિહાસિક હિંસાખોરી વખતે પણ આ નેતાઓ અસલામતીનું સંકુચિત રાજકારણ રમવામાં ન પડ્યા. સામે પક્ષે ઝીણાએ (મુસ્લિમોમાં) સતત અસલામતી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો. ઘણા સમયથી આપણા રાજનેતાઓ ઝીણામાર્ગે ઘણા આગળ નીકળી ગયા છે,પરંતુ સામાજિક આંદોલનોની નેતાગીરી લેનારાએ ગાંધી-સરદારમાર્ગે ચાલવું કે ઝીણામાર્ગે, એ વિચારવાનું છે.

2 comments:

  1. સુપેર લાઇક સર..

    ReplyDelete
  2. ચંદુ મહેરિયા2:15:00 PM

    મુસ્લીમોનો વસ્તીવ્રુધ્ધિદર જો આ જ પ્રમાણે ચાલુ રહે તો ભારતમાં ક્યારે બહુમતી પ્રજા બની જાય એનો તાળો માંડવા જેવો છે. એક જાડી ગણતરીએ 250 વરસ લાગે અને ત્યારે ભારતની વસ્તી 1300 કરોડ હોય! અસલામતીનો ખ્યાલ અને વસ્તી વધારાના દરને ગુજરાત અને બિહારના સંદર્ભમાં જોવા જેવા છે.1991 થી 2001માંગુજરાતમાં હિંદુઓ કરતાં મુસ્લીમોનો વસ્તી દર 5.2 ટકા વધુ હતો, 2002 પછી 2001 થી 2011માં તે વધીને 8.70 ટકા થયો છે. આજ ગાળાનો બિહારનો મુસ્લીમ વસ્તી દર પહેલાં 13.5 ટકા હતો તે ઘટીને 4.2ટકા થયો છે. ગુજરાત અને બિહારની તુલના કરીને તેના કારણો કેમ શોધાતા નહીં હોય?

    ReplyDelete