Thursday, March 28, 2013

સાહેબની ખુરશી અને ટુવાલઃ એક દૂજેકે લિયે


દસ માથાં વગરનો રાવણ કલ્પી શકાય? અને ગદા વગરનો ભીમ? ચમચાઓ વગરનો સત્તાધીશ હોઇ શકે? ભગતડાં વગરનો બાવો? એવો જ એક સવાલ છેઃ ટેકો દેવાની જગ્યાએ નેપકિન કે ટુવાલ પાથર્યા વગરની સાહેબની ખુરશી હોઇ શકે?

અહીં ‘સાહેબ’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. છેક કબીરસાહેબે કહ્યું હતું એટલા વ્યાપક અર્થમાં ભલે નહીં, પણ તમામ પ્રકારના સાહેબોની ખુરશીને આ સવાલ લાગુ પાડી શકાય છે. ચાહે તે સ્કૂલ-કોલેજના આચાર્ય હોય કે સરકારી ઓફિસના મોટા સાહેબ.

ટોવેલ ઉર્ફે ટુવાલ આમ તો રોજિંદી શરીરસફાઇઝુંબેશનું આવશ્યક અંગ છે. એટલે કામગીરીને અનુરૂપ તેનું સ્થાન બાથરૂમમાં હોય છે, પરંતુ મહાજન એને કહેવાય જે ખૂણે પડેલી ચીજને ઉપાડીને સામે લઇ આવે અને તેનો મહિમા જગત સમક્ષ ઉજાગર કરે. ઘણા આઘુનિક મહાજનો ઉર્ફે સાહેબો ટુવાલોદ્ધારનું એવું કામ કરે છે. તેમની મોટી (‘આરામખુરશી’ જેવી) ‘સાહેબખુરશી’ના ટેકો દેવાના ભાગમાં ટુવાલ સાઇઝનો નેપકિન કે બાકાયદા ટુવાલ લટકતો જોવા મળે એ સામાન્ય દૃશ્ય છે. તેનાથી આંખ એટલી ટેવાઇ ગઇ છે કે કોઇ આચાર્યની કે અધિકારીની ઓફિસમાં તેમની મસમોટી ખુરશીની પછવાડે રૂંછડાંવાળો ટુવાલ લટકતો ન હોય તો ખુરશી જાણે ખંડિત સૌભાગ્યવતી હોય એવી લાગે છે. ખુરશીના ટેકા પર લટકતો ટુવાલ જૂના વખતની હિંદુ સ્ત્રીના સેંથામાં પુરાયેલા સિંદુરની ગરજ સારતો હોય ,એવું ઘણી અખંડટુવાલવંતી ખુરશીઓ જોયા પછી લાગે છે.

જે ખુરશી પર ટુવાલશાઇ નેપકિન કે સાક્ષાત્‌ ટુવાલ લટકતો હોય, એ ખુરશીનો કોઇ બેસણહાર છે એ જાહેર કરવાની જરૂર રહેતી નથી. સાહેબ ન હોય તો પણ ખુરશી પર લટકતો અને કંઇક મેલો થયેલો ટુવાલ સાહેબની હાજરી- તથા ઘણી વાર તેમના ઇરાદા પણ- સૂચવી દે છે. પહેલાં ઘણુંખરું એવું બનતું હતું કે લાયક માણસોને ખુરશી મળે. હવે મોેટેભાગે ખુરશી મળ્યા પછી માણસ ખુરશીના કદને લાયક બની રહેશે અથવા કમ સે કમ, પોતે એને લાયક નહીં બને તો બીજાને પણ બનવા નહીં દે એવી અપેક્ષા ‘મેનેજમેન્ટ’ તરફથી રાખવામાં આવે છે. એ સંજોગોમાં સાહેબ ખુરશીનો અને ખુરશી પર લટકતો નેપકિન-કમ-ટુવાલ સહેલાઇથી સાહેબનો પર્યાય બની શકે છે. સાહેબના કકળાટથી સમસમીને બેઠેલા લોકો ‘ખુરશીને માન છે’ એવી કહેણીમાં ફેરફાર કરીને ‘ટુવાલને માન છે, ભાઇ’ એવું પણ કહી શકે છે.

મસમોટા કદની ‘એક્ઝિક્યુટીવ ચેર’ કહેવાય એવી મોંઘી ખુરશીની પાછળ લોકો નેપકિન કે ટુવાલ શા માટે લટકાવતા હશે? એ ફક્ત સૌંદર્યશાસ્ત્રનો જ નહીં, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો પણ પ્રશ્ન છે. પ્રાણીસૃષ્ટિના અભ્યાસીઓ માને છે કે જંગલમાં હિંસક પશુઓને ચોક્કસ ચેષ્ટા વડે પોતાની હદ આંકવાની ટેવ હોય છે. પોતાની હદ આંક્યા પછી- અને એ રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યા પછી જ એમને સુવાણ વળે છે. પ્રાણીશાસ્ત્રનો આ નિયમ સાહેબશાસ્ત્રમાં લાગુ પાડવા વિશે મતભેદ હોઇ શકે, પણ મોટી ખુરશી પાછળ લટકતા નેપકિન-ટુવાલનો મુખ્ય હેતુ સાહેબની મોટાઇ અને મહત્તા સિદ્ધ કરવાનો જ હશે એમ ધારી શકાય.

ધારો કે એવું ન હોય તો સાહેબની ખુરશી પર લટકતા ટુવાલનું બીજું શું અર્થઘટન કરવું?

મોટી ‘આચાર્યખુરશી’ પાછળ લટકતો ફરવાળો ટુવાલ જોઇને શું એવું ધારવું કે સાહેબશ્રી વિદ્યાર્થીહિતમાં કે વાઇસ ચાન્સેલર બનવાના વિચારોમાં મગ્ન રહેવાને કારણે ઘરેથી સ્નાનાદિ ક્રિયાઓ સંપન્ન કર્યા વિના જ ઓફિસે પહોંચી જતા હશે અને એટલે એક ટુવાલ તેમણે ખુરશી પર લટકાવેલો રાખવો પડતો હશે?

એક દંતકથા પ્રમાણે, ઓફિસની બાથરૂમમાં નાહ્યા પછી આચાર્યશ્રીએ ટુવાલભેર જૂના શરીર પર નવાં વસ્ત્રો ધારણ કરતી વખતે, આદતવશ ટુવાલને ખુરશી પર લટકાવી દીધો. પછી એ ભૂલી ગયા અને એ જ ખુરશીને અઢેલીને આચાર્યપદું કરવા બેસી ગયા. થોડી વારે કોઇ શિક્ષકે આવીને ઘ્યાન દોર્યું ત્યારે ચબરાક આચાર્યશ્રીએ ઘડીભરના વિલંબ વિના કહ્યું,‘આ તો મેં ખુરશીનું કવર ન બગડે એટલા માટે તેની પર ટુવાલ લટકાવ્યો છે.’ આ કથા સાચી હોવાની કોઇ ખાતરી નથી, પણ એમ તો કંઇકેટલીય મહાન પરંપરાઓની શરૂઆત વિશે આપણે કેટલું ઓછું જાણીએ છીએ? એથી કરીને તેમનું માહત્મ્ય ઓછું થતું નથી.

સાહેબની ખુરશી પાછળ લટકતા ટુવાલનો એક સાંકેતિક હેતુ સામેવાળાના ડારવાનો હોવાનું પણ મનાય છે. ટુવાલ જોઇને આગંતુકે સમજી લેવાનું રહે છે કે સાહેબશ્રી કોઇ પણ ક્ષણે (ઘ્વન્યાર્થમાં) વસ્ત્રો ફગાવીને ટુવાલભેર થવા સક્ષમ છે. માટે તેમની સાથે ઝાઝી માથાકૂટમાં ઉતરવું નહીં. યુનિવર્સિટીઓમાં આચાર્યો પર થતા હુમલાના જમાનામાં  વિદ્યાર્થીનેતાઓ અને ગુંડાઓ (એ બન્ને અલગઅલગ હોય એવા પ્રસંગે) બોધ પણ લઇ શકે છે કે સાહેબનું વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરવી નહીં. કારણ કે સ્વયંકૃષ્ણસ્વરૂપ એવા સાહેબે જાતે ચીર પુરવાની આગોતરી વ્યવસ્થા કરી રાખેલી છે.

નેપકિન અને ટુવાલ ખુરશી પાછળ લટકાવવાનું સૌથી સાદું અર્થઘટન એ કરવામાં આવે છે કે સાહેબને ખુરશી સૌથી વહાલી છે.  ‘એમના કામ કરતાં પણ વહાલી છે’ એવું કહીને નાટકીય બનવાની જરૂર નથી. કારણ કે મોટા ભાગના સાહેબોને મોટા ભાગની અન્ય પ્રવૃત્તિઓ તેમના કામ કરતાં વધારે જ વહાલી હોય છે. ‘વિદ્યાર્થીઓનું, અભ્યાસક્રમનું, સંસ્થાનું, ગુણવત્તાનું જે થવું હોય તે થાય પણ મારી ખુરશી અડીખમ રહેવી જોઇએ. તેના રક્ષણ માટે નેપકિન-ટુવાલ તો શું, ગાલીચા કુરબાન છે’ એવો મિજાજ ટુવાલાચ્છાદિત ખુરશીની અને તેની પર બેસનારની ‘બોડી લેન્ગ્વેજ’માંથી પ્રગટતો ઘણી વાર દેખાય છે. ખુરશીને નજર ન લાગી જાય એ માટે મેશની અવેજીમાં તેની પર ટુવાલ કે નેપકિન લટકાવવાનો રિવાજ કોઇ કાળે હતો કે કેમ, એ વિશે લોકસંસ્કૃતિના અભ્યાસીઓ વઘુ પ્રકાશ પાડી શકે છે.

સાહેબો કહી શકે છે કે તેમનો ટુવાલપ્રેમ ખુરશીના ભલા માટે છે. ટુવાલ લટકાવ્યો હોય તો ખુરશીનો એ ભાગ ખરાબ ન થાય. એવા  સાહેબોને સમજાવવા જોઇએ કે હકીકતમાં ખુરશી પર લટકતા ટુવાલનું દૃશ્ય એવું ભવ્ય લાગે છે કે એ ટુવાલ ખરાબ ન થઇ જાય એના માટે એની ઉપર બીજો ટુવાલ લટકાવવો જોઇએ. શિક્ષણની ગુણવત્તા માટે કોલેજો પર આકરા નિયમો ફટકારતી યુજીસી આ દિશામાં યથાયોગ્ય પગલાં લઇ શકે છે. યુજીસી ઇચ્છે તો કદાચ એવો હુકમ પણ કાઢી શકાય કે જે આચાર્યની ખુરશીની પાછળ ટુવાલ લટકતો નહીં હોય, તેમની કોલેજની ગ્રાન્ટ મંજૂર કરવામાં નહીં આવે. ‘જે આચાર્ય પોતાની ખુરશીનું કવર ચોખ્ખું રાખી શકતા નથી, તે આવડી મોટી કોલેજના ચોપડા શી રીતે ચોખ્ખા રાખવાના?’ એવી ચિંતા યુજીસીને થાય તો એ લાજિમ છે.   શિક્ષણ સહિતના તમામ સરકારી વિભાગોમાં ખુરશીઓની પાછળ ટુવાલ કે ઉતરતા દરજ્જાના અધિકારીઓ માટે નેપકિન લટકાવવાનું ફરજિયાત બનાવી દેવાય તો? શક્ય છે કે ઓફિસોમાં ‘ચોખ્ખાઇ’ આણવાનું જે કામ અન્ના હજારે ન કરી શક્યા, એ સાવ શબ્દાર્થમાં ટુવાલક્રાંતિના પ્રતાપે શક્ય બને.

No comments:

Post a Comment