Tuesday, December 17, 2013

પરિણામોનો ઉભરો ઓસર્યા પછી

વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.

ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.

પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.

કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્‌વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના  મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.

દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને  રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.

આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...

કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?

કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)

યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.

આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.

અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.

‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ  સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્‌ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..

આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે. 

3 comments:

  1. Anonymous10:04:00 AM

    મોટા ભાગ નાં લોકો નાં માટે "આમ આદમી પાર્ટી" એટલે અરવિંદ કેજરીવાલ...પરંતુ હકીકત માં પડદા પાછળ રાજનીતિક વૈજ્ઞાનિક,ચુંટણી પંડિત, રણનીતિ નાં નિષ્ણાત એવા પ્રો. યોગેન્દ્ર યાદવ નું અમૂલ્ય યોગદાન છે . અનેક બૌધિકો એમની પ્રેરણા થી આમ આદમી પાર્ટી માં જોડાયા છે. એમને સંભાળવા એ એક લાહવો છે . ટીવી પર એમને બોલતા જોયા હશે, પરંતુ ડિબેટ નાં ઘોંઘાટ માં એમનો અવાજ દબાઈ જતો હોય છે . તાજેતર માં આઈબીએન ટીવી પર યોગેન્દ્ર યાદવે એક કલાક સુધી વૈકલ્પિક રાજનીતિ પર પોતાના વિચારો દિલ ખોલી ને કોઈ પણ પ્રકાર નાં વિક્ષેપ વગર તટસ્થતા પૂર્વક રજુ કર્યા છે , જે સામ્ભાળવું આપના માટે એક યાદગાર અનુભવ રહેશે। આ રહી યુટ્યુબ ની લીન્ક :

    Yogendra Yadav's special interview by Nikhil Wagle on IBN Lokmat :

    http://www.youtube.com/watch?v=5WQWr667Qzs

    ReplyDelete
  2. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું.

    Urvishbhai, when did BJP get majority in Delhi? Or is it a typo?

    ReplyDelete
    Replies
    1. thanks Nehal. this is a slip and am sorry for that.
      what i meant was BJP has a majority, albeit not clear one.
      ' સ્પષ્ટ` has a technical meaning in stead of common adjective in this sentence. that caused the slip.

      Delete