Sunday, March 24, 2013

સ્વામી આનંદની અને ગુજરાતી ભાષાની ‘જૂની મૂડી’

દીક્ષાએ રામકૃષ્ણમાર્ગી સાઘુ, વૃત્તિએ ગાંધીવાદી સેવક અને શૈલીએ  સવાયા સાહિત્યકાર એવા સ્વામી આનંદે લખાણો ઉપરાંત એક વિશિષ્ટ પુસ્તક દ્વારા ગુજરાતી ભાષાની અનોખી સેવા કરી. એ પુસ્તક એટલે ઘસાતાભૂંસાતા પ્રાણવાન ગુજરાતી શબ્દો-શબ્દપ્રયોગોનું સંકલન ‘જૂની મૂડી’
Swami Anand/ સ્વામી આનંદ  (photo: Jagan Mehta)

હમણાં જરા ઠંડું પડ્યું લાગે છે, બાકી વચ્ચે માતૃભાષાને બચાવવાનું ઉપાસણ ઠીક ચાલ્યું હતું. પોતપોતાનાં પોતરાં-દોહિતરાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં થઇ ગયાં એટલે ગુજરાતી મરી પરવારશે એવું માની બેઠેલા દાદાઓ અને બીજા કેટલાક માતૃભાષાપ્રેમીઓ ભાષાને બચાવવા મેદાને પડ્યા હતા.

માતૃભાષા ટકે,વધે, વિસ્તરે એ કયા ગુજરાતીપ્રેમીને ન ગમે? પણ આવું કામ ફક્ત મંચ પરથી ચિંતા કરવાથી, રેલીઓ કાઢવાથી કે વિશ્વ માતૃભાષાદિન ઉજવવાથી કે જોડણીચર્ચાઓથી થઇ જશે, એવું માનવા-મનાવવામાં ઘણી વાર અહમ્‌ ગંધાય છે. એવી ચર્ચાઓમાં જાણેઅજાણે એવું સંભળાય છે કે ‘ગુજરાતી બોલનારા-લખીવાંચી શકનારા લાખો લોકો કશા હિસાબમાં નથી. ભાષાની ચિંતા કરનારા તો અમે જ છીએ અને ભાષા અમે બચાવીશું તો (જ) બચશે.’

શકટનો ભાર તાણતા શ્વાનની કહેણી યાદ કરીને શ્વાન કે શકટ કે માતૃભાષાઉદ્ધારકો કોઇનું અવમૂલ્યન કરવાનો ઇરાદો નથી, પણ લોકભાષાથી છેડો ફાડીને કે માતૃભાષાને ‘જ્ઞાનભાષા’ બનાવવાના પ્રયાસોની ધરાર અવગણના કરીને માતૃભાષા બચાવવાના પ્રયાસ કરવા, એ અગાસીમાં તરવાની તાલીમ આપવા જેવા ગણાય. આ તારણમાં કશું નવું કે નવાઇનું નથી. અસલી વાંધા અમલના છે. એટલે જ, ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્‌ગોમંડળ’ જેવા ગુજરાતી કોશો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બન્યા તેનો ઘણો આનંદ છે અને એનાથી પણ થોડો વધારે આનંદ ‘ગુજરાતીલેક્સિકન’ www.gujaratilexicon.com જેવી વેબસાઇટ પર શરૂ થયેલી ‘લોકકોશ’ જેવી પહેલથી થાય છે. તેમાં એક તરફ બોલચાલમાં રૂઢ થઇને ‘ગુજરાતી’ બની ગયેલા અંગ્રેજી શબ્દો સમાવવામાં આવે છે, તો સાથોસાથ બોલચાલમાંથી ભૂંસાતા જતા અને ‘નવી પેઢીને એના અર્થ ખબર નહીં સમજાય’ એ પ્રકારના શબ્દો પણ તેમાં અર્થ સહિત સામેલ કરવામાં આવે છે.

પ્રચલિત શબ્દો ભૂંસાતા જવાનું એક કારણ છેઃ સમુહમાઘ્યમોનું મર્યાદિત શબ્દભંડોળ. લોકબોલીના અર્થસભર અને સહેલા શબ્દો લખાતા બંધ થાય એટલે લાંબા ગાળે તે પચીસ-પચાસ પૈસાના સિક્કાની જેમ ચલણમાંથી નીકળતા જાય છે અને એક તબક્કો એવો આવે છે, જ્યારે લખનારા (જાતે જ) જાહેર કરી દે છે,‘જવા દો. આ શબ્દ ગુજરાતીમાં લખીશું તો લોકોને નહીં સમજાય.’ આવા લુપ્ત થવાના આરે ઉભેલા શબ્દોમાં જીવ આવે તો એ જરૂર લેખકોનો કાંઠલો પકડીને કહે,‘તમે જ અમારા કાતિલ છો અને અમને મારી નાખ્યા પછી હાથ ધોઇને, તમે જ  તબીબની અદામાં અમને મરેલા જાહેર કરો છો? શરમાવ જરા.’

ચારેક દાયકા પહેલાં સ્વામી આનંદે આવા શબ્દો-રૂઢિપ્રયોગો-કહેવતો-કથાનકોનું સંપાદન-સંકલન ‘જૂની મૂડી’ નામે કર્યું હતું, જે ૧૯૮૦માં સ્વામીના અવસાનનાં ચાર વર્ષ પછી પ્રકાશિત થયું. એન.એમ.ત્રિપાઠી પ્રકાશનનું ખાસ્સાં ૨૫૦થી પણ વઘુ પાનાંનું એ પુસ્તક ‘ગદ્યસ્વામી’ ગણાતા રામકૃષ્ણમાર્ગી-ગાંધીવાદી સ્વામી આનંદે ગુજરાતીભાષીઓને આપેલી વિશિષ્ટ છતાં વિસરાયેલી ભેટ છે. ધસમસતી શૈલી અને રામબાણ અભિવ્યક્તિ માટે જાણીતા સ્વામી આનંદે પુસ્તકના ‘પ્રાસ્તાવિક’માં લખ્યું હતું, ‘ભાષા એ ધરતી પરનો પાણી વીરડો છે. જનવાણી એ એની અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડાં પાણી ભરી લ્યો. ન ઉલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે. એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વીરડો મૅલો ને બંધિયાર બની જશે. ભાષારૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઇને પ્રજાના વાપર માટે નરવું થયું ગણાય.’

આ બધી સામગ્રી ‘આથમી ગયેલા અગર તો આથમણી ક્ષિતિજે અડી ચૂકેલા જમાનાની છે’ એમ કહીને સ્વામીએ લખ્યું હતું કે અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે પાશ્ચાત્ય પ્રજાઓ જુનવાણી શબ્દો-રૂઢિપ્રયોગોને નવા અને નરવા અર્થભાવનાં ટોનિક પૂરીને ભાષાના હાડને પુષ્ટ રાખે છે, જ્યારે ‘આપણે ત્યાં આજનો આપણો શિષ્ટવર્ગ એવી સામગ્રીના વાપર સામે મોં મચકોડે છે.’ (‘ઉપયોગ’ને બદલે ‘વાપર’ જેવો પ્રયોગ હવે ભાગ્યે જ વાંચવા મળે છે)

મૂળશંકર મો.ભટ્ટ અને નટવરલાલ પ્ર.બૂચ જેવા સાથીદારોની મદદથી સ્વામી આનંદ પાસે રહેલી ‘જૂની મૂડી’નું તેમના ધોરણ પ્રમાણેનું સંકલન-સંપાદન શક્ય બન્યું. છાપકામમાં ચોક્સાઇ માટેના સ્વામી આનંદના આગ્રહો ઘણાને અકળાવી મૂકે એટલી હદના હતા. એ કારણથી વર્ષો સુધી સ્વામીએ તેમનાં લખાણો ગ્રંથસ્થ થવા દીધાં ન હતાં. ગમે તે વ્યક્તિ મનફાવે તેેમ એમનાં લખાણ છાપી શકે નહીં, એટલે એ નિસ્પૃહ સાઘુ કોપીરાઇટના કડક આગ્રહી હતા. પરંતુ ‘જૂની મૂડી’માં સંપાદકોની કામગીરીથી સ્વામી એટલા પ્રસન્ન થયા કે એ પુસ્તકના હક નટવરલાલ પ્ર.બૂચને આપી દેવા તેમણે દરખાસ્ત મૂકી હતી. અલબત્ત, બૂચસાહેબે એનો સવિનય અસ્વીકાર કર્યો.
Swami Anand-Ravishankar Maharaj/ સ્વામી આનંદ- રવિશંકર મહારાજ

‘જૂની મૂડી’ના પહેલા વિભાગમાં કક્કાવારી પ્રમાણે શબ્દોના અર્થ અને સંબંધિત વિગત, બીજા વિભાગમાં રૂઢિપ્રયોગો તથા ત્રીજા વિભાગમાં કહેવતો-કથાનકો મૂકવામાં આવ્યાં છે. સ્વામીએ પ્રાસ્તાવિકમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ‘આ સંગ્રહને કોશ ગણવાની ભૂલ કોઇ ન કરે. કોશને માટે અનિવાર્ય એવું કશું ટેક્નિક કે જરૂરી એવી કશી સંપૂર્ણતા આ સંગ્રહમાં આણવાનો મુદ્દલ પ્રયત્ન કર્યો નથી...ભૂલ્યેચૂક્યે પણ કોઇ એને કોશ ગણીને માત્ર સંદર્ભની ચોપડી તરીકે કબાટમાં ન મૂકે, પણ છાપા કે માસિકના અંકની જેમ ગમે ત્યારે ઉપાડીને ગમે ત્યાંથી વાંચવા લાયક ભાષા કે સાહિત્યની ચોપડી તરીકે ગણે એટલી જ નેમ રાખી છે.’

‘જૂની મૂડી’માં સમાવાયેલા શબ્દોમાંથી ઘણા ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્‌ગોમંડળ’માં જોવા મળશે, પરંતુ કેટલાક શબ્દો નીતાંત બોલચાલની ભાષાના અને એવી જ સુગંધ ધરાવતા છે. અમુક શબ્દોના અર્થ આપતી વખતે સ્વામીએ તેમાં પોતાની સમજણ ઉમેરીને, અર્થ વધારે ઉઘાડી આપ્યા છે. ઉદાહરણ તરીકે ‘ભયો ભયો’. આ શબ્દપ્રયોગ કોઇ કામ સંતોષકારક રીતે પૂરું થાય ત્યારે વપરાય છે, પણ સ્વામીએ નોંઘ્યું છે કે અસલમાં બિહારના ગયા તીર્થમાં શ્રાદ્ધ કરનારા બ્રાહ્મણોની વિધિમાંથી આ પ્રયોગ આવ્યો છે. પિતૃઓ સ્વર્ગે જાય એવી ઇચ્છા ધરાવતા લોકો પાસેથી બ્રાહ્મણોનો મુખી અનેક પ્રકારની દક્ષિણાઓ માગે. ખાસ્સી રકઝક પછી એ કંકુવાળા થાળામાં હાથ બોળીને જાત્રાળુની પીઠે થાપો મારે અને કહે, ‘જા તેરે પિતર સરગ ભયે.’
 ઘણી વાર આવનારા ‘યજમાન’ ગરીબ હોય એટલે દક્ષિણા માટે ઘણી રકઝક થાય. યજમાન હાથ જોડીને ગોરને કરગરે: ‘દેવતા, અમે ગરીબ છીએ, ભલા થઇને આટલું લઇ લ્યો ને ‘ભયો’ કરો.’ છેવટે ખેંચતાણ પછી મુખી તેમની દક્ષિણા લે અને ‘જા તેરે પિતર સરગ ભયે’ કહીને જાત્રાળુનો છૂટકારો કરે. આનું નામ તે ‘ભયો ભયો.’

‘હુલ આપવી’ એવો શબ્દપ્રયોગ હજુ ઘણી વાર થાય છે. ‘સાર્થ જોડણીકોશ’માં ‘હુલ’નો અર્થ નથી, પણ ‘જૂની મૂડી’માં સ્વામીએ એ આપ્યો છેઃ ‘એક જાતનો આશરે આઠદસ આંગળ લાંબો લોઢાનો અણીદાર ઉંદરપૂંછો સળિયો જેને બીજે છેડે એક ગઠ્ઠા સાથે લોઢાની કડીઓવાળી ત્રણચાર ઇંચ લાંબી પાંચસાત સાંકળીઓ જડેલી હોય છે. તાજિયા વખતે રોતાકૂટતા મુસલમાનો આવી હુલો ઉછાળી ઉછાળીને પોતાની છાતી ઉપર કે શરીરના બીજા ભાગો ઉપર મારતા હોય છે.’

અર્નેસ્ટ હેમિંગ્વેની વિખ્યાત કૃતિ ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ને ‘માછી, ભાભો ને મેરામણ’ તરીકે ઓળખાવનારા સ્વામી આનંદે ‘એ બુલ ઇન એ ચાઇનાશોપ’ માટે કરેલો ‘ચીની ચલાણાંની દુકાનમાં ગોધો’ જેવો પ્રયોગ પણ આ પુસ્તકમાં જોવા મળે છે. ‘ગોટલી મારવી’ એટલે કામચોરી કરવી એવો અર્થ ‘સાર્થ જોડણીકોશ’માં છે, પણ સ્વામીએ વધારાની માહિતી આપતાં લખ્યું છે,‘આ શબ્દ સત્યાગ્રહ આંદોલનોના કાળ દરમિયાન જેલોમાં કામ કરવા અંગે ટાળાટાળી કરનાર રાજદ્વારી કેદીઓમાં પ્રચાર પામ્યો.’ સ્ત્રી એક ઘર છોડીને બીજું ઘર કરે તેના માટે સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દ ‘ઘઘરણું’ને સ્વામીએ‘ઘરઘરણું’ તરીકે નોંધીને તેનો મૂળ સંસ્કૃત શબ્દ આપ્યો છેઃ ગૃહગ્રહણમ્‌. એટલે કે પાણિગ્રહણમ્‌ નહીં, પણ નવેસરથી ઘર શોધવું તે.

કોઇ પણ ભાષાપ્રેમી એવું ન ઇચ્છે કે જૂના શબ્દો-પ્રયોગોને ઝનૂનથી વળગી રહેવું ને નવાથી છેટા રહેવું. પરંતુ જૂના શબ્દો પ્રસ્તુત હોય, ઉપયોગી હોય અને અકસીર પણ હોય, છતાં એ ફક્ત જૂના હોય એટલા કારણથી તેમને દફનાવી દેવાની વૃત્તિ યોગ્ય લાગતી નથી. એમ કરવાથી ભાષાની નદી ખાબોચિયામાં ફેરવાય છે. શબ્દો સાથે ફક્ત ભાષા જ નહીં, સંસ્કૃતિ પણ સંકળાયેલી છે એ ઘ્યાનમાં રાખતાં અણદેખીતા વ્યાપક નુકસાનનો અંદાજ પણ માંડી શકાય.

ભાષાના ક્ષેત્રમાં પોતે એક વિદ્વાન ભાષાશાસ્ત્રી તરીકે સાધિકાર નહીં, પણ ભાષાના પ્રેમી-ઉપાસક તરીકે ‘અનધિકાર પ્રવેશ’ કર્યાના ભાવ સાથે સ્વામી આનંદે લખ્યું છે, ‘આમ અમુક સાક્ષરો કે શાણા સજ્જનોની નજરમાં હું કસૂરવાર ઠરું એમ છું. છતાં જાણી-સમજીને આ બઘું કરવા બદલ તેમનો ક્ષમાપ્રાર્થી છું.’

-અને સ્વામી આનંદે આજીવન સંચિત કરીને આપણને-ગુજરાતીઓને આપેલી ‘જૂની મૂડી’ જાણી-સમજીને ખોઇ નાખવા બદલ આપણે કોની ક્ષમા માગીશું?

9 comments:

  1. સાર્થક પ્રકાશન હેઠળ આવા પુસ્તકોનું પણ ફેર-પ્રકાશન થાય એવી અપેક્ષા રાખી છે.

    ReplyDelete
  2. Anonymous1:50:00 PM

    ઉર્વીશભાઈ,
    જૂની મૂડી પરનો લેખ સરસ. પણ આ લેખ પર માત્ર એક જ ટિપ્પણી? અને તેય વિષયાંતર જેવી! આવા લેખો પરથી કેટલા ધડો લેશે? ભાષાના વિનિપાતમાં આપણે બધા જ લખનાર અને વાંચનાર જવાબદાર છીએ. છાપાંમાં હગ મગ ટપર જેવું લખીને છાતી કાઢીને પોતાને કાલિદાસ કે શેક્સપિયર માનીને ફરતા કલમજીવીઓ (રૂપજીવિનીઓ જેવા જ)નો આપણે ત્યાં તોટો નથી. ભાદરવાના ભીંડા જેવા આ લેખકો કશું જ ચિરંજીવી કે અસરકારક લખી શકવાના નથી. વર્તમાનમાં બે-ત્રણ અપવાદને બાદ કરતાં કોઈને લખતાં જ નથી આવડતું. આવા કલમઘસુઓ પર લખવાની પાબંદી મૂકી દેવી એ જ ગુજરાતીની સાચી સેવા છે. પ્રતિભાનો છાંટો ન હોય એવા આ લખનારા ભાષાને રસાતાળ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે એમને ઘણાખરા શબ્દોના અર્થની ખબર નથી. કયું ક્રિયાપદ ક્યારે વપરાય અને કયો શબ્દ ક્યારે વપરાય એની પણ સમજ નથી અને વળી આવા અક્કલમઠ્ઠાઓ પોતાની આ અજ્ઞાનતાને સર્જકતામાં ખપાવે છે.

    વજેસિંહ પારગી

    ReplyDelete
  3. vajesinh pargi12:24:00 PM

    માફ કરશો, હગ મગ ટપર નહીંપણ હગ મર ટપર વાંચવું. આ ભૂલ મારી બેદરકારીનું પરિણામ છે
    - વજેસિંહ પારગી

    ReplyDelete
  4. ભાઈ ઊર્વીશ,
    આ પુસ્તક વિષે માહિતી આપવા બદલ ખૂબ ખુબ આભાર. ક્યાં મળશે...?

    ReplyDelete
  5. રાજુભાઇ
    મારી પાસે આની ફોટોકોપી છે. એની ફોટોકોપી તમને આપી શકું. બાકી પુસ્તક આઉટ ઓફ પ્રિન્ટ છે.

    ReplyDelete
  6. ખૂબ સરસ બુક છે.વસાવવા જેવું છે.ફોટો કોપી મોકલશો.પ્રીનિંગ માટે મેહનત કરીશું તો નિષ્ફળ નહીં જઈએ.

    ReplyDelete
  7. Sir આ પુસ્તક મારે જોઈએ છે , ક્યાં મળી શકે ?
    Please Help me

    ReplyDelete
    Replies
    1. નવજીવન સ્વામી આનંદનું પ્રકાશિત કરે છે. ત્યાં હું પણ તપાસ કરીશ.

      Delete