Tuesday, October 09, 2012

થાન, થોરાળા, રેથલ: બનાવ અને બોધપાઠ

થાન/Thanમાં દલિતો પર પોલીસે કરેલો ગોળીબાર અને તેમાં ત્રણ જુવાનજોધ છોકરાઓનાં મૃત્યુનો પડઘો આખા રાજ્યમાં પડ્યો. તેની ચર્ચામાં જતાં પહેલાં થોડું ફ્‌લેશબેક.

જૂન, ૨૦૧૨: રાજકોટના થોરાળા વિસ્તારમાં એક દલિત ભાઇની હત્યા થઇ. આગલા દિવસે તેમની પર તલવારથી હુમલો થયો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહીં. બીજા દિવસે  એ ભાઇનું ખૂન થયું.પોલીસે વેળાસર ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હોત તો કદાચ તેમની પર બીજો અને જીવલેણ હુમલો થયો ન હોત. પોલીસની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી દલિતો રોષે ભરાયા. મૃતકની અંતિમવિધી પછી તે સડક પર ઉતરી આવ્યા અને ટ્રાફિક થંભાવી દીધો.

પોલીસે પ્રદર્શનકારીઓની લાગણી સમજીને, સમજાવટથી કામ લેવાને બદલે બેફામ બળપ્રયોગ કર્યો. પહેલાં તો વિરોધ પ્રદર્શન કરનારામાંથી હાથે ચડ્યા એટલા દલિતોને માર્યા. ત્યાર પછી ઘરમાં રહેલા દલિતોનો વારો નીકળ્યો. પીયુસીએલની તપાસટુકડી સમક્ષ એક દલિત યુવતીએ કહ્યું હતું,‘હું મેડી પર રોટલી કરતી હતી...એવામાં અચાનક પોલીસવાળા ઘરમાં ધૂસી આવ્યા. તને તો લઇ જ જવી છે- એમ કહીને બાવડું ઝાલીને મને ઘરની બહાર ખેંચવા લાગ્યા...એ મેડી પર જ મને લાતો મારવા લાગ્યા. પછી દાદરા પરથી નીચે ફેંકી દીધી. પડતાં વેંત હું બેભાન થઇ ગઇ.’ સામે રહેતાં ઉંમરલાયક દલિત બહેન પર પોલીસે પૂરા જોશથી લાઠી ચલાવી. પોલીસના આ અત્યાચારની મોબાઇલમાં ઉતારેલી વિડીયો ક્લિપ પણ ફરતી થઇ હતી.

પછી શું થયું?

દલિત ભાઇની હત્યાનો ગુનો આખરે નોંઘ્યો, પણ પાંચમાંથી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી.
 અને દલિત મહોલ્લામાં ઘરમાં ધૂસીને પોલીસે આચરેલી હિંસાનું, દલિતો પર કરેલા બેફામ લાઠીમારનું શું? કંઇ નહીં. ઊલટું, પીયુસીએલની તપાસટુકડીના અહેવાલ પ્રમાણે, પોલીસે ૧૦ મહિલાઓ સહિત ૫૯ દલિતોની ધરપકડ કરી.

ઘાતકી નિશાનબાજી

સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨: તરણેતરના મેળા પછી ભરાતા થાનગઢના મેળામાં દલિતો અને ભરવાડો વચ્ચે ઘર્ષણ થયું. ભરવાડોમાંથી કેટલાકે દલિતો પર હુમલો કર્યો. તેની ફરિયાદ નોંધાવવા દલિતો નીકળ્યા, પણ તેમને પોલીસ સ્ટેશન સુધી જવું ન પડ્યું. પોલીસ દલિત મહોલ્લાની બહાર જ હતી. પોલીસે દલિતોની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો. ઉશ્કેરાયેલા દલિતોએ પોલીસનો હુરિયો બોલાવ્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીઅરગેસ અને હવામાં ગોળીબાર પછી શરીરના ઉપરના ભાગમાં ગોળીબાર શરૂ કર્યો. તેમાં ૧૬ વર્ષના એક દલિત કિશોરને ગળાના ભાગમાં ગોળી વાગતાં એ જમીન પર પટકાયો અને દવાખાને પહોંચતાં સુધીમાં તેનું મૃત્યુ થયું.

બીજા દિવસે પોતાના વિસ્તારની બહાર પોલીસ-એસ.આર.પી. ખડકાયેલી જોઇને દલિતો વઘુ ઉશ્કેરાયા. હજારથી પંદરસો દલિતોમાંથી કેટલાકે પથ્થરમારો શરૂ કર્યો. જવાબમાં પોલીસે ફરી  ગોળીબાર શરૂ કર્યો. તેમાં એક ૧૭ વર્ષનો અને એક ૨૬ વર્ષનો- એમ બે દલિત યુવાનો વધેરાઇ ગયા. ૨૬ વર્ષના બીજા એક યુવાનને ગોળી વાગતાં કીડનીમાં ગંભીર ઇજા થઇ. સામાન્ય નિયમ એવો છે કે પોલીસને અનિવાર્ય સંજોગોમાં ગોળીબાર કરવો જ પડે, તો તે પહેલાં ટોળાના કમરથી નીચેના ભાગમાં ગોળીઓ છોડે. પરંતુ થાનગઢના પોલીસ ગોળીબારમાં એક પણ દેખાવકારને પગમાં કે કમરથી નીચેના ભાગમાં ગોળી વાગી નથી. ઉલટું, ફોરેન્સિક રીપોર્ટમાં એક મૃતકને ગળાથી છાતીની વચ્ચે પાંચ ગોળીઓ વાગ્યાનું બહાર આવ્યું છે. એ ઉપરાંત એના શરીર પર મારનાં છ નિશાન પણ નોંધાયેલાં છે. બીજા મૃતકને બે ગોળી વાગી છે. આ બન્ને બીજા દિવસે થયેલા ગોળીબારનો ભોગ બન્યા હતા.

જરા વિચાર કરોઃ પોલીસની છ લાઠી ખાધા પછી કોઇ ઊભું રહી શકે? ત્યાર પછી પણ તેને ગોળી વાગી હોય - અને એક નહીં, પાંચ-પાંચ ગોળી- તેનો શો અર્થ કરવાનો?

ત્રણ યુવાનો ગુમાવ્યા પછી થાનના દલિતોનું શું થયું? જવાબ છેઃ બે મંત્રીઓના વાયદા છતાં ચચ્ચાર દિવસ સુધી એકેય આરોપી સામે ફરિયાદ નોંધાઇ નહીં. હા, અઢાર દલિતોની ધરપકડ તત્કાળ થઇ ગઇ અને તેમની પર ખૂનના ઇરાદે હુમલાના ગુનાની કલમ પણ લગાડી દેવામાં આવી.

નાક દબાવવાનો રસ્તો

ફરિયાદ નોંધવાની બાબતમાં પોલીસ અખાડા કરે છે, એ અનુભવી ચૂકેલા દલિતો ઘણા સમયથી ‘ફરિયાદ નહીં થાય અથવા આરોપીની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અમે મૃતદેહોનો કબજો નહીં લઇએ’ એવો વ્યૂહ અપનાવે છે. ક્યારેક તેમાં સફળતા પણ મળે છે, તો ઘણી વાર રોકડ રકમના બદલામાં સમાધાન થઇ જાય છે.

આ વર્ષના આરંભે સાણંદ તાલુકાના રેથલ ગામે દલિત યુવાનની હત્યા પછી, આરોપીની ધરપકડની માગણી સાથે મૃતદેહને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. એ વખતે ૨૬મી જાન્યુઆરી સાવ નજીક હતી અને ૨૬મીની સવાર પહેલાં કોઇ પણ હિસાબે દલિતોને મૃતદેહ સોંપી દેવાનું પોલીસ પર ભારે દબાણ હતું. રેન્જ આઇ.જી. અને કલેક્ટર સહિત બધાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે મૃત યુવાનના કાકાની વાત સીધી મુખ્ય મંત્રી સાથે કરાવવામાં આવી. મુખ્ય મંત્રીએ ‘મરી ગયેલા માણસની લાશનો મલાજો જળવાવો જોઇએ. હિંદુ ધર્મમાં ક્યાંય એવું નથી કે લાશને આવી રીતે રઝળાવવી જોઇએ’ એવી સમજાવટ કરી જોઇ. છતાં, મૃત યુવાનના કાકાનો ઇરાદો બદલાયો નહીં. અગાઉ આવી જ દલીલ કરનારા બીજા લોકોને તે કહી ચૂક્યા હતા,‘જીવતાનો મલાજો ન જળવાયો, તો મરેલાનો શો મલાજો?’

એ બનાવમાં પણ ૨૫ જાન્યુઆરીની મોડી રાતે પોલીસે બળજબરી કરીને પોલીસ સ્ટેશનમાંથી બધાને હટાવી દીધા, મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો અને લગભગ સવાસો દલિતો સામે સરકારી કામમાં દખલ તથા સરકારી માલમિલકતને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ‘ભલભલા ચમરબંધીને પણ જેર કરવામાં આવશે’ એવી મુખ્ય મંત્રીની ખાતરી પછી, ફક્ત એક આરોપીની તત્કાળ ધરપકડ થઇ હતી.

થાન ગોળીબારમાં જેમની પર મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે, તે પી.એસ.આઇ. જાડેજા ભાજપી નેતા કિરીટસિંહ રાણાના ભાણેજ જમાઇ છે. તેમનો થાનથી સુરતની બદલીનો હુકમ થઇ ગયો હોવા છતાં, તેમણે થાન છોડ્યું ન હતું. થાનમાં દલિતોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય નહીં, ત્યાં સુધી મૃતદેહોનો કબજો ન લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ દલિત મંત્રીઓ રમણલાલ વોરા અને ફકીરભાઇ વાઘેલા તથા દલિત ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ ‘તમે અરજી લખીને આપી દો. બે જ કલાકમાં ફરિયાદ નોંધાઇ જશે.’ એમ કહીને દલિતોને સમજાવી-પટાવી દીધા. એ વાત ૨૪ સપ્ટેમ્બરની અને ફરિયાદ નોંધાઇ છેક ૨૬ સપ્ટેમ્બરની સાંજે.

ફરી એક વાર, જરા વિચારોઃ ત્રણ જુવાનજોધ માણસો ગુમાવ્યા પછી આટલો સંઘર્ષ તો ફક્ત ફરિયાદ લખાવવા માટેનો હતો.

ઊભી રહેલી માગણીઓ

પોલીસ અને સરકારી તંત્રના વિરોધમાં થાનગઢ ઉપરાંત બીજાં શહેર-ગામમાં પણ રેલી-સંમેલનો યોજાયાં. ગાંધીનગરમાં કોંગ્રેસપ્રેરિત રેલી નીકળી. થાનગઢમાં ‘દલિત હત્યાકાંડ સંઘર્ષ સમિતિ’ રચાઇ. તેના નેજા હેઠળ દલિતોનું મહાસંમેલન ભરાયું. તેમાં મોટી સંખ્યામાં દલિતો ઠેકઠેકાણેથી ઉપસ્થિત રહ્યા. તેમ છતાં, સરકારી તંત્રને દલિતોની લાગણી અને તેમની માગણીની કશી પરવા હોય, એવું જણાતું નથી. બનાવને લગભગ બે અઠવાડિયાં વીતી જવા છતાં, (૬ ઓક્ટોબર સુધી) સમ ખાવા પૂરતી ચારમાંથી એક પણ આરોપીની ધરપકડ કરાઇ નથી. આરોપી તરીકે પોલીસ હોય અને તપાસ પણ પોલીસના જ હાથમાં હોય, ત્યારે કેવી સ્થિતિ સર્જાતી હશે એની કલ્પના કરી શકાય છે. તપાસ કરનાર તંત્રને ચારમાંથી એકેય પોલીસ ‘મળતા નથી.’

સંઘર્ષ સમિતિની બીજી અગત્યની માગણી એ છે કે ગોળી વાગવાને કારણે ઘાયલ થયેલા દલિત યુવાનની ફરિયાદ નોંધીને, તેના આરોપીઓ સામે કલમ ૩૦૭ લગાડવી જોઇએ. ઉપરાંત, પકડાયેલા દલિતો સામેના આરોપ પાછા ખેંચવાની માગણી પણ છે. મોટી રેલીઓ અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા પછી પણ, સરકારી તંત્રમાં કશો સળવળાટ થયો નથી. બધી માગણીઓની જાણે સદંતર અવગણના કરવામાં આવી છે.

અહીં નોંધાયેલા ત્રણ કિસ્સા આ વર્ષના અને નમૂનારૂપ છે. તેની પરથી સમજી શકાશે કે આમ તો બધા માટે, પણ દલિતો માટે સવિશેષ, ન્યાય મેળવવાનું કામ કેટલું કપરું છે. પોલીસતંત્રમાં દલિતવિરોધી માનસિકતાને શરમજનક ગણવામાં આવતી નથી. થાનના એક આરોપી પી.એસ.આઇ. જાડેજા સામે ભૂતકાળમાં દલિતદ્વેષના ઘણા આરોપ થયેલા છે, પરંતુ ઘણાખરા બિનદલિતો માટે દલિતદ્વેષ તો જાણે ગુનો જ નથી- બલ્કે, એક સ્વાભાવિક, લગભગ ‘માનવસહજ’ લાગણી છે. અનામત જેવા કેટલાક મુદ્દા આગળ ધરીને એ લાગણીને વાજબી અને તાર્કિક ઠરાવવાનો પ્રયાસ પણ ઘણી વાર કરવામાં આવે છે.

થાનમાં અત્યાર લગી મજબૂત સંગઠન શક્તિ બતાવનારા અને  મહાસંમેલનના ઉઘરાણામાં લાખો રૂપિયા આપનારા દલિતો માટે આ પ્રકારના કિસ્સા જુદી રીતે પણ પડકારરૂપ છેઃ બનાવના શરૂઆતના દિવસોમાં જોવા મળતો જુસ્સો સામાન્ય રીતે થોડા દિવસ પછી ઓસરી જાય છે. ન્યાય મેળવવાની તાલાવેલી પણ દિવસો વીતતાં ઘટતી જાય છે. રાજકીય પક્ષાપક્ષી અને ભારતના ન્યાયતંત્રની ધીમી ગતિ તેમાં પોતપોતાનો ફાળો આપે છે. સાથે, અનેક પ્રકારનાં દબાણ-લાલચ-ધમકી તો ખરાં જ.

આ પરિસ્થિતિમાં, શરૂઆતના ઉત્સાહમાં રચાયેલી સમિતિ અને તેના નામે થયેલાં રૂપિયાનાં ઉઘરાણાંનો યોગ્ય વહીવટ કરી બતાવવાની દલિતોના માથે મોટી જવાબદારી છે. બીજા લોકો આગળ પ્રામાણિક દેખાવા માટે નહીં, પણ અન્યાયના વિરોધ માટે નાણાં આપનાર સમાજનો વિશ્વાસ સાચો પાડવાનું જરૂરી છે. એટલું જ જરૂરી છે સમાજ તરીકે, ન્યાયના રસ્તે ચાલનાર પરિવારોને હૂંફ અને ટેકો આપવાનું, જેથી તે અધવચ્ચે ફસકી ન પડે કે રાજકારણીઓથી ભોળવાઇ ન જાય.

સો સમાધાનો કરતાં એક અદાલતી સજા અત્યાચારીઓ પર મોટો દાખલો બેસાડે છે, એ ભૂલાવું ન જોઇએ.

4 comments:

 1. ઉર્વીશભાઈ, કોર્ટ કરી કરીને શું કરશે? બહુ બહુ તો થોડાક વર્ષોની જેલની સજા કરશે એ. પેલા 'બાપુ'ઓ તો દસ-બાર વર્ષની જેલ કાપીને પાછા થાન ને તરણેતરના મેળામાં મ્હાલશે મૂછો આંબળતા! વળી પાછા કોઈ દલિત દીકરાને ભડાકે દેવાની ચળ ઉપડે એમના સામંતી લોહીને કે કોઈ દલિત માબહેનદીકરી પર બળાત્કારેય કરે આ વરુઓ! પણ જે માબાપના આ જુવાનજોધ દીકરા મરી ગયા તે પાછા સજીવન થોડા કરી આપશે આપણી આ અદાલતો? આ સેન્સ ઓફ પર્મેનંટ લોસનું શું કરવું? શ્રવણની તીર મારીને હત્યા કરનાર રામને શ્રવણના વૃદ્ધ માબાપે એટલે જ શ્રાપ આપ્યો હતો કે અમારા દીકરાનો ખૂની પણ અમારી જેમ પિતૃવિયોગે મૃત્યુ પામે! પોતાના વહાલેરા સ્વજન ગુમાવ્યાની વેદના સાથે બાકીનું જીવન વેંઢારતા પેલા દલિત માબાપ પણ શ્રવણના માબાપની જેમ જ આજીજી કરે છે નામદાર ન્યાયાધીશ સાહેબને : અમને અમારા સ્વજન પાછા આપો, કાં એ ખૂનીઓના માબાપને પણ અમારા જેવી જ વેદનાઓ આપો.

  ReplyDelete
  Replies
  1. નીરવભાઇ, 'પેલા બાપુઓ'... મને લાગે છે તમારે આ રીતે ન લખવુ જોઇએ. એક વ્યક્તિને લીધે તમે બધા માટે "ટોન્ટ" કેમ મારી શકો... ??? આ વરુઓ??? મતલબ શુ છે તમારો??? કમેન્ટ કરવામાં સંયમ જાળવવો જોઇએ અને જો સંયમ ન જળવાય તો બ્લોગ એડમીન એ તે કમેન્ટ ડિલીટ કરવી જોઇએ.

   Delete
 2. લાઇક આ ત્રણ નમૂનારૂપ બનાવ શેર કરવા માટે છે. આ બનાવ અતિ ધ્રુણાસ્પદ છે. લોકશાહીના ખૂન સમાન છે. પોલીસ ગુનેગાર અને પોલીસ ગુનો નોંધનાર હોય ત્યારે " સૈયા ભયે કોટવાલ અબ ડર કાહેકા" માનસિકતા જ હોવાની... માત્ર દલિત હોવાના કારણે ન્યાયની પ્રક્રિયા આટલી અઘરી બને અને આટ-આટલા વિરોધ પ્રદર્શન છતાં ઢીલી કાર્યવાહી શરમ જનક કહેવાય. વર્દી પહેર્યા પછી જ્ઞાતિથી પર જઈને કાયદા અને નાગરિકોની સુરક્ષાની પોતાની ફરજ બજાવવામાં ચુકનાર પોલીસ પર જનતા કેવી રીતે વિશ્વાસ કરે? કોઈ પણ મુદ્દે આ વાજબી ના કહી શકાય ના તો તાર્કિક કહી શકાય. આ આચરણ જરાય ક્ષમ્ય નથી.


  Mayurika Anil
  Ahmedabad

  ReplyDelete
 3. sorry for the slip made in haste, it should be dasharath and not rama in my above comment.

  ReplyDelete