Monday, December 22, 2014
ધર્મ : વર્તન અને પરિવર્તન
સાચા હિંદુ ધર્મના અભ્યાસીઓથી માંડીને હિંદુત્વનું રાજકારણ ખેલનારા લોકો અને સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થા પણ એક બાબત વખતોવખત ગાઇવગાડીને કહેતાં રહ્યાં છે : હિંદુ ધર્મ એ પરંપરાગત અર્થમાં, એક ધર્મગ્રંથ-એક ધર્મપુરુષ ધરાવતો ધર્મ નથી. સાચો હિંદુ ધર્મ અસલમાં જીવન જીવવાની રીત છે.
હિંદુ ધર્મનું ઊભું થયેલું માળખું એક તરફ એટલું સંકુચિત, બંધિયાર અને દમનકારી હોઇ શકે છે કે તે જ્ઞાતિપ્રથાના બોજ તળે શુદ્રો-અતિશુદ્રોને સદંતર કચડી નાખે. તેમને સાવ માણસમાંથી જ કાઢી નાખે. બીજી તરફ તે એટલું ઉદાર પણ હોઇ શકે છે કે નાસ્તિકોને પણ પોતાનામાં સમાવી શકે. ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મો પોતપોતાની સર્વોપરિતામાં રાચતા હોય અને ‘અમારા શરણમાં આવ્યા સિવાય ઉદ્ધાર નથી’, એવો દાવો ધરાવતા હોય ત્યારે અસલી હિંદુ ધર્મની વિશાળતા નોંધપાત્ર ગણાય.
જે રીતે માણસને બીજા ધર્મીમાંથી મુસ્લિમ, ખ્રિસ્તી કે બૌદ્ધ બનાવી શકાય છે, એવી રીતે સદીઓ સુધી તેને હિંદુ બનાવી શકાતો ન હતો. કેમ કે, હિંદુ કેવળ જન્મથી બની શકાતું હતું. (બીજા લોકોને હિંદુ ધર્મમાં લાવ્યા પછી જ્ઞાતિ-નિસરણીના કયા પગથીયે મૂકવા, એવા પેટાસવાલ પણ ખરા) ધર્મને નામે ચાલતા પાખંડના વિરોધી અને વૈદિક ધર્મના આગ્રહી દયાનંદ સરસ્વતીને લાગ્યું કે કમ સે કમ, હિંદુમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી બનેલાને ફરી પાછા હિંદુ બનાવવાની કોઇ વ્યવસ્થા હોવી જોઇએ. પરિણામે ‘આર્યસમાજ’ દ્વારા ‘શુદ્ધિ’ની વિધિ દાખલ કરવામાં આવી. એ પગલું ‘જીવન જીવવાની રીત’નો વિશાળ દરજ્જો ધરાવતા હિંદુ ધર્મને સંકોચીને દીવાલ-દરવાજાવાળો બનાવવાની દિશાનું હતું. ‘શુદ્ધિ’ શબ્દથી જ એ સૂચિત થતું હતું કે બીજા ધર્મમાં જનાર ‘અશુદ્ધ’ થાય અને તે હિંદુ બને ત્યારે જ ફરી ‘શુદ્ધ’ થાય.
વીસમી સદીના આરંભકાળમાં ‘શુદ્ધિ’ની ઝુંબેશનું ઠીક ઠીક જોર હતું અને કોમી તનાવમાં તેનાથી બળતણ પણ ઉમેરાતું હતું. ગાંધીજીના આડી લાઇને ચડેલા પુત્ર હરિલાલે કેટલાક લોકોની ચડવણીથી, મુખ્યત્વે પિતાને દુભવવા માટે ઇસ્લામ અંગીકાર કર્યો.ત્યાર પછી થોડા સમયમાં ‘શુદ્ધિ’ની ક્રિયાથી તે પાછા હિંદુ પણ બની ગયા. વિચારવા જેવો સવાલ એ છે કે હરિલાલ મુસ્લિમ બન્યા તેમાં ઇસ્લામનો અને પાછા હિંદુ બન્યા તેમાં હિંદુ ધર્મનો શો દહાડો વળ્યો? આવા કિસ્સામાં સામાન્ય રીતે બંધિયાર મનોદશા ધરાવતી ધર્મસંસ્થાઓ મજબૂત થાય છે ને ધર્મનું હાર્દ- તેનું પોત- તેની સાત્ત્વિકતા નબળાં પડે છે.
પાકિસ્તાનના પિતા-કમ-રાષ્ટ્રપિતા ગણાતા મહંમદઅલી ઝીણાના દાદાનું નામ પૂજાભાઇ ઠક્કર હતું. માછલીનો ધંધો કરતા પૂજાભાઇએ ચોખલિયા હિંદુ સમાજની ટીકાઓથી કંટાળીને, એક ખોજા વેપારીના સૂચનથી ધર્મપરિવર્તન કર્યું. પત્ની-બાળકોએ તેમના આ પગલાનો વિરોધ કરતાં, પૂજાભાઇએ હિંદુ ધર્મમાં પાછા આવવાનો પ્રયાસ કરી જોયો, પણ રૂઢિચુસ્ત હિંદુ ધર્મગુરુઓ તરફથી એ માટેની સંમતિ મળે એમ ન હતી. ‘આર્યસમાજ’ની ‘શુદ્ધિ’ઝુંબેશનું લક્ષ્ય સંભવતઃ આ પ્રકારના હિંદુઓ હતા. ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી ‘સેવા અને ધર્માંતર’ની ઝુંબેશ સામે હિંદુ ધર્મ વતી પ્રતિકારનો પણ ખ્યાલ ખરો.
‘શુદ્ધિ’ ચળવળથી થોડા લોકો હિંદુ ધર્મમાં પાછા ફરી શક્યા. પણ એ સિદ્ધિ મહદ્ અંશે સંખ્યાત્મક હતી. હિંદુ ધર્મમાં ધર્માંતરનું કે ‘શુદ્ધિ’નું (સંઘ પરિવારના શબ્દોમાં ‘ઘરવાપસી’નું) તત્ત્વ દાખલ કરનારે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની જ નકલ કરી હતી. વેરભાવે ભજવું કે અનુકરણ કરવું, તે આનું નામ. ઇસ્લામ અને ખ્રિસ્તી આ બન્ને ધર્મોના પ્રચારકો માનતા હતા કે પરધર્મીઓને પોતાના ધર્મમાં સામેલ કરવાથી પુણ્ય મળશે- પોતાને અને પોતાનો ધર્મ અપનાવનારને પણ. પુણ્યના ખ્યાલ સિવાય બીજો આશય પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનો અને દુનિયામાં પોતાના ધર્મનો જયજયકાર ફેલાવવાનો હતો.
આવા ઝનૂન કે આશયના અભાવને કારણે, તત્ત્વતઃ હિંદુ ધર્મ કેટલીક બાબતોમાં ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ કરતાં ચડિયાતો ગણાતો હતો. પરંતુ હિંદુ ધર્મના કહેવાતા હિતચિંતકોથી હિંદુ ધર્મનું આ ચડિયાતાપણું જાણે જીરવાતું ન હતું. હિંદુ ધર્મ તેના સત્ત્વ કે ખુલ્લાપણા ઉપર નહીં, પણ ધર્મ પાળનારાંની સંખ્યાના કારણે ટક્યો હોય અને તેમની સંખ્યા ઘટે તો હિંદુ ધર્મ ખતરામાં આવી જાય- એવો હાઉ હિંદુ ધર્મના કેટલાક ઠેકેદારોએ ઊભો કર્યો.
પોતાને હિંદુ ધર્મના ખરા હિતેચ્છુ ગણતા હોય એવા લોકોએ ધર્મપરિવર્તનના મુદ્દે મુખ્ય બે બાબત વિચારવાની હોય : ૧) બળજબરીથી હિંદુ ધર્મ છોડવો પડ્યો હોય તે ઇચ્છે તો, બજરંગદળ-વિશ્વ હિંદુ પરિષદ પ્રકારની સંસ્થાઓનાં રમકડાં બન્યા વિના, જાતે જ સહેલાઇથી પાછા ફરી શકે, એટલી મોકળાશ રાખવી. ૨) સ્વેચ્છાએ કે લાલચથી બીજો ધર્મ અપનાવનારાએ હિંદુઓના કયા અને કેટલા ત્રાસથી આવો નિર્ણય લીધો, એ સમજવું અને એ કારણો દૂર કરવાની ઝુંબેશ આદરવી.
એને બદલે હિંદુત્વનું રાજકારણ ખેલતી સંઘ પરિવારની સંસ્થાઓએ ધર્મપરિવર્તનનો વિરોધ કરવાની ‘હિંદુત્વ ખતરેમેં’ પ્રકારની નીતિ અપનાવી, જે તેમના કોમવાદી રાજકારણને એકદમ અનુકૂળ હતી. તેનાથી હિંદુ ધર્મમાં આંતરિક સુધારો કરવાની જવાબદારીમાંથી છટકી જવાતું હતું અને હિંદુઓને ‘હિંદુ રાષ્ટ્ર’નાં રંગીન સ્વપ્નાં બતાવીને, પોતાની સંસ્થાની પાંખમાં લેવાની સંભાવના હતી.
એ જ અભરખામાંથી હિંદુ ધર્મમાં પુનઃપ્રવેશ ઉર્ફે ‘ઘરવાપસી’નો કાર્યક્રમ આવ્યો- ખાસ કરીને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ ઘણી સક્રિય હતી તે આદિવાસી વિસ્તારોમાં. અત્યારે આગ્રામાં ગરીબ મુસ્લિમ પરિવારોને રેશનકાર્ડ અને બીજી લાલચો આપીને હિંદુ બનાવવાના વિવાદમાં પણ કેન્દ્રસ્થાને ‘ઘરવાપસી’ ઝુંબેશ છે.
ભાજપી નેતાઓને અસલમાં ધર્મપરિવર્તન સામે જૂનો વાંધો છે. અમિત શાહે ધર્મપરિવર્તનવિરોધી કડક કાયદો લાવવાની વાત કરી છે. કેટલાંક રાજ્યોમાં લાલચથી થતું ધર્મપરિવર્તન રોકવા માટેના કાયદા છે, પરંતુ રાષ્ટ્રિય સ્તરે એવો કાયદો નથી. થોડા મુસ્લિમોને પાછા હિંદુ બનાવવાના નિમિત્તે વિપક્ષો કકળાટ મચાવે અને ધર્મપરિવર્તનને લગતા કડક કાયદાની માગણી કરે, તેમાં સરવાળે ભાજપનું જ કામ થાય છે. કેમ કે, હમણાં સુધી બીજો ધર્મ છોડીને હિંદુ થનારનું પ્રમાણ ઓછું અને હિંદુ ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવનારનું પ્રમાણ વધારે હોય છે. આ સંજોગોમાં ધર્માંતર અંગે કડક કાયદા બને તો તેમને યથેચ્છ વાપરવાની સગવડ થઇ જાય.
ધર્મ અને ધર્માંતર વ્યક્તિનો અંગત મામલો છે. સરકારના સંદર્ભે તેમાં જોવાનું એટલું હોય કે ધર્માંતરના પ્રયાસોમાં સરકાર કે રાજકીય પક્ષોની શી ભૂમિકા છે? સ્થાનિક તંત્રનું કેવું વલણ છે? અને વ્યક્તિના ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ થાય છે કે કેમ? વાચાળ વડાપ્રધાને આગ્રાના ધર્માંતરના મુદ્દે મૌન ધારણ કર્યું, તો કેન્દ્ર સરકારે ‘આ તો રાજ્ય સરકારનો વિષય છે’ એવું ટેક્નિકલ વલણ લીઘું. ૨૭ પરિવારો મુસ્લિમમાંથી હિંદુ નહીં, પણ હિંદુમાંથી મુસ્લિમ થયાં હોત તો પણ તેમનું વલણ આવું જ હોત? પડદા પાછળ તેમણે કશા દોરીસંચાર ન કર્યા હોત? અને આગ્રામાં પણ એવું કશું થયું છે કે કેમ? એ સવાલોના આધારભૂત જવાબ મળતા નથી.
દરમિયાન, આગ્રાની ઘટના પછી કેટલાંક મુસ્લિમ જૂથોએ લાલચથી ધર્માંતરનો વિરોધ કર્યો છે. ધર્માંતરની બાબતમાં પક્ષકાર કે સહાનુભૂતિકાર હોય એવા મુસ્લિમ કે ખ્રિસ્તી ધાર્મિક સમુદાયો કંઇ ન બોલે એમાં જ તેમની શોભા છે. કારણ કે ‘લાલચથી થયેલાં ધર્મપરિવર્તન યોગ્ય નથી’ એવું શાણપણ ધર્મપરિવર્તન વિશે ઉત્સાહી ખ્રિસ્તી અને મુસ્લિમ ધાર્મિકોએ વધારે યાદ રાખવા જેવું છે. ધર્મપરિવર્તન બાબતે ગાંધીજીનો સાદો અને સચોટ મુદ્દો એટલો હતો કે દરેક પોતે જે ધર્મ પાળે છે, એ ધર્મનું ઉત્તમ રીતે પાલન કરે. ખ્રિસ્તી મિશનરીઓ ગરીબ હિંદુની સેવા કરતા હોય તો ભલે, પણ ધર્મોપદેશની વાત આવે ત્યારે તેમણે એ લોકોને સારા હિંદુ બનવા પ્રેરવા જોઇએ.
ડૉ.આંબેડકર જેવા વિદ્વાન લડવૈયાની સમસ્યા અલગ હતી. હિંદુ ધર્મે તેમને અને તેમના અનેક જ્ઞાતિબંઘુઓને પશુ કરતાં પણ ઉતરતા ગણ્યા હતા. હિંદુ તરીકે જન્મીને સિલસિલાબંધ, અમાનવીય અન્યાયોનો ભોગ બન્યા પછી તેમના માટે ધર્મ એ ધીક્કારનો પર્યાય બન્યો હતો. તેમના માટે નવો ધર્મ અપનાવવાની એટલી જરૂરિયાત કે તાલાવેલી ન હતી, જેટલી હિંદુ ધર્મ છોડવાની. હિંદુ ધર્મના કહેવાતા ઠેકેદારોને તે આંચકો આપવા માગતા હતા કે ‘તમારો ધર્મ અમને માણસમાં ગણતો નથી. કૂતરાંને મંદિરમાં પ્રવેશવા દે છે, પણ દલિતોને મંદિરમાં પગ મૂકવા દેતો નથી. ઢોરોને પાણી પીવા દે છે, પણ દલિતોને પાણી પીવા દેતો નથી. જો આ જ તમારો ધરમ હોય તો એને રાખો તમારી સાથે. અમે આ ચાલ્યા.’
ધર્મપરિવર્તન આંબેડકર માટે આઘ્યાત્મિક કરતાં પણ વધારે ભેદભાવવિરોધી ઝુંબેશનું નિવેદન હતું. ઊંડા અભ્યાસી હોવાને કારણે તેમણે બૌદ્ધ ધર્મ પર પસંદગી ઉતારી. પરંતુ તેમના સામુહિક ધર્માંતરના પાંચ દાયકા પછી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ધર્માંતર અસમાનતાનો અંત નથી આણી શકતું. ભારતમાં જ્ઞાતિગત સામાજિક અસમાનતા પેદા હિંદુ ધર્મમાંથી થઇ, પણ તેનો ચેપ બધા ધર્મોમાં ફેલાઇ ચૂક્યો છે. ધર્માંતરિત દલિતોને ડૉ.આંબેડકરે અપનાવેલા બૌદ્ધ ધર્મમાં પણ અલગ દરજ્જો હોઇ શકે, તો બીજા ધર્મોની ક્યાં વાત કરવી? તેમ છતાં, ‘શૉક થેરપી’ તરીકે દલિતો માટે ધર્માંતરનું હથિયાર હાથવગું છે. તેમાં નવા ધર્મની આસક્તિ કરતાં, જૂના અત્યાચારી ધર્મ પ્રત્યેની ખીજ વધારે હોય છે. ધર્માંતર માટે તૈયાર બાકીના લોકોનું મહત્ત્વ ધર્મનો વેપાર કરનારા માટે એક કૉમોડિટીથી વિશેષ કંઇ નથી. ધર્માંતરના એ આખા ઉપક્રમમાં સાચા ધર્મની ઉપસ્થિતિ કેવળ નામ પૂરતી જ રહી જાય છે.

Subscribe to:
Post Comments (Atom)
sundar lekh
ReplyDelete