Sunday, March 31, 2013
ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ : કાનજીભાઇ રાઠોડ
જન્મે ગુજરાતી દલિત કાનજીભાઇ રાઠોડ ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ તરીકે ફિલ્મના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે, પણ તેમનો પોતાનો ઇતિહાસ ભૂંસાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના પોંસરામાં કાનજીભાઇના ગામ-ઘર-પરિવારની મુલાકાત થકી માંડ મળેલાં થોડાં માહિતીછાંટણાં
એપ્રિલ ૨૧,૧૯૧૩ના રોજ પહેલી ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ મુંબઇમાં ચુનંદા દર્શકો માટે રજૂ થઇ. એ હિસાબે બેસતા મહિને ભારતીય ફિલ્મઉદ્યોગનાં સો વર્ષ પૂરાં થશે. આ સો વર્ષની સફરમાં ફિલ્મી દુનિયાના સેંકડો સિતારા ઝળહળીને એવી રીતે આથમી ગયા, જાણે કદી હતા જ નહીં. ફિલ્મી યુગના પરોઢિયે અજવાસ પાથરનારા સિતારાઓના કિસ્સામાં એવું સવિશેષ બન્યું.
બાકી, કાનજીભાઇ રાઠોડ વિશે માહિતી મેળવવાનાં આટલાં ફાંફાં પડી જાય? ફિલ્મી ઇતિહાસકારો કાનજીભાઇને ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા ‘કમર્શિયલ (વ્યાવસાયિક) ડાયરેક્ટર’ તરીકે ઓળખાવે છે.
વીરચંદ ધરમસી અને હરીશ રઘવંશી જેવા કેટલાક પ્રતિબદ્ધ સંશોધકોના પ્રતાપે કાનજીભાઇ રાઠોડે ડાયરેક્ટ કરેલી ફિલ્મોની સૂચિ અને તેમની પ્રતાપી ફિલ્મ કારકિર્દીનો ખ્યાલ મળે છે. પરંતુ ભારતીય ફિલ્મોના પહેલા પ્રતાપી ડાયરેક્ટર એક ગુજરાતી દલિત હતા, એ જાણ્યા પછી આટલી માહિતી બહુ અપૂરતી લાગે. જરા વિચારોઃ અમેરિકામાં ૧૯૨૦-૩૦ના દાયકામાં કોઇ કાળો માણસ નામી ફિલ્મ ડાયરેક્ટર હોત તો? અત્યાર સુધીમાં તેના વિશે અનેક લેખો લખાઇ ચૂક્યા હોત. ભલું હોય તો એની જીવનકહાની ને સંઘર્ષો પરથી સ્પીલબર્ગ જેવા કોઇ ડાયરેક્ટરે ફિલ્મ બનાવી હોત.
પરંતુ આપણે ભારતની વાત કરતા હતા. જૂના સિતારા ભૂલાઇ જાય ને નવા ઝગમગે એ ફિલ્મી દુનિયાનો સાર્વત્રિક નિયમ છે. પણ પોતાના જમાનામાં મસમોટું પ્રદાન કરી ગયેલા સિતારાની કશી વિગત- અરે ફોટો સુદ્ધાં જોવા ન મળે અને એનો કોઇને અફસોસ તો ઠીક, અહેસાસ સરખો ન હોય. આ ભારતીય પરંપરા છે. કાનજીભાઇ રાઠોડ વિશેનો એકમાત્ર પૂરા કદનો લેખ હરીશ રઘુવંશીએ થોડાં વર્ષ પહેલાં લખ્યો, તેમાંથી એમની ફિલ્મોની વિગત જાણવા મળી, પરંતુ ફોટો?
અનાયાસે, થોડા વખત પછી, ‘કૃષ્ણ ફિલ્મ કંપની’ના માલિક, અમદાવાદના માણેકલાલ પટેલનાં વૃદ્ધ પુત્રી પાસેથી એક કેટલોગ મળ્યો. તેમાં કાનજીભાઇનો ચહેરો પહેલી વાર જોવા મળ્યો. ફોટો બહુ સ્પષ્ટ ન હતો, પણ તેમાંથી ચશ્માધારી, જાડી મૂછોવાળા કાનજીભાઇન મોંકળાનો અંદાજ આવતો હતો. ફોટોલાઇન તરીકે નામ ઉપરાંત કાનજીભાઇની ઓળખાણ આ શબ્દોમાં લખવામાં આવી હતીઃ ‘અવર મોસ્ટ એબલ ડાયરેક્ટર’.
કાનજીભાઇ રાઠોડ / Kanjibhai Rahtod |
માણેકલાલ પટેલના વારસદારોનાં સંભારણાંમાંથી જાણવા મળ્યું કે કાનજીભાઇનો ‘કૃષ્ણ ફિલ્મ કંપની’માં દબદબો હતો. તેમની સાથે આભડછેટ રાખવામાં આવતી ન હતી. પુત્રના લગ્નની જાનમાં માણેકલાલ પટેલ કાનજીભાઇને સાથે લઇ ગયા હતા અને બધાની સાથે તેમને પણ ચાંલ્લો કરવામાં આવ્યો હતો, એવો અલપઝલપ ઉલ્લેખ પણ મળ્યો.
પરંતુ એ સિવાયની માહિતીમાં ગાબડેગાબડાં હતાં એનું શું?‘ઇન્ટરનેટ પર બઘું જ મળે છે’ એવો ભ્રમ દૂર કરવા માટે કાનજીભાઇનું ઉદાહરણ સચોટ છે. તેમના વિશે ઇન્ટરનેટ પર હરીફરીને એક જ ઉલ્લેખ મળે છેઃ વીરચંદ ધરમશીના એક લેખમાં કાનજીભાઇનું ડાયરેક્શન ધરાવતી કેટલીક ફિલ્મોનાં નામ અને એ સિવાય બધે કાનજીભાઇએ ડાયરેક્ટ કરેલી મૂંગી ફિલ્મ ‘ભક્ત વિદૂર’ (૧૯૨૧)ના વિવાદનો ઉલ્લેખ.
‘ભક્ત વિદૂર’ સેન્સરશીપના વિવાદમાં સપડાયેલી સંભવતઃ પહેલી ભારતીય ફિલ્મ હતી. ‘કોહિનૂર ફિલ્મ્સ’ના ગુજરાતી માલિક દ્વારકાદાસ સંપતે આ ફિલ્મમાં ખાદીની ટોપી પહેરતા ભક્ત વિદૂરની ભૂમિકા અદા કરી હતી. એ જોઇને અંગ્રેજ સરકાર ભડકી ગઇ હતી. પરંતુ ૧૯૨૦ના અરસામાં એક દલિત ફિલ્મ ડાયરેક્ટર તરીકે ખ્યાતનામ બને ત્યારે સામાજિક પ્રતિક્રિયાઓ કેવી હશે એ જાણવા મળતું નથી. ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળામાં પચાસથી વઘુ મૂંગી ફિલ્મો અને ત્યાર પછી ડઝનેક બોલતી ફિલ્મો ડાયરેક્ટ કરનારા કાનજીભાઇને પચરંગી મુંબઇની બહુરંગી ફિલ્મી દુનિયામાં દલિત હોવું નડ્યું હશે? કેટલી હદે? કેવી રીતે એ જ્ઞાતિભેદનો દરિયો ઓળંગી શક્યા હશે? તેમની કારકિર્દીનો ઉત્તરાર્ધ કેવો હશે? તેમનું અવસાન ક્યારે થયું હશે? ભારતના પહેલા કમર્શિયલ ડાયરેક્ટરના કુટુંબી-વારસદારો અત્યારે હશે? ક્યાં હશે?
આવા અનેક સવાલોના જવાબમાં અત્યાર સુધી નકરું અંધારું હતું, પણ ગયા વર્ષે આ જ કોલમમાં કાનજીભાઇના અછડતા ઉલ્લેખ પછી પ્રકાશનું એકાદ ચાંદરણું કળાયું. નવસારી જિલ્લાના પોંસરા ગામના નવનીતભાઇએ ફોન કરીને કહ્યું કે કાનજીભાઇ રાઠોડ પોંસરાના વતની હતા અને ગામમાં હજુ એમનું ઘર છે. ત્યાં એમના ભાઇનો પરિવાર પણ રહે છે. નવસારી રહેતા પણ મૂળ પોંસરાના નવનીતભાઇને કાનજીભાઇ વિશે જાણીને આશ્ચર્ય અને અહોભાવ જાગ્યાં હતાં.
નવનીતભાઇ સાથે નવસારીથી પોંસરા પહોંચ્યા પછી દલિત મહોલ્લાનો રસ્તો લીધો, જે વર્ષ ૨૦૧૩માં પણ ગામની મુખ્ય વસ્તીથી અલગ હોય છે. પોતાના મર્યાદિત સામાજિક વર્તુળને દુનિયાની વાસ્તવિકતા ગણી લેનારા ઘણા એવું માને છે કે ‘હવે દલિતો પ્રત્યે ભેદભાવ જેવું ક્યાં રહ્યું છે?’ આ ગેરમાન્યતા દૂર કરવા માટે ‘સ્ટિંગ ઓપરેશન’ કરવાની નહીં, આંખ-કાન ખુલ્લાં અને દિમાગના દરવાજા ઉઘાડા રાખવાની જરૂર છે, એનો વઘુ એક વાર અહેસાસ થયો.
પોંસરાના દલિત મહોલ્લામાં એક પુલ અને તેના સામે છેડે બીજાં ઘરથી અલાયદું, બેઠા ઘાટનું એક મકાન દેખાતું હતું. પોંસરામાં ઉછરેલા નવનીતભાઇએ કહ્યું, ‘આ કાનજીકાકાનું ઘર.’ સાથે આવેલા નવનીતભાઇએ સાંભળેલી વાત પ્રમાણે, પહેલાં ત્યાં હવેલી હતી. મુંબઇમાં રહેતા કાનજીભાઇ વારેતહેવારે પોંસરા આવતા અને હવેલીમાં રહેતા. મુંબઇથી એ ઘણી વાર કાર લઇને પણ આવતા. ઊંચા-કદાવર ચશ્માધારી કાનજીભાઇની ત્યારે ‘પર્સનાલિટી પડતી’.
ગામની મુખ્ય વસ્તીથી અલગ દલિત મહોલ્લા, પણ કાનજીભાઇની હવેલી દલિત મહોલ્લામાં અલગ પડી જતી હતી. તેની આગળપાછળ ખુલ્લી જગ્યા હતી. હવેલીની જગ્યા સુધી પહોંચવા માટે લાકડાનો કાળો પુલ હતો. એક વાયકા પ્રમાણે કાનજીભાઇના ઘર સુધી પહોંચવાનો રસ્તો ન હતો, એટલે આઝાદી પહેલાં ગાયકવાડી રાજમાં ખાસ કાનજીભાઇ માટે એ પુલ બનાવવામાં આવ્યો હતો. એ સાચું હોય કે ખોટું, પણ હજુ અત્યારે કાનજીભાઇના ઘરની જગ્યા મહોલ્લાથી અલાયદી છે અને તૂટેલોફૂટેલો છતાં એ પુલ હજુ મોજૂદ છે. કાનજીભાઇના ઘરની હાલત પણ પુલથી ખાસ સારી કહેવાય એવી નથી. હવેલી તો કાનજીભાઇની હયાતીમાં જ ભૂતકાળ બની ગઇ હતી. પહેલાં તેનો ઉપરનો માળ તોડાવ્યો અને કાટમાળ વેચી નાખ્યો. ત્યાર પછી નીચેનો ભાગ પણ ગયો. હવે એ જગ્યાએ બે-ત્રણ ઓરડાવાળું ખોરડું ઊભું છે. લાંબી ઓસરી, વચ્ચે ટેકારૂપે લાકડાના બે થાંભલા, માથે નળિયાં, સળંગ બે-ત્રણ ઓરડા, આજુબાજુ ઘણી ખુલ્લી જગ્યા...તેમાં એક બાજુએ થોડું ઘાસ ઉગેલું.
ઘરની પાછળ મોટી ખુલ્લી જગ્યા હતી, પણ એ વખતે ત્યાં છૂટાંછવાયાં ઝાડ સિવાય બીજી કંઇ ખેતીવાડી દેખાતી ન હતી. એક ઠેકાણે થોડાં ઝાંખરાં હતાં, જ્યાં પહેલાં કૂવો હતો અને કાનજીભાઇ ત્યાંથી પાણી કાઢતા હતા.
પાછલી અવસ્થામાં પોતાના ઘરના આંગણાંમાં ધ્રુજતા અવાજે ‘ચકમક લોઢું ઘસતાં ઘસતાં..’ (‘એક જ દે ચિનગારી’) ગાતા કાનજીભાઇનો અવાજ દૂર સુધી ગુંજતો, જે હજુ પણ થોડા લોકોને યાદ છે.
(કાનજીભાઇનાં ભત્રીજાવહુ સાથેની વાતચીત અને થોડી વઘુ અજાણી વિગતો આવતા સપ્તાહે.)
Labels:
dalit,
film/ફિલ્મ
Friday, March 29, 2013
ફિલ્મઉદ્યોગનો ‘ભાઇ’ચારો
(ગુજરાત સમાચાર તંત્રીલેખ-શુક્રવાર-૨૯-૩-૧૩)
ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા કરી- હકીકતે છ વર્ષની થવાપાત્ર સજામાં એક વર્ષનો ઘટાડો કરી આપ્યો- ત્યારે ફિલ્મઉદ્યોગે એક અવાજે સંજય દત્ત પ્રત્યે લાગણી, સહાનુભૂતિ અને ટેકો વ્યક્ત કર્યાં. સંજય દત્ત માણસ તરીકે કેટલા સોનાના છે, તેમના દિલમાં કેવું પાપ નથી, એ કેવા પરદુઃખભંજક છે, તેમનું બાળપણ કેટલું ખરાબ વીત્યું હતું, એમનાં માતાપિતા કેટલાં મહાન હતાં- આવી અનેક વાતો જુદા જુદા લોકોએ પોતપોતાના અનુભવ કે લાગણીની ચાસણીમાં બોળીને વહેતી કરી. એ બધાની ઘુ્રવપંક્તિ એ હતી કે આટલા સારા માણસને સજાઓ શું કરવાની? એમને માફ કરી દેવા જોઇએ. એમાં જ આપણી શોભા છે.
ખૂબીની વાત એ છે કે આવું કહેનારા કોઇએ એવો ઇશારો સરખો પણ ન કર્યો કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કશી ખામી છે. સંજય દત્ત સામેના પુરાવા ખોટા છે કે તેમને નિર્દોષ હોવા છતાં ભેરવી મારવામાં આવ્યા છે એવું પણ કોઇએ ન કહ્યું. સંજય દત્તનો અપરાધ એકદમ નક્કર છે એ વિશે કોઇને શંકા ન હતી. કોઇએ તેમની નિર્દોષતા સિદ્ધ કરવાની ન હતી. તેમના મતે, સંજય દત્તે માફી મેળવવા માટે નિર્દોષ હોવાની જરૂર પણ ન હતી. એ સંજય દત્ત હતા એટલું જ પૂરતું હતું. બધાનો સામુહિક સ્વર જાણે એવો હતો કે ‘છોરુ કછોરુ થાય પણ માવતરથી કમાવતર ન થવાય. આ કિસ્સામાં સંજય દત્ત છોરુ છે ને અદાલતો માવતર. એટલે માવતરે મોટું મન રાખીને કામચલાઉ કછોરુ થયેલા સંજય દત્તને માફી આપી દેવી જોઇએ.’
સામાન્ય સંજોગોમાં ફિલ્મઉદ્યોગની આ વર્તણૂંક ‘ભાઇચારા’ જેવી ઉદાત્ત લાગણી હેઠળ ખપી ગઇ હોત. ફિલ્મવાળાને હજુ એવું માનવું ગમતું હશે કે તેમણે સંજય દત્તને માફી આપવાની રજૂઆત કરીને પોતાના ઉદ્યોગનું નામ ઉજાળ્યું છે અને અંગત રીતે દોસ્તી-ભાઇચારો નિભાવ્યાં છે. સંજય દત્ત પ્રત્યે લાગણી દેખાડવામાં સમાનતાના મૂળભૂત બંધારણીય સિદ્ધાંતની અને કાયદાના શાસનની ઘોર અવગણના થાય છે, એવું ફિલ્મઉદ્યોગને ત્યારે જ કોઇએ કહેવું જોઇતું હતું.
ફિલમવાળાઓને કોઇએ સમજાવવું જોઇતું હતું કે ગુનેગાર સાબીત થયેલા સંજય દત્ત પ્રત્યે તમારે સહાનુભૂતિ રાખવી હોય તો એમાં કશું ખોટું નથી. પોતાનો અંગત મિત્ર ગુનેગાર સાબીત થાય એટલે તેનો સાથ છોડી દેવાનું જરૂરી નથી. તેને નૈતિક ટેકો આપવો એ મિત્રાચારીનું લક્ષણ હોઇ શકે છે. મિત્રને જેલમાં મળવા જવાય, તેને હિંમત આપવા માટે શક્ય એટલું બઘું જ કરાય, તેના પરિવારને કોઇ વાતે ઓછું ન આવે એનું ઘ્યાન રખાય. પણ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગુનેગાર સાબીત થઇ ચૂકેલા ગમે તેવા ખાસ મિત્રને માફી આપવાની માગણી કેવી રીતે રાખી શકાય? મિત્રાચારી ખાતર કાયદા અને બંધારણનો દ્રોહ કરી શકાય? અને એકલદોકલ વ્યક્તિ નહીં, આખો ફિલ્મઉદ્યોગ આ રસ્તે ચડે તે ચિંતાજનક નથી?
ફિલ્મો અને ‘ભાઇ’લોગ વચ્ચેના ઊંડા સંબંધો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ‘ઓપન સીક્રેટ’ જેવા છે. સૌ જાણતાં હોય પણ કોઇ બોલવાની હિંમત ન કરે. ગુંડાઓ સામે જુબાની આપવાની હિંમત કોઇ રૂપેરી હીરોએ નહીં, એકમાત્ર અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કરી ત્યારે તેમના માટે એવું કહેવાયું હતું કે ‘ફિલ્મઉદ્યોગમાં એ એક જ મરદ છે’. એક-દોઢ દાયકા પહેલાં ફિલ્મોમાં હીરો ને હીરોઇન તરીકે કોણ હશે તે રૂપિયા રોકનાર નહીં, પણ અન્ડરવર્લ્ડના ‘ભાઇ’ઓ નક્કી કરતા હતા. એ સમયથી સંજય દત્તને ‘ભાઇ’લોગ સાથે નિકટનો નાતો રહ્યો છે. તેનો ઉપયોગ તેમણે ફિલ્મી બિરાદરીનાં કામ કરાવવા માટે કર્યો હોય તો પણ એટલાથી તેમનો ‘ભાઇપ્રેમ’ વાજબી ઠરી જાય છે?
પોતાની રચેલી ‘મેક બિલીવ’ની દુનિયામાં રાચતા ફિલ્મ ઉદ્યોગને ભલે એવું લાગતું હોય કે તેમની દુનિયા અલાયદી છે, પણ સંજય દત્ત કે સલમાનખાનના કેસ જેવા પ્રસંગે ફિલ્મ ઉદ્યોગને એ કડવી સચ્ચાઇનું ભાન થાય છે કે એમની દુનિયા પણ આ દેશના કાયદા અને બંધારણથી ઉપર નથી- ન હોઇ શકે. એવી જ રીતે, ફિલ્મ ઉદ્યોગ પોતાના પરિવારના આડી લાઇને ચડેલા સભ્યો માટે ગમે તેટલી લાગણી બતાવે, પણ એ વખતે તેમણે ભૂલવું ન જોઇએ કે અંગત લાગણી સાર્વત્રિક કાયદાનો- લૉ ઑફ ધ લેન્ડનો- પર્યાય હોઇ શકે નહીં.
Labels:
film/ફિલ્મ,
justice,
photo
Thursday, March 28, 2013
સાહેબની ખુરશી અને ટુવાલઃ એક દૂજેકે લિયે
દસ માથાં વગરનો રાવણ કલ્પી શકાય? અને ગદા વગરનો ભીમ? ચમચાઓ વગરનો સત્તાધીશ હોઇ શકે? ભગતડાં વગરનો બાવો? એવો જ એક સવાલ છેઃ ટેકો દેવાની જગ્યાએ નેપકિન કે ટુવાલ પાથર્યા વગરની સાહેબની ખુરશી હોઇ શકે?
અહીં ‘સાહેબ’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. છેક કબીરસાહેબે કહ્યું હતું એટલા વ્યાપક અર્થમાં ભલે નહીં, પણ તમામ પ્રકારના સાહેબોની ખુરશીને આ સવાલ લાગુ પાડી શકાય છે. ચાહે તે સ્કૂલ-કોલેજના આચાર્ય હોય કે સરકારી ઓફિસના મોટા સાહેબ.
ટોવેલ ઉર્ફે ટુવાલ આમ તો રોજિંદી શરીરસફાઇઝુંબેશનું આવશ્યક અંગ છે. એટલે કામગીરીને અનુરૂપ તેનું સ્થાન બાથરૂમમાં હોય છે, પરંતુ મહાજન એને કહેવાય જે ખૂણે પડેલી ચીજને ઉપાડીને સામે લઇ આવે અને તેનો મહિમા જગત સમક્ષ ઉજાગર કરે. ઘણા આઘુનિક મહાજનો ઉર્ફે સાહેબો ટુવાલોદ્ધારનું એવું કામ કરે છે. તેમની મોટી (‘આરામખુરશી’ જેવી) ‘સાહેબખુરશી’ના ટેકો દેવાના ભાગમાં ટુવાલ સાઇઝનો નેપકિન કે બાકાયદા ટુવાલ લટકતો જોવા મળે એ સામાન્ય દૃશ્ય છે. તેનાથી આંખ એટલી ટેવાઇ ગઇ છે કે કોઇ આચાર્યની કે અધિકારીની ઓફિસમાં તેમની મસમોટી ખુરશીની પછવાડે રૂંછડાંવાળો ટુવાલ લટકતો ન હોય તો ખુરશી જાણે ખંડિત સૌભાગ્યવતી હોય એવી લાગે છે. ખુરશીના ટેકા પર લટકતો ટુવાલ જૂના વખતની હિંદુ સ્ત્રીના સેંથામાં પુરાયેલા સિંદુરની ગરજ સારતો હોય ,એવું ઘણી અખંડટુવાલવંતી ખુરશીઓ જોયા પછી લાગે છે.
જે ખુરશી પર ટુવાલશાઇ નેપકિન કે સાક્ષાત્ ટુવાલ લટકતો હોય, એ ખુરશીનો કોઇ બેસણહાર છે એ જાહેર કરવાની જરૂર રહેતી નથી. સાહેબ ન હોય તો પણ ખુરશી પર લટકતો અને કંઇક મેલો થયેલો ટુવાલ સાહેબની હાજરી- તથા ઘણી વાર તેમના ઇરાદા પણ- સૂચવી દે છે. પહેલાં ઘણુંખરું એવું બનતું હતું કે લાયક માણસોને ખુરશી મળે. હવે મોેટેભાગે ખુરશી મળ્યા પછી માણસ ખુરશીના કદને લાયક બની રહેશે અથવા કમ સે કમ, પોતે એને લાયક નહીં બને તો બીજાને પણ બનવા નહીં દે એવી અપેક્ષા ‘મેનેજમેન્ટ’ તરફથી રાખવામાં આવે છે. એ સંજોગોમાં સાહેબ ખુરશીનો અને ખુરશી પર લટકતો નેપકિન-કમ-ટુવાલ સહેલાઇથી સાહેબનો પર્યાય બની શકે છે. સાહેબના કકળાટથી સમસમીને બેઠેલા લોકો ‘ખુરશીને માન છે’ એવી કહેણીમાં ફેરફાર કરીને ‘ટુવાલને માન છે, ભાઇ’ એવું પણ કહી શકે છે.
મસમોટા કદની ‘એક્ઝિક્યુટીવ ચેર’ કહેવાય એવી મોંઘી ખુરશીની પાછળ લોકો નેપકિન કે ટુવાલ શા માટે લટકાવતા હશે? એ ફક્ત સૌંદર્યશાસ્ત્રનો જ નહીં, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો પણ પ્રશ્ન છે. પ્રાણીસૃષ્ટિના અભ્યાસીઓ માને છે કે જંગલમાં હિંસક પશુઓને ચોક્કસ ચેષ્ટા વડે પોતાની હદ આંકવાની ટેવ હોય છે. પોતાની હદ આંક્યા પછી- અને એ રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યા પછી જ એમને સુવાણ વળે છે. પ્રાણીશાસ્ત્રનો આ નિયમ સાહેબશાસ્ત્રમાં લાગુ પાડવા વિશે મતભેદ હોઇ શકે, પણ મોટી ખુરશી પાછળ લટકતા નેપકિન-ટુવાલનો મુખ્ય હેતુ સાહેબની મોટાઇ અને મહત્તા સિદ્ધ કરવાનો જ હશે એમ ધારી શકાય.
ધારો કે એવું ન હોય તો સાહેબની ખુરશી પર લટકતા ટુવાલનું બીજું શું અર્થઘટન કરવું?
મોટી ‘આચાર્યખુરશી’ પાછળ લટકતો ફરવાળો ટુવાલ જોઇને શું એવું ધારવું કે સાહેબશ્રી વિદ્યાર્થીહિતમાં કે વાઇસ ચાન્સેલર બનવાના વિચારોમાં મગ્ન રહેવાને કારણે ઘરેથી સ્નાનાદિ ક્રિયાઓ સંપન્ન કર્યા વિના જ ઓફિસે પહોંચી જતા હશે અને એટલે એક ટુવાલ તેમણે ખુરશી પર લટકાવેલો રાખવો પડતો હશે?
એક દંતકથા પ્રમાણે, ઓફિસની બાથરૂમમાં નાહ્યા પછી આચાર્યશ્રીએ ટુવાલભેર જૂના શરીર પર નવાં વસ્ત્રો ધારણ કરતી વખતે, આદતવશ ટુવાલને ખુરશી પર લટકાવી દીધો. પછી એ ભૂલી ગયા અને એ જ ખુરશીને અઢેલીને આચાર્યપદું કરવા બેસી ગયા. થોડી વારે કોઇ શિક્ષકે આવીને ઘ્યાન દોર્યું ત્યારે ચબરાક આચાર્યશ્રીએ ઘડીભરના વિલંબ વિના કહ્યું,‘આ તો મેં ખુરશીનું કવર ન બગડે એટલા માટે તેની પર ટુવાલ લટકાવ્યો છે.’ આ કથા સાચી હોવાની કોઇ ખાતરી નથી, પણ એમ તો કંઇકેટલીય મહાન પરંપરાઓની શરૂઆત વિશે આપણે કેટલું ઓછું જાણીએ છીએ? એથી કરીને તેમનું માહત્મ્ય ઓછું થતું નથી.
સાહેબની ખુરશી પાછળ લટકતા ટુવાલનો એક સાંકેતિક હેતુ સામેવાળાના ડારવાનો હોવાનું પણ મનાય છે. ટુવાલ જોઇને આગંતુકે સમજી લેવાનું રહે છે કે સાહેબશ્રી કોઇ પણ ક્ષણે (ઘ્વન્યાર્થમાં) વસ્ત્રો ફગાવીને ટુવાલભેર થવા સક્ષમ છે. માટે તેમની સાથે ઝાઝી માથાકૂટમાં ઉતરવું નહીં. યુનિવર્સિટીઓમાં આચાર્યો પર થતા હુમલાના જમાનામાં વિદ્યાર્થીનેતાઓ અને ગુંડાઓ (એ બન્ને અલગઅલગ હોય એવા પ્રસંગે) બોધ પણ લઇ શકે છે કે સાહેબનું વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરવી નહીં. કારણ કે સ્વયંકૃષ્ણસ્વરૂપ એવા સાહેબે જાતે ચીર પુરવાની આગોતરી વ્યવસ્થા કરી રાખેલી છે.
નેપકિન અને ટુવાલ ખુરશી પાછળ લટકાવવાનું સૌથી સાદું અર્થઘટન એ કરવામાં આવે છે કે સાહેબને ખુરશી સૌથી વહાલી છે. ‘એમના કામ કરતાં પણ વહાલી છે’ એવું કહીને નાટકીય બનવાની જરૂર નથી. કારણ કે મોટા ભાગના સાહેબોને મોટા ભાગની અન્ય પ્રવૃત્તિઓ તેમના કામ કરતાં વધારે જ વહાલી હોય છે. ‘વિદ્યાર્થીઓનું, અભ્યાસક્રમનું, સંસ્થાનું, ગુણવત્તાનું જે થવું હોય તે થાય પણ મારી ખુરશી અડીખમ રહેવી જોઇએ. તેના રક્ષણ માટે નેપકિન-ટુવાલ તો શું, ગાલીચા કુરબાન છે’ એવો મિજાજ ટુવાલાચ્છાદિત ખુરશીની અને તેની પર બેસનારની ‘બોડી લેન્ગ્વેજ’માંથી પ્રગટતો ઘણી વાર દેખાય છે. ખુરશીને નજર ન લાગી જાય એ માટે મેશની અવેજીમાં તેની પર ટુવાલ કે નેપકિન લટકાવવાનો રિવાજ કોઇ કાળે હતો કે કેમ, એ વિશે લોકસંસ્કૃતિના અભ્યાસીઓ વઘુ પ્રકાશ પાડી શકે છે.
સાહેબો કહી શકે છે કે તેમનો ટુવાલપ્રેમ ખુરશીના ભલા માટે છે. ટુવાલ લટકાવ્યો હોય તો ખુરશીનો એ ભાગ ખરાબ ન થાય. એવા સાહેબોને સમજાવવા જોઇએ કે હકીકતમાં ખુરશી પર લટકતા ટુવાલનું દૃશ્ય એવું ભવ્ય લાગે છે કે એ ટુવાલ ખરાબ ન થઇ જાય એના માટે એની ઉપર બીજો ટુવાલ લટકાવવો જોઇએ. શિક્ષણની ગુણવત્તા માટે કોલેજો પર આકરા નિયમો ફટકારતી યુજીસી આ દિશામાં યથાયોગ્ય પગલાં લઇ શકે છે. યુજીસી ઇચ્છે તો કદાચ એવો હુકમ પણ કાઢી શકાય કે જે આચાર્યની ખુરશીની પાછળ ટુવાલ લટકતો નહીં હોય, તેમની કોલેજની ગ્રાન્ટ મંજૂર કરવામાં નહીં આવે. ‘જે આચાર્ય પોતાની ખુરશીનું કવર ચોખ્ખું રાખી શકતા નથી, તે આવડી મોટી કોલેજના ચોપડા શી રીતે ચોખ્ખા રાખવાના?’ એવી ચિંતા યુજીસીને થાય તો એ લાજિમ છે. શિક્ષણ સહિતના તમામ સરકારી વિભાગોમાં ખુરશીઓની પાછળ ટુવાલ કે ઉતરતા દરજ્જાના અધિકારીઓ માટે નેપકિન લટકાવવાનું ફરજિયાત બનાવી દેવાય તો? શક્ય છે કે ઓફિસોમાં ‘ચોખ્ખાઇ’ આણવાનું જે કામ અન્ના હજારે ન કરી શક્યા, એ સાવ શબ્દાર્થમાં ટુવાલક્રાંતિના પ્રતાપે શક્ય બને.
Monday, March 25, 2013
પાઉલભાઇ સાહેબઃ અનોખા ૠણાનુબંધવાળો એક સંબંધ
આજે સવારે બીરેનનો સંદેશો આવ્યોઃ પાઉલભાઇ ગયા. (પાઉલભાઇ વિશે બીરેનના લેખની લિન્ક) એ સાથે જ બાળપણ અને કિશોરાવસ્થાના સ્મૃતિખંડનો એક મોટો હિસ્સો બટકી ગયો હોય એવું લાગ્યું. પણ પછી કામમાં પરોવાઇ ગયો.
બપોરે પાઉલભાઇ વિશે બીરેનનો બ્લોગ વાંચવાની શરૂઆત કરી ત્યારે સાવ સ્વસ્થ હતો, પણ અડધે પહોંચ્યા પછી સ્વસ્થ રહેવું અશક્ય બની ગયું. પાઉલભાઇ સાહેબનાં સ્મરણો મનનાં ઉંડાણમાંથી સપાટી તોડીને બહાર આવવા લાગ્યાં. થોડા સમય સુધી એમનો પ્રવાહ નિરંકુશ વહેવા દીધો. પછી માંડ અટકાવીને બીજા કામે લાગ્યો.
હવે સાંજ વીતી ચૂકી છે. ‘પાઉલભાઇ સાહેબ નથી’નો અહેસાસ મનમાં બીજા સત્તર પ્રવાહોની વચ્ચે વારંવાર માથું કાઢી રહ્યો છેઃ પાઉલભાઇ સાહેબ નથી.. હવે એ કદી જોવા નહીં મળે...એ ભરાવદાર ચહેરો, ચહેરા પર પથરાયેલો સૌમ્યતાનો સ્થાયી ભાવ, મુક્ત છતાં મૃદુ અને સાવ ધીમા અવાજવાળું હાસ્ય- છેલ્લા સાડા ત્રણ દાયકાથી એમાં કશો ફેરફાર જોયો ન હતો.
બાળપણથી પાઉલભાઇને જોયા છે. વિસ્તૃત પરિવારના સભ્ય તરીકે, માયાળુ વડીલ તરીકે, પ્રેમાળ -મૃદુભાષી અને વિદ્યાર્થીપ્રિય શિક્ષક તરીકે, સંઘર્ષ કરીને થાળે પડેલા અને નિવૃત્તિ પછી સંતાનોનાં સંતાનો સાથે સમય વીતાવતા કુટુંબના વડીલ તરીકે...
બા (પપ્પાનાં મમ્મી- કપિલાબહેન કોઠારી) જીવતાં હતાં ત્યારે ઘરમાં પાઉલભાઇ માટે ચા-પાણીના પ્યાલા અલગ રહેતા. કારણ કે એ ધર્મે ખ્રિસ્તી અને બા ચુસ્ત વૈષ્ણવ. બા જેટલાં રૂઢિચુસ્ત એટલાં જ પ્રેમાળ. એટલે પાઉલભાઇને અમારા ઘરમાં ઉપર ભણવાની વ્યવસ્થા કરી આપે, અને તેમનો પ્યાલો અલગ રાખે, એમાં તેમને મન કશો વિરોધાભાસ ન હતો. પાઉલભાઇના પિતા સિમોનભાઇ પણ ઘરે આવે. અમે એમને સુમનભાઇ કહેતા. જૂના ઘરના વચ્ચેના રૂમમાં એક ખાટ હતી. તેની પાટી ઢીલી થાય ત્યારે એની પાટી ભરવા માટે સુમનભાઇ આવે. પાઉલભાઇ એ વખતે મહેમદાવાદની શેઠ જે.એચ.સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. અસલમાં તે કનુકાકાના પ્રિય શિક્ષકવૃંદમાંના એક. એવી રીતે અમારા કુટુંબના પરિચયમાં આવ્યા.હું જન્મ્યો તે પહેલાં કે હું સાવ નાનો હોઇશ ત્યારે બીરેન પ્રત્યે તો એમને એવો ભાવ હતો કે એમના વચલા પુત્રનું નામ એમણે બીરેન પાડ્યું હતું. (અમારા કુટુંબના વિશિષ્ટ પાત્ર એવા કનુકાકા વિશે બીરેનના લેખની લિન્ક)
હું સમજણો થયો ત્યારે પાઉલભાઇ સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. વડાદરાવાડમાં ભાડાના ઘરમાં ઉપરના માળે રહે. બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પણ ત્યાં ટ્યુશન જાઉં. બિપીનભાઇ શ્રોફની દીકરી ગાર્ગી પણ સાથે ખરી. મારું એમને ત્યાં ટ્યુશન જવાનું તો ભણવાની એક ઔપચારિકતા પૂરી કરવા માટે. બાકી મોટે ભાગે પાઉલભાઇ જ અમારા ઘરે આવે.
જૂની બાંધણીના વિશાળ ઘરમાં અમે પહેલા માળે રહેતા. એના દાદરનું બારણું ખખડવાનો અવાજ આવે, એટલે ઉપરથી જે હોય તેની બૂમ પડેઃ ‘કોણ?’ અને એ બૂમના જવાબમાં સામેથી સહેજ ઊંચો થવા છતાં મૃદુતામાં ઝબકોળાયેલો અવાજ સંભળાય, ‘એ તો હું.’ એ પાઉલભાઇની સ્ટાઇલ. ઘરે એ નાસ્તો ભાગ્યે જ કરે અને ચા માટે કદી ના પાડે નહીં. નાસ્તાના આગ્રહનો પ્રતિકાર કરવા માટેનો એમનો ખાસ ડાયલોગ,‘પીવાનું આપો તો ઝેર પણ પી જઇશ.’ એ વખતે પાઉલભાઇ દાંડા વગરની લેડિઝ સાયકલ પર ફરતા. શરીર ભારે થવાની શરૂઆત પછી પણ તેમની સાયકલસવારી ચાલુ રહી હતી.
સામેવાળી વ્યક્તિ કોઇ પણ ઉંમરની હોય, પાઉલભાઇ બહુ સરળતા અને વિનમ્રતાથી તેની સાથે વાતચીત કરે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં પાઉલભાઇ એકમાત્ર એવા શિક્ષક હતા, જે વિદ્યાર્થીઓને માનાર્થે ‘તમે’ કહીને બોલાવતા. દસમા ધોરણ સુધી સોનાવાલા હાઇસ્કૂલમાં ચડ્ડી પહેરીને ફરતા અને કોઇ રીતે લેખામાં નહીં લેવાતા વિદ્યાર્થીઓને પાઉલભાઇ સાહેબના મોઢેથી ‘તમે’નું સંબોધન સાંભળીને ઊંડી ટાઢક વળતી હશે. તેમની એ ચેષ્ટાની મારા મન પર ઊંડી છાપ પડી હતી.
સ્કૂલમાં ફ્રી પિરીયડ હોય ત્યારે પાઉલભાઇની ડીમાન્ડ સૌથી વધારે. વિદ્યાર્થીઓ ઇચ્છે કે ફ્રી પિરીયડ લેવા પાઉલભાઇ સાહેબ જ આવે. એ મઘુર કંઠે કવિતા ગાય, હાવભાવ અને અવાજના પલટા સહિત નાટ્યાત્મક રીતે વાર્તા સંભળાવે, છંદ શીખવાડે. ક્યારેક ટ્યુશનમાં પણ સારા મૂડમાં હોય તો ભણવાનું પૂરું થયા પછી વાર્તા સંભળાવે. એવી રીતે, હું છઠ્ઠા-સાતમામાં ભણતો હોઇશ ત્યારે તેમણે સંભળાવેલી વાર્તા ‘મીં, ધોળિયાનો ધણી’ એના કથાનકને લીધે નહીં, પણ પાઉલભાઇની કહેણીની શૈલીને લીધે હજુ આજે પણ યાદ છે. ભાષા પ્રત્યેની પ્રાથમિક અભિરૂચિ કેળવવામાં-વિકસાવવામાં પાઉલભાઇનો ફાળો ઘણો હશે એવું અત્યારે વિચારતાં લાગે છે.
કઠોર થવું એમને ફાવે નહીં. એમની એ પ્રકૃતિ જ નહીં. ભણવા આવતાં છોકરાં પર હાથ ઉપાડવાનો તો કોઇ પ્રશ્ન જ નહીં. પણ એક વાર ટ્યુશનમાં તેમણે બે-ત્રણ છોકરાંને ફટકાર્યાં. હું એ દિવસે યોગાનુયોગે દૂર બેઠેલો, એટલે જ બચી ગયો. પણ નવાઇ બહુ લાગી. કારણ કે પાઉલભાઇનું એ સ્વરૂપ કદી જોયું ન હતું. બીજા દિવસે અમે ટ્યુશને ગયા, ત્યારે પાઉલભાઇએ અત્યંત દિલગીરીના ભાવથી કહ્યું કે ‘ગઇ કાલે કોઇ દવાની અસરને લીધે મને કંઇક થઇ ગયું હતું. એટલે મારો હાથ ઉપડી ગયો.’ ચોક્કસ શબ્દો યાદ નથી, પણ એમણે અમને, છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતાં છોકરાંને, સાફ શબ્દોમાં પહોંચે એવી રીતે અમારી માફી માગી હતી. કોઇ શિક્ષક માફી માગે એવી કલ્પના ત્યારે આવવી અઘરી હતી. ક્રારણ કે કળિયુગ ત્યારે શરૂ થઇ ચૂક્યો હતો. પણ પાઉલભાઇને એ હવા લાગી ન હતી.
અમારા અંગત સમીકરણોમાં જોકે ટ્યુશન ગૌણ હતું. પરિવારના સભ્ય તરીકે ઘરે આવતા-જતા પાઉલભાઇ એવા વડીલ હતા જે મમ્મી-પપ્પા સાથે વાત કરે, એટલી જ સહેલાઇથી અમારી સાથે ભળી જાય. ઉત્તરાયણના દિવસોમાં એ અમારી સાથે નળિયાં પર પતંગ ચડાવવા આવે. હું નવેનવો ચેસ શીખ્યો હતો અને બીરેનના મિત્ર વિપુલ રાવલ પાસે સરસ મેગ્નેટિક ચેસ હતી, એ લઇ આવ્યા હતા. તેનાં પ્યાંદાનાં તળિયે વેલ્વેટની નીચે ચુંબક હતું, જે ચેસબોર્ડ સાથે હળવેકથી ચોંટી જાય. પાઉલભાઇ સાહેબને ચેસ આવડતી ન હતી. એટલે એ કશા ક્ષોભસંકોચ વિના મારી પાસે ચેસ શીખે અને કહે પણ ખરા, ‘આમ હું તમારો ગુરુ, પણ ચેસમાં તમે મારા ગુરુ.’ આવું કહેવા માટે કેટલી સરળતા જોઇએ એ સમજી શકાય છે.
ઘરમાં ‘મિની ક્રિકેટ’ની એક રમત હતી. તેમાં મેદાન તરીકે લીલું કપડું પાથરવાનું. ફિલ્ડર તરીકે પ્લાસ્ટિકના ખેલાડીઓ હોય. એક તરફ નિસરણી જેવું સાધન હોય, તેની પરથી લોખંડનો છરો (બોલબેરિંગનો બોલ) ગબડાવવાનો. સામે ઉચ્ચાલનવાળું સાધન હોય, જેના છેડે પ્લાસ્ટિક કે લાકડાનું સાવ ટચૂકડું બેટ લગાડેલું હોય. તેનાથી બેટિંગ કરવાનું. ફિલ્ડરોના પહોળા પગની વચ્ચે બોલ ભરાઇ જાય, એટલે આઉટ. મિની ક્રિકેટ રમવાની કેટલી મઝા આવતી હતી, એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમે બાકાયદા દસ-દસ વિકેટો પ્રમાણે રમતા અને સ્કોર લખતી વખતે ભારત-પાકિસ્તાનના અસલી ખેલાડીઓનાં નામ લખતા. પાઉલભાઇ પણ અમારી એ રમતમાં સામેલ થતા. તેમણે હાથે લખેલા આવા સ્કોરની ડાયરીઓ ઘણા સમય સુધી ઘરમાં હતી અને આ લખતી વખતે તેમણે ત્રાંસા મરોડદાર અક્ષરે લખેલાં નામ આંખ સામે તરવરે છે. એવી જ રીતે, અમારા કૌટુંબિક વારસા જેવું લખોટીવાળું કેરમ પણ પાઉલભાઇ ઉત્સાહથી રમતા હતા.
તેમનો પ્રિય શબ્દ ‘દુષ્ટ’. કોઇના વિશે ખરાબ અભિપ્રાય આપવાનો થાય ત્યારે અથવા મીઠો ગુસ્સો કરવાનો થાય ત્યારે, પણ એકસરખી મૃદુતાથી એ આ શબ્દ બોલતા. એમની પાસેથી આ શબ્દ અમારા મોઢે એટલો ચઢી ગયો કે વર્ષો પછી ૧૯૯૭માં સોનાવાલા હાઇસ્કૂલમાં તેમના નિવૃત્તિ સમારંભ વખતે મારે બોલવાનું હતું ત્યારે મેં કહ્યું હતું કે પાઉલભાઇ અમારી જોડેથી ‘દુષ્ટ’ શબ્દની રોયલ્ટી માગે તો અમારે દેવાળું કાઢવું પડે. સ્કૂલમાં બધા શિક્ષકોની ખીજ કે ઉપનામ હતાં, પણ પાઉલભાઇ સાહેબને એ લાભ મળ્યો ન હતો, એ પણ ત્યારે યાદ કર્યું હતું.
ઘણાં વર્ષોથી પાઉલભાઇ નડિયાદ રહેવા ગયા હતા. આર્થિક રીતે સમૃદ્ધ હતા. તેમનાં એક બહેન જર્મની પરણ્યાં હતાં. બીજાં બહેન શારદાબેન સાધ્વી છે. એ બન્ને પણ અમારા પરિવાર સાથે એટલો સંબંધ રાખતાં અને રાખે છે. શારદાબહેન ત્રણેક વર્ષ પહેલાં નડિયાદ આવ્યાં ત્યારે ખાસ મહેમદાવાદ મમ્મીને મળવા આવ્યાં હતાં. પાઉલભાઇના ત્રણ પુત્રો જસુ, બીમલ અને બીરેન તો ખરા જ, પણ તેમની પત્નીઓ અને બાળકો પણ અમારા પરિવાર માટે એટલો જ ભાવ રાખે છે, જેટલો પાઉલભાઇ અને તેમનાં બોલકાં-પ્રેમાળ પત્ની શાંતાબહેને રાખ્યો. યુવાન વયે દીક્ષા લેનારાં પાઉલભાઇનાં દીકરી સરોજબહેન જ્યારે પણ મળે ત્યારે જૂની આત્મીયતાની ઉષ્મા છલકાતી હોય છે. એમાં તેમનું સાઘ્વી હોવું આડે આવતું નથી.
કનુકાકા છેલ્લાં વર્ષોમાં બીમાર પડ્યા ત્યારે પાઉલભાઇના બંગલાથી સાવ નજીક આવેલી હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા હતા. એ વખતે મમ્મી અને નાજુક તબિયત હોવા છતાં પપ્પા પંદરેક દિવસ સુધી પાઉલભાઇના ઘરે તેમના આખા પરિવાર સાથે રહ્યાં, પણ તેમને કદી એવું લાગ્યું નથી કે એ બીજા કોઇના ઘરે રહે છે. પાઉલભાઇ અને એમના આખા પરિવારે મમ્મી-પપ્પાને ઘરના વડીલોની જેમ જાળવ્યા અને પ્રેમ વરસાવ્યો.
કહેણી ભલે લગ્ન વિશે હોય કે ‘મેરેજીસ આર મેડ ઇન હેવન’, પણ આવા સંબંધો વિશે એવું લાગે છે કે એ જ્યાં હોય ત્યાં ‘હેવન’ બની જાય છે- તેની સ્વર્ગીય સુગંધ પથરાઇ જાય છે અને જીવનને અંદરથી સમૃદ્ધ- વધારે જીવવા જેવું બનાવે છે. પાઉલભાઇની યાદ તિથીતારીખ વિના ગમે ત્યારે આવતી રહેશે. તેમને અત્યંત ગમતું અને ઘરે આવે ત્યારે રેકોર્ડ પ્લેયર પર ખાસ સાંભળવાની ફરમાઇશ કરે તે ‘આગ’ ફિલ્મનું ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે, મોહે અપના કોઇ યાદ આયે રે’ સાંભળીશું ત્યારે તો ખાસ.
બપોરે પાઉલભાઇ વિશે બીરેનનો બ્લોગ વાંચવાની શરૂઆત કરી ત્યારે સાવ સ્વસ્થ હતો, પણ અડધે પહોંચ્યા પછી સ્વસ્થ રહેવું અશક્ય બની ગયું. પાઉલભાઇ સાહેબનાં સ્મરણો મનનાં ઉંડાણમાંથી સપાટી તોડીને બહાર આવવા લાગ્યાં. થોડા સમય સુધી એમનો પ્રવાહ નિરંકુશ વહેવા દીધો. પછી માંડ અટકાવીને બીજા કામે લાગ્યો.
હવે સાંજ વીતી ચૂકી છે. ‘પાઉલભાઇ સાહેબ નથી’નો અહેસાસ મનમાં બીજા સત્તર પ્રવાહોની વચ્ચે વારંવાર માથું કાઢી રહ્યો છેઃ પાઉલભાઇ સાહેબ નથી.. હવે એ કદી જોવા નહીં મળે...એ ભરાવદાર ચહેરો, ચહેરા પર પથરાયેલો સૌમ્યતાનો સ્થાયી ભાવ, મુક્ત છતાં મૃદુ અને સાવ ધીમા અવાજવાળું હાસ્ય- છેલ્લા સાડા ત્રણ દાયકાથી એમાં કશો ફેરફાર જોયો ન હતો.
પાઉલભાઇ પરિવારની ત્રણ પેઢી સાથે કનુકાકાઃ બેઠેલા સિમોનભાઇ, પાછળ બીમલ અને પાઉલભાઇ |
હું સમજણો થયો ત્યારે પાઉલભાઇ સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. વડાદરાવાડમાં ભાડાના ઘરમાં ઉપરના માળે રહે. બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પણ ત્યાં ટ્યુશન જાઉં. બિપીનભાઇ શ્રોફની દીકરી ગાર્ગી પણ સાથે ખરી. મારું એમને ત્યાં ટ્યુશન જવાનું તો ભણવાની એક ઔપચારિકતા પૂરી કરવા માટે. બાકી મોટે ભાગે પાઉલભાઇ જ અમારા ઘરે આવે.
જૂની બાંધણીના વિશાળ ઘરમાં અમે પહેલા માળે રહેતા. એના દાદરનું બારણું ખખડવાનો અવાજ આવે, એટલે ઉપરથી જે હોય તેની બૂમ પડેઃ ‘કોણ?’ અને એ બૂમના જવાબમાં સામેથી સહેજ ઊંચો થવા છતાં મૃદુતામાં ઝબકોળાયેલો અવાજ સંભળાય, ‘એ તો હું.’ એ પાઉલભાઇની સ્ટાઇલ. ઘરે એ નાસ્તો ભાગ્યે જ કરે અને ચા માટે કદી ના પાડે નહીં. નાસ્તાના આગ્રહનો પ્રતિકાર કરવા માટેનો એમનો ખાસ ડાયલોગ,‘પીવાનું આપો તો ઝેર પણ પી જઇશ.’ એ વખતે પાઉલભાઇ દાંડા વગરની લેડિઝ સાયકલ પર ફરતા. શરીર ભારે થવાની શરૂઆત પછી પણ તેમની સાયકલસવારી ચાલુ રહી હતી.
સામેવાળી વ્યક્તિ કોઇ પણ ઉંમરની હોય, પાઉલભાઇ બહુ સરળતા અને વિનમ્રતાથી તેની સાથે વાતચીત કરે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં પાઉલભાઇ એકમાત્ર એવા શિક્ષક હતા, જે વિદ્યાર્થીઓને માનાર્થે ‘તમે’ કહીને બોલાવતા. દસમા ધોરણ સુધી સોનાવાલા હાઇસ્કૂલમાં ચડ્ડી પહેરીને ફરતા અને કોઇ રીતે લેખામાં નહીં લેવાતા વિદ્યાર્થીઓને પાઉલભાઇ સાહેબના મોઢેથી ‘તમે’નું સંબોધન સાંભળીને ઊંડી ટાઢક વળતી હશે. તેમની એ ચેષ્ટાની મારા મન પર ઊંડી છાપ પડી હતી.
સ્કૂલમાં ફ્રી પિરીયડ હોય ત્યારે પાઉલભાઇની ડીમાન્ડ સૌથી વધારે. વિદ્યાર્થીઓ ઇચ્છે કે ફ્રી પિરીયડ લેવા પાઉલભાઇ સાહેબ જ આવે. એ મઘુર કંઠે કવિતા ગાય, હાવભાવ અને અવાજના પલટા સહિત નાટ્યાત્મક રીતે વાર્તા સંભળાવે, છંદ શીખવાડે. ક્યારેક ટ્યુશનમાં પણ સારા મૂડમાં હોય તો ભણવાનું પૂરું થયા પછી વાર્તા સંભળાવે. એવી રીતે, હું છઠ્ઠા-સાતમામાં ભણતો હોઇશ ત્યારે તેમણે સંભળાવેલી વાર્તા ‘મીં, ધોળિયાનો ધણી’ એના કથાનકને લીધે નહીં, પણ પાઉલભાઇની કહેણીની શૈલીને લીધે હજુ આજે પણ યાદ છે. ભાષા પ્રત્યેની પ્રાથમિક અભિરૂચિ કેળવવામાં-વિકસાવવામાં પાઉલભાઇનો ફાળો ઘણો હશે એવું અત્યારે વિચારતાં લાગે છે.
કઠોર થવું એમને ફાવે નહીં. એમની એ પ્રકૃતિ જ નહીં. ભણવા આવતાં છોકરાં પર હાથ ઉપાડવાનો તો કોઇ પ્રશ્ન જ નહીં. પણ એક વાર ટ્યુશનમાં તેમણે બે-ત્રણ છોકરાંને ફટકાર્યાં. હું એ દિવસે યોગાનુયોગે દૂર બેઠેલો, એટલે જ બચી ગયો. પણ નવાઇ બહુ લાગી. કારણ કે પાઉલભાઇનું એ સ્વરૂપ કદી જોયું ન હતું. બીજા દિવસે અમે ટ્યુશને ગયા, ત્યારે પાઉલભાઇએ અત્યંત દિલગીરીના ભાવથી કહ્યું કે ‘ગઇ કાલે કોઇ દવાની અસરને લીધે મને કંઇક થઇ ગયું હતું. એટલે મારો હાથ ઉપડી ગયો.’ ચોક્કસ શબ્દો યાદ નથી, પણ એમણે અમને, છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતાં છોકરાંને, સાફ શબ્દોમાં પહોંચે એવી રીતે અમારી માફી માગી હતી. કોઇ શિક્ષક માફી માગે એવી કલ્પના ત્યારે આવવી અઘરી હતી. ક્રારણ કે કળિયુગ ત્યારે શરૂ થઇ ચૂક્યો હતો. પણ પાઉલભાઇને એ હવા લાગી ન હતી.
અમારા અંગત સમીકરણોમાં જોકે ટ્યુશન ગૌણ હતું. પરિવારના સભ્ય તરીકે ઘરે આવતા-જતા પાઉલભાઇ એવા વડીલ હતા જે મમ્મી-પપ્પા સાથે વાત કરે, એટલી જ સહેલાઇથી અમારી સાથે ભળી જાય. ઉત્તરાયણના દિવસોમાં એ અમારી સાથે નળિયાં પર પતંગ ચડાવવા આવે. હું નવેનવો ચેસ શીખ્યો હતો અને બીરેનના મિત્ર વિપુલ રાવલ પાસે સરસ મેગ્નેટિક ચેસ હતી, એ લઇ આવ્યા હતા. તેનાં પ્યાંદાનાં તળિયે વેલ્વેટની નીચે ચુંબક હતું, જે ચેસબોર્ડ સાથે હળવેકથી ચોંટી જાય. પાઉલભાઇ સાહેબને ચેસ આવડતી ન હતી. એટલે એ કશા ક્ષોભસંકોચ વિના મારી પાસે ચેસ શીખે અને કહે પણ ખરા, ‘આમ હું તમારો ગુરુ, પણ ચેસમાં તમે મારા ગુરુ.’ આવું કહેવા માટે કેટલી સરળતા જોઇએ એ સમજી શકાય છે.
જૂના ઘરમાં (ડાબેથી) બીરેન, પાઉલભાઇ, ઉર્વીશઃ જે ટેબલ પર હું બેઠો છું, એ જ ટેબલની સામસામી બે ખુરશીઓ પર બેસીને અમે ચેસ રમતા હતા |
તેમનો પ્રિય શબ્દ ‘દુષ્ટ’. કોઇના વિશે ખરાબ અભિપ્રાય આપવાનો થાય ત્યારે અથવા મીઠો ગુસ્સો કરવાનો થાય ત્યારે, પણ એકસરખી મૃદુતાથી એ આ શબ્દ બોલતા. એમની પાસેથી આ શબ્દ અમારા મોઢે એટલો ચઢી ગયો કે વર્ષો પછી ૧૯૯૭માં સોનાવાલા હાઇસ્કૂલમાં તેમના નિવૃત્તિ સમારંભ વખતે મારે બોલવાનું હતું ત્યારે મેં કહ્યું હતું કે પાઉલભાઇ અમારી જોડેથી ‘દુષ્ટ’ શબ્દની રોયલ્ટી માગે તો અમારે દેવાળું કાઢવું પડે. સ્કૂલમાં બધા શિક્ષકોની ખીજ કે ઉપનામ હતાં, પણ પાઉલભાઇ સાહેબને એ લાભ મળ્યો ન હતો, એ પણ ત્યારે યાદ કર્યું હતું.
ઘણાં વર્ષોથી પાઉલભાઇ નડિયાદ રહેવા ગયા હતા. આર્થિક રીતે સમૃદ્ધ હતા. તેમનાં એક બહેન જર્મની પરણ્યાં હતાં. બીજાં બહેન શારદાબેન સાધ્વી છે. એ બન્ને પણ અમારા પરિવાર સાથે એટલો સંબંધ રાખતાં અને રાખે છે. શારદાબહેન ત્રણેક વર્ષ પહેલાં નડિયાદ આવ્યાં ત્યારે ખાસ મહેમદાવાદ મમ્મીને મળવા આવ્યાં હતાં. પાઉલભાઇના ત્રણ પુત્રો જસુ, બીમલ અને બીરેન તો ખરા જ, પણ તેમની પત્નીઓ અને બાળકો પણ અમારા પરિવાર માટે એટલો જ ભાવ રાખે છે, જેટલો પાઉલભાઇ અને તેમનાં બોલકાં-પ્રેમાળ પત્ની શાંતાબહેને રાખ્યો. યુવાન વયે દીક્ષા લેનારાં પાઉલભાઇનાં દીકરી સરોજબહેન જ્યારે પણ મળે ત્યારે જૂની આત્મીયતાની ઉષ્મા છલકાતી હોય છે. એમાં તેમનું સાઘ્વી હોવું આડે આવતું નથી.
(ડાબેથી) પાઉલભાઇનો વચલો પુત્ર બીરેન, મમ્મી, પાઉલભાઇનાં બહેન શારદાબહેન, પુત્રી સરોજબહેન, બીરેનનાં પત્ની |
કહેણી ભલે લગ્ન વિશે હોય કે ‘મેરેજીસ આર મેડ ઇન હેવન’, પણ આવા સંબંધો વિશે એવું લાગે છે કે એ જ્યાં હોય ત્યાં ‘હેવન’ બની જાય છે- તેની સ્વર્ગીય સુગંધ પથરાઇ જાય છે અને જીવનને અંદરથી સમૃદ્ધ- વધારે જીવવા જેવું બનાવે છે. પાઉલભાઇની યાદ તિથીતારીખ વિના ગમે ત્યારે આવતી રહેશે. તેમને અત્યંત ગમતું અને ઘરે આવે ત્યારે રેકોર્ડ પ્લેયર પર ખાસ સાંભળવાની ફરમાઇશ કરે તે ‘આગ’ ફિલ્મનું ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે, મોહે અપના કોઇ યાદ આયે રે’ સાંભળીશું ત્યારે તો ખાસ.
પાઉલભાઇ સાહેબને વિદાયની સલામ કેથલિક કબ્રસ્તાન, નડિયાદ, 26-3-2013 |
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી,
પાઉલભાઇ
Sunday, March 24, 2013
સ્વામી આનંદની અને ગુજરાતી ભાષાની ‘જૂની મૂડી’
દીક્ષાએ રામકૃષ્ણમાર્ગી સાઘુ, વૃત્તિએ ગાંધીવાદી સેવક અને શૈલીએ સવાયા સાહિત્યકાર એવા સ્વામી આનંદે લખાણો ઉપરાંત એક વિશિષ્ટ પુસ્તક દ્વારા ગુજરાતી ભાષાની અનોખી સેવા કરી. એ પુસ્તક એટલે ઘસાતાભૂંસાતા પ્રાણવાન ગુજરાતી શબ્દો-શબ્દપ્રયોગોનું સંકલન ‘જૂની મૂડી’
Swami Anand/ સ્વામી આનંદ (photo: Jagan Mehta) |
હમણાં જરા ઠંડું પડ્યું લાગે છે, બાકી વચ્ચે માતૃભાષાને બચાવવાનું ઉપાસણ ઠીક ચાલ્યું હતું. પોતપોતાનાં પોતરાં-દોહિતરાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં થઇ ગયાં એટલે ગુજરાતી મરી પરવારશે એવું માની બેઠેલા દાદાઓ અને બીજા કેટલાક માતૃભાષાપ્રેમીઓ ભાષાને બચાવવા મેદાને પડ્યા હતા.
માતૃભાષા ટકે,વધે, વિસ્તરે એ કયા ગુજરાતીપ્રેમીને ન ગમે? પણ આવું કામ ફક્ત મંચ પરથી ચિંતા કરવાથી, રેલીઓ કાઢવાથી કે વિશ્વ માતૃભાષાદિન ઉજવવાથી કે જોડણીચર્ચાઓથી થઇ જશે, એવું માનવા-મનાવવામાં ઘણી વાર અહમ્ ગંધાય છે. એવી ચર્ચાઓમાં જાણેઅજાણે એવું સંભળાય છે કે ‘ગુજરાતી બોલનારા-લખીવાંચી શકનારા લાખો લોકો કશા હિસાબમાં નથી. ભાષાની ચિંતા કરનારા તો અમે જ છીએ અને ભાષા અમે બચાવીશું તો (જ) બચશે.’
શકટનો ભાર તાણતા શ્વાનની કહેણી યાદ કરીને શ્વાન કે શકટ કે માતૃભાષાઉદ્ધારકો કોઇનું અવમૂલ્યન કરવાનો ઇરાદો નથી, પણ લોકભાષાથી છેડો ફાડીને કે માતૃભાષાને ‘જ્ઞાનભાષા’ બનાવવાના પ્રયાસોની ધરાર અવગણના કરીને માતૃભાષા બચાવવાના પ્રયાસ કરવા, એ અગાસીમાં તરવાની તાલીમ આપવા જેવા ગણાય. આ તારણમાં કશું નવું કે નવાઇનું નથી. અસલી વાંધા અમલના છે. એટલે જ, ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્ગોમંડળ’ જેવા ગુજરાતી કોશો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બન્યા તેનો ઘણો આનંદ છે અને એનાથી પણ થોડો વધારે આનંદ ‘ગુજરાતીલેક્સિકન’ www.gujaratilexicon.com જેવી વેબસાઇટ પર શરૂ થયેલી ‘લોકકોશ’ જેવી પહેલથી થાય છે. તેમાં એક તરફ બોલચાલમાં રૂઢ થઇને ‘ગુજરાતી’ બની ગયેલા અંગ્રેજી શબ્દો સમાવવામાં આવે છે, તો સાથોસાથ બોલચાલમાંથી ભૂંસાતા જતા અને ‘નવી પેઢીને એના અર્થ ખબર નહીં સમજાય’ એ પ્રકારના શબ્દો પણ તેમાં અર્થ સહિત સામેલ કરવામાં આવે છે.
પ્રચલિત શબ્દો ભૂંસાતા જવાનું એક કારણ છેઃ સમુહમાઘ્યમોનું મર્યાદિત શબ્દભંડોળ. લોકબોલીના અર્થસભર અને સહેલા શબ્દો લખાતા બંધ થાય એટલે લાંબા ગાળે તે પચીસ-પચાસ પૈસાના સિક્કાની જેમ ચલણમાંથી નીકળતા જાય છે અને એક તબક્કો એવો આવે છે, જ્યારે લખનારા (જાતે જ) જાહેર કરી દે છે,‘જવા દો. આ શબ્દ ગુજરાતીમાં લખીશું તો લોકોને નહીં સમજાય.’ આવા લુપ્ત થવાના આરે ઉભેલા શબ્દોમાં જીવ આવે તો એ જરૂર લેખકોનો કાંઠલો પકડીને કહે,‘તમે જ અમારા કાતિલ છો અને અમને મારી નાખ્યા પછી હાથ ધોઇને, તમે જ તબીબની અદામાં અમને મરેલા જાહેર કરો છો? શરમાવ જરા.’
ચારેક દાયકા પહેલાં સ્વામી આનંદે આવા શબ્દો-રૂઢિપ્રયોગો-કહેવતો-કથાનકોનું સંપાદન-સંકલન ‘જૂની મૂડી’ નામે કર્યું હતું, જે ૧૯૮૦માં સ્વામીના અવસાનનાં ચાર વર્ષ પછી પ્રકાશિત થયું. એન.એમ.ત્રિપાઠી પ્રકાશનનું ખાસ્સાં ૨૫૦થી પણ વઘુ પાનાંનું એ પુસ્તક ‘ગદ્યસ્વામી’ ગણાતા રામકૃષ્ણમાર્ગી-ગાંધીવાદી સ્વામી આનંદે ગુજરાતીભાષીઓને આપેલી વિશિષ્ટ છતાં વિસરાયેલી ભેટ છે. ધસમસતી શૈલી અને રામબાણ અભિવ્યક્તિ માટે જાણીતા સ્વામી આનંદે પુસ્તકના ‘પ્રાસ્તાવિક’માં લખ્યું હતું, ‘ભાષા એ ધરતી પરનો પાણી વીરડો છે. જનવાણી એ એની અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડાં પાણી ભરી લ્યો. ન ઉલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે. એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વીરડો મૅલો ને બંધિયાર બની જશે. ભાષારૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઇને પ્રજાના વાપર માટે નરવું થયું ગણાય.’
આ બધી સામગ્રી ‘આથમી ગયેલા અગર તો આથમણી ક્ષિતિજે અડી ચૂકેલા જમાનાની છે’ એમ કહીને સ્વામીએ લખ્યું હતું કે અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે પાશ્ચાત્ય પ્રજાઓ જુનવાણી શબ્દો-રૂઢિપ્રયોગોને નવા અને નરવા અર્થભાવનાં ટોનિક પૂરીને ભાષાના હાડને પુષ્ટ રાખે છે, જ્યારે ‘આપણે ત્યાં આજનો આપણો શિષ્ટવર્ગ એવી સામગ્રીના વાપર સામે મોં મચકોડે છે.’ (‘ઉપયોગ’ને બદલે ‘વાપર’ જેવો પ્રયોગ હવે ભાગ્યે જ વાંચવા મળે છે)
મૂળશંકર મો.ભટ્ટ અને નટવરલાલ પ્ર.બૂચ જેવા સાથીદારોની મદદથી સ્વામી આનંદ પાસે રહેલી ‘જૂની મૂડી’નું તેમના ધોરણ પ્રમાણેનું સંકલન-સંપાદન શક્ય બન્યું. છાપકામમાં ચોક્સાઇ માટેના સ્વામી આનંદના આગ્રહો ઘણાને અકળાવી મૂકે એટલી હદના હતા. એ કારણથી વર્ષો સુધી સ્વામીએ તેમનાં લખાણો ગ્રંથસ્થ થવા દીધાં ન હતાં. ગમે તે વ્યક્તિ મનફાવે તેેમ એમનાં લખાણ છાપી શકે નહીં, એટલે એ નિસ્પૃહ સાઘુ કોપીરાઇટના કડક આગ્રહી હતા. પરંતુ ‘જૂની મૂડી’માં સંપાદકોની કામગીરીથી સ્વામી એટલા પ્રસન્ન થયા કે એ પુસ્તકના હક નટવરલાલ પ્ર.બૂચને આપી દેવા તેમણે દરખાસ્ત મૂકી હતી. અલબત્ત, બૂચસાહેબે એનો સવિનય અસ્વીકાર કર્યો.
Swami Anand-Ravishankar Maharaj/ સ્વામી આનંદ- રવિશંકર મહારાજ |
‘જૂની મૂડી’ના પહેલા વિભાગમાં કક્કાવારી પ્રમાણે શબ્દોના અર્થ અને સંબંધિત વિગત, બીજા વિભાગમાં રૂઢિપ્રયોગો તથા ત્રીજા વિભાગમાં કહેવતો-કથાનકો મૂકવામાં આવ્યાં છે. સ્વામીએ પ્રાસ્તાવિકમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ‘આ સંગ્રહને કોશ ગણવાની ભૂલ કોઇ ન કરે. કોશને માટે અનિવાર્ય એવું કશું ટેક્નિક કે જરૂરી એવી કશી સંપૂર્ણતા આ સંગ્રહમાં આણવાનો મુદ્દલ પ્રયત્ન કર્યો નથી...ભૂલ્યેચૂક્યે પણ કોઇ એને કોશ ગણીને માત્ર સંદર્ભની ચોપડી તરીકે કબાટમાં ન મૂકે, પણ છાપા કે માસિકના અંકની જેમ ગમે ત્યારે ઉપાડીને ગમે ત્યાંથી વાંચવા લાયક ભાષા કે સાહિત્યની ચોપડી તરીકે ગણે એટલી જ નેમ રાખી છે.’
‘જૂની મૂડી’માં સમાવાયેલા શબ્દોમાંથી ઘણા ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્ગોમંડળ’માં જોવા મળશે, પરંતુ કેટલાક શબ્દો નીતાંત બોલચાલની ભાષાના અને એવી જ સુગંધ ધરાવતા છે. અમુક શબ્દોના અર્થ આપતી વખતે સ્વામીએ તેમાં પોતાની સમજણ ઉમેરીને, અર્થ વધારે ઉઘાડી આપ્યા છે. ઉદાહરણ તરીકે ‘ભયો ભયો’. આ શબ્દપ્રયોગ કોઇ કામ સંતોષકારક રીતે પૂરું થાય ત્યારે વપરાય છે, પણ સ્વામીએ નોંઘ્યું છે કે અસલમાં બિહારના ગયા તીર્થમાં શ્રાદ્ધ કરનારા બ્રાહ્મણોની વિધિમાંથી આ પ્રયોગ આવ્યો છે. પિતૃઓ સ્વર્ગે જાય એવી ઇચ્છા ધરાવતા લોકો પાસેથી બ્રાહ્મણોનો મુખી અનેક પ્રકારની દક્ષિણાઓ માગે. ખાસ્સી રકઝક પછી એ કંકુવાળા થાળામાં હાથ બોળીને જાત્રાળુની પીઠે થાપો મારે અને કહે, ‘જા તેરે પિતર સરગ ભયે.’
ઘણી વાર આવનારા ‘યજમાન’ ગરીબ હોય એટલે દક્ષિણા માટે ઘણી રકઝક થાય. યજમાન હાથ જોડીને ગોરને કરગરે: ‘દેવતા, અમે ગરીબ છીએ, ભલા થઇને આટલું લઇ લ્યો ને ‘ભયો’ કરો.’ છેવટે ખેંચતાણ પછી મુખી તેમની દક્ષિણા લે અને ‘જા તેરે પિતર સરગ ભયે’ કહીને જાત્રાળુનો છૂટકારો કરે. આનું નામ તે ‘ભયો ભયો.’
‘હુલ આપવી’ એવો શબ્દપ્રયોગ હજુ ઘણી વાર થાય છે. ‘સાર્થ જોડણીકોશ’માં ‘હુલ’નો અર્થ નથી, પણ ‘જૂની મૂડી’માં સ્વામીએ એ આપ્યો છેઃ ‘એક જાતનો આશરે આઠદસ આંગળ લાંબો લોઢાનો અણીદાર ઉંદરપૂંછો સળિયો જેને બીજે છેડે એક ગઠ્ઠા સાથે લોઢાની કડીઓવાળી ત્રણચાર ઇંચ લાંબી પાંચસાત સાંકળીઓ જડેલી હોય છે. તાજિયા વખતે રોતાકૂટતા મુસલમાનો આવી હુલો ઉછાળી ઉછાળીને પોતાની છાતી ઉપર કે શરીરના બીજા ભાગો ઉપર મારતા હોય છે.’
અર્નેસ્ટ હેમિંગ્વેની વિખ્યાત કૃતિ ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ને ‘માછી, ભાભો ને મેરામણ’ તરીકે ઓળખાવનારા સ્વામી આનંદે ‘એ બુલ ઇન એ ચાઇનાશોપ’ માટે કરેલો ‘ચીની ચલાણાંની દુકાનમાં ગોધો’ જેવો પ્રયોગ પણ આ પુસ્તકમાં જોવા મળે છે. ‘ગોટલી મારવી’ એટલે કામચોરી કરવી એવો અર્થ ‘સાર્થ જોડણીકોશ’માં છે, પણ સ્વામીએ વધારાની માહિતી આપતાં લખ્યું છે,‘આ શબ્દ સત્યાગ્રહ આંદોલનોના કાળ દરમિયાન જેલોમાં કામ કરવા અંગે ટાળાટાળી કરનાર રાજદ્વારી કેદીઓમાં પ્રચાર પામ્યો.’ સ્ત્રી એક ઘર છોડીને બીજું ઘર કરે તેના માટે સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દ ‘ઘઘરણું’ને સ્વામીએ‘ઘરઘરણું’ તરીકે નોંધીને તેનો મૂળ સંસ્કૃત શબ્દ આપ્યો છેઃ ગૃહગ્રહણમ્. એટલે કે પાણિગ્રહણમ્ નહીં, પણ નવેસરથી ઘર શોધવું તે.
કોઇ પણ ભાષાપ્રેમી એવું ન ઇચ્છે કે જૂના શબ્દો-પ્રયોગોને ઝનૂનથી વળગી રહેવું ને નવાથી છેટા રહેવું. પરંતુ જૂના શબ્દો પ્રસ્તુત હોય, ઉપયોગી હોય અને અકસીર પણ હોય, છતાં એ ફક્ત જૂના હોય એટલા કારણથી તેમને દફનાવી દેવાની વૃત્તિ યોગ્ય લાગતી નથી. એમ કરવાથી ભાષાની નદી ખાબોચિયામાં ફેરવાય છે. શબ્દો સાથે ફક્ત ભાષા જ નહીં, સંસ્કૃતિ પણ સંકળાયેલી છે એ ઘ્યાનમાં રાખતાં અણદેખીતા વ્યાપક નુકસાનનો અંદાજ પણ માંડી શકાય.
ભાષાના ક્ષેત્રમાં પોતે એક વિદ્વાન ભાષાશાસ્ત્રી તરીકે સાધિકાર નહીં, પણ ભાષાના પ્રેમી-ઉપાસક તરીકે ‘અનધિકાર પ્રવેશ’ કર્યાના ભાવ સાથે સ્વામી આનંદે લખ્યું છે, ‘આમ અમુક સાક્ષરો કે શાણા સજ્જનોની નજરમાં હું કસૂરવાર ઠરું એમ છું. છતાં જાણી-સમજીને આ બઘું કરવા બદલ તેમનો ક્ષમાપ્રાર્થી છું.’
-અને સ્વામી આનંદે આજીવન સંચિત કરીને આપણને-ગુજરાતીઓને આપેલી ‘જૂની મૂડી’ જાણી-સમજીને ખોઇ નાખવા બદલ આપણે કોની ક્ષમા માગીશું?
Thursday, March 21, 2013
’સાર્થક પ્રકાશન’ના ગ્રાહક-વાચકો માટે એક વિશિષ્ટ તક
’સાર્થક પ્રકાશન’નો એક મુખ્ય આધાર વાચકો-શુભેચ્છકો-વાચનપ્રેમીઓનો સહયોગ છે. તેનું મુખ્ય ધ્યેય
પણ વાચકો સાથે સીધો નાતો સ્થાપવાનું છે. એ દૃષ્ટિએ,
મિત્ર પ્રણવ અધ્યારુના શબ્દોમાં કહીએ તો, વાચકો અમારા ’વેન્ચર
કેપિટલિસ્ટ’ છે એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.
આ લાગણીના પડઘારૂપે અને આગોતરી
નોંધણીના પ્રોત્સાહક પ્રતિભાવથી પ્રેરાઇને સાર્થક પ્રકાશને નક્કી કર્યું છે કે પુસ્તકોના
વિમોચન કાર્યક્રમ વખતે મંચ પર ગુજરાતી સાહિત્યના દિગ્ગજ મહાનુભાવો અને સાર્થક
પ્રકાશનના કાર્યવાહકો ઉપરાંત ગ્રાહક-વાચકોના એક પ્રતિનિધિને પણ નિમંત્રીત કરવા.
એ માટે ૩૧ માર્ચ,૨૦૧૩ સુધી એક કે વધુ પુસ્તકોનો ઓર્ડર મોકલનારા સૌ ગ્રાહક-વાચકોનાં
નામમાંથી કોઇ એક નામ લોટરીપદ્ધતિથી પસંદ કરવામાં આવશે. (આ પસંદગીપ્રક્રિયાની વિડીયો પણ મૂકવામા આવશે.) લોટરીમાં
નીકળેલું નામ વિદેશસ્થિત ગ્રાહક-વાચકનું હોય તો એ પોતાના બદલે પોતાના પ્રતિનિધિને
મોકલી શકશે. એ શક્ય ન હોય તો તેમની મંજૂરીથી બીજા નામ માટે ચિઠ્ઠી ઉપાડવામાં આવશે.
આ રીતે લોટરી
પદ્ધતિથી પસંદ થયેલા એ ગ્રાહક-વાચકને વિમોચન વખતે મંચ પર ગુજરાતી લેખનના દિગ્ગજો
સાથે મોજૂદ રહેવાની અભૂતપૂર્વ તક મળશે. ગ્રાહક-વાચકોને આ
રીતે પણ ’સાર્થક પ્રકાશન’નો
હિસ્સો બનાવતાં અમને આનંદ થશે. અત્યાર સુધીમાં ઓર્ડર નોંધાવી ચૂકેલા સૌ
ગ્રાહક-વાચકોનાં નામ આપોઆપ લોટરી માટેની યાદીમાં આવી જાય છે.
પુસ્તકોની વિગત
૧. લાઇટહાઉસ- ધૈવત
ત્રિવેદી
(ગુજરાત સમાચારની
રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા)
સાઇઝ- ૮.૫ ઇંચ
બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૪૦૦
કિંમત- રૂ.૩૨૫
૨. ગાતા રહે મેરા
દિલ- સલિલ દલાલ
(૯ ફિલ્મી
ગીતકારોનું જીવનકવન, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ
બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૬
કિંમત- રૂ.૨૫૦
૩. ગુજરા હુઆ જમાના-
કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ
અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત
સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી)
સાઇઝ- ૮.૫ ઇંચ
બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦
૪. સરદારઃ સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી
(સરદાર પટેલના
જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ
બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૦
કિંમત – રૂ.૨૫૦
આ પુસ્તકોનું બુકિંગ
અત્યારે ફક્ત નામ-સરનામું-મોબાઇલ નંબર- ઇ-મેઇલ એડ્રેસ મોકલીને કરાવી શકાય છે. ૬ એપ્રિલ, ૨૦૧૩ સુધી ઉપર જણાવેલી કિંમત પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે.
ચારેય પુસ્તકોનો ઓર્ડર આપનારને
રૂ.૧,૧૨૫ની
કિંમતનાં આ પુસ્તકો ફક્ત રૂ.૮૦૦માં મળશે. (પોસ્ટેજ અલગથી ગણાશે.)
સાર્થક પ્રકાશન
૩, રામવન, નિર્માણ હાઇસ્કૂલ પાસે, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫
Tuesday, March 19, 2013
ભારત-ઇટાલી તનાવઃ ‘રાષ્ટ્રવાદ’ અને અસલિયત
સરેરાશ ભારતવાસીઓ માટે ઇટાલી એટલે પિત્ઝા અને સોનિયા ગાંધી. કૌભાંડરસિક જનતાને બોફર્સ સોદામાં ખરડાયેલા ક્વોત્રોકિનું નામ યાદ આવે, તો ઇતિહાસના પાકા લોકોને યાદ આવે કે ઇટાલીનાં સામાન્ય પરિવારનાં પુત્રી સોનિયા મેઇનોએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી લાંબા સમય સુધી ભારતનું નાગરિકત્વ લીઘું ન હતું. અલબત્ત, ઘણા વખતથી તે ભારતનાં નાગરિક બની ચૂક્યાં છે. અને અમદાવાદના પિત્ઝામાં રહ્યું છે એટલું જ- નામ પૂરતું- ઇટાલીપણું સોનિયા ગાંધીમાં રહ્યું હશે. છતાં, તેમનું ઇટાલિયન કુળ વિપક્ષોનું મનગમતું અને હાથવગું મહેણાસ્ત્ર છે.
સોનિયા ગાંધી સામે વાંધો પાડવા જવાબદારી વગરની સત્તાના ભોગવટાથી માંડીને એકહથ્થુ શાસન જેવા અનેક મુદ્દા છે. એને બદલે, સોનિયા ગાંધીનું ઇટાલિયન હોવું, એ વર્ષો પછી પણ ભારતના રાજકારણનો એક અગત્યનો મુદ્દો બને અને ‘રાષ્ટ્રવાદીઓ’ને તેની સામે સતત વાંધો પડે, એ ‘રાષ્ટ્રવાદ’ના ખ્યાલની સંકુચિતતા અને રાજકારણનું છીછરાપણું દર્શાવે છે.
ઇટાલી થોડાં અઠવાડિયાથી વઘુ એક વાર ભારતનાં મથાળાંમાં ચમક્યું છે. સૌથી પહેલાં, ઇટાલિયન કંપની અગુસ્તાવેસ્ટલેન્ડ સાથે થયેલા હેલિકોપ્ટર સોદામાં કટકીનો મામલો આવ્યો. એમાં ભારતના વાયુદળના ભૂતપૂર્વ વડા સુધી રેલો પહોંચ્યો. તેનો વિવાદ શમે એ પહેલાં હત્યાના આરોપસર ભારતમાં કસ્ટડીમાં રખાયેલા ઇટાલીના નૌકાદળના બે સૈનિકોના મુદ્દે ઇટાલી અને ભારત આમનેસામને આવી ગયાં છે. પાછા ફરવાની બાંહેધરી સાથે ઇટાલી ગયા પછી સૈનિકો તો સૈનિકો, ખુદ ઇટાલીની સરકાર નામકર ગઇ છે અને સૈનિકો પાછા નહીં આવે, એવું ભારતને કહી દેવામાં આવ્યું છે.
ભારતને શરમજનક સ્થિતિમાં મૂકતા આ ઘટનાક્રમ વિશે વાત કરતાં પહેલાં, તેની સાથે સીધો સંબંધ કે સરખામણી ન હોય એવો, પહેલા વિશ્વયુદ્ધ પછીનો એક બનાવ સાંભરે છે.
મુસોલિનીના જમાનામાં...
ઇટાલીનો ફાસીવાદી શાસક મુસોલિની સરમુખત્યાર જેવી સત્તા અને આક્રમક રાષ્ટ્રવાદના ઘાતક સંયોજન માટે કુખ્યાત હતો. યુરોપના દેશોમાં મહત્ત્વની દૃષ્ટિએ ઇટાલીનું વજૂદ ખાસ કશું નહીં, પણ મુસોલિનીને કોઇ પણ હિસાબે મોટા દેખાવાના બહુ ધખારા હતા. લોકશાહી પ્રત્યે ભારોભાર અવિશ્વાસ અને ફાસીવાદી માનસિકતા ધરાવતા શાસકો પોતાના અપમાનને દેશનું અપમાન અને પોતાના જયજયકારને દેશના જયજયકાર તરીકે ખપાવવામાં ઉસ્તાદ હોય છે. મુસોલિની પણ ઇટાલીનો- એટલે કે પોતાનો- છાકો પાડવા માટે બહુ આતુર હતો. ૧૯૨૩માં તેને એવી તક મળી.
યુરોપના બે દેશો ગ્રીસ અને આલ્બેનિયા વચ્ચે સરહદની તકરાર હતી. એની વાટાઘાટો માટે ‘કોન્ફરન્સ ઓફ એમ્બેસેડર્સ’ તરીકે ઓળખાતી એલચીસભાની બેઠક ચાલતી હતી. એ વખતે ગ્રીસના કેટલાક લૂંટારાએ સરહદ નજીકના વિસ્તારમાં ઇટાલીના પ્રતિનિધિ અને તેના સાથીદારની હત્યા કરી. ‘રાષ્ટ્રવાદી’ (એટલે કે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રપ્રેમ જેવી લાગણીને વટાવી ખાનાર) મુસોલિની રાજાપાઠમાં આવી ગયો. ઇટાલીના પ્રતિનિધિના હુમલા માટે તેણે આખા ગ્રીસ દેશને દોષી ઠેરવ્યો અને કહ્યું કે ગ્રીસે ઇટાલીની મદદથી પાંચ દિવસમાં હત્યારાઓને શોધીને ફાંસી આપવી. આટલેથી સંતોષ ન થતાં મુસોલિનીએ જાહેર કર્યું કે હત્યાનો શોક વ્યક્ત કરવા માટે ઇટાલીની જેમ ગ્રીસે પણ તેનો ઘ્વજ અરધી કાઠીએ ફરકાવવો અને દંડ પેટે ઇટાલીના ચલણમાં પાંચ કરોડ લીરા ભરપાઇ કરવા.
હત્યાની તપાસમાં સહકાર આપવાની ગ્રીસની તૈયારી હતી, પણ મુસોલિનીની જમાદારી સામે તેણે વિરોધ નોંધાવ્યો. બસ, મુસોલિનીને આવી કોઇ ઉશ્કેરણીની જ તલાશ હતી. તેણે ગ્રીસના કોર્ફુ ટાપુ પર હુમલો કરીને ત્યાં ઇટાલીનો કબજો જમાવી દીધો.
એ વખતે અત્યારના સંયુક્ત રાષ્ટ્રસંઘ ‘યુનો’થી પણ વધારે નબળી બે સંસ્થાઓ ‘રાષ્ટ્રસંઘ’ અને આગળ જણાવેલી એલચીસભા મોજૂદ હતી. તેમાં રહેલા દેશોને ન્યાયમાં નહીં, ફક્ત પોતાના હિતમાં રસ હતો. તેમણે ઇટાલીની તરફેણમાં ચુકાદો આપ્યો. છેવટે, ગ્રીસે પાંચ કરોડ લીરાની ખંડણી ભરી અને સામાન્ય રીતે મુસોલિનીનાં કરતૂત ભણી આંખ આડા કાન કરતા બ્રિટને તેને ચીમકી આપી, ત્યારે મુસોલિનીએ કોર્ફુ ટાપુનો કબજો છોડ્યો. પરંતુ વટ પાડવાનો અને ધોંસ જમાવવાનો તેનો હેતુ સિદ્ધ થઇ ચૂક્યો હતો.
હાથમાં તેની બાથમાં
ફેબ્રુઆરી, ૨૦૧૨. કેરળ નજીક ભારતની દરિયાઇ હદમાં એક ટેન્કર અને એક સ્થાનિક માછીમાર નૌકા આમનેસામને થઇ ગયાં. ટેન્કરમાં તેના સ્ટાફ ઉપરાંત છ ઇટાલિયન નૌસૈનિકો હતા. આરોપ પ્રમાણે, તેમણેે કશી ઉશ્કેરણી વિના માછીમાર નૌકા પર ગોળીબાર કર્યો. તેમાં કેરળના બે માછીમારો માર્યા ગયા.
આ સમય ૧૯૨૩નો નહીં, ૯૦ વર્ષ પછીનો હતો. એટલે મુસોલિનીના અંદાજમાં આખેઆખા ઇટાલીને દોષી ઠરાવવાનો સવાલ ન હતો, પણ ભારતના તટરક્ષક દળે ટેન્કરને આંતરીને હત્યાના આરોપસર ઇટાલીના બે નૌસૈનિકોની ધરપકડ કરી. સૈનિકોએ એવો બચાવ કર્યો કે ચાંચિયાગીરીની શંકાથી માછીમાર નૌકા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ બાબતના ટેકામાં ભારતીય અદાલતમાં દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં. કેરળની રાજ્ય સરકારે સખ્તાઇથી કામ લઇને બન્ને નૌસૈનિકોને કસ્ટડીમાં મોકલી આપ્યા.
પોતાના સૈનિકોને આમ અંતરિયાળ પકડીને પુરી દેવા બદલ ઇટાલીની સરકારે રાજકીય અને કાનૂની એમ બધા સ્તરે રજૂઆતો કરી. અનેક ટેકનિકલ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રિય કરારો-સમજૂતીઓ અને વિદેશ પ્રધાનના સ્તરે રાજદ્વારી મંત્રણાઓ ચાલી. પરંતુ ભારતે જરાય નમતું આપ્યું નહીં. દરમિયાન ઇટાલીના નૌસૈનિકોને બીજા કેદીઓની જેમ નહીં, પણ સારી રીતે રાખવામાં આવતા હતા. ઇટાલીના રાજદૂત કે તેમના પ્રતિનિધિ રોજ બન્ને કેદીઓને મળતા હતા.
ભારતનું વલણ એવું હતું કે તમે પરદેશી છો. એટલે વધારાની સગવડો મળશે. પણ કાયદો કાયદાનું કામ કરશે. ઇટાલીની લાખ દલીલો સામે ભારતનું એક ‘ઊંહું’- એવો તાલ હતો. કારણ કે સૈનિકોનો કબજો ભારત પાસે હતો.
સ્થાનિક અદાલતમાં અને હાઇકોર્ટમાં બન્ને ઇટાલિયન આરોપીઓ સામે કામ ચાલ્યું. કાનૂની પ્રક્રિયા ચાલુ હતી અને ૨૦૧૨નો ડિસેમ્બર આવ્યો. એટલે ઇટાલીના વિદેશમંત્રીની વિનંતીથી કેરળની હાઇકોર્ટે બન્ને આરોપીઓને બે અઠવાડિયાં માટે નાતાલ ઉજવવા વતન જવાની રજા આપી. તેમની જામીનગીરી પેટે રૂ.૬ કરોડ લેવામાં આવ્યા હતા.
પહેલી વાર તો બન્ને સૈનિકો નક્કી થયા પ્રમાણે બે અઠવાડિયાંમાં ભારત પાછા આવી ગયા, પણ ફેબુ્રઆરી, ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે ઇટાલીમાં આવતી ચૂંટણીમાં મતદાન કરવાના બહાને, બન્ને આરોપીઓને ચાર અઠવાડિયાં માટે વતન જવાની રજા આપવામાં આવી. આ રજા મોઢામોઢ વિનંતી પર નહીં, પણ ભારતમાં રહેલા ઇટાલીના રાજદૂતના સોગંદનામા તથા ઇટાલીના વડાપ્રધાન-વિદેશમંત્રીના ઇ-મેઇલના આધારે મંજૂર થઇ હતી. પરંતુ ૧૧ માર્ચના રોજ ઇટાલીએ જાહેર કરી દીઘું કે બન્ને સૈનિકો ભારત પાછા નહીં ફરે. હાથ ઊંચા કરી દેવા માટે ઇટાલીએ આંતરરાષ્ટ્રિય કાયદાનું બહાનું આપ્યું હતું, પરંતુ એ વિશે ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૮ જાન્યુઆરીના રોજ ફેંસલો આપી દીધો હતો. આ કેસ ભારતના અધિકારક્ષેત્રમાં આવતો નથી, એવી રજૂઆતને અદાલતે ફગાવી દીધી. સાથોસાથ એ પણ કહ્યું કે કેરળનું અધિકારક્ષેત્ર ૧૨ દરિયાઇ માઇલ સુધી ગણાય, પણ ધરપકડ ૨૦.૫ દરિયાઇ માઇલ દૂરથી થઇ છે. એટલે કેરળની હાઇકોર્ટમાં આ કેસ ચાલી શકશે નહીં. કેસ ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે વાત કરીને અલગ અદાલત રચવાનું કહ્યું.
આ વાત ઇટાલી લઇ પડ્યું. ઇટાલી તરફથી એવું જાહેર કરવામાં આવ્યું કે બન્ને સૈનિકો સામે હજુ સુધી કોઇ આરોપો ઘડવામાં આવ્યા નથી. જે કંઇ થયું હોય તે કેરળની હાઇકોર્ટમાં થયું હતું અને ભારતની જ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ મામલો હાઇકોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. તો પછી, સૈનિકોને શા માટે પાછા મોકલવા જોઇએ?
પહેલી નજરે તાર્કિક લાગતી આ દલીલમાં એ વાત સિફતથી ગુપચાવી દેવાય છે કે સર્વોચ્ચ અદાલતે આ કેસ માટે અલગ અદાલત સ્થાપવાનું સૂચવ્યું છે. મતલબ, સૈનિકો સામે કેસ બને છે અને એ પાછા નહીં આવે તો હત્યાના કેસ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના અપમાનનો વધારાનો કેસ બનશે. અદાલતે ભારતમાં રહેતા ઇટાલીના રાજદૂત ભારત છોડીને જઇ શકશે નહીં એવું ફરમાન જારી કર્યું છે. એ મુજબ ગયા શુક્રવારે દેશનાં એરપોર્ટ પર આ સૂચના મોકલી આપવામાં આવી છે.
આખા ઘટનાક્રમના ઉત્તરાર્ધમાં ઇટાલીની આડોડાઇ સાફ છે. પરંતુ ‘રાષ્ટ્રવાદી’ ઉત્સાહ બાજુ પર રાખતાં, અભ્યાસીઓને લાગે કે સૈનિકોની ધરપકડ અને તેમની સામેના આરોપ મજબૂત નથી. એ તબક્કે કેરળ સરકાર અને અદાલત દ્વારા થયેલી કાર્યવાહીમાં કાયદાકીય જોગવાઇઓ કરતાં લોકલાગણીએ વધારે ભાગ ભજવ્યો હોવાનું મનાતું હતું અને સર્વોચ્ચ અદાલતના હુકમ પછી એ સાબીત પણ થયું છે.
આ મામલાને ભારતના હાથમાં ન આવેલા બોફર્સ કટકીબાજ ક્વોત્રોકિ સાથે સાંકળવાની જરૂર નથી. કારણ કે ક્વોત્રોકિનો કેસ વ્યક્તિગત હતો, જ્યારે બન્ને સૈનિકો માટે ઇટાલીએ સરકારી રાહે બાંહેધરી આપી હતી. એવી જ રીતે, આ તકરારનું પરિણામ જે આવે તે- અને તેમાં ભારતની રાજદ્વારી કુનેહની કસોટી થશે- પરંતુ તેને રાષ્ટ્રિય ગૌરવ કે રાષ્ટ્રિય નામોશી સાથે પણ સાંકળવા જેવું નથી.
Labels:
International Relations,
Italy
Monday, March 18, 2013
‘આર્ગસ-૨’ : નયનહીનકો રાહ દિખાયે...
આંખના પ્રકાશગ્રાહી- ફોટોરીસેપ્ટર કોષો નકામા થઇ જવાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકોના જીવનમાં હવે નવો પ્રકાશ પથરાઇ શકે છે. ગયા મહિને અમેરિકાના આરોગ્યવિભાગે મંજૂરી આપી દીધા પછી ‘આર્ગસ-૨’ / Argus-2 સત્તાવાર રીતે અમુક પ્રકારના નેત્રહીનોની હાથલાકડી બનવા તૈયાર છે.
Argus-2 |
માણસના શરીરનાં બધાં જ અંગ પોતપોતાની રીતે વિશિષ્ટ અને મહત્ત્વનાં હોવા છતાં, આસપાસની દુનિયાને પામવા માટે મગજ પછીના ક્રમે આંખો સૌથી મહત્ત્વની ગણાય. આંખોને લગતી બિમારીના ઇલાજમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ આંખોનું તેજ સાવ જતું રહ્યું હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ લાચારી અનુભવે છે. આ મજબૂરી દૂર કરવા માટે ઘણા સમયથી સંશોધનો ચાલે છે અને પૂરેપૂરી નહીં તો કામ ચાલી જાય એટલી દૃષ્ટિ આપી શકાય, એવાં ઘણાં ઉપકરણ પર કામ થઇ રહ્યું છે.
ત્રણેક વર્ષ પહેલાં આ કોલમમાં ‘બ્રેઇનપોર્ટ’ નામના એક સાધન વિશે વાત કરવામાં આવી હતી. તેમાં ગોગલ્સમાં રખાયેલા ટચૂકડા વિડીયો કેમેરા દ્વારા ઝડપાતાં દૃશ્યોને વિદ્યુતતરંગો ફેરવવામાં આવતાં હતાં. એ તરંગો ઇલેક્ટ્રોડનો જથ્થો ધરાવતી એક તકતી સુધી પહોંચે. આશરે ૧.૪ ઇંચની એ તકતીને જીભ પર રાખતાં, જીભના સંવેદન-નેટવર્ક થકી દૃશ્યના તરંગો મગજ સુધી પહોંચે. આમ, આંખના નહીં, પણ જીભના ઉપયોગથી આછુંપાતળું દૃશ્ય દેખાતું થાય, એવો સિદ્ધાંત હતો. આ સાધનને હજુ સુધી અમેરિકાના આરોગ્ય વિભાગ (ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી મંજૂરી મળી નથી, એટલે તે અખતરાના સ્તરે ગણાય. આવા બીજા પ્રયોગોમાં અમેરિકાના આરોગ્ય વિભાગ તરફથી મંજૂરી મેળવવામાં ‘આર્ગસ ૨’ મેદાન મારી ગયું છે.
બે વર્ષ પહેલાં યુરોપના બજારમાં ઉપલબ્ધ બનેલા ‘આર્ગસ ૨’ના સરંજામને અમેરિકાના આરોગ્ય વિભાગે ગયા મહિને મંજૂરી આપી. હવે, આ વર્ષના અંત સુધીમાં તે અમેરિકાની હોસ્પિટલો થકી જરૂરતમંદો સુધી પહોંચતું થાય એવી સંભાવના છે.
Argus-2 |
‘આર્ગસ ૨’ની કામગીરી વિશે અતિઉત્સાહી થઇને આગળ વાત કરતાં પહેલાં બે સ્પષ્ટતાઃ આ સરંજામ જેમની આંખોના ફક્ત પ્રકાશગ્રાહી કોષો (‘કોન’ અને ‘રોડ’ પ્રકારના ફોટો-રીસેપ્ટર સેલ) નષ્ટ થઇ ગયા હોય, પણ બાકીનું નેટવર્ક સલામત હોય તેમને જ કામ લાગી શકે છે. તેનાથી મળનારી દૃષ્ટિ સંપૂર્ણ તો ઠીક, રંગીન પણ નથી. છતાં, કંઇ ન દેખાતું હોય એવી સ્થિતિમાં છાયા-પ્રકાશનો ભેદ, રસ્તામાં વચ્ચે પડેલી ચીજવસ્તુઓ અને બાહ્ય આકાર દેખાય તે નેત્રહીનો માટે મોટા આશીર્વાદરૂપ બની શકે છે.
‘આર્ગસ ૨’ કેવી રીતે કામ કરે છે એ જાણતાં પહેલાં, સામાન્ય સંજોગોમાં આપણને દૃશ્ય કેવી રીતે દેખાય છે એની અછડતી વાત કરી લઇએ. આપણી આજુબાજુનાં દૃશ્યોનાં કિરણો ‘રોડ’ અને ‘કોન’ પ્રકારના કોષોમાં ઝીલાય છે. આ કોષોનું કામ દૃશ્યમાં રહેલા પ્રકાશ અને રંગોને પૂરેપૂરી બારીકી સાથે ઝીલીને, તેમનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરીને, ઓપ્ટિક નર્વ દ્વારા મગજ એ માહિતી મગજ સુધી પહોંચાડવાનું છે. માણસની આંખમાં આશરે ૧૨ કરોડ ‘રોડ’ અને ૬૦ લાખ ‘કોન’ કોષ હોય છે. ‘રોડ’ સાવ ઓછો પ્રકાશ પણ ઝીલી શકે છે. એટલે અંધારામાં જોઇ શકવા માટે ‘રોડ’ કોષોનો આભાર માનવો પડે. ‘કોન’ પ્રકારના પ્રકાશગ્રાહી કોષો રંગોની ઓળખ માટે જવાબદાર છે, પણ ઓછા પ્રકાશમાં તે કામ કરી શકતા નથી. એટલે, અંધારામાં આપણને બઘું કાળુંધબ્બ દેખાય છે.
‘રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા’ જેવા જનીનગત રોગનો ભોગ બનેલા લોકોમાં પ્રકાશગ્રાહી રોડ અને કોન પ્રકારના કોષ નકામા થઇ જાય છે. એટલે દૃશ્યનાં કિરણો ઝીલાવાની અને તેમનું વિદ્યુતતરંગોમાં રૂપાંતર થવાની મહત્ત્વની પ્રક્રિયા થતી નથી. એટલે, મગજ સુધી વિદ્યુતતરંગ પહોંચતા નથી અને આંખ સામે અંધારપટ છવાય છે. આ સમસ્યાનો ઉકેલ આણવા માટે જુદી જુદી દિશામાંથી પ્રયાસ થઇ રહ્યા છે, પરંતુ તેમાં સૌથી પહેલી સરકારમાન્ય સફળતા કેલિફોર્નિયાની ‘સેકન્ડ સાઇટ’ કંપનીને મળી છે. આખા શરીર પર આંખો ધરાવતા ગ્રીક દંતકથાના દૈત્ય આર્ગસના નામ પરથી કંપનીએ પોતાના ઉપકરણનું નામ ‘આર્ગસ’ રાખ્યું છે. હાલનું ઉપકરણ તેનું બીજું, વઘુ ક્ષમતા ધરાવતું મોડેલ હોવાથી તે ‘આર્ગસ ૨’ તરીકે ઓળખાય છે.
લગભગ બે દાયકાના પ્રયાસ અને શોધ-સંશોધન પછી તૈયાર થયેલા ‘આર્ગસ ૨’ના સરંજામને મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકાયઃ
૧. ગોગલ્સઃ દેખાવમાં સીધાસાદા લાગતા ગોગલ્સની વચ્ચે નાનો વિડીયો કેમેરા ગોઠવેલો હોય છે, જે આંખની જેમ સામે અને આસપાસ રહેલાં દૃશ્યો ઝીલવાનું કામ કરે છે. અત્યારે ‘આર્ગસ ૨’ની ક્ષમતા મર્યાદિત છે, એટલે તે સીધી લીટી ઉપરાંત તેની આસપાસના માંડ ૨૦ અંશના ખૂણાના વિસ્તારમાં રહેલાં દૃશ્યો આવરી લે છે.
૨. વિડીયો પ્રોસેસિંગ યુનિટઃ વિડીયો કેમેરાનાં દૃશ્યો કમરે લટકાવી શકાય એવા વિડીયો પ્રોસેસિંગ યુનિટની ચીપમાં ઝીલાય છે. ત્યાંથી દૃશ્યો છાયા અને પ્રકાશના સંકેત-સિગ્નલમાં ફેરવાઇને વાયર દ્વારા ગોગલ્સના રિસીવરમાં પહોંચે છે.
૩. રિસીવરઃ રિસિવરમાંથી સિગ્નલો વાયરલેસ પ્રસારણ દ્વારા આંખની અંદર અને ઉપર ગોઠવાયેલા માળખા(ઇમ્પ્લાન્ટ)ના એન્ટેના સુધી પહોચે છે. આ માળખું ઓપરેશન દ્વારા બેસાડવું પડે છે.
૪. એન્ટેના અને ઇલેક્ટ્રોડનું ઝુમખું;એન્ટેનામાંથી સિગ્નલ તેની સાથે સીઘું જોડાણ ધરાવતા ઇલેક્ટ્રોડના ઝુમખા સુધી પહોંચે છે. એક મિલીમીટર લંબાઇ અને એટલી જ પહોળાઇ ધરાવતી ચીપ પર ૬૦ ઇલેક્ટ્રોડ ગોઠવાયેલા હોય છે. તે સિગ્નલને હળવા વિદ્યુતતરંગોમાં ફેરવે છે. વિદ્યુતતરંગો નકામા થઇ ગયેલા પ્રકાશગ્રાહી કોષોને બાજુએ રાખીને- બાયપાસ કરીને- નેત્રપટલના બાકીના સાજાસમા હિસ્સાને ઉત્તેજિત કરે છે અને ઓપ્ટિક નર્વના કુદરતી રસ્તે દિમાગમાં પહોંચે છે.
કરોડો રોડ સેલ અને લાખો કોન સેલ થકી પેદા થતા દૃશ્યના વિગતવાર સિગ્નલોની સરખામણીમાં ૬૦ ઇલેક્ટ્રોડ દ્વારા મગજને મળતી માહિતી સાવ ઓછી હોવાની. છતાં, દૃશ્યના નામે સાવ કોરુંધાકોર હોય ત્યારે આટલી માહિતી પણ અંધારા-અજવાળાનો ભેદ પાડવામાં, રસ્તે આવતી વસ્તુની હાજરી પારખવામાં, સામાન્ય આકારો જોવામાં કે છાપાંનાં મથાળાં વાંચવામાં મદદ મળે તો પણ, દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકો માટે એ મોટો આશીર્વાદ બની શકે છે.
‘આર્ગસ ૨’માં વપરાયેલી ટેકનોલોજીમાં સુધારાવધારાને પૂરતો અવકાશ છે. અભ્યાસીઓના મતે, વિઝ્યુઅલ પ્રોસેસિંગ યુનિટના સોફ્ટવેર અને હાર્ડવેર પર વઘુ કામ કરવાથી, આ સર્જરી કરાવનારને વઘુ સ્પષ્ટ દૃશ્ય જોવા મળી શકે છે. ભવિષ્યમાં તેમાં ‘ઝૂમ’ની સગવડ ઉમેરી શકાય છે. ‘આર્ગસ ૨’ સંપૂર્ણપણે બેટરી પર ચાલે છે. પરંતુ બેટરીની જગ્યાએ સૌર પેનલમાં વપરાય છે એવા, પ્રકાશ થકી ચાર્જિંગ કરી લેતા સેલ વાપરવાની ટેકનોલોજી ઉપર બીજી કંપનીઓ અખતરા કરી રહી છે. રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા જેવા જનીનગત રોગનો ઇલાજ જનીનઉપચારથી કે સ્ટેમસેલથી કરવાના પ્રયોગો પણ ચાલે છે. આ બધા પ્રયાસ અત્યારે ભલે પા પા પગલી જેવા લાગે, પણ એમની દિશા સાચી છે. એટલે આજે નહીં તો કાલે, એ નેત્રહીનોના જીવનમાં નવું અજવાળું પેદા કરશે એમાં શંકા નથી.
Labels:
medicine,
science/વિજ્ઞાન
Thursday, March 14, 2013
’સાર્થક પ્રકાશન’- અમારી મિત્રમંડળીની નવી શરૂઆત
કેટલાક સમાચાર એવા હોય છે, જે
આપવાની અત્યંત તાલાવેલી હોય, મનમાં મીઠો ઉચાટ હોય અને તેના
માટેના યોગ્ય સમયની પ્રતીક્ષા હોય.
’સાર્થક પ્રકાશન’ની શરૂઆત એ તમને સૌને
આપવાના એવા સમાચાર છે.
અમે ત્રણ મિત્રો દીપક સોલિયા, ધૈવત
ત્રિવેદી અને હું- અમે ત્રણે લાંબી ગડમથલ પછી પુસ્તક પ્રકાશન માટે સહિયારી પહેલ ’સાર્થક પ્રકાશન’ના નામે શરૂ કરી રહ્યા છીએ. ૬ એપ્રિલ, ૨૦૧૩ના શનિવારની સાંજે રા.વિ.પાઠક સભાગૃહ, સાહિત્ય
પરિષદમાં સાર્થક પ્રકાશન અને તેના નેજા હેઠળનાં પહેલાં ચાર પુસ્તક પ્રગટ થશે.
૧. લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૪૦૦
કિંમત- રૂ.૩૨૫
૨. ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ
(૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવન,
પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું
પૂંઠું
પાનાં- ૧૫૬
કિંમત- રૂ.૨૫૦
૩. ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી
માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ
બીરેન કોઠારી)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦
૪. સરદારઃ સાચો માણસ, સાચી
વાત- ઉર્વીશ કોઠારી
(સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું
પૂંઠું
પાનાં- ૧૫૦
કિંમત – રૂ.૨૫૦
આ પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રો અત્યારે ફક્ત પોતાનાં નામ-સરનામું-મોબાઇલ
નંબર- ઇ-મેઇલ એડ્રેસ મોકલીને પુસ્તકનું બુકિંગ કરાવી શકે છે.
૬ એપ્રિલ, ૨૦૧૩ સુધી પુસ્તકોનું બુકિંગ કરાવનારને ઉપર
જણાવેલી કિંમત પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ચારેય પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રોને
રૂ.૧,૧૨૫ની કિંમતનાં આ પુસ્તકો ફક્ત રૂ.૮૦૦માં મળશે. પોસ્ટેજ
અલગથી ગણાશે.
પુસ્તકોનું બુકિંગ કરાવવા માટે પોસ્ટલ એડ્રેસ અને ઇ-મેઇલ અહીં આપ્યું છે.
આગોતરું બુકિંગ કરાવનારા મિત્રો સમારંભના સ્થળેથી પણ નોંધાવેલાં પુસ્તકો મેળવી
શકશે. કાર્યક્રમમાં હાજર રહી ન શકનારા મિત્રો કાર્યક્રમ પછી SAARTHAK PRAKASHAN ના નામનો ચેક અથવા ડી.ડી. પોસ્ટલ
એડ્રેસ પર મોકલે, એટલે તેમને પુસ્તકો મોકલી આપવામાં
આવશે. આ સિવાય સાર્થક પ્રકાશનના એચ.ડી.એફ.સી. બેન્કના ખાતામાં રૂપિયા જમા કરાવીને
પણ પુસ્તકો મેળવી શકાશે.
સાર્થક પ્રકાશન
૩, રામવન, નિર્માણ
હાઇસ્કૂલ પાસે, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫
***
સારા વાચનની ભૂખ સંતોષે અને સુરુચિ પોષે- ઘડે એવી વાચનસામગ્રી પૂરી પાડવી એ
સાર્થક પ્રકાશનનો મુખ્ય આશય છે. કશા લાંબપહોળા દાવા વિના, અમે જવાબદારીપૂર્વક પ્રકાશન પ્રવૃત્તિ આગળ વધારવા અને સારાં
પુસ્તકો આપવા પ્રયાસ કરીશું. તેમાં તમારા (કાયમ હોય છે એવા) હૂંફાળા સહકારની આશા
અને ખાતરી છે.
’સાર્થક પ્રકાશન’ મિત્રો કાર્તિક
શાહના ટેકનિકલ માર્ગદર્શન અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર વિના શક્ય બન્યું ન હોત.
એવી જ રીતે, અમારી આખી મિત્રમંડળી પણ અમારી પડખે હોય જ.
૬ એપ્રિલના કાર્યક્રમની વધુ વિગતો જણાવતા રહીશું. દરમિયાન, તમારા પ્રતિભાવોની (અને આગોતરાં બુકિંગની પણઃ-) પ્રતીક્ષા
રહેશે. અત્યારે તમારે ફક્ત નામ-સરનામું-ખરીદી માટે પસંદ કરેલા પુસ્તક એટલું જ જણાવવાનું છે.
Subscribe to:
Posts (Atom)