Tuesday, December 31, 2013

સત્યમેવ જયતે : નવી સીઝન

ના, અહીં આમીરખાનના પ્રખ્યાત ટીવી શોની વાત કરવાનો ઇરાદો નથી. એ શો પર ઉપરછલ્લી નિસબત બતાવવાના આરોપ થયા હતા, પરંતુ આમીરખાનનું ગજું કેટલું? તેમને સરસ અભિનય આવડે. કાતિલ દંભ ન આવડે. એ શીખવા જેવો પણ નથી. છતાં કોઇએ પ્રયાસ કરી જોવો હોય તો, તેમને ગુજરાતના મુખ્ય મંત્રીના બહુચર્ચિત લખાણ પર નજર ફેરવી જવા વિનંતી છે. તેમના બ્લોગ પર મુકાયેલા આ લખાણનું મથાળું છે : ‘સત્યમેવ જયતે : ટ્રુથ અલોન ટ્રિમ્ફસ’ (સત્યમેવ જયતે : ફક્ત સત્યનો જ વિજય થાય છે). તેનો વિષય કરુણતા સાથે સંકળાયેલો ન હોત, તો એને કદાચ આ વર્ષનો સર્વોત્તમ હાસ્યલેખ ગણવો પડત.

ભારતના જાહેર જીવનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જૂઠ્ઠો માણસ અંડાગડા કરીને કે પુરાવાના અભાવે નિર્દોષ સાબીત થાય, ત્યારે તે સૌથી પહેલું કામ ‘સત્યમેવ જયતે’ ટાંકવાનું કરે છે. કારણ કે પોતાનામાં રહેલી ‘ટ્રુથ ડેફિસિટ’નો- પોતાના ખોટ્ટાડાપણાનો- સૌથી વધારે અહેસાસ તેને હોય છે. કેલ્શિયમની ખામી ધરાવતો માણસ માટી જોઇને તેને ખાવા ઉશ્કેરાય, તેમ સાચની ખોટ ધરાવનારો માણસ પોતાની જીત થયા પછી સૌથી પહેલાં સાચનો જયજયકાર કરવા - અને એમ કરીને પોતે સાચો છે, એવું સિદ્ધ કરવા પ્રેરાય. આ યાદીમાં ગુજરાતના મુખ્ય મંત્રીનો સમાવેશ કરવો કે નહીં, એ વિશે મતભેદ છે. પરંતુ તેમણે પોતાના લેખમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે ભાષાની ચોપાટ માંડી છે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સત્યની હંમેશાં જીત થાય છે, તેનો અર્થ એવો નથી કે જેની જીત થાય છે, એ હંમેશાં સત્ય જ હોય છે.

વડાપ્રધાન બનવા માટે છેલ્લા ઘણા સમયથી આકાશપાતાળ, ટીવી-ઇન્ટરનેટ-છાપાં એક કરી રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીને પાછલાં વર્ષોમાં સદ્‌ભાવના પર્વ અને ‘રન ફોર યુનિટી’ જેવાં ભવ્ય ઇમેજ બિલ્ડિંગ કાર્યક્રમો યોજ્યા પછી પણ કઇ ડેફિસિટ સતાવતી હશે કે તેમણે ૨૦૦૨ની કોમી હિંસા વિશે સંવેદનાભાસી લેખ લખવો પડ્યો?

કારણ દેખીતું છે ઃ અહેસાન જાફરી કેસમાં યોગ્ય પુરાવાના અભાવે મુખ્ય મંત્રીને નિર્દોષ ઠરાવતો અહેવાલ અમદાવાદની કોર્ટે માન્ય રાખ્યો. તેનાથી મુખ્ય મંત્રીને આનંદ અને રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ એટલાથી તેમને સંતોષ ન થયો. એટલે તેમણે એવું ચિત્ર ઊભું કર્યું, જાણે તેમને ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, પણ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાંથી પુરાવાના અભાવે નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી ગયું હોય.

સાદી સમજની વાત છે : ૨૦૦૨માં ગોધરામાં સળગાવાયેલી ટ્રેનમાં સંખ્યાબંધ હિંદુઓ કમકમાટી ઉપજે એ રીતે મૃત્યુ પામે, તેની નૈતિક જવાબદારી મોદી સરકારની હતી. ત્યાર પછી થયેલી મુખ્યત્વે મુસ્લિમવિરોધી હિંસા મહિનાઓ સુધી ચાલી, તેની જવાબદારી પણ મોદી સરકારની હતી. એવી સરકાર જેના મુખ્ય મંત્રી તરીકે મોદી હતા.

અહેસાન જાફરીનો કેસ ૨૦૦૨ના કમનસીબ અને શરમજનક ઘટનાક્રમનો મહત્ત્વનો પણ નાનો હિસ્સો હતો. તેમાં મુખ્ય મંત્રીની વ્યક્તિગત સંડોવણીનો આરોપ મુકાયો. એ આરોપમાં મુખ્ય મંત્રીને વ્યક્તિગત રીતે નિર્દોષ ઠેરવતો તપાસ સમિતિનો અહેવાલ નીચલી અદાલતે માન્ય રાખ્યો. તેનાથી વ્યક્તિ નરેન્દ્ર મોદીને આ કેસ પૂરતી ક્લિનચીટ મળી, પરંતુ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાં, રાજ્યના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારીમાંથી તે શી રીતે સાફ છટકી શકશે? અને બીજા લોકો ઉપરાંત જાતને ક્યાં સુધી છેતરતા રહેશે?

શબ્દો, અર્થ, અનર્થ

બ્લોગ પરના લખાણની શરૂઆત મુખ્ય મંત્રીએ ૨૦૦૧ના ધરતીકંપના પગલે થયેલા વિનાશથી કરી છે. પછી ‘માઇન્ડલેસ વાયોલન્સ ઑફ ૨૦૦૨’ની વાત આવે છે. તેમાં ‘નિર્દોષો મર્યા, પરિવારો બેસહારા બન્યાં અને વર્ષોની મહેનતથી ઉભી થયેલી સંપત્તિ નષ્ટ થઇ’ એવો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીએ આ ઘટનાક્રમ માટે ‘અ ક્રિપલિંગ બ્લો ટુ એન ઓલરેડી શેટર્ડ એન્ડ હર્ટિંગ ગુજરાત’ એવો પ્રયોગ વાપર્યો છે. એટલે કે, તે ભૂકંપને કારણે વેરવિખેર અને આહત થયેલા ગુજરાતને પંગુ બનાવનારો ફટકો હતો. ત્યાર પછી તેમણે એક તરફ ભૂકંપનો ભોગ બનેલા અને બીજી તરફ રમખાણોનો ભોગ બનેલા- એવી રીતે વાત આગળ વધારીને, જુદાં કારણ ધરાવતી બન્ને કારુણીઓને સમાંતરે મૂકી દીધી છે. તેમનું નિર્દોષ વર્ણન વાંચીને અજાણ્યાને એવું જ લાગે, જાણે કોઇ આસુરી સૈન્ય કે વિદેશી ત્રાસવાદીઓ આવીને ૨૦૦૨ની હિંસા કરી ગયા હશે.

ભૂકંપના પડતા પર કોમી હિંસાના પાટુથી મુખ્ય મંત્રીની કેવી મનોસ્થિતિ થઇ હતી? વાંચો એમના જ શબ્દોમાં : ‘આવું અમાનુષીપણું જોયા પછી જે જાતનો ખાલીપો ઘેરી વળે છે તેને વ્યક્ત કરવા માટે ગ્રીફ (શોક), સેડનેસ (ઉદાસી), મિઝરી (વ્યથા), પેઇન (પીડા), એન્ગ્વિશ (સંતાપ), એગની (વેદના)- આ બધા શબ્દો ટાંચા પડે.’

એટલું કબૂલવું પડે કે આખી વાત કાવ્યાત્મક રીતે કહેવાઇ છે, પણ ૨૦૦૨ના અરસામાં અને ત્યાર પછી વર્ષો સુધી મુખ્ય મંત્રીનાં બેફામ નિવેદન અને આક્રમક મુદ્રા જોનાર-સાંભળનાર કોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે મુખ્ય મંત્રીના મનમાં આટલી બધી દુઃખદ લાગણીઓ ભરેલી હશે. એ હિસાબે તેમનો જાત પરનો કાબૂ કહો કે પછી અભિનય કહો, એ જબરદસ્ત કહેવાય. તેમણે આપેલું કારણ એવું છે કે શાસકે પોતાનો સંતાપ જાહેર ન કરવો- એવું શાસ્ત્રવચન યાદ કરીને તે એકલા એકલા ચૂપચાપ દુઃખી થતા રહ્યા.

કદાચ એ દુઃખમાંથી હળવા થવા માટે જ તેમણે એ વર્ષે ગૌરવયાત્રા કાઢી હશે? મુખ્ય મંત્રી ભલે એ ભૂલાવી દેવા માગતા હોય, પણ ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ખંડમાં મહેન્દ્ર મેઘાણીએ સ્વામિનાથન અંકલેસરીઆ ઐયરનો આખો લેખ ‘જનરલ ડાયરની ગૌરવયાત્રા’ એ મથાળા સાથે સામેલ કર્યો છે. (પાના નં.૯૬-૯૭) એ અરસામાં મહેન્દ્રભાઇએ આ લેખના અનુવાદનો સન્નિષ્ઠ રીતે પ્રચારપ્રસાર કર્યો હતો. મુખ્ય મંત્રીએ અત્યારે પશ્ચાદવર્તી અસરથી જે પીડાનો દાવો કર્યો છે, એવી અવસ્થામાં માણસને પહેલાં ઉપચારના બે સારા શબ્દો બોલવાનું અને ઘા પર મલમપટ્ટો કરવાનું સૂઝે કે ગૌરવયાત્રા કાઢવાના વિચાર આવે?

લેખના કેન્દ્રસ્થાને રહેલો અત્યંત મહત્ત્વનો- ઘણી જગ્યા રોકતો મુદ્દો કોમી હિંસામાં ભોગ બનેલા લોકોનાં દુઃખનો નથી. એ મુદ્દો છે : મુખ્ય મંત્રીએ પોતે વેઠેલી પીડા અંગેનો. તેમના દુઃખનો પાર નથી. આખો પત્ર હકીકતમાં કોમી હિંસાનો ભોગ બનેલા લોકોની નહીં, પણ એ લોકોના નિમિત્તે મુખ્ય મંત્રીને જે સ્થિતિમાં મુકાવું પડ્યું- અને હજુ એ સ્થિતિ ટળી નથી- એની પારાવાર વેદનાનો દસ્તાવેજ છે.  ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવામાં કોમી હિંસાનું લાંછન નડી જાય તો આ પીડા વળી અનેક ગણી વધી જાય. એટલે મુખ્ય મંત્રી ઇચ્છે છે કે નીચલી અદાલતના ચુકાદા સાથે ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, આખા ૨૦૦૨ના ઘટનાક્રમમાંથી પોતાની જવાબદારીનો અને એની સાથે સંકળાયેલી વેદનાનો અંત આવી જાય. કદાચ એવી અપેક્ષાએ તેમણે નીચલી અદાલતના ચુકાદા પછી પોતે ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ હોવાની - મુક્તિ અને શાંતિ મળ્યાની - અનુભૂતિ જાહેર કરી છે.

મુખ્ય મંત્રી કહે છે કે તેમણે કોમી હિંસા પછી વારંવાર શાંતિ માટે, ન્યાય માટે અને ગુનેગારોને સજા થાય એ માટે સરકારની નૈતિક અને રાજકીય જવાબદારીની જાહેર ખાતરી આપી હતી.  ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના આવશ્યક હૈ. હમ ન ક્રિયા ચાહતે હૈ, ન પ્રતિક્રિયા’ - એવું તેમનું પ્રખ્યાત વિધાન આવી અપીલનો જ હિસ્સો હશે?

- કે પછી ચૂંટણીસભાઓમાં પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’નો શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધા પછી આખી સભા દરમિયાન ગરજી ગરજીને ‘મિંયા સમજી લે..’ જેવી ડાયલોગબાજી કરવી, એ શાંતિની-ન્યાયની અપીલ હશે? ‘હમ પાંચ, હમારે પચીસ’નો તેમનો અમર પ્રયોગ કે પછી ‘પાણી શ્રાવણમાં નહીં આપીએ તો ક્યારે રમજાનમાં આપીશું?’ એવા જાહેર સભામાં કાઢેલા ઉદ્‌ગાર...કેટકેટલું યાદ કરવું? પરંતુ આટલા નજીકના ઇતિહાસને સાવ અવળા પાટે ચડાવવાની કોશિશ થાય ત્યારે એટલું જણાવવું પડે કે ગુજરાતના તમામ છ કરોડ નાગરિકો સામુહિક વિસ્મૃતિનો ભોગ બન્યા નથી.

કોમી હિંસા પછી થયેલી પોતાની ટીકાને તેમણે ગુજરાતની ટીકા તરીકે ખપાવી દીધી. નવાઇની વાત છે કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની યોગ્ય રીતે ખિલ્લી ઉડાવનારા ‘મોદી ઇઝ ગુજરાત’ની ઘૂન પર કાંસીજોડા વગાડની ડોલવા લાગ્યા. એ ઘૂનની અપીલ ઓછી થઇ નથી, એવી અપેક્ષાએ મુખ્ય મંત્રીએ તેમનો આ જૂનો દાવ ફરી અજમાવ્યો છે.

લખાણના અંતે તેમણે લખ્યું છે : ‘કોઇ પણ સમાજ, રાજ્ય કે દેશનું ભવિષ્ય કેવળ સુમેળ (હાર્મની)માં છે, એ બાબતની મને ઊંડી પ્રતીતિ થઇ છે.’ આ વાક્ય સ્વતંત્રપણે આદર્શ ભાવના વ્યક્ત કરે છે. જો તેમણે અગાઉના આખા લખાણમાં પોતાની સરકારની ભૂમિકાનું ગેરરસ્તે દોરનારું આલેખન ન કર્યું હોત, તો સુમેળનો મહિમા કરતું તેમનું વાક્ય સચ્ચાઇનો રણકો ધરાવતું લાગ્યું હોત. પરંતુ તેમનો આશય જુદો અને સ્પષ્ટ છે. તેમણે લખ્યું છે, ‘હવે હું એવી પણ આશા રાખું છું કે સાચા નરેન્દ્ર મોદીને ઓળખવા અને તેમની સાથે જોડાવા માગતા બીજા ઘણા લોકોને (આ લેખ પછી- ક્લીનચીટ પછી) વઘુ બળ મળશે.’

લોકસભાની ચૂંટણી પહેલાં કે પછી મોદીના નામથી ખચકાટ અનુભવતા સાથી પક્ષો અને મુસ્લિમ મતદારો, સાંભળો છો? મુખ્ય મંત્રીના મહાન અફસોસગાન પછી હવે તમારો ‘સહકાર’ મળે તો જ તેમને ખરા અર્થમાં ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ની અનુભૂતિ થશે.   

7 comments:

  1. amari vacha mate..abhinandan...emne bas acting aawde chhe..

    ReplyDelete
  2. આ લેખ પછી કેટલાક પ્રશ્નો ઉભા થાય છે.

    ૧. એક વખત માની લઇયે કે મુખ્યમંત્રીએ ઢીલાશ વર્તી. એનો મતલબ એ થયો કે, એમને પોતાની ભૂલનું ભાન થાય તે પછી પણ તે પશ્ચાતાપ ન રજૂ કરી શકે? એનો વિસ્તાર કરતાં એમ કહી શકાય કે, તમે જીવનમાં એક ગંભીર ગુનો કરી દો, પછી સમાજમાં તમારું સ્થાન ન રહી શકે. તમે બહિષ્કૃત ગણાવો.

    ૨. કોર્ટના ચુકાદાની કોઇ કિંમત નથી? આપે કહ્યું કે ફક્ત એક જ કેસમાંથી તેમને રાહત મળી છે. પણ, મુખ્યમંત્રી પર સિશો આક્ષેપ મુકાયો હોય તેવો આ એકમાત્ર કેસ જ છે ને. Innocent until proven guilty એ સંવિધાનની ભાવનાને આ કેસમાં કેવી રીતે જુઓ છો? તમે જનતા(ના અમુક વર્ગ) નજરમાં ગુનેગાર ઠરી જાવ, એ તમને ગુનેગાર બનાવા પુરતું છે?

    ૩.દંભ કોને કહેવાય? શીખોની હત્યા કરીને તે 'ગુના' બદલ એક શીખ પ્રધાનમંત્રી પાસે માફી માંગવી એને દંભ કહેવાય?

    ૪. માની લઇયે કે, રમખાણોના પીડીતોના દુઃખની સરખામણીમાં મુખ્યમંત્રીની પીડા ઓછી હશે. પરંતુ ફક્ત આ કારણથી, તેમને પોતાની પીડા રજૂ કરતાં રોકવામાં આવે તે યોગ્ય છે?

    ૫. તેમણે પોતાના સ્વાર્થ માટે આ બધુ લખ્યું હોય, પણ સ્વાર્થી કોણ નથી? તિસ્તા સેતલવાડ પોતાના સ્વાર્થ માટે પીડીતોને ન્યાય અપાવાનું નાટક કરે છે, નેતાઓ પોતાના સ્વાર્થ માટે રમખાણોના ઘા તાજા કરે છે, મીડીયા પોતાના સ્વાર્થ માટે પીષ્ટપેષણ કરે છે. તો કોઇ પોતાના સ્વાર્થ માટે કોઇ વાત કરે એમાં ગંભીર ગુનો છે?

    ૬. આપે ૬ કરોડ ગુજરાતીઓ વિસ્મૃતિનો ભોગ નથી બન્યા એમ કહ્યું. ત્રણ ચૂંટણીમાં ૨/૩ બહુમતી આપીને જે વ્યક્તિને પ્રજાએ ચૂંટ્યો હોય, શું તે વ્ય્કતિ પ્રજાના એક મોટા વર્ગમાં સ્વીકૃતિ નથી ધરાવતો? રહી વાત મત આપવાની, તો મત કોને આપવો, ન આપવો એ પ્રજાની ઉપર છે. પણ મુખ્યમંત્રી દ્વારા સંવાદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમાં ખોટું શું છે?

    આ પ્રશ્નોના જવાબો નહીં જ આપો, એ વિશ્વાસ છે.

    ReplyDelete
    Replies
    1. - અને આ કમેન્ટ પછી કોઇ પ્રશ્ન ઊભો થતો નથી. ફક્ત એટલું જ સાબીત થાય છે કે જે જોવા-સમજવા ન માગતા હોય તેમની સાથે ચર્ચા કરવી એ વ્યર્થ છે.
      તમને નથી લાગતું કે ’આ પ્રશ્નોના જવાબ નહીં આપો એવો વિશ્વાસ છે’ એ તરકીબ હવે બહુ જૂની થઇ?
      ભલા માણસ, તમને એક છેતરપીંડી ભરેલો કાગળ ’ભૂલનું ભાન અને પશ્ચાતાપ’ લાગે એવી તો તમારી ભક્તિ છે. તમે એક મુખ્ય મંત્રીની નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર ન હો, દંભની વાત આવે ત્યારે તમે કોંગ્રેસનો દંભ દેખાડીને તમારા પ્રિય મુખ્ય મંત્રીના દંભનો બચાવ કરતા હો, અને સ્વાર્થી કોણ નથી એવી સગવડિયા ફિલસૂફી રજૂ કરીને એવો ભ્રમ રાખો કે તમારા પ્રશ્નો એવા અદભૂત છે કે તેના જવાબ સામેવાળા પાસે નહીં હોય...
      હકીકતમાં તમારી ધરાર ન જોવા-સમજવાની શક્તિનો જવાબ સામેવાળા પાસે નથી.
      એટલે આપણી વચ્ચે આ મુદ્દે (યાદ રહે, આ મુદ્દે) વાતચીતની કશી ભૂમિકા રહેતી નથી એની નોંધ લેવા વિનંતી.

      Delete
    2. Very Well Points and Quesions Kruteshbhai..

      Delete
    3. Your rebuttal is correct Urvish but on deaf ears unfortunately. We have seen this time and time again, haven't we? It's remarkable though that despite these rebuttals they keep coming back to this blog, keep reading and re-reading your stuff and keep raising the same hackneyed comments. One has to give them 100 out of 100 on one trait; consistency. :-)

      Delete
  3. Ye haqiqat he.
    Samajdar ko ishara qafi he

    ReplyDelete
  4. Anonymous6:35:00 PM

    Urvishbhai, TE BLOG POST MA , SHARUAAT MA J TEMANE LAKHYU CHHE K -The end brings back memories of the beginning. - PAN AA END CHHE TEM TEMANE KEM JAHER KRI DIDHU? COURT NA ORDER MA UPAR APPEAL KARVANI VAT TO CHHE J.

    ReplyDelete