Sunday, October 14, 2012
બી.એમ.વ્યાસઃ સંભારણાંના તેજે પ્રકાશતો (ફિલ્મી) સિતારો
આશરે ૨૦૦થી વઘુ ફિલ્મોમાં અને પૃથ્વીરાજ કપૂરનાં નાટકોમાં કામ કરી ચૂકેલા, નૌશાદ-ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારો માટે ગીત ગાઇ ચૂકેલા, ૯૨ વર્ષના ચરિત્ર અભિનેતા એટલે બી.એમ.વ્યાસ/ BM Vyas. ફિલ્મી દુનિયાની ઝાકઝમાળમાં તે ભલે વિસરાઇ ગયા હોય, પણ ફિલ્મઉદ્યોગના શતાબ્દિવર્ષમાં યાદ કરવા જેવા કલાકાર છે.
જુવાનીથી જ વૃદ્ધની ભૂમિકામાં ઢળી ગયેલા ચરિત્ર અભિનેતાઓ સાથે વાત કરવામાં એક મીઠી અવઢવ રહે છેઃ હંમેશાં એવું લાગે છે કે આપણી સામે બેઠેલા દાદા તો મેક-અપની કમાલ છે. હમણાં મેક-અપ ઉતારી આવશે, તો અંદરથી ખરેખર એ ૨૫-૩૦ વર્ષના જુવાન નીકળશે.
પડદા પર ભાગ્યે જ દેખાયેલો બી.એમ.વ્યાસ/ BM Vyas નો યુવાન ચહેરો |
શબ્દચિત્ર ૧: પૃથ્વીરાજ કપૂરના ‘પૃથ્વી થિએટર્સ'માં નવોદિત ગાયક બી.એમ.વ્યાસનો ટ્રાયલ ચાલતો હતો. પૃથ્વીરાજ ઉપરાંત ‘ન્યૂ થિએટર્સ'ના સમયમાં પૃથ્વીરાજને સિતાર શીખવનાર-પૃથ્વી થિએટર્સના સંગીતકાર રામ ગાંગુલી પણ હાજર હતા. પૃથ્વી થિએટર્સનું તંત્ર ઉર્દુમાં ચાલે. પૃથ્વીરાજે બી.એમ.વ્યાસને ગઝલ સંભળાવવાનું કહ્યું. વ્યાસજી સંસ્કૃત-હિંદીના પારંગત. નિશાળે ગયેલા નહીં, પણ પાઠશાળામાં સંસ્કૃતના અભ્યાસમાં ચુરૂ-બિકાનેર અને છેલ્લી પરીક્ષા માટે કાશી જઇ આવેલા. તેમણે કહ્યું કે ઉર્દુ ગઝલ તો નહીં ફાવે.
પૃથ્વીરાજે કહ્યું,‘ખરજમાં ગાતાં આવડે?'
વ્યાસજીએ હા પાડી અને એક રાજસ્થાની ગીત લલકારી દીઘું.
પછી? વ્યાસજીએ મહેફિલનો માહોલ તાજો કરતાં કહ્યું,‘પૃથ્વીરાજ કપૂરને બહુ મઝા પડી. તેમણે કહ્યું કે આ તો અમારા પંજાબી જેવું જ લાગે છે. ઘરેથી ફોન કરીને તેમણે પત્ની રમાને બોલાવ્યાં. ફરી રાજસ્થાની ગીત ગાયું. રાજ કપુર ત્યાં જ હતો. એને મસ્તી ચડી એટલે એ ગીતની સાથે મૃદંગ વગાડવા બેસી ગયો. રામલાલ (રામ ગાંગુલીના સહાયક, આગળ જતાં ‘સેહરા'- ‘ગીત ગાયા પથ્થરોંને'ના સંગીતકાર) શરણાઇ પર હતો. બસ, પછી તો ‘પૃથ્વી'માં ગાયક તરીકે કામ મળી ગયું. પગાર મહિને રૂ.૭૫.'
શબ્દચિત્ર ૨: ચુરૂ (રાજસ્થાન)માં જન્મેલા બી.એમ. (બ્રિજમોહન) વ્યાસ વચેટ ભાઇ ભરત વ્યાસની પાછળ મુંબઇ આવ્યા, ત્યારે ગાયક બનવા ઇચ્છતા હતા. કારકિર્દીનું બીજું ગીત તેમણે ફિલ્મ ‘પહલે આપ'(૧૯૪૪)માં નૌશાદના સંગીતમાં ગાયું. એ સમુહગીતના ચાર ગાયકો હતાઃ બે જૂના ગાયકો જી.એમ.દુર્રાની- શામકુમાર અને બે તદ્દન નવા ગાયકો બી.એમ.વ્યાસ તથા મહંમદ રફી.
નૌશાદના સહાયક અને મૂળ રાજસ્થાનના સંગીતકાર ગુલામ મહંમદે એક રાજસ્થાની નાટક (‘રામુ ચણ્ના')માં વ્યાસજીનો અવાજ સાંભળ્યો હતો. તેનાથી ખુશ થઇને એ તેમને નૌશાદ પાસે લઇ ગયા. દુર્રાની-શામકુમાર હતા એટલે એકલગીત મળવાની શક્યતા તો ન હતી, પણ એક સમુહગીતમાં વ્યાસજીને તક મળી. તેના શબ્દો હતાઃ ‘હિંદોસ્તાંકે હમ હૈ, હિંદોસ્તાં હમારા'. આ કૂચગીતમાં કૂચ કરતા સૈનિકોની અસર પેદા કરવા માટે એ જમાનામાં ટેકનોલોજીની મદદ ન હતી. એટલે વ્યાસજી અને રફી સહિત ચારેય ગાયકોને વજનદાર બૂટ પહેરાવવામાં આવ્યા. રેકોર્ડિંગ વખતે તેમણે ગીત ગાતા જવાનું અને બૂટવાળા પગ તાલબદ્ધ રીતે પછાડવા રહેવાનું.
વર્ષો પછી એક વાર રફી વ્યાસજીને મળી ગયા, ત્યારે તેમણે વ્યાસજીને પ્રેમાળ ફરિયાદના સૂરમાં કહ્યું,‘આપને તો હમારી લાઇન છોડ દી.'
શબ્દચિત્ર ૩: બી.એમ.વ્યાસને ગાવાની પહેલી તક ચંદુલાલ શાહના રણજિત મુવિટોનની ફિલ્મ ‘ભરથરી'માં મળી. ‘રણજિત'ના ગીતકાર અને મૂળ રાજસ્થાની એવા પંડિત ‘ઇન્દ્ર' નાટકમાં વ્યાસજીનો અવાજ સાંભળીને પ્રસન્ન થયા હતા. તેમણે પૂછ્યું ‘ફિલ્મોમેં કામ કરોગે?' અને સ્ટુડિયો પર બોલાવી લીધા.
વ્યાસજીએ કહ્યું,‘ચંદુલાલ શાહ-ગૌહરબાનુ બે વાગ્યે આવતાં હતાં. પંડિત ઇન્દ્રે હાર્મોનિયમ-તબલાં મંગાવ્યાં. (રાજસ્થાનમાં જ મૂળીયાં ધરાવતા) સંગીતકાર ખેમચંદ પ્રકાશ પણ હાજર હતા.મેં ગાયું. બધાને પસંદ પડયું, એટલે પંડિત ઇન્દ્ર મને સ્ટુડિયોના મેનેજર પટેલ પાસે લઇ ગયા અને પટેલને કહ્યું,‘ઇનસે એક ગાના લેના હૈ. કે.સી.ડેસે ભી અચ્છા ગાતે હૈં.' ભાવતાલ પાડવાનો થયો, એટલે પં.ઇન્દ્રે કહ્યું, ‘કે.સી.ડે.કો જો દેતે હૈ વહ દીજીયે.' મેનેજરે કહ્યું કે કે.સી.ડે તો બહુ જૂના છે ને આ સાવ નવા. છેવટે મારે ગાવાના એક ગીત માટે રૂ.૩૦૦ નક્કી થયા. મને તો બહુ મોટી રકમ લાગી. કારણ કે પૃથ્વી થિએટર્સમાં ત્યારે મારો માસિક પગાર રૂ.૭૫ હતો.'
વ્યાસજીએ ગાયેલું ‘ભરથરી'નું એ ગીત એટલે ‘અલખ નિરંજન..જય જય મનરંજન'.લગભગ ૭૦ વર્ષ પછી પણ એ ગીતની વાત આવે એટલે વ્યાસજીના મોઢેથી શબ્દો વાક્ય તરીકે નહીં, સૂરમાં અને એ પણ પૂરી મુલંદી- પાકા આરોહઅવરોહ સાથે જ ફુટતા હતા. તેમણે આર.સી.બોરાલના સંગીત નિર્દેશનમાં ‘નૌલખા હાર' માટે પણ ગાયું. (ફિલ્મના સંગીતકાર તરીકે ભોલા શ્રેષ્ઠનું નામ છે, જે વ્યાસજીના કહેવા પ્રમાણે, બોરાલના મદદનીશ હતા.)
‘પૃથ્વી થિએટર્સ' સાથે બી.એમ.વ્યાસ ૧૯૪૪થી ૧૯૫૫ સુધી સંકળાયેલા રહ્યા. સંસ્થાના પહેલા નાટક ‘શકુંતલા'થી માંડીને ‘દીવાર', ‘પઠાણ', ‘આહુતિ' જેવાં નાટકોમાં તેમણે કામ કર્યું. તેમને ગાયકમાંથી અભિનેતા બનાવનાર પણ પૃથ્વી થિએટર્સ.
કેવી રીતે? વ્યાસજીએ કહ્યું,‘વી.શાંતારામ ‘શકુંતલા' ફિલ્મ બનાવતા હતા. તેમાં પછી જે રોલ ચંદ્રમોહન કર્યો એના માટે શાંતારામે પહેલાં પૃથ્વીરાજ કપૂરને લીધા હતા. પણ બન્ને વચ્ચે કોઇ વાતે અણબનાવ થયો ને પૃથ્વીરાજ એ પ્રોજેક્ટમાંથી નીકળી ગયા. ત્યાર પછી એમણે પૃથ્વી થિએટર્સમાં પહેલા નાટક માટે ‘શકુંતલા'ની કથા જ પસંદ કરી. તેમાં કણ્વ ઋષિનો રોલ પૃથ્વીરાજે પોતાના કલકત્તાના જમાનાના મિત્ર કે.એન.સિંઘને આપ્યો.
કણ્વ ઋષિ તરીકે બી.એમ.વ્યાસ/ BM Vyas કંઇક આવા લાગતા હશે |
પૃથ્વીરાજે ‘તમને કેવી રીતે આવડે?' પ્રકારની પૂછપરછ કરી અને કે.એન.સિંઘને એ શ્લોકનો સાચો ઉચ્ચાર શીખવવાનું કામ સોંપ્યું. પણ સિંઘ ‘દેવભાષા મેં નહીં બોલ સકુંગા' કહીને છૂટી પડયા.
કણ્વ ઋષિની જગ્યા ખાલી પડી. એટલે બીજા દિવસે પૃથ્વીરાજના સહાયક-કમ-સેક્રેટરી (આગળ જતાં ડાયરેક્ટર બનેલા) રમેશ સહગલ બી.એમ. વ્યાસને મળવા ગયા. પૂછ્યું, ‘એક્ટિંગ ફાવે?'
વ્યાસજીએ કહ્યું કે ‘મારવાડી નાટકોમાં એક્ટિંગ કરી છે.' સહગલ સાથે વાતચીત પછી બી.એમ.વ્યાસ કક્કવ ઋષિની ભૂમિકા માટે તૈયાર થયા. સહગલે ડાયલોગ તૈયાર કરવા માટે સ્ક્રીપ્ટ આપી, પણ એ ઉર્દુમાં હતી. એટલે વ્યાસજીના ડાયલોગ હિંદીમાં આપવામાં આવ્યા. ‘સંસ્કૃત અભ્યાસમાં રટણનો મોટો મહિમા. એટલે મેં ફટાફટ સ્ક્રીપ્ટ મોઢે કરી લીધી.'
આટલું કહીને, ૮૭ વર્ષે પણ વ્યાસજી એ સ્ક્રીપ્ટના કેટલાક સંવાદો અસ્ખલિત રીતે, જોસ્સાભરી અદાયગી સાથે કડકડાટ બોલવા લાગ્યા. જાણે એમનામાં છ દાયકા પહેલાં ભજવેલું કણ્વ ઋષિનું પાત્ર પ્રવેશી ગયું.
(ડાબેથી) કે.એન.સિંઘ, ઇફ્તેખાર, બી.એમ.વ્યાસ / (L to R) K.N.Singh, Iftekhar, B.M.Vyas |
Labels:
film/ફિલ્મ
Subscribe to:
Post Comments (Atom)
Thanks for the informative article on Shri B. M. Vyas. Will wait for the second part.
ReplyDeleteFantastic. Love these 'memoir' pieces. Had no idea B M Vyas is still around.
ReplyDelete... એક અજાણી માહિતી ...
ReplyDelete