Wednesday, July 04, 2012

દાળ-ભાતઃ ખુશ્બુ ગુજરાતકી


ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  અમિતાભ બચ્ચનને રાખવામાં આવ્યા તેની સદીઓ પહેલાંથી દાળ-ભાત એ મોભાદાર સ્થાન ભોગવી રહ્યાં છે- અને તે પણ કોઇ સરકારી ટેકા કે પ્રચારખર્ચ વિના. ‘ગુજરાત’ અને ‘દાળ-ભાત’નો પ્રાસ મળતો હોવા છતાં, હજુ સુધી ‘જય જય ગરવી ગુજરાત’ પ્રકારનાં પ્રશસ્તિકાવ્યોમાં દાળ-ભાતનો સમાવેશ કેમ નથી થયો, એ નવાઇની વાત છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ દાળભાત’- જેવી ધ્રુવપંક્તિ ધરાવતું કાવ્ય કોઇ ઓજસ્વી રચયિતાની રાહ જુએ છે. પરંતુ એ રચાય કે ન રચાય, એનાથી દાળ-ભાતના દરજ્જામાં કશો ફરક પડતો નથી.

દાળ-ભાત ગુજરાતની ઓળખ છે, એમ કહેવામાં જોખમ છે. ઘણા લોકો ગુજરાતીઓને ઠપકાના ભાવથી ‘દાળભાતખાઉ’ તરીકે ઓળખાવે છે. હિંદી-ઉર્દુ ઉચ્ચારોમાં, બકૌલ દિલીપકુમાર, ‘દાલભાતકી બૂ’ આવવી એ મોટી ગેરલાયકાત ગણાય છે. બને કે નવી પેઢીના ગુજરાતીઓ આઘુનિકતા સાથે કદમ મિલાવવા માટે, દાળ-ભાત સાથે પહેલાં જેટલો એકાત્મભાવ અનુભવી શકતા ન હોય. ગુજરાતીઓને ગાંધી જેવા ગાંધી સાથે છેડો ફાડતાં વાર ન લાગતી હોય, તો દાળ-ભાતની શી વિસાત? છતાં, ગુજરાતને અલગ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તો તેના રાષ્ટ્રિય ખોરાકનો દરજ્જો વિના વિવાદે દાળ-ભાતને જ મળી શકે, એટલાં ઊંડાં તેનાં સાંસ્કૃતિક મૂળીયાં છે.

પંજાબી ભાષામાં કદી એવી કહેવત સાંભળી છે કે ‘દાલફ્રાય બગડી તેનો દિવસ બગડ્યો?’ એ કહેણી ગુજરાતમાં જ છે. તેમાં ઉલ્લેખ ભલે એકલી દાળનો થયો હોય, પણ રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતીની જેમ દાળ-ભાત અભિન્ન છે. તેમનું અસ્તિત્ત્વ એકમેકથી સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં, એકબીજા થકી જાણીતું અને શોભીતું છે. રાધા-કૃષ્ણની કવિતાઓમાં સઘળી કલ્પનાશક્તિ ઠાલવી નાખનાર ઘણા ગુજરાતી કવિઓનું ઘ્યાન દાળ-ભાતની જોડી  તરફ કદી કેમ નહીં ગયું હોય? ‘આ ભાત ચડ્યો તે કાનજી ને દાળ ઢળી તે રાધા’- એવું કોઇ કવિને ગાવાનું કદી  સૂઝ્‌યું જ નહીં? કાનુડાની રાસલીલાની જેમ ભાતની દાળલીલાને તેમણે કાવ્યમાં સ્થાન આપ્યું હોત તો વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને રાધાકૃષ્ણની પાછળ મચ્યા રહેવાનો તેમની પરનો આરોપ થોડો હળવો ન બન્યો હોત?

આપણી આસપાસ એવાં ઘણાં જોડાં જોવા મળે છે, જેમની વચ્ચે કોઇ જાતનું સામ્ય ન હોય, છતાં તેમની જોડી બરાબર જામી હોય. દાળ-ભાત પણ એ પ્રકારની જોડીમાં આવે છે. માત્ર દેખાવની કે દબદબાની ફુટપટ્ટીથી માપતાં એ કજોડું લાગે, પરંતુ જોડી જમાવવા માટે સામ્ય હોવું અનિવાર્ય નથી. બલ્કે, વૈષમ્ય ઘણી વાર પૂરક અને ઉપકારક સિદ્ધ થાય છે. દાળ-ભાતનું યુગલ એ હકીકતનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતીઓને જેની એલર્જી છે તે વ્યાકરણની દિશામાં ફક્ત પહેલું પગલું માંડતાં જોઇ શકાશે કે બીજી કોઇ પણ જોડીની જેમ, આ જોડી પણ સ્ત્રીલિંગ- પુલ્લિંગની બનેલી છે. એટલું જ નહીં, તેમનાં કેટલાંક લક્ષણોની સરેરાશ સ્ત્રી અને પુરુષનાં લક્ષણો સાથે સરખામણી થઇ શકે એમ છે.

દાળ-ભાતના યુગ્મમાં નારીવાચક દાળને જેટલાં લાડ લડાવી શકાય છે અને તેના જેટલા શણગાર કરી શકાય છે, એ પુરુષવાચક ભાતના કિસ્સામાં શક્ય નથી. રાજસ્થાની સન પૂર્વેના- એટલે કે રાજસ્થાની રસોઇયાઓએ ગુજરાતી ભોજન પર આક્રમણ કર્યું તે પહેલાંના- જમાનામાં ગુજરાતી દાળનો દમામ કોઇ રજવાડાની મહારાણી જેવો હતો. આંબલીની ચટાકેદાર ખટાશ, સૂરણની ઘટ્ટતા, સૂકાં મરચાનો છમકાર- આ બધા શણગારથી સજ્જ દાળમાં ઉપરથી સિંગ-ખારેકનું ઉમેરણ થાય - અને મોટા તપેલામાં ઉકળતી એવી દાળની સુગંધ જેણે લીધી હોય તેને ખબર પડે કે ‘ખુશ્બુ ગુજરાતકી’ એટલે શું.

નારીવાદી સાહિત્યની નાયિકાની જેમ, જ્ઞાતિભોજનની દાળનાં સ્વાદ અને જાદુ એવાં હોય કે કોઇના ટેકા વિના તેનું અસ્તિત્ત્વ સર્વાંગસંપૂર્ણ લાગે. ભાત સાથે તેની જોડી ઉત્તમ હોવા છતાં, કોઇ ઇચ્છે તો રોટલી-પુરી સાથે કે એની પણ મદદ વિના ચમચીથી દાળ-પાન કરી શકે. અરે, ચટાકા-તમતમાટ વગરની ‘મોળી દાળ’નો પણ સફેદ વસ્ત્રો ધારણ કરતી સાદગીપૂર્ણ છતાં ગરીમાયુક્ત અભિનેત્રીઓ જેવો મોભો પડતો. ‘મોળી દાળ’ની ‘ગ્રેસ’ના પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં હતા. મોળી કે સામાન્ય, પણ જ્ઞાતિભોજનની દાળ એવી ઘટ્ટ રહેતી કે આપણા વડવાઓને દાળ ‘ખાવા’ માટે કદી ચમચીની જરૂર પડી ન હતી. તેની સરખામણીમાં સાદો ભાત, વી.શાંતારામની ફિલ્મોના નાયક જેવો, ફિક્કો-બેરંગ લાગે. ભાતમાં શણગાર કરવા હોય તો પણ કેટલા થાય? પહેલાંના વખતમાં પુરૂષો માટે શણગાર એટલે અત્તર-પરફ્‌યુમ અને બહુ તો શર્ટની બાંયોમાં નાખવાનાં કફ લિન્ક. એવી જ રીતે ભાતમાં શણગાર એટલે સુગંધીદાર ચોખા, કફલિન્કની નાની પ્રતિકૃતિ જેવાં લવિંગ અને ઘી. એનાથી આગળ જે કંઇ કરવામાં આવે તેનાથી એ પુલાવ કે બિરીયાની બની શકે, પણ દાળ સાથે જોડી જમાવી શકે એવો ભાત તો ન જ રહે.

ઉજળા વાન પ્રત્યે સાહજિક પક્ષપાત હોવાને કારણે ઘણા ગુજરાતીઓ દાળની સરખામણીમાં કઢીને ચઢિયાતી ગણવાની માનસિકતા ધરાવે છે.  તેની પાછળ સ્વાદરસિકતા કરતાં, ક્યારેક બનતી કઢી માટેની નવાઇ વધારે જવાબદાર છે. કઢી એ કઢી છે. તેનું માહત્મ્ય જુદું છે. અમુક પ્રકારનાં મિષ્ટાન્નની સાથે દાળ ‘જતી નથી’ એવું ઘણાને લાગે છે. પરંતુ આ બાબત મહદ્‌ અંશે પરંપરાનો હિસ્સો છે અને પરંપરા માટે હંમેશાં ઔચિત્ય કારણભૂત હોય એવું જરૂરી નથી.  પરંપરાને આગળ ધરીને, દાળને કઢી કરતાં નીચી સાબીત કરવામાં દાળનું દેખીતું અપમાન છે. અત્યારની ફેશન પ્રમાણે તેને ગુજરાતનું અપમાન કહેવામાં પણ વાંધો નથી.

કેટલીક ફિલ્મોમાં જેમ અંતથી શરૂઆત થાય છે અને ફિલ્મ પૂરી થાય ત્યારે અંત ફરી વાર આવે છે. એવું જ જ્ઞાતિભોજનોમાં ભાત વિશે બનતું હતું. પહેલાં બધી વાનગીઓ સાથે ‘અપોષણ’નો ભાત પીરસાઇ જતો અને ભોજનના અંતે તેનો વધારે વિગતવાર રાઉન્ડ આવતો. ‘હું ભાત ખાતો નથી’ એમ કહેવું ત્યારે ફેશનેબલ ન હતું. બલ્કે, તે લગભગ ખાનારની અઘૂરપની- અસંસ્કારીતાની નિશાની ગણાતું. ‘ભાત ખાધા પછી ઉંઘ આવે છે’ એવી દલીલ પણ ત્યારે અસ્થાને હતી. કારણ કે જેમની પાસે પંગતમાં બેસીને, વાનગીઓ પીરસાય તેની અનંત કાળ સુધી રાહ જોવાનો સમય હોય, તે ભાત આરોગ્યા પછી નિરાંતે ઉંઘવાનો સમય ન કાઢી શકે? દાળ-ભાત ખાઇને હાથ ધોઇ નાખ્યા પછી પણ એકાદ દિવસ સુધી હાથમાં તેમની સુગંધ રહી જાય, એવો જમાનો હવે બદલાઇ ગયો છે. ચમચી વડે દાળ-ભાત આરોગતા લોકોના હાથમાં દાળની સુગંધ કેવી રીતે રહે એ સવાલ તો ખરો જ, પણ મુખ્ય પ્રશ્ન દાળના સ્વાદ અને માહત્મ્યનો છે.

અત્યારના વૈભવી ભોજન સમારંભોમાં અડાબીડ ગોઠવાયેલી વાનગીઓથી છેવાડે, ખૂણેખાંચરે દાળ-ભાતનું ટેબલ ગોઠવાયેલું જોઇને દાળપ્રેમીઓના હૃદયમાંથી ઉનો નિઃસાસો નીકળી જાય છે. જ્ઞાતિભોજનોમાં બટાટાના ટુકડાના ટેકે ઊભેલા ત્રાંસા પડિયામાંથી જેનો મહિમા છલકછલક થતો હતો એ દાળની આવી ઉપેક્ષા? ‘સગાં મેં દીઠાં શાહઆલમનાં....’ જેવો વિષાદ મનમાં જાગે છે. સાથોસાથ, પાંચસો-સાતસો-હજાર રૂપિયાની ડીશમાંથી દાળ-ભાતનો એકડો સાવ નીકળી ગયો નથી, એટલું આશ્વાસન દાળભાતપ્રેમી ગુજરાતી આત્માઓને હૈયાધારણ આપનારું બની રહે છે.

4 comments:

  1. Anonymous12:11:00 PM

    Very nicely done, Urvish.

    SP

    ReplyDelete
  2. ઊર્વીશ. મઝા આવી----દાળ-ભાત ખાતો હોઉં એટલી.---અત્યારની ફેશન પ્રમાણે તેને ગુજરાતનું અપમાન કહેવામાં પણ વાંધો નથી.-------અને ---કેટલીક ફિલ્મોમાં જેમ અંતથી શરૂઆત થાય છે અને ફિલ્મ પૂરી થાય ત્યારે અંત ફરી વાર આવે છે. એવું જ જ્ઞાતિભોજનોમાં ભાત વિશે બનતું હતું. ------આ ખૂબ ગમ્યું. અને MCP attitude નો આક્ષેપ થવાના જોખમ સાથે ભાતના પક્ષમાં અપેક્ષિત ,પણ આમેજ ન કરાયેલી વિગત પર ધ્યાન ખેંચીશ : મસાલાભાત કેમ ભૂલી ગયાં...? અને ભલે દાળ જેટલો અદભૂત શણગાર ન લાગતો હોય પણ દાળ ના રીસામણાના કાળ માટે 'લેમન રાઈસ','ટોમેટો રાઈસ', 'કર્ડ રાઈસ',અને સાદગી પૂર્ણ 'વઘારેલા ભાત'ને કેમ વિસરી શકાય..? પારસીઓને બિન-ગુજરાતી ન જ ગણી શકાય અને ન ઉપેક્ષા કરી શકાય 'ધાન-શાક'ની.....અને આખરે દાળ-ભાતના અદભૂત રીમીક્સ 'ખીચડી'નો ઉલ્લેખ તો કરો સાહેબ...!!

    ReplyDelete
  3. Bhat chadyo te Kanji.....Ultimate

    ReplyDelete
  4. I have used both 'daal-bhaat' and 'khichadi' in one sher of my gazal. Possibly not fitting in contemporary political correctness and hence no where near ઓજસ્વી રચયિતા and પ્રશસ્તિકાવ્યો.

    સેળભેળ કેવી રગેરગમાં ઓગળી ગઈ?
    દી’એ દાળભાતથી ને રાતે હૉચપૉચથી.

    http://spancham.wordpress.com/2012/06/01/dabala-hatavi/

    ReplyDelete