Friday, September 11, 2015

ભદ્રંભદ્ર : અનામતનાબૂદી આંદોલનમાં (૧)

સંભવામિ યુગે યુગેનું મૂળ વચન ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણના મોઢે મૂકાયેલું છે. શ્રીકૃષ્ણ વિશે ગુજરાતીમાં એટલું લખાઇ ચૂક્યું છે કે એ વાંચે તો એમને પણ પોતાના વિશે ઘણું નવું જાણવાનું મળે. બહેનપણીઓ બનાવવાથી માંડીને એન્કાઉન્ટર વાજબી ઠરાવવા જેવી અનેક કળિયુગી લીલાઓમાં લોકો શ્રીકૃષ્ણના નામે કેવું ચરી ખાય છે અને ચરી ખાવાની ક્રિયા ફક્ત ગોકુળની ગાયો પૂરતી મર્યાદિત નથીએ પણ તેમને સમજાય. પરંતુ અહીં વાત શ્રીકૃષ્ણની નહીં, ‘સંભવામિ યુગે યુગેની છે અને એ વચન શ્રીકૃષ્ણે ભલે ન પાળ્યું હોયપણ ભદ્રંભદ્રે બરાબર પાળ્યું છે.

ભદ્રંભદ્ર ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે. સમાજસુધારાના-આધુનિક પ્રવાહોની વિરોધી એવા રૂઢિચુસ્તોની ઠેકડી ઉડાડવા માટે રમણભાઇ નીલકંઠે ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામનાં પાત્રો સર્જ્યાં. આર્યત્વના દૃઢાગ્રહી જ નહીંહઠાગ્રહી એવા ભદ્રંભદ્ર ત્યારથી કોઇ પણ પ્રકારના અંતિમવાદનું પ્રતિક બની ગયા. (ગોલમાલના ઉત્પલ દત્ત ભદ્રંભદ્રનું જ એક સ્વરૂપ ગણાય) સો વર્ષ પહેલાં દુષ્ટ સુધારાવાળાનો નાશ કરવા માટે તેમણે અવતાર ધારણ કર્યો હતો અને દોલતશંકર’ જેવું યવન (પરદેશી) નામ ફગાવીનેભદ્રંભદ્ર જેવું વિશુદ્ધ સંસ્કૃત નામ ધારણ કર્યું હતું. સાથે એવી ભીષણ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે બોલચાલની ભાષામાં તે એક પણ યવન શબ્દ નહીં લાવે. સ્ટેશન’ માટે અગ્નિરથવિરામસ્થાન’ અને મુંબઇની બે ટિકિટ’ માટે શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા’ જેવા ભદ્રંભદ્રીય શબ્દપ્રયોગો ભદ્રંભદ્રની ઓળખ તરીકે હજુ ટકી રહ્યા છે.

પૂર્વ અવતારમાં ભદ્રંભદ્ર સુધારાવાળાનો નાશ કરવા મેદાને પડ્યા હતાતો નવા અવતારમાં તે અનામતની નાબૂદી માટે પ્રગટ થયા છે. ગુર્જરપ્રદેશમાં ચડેલી અનામત આંદોલનની ડમરીઓથી,  મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં મહારથીઓમાં વ્યાપ્યો હોય એવો ઉત્સાહ ભદ્રંભદ્રના અંગેઅંગમાં પ્રસરી ગયો. પોતાના શિષ્ય અંબારામને તેમણે શીઘ્રસંદેશ (એસએમએસ) કર્યો, ‘હે અંબારામમારી સાથે આર્યાવર્ત-ગુર્જરદેશ પહોંચવા સજ્જ થા. વધુ એક યુગકાર્ય આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે.

ભદ્રંભદ્રનાં અગાઉનાં યુગકાર્યોમાં માર ખાવાનો અને જેલવાસ વેઠવાનો પણ સમાવેશ થતો હતો. એટલે અંબારામ ખાસ ઉત્સાહી ન હતા. પરંતુ જેમ સોમ પછી મંગળકમાન્ડોની પાછળ નેતાઓ ને ભ્રષ્ટાચારની પાછળ તપાસપંચોતેમ ભદ્રંભદ્રની પાછળ અંબારામ.

પરલોકમાંથી ગુર્જરલોક પહોંચ્યા પછી ભદ્રંભદ્રે અંબારામને પૂછ્‌યું,‘હે અંબારામ, આપણે આવી તો ગયાપણ આવવાનું પ્રયોજન શું હતું?’

અંબારામે થોડું વિચારીને કહ્યું, ‘મહારાજતૈયારી વિના ભાષણ કરવા જતા નેતા કે સાહિત્યકાર જેવી નિર્લેપતા આપ સરખા સુજ્ઞ આર્યપુરૂષ પાસેથી અપેક્ષિત નથી. હું જાણું છું કે આપ સ્મરણશક્તિને અકારણ કષ્ટ આપવા નહીં ઇચ્છતા હોછતાં જેના માટે આપણે અહીં આવ્યાતે અનામતનાબૂદીને જ...

અંબારામની વાત કાપીને ભદ્રંભદ્રે સહેજ મોટા સાદે કહ્યું,‘અંબારામમારી સ્મરણશક્તિ વિશેનો તારો સંદેહ મારા પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરિત હોવાથી હું તને ક્ષમા આપું છું. અન્યથા તને સમજાવું જોઇએ કે આરક્ષણઉચ્છેદનના ધર્મકાર્ય માટે રણે ચડતાં પહેલાં હું તારી સજ્જતાની પરીક્ષા લઇ રહ્યો હતો.

મહારાજક્યારેક આપ સજ્જતા અને સજ્જનતાની કસોટી એક સાથે લઇ લો છો.’ અંબારામે ગણગણાટ જેવા અવાજમાં કહ્યું.

એ તરફ લક્ષ્ય આપ્યા વિના ભદ્રંભદ્રે કહ્યું, ‘મારી પરીક્ષામાં તું ઉત્તીર્ણ થયો. જાતારા કાર્યમાં તને દેવોનો પણ સાથ છે.

અગાઉના અનુભવો પરથી ચેતેલા અંબારામે પૂછ્‌યું,‘ફક્ત દેવોનો જકે આપનો પણ ખરો?’

નિઃશંક. સ્વર્ગલોક સાથે કાયમી 'પ્રથમદર્શી લાભદાયી પત્ર- થકી અનુબંધ છે. મારા દરેક કાર્યને દેવોના આશીર્વાદ હોય છે અને તને મારા. સમજ્યો?’

અંબારામે ડોકું નમાવીનેનમ્રતાથી આશીર્વાદ સ્વીકાર કરતાં પૂછ્‌યું, ‘પ્રથમદર્શી લાભદાયી પત્ર એટલે જેનું ટૂંકું રૂપ 'પ્રલાપ' થાય છે અને ગુજરાતમાં જેને એમઓયુ’  કહે છે તે જ નેવાહ મહારાજગુજરાતમાં આવીને તમે ગુજરાતીઓની ભાષામાં વાત કરવા લાગ્યા.

ભદ્રંભદ્રે વિજયી સ્મિત કરતાં કહ્યું,‘અંબારામઆ તો હજુ આરંભ છે. મારા મનમાં અત્યારે જેવો અદમ્ય ઉત્સાહ પ્રગટ્યો છેએવો તો સાક્ષાત્‌ પરશુરામમાં પણ નહીં પ્રગટ્યો હોય. પરશુરામે આ પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી હતીહું તેને આરક્ષણવિહોણી બનાવી દઇશ અને એ પણ પરશુ (કુહાડી) વિના.

અંબારામે કહ્યું,‘નિઃશંકમહારાજ. આપની જીભ સામે પરશુની શી વિસાત?’

એ સાંભળીને ભદ્રંભદ્રે ઘડીક અંબારામની સામે જોયું. એના કથનમાં પ્રશંસાનો ભાવ હતો કે ટીકાનો એ સમજાયું નહીં. એટલેદરેક બાબતમાંથી અનુકૂળ અર્થ કાઢવાના- આપત્તિને અવસરમાં પલટાવવાના અંદાજમાં તેમણે મુક્ત હાસ્ય કર્યું અને કહ્યું, ‘અંબારામતારા આ ગુણને કારણે જ તું શિષ્યશ્રેષ્ઠશિષ્યોત્તમશિષ્યશિરોમણી ઠરે છે. હવે આપણે મુખ્ય કર્તવ્ય માટે પ્રયત્નશીલ બનવું પડશે અને એ અંગે કોઇ સ્થાનિક આર્યજનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું પડશે.

આ વાક્યમાં આપણેનો અર્થ તારે’ થાય છેએટલું અંબારામ ભદ્રંભદ્ર સાથે રહીને શીખી ગયા હતા. તે નજીકમાં દેખાતા પાનના ગલ્લે ગયા. ભદ્રંભદ્ર ગલ્લાથી થોડે દૂરપણ ત્યાં થતો સંવાદ સાંભળી શકાય એટલા નજીક ઊભા રહ્યા. અંબારામ નજીક પહોંચ્યાએટલે ગલ્લાવાળાએ તેમની સામે જોયું. પછી થોડે દૂર ઊભેલા ભદ્રંભદ્ર સામે જોયું અને ગુસપુસ સ્વરે કહ્યું, ‘મહારાજહવે આપણે ગાંજો રાખવાનું બંધ કર્યું છે. નકામી બબાલો....

અંબારામ કંઇક કહે તે પહેલાં ભદ્રંભદ્ર ધસી આવ્યા,‘હે મૂર્ખઅધમઅજ્ઞપાપીઅનામતઉચ્છેદન જેવા યુગકાર્ય માટે અવતરિત સાધુજનોને તું ગંજેરી સમજે છેતારી આ ધૃષ્ટતા બદલ હું તારી સામે ત્રીજું નેત્ર ખોલું તો બળીને ભસ્મ થઇ જાય એવું મારું તપોબલ છેએનો તો ભય રાખ.

ભદ્રંભદ્રનું વાક્ય પૂરું થાય તે પહેલાં ધડામ્‌’ અવાજ આવ્યો. હતપ્રભ અંબારામે જોયું તો ભદ્રંભદ્ર જમીન પર ઊંધે કાંધ પડીને કંઇક શોધી રહ્યા હોય એવું જણાતું હતું. અંબારામ તેમની નજીક પહોંચ્યાત્યારે પાનના ગલ્લાવાળાનો ઘાંટો સંભળાયો,‘કોણ જાણે ક્યાંથી સવાર-સવારમાં આવી જાય છે...સંસ્કૃતમાં કંઇ પણ બોલો એટલે વિદ્વાન થઇ જવાયસંસ્કૃતમાં ગાળો બોલો એટલે સાધુ થઇ જવાયઆવાને તો...

અંબારામનો હાથ પકડીને ભદ્રંભદ્ર ઊભા થયાવસ્ત્રો ખંખેર્યાં અને દિવ્ય વાણીની માફક બોલ્યા,‘હે અંબારામતું એમ ન સમજતો કે તુચ્છ તાંબુલવિક્રેતાના પ્રહારથી ચિત થયા પછી હું હતપ્રભ બન્યો છું. બીજું કોઇ નહીં પણ મારી મહાનતાથી પરિચિત એવો તું જોઇ શકે છે કે હું ફક્ત મારાં વસ્ત્રો પરની જ નહીંઆરક્ષણના તરફી એવા લોકોના અંતરાત્મા પરથી ધૂળ ખંખેરવાની અને તેમની ધૂળ કાઢવાની તૈયારી કરી રહ્યો છું. હવે હું નથી કે આરક્ષણ નથી.

એ સાંભળીને ચિંતિત અંબારામે કહ્યું,‘મહારાજતમે આકરી પ્રતિજ્ઞા તમે લો પછીપણ તેમાંથી છટકબારીઓ મારે શોધવી પડે છે. લોકોમાં હાંસી થાય છે તે અલગ. મારી આપને વિનંતી છે કે...

અંબારામતારો ગુરુપ્રેમ અનન્ય છે. પરંતુ તારી વિનંતીનો અમે વિશાળ લોકહિતમાં અસ્વીકાર કરીએ છીએ.’ ભદ્રંભદ્રે ભવાં ચઢાવીનેજમણો હાથ ઊંચો કરીને આકાશ ભણી તાક્યો અને કહ્યું,‘હવે આર્યાવર્તમાંથી અનામતનું આમૂલ ઉચ્છેદન થાય નહીંત્યાં લગી આપણે શાંત નહીં બેસીએ.


(ક્રમશઃ)

નોંધ ભદ્રંભદ્ર ભલે સુધારાની વિરુદ્ધ હતા, પણ તેમના વિશેના લેખના પહેલા મણકામાં બે સુધારાઃ 

૧) મૂળ લેખમાં ’ભદ્રંભદ્ર’ના લેખકનું નામ સરતચૂકથી  રમણલાલ નીલકંઠ લખાયું હતું, જે રમણભાઇ 
નીલકંઠ હોવું જોઇએ. એ તરફ ધ્યાન દોરવા બદલ પ્રો. રમણ સોની (વડોદરા) નો આભાર.  ઉપરના લેખમાં તે સુધારી લીધું છે. 

૨) મૂળ લેખમાં ’સ્વર્ગલોક સાથે સમજૂતીકરાર’ એવું લખાયું હતું. એ તરફ રજનીકુમાર પંડ્યાએ ધ્યાન દોર્યું. કરાર જેવો યવન શબ્દ ભદ્રંભદ્રના મુખેથી મૂકવાના ઘોર અપરાધ બદલ ક્ષમાપ્રાર્થી છું. ઉપરના લેખમાં MOU માટે 'પ્રથમદર્શી લાભદાયી પત્ર' (પ્રલાપ) મૂકી દીધું છે. 

2 comments:

  1. હા હા હા જોરદાર, આરક્ષણ ઉચ્છેદન, પ્રથમ દર્શી લાભદાયી પત્ર, તાંબુલ વિક્રેતા બહુ નવા શબ્દો મળ્યા. પહેલા ગુજરાતી કી બોર્ડ ખુલતું નહોતું એટલે થયું કોમેન્ટ અંગ્રેજીમાં લખવી પડશે પરંતુ આ લેખની કોમેન્ટ કરતી વખતે, કમ-સ-કમ યવન શબ્દોથી દૂર ના રહી શકીએ તો પણ અંગ્રેજી લીપીનો પ્રયોગ અાપણે ના કરવો જોઈએ. બાકી નવા શબ્દો આપવા બદલ અને કટાક્ષના મર્મપ્રહારો સાથે હાસ્યરસથી તરબોળ કરવા બદલ આભાર

    ReplyDelete
  2. Anonymous7:50:00 PM

    Urvishbhai,
    some new Gujarati words and lots of fun. Best comparison with Utpaldatt.
    Thanks,

    ReplyDelete