Thursday, September 24, 2015

ભોજનગૃહમાં ભદ્રંભદ્ર : પાણીપુરી-પિત્ઝાનો મુકાબલો

ભદ્રંભદ્ર અને અંબારામ રેસ્તોરાંમાં પ્રવેશ્યા ત્યારથી સૌની નજર તેમની પર હતી. ટેબલ પર બેઠા પછી ભદ્રંભદ્રે અંબારામને કહ્યું,‘મોદક પૂર્વે પતરાવલી આવે, તેમ આપણા આગમન પૂર્વે આપણી ખ્યાતિ અહીં આવી ચૂકી હોય એમ જણાય છે. આ ભોજનગૃહમાં બિરાજેલાં સૌ આપણામાં આરક્ષણઉચ્છેદનઉદ્ધારકનાં દર્શન કરી રહ્યાં છે. એમાં પણ ગણવેશધારી પરિચારકોને આપણા પ્રતિ સવિશેષ અપેક્ષા લાગે છે.

એવામાં એક વેઇટર તેમના ટેબલ પાસે આવ્યો અને મેનુ મૂકવા સહેજ નીચો નમ્યો. ભદ્રંભદ્ર પોતાના પગ ટેબલની બહાર લંબાવતાં બોલ્યા,‘મહાપુરૂષના ચરણસ્પર્શ કરવાની તવ તત્પરતા જોઇને હું પ્રસન્ન થયો છું. માગ, માગ, માગે તે આપું.

વેઇટરે તેમની તરફ જોઇને હસવું ખાળતાં કહ્યું,‘વેળાસર ઓર્ડર આપી દો તો બહુ છે.

ભદ્રંભદ્ર બોલ્યા,‘અમારો ઉચિત અતિથીસત્કાર કરવો એ આર્ય પરંપરાનુસાર તારું કર્તવ્ય છે અને અમારી વ્યંજન-આવશ્યકતા વિશે તને યથોચિત નિર્દેશ આપવા એ અમારું કર્તવ્ય છે. તું તારા કર્તવ્યમાં પ્રવૃત્ત થા. અમે...

દરમિયાન અંબારામે વેઇટરને થોડી વાર પછી આવવાનો ઇશારો કરતાં એ વિદાય થયો. અંબારામે મેનુ વાંચવાની શરૂઆત કરી : સમોસા, ખમણ, જલેબી-ફાફડા, ઇટાલિયન પિત્ઝા, સેન્ડવિચ, પાણીપુરી, ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાઠિયાવાડી થાળી... વચ્ચે વચ્ચે સવાલો-પેટાસવાલો અને અંબારામ તરફથી મળતા જવાબો પછી ભદ્રંભદ્ર સતત નકારમાં ડોકું ધુણાવતા રહ્યા.

અંબારામ, શ્રી જગન્નાથપુરી અને શ્રી ઇન્દ્રપુરી વિશે સાંભળ્યું હતું. કિંતુ આ પાણીપુરી શું હશે? નામ પરથી તે વૈદિક વ્યંજન હોય એમ ભાસે છે.

અંબારામે કહ્યું, ‘કલિયુગમાં સ્વર્ગપુરીની કામના ન હોય એવા લોકોને પણ પાણીપુરી માટે વ્યાકુળ હોવાનું સાંભળ્યું છે.

અને જે યવન શબ્દના ઉચ્ચારમાત્રથી જીહ્વા, તેની સાથે જોડાયેલી શ્વાસનળી, તેમાંથી ફેફસાંમાં જતો શ્વાસ અને તેના વડે ટકેલા પ્રાણ- એ સઘળું અપવિત્ર થાય એવી..

જલેબી?’ અંબારામે પૂછ્‌યું.

હા, એ જ.ભદ્રંભદ્ર કટાણું મોં કરીને બોલ્યા,‘તેનું ભક્ષણ  લોકો શી રીતે કરતા હશે? એમ કરવાથી તે નરકના અધિકારી બને છે...અને દુષ્ટ સુધારાવાળાનાં વ્યંજનો...ફાફડા પછી તે શું કહ્યું હતું?’

ઇટાલિયન પિત્ઝા’.

મારા ઘનિષ્ઠ સહવાસને કારણે આર્યસંસ્કૃતિભક્ત હોવા છતાં, તને એ જ્ઞાન નહીં હોય કે એ રાષ્ટ્રનું ખરું નામ શ્રી ઇશસ્થલી હતું. ભ્રષ્ટ યવનોને બોલતાં આવડે નહીં એટલે તે ઇટાલીકહેવા લાગ્યા. ઇશસ્થલીના આર્યોએ રોટલા પર માખણ લગાડીને તેની પર વિવિધ જડીબુટ્ટીઓ મૂકીને એક વ્યંજનનું સર્જન કર્યું. તેના ઔષધિય ગુણ પરથી એ પિત્તશામકકહેવાતું હતું. નામ ટૂંકાં કરવાના મોહથી ગ્રસ્ત યવનો તેને કાળક્રમે પિત્તશાઅને પિત્ઝાકહેવા લાગ્યા. મૂલતઃ એ આર્યકુલની પાકકલાનો પરિપાક હોવા છતા, વર્તમાનમાં તે યવન સંસ્કૃતિસંલગ્ન હોવાથી, તેનું સેવન શાસ્ત્રવિરુદ્ધ અને તેથી વર્જ્ય છે.

એવામાં વેઇટર ફરી આવ્યો. ભદ્રંભદ્રે તેની સામે જોઇને હાથની આંગળીઓથી લાડુનો આકાર બતાવીને પૂછ્‌યું, ‘અહીં મોદક પ્રાપ્ય નથી?’

વેઇટરને ટીખળ સૂઝી. એણે કહ્યું,‘કેમ, કોઇનું તેરમું છે? હવે તો બારમું-તેરમું હોય ત્યારે જ લાડુ બને છે મહારાજ.

બારમું-તેરમું તો સનાતન ધર્મની પરંપરાનું છે.ભદ્રંભદ્ર ગર્જ્યા. શુદ્રાદિને આરક્ષણ આપીને, વેદપ્રણિત જ્ઞાતિપ્રથાને ભ્રષ્ટ કરતાં પહેલાં તમારા બાહુ સડી કેમ ન ગયા? તમારાં અંગ ગળી કેમ ન ગયાંતમારું મસ્તિષ્ક ધડથી છૂટું કેમ ન થઇ ગયું? ક્યાં ગઇ એ શૂરવીર આર્ય પરંપરા, જ્યાં લોકો નિર્માલ્ય બનીને બેસી રહેવાને બદલે, જ્ઞાતિસંસ્થાની રક્ષા કાજે જીવ લઇ લેતાં ક્ષણભરનો વિલંબ કરતા ન હતા. ક્યાં ગયા એ...

વેઇટરની ધીરજ અને રમૂજવૃત્તિ સારી હતી. એણે અંબારામની નજીક જઇને પૂછ્‌યું,‘કાકાને પહેલેથી જ આવું છે? કે ભૂખ લાગે ત્યારે આવો પ્રોબ્લેમ થાય છે?’

કુરુક્ષેત્રના યુદ્ધમાં સામી છાવણીમાં ઊભેલા ગુરૂને જોઇને જેમ અર્જુન મૂંઝાયો હતો, એવી જ સ્થિતિ અંબારામની થઇ. તેમણે પરાણે સ્વસ્થતા ટકાવીને વેઇટરને કહ્યું, ‘જે ગરમ હોય તે ઝડપથી લઇ આવો. અમારે સભામાં પહોંચવાનું છે.

સભામાં કે નાટકમંડળીમાં?’ એવો સવાલ હવામાં ફેંકીને વેઇટર અદૃશ્ય થયો અને થોડી વારમાં બે ગુજરાતી થાળી સાથે પ્રગટ થયો. તેની સામે જોઇને ભદ્રંભદ્રે કચવાતા મને કહ્યું,‘અંબારામ, મહાભારતના યુદ્ધમાં કર્ણને કવચકુંડળ વંચિત રખાયો હતો, તેમ મને મોદકવંચિત રાખીને મારી દિવ્યશક્તિ હણી લેવાનું આ સુધારાવાળાનું અને આરક્ષણસમર્થકોનું ષડયંત્ર છે. પરંતુ હું સુતપુત્ર નથી. હું આર્યકુલભૂષણ છું. મારી શક્તિ કુંઠિત કરવાનું દેવો માટે પણ અસંભવ છે.

અંબારામે જરા વિચારીને કહ્યું, ‘નિઃશંક. કિંતુ, વિશાળ લોકસમુદાય સમક્ષ આમ કહેવું આપના માટે અનુચિત ગણાશે. કારણ કે શુદ્રાદિને અપાયેલા આરક્ષણથી પોતાની શક્તિઓ કુંઠિત થતી હોવાનો ઊચ્ચકુલાભિમાનીઓનો દાવો છે. તેના આધારે એ પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે.

અંબારામની વાત વિશે વિચાર કરતાં ભદ્રંભદ્રે સામે પડેલી થાળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભોજનનો આરંભ કરવાની શાસ્ત્રોક્ત પૂર્વતૈયારીરૂપે પલાંઠો વાળવાનો પ્રયાસ કર્યો. પણ એ ભૂલી ગયા કે તે પૃથ્વીના નહીં, પણ સુધારાવાળાની સંસ્કૃતિના પ્રતિક સમી તકલાદી ખુરશીમાં બેઠા હતા. અત્યાર લગી ખુરશી ભદ્રંભદ્રની પ્રતિભાસમૃદ્ધિને ઉજાગર કરતા દેહને માંડ ઝીલી શકી હતી, પરંતુ ભદ્રંભદ્રે જેવો સહેજ પાછળ તરફ ઝૂકીને પગ ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો, એ સાથે ખુરશી ડગમગી. ભદ્રંભદ્ર જેવા પ્રતાપી પુરૂષ પોતાના ખોળામાં બેઠા છે, એના હરખ પર ખુરશીએ માંડ જાળવી રાખેલો કાબૂ ખોયો. અંબારામને ભદ્રંભદ્ર સૂર્યનમસ્કારની જેમ પૃથ્વીનમસ્કાર કરતા હોય એવી મુદ્રામાં દેખાયા. એક-બે વેઇટરે તેમને ઊભા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભદ્રંભદ્રે યવન વાનગીઓના સ્પર્શથી પતિત થયેલા હે ભ્રષ્ટાત્માઓ, દૂર રહો.એમ કહીને વેઇટરને હાંકી કાઢ્‌યા. પછી અંબારામની મદદથી માંડ બેઠા થઇને તે ખુરશી પર ગોઠવાયા.

પલાંઠી વાળ્યા વિના જમવામાં તેમને અધર્માચરણ લાગતું હતું, પરંતુ અંબારામે તેમને પાણી આપ્યું અને યાદ કરાવ્યું કે અત્યારે તેમનો પ્રમુખ ધર્મ આરક્ષણઉચ્છેદનનો હોવાથી, તેને બળ આપતી બાબતોમાં અલ્પ માત્રામાં અધર્માચરણ ક્ષમ્ય જ નહીં, ધર્મ્ય છે. ભોજન પછી સભા મંચ પરથી અનામતઉચ્છેદન સિદ્ધ કરવાની ભદ્રંભદ્રની તાલાવેલી એટલી પ્રબળ હતી કે સચોટ દલીલ બદલ અંબારામ પર પ્રસન્ન થવાની પણ રાહ જોયા વિના તે ભોજન પર તૂટી પડ્યા.    

(ક્રમશઃ)

6 comments:

 1. અને તતપશ્ચાત ભદ્રંભદ્ર બોલ્યા,
  આપનું નામ આર્યોને છાજે એવું નથી પણ વીરપુરુષ આપનું આ લેખન કૌશલ અપ્રતીમ છે. આર્યકુળની સ્થાપના સારુ સ્વલેખન શૈલીનો ઉપયોગ કરવાને બદલે યવનો સમાન તર્ક કરીને તમે સનાતનધર્મનો ઘોર અનાદર કરી રહ્યાં છો તે અમને વિદિત છે જ. સુધારાવાળાઓનો કહેવામાં આવીને તમારો મતિભ્રમ થયો હોય તેમ અમને લાગે છે. અંબારામ, તુ લખી રાખ યવનોની આ ક્ષણિક જીતનો આનંદ આવા લેખનને લીધે થયો છે પરંતુ હું કદાપિ તેને તાબે થવાનો નથી. આ મતિમૂઢ ઉર્વીશ કોઠારી ભલે ગમે તેવી દલીલો કરે પણ હું શાસ્ત્રોની આજ્ઞા મુજબ આ પૃથ્વીને અનામતવિહિન કરીને જ રહીશ. હું એને માટે જરૃર પડયે અવતાર ધારણ કરી સમગ્ર ભારતખંડનો સમાર્હતા બનીશ. તુ શાસ્ત્ર આજ્ઞાની જેમ લખી રાખ અંબારામ કે આ ભારતવર્ષને હવે જગતગુરુ બનવાથી કોઈ જ વર્તમાનપત્ર રોકી શકે એમ નથી કેમકે ભારતવર્ષના ભવ્ય ઈતિહાસ અને ઊજવ્વળ ભવિષ્ય વચ્ચે વર્તમાનને હવે કોઈ અવકાશ નથી.
  :D :D :D

  ReplyDelete
  Replies
  1. Anonymous5:17:00 PM

   Mehulbhai Excellent Coment,
   Thanks,

   Delete
 2. Excellent satire ! It made me laugh indeed. Bhadrambhadra is not dead today. His successors live on.

  ReplyDelete
 3. સામાજિક પરિવેશમાં પોતાની રૂઢ થયેલી માન્યતા ન ત્યજવાને કારણે જે સુક્ષ્મ હાસ્ય ઉત્પન થાય છે તેનું સાહજિક નિરૂપણ છે.

  ReplyDelete
 4. ગમ્યું....ભદ્રંભદ્ર ની શુધ્ધતા અને વાર્તા નું હાર્દ પકડી રાખ્યું...મજ્જા આવી

  ReplyDelete
 5. Anonymous5:24:00 PM

  Urvishbhai,
  Aaje kadachit Ramanbhai Nilkantth jivit hot to aapane khub aashirvad ane prem karata hot.
  Once more excellent satire, thank you very much

  ReplyDelete