Wednesday, December 03, 2014

ભેદભાવવિરોધી લડાઇ : પ્રતીકો અને સચ્ચાઇ

એકાદ અઠવાડિયામાં અમેરિકામાં બનેલી ઘટનાઓ ભેદભાવ સામે લડતા કે તેની સામે વાંધો ધરાવતા દરેક જણ માટે આંચકાજનક અને બોધપ્રેરક છે. સાવ ટૂંકમાં તેનો ઘટનાક્રમ આટલો : કાળા લોકોની બહુમતી ધરાવતા ફર્ગ્યુસન શહેરમાં પોલીસ તરીકે ધોળા લોકોની બહુમતી છે. આ વર્ષના ઑગસ્ટમાં એક ધોળા પોલીસ ડેરન વિલ્સને ૧૮ વર્ષના કાળા યુવાન માઇકલ બ્રાઉનને આંતર્યો. બ્રાઉને એક સ્ટોરમાંથી સિગરેટની ચોરી કરી હતી. વિલ્સને તેને પડકાર્યા પછી શું થયું એ વિશે ભારે મતભેદ છે. પણ ત્યારે પછી વિલ્સને કાળા યુવાન બ્રાઉન પર  એક ડઝન ગોળીઓ છોડી. તેમાંથી લગભગ અડધી ખાલી ગઇ, કેટલીક હાથ પર વાગી અને ચાર ગોળી છાતી કે ઉપરના ભાગમાં વાગી.

ગોળીબાર કરનાર પોલીસે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું? પોતાને મળેલા હકનો દુરુપયોગ કર્યો? ધોળા પોલીસે કાળા યુવાનની હત્યા કરી? ટૂંકમાં, પોલીસે ગુનો કર્યો? અને તેની સામે અદાલતમાં કેસ ચલાવવો જોઇએ? આ સવાલોના જવાબ શોધવા માટે નવ ધોળા અને ત્રણ કાળા, એમ કુલ બાર સભ્યોની ન્યાયસમિતિ (ગ્રાન્ડ જ્યુરી) બેસાડવામાં આવી. જ્યુરીએ ફેંસલો આપ્યો કે ધોળા પોલીસે ગોળીઓ છોડવામાં કોઇ ગુનો કર્યો નથી અને કાયદાનું જરાય ઉલ્લંઘન કર્યું નથી. માટે, તેની સામે અદાલતમાં કામ ચલાવી શકાય નહીં.

જ્યુરીનો ફેંસલો બહાર પડતાં જ અસંતોષ ફાટી નીકળ્યો. ફર્ગ્યુસન ઉપરાંત અમેરિકાના બીજા શહેરોમાં પણ મોટી સંખ્યામાં કાળા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તોડફોડ, મકાનોને આગ ચાંપવાના બનાવ અને થોડી લૂંટફાટ પણ થઇ. આરોપમુક્ત થયેલા ધોળા પોલીસે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતે કશું ખોટું કર્યું નથી અને પોતાનો અંતરાત્મા સાફ છે, એમ કહ્યું. મૃત યુવાનનાં પરિવારજનોએ આ નિવેદનને જખમ પર નમક જેવું ગણાવ્યું. કાળા પ્રમુખ બરાક ઓબામાએ ગ્રાન્ડ જ્યુરીનો ફેંસલો સ્વીકારવા અને શાંતિપૂર્ણ વિરોધ કરવા અપીલ કરી. સાથે તેમણે કાળા લોકોના સંદર્ભે કાનૂનીતંત્રના કેટલાક પ્રશ્નો હોવાનું પણ સ્વીકાર્યું.

ફર્ગ્યુસનના બનાવના પડઘા શમે ત્યાં, ૨૨ નવેમ્બરના રોજ ક્લીવલેન્ડમાં રમકડાની બંદૂક લઇને નીકળેલા બાર વર્ષના કાળા કિશોરને પોલીસે ઢાળી દીધો. સવાલ એકલદોકલ કિસ્સાનો નથી, પરંતુ મૂળગામી, વ્યાપક ભેદભાવનો છે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર એક કાળો માણસ પ્રમુખ બન્યો હોય ત્યારે આવા બનાવ જુદું જ પરિમાણ ધારણ કરે છે અને ભેદભાવ સામેની લડાઇ કેટલી પેચીદી છે, તેનો ખ્યાલ આપે છે.

કેદ અને ગુલામી

અસમાનતા કે ભેદભાવ સામેની લડાઇ અકલ્પનીય હદે લાંબી- પેઢીઓ કે ક્યારેક સદીઓ સુધી ચાલનારી- હોઇ શકે છે. વાસ્તવિકતા એ છે કે અસમાનતા વગરનો સમાજ કેવળ કલ્પના છે. પરંતુ એટલી જ મહત્ત્વની વાસ્તવિકતા એ છે કે અસમાનતા સામેની- ભેદભાવ સામેની લડાઇ અને સમાનતા હાંસલ કરવાની ઝંખનામાં જ માણસ હોવાની સાર્થકતા રહેલી છે.

અસમાનતા કે ભેદભાવને ‘આ તો આમ જ રહેશે. એમાં આપણાથી શું થાય?’ એમ કહીને સ્વીકારી લેનાર માણસ રહેતો નથી. એ ગુલામ બની જાય છે- અસમાનતાનો ગુલામ. તેની સરખામણીમાં, અસમાનતા વેઠતો છતાં તેનાથી છટપટાહટ અનુભવતો, તેની સામે યથાશક્તિ અવાજ ઉઠાવતો કે અવાજ ઉઠાવવો જોઇએ એવું વિચારતો માણસ કેવળ અસમાનતાનો કેદી હોય છે- તેનો ગુલામ નહીં. કેદી મુક્તિ વિશે વિચારી શકે છે અને પ્રયાસ કરે તો કદાચ મુક્ત થઇ પણ શકે છે. પરંતુ ગુલામી માણસના માણસપણા પર - એટલે કે માણસ તરીકે સ્વતંત્ર રીતે વિચારી શકવાની ક્ષમતા પર- એસિડ રેડી દે છે.

અસમાનતા-ભેદભાવ સામેની લડાઇ અનેક કોઠાના યુદ્ધ જેવી છે. તેમાં એક લડાઇ જીતવાથી યુદ્ધ જીતી જવાતું નથી. છતાં બીજી લડાઇ લડવાનું બળ મળે છે એ પણ એટલું જ સાચું છે. આ લડાઇ ફક્ત કાયદાથી લડી શકાતી નથી અને ફક્ત સામાજિક સ્તરે પણ લડી શકાતી નથી. બન્ને મોરચા એકબીજા માટે પૂરક નીવડે છે. અમેરિકાની સિવિલ રાઇટ્‌સ મુવમેન્ટ અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા નેતાઓના પ્રતાપે અમેરિકામાં અનેક અન્યાયી કાયદા નાબૂદ થયા. ત્યાર પહેલાં કાળા લોકો સામેનો ભેદભાવ ‘સત્તાવાર’ અને અદાલતમાં પડકારી ન શકાય એવો હતો. સાઠના દાયકામાં આંદોલનો અને ચળવળ દ્વારા કાયદાકીય જીત મેળવવામાં કાળા લોકો સફળ થયા, જેમ લાંબી અને કટુ લડાઇ પછી ડૉ.આંબેડકર ભારતમાં અસ્પૃશ્યતાને ગેરકાયદે બનાવવામાં સફળ થયા.

પરંતુ સામાજિક પરિવર્તનનું શું? આ અઠવાડિયે ડૉ.આંબેડકરની વઘુ એક પુણ્યતિથી અને તેનાં ઉજવણાં આવશે, ત્યારે તેમને હારતોરા કરીને કે ‘જય ભીમ’ના નારા લગાવીને સંતુષ્ટ થઇ જવાને બદલે, આ સવાલ વિશે સતત વિચારવા જેવું છે. એક કાળા યુવાનની હત્યાથી અમેરિકાભરના કાળા લોકો આંદોલિત થઇ ઉઠે છે. પોતાના કે પોતાના સમરંગીઓના મનમાં રહેલા અન્યાયબોધ અને પોલીસતંત્ર-ન્યાયતંત્ર પ્રત્યેના અવિશ્વાસનો પડછાયો તેમને ફર્ગ્યુસન કે ક્લીવલેન્ડના કેસમાં દેખાય છે અને તે વિચારે છે કે અમેરિકાના પ્રમુખપદે એક કાળો માણસ બેસી શકતો હોય, ત્યાર પછી પણ આવું શા માટે?

ભેદભાવ સામેની લડાઇમાં પ્રતીકોનું આગવું મહત્ત્વ છે. બસમાં ધોળા મુસાફરને જગ્યા આપવા માટે પોતાની બેઠક પરથી ઉઠવાની ના પાડનાર રોઝા પાર્ક્‌સના કિસ્સાને સિવિલ રાઇટ્‌સની ચળવળનું પ્રતીક બનાવવામાં આવે છે. એમાં કશું ખોટું નથી. કેમ કે, પ્રતીકો એક મર્યાદામાં રહીને આ પ્રકારના આંદોલનોને કેવળ ‘કાનૂની’ કે ‘બંધારણીય’ (ટૂંકમાં, શુષ્ક) બનતાં અટકાવે છે અને તેમાં માનવીય ભીનાશનો ઉમેરો કરે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા નેતા કાનૂની અને માનવીય એમ બન્ને પાસાં સાથે રાખીને લડતને આગળ લઇ જાય છે. લડતના અંતે કાનૂની ફતેહ મળે છે અને કાળા લોકોને કાગળ પર જ નહીં, વ્યવહારમાં પણ ઘણાં ક્ષેત્રોમાં સમાનતા મળે છે.

સમાનતાનો એક અર્થ ‘સમાન વ્યવહાર’ છે, તો બીજો અગત્યનો અર્થ છે ‘સમાન તક’. ભારતમાં દલિતો પ્રત્યે બિનદલિતોના વ્યવહારમાં આ બન્ને મોરચે ઘણું કામ બાકી છે. ઉપરથી, દલિતોમાં અંદરોઅંદર પેટાજ્ઞાતિવાદ અને હુંસાતુંસી-ભેદભાવ એટલાં વધી ગયાં છે કે અત્યારે ખુદ ડૉ.આંબેડકર આવે તો એ પણ કોના, એના માટે દલિત પેટાજ્ઞાતિઓ વચ્ચે અંદરોઅંદર ખેંચતાણ થાય.

ડૉ.આંબેડકર ભેદભાવને ગેરકાયદે ઠરાવતી કેટલીક બાબતો બંધારણમાં સામેલ કરી શક્યા, એ મોટી જીત હતી. પરંતુ આગળ કહ્યું તેમ, એક લડાઇથી યુદ્ધ જીતાતું નથી. કાનૂની જોગવાઇઓનું મહત્ત્વ જરાય ઓછું આંક્યા વિના અને તેમના દ્વારા આવેલા હકારાત્મક પરિવર્તનને નજરઅંદાજ કર્યા વિના, એટલું સ્પષ્ટ છે કે લાંબા ગાળાના પરિવર્તન માટે સામાજિક જાગૃતિ વધારે અગત્યની છે. તેમાં પ્રતીક અગત્યનાં છે : બાબુ જગજીવનરામ વડાપ્રધાન બન્યા હોત તો તેનાથી ભારતના દલિતોનો ઉદ્ધાર ન થઇ ગયો હોત, પણ દલિતોની ભેદભાવ સામેની લડતને બળ મળે એવા તરંગ અવશ્ય પેદા થયાં હોત. એક સુખદેવ થોરાટ યુજીસીના અઘ્યક્ષ બને, એક કે.જી.બાલાકૃષ્ણન્‌ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને, એક મીરા કુમાર લોકસભાનાં અઘ્યક્ષ બને કે પછી એક બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બને...આ દરેકનું પ્રતીકાત્મક મહત્ત્વ ઓછું નથી.

ઓબામાનું પ્રમુખ બનવું ‘યસ, આઇ કેન’નો સૂત્રાત્મક આત્મવિશ્વાસ પ્રગટાવવામાં નિમિત્ત બની શકે છે, અમેરિકામાં રંગભેદનો અંત આવી ગયો અને હવે અમેરિકાનો સમાજ ‘પોસ્ટ રેસિઅલ સોસાયટી’ (રંગભેદનાબૂદી પછીનો સમાજ) બન્યો હોવાનો અહેસાસ ઊભો કરી શકે છે, હતાશા કે હારણવૃત્તિથી ગ્રસ્ત કાળા લોકોને ઓબામાનું પ્રમુખપદું એવો ચોંટિયો પણ ભરી શકે છે કે ‘બહાનાં છોડો ને આગળ આવો. જુઓ, તમારામાં ક્ષમતા હશે તો રંગભેદને અવગણીને તમે ઉપર પહોંચી શકશો અને રંગભેદને ખતમ કરવામાં તમે નિમિત્ત બની શકશો.’

પરંતુ પ્રતીકોનું મહત્ત્વ છે, તેમ એની મર્યાદાઓ પણ છે- અને એ વધારે મોટી હોય છે. ભેદભાવનો ભોગ બનેલા સમાજ માટે વિજયપ્રતીકો કે સિદ્ધિપ્રતીકો એન્સેથેસિયાનું કામ કરી શકે છે. એક ઓપ્રા વીન્ફ્રે, એક બરાક ઓબામા કે એક માઇકલ જોર્ડનની સફળતાથી આખો સમાજ પોતાની રોજિંદી વાસ્તવિકતા ભૂલીને ગાફેલિયતમાં કે આત્મનિંદામાં સરી શકે છે. (‘આપણા લોકો આગળ આવી ગયા. હવે આપણે કંઇ કરવાની જરૂર નથી.’ અથવા ‘આ લોકો આગળ આવી ગયા ને આપણે નથી આવી શક્યા. તો ભેદભાવ કરનારામાં નહીં, આપણામાં જ કંઇક ખોટ હોવી જોઇએ’)સએવી જ રીતે, થોડા કાળા લોકોની સફળતાની કથાઓથી ભેદભાવગ્રસ્ત માનસ ધરાવતા ધોળા લોકોને પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર લાગતી નથી. ‘પ્રતિભા હોય તો ભીંત ફાડીને પીપળા ઉગી જ નીકળે છે’ એ જાતની દલીલો થતી રહે છે. તેનો ગર્ભિત અર્થ એ જ હોય છે કે ‘આપણે તો ભેદભાવની ભીંત અડીખમ જ રાખવાના. એને ફાડીને જે પીપળાને ઉગવું હોય તે ઉગે.’ સમાજમાં પીપળા નિયમ લેખે નહીં, અપવાદ તરીકે ભીંતમાં ઉગવા જોઇએ. એટલી સાદી સમજણ તેમાં ચૂકી જવાય છે.

અમેરિકાના ઇતિહાસના પહેલા કાળા પ્રમુખ ઓબામાની લાગલગાટ બીજી મુદતના અંત ભાગમાં, ફર્ગ્યુસનમાં બનેલી ઘટનાએ ભેદભાવ સામેની લડાઇમાં પ્રતીકોની મર્યાદા અને લડાઇની નિરંતરતા ચીંધી આપ્યાં છે. એ બોધપાઠ ભારતમાં દલિતો પ્રત્યેના ભેદભાવનો વિરોધ કરતા સૌ કોઇ માટે પણ કામનો છે. 

2 comments:

  1. પ્રતિભા હોય તો ભીંત ફાડીને પીપળા ઉગી જ નીકળે છે’ એ જાતની દલીલો થતી રહે છે. તેનો ગર્ભિત અર્થ એ જ હોય છે કે ‘આપણે તો ભેદભાવની ભીંત અડીખમ જ રાખવાના. એને ફાડીને જે પીપળાને ઉગવું હોય તે ઉગે.’ સમાજમાં પીપળા નિયમ લેખે નહીં, અપવાદ તરીકે ભીંતમાં ઉગવા જોઇએ. એટલી સાદી સમજણ તેમાં ચૂકી જવાય છે. Liked this part a lot!

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી તમે લખેલ લેખ ઘણું કહી જાય છે અને વર્ણના ધોરણે થતી અસમાનતા પશ્ચિમના દેશોમાં પહેલેથીજ ફૂલીફાલી છે આનું કારણ ગુલામી પ્રથાની અસર, જે થકી હજુ ઘણાય વર્ગોમાં આવી માનસિકતા છે કે ધવલ વર્ણ પ્રજા ઉચ્ચતર ( superior)છે પણ સાથે સાથે એ પણ માનવું ભૂલ ભરેલું ગણાશે કે શિક્ષિત અને સમજુ લોકોને આવા લોકોની સાથેની કક્ષામાં મુકવા, આ એજ પ્રજાછે કે તેમના પૂર્વજોએ ગુલામી પ્રથાને નાબુદ કરી હતી.

    અમેરિકામાં વસતા આફ્રો-અમેરિકન(કાળી પ્રજા)ના કેટલાક નેતાઓએ તેમના વંશીય બંધુઓને સીધી અને આડકતરી રીતે કેટલીય વાર જાહેરમાં કહ્યું છે કે તેઓ તેમના ગુનાહખોરી માનસમાં ફેરફાર કરે,આ બે લીટી કોઈજ દ્વેષભાવે નથી લખી પણ તમે સત્તાવારી આંકડા લ્યો તો કોઈને સહેજે સમજાઈ જશે કે અમેરિકાની જેલોમાં ધોળા લોકોની સરેરાશ સરખામણી માં કાળા લોકોની સંખ્યા કેટલી વધુ છે! જે લોકો જેલમાં છે તેમને કરેલી ચોરી-ખૂન-બળાત્કારની સજા ભોગવતા હોય છે, જો તપાસીએ માલુમ પડશે કે તેમના જીવનમાં માબાપ સાથેનું કૌટુંબિક લગભગ વેરવિખેર નજરે પડે, બહુધા બાપની છત્રછાયા ઘરના કંકાસ અને માણસની (બાપન)નું પોતાનું હલકું ચારિત્ર પણ કુટુંબભંગનું કારણ મુખ્ય હોય છે,આવી પરિસ્થિતિમાં બાળકોના માનસ પર સહેજે અસર થાય તે સ્વાભાવિક છે.
    તમે આ વિસ્તૃત લેખમાં ઘણી બાબતો પર પ્રકાશ પાડીને લખ્યું છે એટલે અમારા જેવા વાંચકોએ વધુ શું લખવાનું?



    ReplyDelete