Friday, September 18, 2015

ભૂખનું દુઃખ : સર જો તેરા ચકરાયે

ભૂખ અસલમાં હાસ્યરસનો નહીં, કરૂણરસનો વિષય છે, પણ ગણિતમાં ૠણ (નેગેટિવ)નો ગુણાકાર ધન (પોઝિટિવ) થાય છે તેમ, સંસારમાં કરૂણનો ગુણાકાર હાસ્ય પેદા કરી શકે છે. બહુ બધાં ૠણ’ (દેવાં)થી અઢળક ધન સર્જી શકાય છે, એ ગણિત મોટા ધંધાદારીઓ બરાબર સમજે છે અને કેટલાક તો તેને માલદાર બનવાની પૂર્વશરત ગણે છે, પણ એ જુદી વાત થઇ.

ગુજરાતમાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન (પણ) ન થાય.કળિયુગીન ભારતીય પરંપરામાં જેમ બાવા બનવું એ ઘણી વાર મફતના જલસા મારવા બરાબર ગણાય છે, તેમ ભજન કરવુંએ કંઇ ન કરવાનો પર્યાય મનાય છે. એ શબ્દપ્રયોગ કરતી વખતે બોલનારના મનમાં જરાય આધ્યાત્મિક ભાવ હોતો નથી. ઉલટું, આધ્યાત્મિક અવનતિ થાય ત્યારે જ માણસ આવો પ્રયોગ કરવા પ્રેરાય છે. દા.ત. તમે જતા રહેશો તો અમે અહીં બેસીને શું ભજન કરીશું?’ આવું બોલનારની ચીડ છૂપી રહેતી નથી. પણ અહીં વાત ચીડની કે ભજનની નહીં, ભૂખની છે.

ભૂખ લાગી હોય ત્યારે માણસ આકુળવ્યાકુળ બનવા કે વડચકાં ભરવા સિવાય ભાગ્યે જ બીજું કંઇ સારી રીતે કરી શકે છે. કેટલાક તો ભૂખથી એટલા વ્યાકુળ બને છે કે તે બીજી બાબતોનું ઠીક, ભૂખ લાગી હોવાનું પણ ભાન ગુમાવી દે છે. પોતે જે ગધેડા પર બેઠો હોય તેની ગણતરી ભૂલી જનાર કુંભારની જેમ, ભૂખપીડિત માણસ બીજા બધાની ખામીઓ કાઢીને તેમની સામે છાંછિયાં કરે છે, પણ તેને સમજાતું નથી કે સર્વ દુઃખોનું મૂળ તેના (ખાલી) પેટમાં છુપાયેલું છે.

જ્ઞાનીઓ કહી ગયા છે કે પોતે નથી જાણતા એટલું જાણવું, એ મોટું જ્ઞાન છે. ભૂખની બાબતમાં પણ એ સાચું છે : ભૂખ્યા પેટે પોતે ભૂખ્યા છે--અને પોતાની વ્યાકુળતાનું અસલી કારણ ભૂખ છે-- એ સમજવું પણ મહત્ત્વનું જ્ઞાન છે. એ જ્ઞાન જો વેળાસર લાધે તો (ભૂખ્યાને) શાંતિ, નહીં તો (ભૂખ્યાની આજુબાજુના લોકોને) ઉપાધિ મળે છે. ભૂખના માર્યા ઘણા લોકો મનુષ્યાહારી થઇ જાય છે--ના, તે સાવ ગુફાવાસી પૂર્વજોની હદે ઉતરી જતા નથી, પણ પોતાની આસપાસ રહેલા મનુષ્યોનાં સુખશાંતિ પર તરાપ મારીને પોતાની ભૂખ શમાવવા પ્રયાસ કરે છે. જઠરાગ્નિમાંથી પ્રગટેલો ક્રોધ અગ્નિ પર પાણીનું નહીં, ઘીનું કામ કરે છે. બીજા પર ખીજ ચડવાથી ભૂખ વધે છે અને ભૂખ વધે એમ ગુસ્સાની માત્રા પણ વધે છે. ચેઇન રીએક્શન નામે ખરાબ ચીજ છે. અણુબોમ્બ વિશે સાધારણ જાણકારી ધરાવતા લોકોને ખબર હશે કે તેના મૂળમાં ચેઇન રીએક્શન રહેલું છે. ક્રોધ અને ભૂખનું ચેઇન રીએક્શન નાના પાયે ઘણા મોટા વિસ્ફોટો સર્જી શકે છે. ભૂખથી ક્રોધિત માણસને જે હાથે ચડે તે છૂટું ફેંકવાની ઇચ્છા થાય છે-- કેમ જાણે, સામે દેખાતા કાચના અદૃશ્ય કબાટને તોડીને તેમાંથી ભોજન કાઢવાનું હોય.

ભૂખ નામનો વાયરસ માણસના શરીરની-મનની સીસ્ટમમાં એક વાર પેસે, એટલે હમણાં સુધી કેવી સરસ ચાલતી હતી’-એવી અચ્છીભલી સીસ્ટમને તે ’કરપ્ટ’ કરી નાખે છે. ત્યાર પછી વાયરસગ્રસ્ત થયેલા કમ્પ્યુટરની જેમ શરીર પણ અકળ, અજબ અને વિચિત્ર વર્તણૂંક કરવા માંડે છે. વાયરસવાળા કમ્પ્યુટરમાં માણસ ધારે કંઇક ને વાયરસ કરાવે કંઇક. એવું જ ભૂખગ્રસ્ત મનનું થાય છે. તેમાં કોઇ પણ વિચાર ’એન્ટર’ કરવા મથીએ, છેવટે તે ભૂખ અને તેના શમનના આડાઅવળા વિચારો ભણી દોરી જાય છે : જીવનમાં આગળ વધવા માટે સ્ટે હન્ગ્રી, સ્ટે ફૂલિશજેવું સૂત્ર લખનારે સ્ટે હન્ગ્રીવાળો ભાગ ભૂખ-વ્યાકુળ અવસ્થામાં, મગજ પરનો કાબૂ ગુમાવ્યા પછી લખ્યો હશે... ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશેએવી કવિતા ભરેલા પેટે જ થઇ શકે. બાકી, ખાલી પેટે તો એવું જ લખાય કે ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, પ્લેટોમાં એક અન્નકણી ન લાધશે’... સ્ટીવ જોબ્સે ભૂખ્યા પેટે આઇડીયા લડાવ્યા હોત તો તેને એપલનાં આઇ-પેડને બદલે એપલનાં સાદાં પેડ (વૃક્ષ)નો ધંધો કરવાનું જ સૂઝત, તેના સ્વપ્નમાં એપલ જ્યુસનાં ઝરણાં વહેતાં હોત, ‘આવારાની ડ્રીમ સિક્વન્સની જેમ અપ્સરાઓ સફરજનની લાલ છાલનાં વસ્ત્રો પહેરીને કોરસમાં ગાતી હોત અને હીરો રાજ કપૂરની છટાથી એપલનાં બટકાં ભરતો ભરતો, કૃત્રિમ ભોળપણથી આંખો પહોળી કરીને જોઇ રહ્યો હોત...

ભૂખ લાગી હોય ત્યારે આવું થાય : વાત ક્યાંથી શરૂ થાય ને ક્યાં પહોંચી જાય. ભૂખ્યા પેટે ભજન પણ એટલા માટે જ નથી થતું. કેમ કે, એવી અવસ્થામાં માણસને આ ઢોલક કે મંજીરા ખાદ્યપદાર્થોના બનાવતાં ભગવાનનું શું જતું હતું?’ એવા વિચાર આવી શકે છે. શ્રાવણ માસમાં હિંડોળાની સીઝનમાં અવનવી ચીજોના- ખાદ્યપદાર્થોના હિંડોળા થતા હોય અને તેનાં દર્શન કરનાર ભૂખથી વ્યાકુળ થતો હોય ત્યારે તેનું મન હિંડોળા કરતાં અનેક ગણી વધારે ગતિથી હાલકડોલક થઇ શકે છે.

ગોલ્ડ રશફિલ્મમાં ચાર્લી ચેપ્લિન અને તેનો હટ્ટોકટ્ટો સાથીદાર બર્ફીલા પહાડ પર ભૂખથી આકળવિકળ થાય છે, ત્યારે સાથીદારને ચેપ્લિનમાં માણસને બદલે મોટી સાઇઝની મરઘી દેખાય છે. આ ચેપ્લિનશાઇ રમૂજમાં તથ્ય છે. ઘણાને અનુભવ હશે કે ભૂખ પેટમાં લાગે, પણ તેની અસર આંખો પર થાય છે. કકડીને ભૂખ લાગી હોય ત્યારે પૃથ્વી ગોળ છે એ સત્યમાં જો થોડીઘણી પણ શંકા રહી હોય તો તે નાબૂદ થાય છે. ટ્યુબલાઇટનો સફેદ પ્રકાશ સોડિયમ લેમ્પ જેવો પીળાશ પડતો લાગે છે. સંસાર અસાર અથવા જેને ઝડપથી રાંધીને ખાઇ શકાય એવો કંસાર લાગે છે. ફિલ્મોમાં જોયેલાં ભૂખમરાનાં દૃશ્યો યાદ આવે છે. (રોજેરોજ જોવા મળતાં વાસ્તવિકતાનાં દૃશ્યો મોટા ભાગના લોકોના મનમાં રજિસ્ટર થતાં નથી.  તેમને ફિલ્મમાં રજૂ થયેલી વાસ્તવિકતા જ અપીલ કરી શકે છે.) આંખ બંધ કરતાં કાળાને બદલે લાલ રંગનાં દૃશ્યો દેખાય છે. ઘણી વાર મનગમતા કે છેલ્લે આરોગેલા ખાદ્યપદાર્થો જીવંત થઇને, આઇટેમ સોંગનાં એકસ્ટ્રા કલાકારોની પેઠે નાચકૂદ કરતા દેખાય છે. એવા વખતે આસ્તિકોની માન્યતાનો સાક્ષાત્‌ ઇશ્વર પણ આવે ને માગ, માગ, માગે તે આપુંએવું કહે, તો શક્ય છે કે માણસ એકાદ મનગમતી કે વણપોસાતી વૈભવી હોટેલનું ભોજન માગી બેસે. આવી દુર્ઘટના ટાળવા માટે ધાર્મિક લોકો ભૂખ પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. (નોંધ : અહીં અગિયારસ કે તહેવારો નિમિત્તે થતા ઉપવાસની વાત નથી. રાજકીય પક્ષો જેમ સમસ્યા ઉકેલવાનો દાવો કરીને મોટે ભાગે સમસ્યા વકરાવે, એવું જ આવા ઉપવાસનું હોય છે. તે ભૂખ પર અંકુશ મેળવવામાં મદદ કરવાને બદલે ભૂખને વકરાવે છે.)


સંસ્કૃતમાં કહ્યું છે કે બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ્‌ - ભૂખ્યો માણસ ભલભલાં પાપ કરી નાખે છે. પરંતુ ભારતની વાસ્તવિકતા ધ્યાનમાં લેતાં કહી શકાય કે એ ઉક્તિમાં પેટની નહીં, ખિસ્સાની કે બેન્ક બેલેન્સની ભૂખની વાત હશે. પેટની ભૂખથી પીડાતા લોકો લાખોની સંખ્યામાં છે, પણ એ તો જીવન જ માંડ જીવે છે, ત્યાં પાપ ક્યાંથી કરવાનાં? મોટાં પાપ કરનારા ઘણાખરાનાં પેટ અને ખિસ્સાં ભરેલાં હોય છે. છતાં તેમની ભૂખ કદી મટતી નથી. એ ભૂખનો વિચાર કરીએ ત્યારે લાગે છે કે પેટની ભૂખ બૂરી ચીજ હોય, તો પણ તેનું એક સુખ તો છે : તેને સંતોષી શકાય છે.

No comments:

Post a Comment