Thursday, December 18, 2014

બોલીને ફરી જવું : એક ઊચ્ચ ભાવના

નૈતિકતાની વાત નીકળે એટલે રિવાજ મુજબ ગાંધીજીને યાદ કરવા પડે- નૈતિકતાનો અભાવ વાજબી ઠરાવવાનો હોય ત્યારે તો ખાસ. એ નીવડેલી પરંપરા પ્રમાણે, આ લેખનો આરંભ પણ ‘ગાંધીજીએ કહ્યું હતું...’થી કરવાનો છે.

તો, ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારી બે વાતો જુદી જણાય, તો પછીથી કહેલી વાત સાચી માનવી.’ બીજા એક મહાપુરૂષે કહેલું અને ડૉ.આંબેડકરે ટાંકેલું કે ‘સાતત્ય (દર વખતે એકની એક જ વાત કહ્યા કરવી) એ મૂર્ખ માણસનું લક્ષણ છે.’ તેમ છતાં, નેતાઓ બોલીને ફરી જાય, ત્યારે સામાન્ય માણસો કકળાટ મચાવે છે. કેમ જાણે, નૈતિકતામાં તે ગાંધી-આંબેડકરને પણ આંટી જવા માગતા હોય.

વર્તમાન સરકાર પર બોલીને ફરી જવાના ઘણા આરોપ થયા છે. હકીકતમાં આ વાક્ય ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’ પ્રકારનું છે. તે દરેક કાળમાં એટલે કે દરેક ‘વર્તમાન’ સરકાર માટે સાચું હોઇ શકે છે. સૌ જાણે છે કે સરકારનું કામ જ બોલીને ફરી જવાનું છે અને વિપક્ષોનું કામ એ બદલ સરકારની ટીકા કરવાનું છે. પરંતુ સહેજ વિચારતાં સમજાશે કે જો બોલીને ફરી જવું, એ ખરેખર નિંદનીય કે દુષ્ટતાભર્યું કાર્ય હોત તો સત્તા મળ્યા પછી વિપક્ષો પોતે પણ શા માટે બોલીને ફરી જવામાં પ્રવૃત્ત થઇ જતા હોત?

સહેજ અતિરેકના દોષ સાથે કહી શકાય કે બોલીને ફરી જવું એ સત્તાધારીઓનો લોકશાહીદીધો વિશેષાધિકાર છે. નેતાઓ ખોટા વાયદા આપીને ચૂંટણી જીતે છે કે પછી ચૂંટણી જીતવા માટે તેમને ખોટા વાયદા આપવા પડે છે? એ ‘પહેલાં મરઘી કે પહેલું ઇંડું?’ એ પ્રકારનો ઉત્ક્રાંતિપ્રશ્ન છે. એક શાયરે કહ્યંું છે કે જે જન્મે છે, એ સૌ મરણનું કારણ લઇને આવે છે. એવી જ રીતે, જે રાજકારણમાં અને ખાસ કરીને ચૂંટણીકારણમાં ઝંપલાવે છે, એ સૌ બોલીને ફરી જવાનું મજબૂત કારણ લઇને આવે છે. જોે તે બોલીને ફરી ન જાય, તો વિપક્ષો ટીકા શાની કરે? અને ટીકા કરતો, સંસદની કાર્યવાહી ખોરવતો, વાઇબ્રન્ટ વિપક્ષ ન હોય તો લોકશાહી નબળી ન પડે? આમ, સુજ્ઞ વાચકો જોઇ શકે છે કે ધબકતા વિપક્ષ અને જીવંત લોકશાહી માટે પણ સત્તાધારીઓએ બોલીને ફરી જવું અનિવાર્ય છે.

નિત્યનૂતન, નિત્યપરિવર્તનશીલ જગતમાં એક જ સિદ્ધાંત કે એક જ માન્યતા પર ટકી રહેવું એ નકરું પછાતપણું નહીં તો બીજું શું છે? બોલીને ફરી જવા જેવી નીતાંત લોકશાહી-પોષક પ્રવૃત્તિ કલંકિત-ટીકાસ્પદ શા માટે ગણાતી હશે, તેનો જવાબ ઇતિહાસના થોડાઘણા અભ્યાસમાંથી મળી રહે છે. અસલના રાજાશાહી ભારતમાં રજપૂત રાજાઓની બોલબાલા હતી. રજપૂતોની વચનપક્કાઇને ઇતિહાસમાં બહુ બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવી છે. ‘શૂરા બોલ્યા ના ફરે...’ પ્રકારનાં કવિતોથી માંડીને દીધેલા વજન કાજે જીવ કુરબાન કરી દેનારાના ઘણા કિસ્સા ઇતિહાસમાં મળી આવે છે. તેના કારણે, રાજાશાહીનાં ઘણાં તત્ત્વોની જેમ, બોલીને ન ફરવાના ગુણને પણ લોકો હજુ સુધી અહોભાવથી જુએ છે અને એવી અપેક્ષા રાખે છે કે વર્તમાન શાસકોએ રજપૂતી રિવાજ પ્રમાણે વર્તવું.

લોકો તો અબુધ છે, પણ લોકશાહી શાસકોના હૈયે દેશનું હિત વસેલું છે. એ સમજે છે કે ટેક અને શૌર્યના અતિશયોક્તિભર્યા ખ્યાલો રાજાશાહીમાં ચાલે. એના કેફમાં ને કેફમાં રજપૂતોનાં રાજપાાટ ડૂલી ગયાં ને હિઝ હાઇનેસો આમઆદમીઓ થઇ ગયા. દેશની એટલે કે પોતાની આવી અવદશા ન થાય એ માટે, અબુધ નાગરિકોની નારાજગી વહોરીને પણ લોકશાહીના સત્તાધીશો બોલેલું પાળતા નથી અને  સાતત્યપૂર્વક બોલીને ફરી જવાનો આગ્રહ સેવે છે. તેેમના આ લોકશાહીપ્રેમની અને પોતાની પ્રતિષ્ઠાનના ભોગે પણ લોકશાહીની રક્ષા કરવાની વૃત્તિની કદર કરવાની બાજુ પર રહી. ઊલટું, વાંકદેખું મીડિયા અને છિદ્રાન્વેષી વિશ્લેષકો નેતાઓની ટીકા કરે, તેમને તળિયા વગરના લોટા સાથે સરખાવે, ‘અભી બોલા, અભી ફોક’ જેવાં મહેણાં મારે, ત્યારે લોકશાહીપ્રેમીઓનો જીવ કપાઇ જાય છે.

બોલીને ફરી જવું એ ખાવાના ખેલ નથી. (પીવાના ખેલ હોઇ શકે છે. કારણ કે ગુજરાતમાં પ્રતિબંધિત એવાં પીણાં પીધા પછી, અગાઉ પોતે શું બોલ્યા હતા એ યાદ રાખવામાં મગજ સહકાર આપતું નથી.) સચિન તેંડુલકરને બેટિંગ કરતા જોઇને કે આશા ભોસલેને ગીત ગાતાં જોઇને ઘડીભર થાય કે ‘એંહ, એમાં શું? આ તો હું પણ કરી શકું.’ એવી જ રીતે, બોલીને ફરી જવાના નિષ્ણાત કલાકારો પોતાની કળાનો પ્રયાગ કરે, ત્યારે ઘણાના મનમાં ‘આ તો હું પણ કરી શકું’નો ભાવ પેદા થાય છે. હકીકતમાં સારું બેટિંગ કરવું કે રીઢા નેતાઓની જેમ બોલીને ફરી જવું, એ સૌ કોઇ માટે સહજસાઘ્ય નથી. એના માટે નિરંતર સાધના કરવી પડે છે. યાદશક્તિને એવી રીતે કેળવવી પડે છે કે જેથી તેને ભૂતકાળમાંથી કેવળ બીજાનાં નિવેદનો યાદ રહે અને પોતાની પાટી કોરી થતી જાય.

આ સાધના ફક્ત રાજનેતાઓ જ કરે છે એવું માની લેવાની જરૂર નથી. અખબારી કટારોથી માંડીને સામાજિક વ્યવહારોમાં બોલીને ફરી જવાની કળાના અનેક આરાધકો મળી આવે છે. તે નમ્ર હોવાથી પોતાની સિદ્ધિનાં ગાણાં ગાતા નથી. ઊલટું, તે એમ જ કહે છે કે એ તો બોલેલું પાળનારા એકવચની છે. પરંતુ, ‘ચંદ્ર છુપે નહીં બાદલ છાયો’ની જેમ, બોલીને ફરી જવાની તેમની પ્રતિભા એમ તેમની નમ્રતા તળે લાંબો સમય છાની રહી શકતી નથી.

ટૂંકા રસ્તે લોકપ્રિય થવાથી માંડીને જાહેર જીવનમાં આગળ વધવા જેવી અનેક બાબતોમાં બોલીને ફરી જવાનું કૌશલ્ય ઘણું ઉપયોગી નીવડે છે. આ સિદ્ધાંત અપનાવવાથી જીવનનાં પરસ્પર વિરોધાભાસી, પણ અનુકૂળ ‘સત્યો’ને અપનાવી શકાય છે. જેમ કે, એક જ સમયે ગાંધીના સિદ્ધાંતની વાત કરી શકાય છે, એન્કાઉન્ટરોની તરફેણ થઇ શકે છે, દુર્યોધનનાં લક્ષણધારીઓની ભક્તિ કરતાં કરતાં કૃષ્ણને ટાંકી શકાય છે,  ગીતાનું લાકડું મેનેજમેન્ટના માંકડા સાથે ભીડાવી શકાય છે,  આત્મશ્લાઘાનાં અફીણ ઘોળતાં ઘોળતાં પ્રેરણા અને પોઝિટિવ થિંકિંગનાં પિયુષ પાઇ શકાય છે, હળહળતું જૂઠાણું બોલતી વખતે ‘હું તો વીર સાચ્ચેસાચ્ચું કહી દેવાવાળો’નો દાવો કરી શકાય છે અને પોતાના દેખીતા વિરોધાભાસો પોતાની જેમ બીજા પણ નજરઅંદાજ કરશે- ના, એને વધાવી લેશે, એવી આશા રાખી શકાય છે. કંઇક કોડીલાઓની આવી આશા ફળતી જોઇએ અને બોલીને ફરી જવાની તેમની લીલાનો જયજયકાર જોઇએ ત્યારે બોલીને ફરી જવાની પ્રવૃત્તિના - તથા તેની સાથે સીધો સંબંધ ધરાવતી લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી થાય છે.

બોલીને ફરી જવાની ચેષ્ટા અંગ્રેજીમાં ‘યુ ટર્ન’ તરીકે ઓળખાય છે. પરંતુ સંસ્કૃતિના અભ્યાસીઓ જાણે છે કે ‘યુ ટર્ન’ એ હંમેશાં પાછળ તરફની ગતિ નથી હોતી. હાલની ઉપભોક્તાવાદી અને વસ્તુકેન્દ્રી સંસ્કૃતિથી ચિંતિત ઘણા લોકો માને છે કે માનવજાતે ઉજ્જવળ ભવિષ્ય ભણી ગતિ કરવી હશે તો હાલના રસ્તે સીધા ચાલવાને બદલે ‘યુ ટર્ન’ લેવો પડશે. જે રસ્તો- ‘યુ ટર્ન’- આખી માનવજાતના હિત માટે પ્રબોધાતો હોય, તેને કલંકિત કે ખરાબ શી રીતે ગણી શકાય? અને ‘યુ ટર્ન’ લેનારા નેતાઓ સામે શી રીતે આંગળી ચીંધી શકાય? સ 

No comments:

Post a Comment