Wednesday, September 30, 2015

ભદ્રંભદ્ર (4) : ન્યૂઝચેનલના સ્ટુડિયોમાં

ભદ્રંભદ્ર અને અંબારામ જમતા હતા, ત્યારે થોડે દૂર બીજા ટેબલ પર બેઠેલા બે જણ તેમને ધ્યાનથી જોઇ રહ્યા હતા. થોડી વાર સુધી  બન્ને નમૂનાનો અભ્યાસ કર્યા પછી એકે બીજાને કહ્યું, ‘હું જરા જોતો આવું. નાટકમંડળની વિસરાતી પરંપરાવાળી આપણી સ્ટોરીમાં કદાચ કામ લાગે.’ 

એ બન્ને એક ન્યૂઝ ચેનલના પત્રકાર હતા અને ચેનલની કેન્ટિનના ખરાબ ભોજનથી ત્રાસીને બહાર જમવા આવ્યા હતા. તેમાંથી એક જણ ભદ્રંભદ્ર પાસે જઇને ઊભો રહ્યો. ભદ્રંભદ્ર એકાગ્રતાપૂર્વક--દૂરથી જોનારને અકરાંતિયાપણાનો ભ્રમ થાય એવી રીતે-- જમવામાં મશગુલ હતા. પત્રકારે ખોંખારો ખાધો, એટલે ભદ્રંભદ્રે ઊંચું જોયું અને અંબારામ સામે પ્રશ્નાર્થસૂચક નજર કરી. પત્રકારે કહ્યું, ‘નમસ્કાર, હું છબછબિયાં ચેનલનો પત્રકાર છું. તમે કઇ નાટકમંડળીમાં...?

ભોજનમાં વિક્ષેપથી વિચલિત ભદ્રંભદ્ર ચેનલચતુરના સવાલથી વિફર્યા. હે નારદકુલકલંક, યથેચ્છ પ્રશ્નપહાણા ફેંકતાં પહેલાં તારો કે તારી સમાચારવાહિનો નહીં તો મહર્ષિ નારદની પ્રતિષ્ઠાનો તો ખ્યાલ કર. આરક્ષણની આસુરી પ્રથાનું ઉચ્છેદન કરીને સનાતન ધર્મના વિજય અર્થે પ્રગટ થયેલા યોદ્ધાઓને તું નટમંડળીના સભ્યો ધારે છે? હે મૂઢમતિ, જે સમાચારોની શોધમાં તારી વાહિની સમાચારગંગાના કાંઠે છબછબિયાં કરે છે અને એ વહેતી ગંગામાં હસ્તપ્રક્ષાલન માટે તત્પર રહે છે, એવા અનેક સમાચારોનો હું સર્જક છું અને તું...

પત્રકારને ભદ્રંભદ્રના શબ્દો તો બમ્પર ગયા, પણ અવાજના આરોહઅવરોહ પરથી એટલી ખબર પડી કે ઓફિસના બોસની જેમ આ મહારાજ પણ તેને ખખડાવી રહ્યા છે. એની તો ટેવ પડી ચૂકી હતી, પણ જે દેખાવ સાથે અને જે ભાષામાં તે બોલી રહ્યા હતા અને વચ્ચે એક વાર આરક્ષણની વાત આવી, એ જોતાં તેને લાગ્યું કે આ મૂર્તિને  સ્ટુડિયોમાં અનામત વિશેની ચર્ચામાં બેસાડી દીધી હોય તો ધમાલ થઇ જાય. આમેય ચેનલોને સાર્થક ચર્ચા કરતાં ધમાલમાં અને બબાલમાં જ વધારે રસ હોય છે. એટલે તેણે અંબારામ સામે જોઇને કહ્યું,‘મહારાજ શું કહેવા માગે છે એ હું સમજ્યો નહીં, પણ એમણે અનામતની કંઇક વાત કરી. તો તમે મારી ચેનલમાં તમારી વાત કહેવા માટે આવશો?’

અંબારામ જવાબ આપે તે પહેલાં ભદ્રંભદ્ર વીરરસમાં આવીને બોલ્યા,‘અસુરો સાથે લડતાં લડતાં દેવો જેમ અસુરલોક કે પાતાળલોક સુધી પહોંચી જતા હતા, તેમ સનાતન ધર્મની રક્ષા અને આરક્ષણના ઉચ્છેદન માટે હું અવશ્ય સમાચારવાહિની સુધી આવી શકું છું. કિંતુ મારે સાયંકાલે સભામાં પહોંચીને આરક્ષણનો આમૂલ અંત આણવાનો છે. એ મારું પ્રથમ કર્તવ્ય છે. પ્રચારમોહને વશ થઇને હું તે ભૂલી શકું નહીં.

ઓહો, તમારે સાંજે પેલી સભામાં જવું છે, એમ જ ને?’ પત્રકારે ભદ્રંભદ્રના વાક્યનો અનુવાદકરતાં કહ્યું,‘એને તો હજુ ઘણી વાર છે. એ સભા કવર કરવા મારે જ જવાનું છે. હું તમને ત્યાં પહોંચાડી દઇશ, બસ? અત્યારે તો તમે મારી સાથે ચાલો.

ભદ્રંભદ્રે અંબારામ સામે અર્થસૂચક નજરે જોયું, એટલે અંબારામે પત્રકારને કહ્યું,‘તમે અહીંના ભોજનખર્ચનું વહન કરવા તૈયાર હો, તો તમારી વાહિનીમાં પ્રસ્થાન કરવામાં અમને બાધ નથી.

પત્રકારે અંબારામને કહ્યું,‘આ મહારાજ ભલે ગમે તેમ બોલે, પણ તમે તો યાર ગુજરાતીમાં બોલો. વાહિની એટલે શું? મારી પાસે ચેનલની ગાડી છે એ?’

અંબારામે ચહેરા પર કરુણા લાવીને કહ્યું,‘સમાચારવાહિની એટલે ન્યૂઝચેનલ. ગાડીને તો આર્ય ભદ્રંભદ્ર જ્વલનશીલતેલચાલિતચતુષ્ચક્રીલોહરથ તરીકે ઓળખે છે.

એ સાંભળીને પત્રકારે હાથથી ભીંતને ટેકો દઇ દીધો ન હોત, તો એ તમ્મર ખાઇને પડત. અંબારામે બેભાન માણસના ચહેરા પર પાણી છાંટવાની અદાથી કહ્યું,‘જુઓ, જ્વલનશીલ તેલ એટલે પેટ્રોલ. તેનાથી ચાલિત ચતુષ્ચક્રી એટલે ફોર વ્હીલર અને લોહરથ એટલે તમારી ગાડી. કેટલું સિમ્પલ છે. પરંતુ તમે લોકો ગુજરાતી પણ હિંદી ને અંગ્રેજીમાં બોલો, પછી બીજું શું થાય? આર્ય ભદ્રંભદ્રનું ગુજરાતી સાંભળીને તમને ચક્કર આવ્યા, પણ તમને ખબર છે, તમારી ચેનલનું ગુજરાતી સાંભળીને કેટલા બધા લોકોને ચક્કર આવે છે?’

આક્ષેપનો જવાબ આપવાની પત્રકારમાં હામ રહી ન હતી.  (એ જુદી વાત છે કે તે આક્ષેપ પણ ન હતો.) ચેનલની ગાડી પેટ્રોલચાલિતની નહીં, સીએનજીવાળી હતી, પણ એ સુધારો કરવા જતાં દાબસંકુચિતપ્રાકૃતિકવાયુચાલિત...જેવો કોઇ હથોડો આવવાની બીકે પત્રકારે ગાડીના બળતણવિષયક સુધારો કરવાનું ટાળ્યું અને બન્ને જણનું બિલ ચૂકવી દીધું. રેસ્તોરાંની બહાર નીકળતી વખતે ભદ્રંભદ્રે કહ્યું,‘ભોજનપશ્ચાદ વામકુક્ષિની શાસ્ત્રાજ્ઞાનો ભંગ તો થયો જ છે. પરંતુ મારા શાસ્ત્રજ્ઞાનનો લાભાર્થી શિષ્ય અંબારામ આરક્ષણ સામેના મહાભારત યુદ્ધમાં આવાં સ્ખલનોને ક્ષમ્ય જ નહીં, ધર્મ્ય ગણે છે. માટે તારી સમાચારવાહિનીમાં પહોંચીને આરક્ષણના સમર્થકોને પરાસ્ત કરવા હું થનગની રહ્યો છું.

ચેનલની ઓફિસની સામે કાર ઊભી રહી. પરંતુ આવા મહાપુરૂષના વધુ સંગનો લોભ જાગ્યો હોય તેમ, કારના દરવાજાએ ભદ્રંભદ્રની ધોતીનો છેડો પકડી લીધો. બીજા જોનારને એવું લાગ્યું કે ભદ્રંભદ્રની ધોતીનો છેડો કારના દરવાજામાં ભરાઇ ગયો. ભદ્રંભદ્રે અઘટિતની આશંકા અને ઘટિત વિશેના રોષનું સમપ્રમાણમાં મિશ્રણ ઠાલવતાં કહ્યું,‘અંબારામ, આરક્ષણઉચ્છેદન માટે હજુ ન જાણે કેટલો ભોગ આપવો પડશે. વાહનસંબંધી મારું જ્ઞાન પુષ્પક વિમાન અને રથ પૂરતું મર્યાદિત છે. પરંતુ, સુધારાવાળાઓનાં વાહન બીજા કોઇ કારણે નહીં તો, એ સુધારાવાળાનાં હોવાને કારણે પણ ત્યાજ્ય છે. તેમાં યાત્રા કરવાથી સનાતન ધર્મ ભયમાં આવી પડે છે.

પત્રકારે મોઢું ગંભીર રાખવાનો ગંભીર પ્રયત્ન કરતાં કહ્યું,‘મહારાજ, અત્યારે સનાતન ધર્મ નહીં, તમારા ધોતિયાનો છેડો ભયમાં છે. પણ તમે ત્યાંથી ખસતા નહીં. નહીંતર આત્મારામકાકાવાળી થશે.

એ સાંભળીને ભદ્રંભદ્રે અંબારામ સામે ને અંબારામે પત્રકાર સામે જોયું. એટલે પત્રકારે ખુલાસો કર્યો,‘એ તો સ્થાનિક રાજકારણનો એક બનાવ હતો, જેમાં એક વયોવૃદ્ધ નેતા સાથે કેટલાક લોકોએ...

દુઃશાસનકૃત્યુ કર્યું હતું?’ ભદ્રંભદ્ર લગભગ ચિત્કાર પાડી ઉઠ્યા. આર્યસંસ્કારને અનુરૂપ અધોવસ્ત્ર પહેરનારની આવી અવદશા?’ 

ચિંતા ન કરશો. આપણે તમારું એવું થવા નહીં દઇએ.પત્રકારે કહ્યું અને હળવેથી કારનો દરવાજો ખોલીને, અંદર ભરાયેલો છેડો બહાર ખેંચી લીધો. એ સાથે જ ભદ્રંભદ્રના ચહેરા પર, આર્યધર્મનો લોપ થવાની આશંકાએ જ, ફેલાયેલી ભયની રેખાઓ સૂર્યોદયથી ઉડી જતા ઝાકળની જેમ દૂર થઇ અને એ ધમધમાટ કરતા ચેનલની ઓફિસમાં પ્રવેશ્યા. તેમને જોઇને ચોકીદારે ભદ્રંભદ્રને સંભળાય નહીં એ રીતે પત્રકારને પૂછ્‌યું,‘આ વખતે ઓફિસમાં ગણેશની મૂર્તિને બદલે જીવતા ગણેશને આણ્યા છે?’


એને ચૂપ રહેવાનો ઇશારો કરીને પત્રકાર ભદ્રંભદ્ર-અંબારામ સાથે અંદર પહોંચ્યો, બન્નેને મિટિંગ રૂમમાં બેસાડ્યા અને સાહેબને જાણ કરી. સાહેબને વિચિત્ર પાત્રો જોવાની અપેક્ષા હતી, પરંતુ ભદ્રંભદ્રના પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપ માટે તો એ પણ પૂરેપૂરા તૈયાર ન હતા. 
(ક્રમશઃ)

No comments:

Post a Comment