Tuesday, March 05, 2013

બાંગલાદેશઃ નજીકના ઇતિહાસનું લોહિયાળ અનુસંધાન

છેલ્લા એકાદ મહિનાથી ખદખદી રહેલા આપણા સાખપાડોશી દેશ બાંગલાદેશમાં મોટા પાયે લોહિયાળ તોફાન ફાટી નીકળ્યાં છે. તે સીધીસાદી ગુંડાગીરી કે હિંસાચાર નથી, પણ નજીકના ઇતિહાસમાં થયેલા ગુનાનો ન્યાય તોળવાની મથામણનું પરિણામ છે. અમુક અંશે ભારતના અન્ના આંદોલનની યાદ અપાવે એવા- પણ તેના કરતાં વધારે અસરકારક અને ચડિયાતા બાંગલાદેશી અહિંસક જનઆંદોલનમાં હિંસા શી રીતે પ્રગટી? આંદોલનનો હેતુ શો છે? અને ભારતીય તરીકે શા માટે આપણને  તેમાં રસ પડવો જોઇએ? એવા સવાલોમાં ઉંડા ઉતરતાં પહેલાં, ભારતના સંદર્ભે બાંગલાદેશનું થોડું બેકગ્રાઉન્ડ.

કટોકટીનાં મંડાણ

અખંડ ભારતના નકશા પર ધાર્મિક બહુમતી પ્રમાણે પેન્સિલ ચલાવીને ભારત-પાકિસ્તાનની સરહદ આંકનાર સિરિલ રેડક્લીફે બંગાળના બે ભાગ કરી નાખ્યાઃ મુસ્લિમોનું મોટું પ્રમાણ ધરાવતો પ્રદેશ પૂર્વ પાકિસ્તાન બન્યો અને હિંદુ બહુમતી ધરાવતો પ્રદેશ પશ્ચિમ બંગાળ. હકીકતમાં બંગાળ પ્રાંતની સૌથી મોટી ઓળખ કે અસ્મિતા હતી બંગાળી ભાષા. હિંદુ હોય કે મુસ્લિમ, તે બંગાળીભાષી તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા હતા. પરંતુ ધર્મના આધારે ભાગલા પડ્યા પછી, તે પાકિસ્તાનનો હિસ્સો બન્યા. રૂઢિચુસ્ત અને ધર્મકેન્દ્રી પાકિસ્તાનમાં સ્વાભાવિક રીતે જ તેમને ગુંગળામણ થવા લાગી.

છેક છેડે આવેલા પૂર્વ પાકિસ્તાન સાથે (પશ્ચિમ) પાકિસ્તાનનું વર્તન ઓરમાયું રહેતું. પૂર્વ પાકિસ્તાનની અવામી લીગના નેતા શેખ મુજીબુર રહેમાન પૂર્વ બંગાળમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા, પણ પાકિસ્તાની શાસકોને તે દીઠા ગમતા ન હતા. તેનાં ઘણાં કારણોમાં એક એ હતું કે શેખ મુજીબની ઓળખમાં ઇસ્લામ બીજા ક્રમે અને બંગાળીપણું પહેલા ક્રમે આવતું હતું. લોકશાહી મૂલ્યોમાં માનતા મુજીબને પોતાના લોકોના હક માટે પોતાના દેશ-પાકિસ્તાન- સાથે જ લડવાનું આવ્યું.

માર્ચ, ૧૯૭૧માં પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીમાં શેખ મુજીબની અવામી લીગની જીત થઇ. તેમનો પક્ષ પૂર્વ પાકિસ્તાન માટે વઘુ સ્વતંત્રતા- વઘુ અધિકારોની માગણી કરતો હતો. ચૂંટણી પછી સરકાર રચવા અંગે સૈન્ય અને રાજકીય પક્ષો વચ્ચે તડજોડ ચાલી, ત્યારે પૂર્વ બંગાળના લોકોને ખાતરી થઇ ગઇ કે પાકિસ્તાનમાં તેમને કદી બરાબરીનું સ્થાન મળવાનું નથી. તેના પરિણામે અવામી લીગે સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવ્યું, જે જોતજોતાંમાં હિંસાખોરીમાં પરિણમ્યું. પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યાખાને અવામી લીગનું આંદોલન વધારે વકરે તે પહેલાં લશ્કરને છૂટો દોર આપી દીધો અને ગમે તે ભોગે પૂર્વ બંગાળને કચડીને કાબૂમાં રાખવાની ઘાતકી નીતિ અપનાવી. તેના પરિણામે પૂર્વ બંગાળમાં ભયાનક કતલ ચાલી, જે વિએતનામ કે કંબોડિયાના જગવિખ્યાત બનેલા હત્યાકાંડો કરતાં જરાય ઉતરતી ન હતી. પરંતુ એ વખતે અમેરિકા (પશ્ચિમ) પાકિસ્તાનના પક્ષે હોવાથી, આંતરરાષ્ટ્રિય સ્તરે તેની ખાસ નોંધ ન લેવાઇ.

પાકિસ્તાની લશ્કર દ્વારા પદ્ધતિસર હાથ ધરાયેલા હત્યાકાંડોમાં બંગાળીઓનાં ગામનાં ગામ ખતમ કરી નાખવામાં આવ્યાં. ભોગ બનેલાઓમાં હિંદુઓનું નોંધપાત્ર પ્રમાણ હતું. પૂર્વ બંગાળનું આંદોલન દિશાહીન બની જાય એ માટે બૌદ્ધિકોને અને યુનિવર્સિટીના આગળ પડતા અઘ્યાપકો- વિદ્યાર્થીઓને વીણી વીણીને ખતમ કરવામાં આવ્યા.  કેટલા લોકોની હત્યા થઇ હશે તેનો સાચો અંદાજ મળવો અઘરો છે, પણ ઓછામાં ઓછા ત્રણેક લાખ લોકોને પાકિસ્તાની સૈન્યે ઠંડા કલેજે મારી નાખ્યા. (સ્થાનિક લોકો દ્વારા અપાતો આંકડો ત્રીસ લાખનો છે.)

વીસમી સદીના યુદ્ધ સિવાયના સમયગાળામાં થયેલા સૌથી ભયંકર હત્યાકાંડોમાં સ્થાન પામે, એવી પૂર્વ બંગાળની સ્થિતિ હતી. પરંતુ આંતરરાષ્ટ્રિય સમુદાય એ વિશે અજાણ હતો અથવા આંખ આડા કાન કરતો હતો. બીજી તરફ પાકિસ્તાની પ્રમુખ યાહ્યાખાન ઠંડા કલેજે કેવાં જૂઠાણાં ચલાવતા હતા, તેનો એક નમૂનો અત્યારે પણ યુટ્યુબ પર મોજૂદ તેમના એક વિડીયો ઇન્ટરવ્યુમાં જોવા-સાંભળવા મળી શકે છે.  જુલાઇ ૩૧, ૧૯૭૧ના રોજ લેવાયેલા ઇન્ટર્વ્યુમાં બાંગલાદેશી શરણાર્થીઓ વિશેના સવાલનો જવાબ આપતાં યાહ્યાખાને ધરાર જૂઠાણું ઉચ્ચાર્યું હતું કે ‘તમે જોયા એ લોકો શરણાર્થી હતા જ નહીં.’

(યાહ્યાખાનનો વિડીયો ઇન્ટરવ્યુ)

‘તમારું લશ્કર પૂર્વ પાકિસ્તાનીઓની પાછળ પડી ગયું છે?’ એવા અણીયાળા સવાલના ઉત્તર તરીકે છટાથી સિગરેટનો કશ લઇને યાહ્યાખાને કહ્યું, ‘કઇ સરકાર પોતાના નાગરિકોની પાછળ પડી જાય? ઉલટું, પાકિસ્તાની સૈન્યે પૂર્વ પાકિસ્તાનના ૭ કરોડ લોકોને અવામી લીગના અલગતાવાદી રાજકારણ તથા ઉશ્કેરણીથી સર્જાયેલી સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિથી બચાવ્યા છે.’ યાહ્યાખાનની ફિશિયારીઓ સાંભળીને પત્રકારે ફરી તેમને પૂછ્‌યું, ‘એટલે તમે કહેવા માગો છો કે પૂર્વ પાકિસ્તાનમાં કોઇ પ્રકારનો જેનોસાઇડ- પદ્ધતિસરનો સામુહિક નરસંહાર થયો નથી?’ અને યાહ્યાખાને કહ્યું, ‘મોસ્ટ સર્ટનલી નોટ.’

પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલા પદ્ધતિસરના જનસંહારમાં જમાતે ઇસ્લામી, અલ બદ્ર જેવાં ‘ઇસ્લામી’ સંગઠનો પણ પાકિસ્તાની સૈન્ય સાથે ભળ્યાં હતાં. તેમને બંગાળી ઓળખ સામે વાંધો હતો. એટલે પોતાના જ લોકો સામે હત્યા-બળાત્કાર-લૂંટફાટ-આગ જેવા ગુના આચરતાં તેમને કશો જ ખચકાટ ન થયો.

પાકિસ્તાન આખી દુનિયાથી હકીકત છુપાવતું હતું, પરંતુ તેની  સીધી અસર પાડોશી દેશ તરીકે ભારત પર થવા લાગી. બાંગલાદેશથી શરણાર્થીઓનાં ધાડાંનાં ધાડાં જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને ભારતમાં આવવા લાગ્યાં. ભારત તેમને મરવા માટે પાછાં મોકલી શકે એમ ન હતું અને તેમને પાલવવાનો આર્થિક બોજ ભારતને પરવડે એમ ન હતો.

માય નેમ ઇઝ એન્થની મેસ્કરનહસ

યાહ્યાખાન અને પાકિસ્તાનના ભ્રામક પ્રચારનો ભંડો ફોડવામાં એક પત્રકારની ભૂમિકા બહુ અગત્યની બની રહી. બીબીસીની વેબસાઇટ પરથી મળતી વિગતો પ્રમાણે, ગોવામાં જન્મેલા અને કરાચીમાં રહેતા ખ્રિસ્તીધર્મી પત્રકાર એન્થની મેસ્કરનહસે/ Anthony Mascarenhas પૂર્વ પાકિસ્તાનની સાચી પરિસ્થિતિ દુનિયા સમક્ષ જાણ કરી.

પૂર્વ પાકિસ્તાનમાંથી વિદેશી પત્રકારોને પાકિસ્તાની સરકારે રવાના કરી દીધા હતા. એટલે દુનિયા સમક્ષ તટસ્થ દેખાવા માટે પાકિસ્તાની સરકારે પોતાના ચુનંદા આઠ પત્રકારોને પૂર્વ પાકિસ્તાન મોકલવાનું નક્કી કર્યું. એ લોકો ત્યાં જઇને દસ દિવસ રહે અને સરકારી હુકમ પ્રમાણેના અહેવાલ લખે, તો તેનાથી દુનિયાને ખાતરી કરાવી શકાય કે ત્યાં બઘું સમુંસૂતરું છે. આ આઠ પત્રકારોમાં એન્થનીનો પણ સમાવેશ થતો હતો. સરકાર દ્વારા પ્રાયોજિત પ્રવાસ કરી આવ્યા પછી બાકીના સાતે ફરમાસુ અહેવાલો લખી દીધા, પણ એન્થની એ કરી શક્યા નહીં. પૂર્વ પાકિસ્તાનની સચ્ચાઇ અને ભયાનક નરસંહાર નજરે જોયા પછી એન્થનીને થયું કે જો તે આ વાતો નહીં લખે, તો બીજું કશું જ નહીં લખી શકે. પણ આ બઘું લખવું ક્યાં? પાકિસ્તાનમાં પ્રસાર માઘ્યમો પર સરકારનો લોખંડી સકંજો ભીડાયેલો હતો. વિદેશી છાપામાં લખી શકાય, પણ અહેવાલ છપાયા પછી કરાચીમાં રહેતા એન્થનીના પરિવાર- પત્ની અને પાંચ બાળકો-નું શું થાય?

એન્થનીએ હિંમત હાર્યા વિના, બહાદુરીથી અને યોજનાપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું. પહેલાં એ બિમાર બહેનની ખબર કાઢવાના બહાને લંડન જઇને ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને મળ્યા અને વિગતે વાત કરી. તેમણે અહેવાલ છાપવાની તૈયારી બતાવી એટલે એન્થનીએ નક્કી થયા મુજબ કરાંચીના ઘરે ટેલીગ્રામ કર્યો, ‘એન્સ ઓપરેશન વોઝ સક્સેસફુલ’. આ સંકેત હતો કે પરિવારે લંડન આવવાની તૈયારી કરવાની છે.

સરકારને શંકા ન જાય એટલે એન્થની પાકિસ્તાન પાછા આવ્યા. તેમનું પરિવાર લંડન પહોંચ્યું, પણ એ વખતે પાકિસ્તાનમાં એવો કાયદો હતો કે પાકિસ્તાની નાગરિકો વર્ષે એક જ વાર વિદેશ પ્રવાસ કરી શકે. એટલે બીજી વાર એન્થનીએ પાકિસ્તાનથી જમીનમાર્ગે અફઘાનિસ્તાન જવું પડ્યું. ત્યાંથી એ લંડન પહોંચ્યા. લંડનમાં આખું પરિવાર ભેગું થયું, તેના બીજા જ દિવસે જૂન ૧૩, ૧૯૭૧ના રોજ લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં ‘જેનોસાઇડ’ના મોટા મથાળા સાથે, પૂર્વ પાકિસ્તાન વિશેનો અહેવાલ પ્રગટ થયો.

(એન્થની મેસ્કરનહસનો વિડીયો ઇન્ટરવ્યુ)

એન્થની મેસ્કરનહસની પત્ની સાથે વાતચીત કરીને બીબીસી  માટે અહેવાલ તૈયાર કરનાર માર્ક ડમેટે નોંઘ્યું છે કે પાકિસ્તાની સૈન્યમાં ગાઢ સંપર્કો ધરાવતા એન્થનીનો અહેવાલ વાંચીને પાકિસ્તાની છાવણીમાં  તરખાટ મચી ગયો. ‘દેશદ્રોહ’થી ‘છેતરપીંડી’ અને ‘ભારતનું કાવતરું’ જેવા આરોપો થયા. ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને કહ્યું, ‘એન્થનીના અહેવાલથી મને એટલો આંચકો લાગ્યો કે હું યુદ્ધની પૂર્વતૈયારી તરીકે યુરોપના દેશો અને મોસ્કોની રાજદ્વારી મુલાકાતે રવાના થઇ.’

આખરે ડિસેમ્બર, ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઘું યુદ્ધ ફાટી નીકળ્યું, જેના અંતે ભારતીય સૈન્યે પાકિસ્તાનને નિર્ણાયક રીતે હરાવ્યું અને પૂર્વ પાકિસ્તાનનો અલગ રાષ્ટ્ર ‘બાંગલાદેશ’ તરીકે જન્મ થયો. ભારતમાં તેનો વિજયોત્સવ ચાલ્યો, પણ બાંગલાદેશમાં એ પ્રકરણ સંતોષકારક રીતે પૂરું થયું નહીં. બાંગલા પ્રજા પર ભયાનક અત્યાચારો કરનાર પાકિસ્તાની સૈન્યના લોકોને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંતર્ગત માફી બક્ષવામાં આવી. ત્યાર પછી બાંગલા દેશમાં રહીને પાકિસ્તાની સૈન્ય સાથે ભળી ગયેલા રઝાકારો, જમાતે ઇસ્લામી અને અલ બદ્ર જેવા સંગઠનના હિંસાખોરોનો પ્રશ્ન ઊભો રહ્યો. એ લોકો સામે કાનૂની કાર્યવાહી ચલાવીને યથાયોગ્ય સજા ફટકારવા માટે, વર્ષ ૨૦૧૦માં બાંગલાદેશનાં વડાપ્રધાન (શેખ મુજીબનાં પુત્રી, અવામી લીગનાં પ્રમુખ) શેખ હસીનાએ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના કરી. તેના દ્વારા જૂના દોષીઓને મૃત્યુદંડ અને આજીવન કેદની સજાઓ જાહેર થતાં, બાંગલાદેશમાં નવેસરથી હિંસા અને અશાંતિ ફાટી નીકળ્યાં છે. તેનાં કારણો અને રાજકારણની વાત આવતા સપ્તાહે. 

3 comments:

  1. very fine ..interesting details..

    ReplyDelete
  2. હંમેશાંની જેમ નવો વિષય, ટૂંકમાં પણ ઊંડી છણાવટ :-))) અને રસપ્રદ આર્ટિકલ

    ReplyDelete
  3. Fantastic post. Loved the history recall and accompanying video of Anthony Mascarenhas - had no clue about this brave man, until now.

    ReplyDelete