Thursday, March 29, 2012

ગુણવંત શાહની ‘બૌદ્ધિક બદમાશી`

‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.

2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.

આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.

ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.

એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.

બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?

ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.

આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?

‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.

‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’

‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?

રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.

સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.

છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’

***

અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’

આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?

અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.

('નિરીક્ષક', એપ્રિલ, 2012)

Wednesday, March 28, 2012

શ્રોતાપુરાણઃ ‘કાનસેન’ના પિતરાઇ

ગીતસંગીતના કાર્યક્રમોમાં અનેક પ્રકારના શ્રોતાઓ આવે છે. બસો-પાંચસો વર્ષ પહેલાં એમના વૈવિઘ્ય વિશે લખાયું હોત તો ‘સંગીતપ્રતિભાવરત્નાકર’ જેવો કોઇ ગ્રંથ બહાર પાડી શકાત. તેમાં એવા ઉલ્લેખ આવતા હોત કે દરબારમાં તાનસેન ગાતા હતા ત્યારે તેમની સાથેસાથે, મોટેથી, આજુબાજુ બેઠેલાઓને ખલેલ પડે એવી રીતે ગાવા બદલ, અકબરે કોઇનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું હતું અથવા અમીર ખુસરોનું સિતારવાદન સાંભળતી વખતે હાથ જોરજોરથી હલાવનાર એક દરબારીનો હાથ ગુસ્સે ભરાયેલા અલાઉદ્દીન ખિલજીએ કાપી નાખ્યો હતો.

આવી ઘાતકી ઘટનાઓ સંગીત નિમિત્તે બની નથી, એ માટેનો જશ અકબર કે અલાઉદ્દીન ખિલજીને જ આપવો પડે. બાકી, સાંભળનારા લોકો તો અત્યારે છે એવા જ એમના જમાનામાં પણ હશે. દા.ત.

ગાનસેન

ગાનાર તાનસેન પરથી સારા શ્રોતા ‘કાનસેન’ તરીકે ઓળખાય છે, પણ કેટલાક શ્રોતાઓને ફક્ત એટલાથી ધરવ થતો નથી. પોતે સારા-જાણકાર શ્રોતા છે અને સારું સંગીત વાગતું હોય ત્યારે પોતે જાત પર કાબૂ ન રાખી શકે એટલી હદે ભાવવિભોર થઇ જાય છે- આવું બતાવવા માટે તે સાથે સાથે ગાવા લાગે છે. સ્ટેજ પરથી મહંમદ રફીનું ગીત ચાલુ થાય, એ સાથે ગાનસેનો પણ મુખડું ઉપાડે છે. ઘણાં ગુનાઇત કૃત્યો માટે પ્રેરક ગણાતા અંધારાનો લાભ લઇને, આજુબાજુ બેઠેલાની શરમ છોડીને, ગાનસેનો પોતાની જગ્યા પર મોટે મોટેથી રાગડા તાણવા બેસી જાય છે.

સ્ટેજ પરથી ગવાતું ગીત અને આજુબાજુની બેઠક પરથી ગવાઇ રહેલું એ જ ગીત- એના કારણે ગાનસેનોની આજુબાજુના શ્રોતાઆને ‘સરાઉન્ડ સાઉન્ડ’નો અહેસાસ થાય છે, પણ એ સુખદ નથી હોતો. કારણ કે ‘સરાઉન્ડ’માંથી આવતો ‘સાઉન્ડ’ ખરેખર ‘નોઇઝ’ (ઘોંઘાટ)ની કક્ષાનો હોય છે. ગીત સાથે એકતાર થઇ ગયેલા કેટલાક ગાનસેનો તો ગીતના શબ્દો ઉપરાંત વચ્ચે આવતું સંગીત પણ મોઢેથી ગાય છે. હોલમાં આજુબાજુમાં આવો એકાદ ગાનસેન આવી જાય તો કાર્યક્રમની મઝા બગાડવા માટે એ પૂરતો નીવડી શકે છે. કારણ કે કાર્યક્રમ પૂરો થયા પછી આપણે સ્ટેજ પરથી ગવાતાં ગીત સાંભળ્યાં કે આજુબાજુમાં બેઠેલા ત્રાસવાદી ગાનસેનનાં- એવો ગૂંચવાડો થાય છે.

ગાનસેનોનો ત્રાસ અટકાવવા માટે પહેલો વિકલ્પ સહેજ કરડાકીપૂર્વક એમની તરફ ડોક ફેરવીને થોડો વખત ત્રાટક કરવાનો છે. એ રીતે કેટલાક નવોદિતો અથવા તેમની સાથે આવેલા શરમાય છે. તે કોણી મારીને ગાનસેનને ગાતો બંધ કરે છે. રીઢા ગાનસેનો પર આવાં નિઃશબ્દ બાણ કામ કરતાં નથી. તેમને વિનમ્રતાપૂર્વક ગાવાનું બંધ કરવા કહી શકાય. પરંતુ તે અજમાવતાં પહેલાં અંધારામાં ઝઘડો કરવાની માનસિક સજ્જતા રાખવી પડે છે. કારણ કે ઘણા ગાનસેનો માને છે કે પોતે ટિકિટ લઇને હોલમાં આવ્યા હોવાથી સાથે ગાવું એ તેમનો અધિકાર છે, બીજા શ્રોતાઓના શ્રવણસુખના ભોગે તે પોતાનો અધિકાર ભોગવીને જંપશે અને બીજાને જંપીને સાંભળવા નહીં દે.

ત્રીજો વિકલ્પ પહેલી નજરે જરા આક્રમક અને ક્યારેક અશિષ્ટ લાગે, પણ એ સૌથી વધારે અકસીર નીવડી શકે છે. આજુબાજુ બેઠેલા ગાનસેનનો ત્રાસ બહુ વધી જાય, તો એક ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડવી. તેમાં લખવું ‘ભાઇ/બહેન, તમારો અવાજ ભલે ફાટેલા ઢોલ જેવો/ટ્રાફિક પોલીસની સિસોટી જેવો/ નળમાંથી પ્લાસ્ટિકની ડોલમાં પડતી પાણીની ધાર જેવો/ઘોઘરો/બેસૂરો/કર્કશ/ હોય, તો પણ ધરાર ગાવાનો તમારો આત્મવિશ્વાસ કાબિલેદાદ છે. આખું ગીત ન આવડતું હોય તો ફક્ત મુખડાના શબ્દો અને બાકીનું લા લા લા કરીને પણ તમે જોડે ગાવાનું ચૂકતા નથી. તમારી નિષ્ઠાથી પ્રભાવિત થઇને હું, ભારતનો નાગરિક, તમને અત્યારે ને અત્યારે જ ‘અ-સુરશ્રી’ના ખિતાબથી સન્માનિત કરું છું. આવતી ૨૬મી જાન્યુઆરીએ દિલ્હી આવી જજો અને ત્યાં સુધી ગાવાનું બંધ કરજો.’

હાથસેન

ઘણા ગાયકોની જેમ ઘણા શ્રોતાઓ પણ સંગીતની સાથે ભયંકર રીતે હાથ ન હલાવે ત્યાં સુધી તેમને સંતોષ વળતો નથી. તેમને હાથસેન તરીકે ઓળખવામાં ખાસ અતિશયોક્તિ નથી. કારણ કે સંગીતનો પ્રતિભાવ તે હાથની વિવિધ અદાઓથી વાળે છે. કેટલાક જાણે પોતે ગીતના સંગીતકાર હોય અને ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરી રહ્યા હોય તેમ બન્નેે હાથ સૂર પ્રમાણે હલાવે છે- ઊંચાનીચા કરે છે. તેમને જોઇને શરૂઆતમાં એવું લાગે કે હોલમાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો છે (જે બહુ સામાન્ય બાબત ગણાય છે) અને તે મચ્છરોને પોતાનાથી દૂર રાખવા માટે હાથ હલાવી રહ્યા છે. થોડો વખત થયા પછી સમજાય છે કે આખા મામલામાં મચ્છરો બિચારાં નિર્દોષ છે અને પેલા ભાઇ કે બહેન સંગીતના પ્રભાવથી હાથની હંિસક હિલચાલો કરી રહ્યા છે.

બીજા પ્રકારના હાથસેનોને ફક્ત હવામાં હાથ હલાવીને સંતોષ થતો નથી. તે ખુરશીના હાથા પર તબલાં વગાડીને સ્ટેજના રીધમ વિભાગને યથાશક્તિ સહકાર આપવા પ્રયાસ કરે છે. ભલું હોય તો કેટલાક ગાનસેનો હાથસેન પણ હોય છે. એટલે કે, મોઢેથી એ રાગડા તાણે ને હાથથી ખુરશીના હાથા પર તાલ પુરાવે. તેમના આ ઘ્વનિપ્રદૂષણથી આજુબાજુના શ્રોતાઓનું જે થવાનું હોય તે થાય, પણ તેમને પૈસાવસૂલનો આનંદ મળે છે. ભોગેજોગે બાજુમાં જ કોઇ હાથસેન બેઠેલો હોય તો તેનો હાથ પકડીને હાથાસરસો દબાવી રાખવાની તીવ્ર ઇચ્છા જાગે છે, જેની પર સભ્યતા ખાતર અંકુશ રાખવો પડે છે.

દાદસેન

અસલ ટેવ તો મુશાયરાની પણ, કેટલાકમાં એ સંસ્કાર એટલો પ્રબળ હોય છે કે ગીત શરૂ થયું - ન થયું ને આખો હોલ સાંભળે તેમ ‘વાહ, વાહ’, ‘બહોત અચ્છે’, ‘ક્યા બાત હૈ’ જેવા ઉદ્‌ગારોનું જાહેર પ્રસારણ કરે છે. એમના બરાડાના શૉક અને આફ્‌ટરશૉકનાં મોજાં હોલમાં ફરી વળે એટલા પૂરતું મૂળ ગીત ઢંકાઇ જાય છે. મોજાં શમે અને ફરી કંઇક તેમના કાને પડે એટલે ફરી એક વાર ‘જીયો, જીયો’, ‘માર ડાલા’ જેવા પોકારના આઘાતમોજાં હોલમાં ફેલાય છે. આમ ને આમ, એમની દાદ મેળવનાર ગીતનો મોટા ભાગનો હિસ્સો દાદના અવાજોમાં જ ડૂબી જાય છે. તેમની આજુબાજુ બેઠેલા શ્રોતાઓને એવું લાગે છે જાણે તે સ્ટેજ પરનું ગીત નહીં, પણ તેમની બાજુમાંથી અપાતી દાદ સાંભળવા આવ્યા છે.

ઘણા લોકો એટલા અધિકારથી અને એટલી ખોટી જગ્યાએ બરાડા પાડીને દાદ આપે છે કે આજુબાજુ બેઠેલામાંથી થોડાને લધુતાગ્રંથિ થઇ જાય. એમને લાગે કે ગીતમાં એવી ઘણી જગ્યાઓ છે, જેમાં આપણને ખબર પડતી નથી પણ આ જાણકાર લાગતા લોકો માણી શકે છે. આવા લોકોને બોલતા કેમ બંધ કરવા એ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ધૂસણખોરી શી રીતે અટકાવવી એ જાતનો પ્રશ્ન છે. કાનમાં રૂનાં પૂમડાં નાખવાથી અર્થ સરતો નથી અને કોઇના મોઢા પર જાડી ખાખી સેલોટેપ મારી દેવાની ઇચ્છા થઇ જાય, એટલે કંઇ એનો અમલ ન કરી દેવાય- એ નાગરિકશાસ્ત્રનો તકાદો સતત યાદ રાખવો પડે છે.

Monday, March 26, 2012

ગુજરાતી નાટકોના ઓછા જાણીતા ‘સુંદરી’ : અમૃત જાની

Amrut Jani in Female Role



સાત-આઠ દાયકા પહેલાં નાટકોમાં સ્ત્રીભૂમિકા કરીને છવાઇ ગયેલા અમૃત જાની/Amrut Jani આજીવન રંગમંચ સાથે સંકળાયેલા રહ્યા.જન્મશતાબ્દિ વર્ષે તેમનું અને તેમની આત્મકથામાં ઝીલાયેલા યુગની અત્યારે આશ્ચર્યજનક લાગે એવી વિશિષ્ટતાઓનું સ્મરણ


વર્ષ ૧૯૨૭. મૂંગી ફિલ્મો શરૂ થઇ હતી, પણ બોલતી ફિલ્મોના યુગને હજુ વાર હતી. બોલતા-ગાતા મનોરંજન માટે પ્રજાનો મુખ્ય આધાર મુંબઇથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી વિવિધ નાટકમંડળીઓ પર હતો. ફિલ્મ કંપનીઓ- સ્ટુડિયોની જેમ દરેક નાટકમંડળીની ખૂબીઓ અને વિશિષ્ટતાઓ હતી. સ્ટાર અભિનેતાઓથી માંડીને નિર્દેશક સુધીના સૌ પગારદાર રહેતા. ફરક એટલો કે નાટકમંડળીઓએ પોતાના આખા સ્ટાફ સાથે ફરવું પડતું.‘નાટક-ચેટક’નું કામ ભદ્ર વર્ગમાં એવું હીણપતભર્યું ગણાતું કે બનીઠનીને નાટક જોવા જવાય, એનાં પાત્રો પર ફીદા થવાય, પણ ‘નાટકિયા’ સાથે સંબંધ ન બંધાય. એ જ કારણથી, મુખ્યત્વે મસાલા-મનોરંજનનાં પર્યાય જેવાં નાટકોમાં સ્ત્રી પાત્રો માટે અભિનેત્રીઓનો સદંતર અભાવ હતો- અને નાટકોમાં સ્ત્રી ભૂમિકાઓ કરતા અભિનેતાઓનો જબરો પ્રભાવ હતો.

હીરોઇનની ભૂમિકા માટે જરૂરી ગણાતી કુમળી વયે- પંદર વર્ષે- અમૃત જાની રાજકોટની એક સાંસ્કૃતિક સંસ્થાના નાટક ‘ભારતગૌરવ’માં નાયિકા બન્યા. ૧૭ જુલાઇ, ૧૯૧૨ના રોજ જન્મેલા અમૃતભાઇ આમ તો આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિદ્યાર્થી, પણ તેમના પિતા જટાશંકર જાનીએ ચાર દાયકા સુધી નાટકોમાં કામ કરીને અભિનેતા-દિગ્દર્શક તરીકે ખ્યાતિ મેળવી હતી. પત્નીના મૃત્યુ પછી તે ‘મારા દીકરાને નાટકિયો નથી બનાવવો’ એવા નિર્ધાર સાથે નાટકની દુનિયા છોડીને આવી ગયા. પરંતુ કપરી આર્થિક સ્થિતિમાં રાજકોટના જાણીતા ગૃહસ્થોએ નાટકના રોલ માટે રૂ.ત્રીસની ઓફર કરતાં, તે ના પાડી શક્યા નહીં. યોગાનુયોગે મુંબઇની વિખ્યાત નાટક કંપની ‘રોયલ’/Royal એ વખતે રાજકોટમાં હતી. તેના કર્તાહર્તાઓ ‘ભારતગૌરવ’માં ચંદ્રગુપ્ત મૌર્યની પ્રેમીકાની ભૂમિકામાં અમૃત જાનીને જોઇને એવા પ્રભાવિત થયા કે મહિને ત્રીસ રૂપિયા અને ખાવું-પીવું-રહેવું, એવી શરત સાથે તેમણે અમૃત જાનીને રોકી લીધા.

દીકરાને નાટકથી દૂર રાખવા ઇચ્છતા પિતા માટે એ કપરો નિર્ણય હતો. પણ કુટુંબની આર્થિક સ્થિતિ જોતાં અને ‘રોયલ’માં એક જૂના પરિચિતની હૈયાધારણ પછી તેમણે મંજૂરી આપી. રૂપિયા ત્રીસનો માસિક પગાર ૧૯૨૭માં કેટલો ગણાય? અમૃત જાનીએ તેમની આત્મકથા ‘અભિનયપંથે’માં લખ્યું છે તેમ, એ સમયે મોરબી રાજ્યના ફોજદારને એટલો પગાર મળતો ન હતો. નાટકોમાં કુમળી વયના છોકરાઓની શરૂઆત સામાન્ય રીતે ખાવા-પીવા-રહેવાની શરતે થતી. અંદર રહીને તે ઘડાય અને કંઇક હીર બતાવે ત્યાર પછી પગારની વાત આવે.

કિશોર વયે છોકરાઓનો અવાજ સ્ત્રૈણ હોય અને શારીરિક ફેરફારો શરૂ થયા ન હોય, એટલે સ્ત્રી પાત્રોમાં તે સહેલાઇથી ઢળી શકે. છોકરાનો દેખાવ ખરેખરી સુંદરીને પાણી ભરાવે એવો કરવા માટે કેવી જહેમત લેવાતી તેનું પણ ઝીણવટભર્યું વર્ણન ‘અભિનયપંથે’માં અમૃતભાઇએ આપ્યું છે. ‘મેક-અપ’ માટે ત્યારે ‘પાવડર’ જેવો સીધોસાદો શબ્દ વપરાતો હતો અને ‘પાવડર-રૂમ’નો સરંજામ આટલોઃ બે મોટા વાટકામાંથી એકમાં પાણી અને બીજામાં સફેદ પાવડરની ભૂકી. નાની વાટકીઓમાં પીળા રંગના કટકા, લાલ રંગની ભૂકી. એક વાટકીમાં તેલમાં મિક્સ કરેલો અને બીજીમાં પાણીમાં ઘોળેલો કાળો રંગ. પફ-પાવડરનો એક ડબો, વેસેલીનની શીશી અને કોપરેલ તેલની વાટકી.

પહેલાં લાલ રંગમાં અને પછી પાણીમાં આંગળી બોળીને અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખીને મેક-અપની શરૂઆત થાય. શરીરનો જે ભાગ વસ્ત્રોની બહાર દેખાવાનો હોય તેની પર સાવચેતીપૂર્વક રંગ ચોપડવાનો. મોઢાના રંગ સાથે તેનું મેચંિગ થવું જોઇએ. પાવડર સુકાઇ જાય પછી લાલ રંગની ભૂકી થોડા પાણીમાં ભેળવીને તેનાથી ગાલ પરની સુરખી કરવાની. આંખની ઉપરની ભ્રમર (‘નેણ’) કાળા રંગમાં દીવાસળીની સળી બોળીને ચીતરવાની. આંખમાં આંજણ અને લાલ રંગમાં સળી બોળીને ચાંલ્લા કરવાના. પરંતુ નેણ-આંજણ-ચાંલ્લા કરતાં પહેલાં કોરિયોગ્રાફરને પાવડર (મેક-અપ) બરાબર થયો છે કે નહીં, એ બતાવી દેવાનું. કોરિયોગ્રાફર માટે એ સમયનો પ્રચલિત શબ્દ હતો ‘નાચ-માસ્તર’. (એવી જ રીતે વાળની વિગનો વહીવટ કરનાર વિગ-માસ્તર અને હાર્મોનિયમ વગાડનાર પેટી-માસ્તર)

કંપનીનો નિયમ એવો કે બધા છોકરાઓએ વાળ કપાવવાના નહીં. લાંબા વાળ રાખવાના. એ લોકો પોતાને શોભે એવા વાળ ઓળીને વિગ-માસ્તર પાસે જાય. એ તેમને ચોટી ગૂંથી આપે કે અંબોડો વાળી આપે. દરેક અભિનેતાને પોતાની ભૂમિકા પ્રમાણેનાં વસ્ત્રો ડ્રેસખાતામાંથી મળે. દરેકના નામ સાથે ત્યાં એનાં કપડાં લટકતાં હોય. સ્ત્રીપાઠ કરતા છોકરાઓના શરીરના વળાંકો બતાવવા માટે કપડાના દડા વપરાય. ‘લ્યો, આ છાતી પહેરો’ એટલી સહજતાથી ડ્રેસ-માસ્તર વાત કરે. અમૃતભાઇએ લખ્યું છે કે જેમ એક કુંવારી કન્યાને લગ્નમંડપમાં તેનાં સગાંવહાલાંની સ્ત્રીઓ સંભાળે એવી રીતે તૈયાર કરનારા સંભાળ રાખે. છેલ્લે દાગીનાખાતામાં જઇને દરેક પોતપોતાને લગતા દાગીના પહેરે. તેમાં ખોટા મોતીનો હાર, ગળામાં ચપોચપ પહેરાતો ગંઠો, મોતીની બંગડીઓ અને એરીંગ.

આ રીતે તૈયાર થયેલા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા, તેમને ભેટસોગાદો આપીને તેમની નજીક જવાના પ્રયાસ કરતા અને દરેક વ્યવસાયમાં હોય છે એવા સ્વૈચ્છિક કે ફરજિયાત શોષણના બનાવો પણ બનતા. પરંતુ છેવટનો આધાર વ્યક્તિની પોતાની ઉપર અને નાટકમંડળીની શિસ્ત પર રહેતો. રોયલ નાટકમંડળીના માલિક મહાશંકર અને કંપનીના આધારસ્તંભ જેવા પારસી અભિનેતા-દિગ્દર્શક સોરાબજી કાત્રક આ બાબતમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા.

નાટકકંપનીઓ એક ગામમાં લાંબો નિવાસ કરીને બીજે ગામ જતી હોય ત્યારે ઘણી વાર કંઇક લોકોનાં ગામમાં લેણાં ચૂકવવાનાં બાકી રહી જતાં. પણ ‘રોયલ’ની એવી પરંપરા હતી કે ગામ છોડવાનું હોય તેના અઠવાડિયા પહેલાંથી તે જાહેરાત કરે કે ‘સંસ્થા પાસે યા તો સંસ્થાના કોઇ પણ કાર્યક્ર પાસે કોઇ વ્યક્તિનું કંઇ પણ લેણું નીકળતું હોય તો બે-ચાર દિવસમાં જાતે આવીને લઇ જાય.’

પ્રસિદ્ધ નાટ્યલેખક જામને ‘રોયલ’ માટે ‘સોનેરી જાળ’ નામે એક નાટક લખ્યું હતું. તેમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહારાજના અનીતિમય વ્યવહાર અંગે ચાલતા કેસનો વિષય હતો. નાટક સફળ થયું, પણ વૈષ્ણવ સમાજ નારાજ થયો. તેમણે પહેલાં ધમકી મોકલી. તેની અસર ન થઇ એટલે ‘નાટક બંધ કરો તો અમે મોટી રકમ આપીએ’ એવી વાત કરી. છતાં, કંપનીએ નાટક ભજવવાનું ચાલુ રાખ્યું. નાટક મંડળીઓ સંપૂર્ણપણે ધંધાદારી હોવા છતાં, ‘રોયલ’ જેવી કેટલીક કંપનીઓ કે વ્યક્તિગત રીતે ઘણા લોકો માટે નાટક કેવળ રૂપિયા કમાવાનું સાધન ન હતું. વપરાઇને લપટા પડી ગયેલા શબ્દોમાં કહેવું હોય તો કંપનીનું વાતાવરણ ‘પરિવાર જેવું’ રહેતું.

સૌનું રસોડું સહિયારું. રસોડાની ઘંટડી વાગે એટલે વારાફરતી બધા જમવા જાય. આત્મકથામાં અમૃતભાઇએ કેટલાંક વર્ણન એટલાં ઝીણવટભર્યાં અને આબેહૂબ કર્યાં છે કે એ કોઇ સજ્જ સાહિત્યકારના લખાણ જેવાં લાગે. જમવાની જગ્યા અને રસોડા વિશે તેમણે લખ્યું છે, ‘એક મોટા સમુહને માટે જેમ લોજ-વીશીમાં રસોઇ થતી હોય અને જેવા પ્રકારની હવામાં ઘેરાયેલી વાસ આવે તેવી અહીં પણ આવતી હતી.’ બધા લોકો પરિવારના સભ્યો ખરા, પણ જ્ઞાતિના ચોકાથી પરિવારના બંધન કરતા વધારે મજબૂત. અમૃતભાઇના જ શબ્દોમાં : ‘રસોઇ બનતી તેની લગોલગ લાકડાની આડશવાળા ચોકઠામાં બ્રાહ્મણભાઇઓ જમવા બેસતા. તેનાથી એકાદ ફૂટ દૂર, બીજી એવી જ કરેલી જગ્યામાં નાયકબંઘુઓની જગ્યા મુકરર થયેલી હતી...નાની-નાની એવી બે-પાંચ આડશવાળી જગ્યામાં સંસ્થાના દરજીભાઇ, વાળંદભાઇ વગેરે અને પછીના એવા જ ભાગમાં પારસી અને મુસ્લિમ બિરાદરો કે જે લગભગ, ત્યાં બેસીને જમવાને બદલે પોતાના ટિફિનમાં જમવાનું ભરાવી લઇ જતા અને પોતાની રહેવાની અગર અન્ય અલાયદી જગ્યાએ બેસી જમતા... વાસણ માંજી રહેલા બે ભાઇઓ પાસે થાળી-વાટકાનો ઢગલો પડેલો હતો. જે જે જમવા આવતા, તે તેમાંથી થાળી-વાટકો લઇ, પોતપોતાના ચોકામાં જમવા બેસી જતા.’

નાટક મંડળીમાં એક તરફ પરિવાર જેવું વાતાવરણ, બીજી તરફ આર્થિક અને અંદરોઅંદરની ખટપટો અને થોડાં વર્ષો પછી નાટકમંડળીઓના અંતનો આરંભ- એ પરિસ્થિતિને કારકિર્દીના ચડાવઉતાર સાથે અમૃત જાનીએ કેવી રીતે જોઇ? તેની વાત આવતા અઠવાડિયે.

Saturday, March 24, 2012

મહેમદાવાદ રેલવે સ્ટેશને સમી સાંજનો પક્ષીમેળો

આમ તો દૃશ્ય ઘણાં વર્ષ જૂનું છે. પણ સાવ સૂર્યાસ્ત પછી અને અંધારું સાંજ પર સંપૂર્ણપણે છવાઇ જાય એની વચ્ચેના સમયે મહેમદાવાદ રેલવે સ્ટેશન પર જવાનું બહુ ઓછું થતું હતું. એ સમયે સ્ટેશને હોઇએ ત્યારે કેમેરા સાથે ન હોય. 

આજે એ યોગ થઇ ગયો. એટલે આ તસવીરો અને વિડીયો. આખા આકાશમાં પથરાઇને ઉડતાં અને ઘડી ઘડીમાં ફોર્મેશન બદલતાં પક્ષીઓની વિડીયો જોઇને મારી દીકરીએ કહ્યું, 'આકાશમાં દાણા વેરાતા હોય એવું લાગે છે.' 

છેક નીચે મૂકેલી બે નાની  વિડીયોમાં ફક્ત આંખને ઠારે એવી જ નહીં, દિલોદિમાગ પર છવાઇ જાય એવી પક્ષીસમુહની ઉડાન અને સાથે તેમના ટહુકાર છે.








સંખ્યાબંધ પક્ષીઓ ઉડતાં ઉડતાં આવે અને રેલવેના માઇક્રોવેવ ટાવર પર કશી ધક્કામુક્કી કે અથડાઅથડી વિના લાઇનબંધ ગોઠવાઇ જાય, એ જોઇને લાગે કે લાઇનની બાબતમાં પક્ષીઓ માણસ કરતાં વધારે ઉત્ક્રાંત છે.



Friday, March 23, 2012

અશ્વિની ભટ્ટઃ શૂટ એટ સાઇટ

છેલ્લા થોડા દિવસથી બલ્કે બે-ત્રણ અઠવાડિયાંથી અશ્વિની-પર્વ ચાલે છે. અશ્વિની ભટ્ટ એક મહિનાથી પણ ઓછા સમય માટે અમદાવાદ આવ્યા છે અને રવિવારે રાત્રે નીકળવાના છે. આ વખતે આખું પરિવાર સાથે હોય એવો દુર્લભ સંયોગ રચાયો છે. અશ્વિનીભાઇ, નીતિભાભી, નીલ-કવિતા અને તેમનાં બન્ને સંતાનો અર્જુન-અનુજ.

અશ્વિનીભાઇ અમદાવાદમાં હોય એટલે શું ચાલે? સીકેકે, ગામગપાટા, અવનવી દુનિયાભરની વાતો, અટ્ટહાસ્ય, મિત્રમંડળીઓની મહેફિલો, નાસ્તાપાણી, યાદગીરી તરીકે ફોટા- આ બધું એટલું ચાલે છે કે બ્લોગ તો ઠીક, રોજના કામનું લખવાનો માંડ સમય મળે. અશ્વિનીભાઇ અહીં છે ત્યાં સુધી લખવાની ચિંતા છોડીને બસ અઢળક મઝા કરવી એવું પણ મનમાં હતું. એ ઇરાદો પાર પડ્યો અને પડી રહ્યો છે એનો ભારે સંતોષ છે. છતાં, ફક્ત આટલું લખીને અશ્વિનીભાઇના ગેરહાજર પ્રેમી મિત્રોને દુઃખી ન કરાય. એમ સમજીને આજે થોડી વિશિષ્ટ તસવીરો મૂકું છું.

આજે સવારે મિત્ર તસવીરકાર વિવેક દેસાઇ તેમનાં પત્ની શિલ્પા સાથે ઉલટભેર અશ્વિનીભાઇના ઘરે ફોટો-શૂટ માટે આવ્યા. તેમણે અશ્વિનીભાઇની ઘણી અને યાદગાર તસવીરો લીધી છે. અશ્વિનીભાઇ-નીતિભાભીએ પ્રેમથી તસવીરો પડાવી. એની વાતો ફરી ક્યારેક, પણ આજે તો અશ્વિનીભાઇની તસવીરો લેવાની વિવેકની પ્રક્રિયાની તસવીર-કથા.

દૂરથી ક્લોઝ-અપ?

વાહ, શું મસ્ત લાઇટ છે.
થોડા પોઝ, થોડી વાતો-1
થોડા પોઝ, થોડી વાતો-2
થોડા પોઝ, થોડી વાતો-3
લેખક લખતા કેવા લાગે?
રિવોલ્વિંગ ચેર નહીં, પેલી ‘રોયલ’ની ખુરશી જોઇએ
ઊભા ઊભા પણ લખી શકાય 
લેખકનો લખાણ સાથેનો ‘મગ શોટ’. 
અશ્વિનીભાઇ કહે, ‘ઉપર લખી દઉં કે આમાં(લખવામાં) ક્યાં પડ્યા?’
વિવેક ફોટા પાડતા હોય ત્યારે વચ્ચે આપણને પણ હાથ સાફ કરવાનું મન થઇ જાય
આ સાયકલ અશ્વિનીભાઇની નથી
પચીસ વર્ષ પહેલાં અશ્વિનીભાઇને વિચાર આવ્યો હોત કે 
દાદરો ચડવાને બદલે આ વેલો ચડીને બીજે માળ પહોંચાય?
 કે પછી આ વેલા કોણે કર્યા હશે? એનું શું ગણિત હશે? એ ધંધામાં પડાય?
જુઓ, કેમ લાગે છે?
યાદગીરી માટે

Wednesday, March 21, 2012

રેલવે બજેટઃ સીધી આવક માટેના આડા રસ્તા

રેલવે બજેટ આવી જાય એટલે મુસાફરીનાં ભાડાંમાં કેટલો વધારો થયો ને કેટલી નવી ટ્રેનો શરૂ થઇ એની ચર્ચા થવા લાગે છે. આવક માટે રેલવેએ ભાડાં વધારવાં જોઇએ કે નહીં, એ મુદ્દે બિચારા રેલવેમંત્રીની કફોડી દશા થાય છે. એક બાજુ આમઆદમી ને બીજી બાજુ ખાસ જરૂરિયાતો. આ પરિસ્થિતિમાંથી ઉગરવું હોય અને ભાડાંમાં વધારો ‘ઝીંક્યા’ વિના આવક ઊભી કરવી હોય તો કેટલાક ખાસ પ્રકારના વેરા દ્વારા એ કામ થઇ શકે છે. જેમ કે,

બારણાવેરો

ટ્રેનના કાયમી મુસાફરોમાંથી કેટલાક બારણાપ્રેમી હોય છે. ચિંતકો અને ગદ્યકારોએ ટ્રેનના ડબ્બાની બારીનો મહિમા કર્યો છે. એકે તો બારીને ‘મુસાફરની મા’ કહેવાની છૂટ લીધી છે. અતિશયોક્તિનો એ સિલસિલો આગળ વધારવો હોય તો કહી શકાય કે ટ્રેનના ડબ્બાનું બારણું ઘણા મુસાફરો માટે પિતાસમાન હોય એવું લાગે છે. ગમે તેવી ભીડમાં પિતાની આંગળી પકડી રાખતા પુત્રની જેમ, ગમે તે થાય, પણ એ લોકો બારણાનો સાથ છોડતા નથી. વચ્ચે આવતાં સ્ટેશનેથી ટોળાબંધ લોકો ચઢે, બારણામાં કુરૂક્ષેત્ર સર્જાઇ જાય, તો પણ બારણાપ્રેમીઓ કોઇ અલૌકિક સિદ્ધિના બળે એવા પારદર્શક બની જાય છે કે આખું ટોળું જાણે તેમનામાંથી પસાર થઇને ડબ્બાની અંદર પહોંચી ગયું હોય એવું લાગે. ગાડી ઉપડે ત્યારે ફરી એક વાર એ લોકો પોતાની જગ્યાએ - બારણે- યથાવત્‌ ઊભેલા જોવા મળે છે.

રાજાશાહીના જમાનામાં આજ્ઞાપાલક સ્વામીભક્તોને રાજાએ કહી દીઘું હોય કે ‘તમારે જીવતાંજીવ કદી કિલ્લો કે ચોકી છોડીને જવાનું નહીં.’ એટલે એ લોકો પ્રાણાંતે પણ વચનનું પાલન કરતા. ટ્રેનના બારણે ઉભેલા લોકોને જોઇને જૂના વખતની ટેકની યાદ તાજી થાય છે. ‘ગમે તેટલા ધક્કા ખાઇને -અપમાન સહીને પણ અમે બારણું નહીં છોડીએ’ એવું વચન તેમણે રેલવેમંત્રીને આપ્યું હશે? એવો વિચાર આવી જાય છે.

આખો ડબ્બો ખાલી હોય તો પણ બારણે ઊભા રહે તો જ સંતોષ થાય, એવો પણ એક વર્ગ હોય છે. (જેમ અમુક લોકોને દાળભાતથી જ ‘જમ્યાનો સંતોષ’ થતો હોય છે.) શાણા લોકો એટલે જ દરવાજે લટકતા લોકોને જોઇને અંદરની ભીડથી ગભરાતા નથી. તેમને ખબર છે કે દરવાજા પરની ગીરદી ભારતના ભાવિ સુપરપાવર તરીકેના દરજ્જા જેવી છેઃ બહારથી બીજાને ડરાવે એવી-પ્રભાવશાળી અને અંદરથી ખાલી.

બારણાપ્રેમીઓ વિશે આટલી વિગતે વાત કરવાનું કારણ એ કે હવે પછીના રેલવે બજેટમાં બારણે ઊભા રહેનારા લોકો પાસેથી બારણાવેરો વસૂલવાની દરખાસ્ત મૂકી શકાય. ટિકિટબારી પરથી સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસની જેમ ડોર ક્લાસની- બારણાની અલગ ટિકિટ જ મળતી હોય, જેની કિંમતમાં બારણાવેરો ઉમેરી દેવામાં આવ્યો હોય. એમ કરવાથી ડબ્બાની અંદર મુસાફરી કરતા આમઆદમી પર વધારાનો બોજ નહીં વધે અને સરકારને આવક થશે.

હવાવેરો

આમ તો એને બારણાવેરા સાથે પેટાવેરા તરીકે સંલગ્ન કરી શકાય. કારણ કે બારણે ઊભા રહેનારા ઘણા લોકો પોતાના બારણાપ્રેમના મૂળમાં હવાપ્રેમને કારણભૂત ગણાવે છે. ‘અંદર ગુંગળામણ થાય છે. એટલે હવા ખાવા અમે દરવાજે ઊભા રહીએ છીએ.’ આવો ખુલાસો ગમે એટલો તાર્કિક લાગે, પણ એ વધારાના વેરાના પાત્ર છે એમાં બેમત ન હોઇ શકે. ગીરદીથી છલકાતા ડબ્બામાં એક તો બારણે ઊભા રહેવાનું અને એ પણ હવા આવે એવી રીતે- આ લગભગ ફર્સ્ટ ક્લાસ સમકક્ષ સુવિધા થઇ અને મુંબઇની ટ્રેનોમાં તો ફર્સ્ટ ક્લાસમાં પણ ભારે ભીડ હોય ત્યારે તે ફર્સ્ટ ક્લાસથી પણ ઉપરના ક્લાસની સુવિધા કહેવાય. ‘હવા ખાવી એ મૂળભૂત, પ્રાથમિક અને કુદરતી જરૂરિયાત છે’ એ વાત ટ્રેનના ડબ્બાના સંદર્ભે માન્ય રાખી શકાય નહીં. ત્યાં એને ‘લક્ઝરી’નો દરજ્જો આપીને, તેના માટેનો વેરો એસી ક્લાસ સમકક્ષ રાખવાનું વિચારી શકાય.

ઘોંઘાટવેરો

ટ્રેનના ડબ્બામાં ‘સાયલેન્સ ઝોન’નું પાટિયું ન લગાડી શકાય એ તો દેખીતું છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શશિ થરૂરનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને તેને ‘કેટલક્લાસ’ (ઢોરઢાંખરનો ડબ્બો) ન કહી શકાય એ પણ દેખીતું છે. એટલા માટે નહીં કે તેમાં માણસોનું અપમાન થાય, પણ ખાસ તો એટલે કે પશુઓ ઘણા મુસાફરોની જેમ અકારણ, પોતાની હાજરી સિદ્ધ કરવા, નારીરત્નોનું ઘ્યાન ખેંચવા, સમય પસાર કરવા કે પછી માત્ર ‘નિજાનંદ માટે’ ઘોંઘાટ મચાવતાં નથી અને આજુબાજુના લોકોને ત્રાસ આપતાં નથી.

‘સરકાર ઘોંઘાટ ઘટાડવાની દિશામાં વિચારશે?’ એવી ચર્ચાપત્રીસહજ અપેક્ષા તો ન રાખીએ, પણ ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાની માફક, ઘોંઘાટ માટે વેરો લઇને તેને દેશહિતનો દરજ્જો આપવાનું પગલું ભરી શકાય છે. ઘોંઘાટવેરા પેટે મળેલાં નાણાં રેલવે તંત્રની સલામતી અને સુવિધાઓ વધારવા માટે વપરાશે, એમ કહીને લોકોને ઘોંઘાટ દ્વારા દેશસેવા કરવાના રસ્તે દોરી શકાય. એમ કરવાથી દેશભક્ત નાગરિકોની સંખ્યામાં મોટો વધારો થશે, જે ભારતને કમ સે કમ ઘોંઘાટના મુદ્દે સુપરપાવર બનાવવાની દિશામાં દોરી જશે.

પલાંઠીવેરો

ભારતના હાર્દ જેવી અસમાનતામાંથી ટ્રેનના ડબ્બા પણ શા માટે બાકાત રહે? એક તરફ લોકોને પગ મુકવા જગ્યા નથી હોતી, ત્યારે જગ્યાની બાબતમાં મૂડીવાદી એવા કેટલાક લોકો સીટ પર પલાંઠી મારીને બેઠા હોય છે (જે ઊભેલા લોકોને ‘પલાંઠો’ લાગે છે.) પલાંઠાપ્રધાન મુસાફરો એવું માને છે કે ટિકીટ ખરીદીને મેળવેલા મુસાફરીના હકમાં પલાંઠી વાળવાનો હક પણ સમાવિષ્ટ છે. નાગરિકશાસ્ત્રની તેમની આવી સમજણને કારણે ઘણી વાર બંધારણીય તો નહીં, પણ (મારામારી સ્વરૂપે) કાયદો-વ્યવસ્થાની કટોકટી ઊભી થાય છે.

ફક્ત સીટ પર બેઠેલા લોકો જ પલાંઠીવાદી હોય છે એવું માનવાની જરૂર નથી. ટ્રેનમાં આજુબાજુના લોકો એક પગે તપ કરનાર ઘુ્રવને લધુતાગ્રંથિ થઇ જાય એવી મુદ્રામાં પોતાના પગ ટેકવીને ઊભા હોય, ત્યારે ડબ્બાના ભોંયતળીયે, દરવાજા નજીક કે ખુલ્લા પેસેજમાં કેટલાક માથાભારે લોકો બિનધાસ્ત પલાંઠી વાળીને બેસી જાય છે. તેમાં બહેનોનું નોંધપાત્ર પ્રમાણ જોઇને સ્ત્રીસશક્તિકરણના પ્રેમીઓનો રાજી થઇ શકે છે- શરત એટલી કે તે આજુબાજુમાં ઊભેલા ન હોવા જોઇએ. અનરીઝર્વ્ડ- સાદા ડબ્બામાં પલાંઠી વાળીને બેસવું એ ટિકિટસિદ્ધ અધિકાર છે કે નહીં, તેની ઉગ્ર ચર્ચાઓ થાય અને કવચિત તેમાંથી હિંસા પણ ફાટી નીકળતી હોય, એને બદલે પલાંઠીવેરો લઇને લોકોને સત્તાવાર રીતે પલાંઠી વાળવાની પરવાનગી શા માટે ન આપવી? તેનાથી કકળાટ ટળશે અને રેલવેને આવક થશે.

લટકવેરો

બારણાનો દંડો પકડીને શાંતિથી ઊભા રહેવામાં પોતાની સાહસવૃત્તિનું અપમાન લાગતું હોય એવા કેટલાક લોકો બારણાનો એક બાજુનો દંડો પકડીને અડઘું શરીર હવામાં ઘ્વજની પેઠે લહેરાવે છે. આ પ્રવૃત્તિને એડવેન્ચર સ્પોર્ટ્‌સનો દરજ્જો મળ્યો નથી કે તેને જીમનાસ્ટીકમાં ગણવામાં આવતી નથી, એમાં લટકનારાનો શો વાંક?
આવી રીતે લટકવાની પ્રવૃત્તિને સામાજિક દૃષ્ટિએ નીચી નજરથી જોવાને બદલે કે લટકનારાને મવાલી ગણી લેવાને બદલે, તેમની પાસેથી રેલવે લટકવેરો વસૂલ કરી શકે છે. કેમ? માણસ જીમ્નેશિયમમાં જાય તો ફી ન ચૂકવે? એડવેન્ચર સ્પોર્ટ્‌સ મફતમાં થાય છે?

‘એરણની ચોરી ને સોયનું દાન કરતી કોર્પોરેટ કંપનીઓની સ્ટાઇલમાં, લટકવેરાની આવકનો થોડો હિસ્સો બારણે લટકવાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને વળતર આપવામાં પણ વાપરી શકાય.

Monday, March 19, 2012

આખી ફિલ્મી કારકિર્દીમાં મારે કદી સેક્રેટરીની જરૂર પડી નથી: કામિની કૌશલ

Kamini Kaushal, 85, in conversation with Urvish Kothari; A still from LP cover of `Nadiya Ke Paar` (with DilipKumar)


દિલીપકુમાર-દેવ આનંદ-રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોમાં નાયિકા બનનાર કામિની કૌશલ/Kamini Kaushal ૮૫ વર્ષની વયે પણ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. અવાજમાં યુવતી જેવો રણકો અને નજાકત, ચહેરા પરના વાતને અનુરૂપ સતત બદલાતા હાવભાવ અને એ પ્રમાણે અવાજના ચઢાવ- ઉતાર, એ બઘું જોઇને લાગે કે કામિની કૌશલ વૃદ્ધ નહીં, ફક્ત ઉંમરલાયક થયાં છે. ગ્રામોફોન ક્લબના મહેમાન તરીકે અમદાવાદની મુલાકાતે આવેલાં કામિની કૌશલે ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં ઘણી ભૂલાયેલી અને અજાણી વાતો તાજી કરી.

રાજ કપૂર સાથે તેમણે ‘જેલયાત્રા’ અને આર.કે.ના બેનરની પહેલી ફિલ્મ ‘આગ’માં નાયિકા તરીકે કામ કર્યું. ‘રાજ કપુર બહુ મસ્તીખોર હતો. મારી આગળ બહુ ગપ્પાં મારે અને ખોટેખોટી ધોંસ જમાવે.’ છ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી જતાં કામિની કૌશલે કહ્યું,‘એ મને પૂછે કે તેં કેટલી ફિલ્મોમાં કામ કર્યું? હું કહું કે એક જ. એટલે એ કહે, મેં તો દેસી ઠર્રા હું. મેં તો ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. પછી હું અંજાઇ જાઉં એટલે ખડખડાટ હસીને કહે, હું તો તને બનાવવા જૂઠું બોલું છું.’

‘રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર- ત્રણેની અલગ અલગ સ્ટાઇલ હતી. દિલીપકુમાર એકદમ અંતર્મુખી. દેવ આનંદ પણ નવો આવ્યો ત્યારે એકદમ શરમાળ હતો. એ વખતે અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું. એ વાતના દાયકાઓ પછી વિજય આનંદની છેલ્લી ફિલ્મમાં અમે સાથે હતાં. ત્યારે દેવને મેક અપ રૂમમાંથી બહાર આવતો જોઇને મેં કહ્યું, ‘અરે, તારી ચાલવાની સ્ટાઇલ હજુ એવી ને એવી જ છે.’ કામિની કૌશલ અને દિલીપકુમારની જોડી નદીયા કે પાર, શબનમ, શહીદ અને આરઝુ જેવી સુપરહિટ ફિલ્મો દ્વારા પડદા ઉપર અને પડદાની બહાર પણ અત્યંત જાણીતી બની.

‘ફિલ્મફેર’ના પહેલા જ અંકના મુખપૃષ્ઠ પર ‘કવરગર્લ’ તરીકે ચમકનાર અને ફિલ્મી દુનિયામાં આજીવન સેક્રેટરી રાખ્યા વિના કામ ચલાવનાર કામિની કૌશલનો જન્મ ૨૫ ફેબુ્રઆરી, ૧૯૨૭ના રોજ લાહોરમાં થયો હતો. તેમનું મૂળ નામ ઉમા કશ્યપ હતું. નાનપણથી જ તે ઓલ ઇન્ડિયા રેડિયો પર નાટકો કરતાં હતાં. પિતા રાયબહાદુર એસ.આર.કશ્યપ તરફથી બધી જ છૂટછાટ હતી. તેમનું મૃત્યુ થતાં મોટા ભાઇ બધાં ભાઇબહેનો માટે પિતાસમાન બની ગયા. તેમના મિત્ર ચેતન આનંદે ઉમાને પોતાની પહેલી ફિલ્મ ‘નીચા નગર’માં તક આપી, પણ થયું એવું કે ચેતન આનંદની પત્નીનું નામ પણ ઉમા હતું અને એ પણ ફિલ્મમાં ભૂમિકા કરતાં હતાં. એટલે ઉમા કશ્યપનું નામ બદલીને કામિની કૌશલ કરી નાખવામાં આવ્યું. ‘મેં કહ્યું હતું કે તમારે જે મારું જે નામ રાખવું હોય તે રાખો, પણ ‘કે’થી શરૂ થતું હોય એવું રાખજો. કારણ કે મારી બહેનની બન્ને દીકરીઓનાં નામ પણ ‘કે’થી શરૂ થાય છે.’

‘નીચા નગર’ (૧૯૪૬) આંતરરાષ્ટ્રિય પ્રશંસા પામી. ત્યાર પછી કામિની કૌશલ લાહોર પાછાં જતાં રહ્યાં હતાં, પણ એ દરમિયાન તેમના અંગત જીવનમાં નાટકીય સંજોગો સર્જાયા. તેમની બહેનનું મૃત્યુ થતાં તેમણે બહેનની બે દીકરીઓની દેખભાળ રાખવા માટે બહેનના પતિ બ્રહ્મસ્વરૂપ સુદ સાથે લગ્ન કર્યું.

ચાળીસીના દાયકાના અંત સુધીમાં અભિનેત્રી તરીકે તેમની ઘણી ફિલ્મો સફળ થઇ હતી, પણ પચાસના દાયકામાં આવેલી બિમલ રોયની ‘બિરાજબહુ’(૧૯૫૪)માં તેમનો અભિનય નવી ઊંચાઇએ પહોંચ્યો. ‘બિમલ રોય બહુ શાંત અને ધીરગંભીર હતા. ફિલ્મના મુખ્ય પાત્રમાં મારી પસંદગી થયા પછી તેમણે મને પૂછ્‌યું કે ‘બિરાજબહુ’ નવલકથા તમે કેટલી વખત વાંચી છે? મેં જવાબ આપ્યો, ‘બે વાર.’ એટલે તેમણે કહ્યું, ‘તમારે એ વીસેક વાર તો વાંચવી જ જોઇએ. બિરાજનું આખેઆખું પાત્ર તમારામાં ઉતરી જવું જોઇએ.’ આ પ્રસંગ યાદ કરીને કામિની કૌશલે કહ્યું,‘એમની વાત બહુ સાચી હતી. ત્યાર પછી ઘણી વાર એવું બનતું કે આખો સીન એક પણ રીહર્સલ કે રીટેક વિના શૂટ થઇ જતો.’

બિમલ રોય જેવા ડાયરેક્ટરોના પ્રભાવની વાત કરતાં તેમણે કહ્યું,‘તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે વાર્તામાં દિવસનાં દૃશ્યો હોય તે દિવસે અને રાતનાં રાતે જ લેવાં, જેથી એક પ્રકારની સ્વાભાવિકતા આવે. એક વાર અમે ખંડાલા પાસે આઉટડોર શૂટિગ કરતાં હતાં ને મારાં મમ્મીને હાર્ટએટેક આવ્યો છે, એવા ખબર મળ્યા. સાંભળીને હું તદ્દન સ્કૂલની વિદ્યાર્થીનીની જેમ બિમલ રોય પાસે રજા માગવા દોડી ગઇ. તેમણે મને સમજાવી અને કહ્યું કે કાલ સવારનું શૂટંિગ પૂરું કરીને નીકળી જજે. એ વખતે મારાથી એવું ન કહેવાય કે રહ્યું તમારું શૂટિગ. હું તો આ ચાલી.’

કામિની કૌશલ-દિલીપકુમાર અભિનીત ફિલ્મ ‘શહીદ’ના ચાહક મનોજકુમારે પોતાની ‘શહીદ’માં કામિની કૌશલને પહેલી વાર માતાની ભૂમિકા કરવા માટે મનાવી લીધાં. ત્યારથી નિરૂપા રોય- અમિતાભ બચ્ચનની જેમ ફિલ્મી માતા-પુત્ર તરીકે કામિની કૌશલ-મનોજકુમાર જાણીતાં બન્યાં. નેવુથી પણ વઘુ ફિલ્મોમાં અભિનય કરનાર કામિની કૌશલે દૂરદર્શન પર બાળકો માટેની ટીવી સિરીયલ અને પપેટ શો સહિત અનેક પ્રવૃત્તિઓથી જીવનને ભર્યુંભાદર્યું રાખ્યું છે. ‘પરાગ’ માસિકમાં તેમણે લખેલી બાળવાર્તાઓ પર ગુલઝાર એટલા રાજી થયા હતા કે એની પરથી જ ટીવી સિરીયલ બનાવવા સૂચવ્યું.

સાવ બાળકી તરીકે પિતાના ખભે બેસીને લાહોર રેલવે સ્ટેશને ટ્રેનના ડબ્બામાં ઊભેલા ગાંધીજીનાં દર્શન કરનાર કામિની કૌશલ તેમના અમેરિકાનિવાસી કમ્પ્યુટર એન્જિનિયર પુત્ર વિદુર સાથે મળીને ગાંધીજીના રોબોટિક પપેટ પર કામ કરી રહ્યાં છે. એના થકી તે નવી પેઢીનાં બાળકો સુધી ગાંધીજીનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે.

Sunday, March 18, 2012

અજિત મર્ચંટ: વિદાયના એક વર્ષ પછી


આજીવન મૈત્રીનો આરંભકાળઃ સંગીતકાર અજિત મર્ચંટ અને ગાયક દિલીપ ધોળકિયાની દુર્લભ તસવીર

‘તમને અમે બિલકુલ યાદ કરતા નથી. કારણ કે તમને અમે ભૂલ્યા જ નથી.’ એવો ચબરાકીયો સંવાદ કેટલાક કિસ્સામાં શબ્દશઃ સાચો પડતો હોય છે. આજે જેમના મૃત્યુને એક વર્ષ પૂરું થયું, તે સંગીતકાર અજિત મર્ચંટ/Ajit Merchant ની વાત કંઇક એ જ પ્રકારની છે.

૮૮ વર્ષના દીર્ઘ, તંદુરસ્ત અને સંગીતમય જીવન દરમિયાન અજિત મર્ચંટની ખ્યાતિ મુખ્યત્વે ‘તારી આંખનો અફીણી’ના સંગીતકાર તરીકેની. ફિલ્મ ‘દીવાદાંડી’ (૧૯૫૦)નું વેણીભાઇ પુરોહિતે લખેલું- દિલીપ ધોળકિયા/Dilip Dholakiyaએ ગાયેલું એ ગીત ગુજરાતીઓની ત્રણ પેઢીથી પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ ૧૯૪૦ના દાયકાની મઘ્યથી શરૂ થયેલી અજિતભાઇની સંગીતસફર જીવનના અંતભાગ સુધી-લગભગ સિત્તેર વર્ષ- એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી. મૃત્યુના થોડા સમય પહેલાં અજિત મર્ચંટ (અને દિલીપ ધોળકિયા)ને ‘મુનશી સન્માન’ અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીતક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એક વાર પ્રકાશમાં લાવી મૂક્યું.

‘સાગર મુવિટોન’ના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજિતભાઇએ ૧૯૪૮માં ‘કરિયાવર’ ફિલ્મમાં પહેલી વાર સ્વતંત્રપણે સંગીત આપ્યું. ફિલ્મનાં કુલ ૧૧ ગીતોમાં ગીતા દત્ત (એ વખતે ગીતા રોય)નાં છ અને ગુજરાતીમાં પહેલી વાર ગાનાર મીના કપૂરનાં ચાર ગીત હતાં. તેમાંથી બે ખુદ અજિતભાઇનાં મીના કપુર સાથેનાં યુગલગીત હતાં. (‘કેસૂડાની કળીએ રૂડો ફાગણીયો લહેરાય’ અને ‘અમે વણઝારા’) ગીતા દત્ત જેવો ભાવવાહી, પણ નજાકતમાં તેમનાથી ચડિયાતો અવાજ ધરાવતાં મીના કપુર અજિત મર્ચંટનાં પ્રિય ગાયિકા બની રહ્યાં. તેમણે ગાંઠના પૈસે અને (પત્ની નીલમ મર્ચંટના નામ પરથી) ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર તળે ‘દીવાદાંડી’ ફિલ્મ બનાવી, તેમાં સાતમાંથી ચાર ગીત મીના કપૂરનાં સોલો (એકલગીત) હતાં. ફક્ત ફિલ્મોમાં જ નહીં, ‘આ માસનાં ગીતો’ જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપુર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં.

અજિતભાઇએ ફિલ્મો અને રેડિયો માટે મીના કપુર, ગીતા દત્તા, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમુદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં. જગજિતસિંઘ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં (અનુક્રમે ‘બહુરૂપી’ અને ‘માંડવાની જૂઇ’માં) અજિતભાઇના સંગીતમાં ગાયું. ‘ધરતીના છોરુ’ (૧૯૭૦)માં જગજિતસિંઘ અને સુમન કલ્યાણપુરે અજિતભાઇના સંગીતમાં ગાયેલું વેણીભાઇનું ગીત ‘ઘનશ્યામ નયનમાં’ અમર બન્યું છે. અસલમાં આ ગીત અજિતભાઇએ પચાસના દાયકામાં ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં રજૂ કર્યું હતું, જે અજિત શેઠ અને નિરૂપમા શેઠે ગાયું હતું. એ વખતે બન્નેનાં લગ્ન થયાં ન હતાં. અજિતભાઇ ઘણી વાર હળવા મૂડમાં પોતાના સંપર્કથી કે પોતાનાં ગીતો થકી પ્રેમમાં પડેલાં જોડાંને યાદ કરતાં. તેમાં નિરૂપમા-અજિત શેઠ, ભૂપેન્દ્ર-મિતાલી અને જગજિત-ચિત્રાનો ઉલ્લેખ કરતા.

પોતાને પહેલી તક આપનાર અજિત મર્ચંટનો ગુણ જગજિતસિંઘ છેવટ સુધી ભૂલ્યા ન હતા અને તેનો ગૌરવભેર જાહેર સ્વીકાર કરતા હતા. કારકિર્દીની શરૂઆતમાં અજિતભાઇ માટે ગાયેલા બિનફિલ્મી ગીત ‘રાત ખામોશ હૈ’નો જગજિતસિંઘે પોતાના આલ્બમ ‘મુંતઝિર’માં ચહીને સમાવેશ કર્યો. એટલું જ નહીં, અજિતભાઇના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં રસ લીધો.

સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહીં કરવાની જિદ અને ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાપ હરીફાઇમાં નહીં પડવાને કારણે અજિતભાઇએ માંડ નવ ગુજરાતી અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં ‘સપેરા’ માટે મન્ના ડેએ ગાયેલું (અને યુટ્યુબ પર સહેલાઇથી ઉપલબ્ધ) ‘રૂપ તુમ્હારા આંખોં સે પી લું’ સંગીતપ્રેમીઓ અને મન્નાડેના ભક્તોનું પ્રિય ગીત બની રહ્યું. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘બાબા તેરી સોનચિરૈયા’ (પ્રકાશઃ લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય, ઇન્દોર, ૨૦૦૮) તૈયાર કરનાર લેખક ‘અજાતશત્રુ’એ નોંઘ્યું છે તેમ, ફક્ત આ એક જ ગીતથી હિંદી ફિલ્મસંગીતમાં અજિત મર્ચંટ અમર બની ગયા છે.

શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજિતભાઇએ પચાસના દાયકામાં ભારતીય વિદ્યા ભવન આયોજિત ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં વાદ્યવૃંદ- ઓરકેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મો ઉપરાંત મુંબઇ રેડિયોમાં તેમણે દસ વર્ષ કામ કર્યું, સંખ્યાબંધ જાહેરખબરોનાં જિંગલ બનાવ્યાં. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતાં ગુજરાતી-હિંદી-મરાઠી નાટકોની સંખ્યા બસોથી પણ વધારે થાય છે.

અજિત મર્ચંટ પાસે હતાશ થવાનાં ઘણાં કારણ હતાં, પરંતુ પોતાની શરતે જીવનારા અજિતભાઇને નિરાશા ઘેરી શકી નહીં. પોતાનાં આજીવન સાથી અને ગીત ગાતાં કડી ભૂલી જાય તો અઘૂરી કડી પૂરી કરી દે એવાં પત્ની નીલમ મર્ચંટ સાથે તેમણે સંતોષી-સ્વમાની જીવન વીતાવ્યું. છેલ્લા એકાદ દાયકા દરમિયાન તેમને અવારનવાર મળવાનું થયું, ત્યારે તેમના ધબકતા સંગીતરસ અને જીવનરસનો પરચો મળ્યા કરતો હતો. ગુજરાતી-અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સૂક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઇ પુરોહિતનાં ઘણાં ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યાં. ઉમાશંકર જોષી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓની કેવળ નિજાનંદ ખાતર તે હાર્મોનિયમ પર ઘૂન બનાવતા હતા. એ પ્રવૃત્તિ છેવટ સુધી ચાલુ રાખી. (‘સુગમ સંગીત’ જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઇ ચાલે છે એની તેમને ભારે ચીડ હતી. ‘બાકીનું બઘું શું દુર્ગમ સંગીત છે?’ એવી મજાક તે હંમેશાં કરતા.) તેમનું વાચન છેવટ સુધી ચાલુ હતું. નવી કવિતા કે ગઝલ વાંચે અને ખૂબ પસંદ પડે તો એને સ્વરબદ્ધ કરવા બેસી જાય. એક વાર એવી જ રીતે વાતચીતની લાંબી બેઠકમાં તેમણે નીનાદ અઘ્યારુની રચના ‘એક ગામ યાદ આવે’ હાર્મોનિયમ પર ગાઇ સંભળાવી હતી.

મૃત્યુના થોડા દિવસ પહેલાં તે પડ્યા અને પથારીવશ થયા. એ વખતે ફોન પર વાત કરતી વખતે શરૂઆતમાં તેમનો અવાજ ખૂલતાં થોડી વાર લાગે, પણ પછી અવનવી વાતો ચાલતી. એવી જ અવસ્થામાં એક વાર તેમણે ફોન પર નીનુ મઝુમદારનું લખેલું એક બાળગીત સંભળાવ્યું અને એવાં બાળગીતો સ્વરબદ્ધ કરવાની- તેનું એક આલ્બમ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે તેમની વાત સાંભળીને જરાય ખ્યાલ ન આવે કે સામે છેડે રહેલો માણસ ૮૮ વર્ષનો અને પથારીવશ છે.

તેમના મૃત્યુના એકાદ પખવાડિયા અગાઉ હોસ્પિટલમાં છેલ્લી મુલાકાત થઇ ત્યારે હોસ્પિટલનું વાતાવરણ અને ચહેરા પરની વધેલી દાઢી બિમારીની ચાડી ખાતાં હતાં, પણ વાતો શરૂ થઇ એટલે બીજું બઘું બાજુ પર હડસેલાઇ ગયું. ફરી એ છ-સાત દાયકા વટાવીને જૂના સમયમાં પહોંચી ગયા, જ્યારે સંગીતકાર જયકિશન તેમની સાથે બોમ્બ માટેનાં ખોખાં બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને સત્યનારાયણની પૂજા વખતે હાર્મોનિયમ લઇને ગાતા હતા. ‘ભૂંગળા જેવા મોટા અવાજમાં એ ગાય. મારા હનુમાનગલીના ઘરે પણ એ ગાવા આવતો.’ એ યાદ કરતી વખતે તેમનો આખો ચહેરો સ્મિતથી ભરાઇ ગયો હતો. પોતે નીનુ મઝુમદારના સંગીત નિર્દેશનમાં ‘ગુડીયા’ ફિલ્મમાં પહેલું એકલગીત અને મીના કપૂર સાથે એક ગીતમાં થોડી લીટીઓ ગાઇ હતી, એ પણ એમણે ત્યારે યાદ કર્યું.

લગભગ બે-અઢી કલાકની એ સ્મરણ છલકાવતી વાતચીત બુઝાતા દીવડાનો છેલ્લો પ્રકાશ બની રહી. ૧૫ ઓગસ્ટ, ૧૯૨૨ના રોજ શરૂ થયેલી અજિત મર્ચંટની જીવનયાત્રા ૧૮ માર્ચ, ૨૦૧૧ના રોજ આખરી મુકામે પહોંચી. હવે તેમને શરીરદેહે ભલે ન મળી શકાય, પણ સંગીતદેહે અને સ્મરણદેહે તે હાજરાહજૂર છે.

અજિતકાકાને એક વર્ષ પહેલાં, તેમના મૃત્યુ વખતે આપેલી અંજલિ

Wednesday, March 14, 2012

કોંગ્રેસની ચિંતનબેઠકઃ બિનસત્તાવાર અહેવાલ

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામનું પોસ્ટમોર્ટમ કરવા માટે કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ નેતાઓને જોઇને એ બેઠક ઓછી ને બેસણું વધારે લાગે છે. પરિણામોને કારણે પણ માહોલ બેસણા જેવો છેઃ ગમે તેવી હળવી કે સામાન્ય વાતચીત પણ ગુસપુસ સ્વરે અને ચહેરા પર ગંભીર ભાવ રાખીને કરવી પડે.
બધા ગોઠવાઇ ગયા છે, પણ ક્યાંથી શરૂ કરવું એ કોઇને સૂઝતું નથી. એટલે રાબેતા મુજબ દિગ્વિજયસિંઘ શરૂઆત કરે છે.

દિગ્વિજયસિંઘઃ હું પ્રસ્તાવ મુકું છું કે ઉત્તર પ્રદેશમાં આપણા ભવ્ય વિજય બદલ મીઠાઇ વહેંચવામાં આવે.

(સોનિયા ગાંધી કતરાતી નજરે તેમની સામે જુએ છે. બીજા કેટલાક નેતાઓ હસું હસું થતા આડું જુએ છે. રાહુલ ગાંધીનો ચહેરો મોટા પ્રશ્નાર્થ જેવો થઇ જાય છે.)

દિગ્વિજયસિંઘઃ આ મજાક નથી અને કોઇએ ગેરસમજણ કરવાની જરૂર નથી. રાહુલબાબાએ ઉત્તર પ્રદેશમાં કોની સામે આક્રમક ઝુંબેશ ઉપાડી હતી?

કોરસઃ માયાવતી સામે. બહુજન સમાજ પક્ષ સામે.

દિગ્વિજયસિંઘઃ અને માયાવતીનું શું થયું? એ હારી ગયાં કે નહીં? અને કોના કારણે હાર્યાં? રાહુલબાબાને કારણે જ વળી. તો તમે જ વિચારો. આપણી જીત થઇ ન કહેવાય?

સોનિયા ગાંધીઃ તમે બાબાનો બચાવ ન કરો. બાબાને ગમતું નથી. એને કાખમાં તેડીને ‘તને નહીં, હોં બેટા, તને નહીં.’ કહેવાની જરૂર નથી. હવે એ મોટો થઇ ગયો છે.

રાહુલ ગાંધીઃ હા, હું હવે સક્ષમ છું.

ખૂણામાંથી અવાજઃ હા, બિહાર ને ઉત્તર પ્રદેશમાં હાર્યા પછી માણસ બીજે ક્યાંય પણ હારવા માટે સક્ષમ થઇ જાય.
અહમદ પટેલઃ કોઇએ અંદરોઅંદર ટોણા મારવાની જરૂર નથી. બધા પોતપોતાની જવાબદારી સમજે.

ચિદમ્બરમ્‌: હા, બધાએ પોતપોતાના કોર્ટ કેસ જાતે લડવાના રહેશે અને જામીન પણ જાતે મેળવવાના રહેશે. ટુ-જી કેસમાં હું એકલો જ લડ્યો ને.

કપિલ સિબ્બલઃ હું થોડોક મોડો પડ્યો. મને થોડાં વર્ષ પહેલાં ટેલીકોમ મંત્રી બનાવી દીધો હોત તો હું સેલફોન કંપનીઓ ઉપર જ પ્રતિબંધ મૂકી દેત. ન હોય સેલફોન કંપનીઓ ને ન થાય સ્પેક્ટ્રમ કૌભાંડ. ન થાય સ્પેક્ટ્રમ કૌભાંડ ને ન થાય આબરૂની ધજા.

સોનિયા ગાંધીઃ આપણે ભૂતકાળનાં રોદણાં રડવાને બદલે ભવિષ્યકાળની વાત કરીએ.

ચિદમ્બરમ્‌: હા, હજુ ફોર-જી સ્પેક્ટ્રમની હરાજી બાકી જ છે.

મનમોહનસિંઘઃ હું છું ત્યાં સુધી હવે કોઇ સ્પેક્ટ્રમનું નામ જ ન લેતા. સ્પેક્ટ્રમની હરાજીમાં મારી આબરૂની હરાજી થઇ ગઇ.

અવાજઃ બોલ્યા..બોલ્યા..પેંડા વહેંચો ભાઇ, વડાપ્રધાન બોલ્યા.

(અહમદ પટેલ સહેજ ઊંચી ડોક કરીને રૂમમાં ચોતરફ જુએ છે.)

પ્રણવ મુખર્જીઃ મારું ચાલે તો હું ફોર-જીથી ટેન-જી સુધીના બધા સ્પેક્ટ્રમની એકસામટી હરાજી અત્યારે કરી નાખું. રૂપિયા નહીં હોય તો બજેટમાં હું શું કરીશ, એનો કોઇએ વિચાર કર્યો છે? સ્વિસ બેન્કનાં વ્યક્તિગત ખાતાંથી બજેટ નથી બનતાં.

દિગ્વિજયસિંઘઃ એટલે તમે કહેવા શું માગો છો? ગાંધી પરિવારનું સ્વીસ બેન્કમાં ખાતું છે? અને સોનિયા ગાંધી બિમારીના બહાને તેનો વહીવટ કરવા માટે પરદેશ જાય છે? તમને આવું કહેતાં શરમ આવવી જોઇએ.

પ્રણવ મુખર્જીઃ પણ મેં એવું ક્યાં કહ્યું? મેં તો ફક્ત એટલું જ કહ્યું કે...

ચિદમ્બરમ્‌: તમે શું કહ્યું તે અમે ન સમજીએ એટલા મૂરખા ધારો છો અમને? બધી ખબર છેઃ ઓફિસોમાં જાસુસીઓ કોણ કરાવે છે ને કોણ ટેબલ નીચે માઇકો મુકાવે છે...

સોનિયા ગાંધીઃ બસ, બહુ થયું. આપણે એકબીજા સાથે નહીં, પણ વિરોધપક્ષો સામે લડવાની વ્યૂહરચના વિચારવા ભેગા થયા છીએ. ૨૦૧૪માં કે તે પહેલાં લોકસભાની ચૂંટણી આવી જાય તો આપણે શું કરવું?

રાહુલ ગાંધીઃ એ તમે મારી પર છોડી દો. હું સંભાળી લઇશ.

દિગ્વિજયસિંઘઃ મેડમ, રાહુલબાબા નેતા તરીકે સક્ષમ છે.

સોનિયા ગાંધીઃ હું વિરોધપક્ષમાં બેસવાની ક્ષમતાની વાત કરતી નથી.

કપિલ સિબ્બલઃ મને તો લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણી લડવાનો શ્રેષ્ઠ રસ્તો છાપાં અને ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકી દેવાનો છે. એ લોકો આપણા વિશે કેવું લખે છે-બોલે છે- બતાવે છે. રાજકારણ આપણો ધર્મ છે અને એ લોકો આપણી ધાર્મિક લાગણી દુભાવે છે, એટલું કારણ પ્રતિબંધ મૂકવા માટે પૂરતું છે. બસ, તમે હુકમ આપો એટલી વાર.

દિગ્વિજયસિંઘઃ સિબ્બલ, કોઇ તમારા બોલવા પર પ્રતિબંધ મૂકી દે તે પહેલાં તમે થોડા શાંત થાવ અને પ્રતિબંધથી આગળ વિચાર કરતાં શીખો. તમે બધા પર પ્રતિબંધ મૂકી દેશો તો આપણાં નિવેદનો ચગાવશે કોણ?

સોનિયા ગાંધી (આ વાર્તાલાપથી કંટાળીને, અહમદભાઇ તરફ જોઇને) ગુજરાતમાંથી કેમ કોઇ દેખાતું નથી? એમને ત્યાં લોકસભાની બેઠકો નથી? ત્યાં ચૂંટણી થવાની નથી?

(અહમદભાઇ ફરી એક વાર ડોક તાણીને જુએ છે. પછી કહે છે,‘કોઇ આવ્યું લાગતું નથી. કદાચ આ બેઠકમાં ચર્ચા માટે કોણે જવું તેની ચર્ચા ચાલતી હશે અને નિર્ણય લઇ શકાયો નહીં હોય.)

રાહુલ ગાંધીઃ આપણે બધાનાં મુદ્દાસર સૂચન લઇએ- હવે શું કરવું જોઇએ એ વિશે. તો કદાચ ગાડી સીધા પાટા પર ચાલશે. તમને શું લાગે છે, સલમાન ખુર્શીદ?

ખુર્શીદઃ મારું પહેલું સૂચન એ છે કે ચૂંટણીપંચની સત્તાઓ પર કાપ મૂકવો જોઇએ. એ લોકો મન ફાવે તેમ આચારસંહિતાના ભંગની નોટિસ આપે- આ તો ચૂંટણીશાહી છે કે ચૂંટણીપંચશાહી?

ચિદમ્બરમ્‌: ખરેખર તો ચૂંટણીપંચ આપણા હાથમાં હોવું જોઇએ. આપણે ઇચ્છીએ તેને નોટિસ આપી શકીએ ને ઇચ્છીએ તેની ઉમેદવારી રદ કરી શકીએ, તો કેવી મજબૂત લોકશાહી રચાય? પણ મને ખબર છે કે લોકશાહીના વિરોધીઓ ને સિવિલ સોસાયટીવાળા આવું કદી થવા નહીં દે.

દિગ્વિજયસિંઘઃ ૨૦૧૪ની ચૂંટણીમાં સફળતા મેળવવાના મારી પાસે એક નહીં, બબ્બે જોરદાર આઇડીયા છે, પણ..

સોનિયા ગાંધીઃ પણ શું?

દિગ્વિજયસિંઘઃ મારે અભયવચન જોઇએ કે હું આઇડીયા કહું પછી મારી પર કોઇએ ખીજાવાનું નહીં.

સોનિયા ગાંધીઃ તમને તો સદા અભયવચન આપેલું જ નથી?

દિગ્વિજયસિંઘઃ ઓકે. તો સાંભળો. પહેલો આઇડીયા છેઃ રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અન્ના હજારેને આગળ કરવા અને રાષ્ટ્રપતિપદ માટે એ ન માને તો વડાપ્રધાનપદ માટે તેમને મનાવવા.

પ્રણવ મુખર્જીઃ તમારું મગજ તો ઠેકાણે છે ને?

દિગ્વિજયસિંઘઃ મેં પહેલેથી જ કહ્યું હતું ને? પણ પહેલો આઇડીયા અશક્ય લાગતો હોય તો હજુ બીજો આઇડીયા બાકી છે. પાંચ વર્ષ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પક્ષના તમામ હોદ્દેથી દૂર કરવાં અને એવું જાહેર કરવું કે તેમણે રાજકારણ છોડી દીઘું છે.

સોનિયા ગાંધીઃ પછી?

દિગ્વિજયસિંઘઃ પછી શું? એક વાર તમારા વિના કોંગ્રેસ જીતી જાય એટલે અમે જાહેર કરી દઇશું કે અમારા બહુ આગ્રહને માન આપીને તમે રાજકારણ છોડવાનો નિર્ણય માંડવાળ કર્યો છે.

(નવી વ્યૂહરચના પર વિચાર કરીને ફરી મળવાના વાયદા સાથે સૌ છૂટા પડે છે.)

Tuesday, March 13, 2012

પ્રાદેશિક પક્ષોઃ ત્રીજા મોરચાની અવેજી?

જાણીતી રમૂજ પ્રમાણે, એક જ ગલીમાં ઉભી રહેતી પાણીપુરીની લારીઓ વચ્ચે હરીફાઇ ચાલી. એક લખ્યું, ‘આ શહેરની શ્રેષ્ઠ પાણીપુરી’. બીજા હરીફોએ ગુજરાત, ભારત અને વિશ્વ સુધી પોતાનો દાવો લંબાવ્યો. પાંચમા લારીવાળાએ લખ્યું, ‘આ ગલીની શ્રેષ્ઠ પાણીપુરી’ અને એની લારી પર સૌથી વઘુ ગીરદી થવા લાગી.

ભારતીય રાજકારણમાં રાષ્ટ્રિય પક્ષોની સામે છેલ્લા બે-ત્રણ દાયકામાં પ્રાદેશિક પક્ષોની સફળતા અને ચઢતી કળા વિશે વિચારતાં આ રમૂજ યાદ આવે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામથી વઘુ એક વાર પ્રાદેશિક પક્ષો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ‘પૂંછડી કૂતરાને હલાવે છે’ એવી અંગ્રેજી કહેણી પ્રમાણે, ફક્ત એક રાજ્યમાં હાજરી અને પ્રભાવ ધરાવતા સ્થાનિક પક્ષો કેન્દ્ર સરકારને નચાવે અને તંગ કરે, એ સિલસિલો હવે ભારતના રાજકારણનો શિરસ્તો બની ગયો છે.

પ્રાદેશિક કે સ્થાનિક પક્ષોનો વધેલો પ્રભાવ દેશનું કેન્દ્રીય માળખું નબળું પડવાથી માંડીને અસ્થિર શાસન સુધીની અનેક આશંકા-ચિંતા જગાડે છે. ઘણાને લાગે છે કે જેવા છે તેવા, પણ બે રાષ્ટ્રિય પક્ષોમાંથી કોઇને ચોખ્ખી બહુમતી મળવી જોઇએ. તેમને લાગે છે કે સ્થાનિક પક્ષો પોતાના ટેકાની આકરી કિંમત વસૂલે છે અને વ્યાપક રાષ્ટ્રહિત કરતાં સંકુચિત પ્રદેશહિત - પક્ષહિતને આગળ મુકે છે. પ્રાદેશિક પક્ષો મુખ્યત્વે વ્યક્તિકેન્દ્રી હોવાથી સરવાળે તે લોકશાહી ઢબે ચાલતા પક્ષોને બદલે વ્યક્તિગત રજવાડાં જેવા બની રહેતા હોવાની પણ ફરિયાદ છે. અલબત્ત, આ તમામ ફરિયાદોનો બીજો પક્ષ એ પણ છે કે કોંગ્રેસ-ભાજપ જેવા રાષ્ટ્રિય પક્ષો તેમના સાથીપક્ષોને ભાગ્યે જ સાથી કે સમોવડીયા ગણીને તેમનું મહત્ત્વ સ્વીકારે છે.

ભારતનું વર્તમાન અને નજીકના ભવિષ્યનું રાજકારણ મોટા પાયે પ્રાદેશિક પક્ષો પર આધારિત હોવાથી, તેમના ઉદયનો અછડતો ઇતિહાસ અને તેમની વર્તમાન સ્થિતિ તપાસીએ.

ખીચડી-યુગ પહેલાં
આઝાદી પછી તરતના અરસામાં ભારતીય રાજકારણમાં એક જ રાષ્ટ્રિય પક્ષ હતોઃ કોંગ્રેસ. જવાહરલાલ નેહરુની પ્રચંડ આભા અને ‘આઝાદી અપાવનાર પક્ષ’ તરીકે કોંગ્રેસની છબીને લીધે, કોંગ્રેસના પ્રતીક સાથે ‘થાંભલો પણ ઊભો રહે તો ચૂંટાઇ આવે’ એવી સ્થિતિ હતી. એ સમયે કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસના મુકાબલે સ્થાનિક પક્ષોની જગ્યા ઊભી થઇ ચૂકી હતી. તેના મૂળમાં વ્યક્તિકેન્દ્રી રાજકારણ અથવા સ્થાનિક પ્રજાની આકાંક્ષાઓ - ઓળખનું રાજકારણ રહેલાં હતાં. જેમ કે, જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા પરિવારનો પક્ષ ‘નેશનલ કોન્ફરન્સ’ અને પંજાબમાં ‘અકાલી દળ’.

રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો દબદબો ઓસર્યો અને ખીચડી સરકારોનો યુગ શરૂ થયો તે પહેલાંથી, એટલે કે સાઠ અને સિત્તેરના દાયકામાં, કેટલાક પ્રાદેશિક પક્ષોનાં મૂળીયાં ઊંડાં ઉતરવા લાગ્યાં હતાં. તામિલનાડુમાં ડીએમકે અને ઓલઇન્ડિયા અન્નાડીએમકે સાઠના દાયકાથી કોંગ્રેસને હંફાવવા લાગ્યા. આઝાદીના બરાબર બે દાયકા પછી તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો ભરાઇ ગયા અને ૧૯૬૭ની વિધાનસભા ચૂંટણી પછી પહેલી વાર ત્યાં ડીએમકેની બિનકોંગ્રેસી સરકાર રચાઇ. આ પરિવર્તનનાં એંધાણ ૧૯૬૨ની ચૂંટણીમાં ડીએમકેને ૫૦ બેઠકો મળી ત્યારથી જ આવી રહ્યાં હતાં.

૧૯૬૭ પછી તામિલનાડુમાં કોંગ્રેસ બીજો પણ નહીં - ડીએમકે અને એઆઇએડીએમકે પછીનો- ત્રીજો પક્ષ બની ગયો. ૧૯૭૭માં ડીએમકેની હાર થઇ ત્યારે કોંગ્રેસની ભૂમિકા સાક્ષીની જ રહી. કારણ કે સરકાર એઆઇએડીએમકેની બની.

સુહાસ પળસીકરે તેમના અભ્યાસલેખમાં નોંઘ્યા પ્રમાણે, બિનકોંગ્રેસી પક્ષોનું નોંધપાત્ર વજૂદ ધરાવતું બીજું અગત્યનું રાજ્ય હતું ઓરિસ્સા. આઝાદ ભારતની પહેલી ચૂંટણી (૧૯૫૨)થી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી (૧૯૭૫) સુધી ત્યાં ગણતંત્ર પરિષદ, જનકોંગ્રેસ અને ઉત્કલ કોંગ્રેસ જેવા પક્ષોનું જુદા જુદા સમયે સારું એવું પ્રતિનિધિત્વ રહ્યું.
વર્તમાન મુખ્ય મંત્રી નવીન પટનાયકના પિતા બીજુ પટનાયક ઓરિસ્સામાં બિનકોંગ્રેસી રાજકારણની ધરી બની રહ્યા.

ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને યુનાઇટેડ ગોઅન પાર્ટીનાં નામ ઉલ્લેખનીય હતાં. કોંગ્રેસથી છૂટા પડેલા સી.રાજગોપાલાચારીના સ્વતંત્રતા પક્ષને સ્થાનિક કે પ્રાદેશિક ન કહી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતમાં ભાઇકાકા જેવા નેતાને કારણે એ પક્ષની ઠીક ઠીક હવા ઉભી થઇ હતી. મહાગુજરાત આંદોલનની આસપાસના સમયમાં ગુજરાતમાં જનતા પરિષદ સ્થપાઇ. જોકે મહાગુજરાત આંદોલનની ગરમી છતાં ૧૯૫૭ની ચૂંટણીમાં લોકસભામાં જનતા પરિષદને બાવીસમાંથી પાંચ અને વિધાનસભામાં ૮૭માંથી ૨૯ બેઠકો મળી હતી.

પંજાબમાં ૧૯૬૯માં પહેલી વાર અકાલી દળને ૧૦૪માંથી ૪૩ બેઠકો મળતાં તેમનું વજન ઊભું થયું, જે હવે સંપૂર્ણતાએ પહોંચ્યું છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં કહેવાય ભાજપ-શિરોમણી અકાલી દળની યુતિ, પણ ભાજપની હાલત હકીકતે અકાલી દળની કાંધે બેઠેલા પક્ષ જેવી છે. અસલી સત્તા અને અસલી વિજય શિરોમણી અકાલી દળનાં જ છે. આ લાગણીનો પડઘો પાડતાં, ભાજપના સાથી, જનતાદળ (યુ)ના નેતા અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે કહ્યું છે કે, ‘ભાજપ-જનતા દળ (યુ) વચ્ચે જે કંઇ યુતિ હતી, એની પર ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પડદો પાડી દીધો છે.’ તેમણે જરા સૌમ્ય શબ્દોમાં સ્થાનિક પક્ષોનું મહત્ત્વ સમજવા-સ્વીકારવા ‘રાષ્ટ્રિય પક્ષો’ને સલાહ આપી છે, તો તેમના એક સાથી - રાજ્યસભા સાંસદ શિવાનંદ તિવારીએ ભાજપ માટે ‘કહેવાતો રાષ્ટ્રિય પક્ષ’ જેવો પ્રયોગ પણ કર્યો છે.

હા, વર્તમાન સમયમાં ‘રાષ્ટ્રિય પક્ષ’ હોવું એ માનવાચક નહીં, પણ મશ્કરીસૂચક વિશેષણ બની ગયું છે- ગામડાના લોકો જેમ શહેરીઓને ‘ભણેલાગણેલા થઇને આટલું નથી આવડતું?’નો ઉપાલંભ આપ્યા કરે એવી રીતે.

એકમાંથી અનેક
આઝાદ ભારતના રાજકારણને પક્ષીય દૃષ્ટિએ મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવે છેઃ ૧૯૫૨ થી ૧૯૬૭ સુધીનો કોંગ્રેસયુગ, જેમાં છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં કોંગ્રેસનું વર્ચસ્વ સંપૂર્ણપણે જળવાયેલું રહ્યું. ત્યાર પછી ૧૯૬૭થી ૧૯૮૯ દરમિયાન વિરોધ પક્ષોની તાકાતમાં વધારો થતો રહ્યો. કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણી થકી દેશને પહેલી બિનકોંગ્રેસી મોરચા સરકાર મળી, પણ એ પ્રયોગ લાંબું ટક્યો નહીં અને ફરી એક વાર ઇંદિરા ગાંધીની હત્યા (૧૯૮૪) સુધી અને તેમની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિને કારણે રાજીવ ગાંધીની પહેલી મુદત (૧૯૮૯) સુધી કોંગ્રેસનું રાજ તપ્યું. ત્યાર પછીનાં દસ વર્ષ (૧૯૮૯-૧૯૯૮) ભારે અંધાઘૂંધીથી ભરેલાં હતાં. તેમાં ચંદ્રશેખર, વી.પી.સંિઘ, દેવે ગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ જેવા વડાપ્રધાનો આવ્યા.

કોંગ્રેસનું એકચક્રી શાસન પૂરું થવા બદલ લોકોએ રાહતનો શ્વાસ લીધો, પણ તેના વિકલ્પે સ્થિર અને અસરકારક મોરચા સરકારોને બદલે રાજકીય શંભુમેળા જ આવ્યા. એ અરસાના સૌથી પ્રભાવશાળી સ્થાનિક નેતાઓમાં આંધ્ર પ્રદેશના એન.ટી.રામારાવને યાદ કરવા પડે, જે તામિલનાડુના એમ.જી.રામચંદ્રનની જેમ જ, ફિલ્મ અભિનેતા તરીકેની પોતાની પ્રચંડ લોકપ્રિયતાને રાજકારણમાં પરિવર્તીત કરી શક્યા અને કોંગ્રેસને હંફાવવામાં સફળ રહ્યા. બિનકોંગ્રેસી-બિનભાજપી-બિનડાબેરી અને ગરીબલક્ષી, ટૂંકા રસ્તે લોકપ્રિયતા મેળવવા કંઇ પણ કરી છૂટનારા પક્ષ તરીકે તેલુગુદેસમ્‌નું મોડેલ એટલું ચાલ્યું કે એક સમયે ગુજરાતમાં (અગાઉ કિમલોપ- કિસાન મજદૂર લોક પક્ષ સ્થાપી ચૂકેલા) ચીમનભાઇ પટેલ ‘ગુજરાતદેસમ્‌’ પક્ષ સ્થાપે એવી હવા હતી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતની જીવાદોરી (નર્મદાબંધ), ગુજરાતગૌરવ, નયા ગુજરાત જેવાં સૂત્રો દ્વારા પ્રાદેશિકતાની લાગણી ઉશ્કેરવામાં ચીમનભાઇ પટેલ વર્તમાન મુખ્ય મંત્રીના પૂર્વસૂરિ હતા.

વી.પી.સિંઘથી માંડીને ચીમનભાઇ પટેલ સુધીના નેતાઓથી બનેલા જનતા દળનું પોતાનું આયુષ્ય બહુ ન રહ્યું, પણ તેના અનેક ટુકડા થયા જે બે દાયકા પછીના વર્તમાન રાજકારણમાં બિનકોંગ્રેસી-બિનભાજપી પ્રાદેશિક પક્ષો તરીકે મહત્ત્વનાં પરિબળ બન્યા છે. એવા પક્ષોમાં જ્યોર્જ ફર્નાન્ડિસ-જયા જેટલીથી જાણીતો સમતા પક્ષ, નીતિશકુમારનો જનતા દળ(યુ), લાલુપ્રસાદનો રાષ્ટ્રિય જનતા પક્ષ, મુલાયમસિંઘનો સમાજવાદી પક્ષ, ઓરિસ્સાનું બીજુ જનતા દળ, કર્ણાટકમાં દેવે ગૌડાનું જનતા દળ, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી વગેરેનો સમાવેશ કરી શકાય. એ સિવાય આસામ ગણ પરિષદ, શિવ સેના, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, એન.ટી.રામારાવના જમાઇ ચંદ્રાબાબુની આગેવાની હેઠળનો તેલુગુદેસમ્‌ પ્રાદેશિક છતાં રાષ્ટ્રિય રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે- અથવા ભજવી ચૂક્યા હોય- એવા પક્ષો છે.

બિનકોંગ્રેસી-બિનભાજપી ધરી
ભારતમાં કોંગ્રેસના દાયકાઓને એકહથ્થુ શાસનને કારણે, મોટા ભાગના પક્ષો કોંગ્રેસી શાસન સામેના અસંતોષમાંથી રચાયા છે. એટલે યુતિ સરકાર બનાવવાની થાય ત્યારે આ પક્ષોને કોંગ્રેસ કરતાં ભાજપ સાથે જોડાવું વઘુ માફક આવે છે. જોકે, કોમવાદી રાજકારણ સાથે ભાજપની છેડાછેડીને કારણે, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં સાથી રહી ચૂકેલા પક્ષો હવે ભાજપથી સલામત અંતર રાખીને ત્રીજી ધરી રચી શકે એટલા સક્ષમ બની રહ્યા છે.

ઉત્તર પ્રદેશ જીતેલા યાદવ પિતા-પુત્ર મુલાયમ-અખિલેશ, બિહાર કબજે કરીને બેઠેલા નીતિશકુમાર, ઓરિસ્સામાં ઊંડાં મૂળીયાં નાખવામાં સફળ થનાર બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક, બંગાળમાં ડાબેરીઓને ઉખેડી નાખનાર તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનર્જી, તામિલનાડુમાં કરૂણાનિધી પરિવારને પછાડનાર એઆઇડીએમકેનાં જયલલિતા, પંજાબમાં સતત બીજી મુદત જીતવાનો ઇતિહાસ રચનાર બાદલ પિતા પુત્ર અને તેમનું શિરોમણી અકાલી દળ- આ તમામ નેતાઓ અગાઉ કદી ન હતા એટલા મજબૂત -અને તે પણ એક સાથે મજબૂત-અત્યારે બન્યા છે. તેમને કોંગ્રેસ કે ભાજપના હુક્કા ભરવાની હવે જરૂર નથી. એ સૌ પોતપોતાનાં પ્રાદેશિક હિત અથવા એજેન્ડા કેવી રીતે અને ક્યાં સુધી જાળવી શકે છે, એ બેશક મહત્ત્વનો પ્રશ્ન છે. ૨૦૧૪ની ચૂંટણીપૂર્વે આવી કોઇ ધરી ન પણ રચાય. છતાં ભાજપ-કોંગ્રેસનો કંગાળ અને બીજા પક્ષોનો આટલો મજબૂત દેખાવ ચાલુ રહ્યો, તો સરકાર યુપીએની બને કે એનડીએની, પણ આગામી વડાપ્રધાન કોંગ્રેસ કે ભાજપ- બેમાંથી એકેય પક્ષના ન હોય એવું બની શકે છે.

Sunday, March 11, 2012

સાવિત્રીબાઇ ફુલેઃ સાક્ષાત્ સ્ત્રીશક્તિ


સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્‌યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના ‘સમાજ’ - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો  હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું. 

આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્‌યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત ‘દલિત ચળવળના મહાનુભાવો’ તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા.

ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્રી ફુલે/ Jyotiba Phule- Savitri Phule નાં નામ પ્રવેશ્યાં જ ન હોય. ફુલે દંપતિને મુખ્ય ધારાથી દૂર રાખવા માટે ઘણાં લેબલ હાથવગાં છેઃ મહારાષ્ટ્રનાં સમાજસુધારકો (‘એટલે આપણને ગુજરાતીઓને ક્યાંથી ખબર હોય?’), દલિત સમાજસુધારકો (‘એટલે આપણે ઉજળિયાતોએ ક્યાંથી નામ સાંભળ્યું હોય?’)...‘દલિત નેતાઓ આ લોકોના નામે બહુ ચરી ખાય છે. એટલે આપણને એમના પ્રત્યે ભાવને બદલે અભાવ જાગે’- આવી દલીલ કરનારા પણ મળી આવે છે. 

Savitri- Jyotiba Phule
હકીકત એ છે કે એક વાર ફુલે દંપતિની કામગીરી વિશે જાણ્યા પછી ખુલ્લા મનનો કોઇ પણ માણસ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતો થઇ જાય. અન્યાય સામે નહીં ઝુકવાનો મક્કમ નિર્ધાર, કોઇ પણ ભોગે પોતાના કામને વળગી રહેવાનું ઝનૂન અને બીજા બધા કરતાં ડરે એવા સમાજસુધારાના કાર્યક્રમો અમલી બનાવવાનું દૃષ્ટિયુક્ત સાહસ- આ બધી ફુલે દંપતિની ખાસિયતો. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે ‘જોતિબા’ તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે ડો.આંબેડકરના પ્રેરણાસ્રોત અને ‘મહાત્મા  (ગાંધી) પહેલાંના મહાત્મા’ તરીકે ઓળખાય છે. સમાજસુધારા માટેનો તેમનો સંઘર્ષ અને (બ્રાહ્મણો સામે નહીં પણ) બ્રાહ્મણીયા માનસિકતા સામેનો તેમનો જંગ કોઇ પણ સમયે, કોઇ પણ ક્ષેત્રમાં સામાજિક અન્યાય સામે લડનારાને પ્રેરણા અને હિંમત પૂરી પાડે એવો છે. પરંતુ એ સમયના ઘણા જાણીતા સમાજસુધારકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હતા. બીજાને મોટા ઉપદેશ આપનારા પોતે તેનો અમલ કરવાનો આવે ત્યારે ઘણા વાર ફસકી પડતા હતા. તેમની સરખામણીમાં- અને સરખામણી સિવાય પણ - જોતિબા અને સાવિત્રીબાઇનાં ચરિત્રો વેંત ઊંચાં ઉપસી આવે છે. 

જોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (ઇ.સ.૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. જોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જોતિબા  ૧૩ વર્ષના અને સાવિત્રી ૮ વર્ષનાં (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી (જે હજુ પણ અસામાન્ય બાબત ગણાય છે.) જોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે જાતે ભણાવ્યાં.  એ ભણતર ડિગ્રી  માટે નહીં, પણ અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. ત્યાર પછી જોતિબાએ ભારે વિરોધ વચ્ચે શરૂ કરેલી શુદ્ર કન્યાઓની નિશાળમાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઇએ ઉપાડી. 

મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. નિશાળે જતાં સાવિત્રીબાઇને ઉજળિયાતોનાં મહેણાંટોણાથી માંડીને કાદવકીચડ અને પથ્થરનો સામનો કરવો પડતો. પરંતુ સાવિત્રીબાઇ મક્કમ હતાં. (આ મક્કમતાને ‘સત્યાગ્રહ’ જેવું નામ આપવાનું તેમને સૂઝ્‌યું નહીં એટલું જ.) તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતીઃ એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની. 

પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,‘હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં, લોકોએ જોતિરાવના પિતા પર દબાણ કર્યું. તેમણે જોતિરાવને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. જોતિરાવે શાળા પસંદ કરી અને ઘર છોડ્યું. એ વખતે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પણ જરાસરખા ખચકાટ વિના સમાજસુધારણાના રસ્તે પતિનાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં. 

Savitri-Jyoriba Phule Memorial in Pune
સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો, એટલે વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવાને જોતિબા આપઘાતના રસ્તેથી પાછી વાળીને પોતાના ઘરે (પત્ની તરીકે નહીં, પણ પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે) લઇ આવ્યા.  એટલું જ નહીં, તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. ત્યારે સાવિત્રીબાઇ જોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો. 

સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે. (સરખામણી વિના ન જ સમજાય, તો વિરોધાભાસ ઉપસાવવા માટે કસ્તુરબા સાથે તેમની સરખામણી કરી શકાય.)  

બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધરત્નાકર’ ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ઊભું છે. 

ફ્‌લડલાઇટની ઝાકઝમાળમાં ધ્રુવનો તારો પણ ન દેખાય તો શું થાય?