Sunday, March 31, 2013

ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ : કાનજીભાઇ રાઠોડ

જન્મે ગુજરાતી દલિત કાનજીભાઇ રાઠોડ ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ તરીકે ફિલ્મના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે, પણ તેમનો પોતાનો ઇતિહાસ ભૂંસાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના પોંસરામાં કાનજીભાઇના ગામ-ઘર-પરિવારની મુલાકાત થકી માંડ મળેલાં થોડાં માહિતીછાંટણાં

એપ્રિલ ૨૧,૧૯૧૩ના રોજ પહેલી ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ મુંબઇમાં ચુનંદા દર્શકો માટે રજૂ થઇ. એ હિસાબે બેસતા મહિને ભારતીય ફિલ્મઉદ્યોગનાં સો વર્ષ પૂરાં થશે. આ સો વર્ષની સફરમાં ફિલ્મી દુનિયાના સેંકડો સિતારા ઝળહળીને એવી રીતે આથમી ગયા, જાણે કદી હતા જ નહીં. ફિલ્મી યુગના પરોઢિયે અજવાસ પાથરનારા સિતારાઓના કિસ્સામાં એવું સવિશેષ બન્યું. 

બાકી, કાનજીભાઇ રાઠોડ વિશે માહિતી મેળવવાનાં આટલાં ફાંફાં પડી જાય? ફિલ્મી ઇતિહાસકારો કાનજીભાઇને ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા ‘કમર્શિયલ (વ્યાવસાયિક) ડાયરેક્ટર’ તરીકે ઓળખાવે છે. 

વીરચંદ ધરમસી અને હરીશ રઘવંશી જેવા કેટલાક પ્રતિબદ્ધ સંશોધકોના પ્રતાપે કાનજીભાઇ રાઠોડે ડાયરેક્ટ કરેલી ફિલ્મોની સૂચિ અને તેમની પ્રતાપી ફિલ્મ કારકિર્દીનો ખ્યાલ મળે છે. પરંતુ ભારતીય ફિલ્મોના પહેલા પ્રતાપી ડાયરેક્ટર એક ગુજરાતી દલિત હતા, એ જાણ્યા પછી આટલી માહિતી બહુ અપૂરતી લાગે. જરા વિચારોઃ અમેરિકામાં ૧૯૨૦-૩૦ના દાયકામાં કોઇ કાળો માણસ નામી ફિલ્મ ડાયરેક્ટર હોત તો? અત્યાર સુધીમાં તેના વિશે અનેક લેખો લખાઇ ચૂક્યા હોત. ભલું હોય તો એની જીવનકહાની ને સંઘર્ષો પરથી સ્પીલબર્ગ જેવા કોઇ ડાયરેક્ટરે ફિલ્મ બનાવી હોત. 

પરંતુ આપણે ભારતની વાત કરતા હતા. જૂના સિતારા ભૂલાઇ જાય ને નવા ઝગમગે એ ફિલ્મી દુનિયાનો સાર્વત્રિક નિયમ છે. પણ પોતાના જમાનામાં મસમોટું પ્રદાન કરી ગયેલા સિતારાની કશી વિગત- અરે ફોટો સુદ્ધાં જોવા ન મળે અને એનો કોઇને અફસોસ તો ઠીક, અહેસાસ સરખો ન હોય. આ ભારતીય પરંપરા છે. કાનજીભાઇ રાઠોડ વિશેનો એકમાત્ર પૂરા કદનો લેખ હરીશ રઘુવંશીએ થોડાં વર્ષ પહેલાં લખ્યો, તેમાંથી એમની ફિલ્મોની વિગત જાણવા મળી, પરંતુ ફોટો? 

અનાયાસે, થોડા વખત પછી, ‘કૃષ્ણ ફિલ્મ કંપની’ના માલિક, અમદાવાદના માણેકલાલ પટેલનાં વૃદ્ધ પુત્રી પાસેથી એક કેટલોગ મળ્યો. તેમાં કાનજીભાઇનો ચહેરો પહેલી વાર જોવા મળ્યો. ફોટો બહુ સ્પષ્ટ ન હતો, પણ તેમાંથી ચશ્માધારી, જાડી મૂછોવાળા કાનજીભાઇન મોંકળાનો અંદાજ આવતો હતો. ફોટોલાઇન તરીકે નામ ઉપરાંત કાનજીભાઇની ઓળખાણ આ શબ્દોમાં લખવામાં આવી હતીઃ ‘અવર મોસ્ટ એબલ ડાયરેક્ટર’. 
કાનજીભાઇ રાઠોડ / Kanjibhai Rahtod

માણેકલાલ પટેલના વારસદારોનાં સંભારણાંમાંથી જાણવા મળ્યું કે કાનજીભાઇનો ‘કૃષ્ણ ફિલ્મ કંપની’માં દબદબો હતો. તેમની સાથે આભડછેટ રાખવામાં આવતી ન હતી. પુત્રના લગ્નની જાનમાં માણેકલાલ પટેલ કાનજીભાઇને સાથે લઇ ગયા હતા અને બધાની સાથે તેમને પણ ચાંલ્લો કરવામાં આવ્યો હતો, એવો અલપઝલપ ઉલ્લેખ પણ મળ્યો.

પરંતુ એ સિવાયની માહિતીમાં ગાબડેગાબડાં હતાં એનું શું?‘ઇન્ટરનેટ પર બઘું જ મળે છે’ એવો ભ્રમ દૂર કરવા માટે કાનજીભાઇનું ઉદાહરણ સચોટ છે. તેમના વિશે ઇન્ટરનેટ પર હરીફરીને એક જ ઉલ્લેખ મળે છેઃ વીરચંદ ધરમશીના એક લેખમાં કાનજીભાઇનું ડાયરેક્શન ધરાવતી કેટલીક ફિલ્મોનાં નામ અને એ સિવાય બધે કાનજીભાઇએ ડાયરેક્ટ કરેલી મૂંગી ફિલ્મ ‘ભક્ત વિદૂર’ (૧૯૨૧)ના વિવાદનો ઉલ્લેખ. 

‘ભક્ત વિદૂર’ સેન્સરશીપના વિવાદમાં સપડાયેલી સંભવતઃ પહેલી ભારતીય ફિલ્મ હતી. ‘કોહિનૂર ફિલ્મ્સ’ના ગુજરાતી માલિક દ્વારકાદાસ સંપતે આ ફિલ્મમાં ખાદીની ટોપી પહેરતા ભક્ત વિદૂરની ભૂમિકા અદા કરી હતી. એ જોઇને અંગ્રેજ સરકાર ભડકી ગઇ હતી. પરંતુ ૧૯૨૦ના અરસામાં એક દલિત ફિલ્મ ડાયરેક્ટર તરીકે ખ્યાતનામ બને ત્યારે સામાજિક પ્રતિક્રિયાઓ કેવી હશે એ જાણવા મળતું નથી. ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળામાં પચાસથી વઘુ મૂંગી ફિલ્મો અને ત્યાર પછી ડઝનેક બોલતી ફિલ્મો ડાયરેક્ટ કરનારા કાનજીભાઇને પચરંગી મુંબઇની બહુરંગી ફિલ્મી દુનિયામાં દલિત હોવું નડ્યું હશે? કેટલી હદે? કેવી રીતે એ જ્ઞાતિભેદનો દરિયો ઓળંગી શક્યા હશે? તેમની કારકિર્દીનો ઉત્તરાર્ધ કેવો હશે? તેમનું અવસાન ક્યારે થયું હશે?  ભારતના પહેલા કમર્શિયલ ડાયરેક્ટરના કુટુંબી-વારસદારો અત્યારે હશે? ક્યાં હશે? 

આવા અનેક સવાલોના જવાબમાં અત્યાર સુધી નકરું અંધારું હતું, પણ ગયા વર્ષે આ જ કોલમમાં કાનજીભાઇના અછડતા ઉલ્લેખ પછી પ્રકાશનું એકાદ ચાંદરણું કળાયું. નવસારી જિલ્લાના પોંસરા ગામના નવનીતભાઇએ ફોન કરીને કહ્યું કે કાનજીભાઇ રાઠોડ પોંસરાના વતની હતા અને ગામમાં હજુ એમનું ઘર છે. ત્યાં એમના ભાઇનો પરિવાર પણ રહે છે. નવસારી રહેતા પણ મૂળ પોંસરાના નવનીતભાઇને કાનજીભાઇ વિશે જાણીને આશ્ચર્ય અને અહોભાવ જાગ્યાં હતાં. 

નવનીતભાઇ સાથે નવસારીથી પોંસરા પહોંચ્યા પછી દલિત મહોલ્લાનો રસ્તો લીધો, જે વર્ષ ૨૦૧૩માં પણ ગામની મુખ્ય વસ્તીથી અલગ હોય છે. પોતાના મર્યાદિત સામાજિક વર્તુળને દુનિયાની વાસ્તવિકતા ગણી લેનારા ઘણા એવું માને છે કે ‘હવે દલિતો પ્રત્યે ભેદભાવ જેવું ક્યાં રહ્યું છે?’ આ ગેરમાન્યતા દૂર કરવા માટે ‘સ્ટિંગ ઓપરેશન’ કરવાની નહીં, આંખ-કાન ખુલ્લાં અને દિમાગના દરવાજા ઉઘાડા રાખવાની જરૂર છે, એનો વઘુ એક વાર અહેસાસ થયો. 
Kanjibhai Rathod's house at Ponsara (Gujarat) where he breathed his last. it
has been razed by descedents few months after this photo was taken on
10 June, 2012. PHOTO © Urvish Kothari
કાનજીભાઇ રાઠોડનું ઘર. ૧૦ જૂન, ૨૦૧૨ના રોજ આ તસવીર લેવાયાના થોડા
મહિના પછી તેમના કુટુંબીજનોએ ખખડી ગયેલું ઘર પાડી નાખ્યું છે. એટલે
કાનજીભાઇના ઘરની આ કદાચ એકમાત્ર કહેવાય એવી તસવીરો છે.
(ફોટોઃ ઉર્વીશ કોઠારી)
પોંસરાના દલિત મહોલ્લામાં એક પુલ અને તેના સામે છેડે બીજાં ઘરથી અલાયદું, બેઠા ઘાટનું એક મકાન દેખાતું હતું. પોંસરામાં ઉછરેલા નવનીતભાઇએ કહ્યું, ‘આ કાનજીકાકાનું ઘર.’ સાથે આવેલા નવનીતભાઇએ સાંભળેલી વાત પ્રમાણે, પહેલાં ત્યાં હવેલી હતી. મુંબઇમાં રહેતા કાનજીભાઇ વારેતહેવારે પોંસરા આવતા અને હવેલીમાં રહેતા. મુંબઇથી એ ઘણી વાર કાર લઇને પણ આવતા. ઊંચા-કદાવર ચશ્માધારી કાનજીભાઇની ત્યારે ‘પર્સનાલિટી પડતી’. 

ગામની મુખ્ય વસ્તીથી અલગ દલિત મહોલ્લા, પણ કાનજીભાઇની હવેલી દલિત મહોલ્લામાં અલગ પડી જતી હતી. તેની આગળપાછળ ખુલ્લી જગ્યા હતી. હવેલીની જગ્યા સુધી પહોંચવા માટે લાકડાનો કાળો પુલ હતો. એક વાયકા પ્રમાણે કાનજીભાઇના ઘર સુધી પહોંચવાનો રસ્તો ન હતો, એટલે આઝાદી પહેલાં ગાયકવાડી રાજમાં ખાસ કાનજીભાઇ માટે એ પુલ બનાવવામાં આવ્યો હતો. એ સાચું હોય કે ખોટું, પણ હજુ અત્યારે કાનજીભાઇના ઘરની જગ્યા મહોલ્લાથી અલાયદી છે અને તૂટેલોફૂટેલો છતાં એ પુલ હજુ મોજૂદ છે.    કાનજીભાઇના ઘરની હાલત પણ પુલથી ખાસ સારી કહેવાય એવી નથી. હવેલી તો કાનજીભાઇની હયાતીમાં જ ભૂતકાળ બની ગઇ હતી. પહેલાં તેનો ઉપરનો માળ તોડાવ્યો અને કાટમાળ વેચી નાખ્યો. ત્યાર પછી નીચેનો ભાગ પણ ગયો. હવે એ જગ્યાએ બે-ત્રણ ઓરડાવાળું  ખોરડું ઊભું છે. લાંબી ઓસરી, વચ્ચે ટેકારૂપે લાકડાના બે થાંભલા, માથે નળિયાં, સળંગ બે-ત્રણ ઓરડા, આજુબાજુ ઘણી ખુલ્લી જગ્યા...તેમાં એક બાજુએ થોડું ઘાસ ઉગેલું.
Kanjibhai Rathod's house at Ponsara (Gujarat) where he breathed his last. it
has been razed by descedents few months after this photo was taken on
10 June, 2012. PHOTO © Urvish Kothari
કાનજીભાઇ રાઠોડનું ઘર. ૧૦ જૂન, ૨૦૧૨ના રોજ આ તસવીર લેવાયાના થોડા
મહિના પછી તેમના કુટુંબીજનોએ ખખડી ગયેલું ઘર પાડી નાખ્યું છે. એટલે
કાનજીભાઇના ઘરની આ કદાચ એકમાત્ર કહેવાય એવી તસવીરો છે.
(ફોટોઃ ઉર્વીશ કોઠારી)
 ઘરની પાછળ મોટી ખુલ્લી જગ્યા હતી, પણ એ વખતે ત્યાં  છૂટાંછવાયાં ઝાડ સિવાય બીજી કંઇ ખેતીવાડી દેખાતી ન હતી. એક ઠેકાણે થોડાં ઝાંખરાં હતાં, જ્યાં પહેલાં કૂવો હતો અને કાનજીભાઇ ત્યાંથી પાણી કાઢતા હતા. 
Kanjibhai Rathod's house (Backyard) at Ponsara (Gujarat) where he breathed
his last. it has been razed by descedents few months after this photo was taken
on 10 June, 2012. PHOTO © Urvish Kothari
કાનજીભાઇ રાઠોડના ઘરનો પાછળનો હિસ્સો. ૧૦ જૂન, ૨૦૧૨ના રોજ આ તસવીર લેવાયાના
 થોડા મહિના પછી તેમના કુટુંબીજનોએ ખખડી ગયેલું ઘર પાડી નાખ્યું છે. એટલે
કાનજીભાઇના ઘરની આ કદાચ એકમાત્ર કહેવાય એવી તસવીરો છે.
(ફોટોઃ ઉર્વીશ કોઠારી)
પાછલી અવસ્થામાં પોતાના ઘરના આંગણાંમાં  ધ્રુજતા અવાજે ‘ચકમક લોઢું ઘસતાં ઘસતાં..’ (‘એક જ દે ચિનગારી’) ગાતા કાનજીભાઇનો અવાજ દૂર સુધી ગુંજતો, જે હજુ પણ થોડા લોકોને યાદ છે. 

(કાનજીભાઇનાં ભત્રીજાવહુ સાથેની વાતચીત અને થોડી વઘુ અજાણી વિગતો આવતા સપ્તાહે.)

9 comments:

 1. Superb efforts for discover the man who lost in Indian Society & Bolloywood...

  ReplyDelete
 2. ભાઈ ઊર્વીશ--- બહુ સરસ-

  ReplyDelete
 3. Salil Dalal (Toronto)5:07:00 AM

  Very informative and exclusive material.

  ReplyDelete
 4. Commendable work indeed.

  ReplyDelete
 5. આપણને 'સ્વતંત્ર' થયે આટ આટલાં વર્ષો વીતી ગયાં પણ હજૂ પણ આપણી ઓળખાણ આપણી જાતિ વગર અધુરી કેમ?
  કાનજીભાઈ રાઠોડના આ સુવાંગ સ-રસ પરિચય અને તેની સાથે સંકળાયેલ ભારતીય ફિલ્મ જગતની ન સાંભળેલી યાદો વિશે વાંચવાનુમ સહ્રૂ કરતાં પહેલાં પહેલા જ કોળિયામાં 'દલિત' શબ્દનો કાંકરો ખુંચ્યો. તે વિશ્સેસઃઅન સિવાય પણ ન તો આ લેખની મહત્તા ઓછી થઇ હોત, કે ન તો કાનજીભાઈનાં યોગ્દાનની મુલવણી ઓછી અંકાઈ હોત!

  ReplyDelete
 6. અશોકભાઇ, તમને ’દલિત’ શબ્દનો ’કાંકરો’ ખૂંચ્યો એ નવાઇની વાત છે. હજુ આજે પણ દલિતો સાથે જે જાતના ભેદભાવ રાખવામાં આવે છે, એ જોતાં કાનજીભાઇની જાતિગત ઓળખાણ આપવાનું જરૂરી જ નહીં, અનિવાર્ય ગણાય. તેમની સિદ્ધિ એ વિના બીજા અનેક તેમના સમયના ડાયરેક્ટરોની સમકક્ષ જ બની રહી હોત.

  ReplyDelete
 7. અશોકભાઈની કોમેંટના જવાબમાં કાંનજીભાઈની 'દલિત' ઓળખ આપવાની અનિવાર્ય જરૂરિયાત વિષે ભાઈ ઉર્વીશે બહુ સારી સ્પષ્ટતા કરી.

  કાનજીભાઈના સદનસીબે એ સમયે પણ 'તેમની સાથે આભડછેટ રાખવામાં આવતી ન હતી' અને '‘કૃષ્ણ ફિલ્મ કંપની’ માં પણ એમનો ભારે 'દબદબો' હતો અને તેના પૂરાવા રૂપે માણેકલાલ પટેલ જેવા સવર્ણ સજ્જન કે જે તેમના પુત્રના લગ્નની જાનમાં કાનજીભાઇને સાથે લઇ ગયા હતા અને બધાની સાથે તેમને પણ ચાંલ્લો કરવામાં આવ્યો હતો' !

  અલબત્ત એક સઇકા જેટલા સમય બાદના, સો-કોલ્ડ પ્રગતિશીલ અને ઓછા રૂઢિવાદી સાંપ્રત સામાજિક માહોલમાં પણ ઉર્વિશે આ બ્લોગ થકી પુનઃ ઓળખ ન કરાવી હોત તો ' જન્મે ગુજરાતી દલિત કાનજીભાઇ રાઠોડ ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ તરીકે ફિલ્મના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે ' એ વાત પણ 'તેમના પોતાના ઇતિહાસ' ની જેમ ભૂંસાઇ જ ગઈ હોત !

  જીવનના અંતભાગે ગામની મુખ્ય વસ્તીથી અલગ દલિત મહોલ્લામાં રહેનાર, 'કાનજીભાઇને પચરંગી મુંબઇની બહુરંગી ફિલ્મી દુનિયામાં દલિત હોવું નડ્યું હશે? કેટલી હદે? કેવી રીતે એ જ્ઞાતિભેદનો દરિયો ઓળંગી શક્યા હશે? ' આવા બધા સવાલો વિષે અશોકભાઇ જેવા સજજનો વિચાર કરશે ત્યારે જ તેમને 'દલિત' ઓળખ આપવાની પ્રસ્તુતતા સમજાશે.

  ReplyDelete
 8. This is a brilliant piece Urvish. The fact that I had no clue about this man despite being born and brought up in South Gujarat just an hour's journey from his place exemplifies the point about his unfortunate obscurity in this day and age even more. I particularly loved this: જરા વિચારોઃ અમેરિકામાં ૧૯૨૦-૩૦ના દાયકામાં કોઇ કાળો માણસ નામી ફિલ્મ ડાયરેક્ટર હોત તો? અત્યાર સુધીમાં તેના વિશે અનેક લેખો લખાઇ ચૂક્યા હોત. ભલું હોય તો એની જીવનકહાની ને સંઘર્ષો પરથી સ્પીલબર્ગ જેવા કોઇ ડાયરેક્ટરે ફિલ્મ બનાવી હોત. So very true.

  ReplyDelete
 9. Anonymous7:52:00 PM

  કાનજીભાઈ ની બાકી ની વાત ક્યારે જાણવા મળશે

  ReplyDelete