Sunday, March 11, 2012

સાવિત્રીબાઇ ફુલેઃ સાક્ષાત્ સ્ત્રીશક્તિ


સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્‌યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના ‘સમાજ’ - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો  હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું. 

આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્‌યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત ‘દલિત ચળવળના મહાનુભાવો’ તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા.

ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્રી ફુલે/ Jyotiba Phule- Savitri Phule નાં નામ પ્રવેશ્યાં જ ન હોય. ફુલે દંપતિને મુખ્ય ધારાથી દૂર રાખવા માટે ઘણાં લેબલ હાથવગાં છેઃ મહારાષ્ટ્રનાં સમાજસુધારકો (‘એટલે આપણને ગુજરાતીઓને ક્યાંથી ખબર હોય?’), દલિત સમાજસુધારકો (‘એટલે આપણે ઉજળિયાતોએ ક્યાંથી નામ સાંભળ્યું હોય?’)...‘દલિત નેતાઓ આ લોકોના નામે બહુ ચરી ખાય છે. એટલે આપણને એમના પ્રત્યે ભાવને બદલે અભાવ જાગે’- આવી દલીલ કરનારા પણ મળી આવે છે. 

Savitri- Jyotiba Phule
હકીકત એ છે કે એક વાર ફુલે દંપતિની કામગીરી વિશે જાણ્યા પછી ખુલ્લા મનનો કોઇ પણ માણસ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતો થઇ જાય. અન્યાય સામે નહીં ઝુકવાનો મક્કમ નિર્ધાર, કોઇ પણ ભોગે પોતાના કામને વળગી રહેવાનું ઝનૂન અને બીજા બધા કરતાં ડરે એવા સમાજસુધારાના કાર્યક્રમો અમલી બનાવવાનું દૃષ્ટિયુક્ત સાહસ- આ બધી ફુલે દંપતિની ખાસિયતો. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે ‘જોતિબા’ તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે ડો.આંબેડકરના પ્રેરણાસ્રોત અને ‘મહાત્મા  (ગાંધી) પહેલાંના મહાત્મા’ તરીકે ઓળખાય છે. સમાજસુધારા માટેનો તેમનો સંઘર્ષ અને (બ્રાહ્મણો સામે નહીં પણ) બ્રાહ્મણીયા માનસિકતા સામેનો તેમનો જંગ કોઇ પણ સમયે, કોઇ પણ ક્ષેત્રમાં સામાજિક અન્યાય સામે લડનારાને પ્રેરણા અને હિંમત પૂરી પાડે એવો છે. પરંતુ એ સમયના ઘણા જાણીતા સમાજસુધારકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હતા. બીજાને મોટા ઉપદેશ આપનારા પોતે તેનો અમલ કરવાનો આવે ત્યારે ઘણા વાર ફસકી પડતા હતા. તેમની સરખામણીમાં- અને સરખામણી સિવાય પણ - જોતિબા અને સાવિત્રીબાઇનાં ચરિત્રો વેંત ઊંચાં ઉપસી આવે છે. 

જોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (ઇ.સ.૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. જોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જોતિબા  ૧૩ વર્ષના અને સાવિત્રી ૮ વર્ષનાં (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી (જે હજુ પણ અસામાન્ય બાબત ગણાય છે.) જોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે જાતે ભણાવ્યાં.  એ ભણતર ડિગ્રી  માટે નહીં, પણ અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. ત્યાર પછી જોતિબાએ ભારે વિરોધ વચ્ચે શરૂ કરેલી શુદ્ર કન્યાઓની નિશાળમાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઇએ ઉપાડી. 

મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. નિશાળે જતાં સાવિત્રીબાઇને ઉજળિયાતોનાં મહેણાંટોણાથી માંડીને કાદવકીચડ અને પથ્થરનો સામનો કરવો પડતો. પરંતુ સાવિત્રીબાઇ મક્કમ હતાં. (આ મક્કમતાને ‘સત્યાગ્રહ’ જેવું નામ આપવાનું તેમને સૂઝ્‌યું નહીં એટલું જ.) તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતીઃ એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની. 

પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,‘હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં, લોકોએ જોતિરાવના પિતા પર દબાણ કર્યું. તેમણે જોતિરાવને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. જોતિરાવે શાળા પસંદ કરી અને ઘર છોડ્યું. એ વખતે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પણ જરાસરખા ખચકાટ વિના સમાજસુધારણાના રસ્તે પતિનાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં. 

Savitri-Jyoriba Phule Memorial in Pune
સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો, એટલે વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવાને જોતિબા આપઘાતના રસ્તેથી પાછી વાળીને પોતાના ઘરે (પત્ની તરીકે નહીં, પણ પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે) લઇ આવ્યા.  એટલું જ નહીં, તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. ત્યારે સાવિત્રીબાઇ જોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો. 

સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે. (સરખામણી વિના ન જ સમજાય, તો વિરોધાભાસ ઉપસાવવા માટે કસ્તુરબા સાથે તેમની સરખામણી કરી શકાય.)  

બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધરત્નાકર’ ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ઊભું છે. 

ફ્‌લડલાઇટની ઝાકઝમાળમાં ધ્રુવનો તારો પણ ન દેખાય તો શું થાય?

16 comments:

  1. શું વાત છે? ગુજરાતીમાં 'મહારાષ્ટ્રના સુધારકો' વિષે પણ લખાય છે. :)
    જ્યોતિબા-સાવિત્રી ફૂલે એ ગાંધી પહેલાના યુગના મહાન સમાજ-સુધારકો હતા, એ પરિપેક્ષમાં ક્યારેય વિચારેલું નહિ. ઓગણીસમી સદીમાં થયેલા જૂજ પ્રગતિશીલ વ્યક્તિવોમાં જ્યોતિબાનું નામ તો સાંભળ્યું હતું પણ સાવિત્રી ફૂલે વિષે બહુ ખ્યાલ નહોતો.

    દુઃખની વાત એ છે કે આજે એકવીસમી સદીમાં પણ ઓગણીસમી સદીની બ્રાહ્મણીયા માનસિકતા દૂર નથી થઇ. ચૂંટણીની ટીકીટ વહેંચણી પહેલા-પહેલા જુદી-જુદી જ્ઞાતિના 'શક્તિ' પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, બધાએ પોતપોતાની 'સેનાઓ' બનાવવી છે અને વેવાઈ પસંદગી(!) જેવા વિચિત્ર મધ્યકાલીન કાર્યક્રમો કરવા છે. અને તેના માટે ફેસબુકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે લાગે કે આધુનિક સાધનોનો સૌથી વધારે ઉપયોગ તો સૌથી બિન-આધુનિક લોકો કરે છે. આધુનિકતા એટલે વૈશ્વિક વિસ્તાર, જ્ઞાતિની સંકડાશ નહિ.

    ReplyDelete
    Replies
    1. સત્ય સ્વીકારનાર ગણા ઓછા હોય છે. આપે સચોટ વાત કરી ભારતીય હોવાનો દાખલો બેસાડ્યો. કોટી કોટી વંદન આપને પણ

      Delete
  2. ઉર્વીશભાઈ ખુબ જ પ્રેરણાદાયક લેખ છે.

    ReplyDelete
  3. સમાજ માં હાંસિયા માં રહેતા સમાજ સુધારક ની બલિદાન, અનુભવ અને વ્યથા અંગે માહિતી, જ્ઞાન અને પ્રેરણા માટે આપ નો આ લેખ અગત્ય ઈશારા તરફ ધ્યાન દોરે છે. દલિત, હરીજન અને આદિવાસી સમાજ ના હાંસિયા અનુભવ ની સમજણ આપવા બદલ શુક્રિયા. Cloning of such couples like respected Savitri- Jyotiba Phule, would definitely help in Shining India a healthy Society.

    જાબીર

    ReplyDelete
  4. ઉર્વિશ ભાઈ ,
    ખૂબ સારો લેખ.જ્યોતિબા અને સાવીત્રી ફુલે વિષે આ માહિતી આપવા બદલ ખૂબ આભાર.

    ReplyDelete
  5. એક આડવાત-લેખના પ્રકાશન માં કોઈ તાંત્રિક ભૂલ છે.લેખની લાઈન ગીચોગીચ છપાઈ છે.....બે લાઈન વચ્ચે જગ્યા જ નથી.અગાઉ ના લેખોમાં આ સમસ્યા નહોતી.

    ReplyDelete
  6. very good post, urvish and very good comment, rutul. i liked the clarification and emphasis that jotiba's (and for that matter any other social reformer including ambedkar's)'સમાજસુધારા માટેનો સંઘર્ષ બ્રાહ્મણો સામે નહીં but it is against 'બ્રાહ્મણીયા માનસિકતા'. urvish, you could have suggested sanjay bhave's book for further reading.

    yes raju, spacing between the lines/font style and size/ general lay out all help the blog to be more reader-friendly. but somehow i find this new and a bit bigger font style/size more beautiful.

    ReplyDelete
  7. ભરતકુમાર10:37:00 AM

    ઉર્વિશભાઇ , બહુ જ સુંદર અને સમયોચિત લેખ . સજાગ પત્રકારે એ પોતાના વિચારોની ટોર્ચ આવા વ્યક્તિત્વો પર ફેંકવાની ટેવ કેળવવી પડે છે , એ બાબતે તમે ઘણા આગળ છો . સાવિત્રીબાઇ ફૂલે એ જોતિબાના સાચા અર્થમાં સહધર્મચારિણી હતા . પતિની હા માં હા ભણીને ઘરમાં બેસી રહેવું અને એના કાર્યમાં સાથ આપવો ને એને લઇને સમાજનો સામનો કરવો - એ બે વસ્તુઓ વચ્ચેનું અંતર સમજાય તો સાવિત્રીબાઇ શું હતા , એનો ખ્યાલ આવે . એ પ્રથમ ભારતીય સ્રી અધ્યાપિકા હતા . ને સ્ત્રી શિક્ષણ માટે એમણે પોતાના સુખ-સગવડનો ત્યાગ કર્યો હતો . ને તો ય ઇતિહાસમાં સ્ત્રી શિક્ષણના પ્રણેતા તરીકે મહર્ષિ ધોંન્ડો કેશવ કર્વેનું નામ જ ભણવામાં આવેલું - એ યાદ આવે છે , ત્યારે ઇતિહાસ કેટલી હદે પૂર્વગ્રહ પિડીત ને એકાંગી બની શકે - એ જોઇ શકાય છે .

    ReplyDelete
  8. સાવિત્રીબાઈ ફૂળે અને મહાત્મા ફૂળે વિશે લેખ લખીને તમે સમાજસેવા કરી છે. ખરેખર આપણે દલિતો માટે કામ કરનારા સમાજ સુધારકોને ગણકાર્યા નથી. એ તો 'એમના' એવી લાગણી રહી છે. 'આપણા' સમાજસુધારકોને જ માન આપીએ છીએ. આનું કારણ એ કે હજી એ માનસિકતા ગઈ નથી.

    ReplyDelete
  9. આપની વાત સાચી છે, ગુજરાતની મોટા ભાગની જનતા મહારાષ્ટ્રના સમાજ સુધારકોના નામ થી અજાણ છે, ત્યારે આદરણીય જોતિબા અને પરમ વંદનીય સાવિત્રીબાઇના આ સંઘર્ષને સમાજની સામે લાવીને મૂકવો એ સમાજ ઉપરનો ખાસ કરીને ગુજરાત ઉપરનો બહુ મોટો ઉપકાર છે. જોતિબા અને સાવિત્રીબાઈનો સંઘર્ષ અને સમાજે એના ઉપર ગુજારેલા ત્રાસ વિશે વાંચીને માત્ર કમકમાં નથી આવી જતાં પણ શરમથી માથું ઝૂકી જાય છે! સમાજના એક મોટા વર્ગને અન્યાય કરનારા અને એને ’પછાત’ અને ’દલિત’નું લેબલ મારી દેનાર બ્રાહ્મણવાદી માનસિકતા સામે સતત સંઘર્ષ ચાલતો રહે એ જરૂરી છે.

    ReplyDelete
  10. એ જમાનામાં સામાન્ય સમાજમાં જન્મ લીધેલ એક સ્ત્રીમાં આટલી બધી આંઅતરિક શક્તિ હોય તે જ એક વિરલ ઘટના કહેવાય.
    ભાઇ શ્રી ઉર્વીશ કોઠારીને આવી વિરલ વ્યક્તિપર આટલો સંતુલિત લેખ લખવા બદલ અભિનંદન.

    ReplyDelete
  11. mota bhagna samajik sudhara ni credit jyotiba ane savitribaine j mali shake.

    vidhava vibah to aaje pan vedhe j ganay.

    andhshardhha ane bji kuruitoto jane navtar rite prakat thai rahi chhe.

    ReplyDelete
  12. Have been late to read this. But am glad I did. With great lucidity you have been able to distill the essence of her's and Jotiba's life in this illuminating piece. In fact, for lovers of graphic novels (adult comics), her story has been well-chronicled recently in A Gardener in the Wasteland, in very bold black and white strokes.

    This little-known couple in every sense of the word was a forerunner to the Gandhis and Martin Luthers. You have done well Urvish in illustrating how history, written by the privileged classes, have marginalised or subsequently diminished their contribution over a century or so. This is a story relevant for all times. Thank You for writing about it.

    ReplyDelete
  13. આવી મહાન હસ્તીઓને ખુબ ખુબ વંદન.

    ReplyDelete
  14. આવી મહાન હસ્તીઓને ખુબ ખુબ વંદન.

    ReplyDelete