Monday, December 29, 2014

ગુજરાતમાં શિક્ષણ : ખતરનાક અખતરા

નવેમ્બર, ૨૦૧૪માં ગુજરાતના શિક્ષણવિભાગે બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો પોતાનો જ નિર્ણય રદ કર્યો. અહેવાલો પ્રમાણે, શિક્ષણવિભાગે સ્વીકાર્યું કે તેના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સૌથી પહેલાં તો, સરકારી રાહે લેવાયેલું એક પગલું ખોટું હતું અને તેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થયું એ સ્વીકારવા બદલ તથા એ રદ કરવા બદલ શિક્ષણવિભાગને હાર્દિક અભિનંદન. બાકી, સામાન્ય રીતે નેતાઓ અને ખાસ તો સરકારી બાબુઓ ‘ડગલું ભર્યું કે ન હઠવું’નો મિજાજ ધરાવતા હોય છે. (ભયંકર નિષ્ફળતા છતાં ચાલુ રહેલી સેમેસ્ટર પ્રથા તેનું ઉત્તમ ઉદાહરણ છે.)

એન્જિનિયરિંગની જેમ બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો નિર્ણય જાહેર થયો ત્યારે આ કોલમમાં (‘દૃષ્ટિકોણ’, ૨૪-૬-૧૪) અને બીજે પણ તેના વ્યવહારુ અમલ વિશે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિર્ણયના કારણે કેવી સ્થિતિ સર્જાઇ શકે છે, તેની વિગતવાર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાંની ઘણી સાચી પુરવાર થઇ. વિદ્યાર્થીઓને ઍડમિશન માટે અહીંથી તહીં અથડાવું પડ્યું. તેમાં સમય, શક્તિ અને નાણાંનો ઘુમાડો થયો. સેલ્ફ ફાયનાન્સ્ડ બેઠકો ભરાઇ જાય અને ગ્રાન્ટેડ બેઠકો ખાલી રહે એવું પણ બન્યું.

એક તરફ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ વગરના રહ્યા, તો બીજી બાજુ કૉલેજમાં બેઠકો ખાલી રહી. ‘તારીખ પે તારીખ’ની જેમ પ્રવેશનાં ‘રાઉન્ડ પે રાઉન્ડ’ ચાલ્યાં અને કાર્યવાહી એટલી લંબાઇ કે પહેલા સેમેસ્ટરમાં અભ્યાસનો સમય મહિનાઓમાં નહીં, અઠવાડિયાંમાં રહ્યો. કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનું તંત્ર ગોઠવવા માટે દરેક વિસ્તારની એક-એક કૉલેજમાં શિક્ષણવિભાગે પ્રવેશકેન્દ્રો ખોલવાં પડ્યાં. એ કેન્દ્રો ચલાવવા પેટે કૉલેજોને અપાયેલી રકમ સહિત આખી કાર્યવાહીનો કુલ ખર્ચ લાખમાં નહીં, કરોડમાં પહોંચ્યો.

બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ દાખલ કરવા જતાં અરાજકતા સર્જાશે, એનું અનુમાન કરવા માટે સામાન્ય સમજની જરૂર હતી. પરંતુ સ્વાર્થવશ, સ્થાપિત હિતોવશ, અહમ્‌વશ કે પછી આ બધાના ઓછાવત્તા મિશ્રણને કારણે બાબુશાહીનું વલણ પોતે લીધેલા નિર્ણયને સોનાનો ગણવા-ગણાવવાનું હોય છે. માટે સવાલ એ થાય કે આ જાતનો અખતરો એક વર્ષ પૂરતો દાખલ કર્યા પછી, તેને પાછો ખેંચી લેવામાં આવે તો તેને માટે ઉત્તરદાયી કોણ?

કામ થતું હોય ત્યારે પૂરતી તકેદારી રાખી હોવા છતાં ભૂલ થઇ શકે. એ અક્ષમ્ય નથી. ભૂલનો સ્વીકાર અને સુધાર આવકાર્ય છે. પરંતુ શિક્ષણવિભાગે પોતાનો અખતરો નિષ્ફળ ગયા પછી એટલું તો જણાવવાનું રહે છે કે કેન્દ્રીય પ્રવેશપદ્ધતિ દાખલ કરતાં પહેલાં તેમણે દેખીતી સમસ્યાઓનો વિચાર કર્યો હતો? અને તેનો ઉકેલ શી રીતે આવશે, એવી તેમની ધારણા હતી? આખા નિર્ણય સાથે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કરોડો રૂપિયા સંકળાયેલા હોય ત્યારે કમ સે કમ આટલી કવાયત આવશ્યક ગણાય. એ થઇ હોય તો તેની સંતોષકારક વિગતો શિક્ષણવિભાગે જાહેર કરવી જોઇએ અને ન થઇ હોય તો તેના માટે જવાબદાર કોણ, એ જણાવવામાં આવે.

શિક્ષણવિભાગની કોરટબાજી

એન્જિનિયરિંગ માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ ઘણા વખતથી અમલમાં છે, પણ તેમાં વિદ્યાર્થીના ટકા કેવી રીતે ગણવા, એના વાંધા છે. એ માટે વપરાતા બે ટેક્‌નિકલ શબ્દો છે : ‘પર્સન્ટેજ’ અને ‘પર્સન્ટાઇલ’. પર્સન્ટેજ એટલે બોર્ડની પરીક્ષા તથા જેઇઇ-જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ-માં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક, જે નિરપેક્ષ હોય છે. ‘પર્સન્ટાઇલ’ એટલે આગળ જણાવેલી બન્ને પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલો ક્રમ, જે સાપેક્ષ હોય છે.

લાગલગાટ છેલ્લાં બે વર્ષથી શિક્ષણવિભાગ દ્વારા અપનાવવામાં આવેલી પ્રવેશની ફોર્મ્યુલાને અદાલતમાં પડકારવામાં આવે છે. બે વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારની હાર થયા પછી એ સુપ્રીમ કોર્ટમાં ગઇ. એ કેસનો હજુ ફેંસલો આવે તે પહેલાં, બીજા વર્ષે શિક્ષણવિભાગે પોતાની જ વિવાદી ફોર્મ્યુલામાં ફેરફાર કરીને નવી ફોર્મ્યુલા અપનાવી. તેને પણ પડકારવામાં આવી. હાઇકોર્ટે તેને પણ કાયદાથી વિસંગત ગણાવી અને કહ્યું કે મેરિટની ગણતરી બાબતે કાયદાના અર્થઘટન કરતાં શિક્ષણવિભાગનું અર્થઘટન જુદું પડે છે. એટલે સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં ગઇ. દરમિયાન, સંબંધિત કાયદામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો, જેથી મેરિટની ફોર્મ્યુલા કાયદાને સુસંગત બની જાય.

આગળના બન્ને દાખલા શિક્ષણવિભાગની કાર્યપદ્ધતિ અને તેની માનસિકતા પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. નવાઇની વાત એ છે કે એક તરફ શિક્ષણના ‘ગુજરાત મૉડેલ’નો આંખ મીંચીને જયજયકાર થઇ રહ્યો છે, ત્યારે આ બધા મુદ્દા સેંકડો વિદ્યાર્થીઓને સ્પર્શતા હોવા છતાં, એમાં સરકારની જવાબદારી વિશે ભાગ્યે જ કશી વાત થાય છે.

ઇ-કન્ટેન્ટ એટલે?

ગયા અઠવાડિયે સમાચાર હતા કે શિક્ષણવિભાગ હવે પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ‘ઇ-કન્ટેન્ટ’ દાખલ કરવા માગે છે. અત્યાર લગી ખાનગી શાળાઓમાં કમ્પ્યુટર, ઇ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસના નામે મોટે ભાગે વધારે ફી પડાવવાનો ધંધો જ ચાલ્યો છે. શિક્ષણમાં મૌલિક રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાને બદલે, સાવ બાળબોધી રીતે, ફક્ત કમ્પ્યુટર છે એટલા માટે- અને ખાસ તો ફી લઇએ છીએ એટલા માટે- બાળકોને કમ્પ્યુટર સામે બેસાડી દેવામાં આવે છે. પરંતુ ગણિત-વિજ્ઞાન-સમાજશાસ્ત્ર જેવા વિષયો રસપ્રદ રીતે શીખવી શકવાની કમ્પ્યુટરની ક્ષમતાનો એક ટકો પણ વપરાતો નથી.

શિક્ષણ સૌથી મોટાં બજારોમાંનું એક છે. (નેતાઓ અને ઉદ્યોગપતિઓ અમસ્તા તેમાં સીધી કે આડકતરી રીતે સંકળાતા હશે?) અત્યાર લગી ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરાતા ઇ-કન્ટેન્ટને સરકાર માન્યતા આપતી ન હતી. સમાચાર પ્રમાણે, હવે સરકાર યોગ્ય ચકાસણી અને દસ સ્કૂલોમાં એક વર્ષ માટે ઇ-કન્ટેન્ટનો અખતરો કરશે, તેની સમીક્ષા કરવામાં આવશે (સમીક્ષાની ફી પેટે રુ.૨૫ હજાર લેવામાં આવશે) અને પછી નક્કી કરવામાં આવશે કે એ કન્ટેન્ટ સરકારની માન્યતાને લાયક છે કે નહીં.

સરકારી યોજનાઓની ખૂબી એ હોય છે કે કાગળ પર તે રૂડીરુપાળી અને પૂરતી તકેદારી લેતી હોય એવી જણાય. પરંતુ વાસ્તવિક અનુભવ સાવ જુદા હોય છે. સરકારી શાળાઓમાં ઇ-કન્ટેન્ટ પહોંચાડવા મળે તે કોઇ પણ કંપની માટે કમાણીની બહુ મોટી તક છે. સરકારી તંત્ર સાથે પનારો પાડનારા બરાબર સમજતા હોય છે કે કઇ ચાંપ દબાવવાથી  ક્યાં લાઇટ થાય ને કોને ત્યાં અંધારું કરી શકાય. પુસ્તકો, સ્ટેશનરી, છાપકામ, અભ્યાસનાં ને પ્રયોગનાં સાધનો- આવી શાળાવિષયક સામગ્રીનો સરકારી ધંધો અત્યાર લગી મોટે ભાગે લગભગ અપારદર્શક રહ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ કે શાળાઓ ખાટ્યાં હોય એવું જૂજ કિસ્સામાં જ બનતું હશે. બાકી, મોટે ભાગે પાંચ રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં વેચીને, તેમાંથી વીસ રૂપિયા સાહેબોને પ્રસાદી તરીકે ધરવાનો રિવાજ છે. આવા ભ્રષ્ટાચારની પહોંચો ફાટતી નથી, તેમ એને પડકારવામાં પણ આવતો નથી. સપાટી પર ચાલતી ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ની રૂડીરૂપાળી વાતો તળે આવું બઘું ખદબદતું રહે છે. મૂળ લાભાર્થીઓ (નિશાળો) માટે તે મફતમાં, સરકાર તરફથી આવતું હોવાથી, તે ઝાઝી પંચાતમાં પડતા નથી. એટલે સપ્લાય કરનારા અને ઓર્ડર મંજૂર કરનારા  બેરોકટોક કમાણી કરતા રહે છે. તેમાં અપવાદો હશે, પરંતુ અપવાદોથી છેવટે એ જ સાબીત થાય છે કે નિયમ તો આ જ છે.

આવી સ્થિતિમાં ઇ-કન્ટેન્ટની વાત સાંભળીને આનંદ થવાને બદલે ધ્રાસ્કો પડવો સ્વાભાવિક છે. કેમ કે, આ કન્ટેન્ટ મોટે ભાગે ડીવીડી સ્વરૂપે હશે. ડીવીડી માટે ક્લીનર, કવર, કબાટ અને બીજી કલ્પી ન શકાય એવી સંબંધિત સામગ્રી, ડીવીડી તૂટી જાય (કે તૂટી ગયેલી બતાવવામાં આવે તો તેની જગ્યાએ બીજી ડીવીડી... આમ હજારો સ્કૂલોમાં અઢળક નફો કમાવી આપનારાં કેટકેટલાં સંભવિત ધંધાક્ષેત્રો ઇ-કન્ટેન્ટની સરકારી માન્યતાથી ખુલી જશે.

નિષ્ણાતોની સમિતિ ઇ-કન્ટેન્ટની ચકાસણી કરશે, પણ એમ તો આવી સમિતિઓ પાઠ્યપુસ્તકોની ચકાસણી પણ ક્યાં નથી કરતી? તેનાથી પાઠ્યપુસ્તકોની ગુણવત્તામાં સરકારે શું ઉકાળી લીઘું? ગુણવત્તા તો બહુ દૂરની વાત છે, પાઠ્યપુસ્તકો સમયસર પહોંચાડવાનું પ્રાથમિક કામ પણ ‘ગુજરાત મૉડેલ’થી પોરસાતી સરકારનો શિક્ષણવિભાગ કરી શકતો નથી. માન્યું કે લાખોની સંખ્યામાં પુસ્તકો છાપવા અને પહોંચાડવાનું કામ અઘરું છે, પણ તે આટલાં વર્ષેય આવડી ન રહે?

અમેરિકા સહિતના દેશોમાં ઇ-લર્નિંગના નામે ઇન્ટરનેટ પર મફતમાં શિક્ષણનું અનોખું મૉડેલ ઊભું થઇ રહ્યું છે. તેમાં સરકાર કરતાં પણ વધારે ખાનગી કંપનીઓ  અઢળક નાણાં રોકી રહી છે. ‘ખાન્સ એકેડેમી’ જેવી ઑનલાઇન સંસ્થાઓ ઉપરાંત હાર્વર્ડ જેવી અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પોતાના કોર્સ ઇન્ટરનેટ પર મફત ભણવા માટે ખુલ્લા મૂકી રહી છે- અને થોડી ફી લઇને પ્રમાણપત્ર પણ આપે છે- ત્યારે ગુજરાતનું શિક્ષણખાતું સરકારમાન્ય ડીવીડી સામગ્રીથી ઇ-કન્ટેન્ટના યુગમાં પ્રવેશ કરશે. આ ચેષ્ટા ડિજિટલ મ્યુઝિક પ્લેયર શોધાઇ ગયાં હોય ત્યારે નવેસરથી અને સરકારી રાહે કેસેટ પ્લેયરો દાખલ કરવા જેવી અને એમ કરીને આઘુનિકતાનો સંતોષ અનુભવવા જેવી છે.

દરેક બાબતમાં કોંગ્રેસ-ભાજપ લઇ આવનારા એટલું સમજતા નથી કે શિક્ષણના ધંધામાં સરકાર બદલાય તેમ ફાયદો ખાટનારા બદલાઇ શકે, પણ દરેક કિસ્સામાં નુકસાનાર્થીઓ તો આપણે, ગુજરાતના નાગરિકો જ રહેવાના છીએ.
(૯-૧૨-૧૪)

3 comments:

 1. Anonymous8:02:00 AM

  Excellent analysis.I wish urvishbhai you write more on education issue especially for Gujarat.Current model of education is worst then before .Around 25 year it was much better with less money but with dedicated teachers.Current government and previous govt both are responsible but we need to worry about present govt.DVD is outdated technology and does not serve the purpose ,all content can publish online.If we spent some money and translate KHAN ACADEMY materiel we can do it more economically.I know Hiralben Shah who has created evidyalay online got Gujarati student without any government help.(evidyalay.net)

  Rajan.Shah ( Vancouver,Canada)

  ReplyDelete
 2. Anonymous2:13:00 AM

  I agree with Urvishbhai and Rajan Shah, but why the people of Gujarat always ignore the Govt. decision, and not speaking against them?
  Manhar Sutaria

  ReplyDelete
 3. ઉપર ઉર્વીશભાઈએ લખ્યું છે કે સરકારી તંત્ર બરાબર સમજે છે કે કઇ ચાંપ દબાવવાથી ક્યાં લાઇટ થાય ને કોને ત્યાં અંધારું થાય. પ્રાથમીક શીક્ષણમાં સર્વ શીક્ષા અભીયાન હેઠળ રાજ્ય અને જીલ્લા પછી તાલુકા લેવલે બીઆરસી અને શાળા લેવલે સીઆરસીની નીમણુંકો થાય છે. ગુજરાતમાં આ બીઆરસી અને સીઆરસીના ૩-૪ વરસ અગાઉ ૨૦૦ થી વધારે બ્લોગ બન્યા છે પણ એમાં માહીતી દસ વરસ અગાઉની દેખાય છે. ચાંપ દબાવતા શાળાના બાળકોને આ માહીતીની ખબર છે પણ હમણાં કે અગાઉના મુખ્ય મંત્રી કે શીક્ષણ મંત્રીને ખબર નથી.

  ReplyDelete