Saturday, July 28, 2012

800મી પોસ્ટઃ વાત નવી શરૂઆતની અને સાત-આઠ દાયકા જૂનાં-અવનવાં પ્રમાણપત્રો

બ્લોગની ચાર વર્ષ ઉપરની આ સફરમાં 800મી પોસ્ટનો મુકામ આવી પહોંચ્યો, પણ હજુ થાકનાં ચિહ્નો જણાતાં નથી. ‘ફેસબુક’ પર બે-એક વર્ષની સક્રિયતા પછી પણ નહીં. કારણ કે ‘ફેસબુક’ મારા માટે મુખ્યત્વે બ્લોગની લિન્ક મૂકવાનું અને કેટલાંક સહૃદય મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું માધ્યમ છે.

મોદી-અન્નાની સ્વાર્થી કે ડાબલાબંધ બ્રીફો લઇને ખખડ્યા કરતા પરચૂરણની પાકી ઓળખાણ થઇ ચૂકી હોવાથી, એમાં જરાય સમય બગડતો નથી. ઉપરથી કેટલાંક ધોરણસરનાં, બીજી રીતે ન મળી શક્યાં હોત એવાં મિત્રો ફેસબુક – અને તેના થકી બ્લોગના સંપર્કમાં આવીને મળે છે તેનો આનંદ છે. પહેલી તકે શિષ્ટતા-ભદ્રતા છોડીને કે ‘વીર સાચું કહેવાવાળા’ના ઓઠા તળે બેફામપણાને- માનસિક ગંદવાડને મૂલ્ય તરીકે સ્થાપિત કરવા મથતા લોકોની વચ્ચે, સમરસીયા મિત્રો-વાચકમિત્રો મળે છે એ મારા માટે બ્લોગની – અને ફેસબુકની પણ- ઉપલબ્ધિ છે.

800મી પોસ્ટ નિમિત્તે બે અંગત વાત પણ મિત્રોની આ મહેફિલમાં મૂકવાની છે.

આવતા મહિને એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ પત્રકારત્વમાં મને 17 વર્ષ પૂરાં થશે. એનું કશું વિશેષ માહત્મ્ય નથી. પરંતુ ઘણા વખતથી હું ‘દૃષ્ટિકોણ’ કોલમમાં આવતા મારા પૃથક્કરણાત્મક લેખોના એક સંગ્રહ પર કામ કરી રહ્યો હતો. લખાણનું કામ પૂરું થયા ચૂક્યા પછી હવે એ મેટર ડિઝાઇનર મિત્ર અપૂર્વ આશર પાસે છે. બધું સમુંસૂતરું પાર ઉતરે તો 1 સપ્ટેમ્બર, 2012ના દિવસે એ પુસ્તક પ્રકાશિત થાય એવી ધારણા છે. (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન, અમદાવાદ) હજુ આ કાર્યક્રમ પાકો નથી, પણ તેમાં જે કંઇ પ્રગતિ હશે તેની જાણ કરતો રહીશ.

‘દૃષ્ટિકોણ’ નામ ધરાવતા આ પુસ્તકમાં માતૃભાષા, ધર્મ, ભ્રષ્ટાચાર, પોઝિટિવ થિંકિંગ, અંધશ્રદ્ધા, નાગરિક ધર્મ, દારૂબંધી, રાજકારણ, ત્રાસવાદ, એન્કાઉન્ટર, અનામત જેવા ઘણા સાંપ્રત છતાં સનાતન વિષયો પર ત્રીસથી પણ વધુ પૃથક્કરણાત્મક લેખો લીધા છે, જે કોઇ પણ ખુલ્લા મનના માણસને અમુક રીતે, નવેસરથી વિચારવા પ્રેરી શકે છે. (આ માહિતી છે, જાહેરખબર નથીઃ-)

આ ઉપરાંત હાસ્યલેખોનો સંગ્રહ પણ તૈયાર થઇ રહ્યો છે. (મારાથી) શક્ય એટલી ઝીણવટ-ચુસ્તીથી થતી પસંદગી તથા એના સંપાદન-સમારકામને લીધે થોડું મોડું થયું છે. છતાં આ વર્ષના અંત સુધીમાં એ પુસ્તક પણ આવી જશે.

બીજી વાતઃ છેલ્લા થોડા સમયથી એવો વિચાર આવતો હતો કે પીએચ.ડી. કરવું જોઇએ. નામ આગળ ‘ડો.’ લખવા માટે નહીં, પણ ભવિષ્યમાં સંશોધન જેવી પ્રવૃત્તિ બાકાયદા હાથ ધરવી હોય તો પીએચ.ડી.નું લટકણિયું ઉપયોગી બની શકે. પીએચ.ડી. માટે પહેલાં માસ્ટર્સ ડિગ્રી હોવી જોઇએ. હું કેમિસ્ટ્રીનો ગ્રેજ્યુએટ ખરો, પણ તેમાં આગળ (ખરેખર તો એટલું પણ) ભણવાની ઇચ્છા ન હતી. તપાસથી જાણવા મળ્યું કે ગ્રેજ્યુએટ થનાર કોઇ પણ વિષયમાં માસ્ટર્સ કરી શકે. એટલે પત્રકારત્વ ભણાવતાં મિત્રો અશ્વિન ચૌહાણ અને સોનલ પંડ્યા સાથે વાતચીત કર્યા પછી એવું નક્કી કર્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા પત્રકારત્વના માસ્ટર્સના (બબ્બે વર્ષના) બે અભ્યાસક્રમમાંથી એક અભ્યાસક્રમ કરવો. પ્રશ્ન એ થયો કે અભ્યાસક્રમમાં પ્રવેશ જોઇતો હોય તો પ્રવેશપરીક્ષા આપવી પડે.

પરીક્ષા આપવાનો પણ વાંધો નહીં. ‘આપણે સત્તર-સત્તર વર્ષથી ફિલ્ડમાં કામ કરીએ છીએ ને પરીક્ષા શાની આપવાની?’ એવો કોઇ સવાલ ન હતો. ખરો વાંધો એ કે પરીક્ષામાં લેખનક્ષમતા કે સમજણક્ષમતા કરતાં વધારે ભાર જનરલ નોલેજ પર હોય અને તેમાં કંઇક અવળચંડા સવાલ પૂછાય, જે મારાં રસ કે જાણકારીના ન હોય. છતાં પ્રવેશ મેળવવા માટે બીજો રસ્તો ન હતો. એટલે બન્ને અભ્યાસક્રમનાં ફોર્મ ભર્યાં. ગયા અઠવાડિયે બન્નેની પરીક્ષા પણ બીજા સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સાથે બેસીને આપી. એક અભ્યાસક્રમમાં દોઢસો માર્કનું ઓબ્જેક્ટિવ (મલ્ટીપલ ચોઇસ નહીં, પણ ખાલી જગ્યાઓ)-પચાસ માર્કનું લેખન અને બીજામાં પચાસ માર્કનું ઓબ્જેક્ટિવ અને દોઢસો માર્કનું લેખન હતાં.

આજે 800મો બ્લોગ લખવાનો હતો ત્યારે, સવારે બન્ને પરીક્ષાનાં પરિણામ આવી ગયાં છે.
પાંચમા ધોરણમાં ભણતી મારી દીકરી પરીક્ષા પહેલાં મારી સાથે મસ્તી કરતાં કહેતી હતી, ‘વાંચવા બેસો. ખબર નથી પડતી, કાલે પરીક્ષા છે?’ અને હું એને મસ્તીમાં કહેતો હતો, ‘આ પરીક્ષા એવી છે કે જો હું પસંદ થઇશ તો ભણવા જઇશ અને પસંદ નહીં થાઉં તો ભણાવવા જઇશ.’ (આ કોર્સમાં ભૂતકાળમાં લેક્ચર લીધાં હોય કે પેપર કાઢ્યાં હોય એ રીતે)

પણ આજે આવેલાં પરિણામોથી જાણવા મળે છે કે મારે ભણાવવા નહીં, ભણવા જવાનું છે.

બન્ને કોર્સની પ્રવેશપરીક્ષાઓમાં મારા માર્ક સૌથી વધારે છે, એવું કહેતી વખતે શર્ટનું ઉપલું બટન તૂટી જતું નથી, પણ એટલો આનંદ ચોક્કસ થાય છે કે હજુ વિદ્યાર્થી તરીકે બેસવાની માનસિકતા અને ક્ષમતા સારી રીતે ટકી રહી છે. છેલ્લી લેખિત પરીક્ષા વીસેક વર્ષ પહેલાં આપી હશે. પત્રકારત્વમાં આવ્યો ત્યારથી બિનસત્તાવાર વિદ્યાર્થી અવસ્થા કાયમી છે અને એ અવસ્થામાં રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, નગેન્દ્રવિજય, નલિન શાહ જેવા ગુરુજનો મેળવીને સાર્થકતા અનુભવી છે. હવે થોડા દિવસમાં નવેસરથી સત્તાવાર વિદ્યાર્થી અવસ્થા શરૂ થશે, જે મારા માટે પીએચ.ડી. સુધી પહોંચવાનો પુલ છે.

પીએચ.ડી. માટે બે-ચાર વિષયો મનમાં છે. એ કામ ફક્ત ડિગ્રી લેવા માટે નહીં, પણ દિલથી કરવાનું છે. ત્યાં સુધી અને ત્યાર પછી પણ પત્રકારત્વ-લેખન એ મૂળ કામગીરી છે અને એ જ મુખ્ય રહેશે.

બ્લોગની આ સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા (નનામા કે ખોટા નામવાળા સિવાયના) સૌ મિત્રોનો આભાર.
***
હવે 800મા બ્લોગની ખાસ સામગ્રી તરીકે કેટલાંક પ્રમાણપત્રોની 'પરેડ'. તેની શરૂઆત કૌટુંબિક વડીલ કનુકાકાની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા (1932)ની પરીક્ષાથી થાય છે. આશા છે કે આ 'પરેડ'થી છેલ્લાં સિત્તેર-એંસી વર્ષનાં પ્રમાણપત્રોની દુનિયા, તેમાં વણાયેલી જમાનાની લાક્ષણિકતાઓ અને સાથે સૌની પોતપોતાની સ્મૃતિઓ પણ તાજી થશે.
(મોટી સાઇઝમાં પ્રમાણપત્રો જોવા માટે ફોટો પર ક્લિક કરો)

વર્નાક્યુલર ફાઇનલ, કનુભાઇ પંડ્યા (કનુકાકા), 1932


ગાંધર્વ મહાવિદ્યાલયની પ્રવેશિકા, સુલોચના કોઠારી (ફોઇ), 1947

હિંદી દૂસરી (જે ત્યારે હિંદુસ્તાની કહેવાતી હતી), સુલોચના કોઠારી, 1947
નીચે છાપેલી સહી સરદાર પટેલની છે.

ગાંધર્વ મહાવિદ્યાલયની પ્રવેશિકા, અનીલકુમાર કોઠારી (પપ્પા), 1949

કાયા કૌશલ્ય કસોટી, અનીલકુમાર કોઠારી, (સાલ નથી)

સીવણ, સ્મિતા કોઠારી (મમ્મી), 1962

સુલેખન, બીરેન કોઠારી, 1973

ડ્રોઇંગ, બીરેન કોઠારી, 1977

સંસ્કૃતની ત્રીજી પરીક્ષા 'ભૂષણ', બીરેન કોઠારી, 1978

સ્કોલરશીપ, ઉર્વીશ કોઠારી, 1979


        

22 comments:

  1. Kinnar Brahmbhatt9:37:00 PM

    i am becoming your fan now....your thoughts, writing and subjects to choose are extraordinary..I wish that you combine the writing of all your GuRus and keep continue..we don't want to be detached from their writing in future...You are the only hope now.....

    ReplyDelete
  2. પ્રિય ઉર્વીશ,
    મને તારા લેખ - બ્લોગ લખાણો વાંચવાની અને ફેસબુક પરના ફોટા જોવાની આવે છે તેવી જ મઝા તને ભણવાની પણ આવે એવી શુભેચ્છાઓ.
    કમ્પ્યુટર વાપરતી દરેક વ્યક્તિ ડી.લિટ તો હોય જ છે. તેમાં 'Delete'નું બટન હોય જ છે. તું હવે આગળ વધીને પીએચ.ડી. કરીશ એનો આનંદ. લોકોને 'ડોક્ટર' નામના સંબોધન કરીને એવું બોલવાની ટેવ પાડનાર હવે સાચે જ 'ડોક્ટર' બની જશે.
    રસ્તે જતી રીક્ષાઓના અઢળક ફોટા પાડ્યા પછી એવી જ એક રીક્ષામાં બેસીને કોલેજ જવાના દિવસો ફરી શરૂ થશે એવી તો કલ્પના તને પણ ક્યાંથી હોય? વાંધો નહિ. મઝા પડશે. મને તારી 'ફેકલ્ટી' બનવાના ટેક્નીકલર, ઈસ્ટમેનકલર સ્વપ્ના આવવા માંડ્યા છે. શક્ય છે આવા સ્વપ્ના આવવા પાછળ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની નાસ્તાની લારીઓ જવાબદાર હોય.
    બીરેનનું સુલેખનનું છે તેવું પ્રમાણપત્ર મારી પાસે પણ છે એ આ વાંચતા યાદ આવ્યું.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 28 જુલાઈ 2012

    ReplyDelete
  3. ૮૦૦મી પોસ્ટ માટે દિલથી અભિનંદન. આપણી મિત્રતા બ્લોગથી શરૂ થઇ હતી અને આ બ્લોગની લગભગ શરૂઆતથી આ આખી સફર જોવાનો લાભ મળ્યો છે. ચાર-પાંચ વર્ષ થયા એ વાતને. હવે એવી ટેવ પડી ગયી છે કે છાપામાં કોઈ સમાચાર આવે અને થોડી જટિલ વાત હોય તો ઝાઝી ખણખોદ કરવાને બદલે પોતાની જાતને એવું કહી દઉં છું કે 'ઉર્વીશભાઈ આ વિષે લખશે એટલે વાંચી લઈશ'. તાજેતરનું ઉદાહરણ હિગ્સ બોઝોનનું છે. આગળ ભણતર, પી.એચ.ડી, સંશોધન વગેરે વગેરે માટે ઓલ ધ બેસ્ટ!

    ReplyDelete
  4. આઠસોમી પોસ્ટ માટે અભિનંદન અને નવાં પ્રયાણ માટે શુભેચ્છાઓ. તમારા લેખોમાં કશું 'ગોળગોળ' નથી હોતું. એ ખાસિયત જળવાઈ રહે એવું ઇચ્છું છું. હિગ્સ બોસોન વિશેના લેખો તમારી અભ્યાસ માટેની નિશ્ઠા દર્શાવે છે, એટલે PhD તો તમારા માટે રમતવાત બની રહેશે એમાં શંકા નથી. ફરીથી આભાર, અભિનંદન અને શુભેચ્છાઓ.

    ReplyDelete
    Replies
    1. You stole my words, Dipakbhai.

      Urvish,
      More I know about you, more I feel lost for words. Looking at your head full of black hair, I would say this is more like the beginning of a journey. You have a loooong way to go. Keep it up. Our best wishes are always with you.

      Delete
  5. તમારી કટાક્ષિકાઓએ નવું વાતાવરણ સર્જ્યું છે. લેખો તો બધા જ સધ્ધર હોય છે પણ કટાક્ષિકાઓ વધુ ધ્યાન ખેંચે છે...એનો સંગ્રહ રાહ જોવડાવશે.

    ગુજરાત સમાચારની બધી જ હાસ્યકૉલમો આજકાલ બધાં દૈનિકોનું માન મુકાવનારી છે. અશોક દવે અને મન્નુભાઈએ એક ઉંચાઈ આપી છે. તેમાં તમારા કટાક્ષલેખો પણ વિશેષસ્થાને છે જ.

    તમારો બ્લૉગ નિયમિત વાંચી શકતો નથી પણ આજે બિરેનભાઈએ તક ઊભી કરી આપી. ૮૦૦મો અંક તો એક નાનકડો પડાવ જ ગણવાનો હોય, તમારા જેવા કૉલમી માટે...

    નિરીક્ષક–પાને તમારો વિશેષ પરિચય માણું છું.

    ડૉક્ટરીમાર્ગે શુભેચ્છાઓ ! – જુગલકીશોર.

    ReplyDelete
  6. Kapil Marwaha10:09:00 AM

    Well done! I am sure not only will you surpass all the quantitative records but also all the qualitative records.

    Warm Regards,
    Kapil

    ReplyDelete
  7. ઉત્કંઠા11:26:00 AM

    ડૉ.ઉર્વીશભાઈ,

    સમાજની ઝીણામાં ઝીણી બાબતનું નિરીક્ષણ કરીને લખાણથી તેનું નિદાન કરતો લેખક ડોક્ટર જ કહેવાય. તો...
    અભિનદન અને શુભેચ્છાઓ સાથે,
    ઉત્કંઠા.

    ReplyDelete
  8. Anonymous11:46:00 AM

    Congrats for your upcoming Book , waiting for that .

    and best of luck for study again .

    and finally 800 posts , that's the real journey !

    ReplyDelete
  9. Urvish no ek pan memento uparna mna nathi.-Dilip Chandulal

    ReplyDelete
  10. પ્રથમ, 800મી પોસ્ટ = ખુશી + શુભેચ્છા.
    બીજું, અફસોસ = આ વિચાર આપને 2007-08માં ન આવ્યો.
    ત્રીજું, આનંદ = 2012-13ના વિદ્યાર્થીઓને આપના જેવો સહાધ્યાયી મળ્યો.
    ચોથું, પડકાર = વર્ગખંડમાં આપ વિદ્યાર્થી તરીકે ભણવા બેઠા હશો ત્યારે ભણાવવા આવનારે વધુ સજ્જ થઈને આવવું પડશે ( વિષય તરીકે ન્યૂઝ ટેલિવિઝન માધ્યમ ભણાવનાર માટે મોટો પડકાર)
    પાંચમું, ઉત્કંઠા = આપને વિદ્યાર્થી તરીકે બગલથેલો લઈને આવતા જોવાની.
    ( ચોથો મુદ્દો પ્રકાશિત ન કરવા વિનંતી )

    ReplyDelete
  11. લાંબી સફરના એક મહત્વના મુકામ પર પહોંયા પછી 'હજુ થાકનાં ચિહ્નો જણાતાં નથી' એ ભાવના બરકરાર છે તે માટે ખુબ ખુબ અભિનંદન.
    પત્રકારત્વના વ્યવસાયમાં છો, એટલે રાજકારણીઓ પર લેખ તો તમારે કરવા પડશે, અને અમે તે વાંચી પણ જઇશું. પણ અમને તો ખરી મજા જ્યારે તમે મન્ટો કે આઇસક્રીમ કે સૂઇ રહેવાની મજા કે મારિયો પર જ્યારે તમારી લેખનીને છૂટ્ટી મુકી દ્યો ત્યારે વધારે ટેસડો પડે.
    તમારી લેખનની સફર સાથે વિદ્યાવ્યાસંગની દડમજલ પણ તમને 'ડૉ.'ની ઉપાધિ જરૂરથી મેળવી આપે એ માટે પણ અમારી હાર્દિક શુભેચ્છાઓ.

    ReplyDelete
  12. વાંચીને થયું કે આમ તો આ માણસ આજીવન વિદ્યાર્થી છે એટલે એને ‘કહેવાતા વિદ્યાર્થી’ બનવામાં વાંધો નહીં. આવે. કાચઘરે લખ્યું છે એમ ટેન્શન તો શીખવનારને થવાનું છે.

    જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટને ઓલ ધ બેસ્ટ!

    ReplyDelete
  13. rashesh patel7:04:00 PM

    ઉર્વીશભાઈ,
    વિજ્ઞાન કે તકનીકી ફિલ્ડ સિવાય નાં વિષયોમાં સંશોધન કરવા માટે phd ની શું જરૂર? તમે આપેલું કારણ ગળે નથી ઉતરતું. કોઈ વધારે ઊંડું કારણ?
    રશેષ

    ReplyDelete
  14. શુભેચ્છા બદલ સૌ મિત્રોનો આભાર.
    કિન્નરભાઇઃ મારા ગુરૂઓ પ્રતાપી અને અનન્ય છે. તેમના જેવું લખવાની મારી ક્ષમતા નથી. એમનાં લખાણોને રોલમોડેલ તરીકે રાખીને બને એટલું આગળ વધી શકાય તો ઘણું.

    દીપકભાઇ ધોળકિયા અને મુરજીભાઇ ગડાઃ તમારી શુભેચ્છાઓ કાયમ માટે રહી છે. તેની અનુભૂતિ મનમાં હંમેશાં રહે છે.

    જુગલકિશોરભાઇ-અશોકભાઇઃ આનંદ...

    રશેષભાઇઃ પીએચ.ડી.કર્યા વિના સંશોધન હું કરી જ રહ્યો છું- છેલ્લાં દસ વર્ષથી જ્યોતીન્દ્ર વિશે- પણ એ બધું ગાંઠના ખર્ચે અને ચાલુ કામમાંથી સમય ચોરીને કરવાનું થાય છે અને એટલે જ સમયસર પૂરું થઇ શકતું નથી.

    ReplyDelete
  15. jabirmansuri@yahoo.co.in8:26:00 PM

    I wish a good luck for Post Graduation and Doctorate.

    Greetings over 800th Post, your approach in promoting dissenting voice, a parameter for healthy society, highly admirable.

    Jabir

    ReplyDelete
  16. Keep it up, Urvishbhai. There are more people appreciate you than you imagine! It's great to read you on Blogspot and Facebook.

    ReplyDelete
  17. Urvish, if you would not have thought of getting a Doctorate, in some years I am sure some University would have bestowed this honour upon you anyway - for the gravitas you bring to the world of journalism and the immense effort, knowledge and passion you display behind every piece on just about every topic. These days unfortunately because of my work burden I am not able to read your pieces in real time so I save them up for the weekend. Imagine my shock when I discover that within 8 to 10 days you have put up 7 pieces one after the other on different subjects and with the same customary dexterity and commitment! I wish you all the very best on your journey my friend. It is indeed a rare privilege to have known someone like you.

    ReplyDelete
  18. ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...

    અમુક બાબતો માટે જાણવાની ઉત્સુકતા રહેશે...

    ૧) ક્યો વિષય પસંદ કરો છો...
    ૨) અ.વાદ(ગુજ.યુનિ.)ના શૈક્ષણિક માહૌલ વિષે તમે અગાઉ લખી જ ચૂક્યા છો;પણ અંદર(વિદ્યાર્થી તરીકે) પેઠા પછી એની કેવી કેવી વિગતો બહાર આવશે...
    ૩) પ્રાધ્યાપક મિત્રો...ચડિયાતા/ઉતરતા હોય ત્યારની પરિસ્થિતી...
    ૪) અત્યારના(કૉલમિસ્ટ તરીકેના) કામ/લખાણોમાં કેવા કેવા ફેરફારો આવશે...

    પણ એટલી ખાત્રી છે; કે વાચક તરીકે મને/અમને જરુર મઝા આવશે...

    ReplyDelete
  19. લો, કરો વાત...
    તમે દવા તો ક્યારના કરો છો. અને ડોક્ટર હવે થશો..?
    કશો વાંધો નહીં, પણ, દાક્તરી મળ્યા પછી ય દવા કરવાનું ચાલુ જ રાખજો.. ;)

    ReplyDelete