Sunday, September 06, 2015
‘પાટીદાર’ સામયિકના તંત્રી, ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ
ફક્ત પાટીદારોના જ નહીં, આખા
ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ
(LtoR) Mahadev Desai (standing), Sardar Patel, Narsinhbhai Patel/મહાદેવ દેસાઇ, સરદાર પટેલ, નરસિંહભાઇ પટેલ |
ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે
હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઇ પટેલનું નામ ભૂલાઇ ગયાથી
રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને
જોખમે જ વિસરી શકે.
કોણ હતા નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ? અને શા માટે તેમને
મૃત્યુનાં સિત્તેર વર્ષ પછી પણ યાદ કરવા પડે? આણંદમાં પોતાના
ઘરને ‘પાટીદાર મંદિર’ જેવું નામ આપનાર
નરસિંહભાઇએ એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ માસિક ચલાવ્યું.
જ્ઞાતિનું માસિક કેવું હોવું જોઇએ, એનું તે આદર્શ ઉદાહરણ છે.
જમાનાથી આગળ હોવું એ નરસિંહભાઇની ખાસિયત હતી. એટલે જ, દીકરીઓ ‘સાપનો ભારો’
ગણાતી એવા વખતે નરસિંહભાઇની દીકરીઓ શાંતાબહેન અને વિમળાબહેન તેમની સાથીદાર
બની. આઝાદીની ચળવળમાં નરસિંહભાઇ જેલમાં જાય ત્યારે ‘પાટીદાર’નું કામકાજ
દીકરીઓ સંભાળતી.
સરદાર પટેલ કરતાં એક વર્ષ મોટા (જન્મઃ ૧૮૭૪)
અને સ્કૂલમાં સરદારની સાથે ભણેલા નરસિંહભાઇ શરૂઆતમાં બોમ્બ દ્વારા ક્રાંતિના
સમર્થક હતા. ‘વનસ્પતિની દવાઓ’ જેવા છદ્મનામે
તેમણે બોમ્બ બનાવવાની રીતોના બંગાળી પુસ્તકનો અનુવાદ કર્યો. અંગ્રેજ સરકારના
ગુપ્તચર વિભાગે તેમને ‘ધ મોસ્ટ ડેન્જરસ મેન ઇન બોમ્બે પ્રેસિડેન્સી’
(બોમ્બે પ્રાંતના સૌથી ખતરનાક માણસ) ગણાવ્યા હતા. કાળા પાણીની સજાની સંભાવના
પારખીને તે થોડો સમય આફ્રિકા જતા રહ્યા અને ત્યાં ફ્રેન્ચ અને જર્મન શાસન ધરાવતા
પ્રદેશોમાં રહ્યા. એવા વિપરીત સંજોગોમાં તે જર્મન ભાષા શીખ્યા અને વિલિયમ ટેલના
જીવનચરિત્રનો જર્મનીમાંથી અનુવાદ કર્યો. ત્યાર પહેલાં ભારતમાં તેમણે ગેરિબાલ્ડી,
મેઝિની જેવા રાષ્ટ્રનાયકોનાં ચરિત્રો લખ્યાં હતા. તોલસ્તોયનાં લખાણનો પહેલો
પરિચય તેમને કવિ ‘કાન્ત’ (મણિશંકર ભટ્ટ)
દ્વારા થયો. પણ બંગાળાના ભાગલા વખતે તે હિંસાના પંથ તરફ વળી ગયા. આફ્રિકા ગયા પછી ‘એ મર્ડરર્સ
રીમોર્સ’ જેવા તોલસ્તોયના પુસ્તકની જૂની અસર તાજી થઇ અને અહિંસાના
સંસ્કાર દૃઢ બન્યા.
આફ્રિકામાં તે ગાંધીજીના મિત્ર ચાર્લી‘દીનબંધુ’ એન્ડ્રુઝના
સંપર્કમાં આવ્યા. એન્ડ્રુઝ સાથે જ તે ‘શાંતિનિકેતન’ આવ્યા અને જર્મન
ભાષાના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ વર્ષ રહ્યા પછી દમના રોગને કારણે તે આણંદમાં
વસ્યા અને આઝાદીની લડતમાં ગાંધી-સરદારના સાથી બન્યા. ગાંધીજી પ્રત્યે તેમને અહોભાવ
વગરનો આદરભાવ હતો. ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે નરસિંહભાઇએ આણંદથી બોરિયાવી સામા
જઇને ગાંધીજીનું સામૈયું કર્યું હતું અને તેમની સાથે કૂચમાં જોડાઇને આણંદ આવ્યા
હતા.
પરંતુ પણ દલિતોને પ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના
મંદિરમાં કસ્તુરબા ગયાં અને ગાંધીજીએ નારાજ થઇને તેમને નોટિસ-અંદાજમાં પૂછ્યું કે
‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ ત્યારે
નરસિંહભાઇએ ‘પાટીદાર’ માસિકમાં લખ્યું
હતું, ‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહીં, એ તેમનો સ્વતંત્ર
પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી...પરંતુ પુરૂષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું
મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી.’ નરસિંહભાઇનું
પુસ્તક ‘લગ્નપ્રપંચ’
સ્ત્રીઓના શોષણનો ઉગ્ર વિરોધ અને તેમની સમાનતાની જુસ્સાદાર
હિમાયત કરનારું હતું. પશ્ચિમી દેશોમાં ‘ફેમિનિઝમ’ની ઝુંબેશ શરૂ થઇ
તે પહેલાં લખાયેલા એ પુસ્તકને કારણે કિશોરલાલ મશરૂવાળા જેવા ગાંધીવાદી ચિંતકે
નરસિંહભાઇને ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકે ઓળખાવ્યા.
નરસિંહભાઇનું બીજું ક્રાંતિકારી પુસ્તક હતું ‘ઇશ્વરનો ઇન્કાર’.
નાસ્તિકતા વિશેના વિચાર આટલા તર્કબદ્ધ રીતે અને સ્પષ્ટતાપૂર્વક રજૂ
કરવાનું આજે પણ સહેલું નથી, ત્યારે ૧૯૩૩માં
આવું પુસ્તક લખનાર નરસિંહભાઇની વૈચારિક સ્પષ્ટતા અને નૈતિક હિંમત વિશે કલ્પના કરવી
રહી. ત્યાર પછી એક પ્રસંગે નડિયાદની અદાલતમાં જુબાની પહેલાં સોગંદ લેવાના થયા
ત્યારે નરસિંહભાઇએ કહ્યું હતું,‘હું ઇશ્વરને માનતો નથીઅને
માનતો હોઉં તોય સોગંદ લેવા એ મારા ધર્મવિરુદ્ધ માનું છું.’ ન્યાયાધીશે
આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ છેવટે સાચું બોલવાની પ્રતિજ્ઞા લઇને
નરસિંહભાઇને સાક્ષી આપવાની રજા મળી. જુબાની પૂરી થયા પછી એક વકીલે કહ્યું,
‘એટ લાસ્ટ, નરસિંહભાઇ એન્ડ ટ્રુથ ઓલ આર વન એન્ડ ધ સેમ.’
(આખરે, નરસિંહભાઇ અને સત્ય એક જ છે.’) એ સાંભળીને
ન્યાયાધીશે કહ્યું, ‘યસ.’ નરસિંહભાઇનાં લખેલાં
કેટલાંક પુસ્તકો ગાંધીજીએ જેલવાસ દરમિયાન વાંચ્યાં હોવાની નોંધ મળે છે. તેમાં પણ ‘આફ્રિકાના પત્રો’
વાંચ્યા પછી ગાંધીજીએ મહાદેવભાઇને કહ્યું હતું કે ‘એમનું
(નરસિંહભાઇનું) નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.’
સરદાર પટેલની જેમ પાટીદારના કુરિવાજો વિશે ચીડ
ધરાવતા નરસિંહભાઇ સુધારાની શરૂઆત ઘરથી કરવામાં માનનારા હતા. ભાઇના લગ્ન પ્રસંગે
પિતાએ કન્યાપક્ષ પાસે દહેજ માગ્યું. નરસિંહભાઇ ત્યારે કોલેજમાં ભણે. તેમણે દહેજનો
વિરોધ કર્યો, એટલે પિતાજીએ તેમને કહ્યું, ‘દહેજ ન લઉં તો
તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’
એ સાંભળીને નરસિંહભાઇએ નિર્ણય કર્યો, ‘મારો અભ્યાસ
દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.’ અને એેમણે અભ્યાસ
છોડીને શિક્ષકની નોકરી લઇ લીધી.
આફ્રિકા-શાંતિનિકેતન થઇને આણંદ આવ્યા પછી
૧૯૨૪માં તેમણે ‘પાટીદાર’ માસિક શરૂ
કર્યું. સામાન્ય રીતે જ્ઞાતિનાં માસિકો ‘જ્ઞાતિગૌરવ’ની લાગણીમાં અને
જ્ઞાતિવાદની સંકુચિતતામાં હિલોળા લેનારાં હોય છે, પરંતુ
નરસિંહભાઇનું ‘પાટીદાર’ એમાંનું ન હતું. ‘પાટીદાર’ના જેઠ, સંવત ૧૯૮૮ના
અંકમાં પ્રગટ થયેલા એક પત્રમાં નરસિંહભાઇએ
લખ્યું હતું, ‘બેશક ‘પાટીદાર’ મારું અંતિમ ધ્યેય
નથી. ‘પાટીદાર’, ‘હિંદુ’ એ નામનો તો નાશ જ
થવો જોઇએ. ‘માનવી’ એ જ સ્વાભાવિક નામ હોઇ
શકે. ‘પાટીદાર’ પાટીદાર મટી માણસ થાય એ જ
‘પાટીદાર’ ચલાવવાનો મારો હેતુ છે.
અંતિમ ધ્યેય છે. એ હેતુ, એ ધ્યેય સિદ્ધ ન પણ થાય.
પણ તોય એમાં મારે શું? મારે તો મારું કરવું રહ્યું. તે કર્યા કરીશ.
એમાંય અંતરાયો ક્યાં નથી?’
‘પાટીદાર’ના કારતક, સંવત ૨૦૦૧ના અંકમાં નરસિંહભાઇએ વિદાયનોંધ લખી. ‘સ્થાપક અને
નિવૃત્ત તંત્રી : શ્રી નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ’ એવી ક્રેડિટ
ધરાવતા એ અંકમાં તેમણે પત્નીના અવસાનથી આવેલી માનસિક અપંગતા અને લકવાના
પરિણામે ડાબા હાથે આવેલી અપંગતાની વાત
કરીને લખ્યું હતું, ‘પાટીદાર શરૂ કર્યું ત્યારથી જમણો હાથ થાક્યાના
પરિણામે ડાબે હાથે બઘું લખવાનું કામ કરું છું. પણ તે જ હાથે લકવો થયાથી હવે લખવાની
કંઇ પ્રવૃત્તિ થઇ શકે એમ નથી. તેથી ‘પાટીદાર’ ચલાવવું મુશ્કેલ
જણાય છે. તેથી એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ને પાળીપોષીને
મોટું કર્યા પછી ચાલુ અંકથી તેને ચલાવવાનું તંત્રી ભાઇ ઇશ્વર પેટલીકરને સોંપી દઇને
હું તમારી સૌની વદાય લઉં છું...’
છેલ્લી અવસ્થામાં શારીરિક રીતે અપંગ બન્યા પછી
પણ નરસિંહભાઇની વૈચારિક સ્પષ્ટતા અડીખમ રહી. આઝાદી મળ્યાનાં બે વર્ષ પહેલાં ૨૭
ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ તેમનું અવસાન થયું. પછીનાં વર્ષોમાં દેશભક્તોને
તેમના કર્મના આધારે નહીં, પણ તેમના જન્મની જ્ઞાતિના
આધારે વટાવી ખાવાનો રાજકીય અને સામાજિક ધંધો શરૂ થયો, ત્યાં સુધીમાં
નરસિંહભાઇની વિસ્મૃતિ સંપૂર્ણ બની ચૂકી હતી.
Subscribe to:
Post Comments (Atom)
Urvishbhai, just saw your post on Narasinhbhai on Facebook. Very well and to the point written article on my grandfather Narasinhbhai. Thank you .
ReplyDeletewelcome sandhyaben :-)
Deleteactually it appeared in divya bhaskar sunday supplement on 30-8-15.
you can see its pdf on this link
http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/30082015/29SUN-PG2-0.PDF
Thank you Urvishbhai. Really appreciate your knowledge and passion on Narasinhbhai. Very well researched article.
Deleteગાંધીજીના કસ્તુરબા પ્રત્યેના વલણ અંગે આપણે જરૂર નરસિંહભાઈની સાથે જ હોઈએ. પણ વિઠોબા મંદિરમાં દલિતોનો પ્રવેશ ન હોય અને ડો.આંબેડકરના પત્ની રમાબાઈ ત્યાં જવાની હઠ કરે અને આંબેડકર એમને ત્યાં ન જવા સમજાવતા,"હું તારે માટે નવું પંઢરપુર બનાવીશ' એમ કહે એ રીતે પણ ગાંધી-આંબેડકરનું ધણીપણું મૂલવવા જેવું છે. નરસિંહભાઈ અને પેટલીકરના પાટીદારનો પણ અભ્યાસ થવો જોઈએ.નરસિંહભાઈનું કામ અને વિચારો જ એટલા પ્રગતિશીલ હતા કે હાલના પાટીદારો એમને વિસ્મ્રુત કરે એ જ યોગ્ય છે.
ReplyDeleteUrvishbhai. Trupti thai aa lekh vanchine. Bahu j saras lekh ane timing pan...
ReplyDeleteઘણો માહિતીસભર લેખ છે.. આભાર
ReplyDelete