Tuesday, September 27, 2011

વારંવાર થતી દલીલોના વિચારણીય જવાબ

જાહેર બાબતોમાં હંમેશાં એકમત સધાય એવું લોકશાહીમાં બહુ બનતું નથી. દેશહિતને લગતા કેટલાક નિર્ણયોને બાદ કરતાં ‘સમરસતા’ કેટલી ઇચ્છનીય ગણાય એ સવાલ છે.

પ્રશ્નો ઉઠાવનાર, દલીલો કરનાર કે જુદો મત પ્રગટ કરનારના ઘણા પ્રકાર હોય છેઃ અજાણ, જિજ્ઞાસુ- સમજવા માગતા, બીજું દૃષ્ટિબિંદુ અપનાવે નહીં તો પણ તેની પાછળનો તર્ક સ્વીકારનારા, બધી દલીલોના પોતાને મનગમતા જવાબ ન મળે ત્યાં સુધી ‘ચર્ચા’નો આગ્રહ રાખનારા, અગાઉ મળી ચૂકેલા જવાબોને દરેક ચર્ચા વખતે ભૂલીને નવેસરથી, ઉત્સાહભેર ‘ચર્ચા’ માટે પડકાર ફેંકનારા, પોતાના પ્રિય નેતા-આગેવાન કે પક્ષ કદી ખોટું કરી જ ન શકે એવું માનતા ભક્તિમાર્ગી, પોતાની માન્યતાથી જુદા વિચાર ધરાવનાર કદી સાચો હોઇ જ ન શકે એવું ઝનૂન ધરાવનારા, સ્પષ્ટ હકીકતો સામે આંખ આડા કાન કરીને બેશરમીપૂર્વક સચ્ચાઇની દુહાઇ દેનારા, ચોક્કસ પક્ષ કે વ્યક્તિના ચીયરલીડર..તેમની આવી એક કે વઘુ લાક્ષણિકતાઓને કારણે કેટલાક મુદ્દા અને સવાલ અવારનવાર ઉભા થતા રહે છે.

પ્રચારના આ યુગમાં, હિટલરના ‘પ્રચારપુરૂષ’ ગોબેલ્સે કહ્યું હતું તેમ, એક જૂઠાણાને સાચું બનાવી દેવા માટે એક હજાર વાર દોહરાવવાની પણ જરૂર પડતી નથી. ગોબેલ્સની આઘુનિક આવૃત્તિઓ એક જ વાર જૂઠાણું ઉચ્ચારે એટલે પ્રસાર માઘ્યમો-ટીવી ચેનલોથી માંડીને ભક્તમંડળીઓ બાકીનું કામ ઉપાડી લેવા તત્પર હોય છે. બીજી તરફ, પાયાના મુદ્દા અનેક વાર સ્પષ્ટ કર્યા પછી પણ તેનો એવો પડઘો પડતો નથી. કારણ કે માહોલ ભક્તિનો અને વિચાર નહીં કરવાની બોલબાલાનો છે. આ કે પેલા નેતાની, અમુક કે તમુક પક્ષની ભક્તિ કરો તો ‘એકના હજાર’વાળો પ્રતિભાવ પેદા થાય. પણ કોઇ પક્ષ કે વ્યક્તિ પ્રત્યે વફાદારી ધરાવતા ન હોય તેમણે ‘ગોબેલ્સ ઇફેક્ટ’ જેવા પ્રચંડ પ્રતિભાવની અપેક્ષા વિના, પોતાની વાત મૂકવાનું ચાલુ રાખવું પડે. તેનો બીજો કોઇ વિકલ્પ કે શોર્ટ કટ કે સુંવાળો રસ્તો નથી.

આટલી ભૂમિકા પછી કેટલાક સવાલ-દલીલ અને એ કરનારા માટે વિચારવાના થોડા મુદ્દાઃ

ઉકેલ-વિકલ્પ આપો કાં ચૂપ રહો

‘જે સાથે નથી, તે સામે છે’ એવી માનસિકતા, ઓછી તીવ્રતા સાથે ઘણી વાર આ રીતે પ્રગટ થાય છે. મુદ્દો ત્રાસવાદનો હોય કે અન્ના હજારેના આંદોલનનો, આ દલીલ એક યા બીજા સ્વરૂપે સાંભળવા મળી જાય છે.

અન્ના હજારેના આંદોલન વખતે, કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકોના અવાજની સામેલગીરી, કેવળ ચૂંટણી વખતે અને એ પણ અંશતઃ જાગ્રત થતા સુષુપ્ત નાગરિકોને સડક પર ઉતારવાની સિદ્ધિ જેવા મુદ્દે અન્નાના આંદોલનનું સમર્થન કરનાર ઘણા લોકોને તેમની કેટલીક માગણીઓ અને તેની સાથે જોડાયેલી આત્યંતિકતા નાપસંદ હતા. પરંતુ અન્ના આંદોલન અંગે વિરોધનો સૂર કાઢનારા સામે વારંવાર વીંઝાતી એક દલીલ હતીઃ ‘તમારી પાસે ભ્રષ્ટાચાર દૂર કરવાનો બીજો વિકલ્પ છે? જો હોય તો બતાવો અને ન હોય તો ચૂપ રહો. અન્નાના આંદોલનની ટીકા કરવાનો તમને કોઇ અધિકાર નથી.’

ધારો કે કોઇ વ્યક્તિ પાસે ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરવો જોઇએ તેના વિકલ્પો કે વૈકલ્પિક માળખું નથી. છતાં, અન્ના અને સાથીદારોની માગણીઓમાં તેને કેટલાક મુદ્દાસરના અને પાયાના વાંધા જણાય છે. તો એને પોતાનો વિરોધ રજૂ કરવાનો હક નથી? બહાર બેસીને રોડાં નાખવા ખાતર નહીં, પણ જનલોકપાલ ખરડા વિશે જાણીને, તેમાં રહેલા કેટલાક દેખાતી ચર્ચાસ્પદ મુદ્દા સામે વાંધો ઉઠાવવાનો કોઇ પણ વ્યક્તિને અધિકાર છે.

અત્યારે અન્ના આંદોલનની વાત છે. કાલે બીજો કોઇ મુદ્દો હોઇ શકે. પણ જેની પાસે વિકલ્પ હોય તે જ વિરોધ કરે, એવું વલણ કોઇ રીતે માન્ય રાખી શકાય નહીં. વિરોધના વાજબીપણાનો આધાર વિરોધના મુદ્દાથી નક્કી કરવાનો હોય- નહીં કે વિકલ્પના અસ્તિત્ત્વથી. લોકશાહી માળખામાં કશું કાયમ માટે ગોઠવાઇ ગયેલું કે ઠરી ગયેલું હોતું નથી. ‘ફાઇન ટ્યુનિંગ’- સતત સુધારાવધારાની પ્રક્રિયા સતત ચાલુ રહે એ માટે ખાંચાખૂંચી પ્રત્યે ઘ્યાન દોરનારાની પણ એટલી જ આવશ્યકતા છે, જેટલી સુધારાવધારા કરનારની. લેબોરેટરીના રિપોર્ટમાં ગાંઠ કેન્સરની નીકળે ત્યારે ‘તમે જ કેન્સરની સર્જરી કરી આપો અને એ કરી ન શકતા હો તો લેબોરેટરી બંધ કરી દો’ એવો આગ્રહ રાખવાનું જેટલું અવાસ્તવિક છે, એટલું જ ગેરવાજબી ‘વિકલ્પ આપો અથવા ચૂપ રહો’નું વલણ ગણી શકાય.

વિરોધીઓ એટલે ‘એક ટોળકી’

સરમુખત્યારશાહી સિવાય બીજે ક્યાંય કોઇ પણ પક્ષના બધા લોકો એકમત હોય એવું બને નહીં. એવું જ અભિપ્રાયભેદની બાબતમાં. સોનિયા ગાંધીનો વિરોધ કરનારા કે તેમના પ્રશંસકો, અન્નાનો વિરોધ કરનારા કે તેમના ચાહકો- આ બધા ઉપરછલ્લી રીતે એકજૂથ લાગે, પરંતુ તેમાં અનેક પ્રકાર-પેટાપ્રકાર હોય છે. સમજણ, સૌજન્ય અને સજ્જતાના તફાવત હોય છે. પરંતુ દરેક પક્ષના ચીયરલીડરોને પોતાના વિચારવિરોધીઓની ‘ગેંગ’ કે ‘ટોળકી’ છે એવો પ્રચાર કરવાનું બહુ અનુકૂળ આવે છે. એમ કરવાથી વિરોધના મુદ્દાની ચર્ચામાં ઉતરવાની તસ્દી લેવી પડતી નથી.

ગુજરાતમાં તેના મુખ્ય મંત્રીના પ્રેમી અને ટીકાકારોમાં બહોળું વૈવિઘ્ય જોવા મળે છે. તેમના પ્રેમીઓમાં સત્તા હોય એ બાજુ ઢળનારા, તકસાઘુ, ‘જોયું? સાહેબે મુસ્લિમોને કેવો પાઠ શીખવી દીધો? આપણે આવો મરદ મુખ્ય મંત્રી જોઇએ’ એવું માનનારા, તેમના પ્રચારથી અંજાઇ જનારા, ગુજરાતનો વિકાસ તેમના આવ્યા પછી જ થયો છે એવું ઐતિહાસિક અજ્ઞાન ધરાવનારા, તેમની લોકપ્રિયતાના મોજાંમાં પોતાનાં હોડકાં તરાવવા ઉત્સુક, કટ્ટર હિંદુત્વવાદી, કોંગ્રેસવિરોધી.. એવી જ રીતે મુખ્ય મંત્રીનો વિરોધ કરનારામાં પણ ઘણા પ્રકાર છેઃ માનવ અધિકારના નામે કારકિર્દી બનાવનારા, મુખ્ય મંત્રીની ટીકા કરીને નામ-દામ કમાવા ઉત્સુક, કોંગ્રેસપરસ્ત, ઝાકઝમાળથી અંજાવાને બદલે વાસ્તવિકતા પર નજર રાખનારા, ગુજરાતના ઇતિહાસ અને માહત્મ્યની સરકારી નહીં, પણ સાચી સમજણ ધરાવનારા, શાસકને માથે ચડાવવાને બદલે જમીન પર રાખવો જોઇએ એવું માનનારા...

પરંતુ બને છે એવું કે ઘણી વાર બન્ને પક્ષના કેટલાક લોકો ભાન ભૂલીને અથવા મોટે ભાગે તો બિલકુલ સભાનતાપૂર્વક, બધા ‘વિરોધીઓ’ને એક જ લાકડીએ હાંકવા પ્રયાસ કરે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીના આગળ જણાવેલા તમામ પ્રકારના વિરોધીઓને ગુજરાતવિરોધી, હિંદુવિરોધી, કોંગ્રેસી, બૌદ્ધિક, સેક્યુલર જેવા વિશેષણોથી ઓળખાવી દેવામાં આવે છે. એવું કરવાથી તેમના વિરોધમાં રહેલું અને પીડવાની ક્ષમતા ધરાવતું વાજબીપણું ખંખેરીની નિરાંત અનુભવી શકાય છે.

એ નહીં તો કોણ?

‘ગાંધીજી પછી કોણ?’ અને ‘નેહરુ પછી કોણ?’ એવા સવાલ જાણ્યા છે. પણ થોડા વખતથી એક નવો અહોભાવસૂચક ઉદ્‌ગાર સંભળાઇ રહ્યો છે. ફક્ત નિવાસી જ નહીં, બિનનિવાસી ગુજરાતીઓ પણ મુખ્ય મંત્રીની કેટલીક મુદ્દાની ટીકા કબૂલવાની કે સ્વીકારવાની ભૂમિકાએ આવે, ત્યારે (તેમના મતે) છેલ્લું પત્તું ઉતરે છેઃ ‘તમારી બધી વાત બરાબર, પણ આ નહીં તો બીજો કોણ મુખ્ય મંત્રી બની શકે? છે કોઇ આનાથી વધારે લાયક ઉમેદવાર? બન્ને વિકલ્પ ખરાબ હોય તો આ વિકલ્પ ઓછો ખરાબ નથી?’

બહુમતી બિનનિવાસી ગુજરાતીઓ-ભારતીયોમાં, સ્વેચ્છાએ દેશ છોડ્યા પછી જ ‘દેશપ્રેમ’ કેમ સોડાના ઉભરાની માફક પરપોટાતો હોય છે, તેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ પર છોડીએ અને તેમની તથા ઘણા નિવાસીઓની ‘એ નહીં તો કોણ?’ની દલીલની વાત કરીએ. સૌ પહેલાં તો, રાજકારણ અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે. વડા પ્રધાનો અને મુખ્ય પ્રધાનો તરીકે ક્યારે કોનો નંબર લાગી જશે એ નક્કી કરવાની અને ‘આ જ શ્રેષ્ઠ છે’ એવું માની લેવાની ઉતાવળનો રાજકારણમાં ઝાઝો અર્થ નથી. વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઇ પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારે એ જ હોદ્દા માટે વર્તમાન મુખ્ય મંત્રીનું નામ દૂર દૂર સુધી સંભળાતું ન હતું. તે દિલ્હીના આસમાનમાંથી જ ગુજરાત પર ટપક્યા હતા.

તેમને શ્રેષ્ઠ ગણતા અને ‘તેમનું સ્થાન કોઇ લઇ શકે એમ નથી’ એવી શ્રદ્ધા ધરાવતા લોકોએ, આ વિકલ્પવિહોણી સ્થિતિ સર્જવામાં મુખ્ય મંત્રીનો પોતાનો કેટલો ફાળો છે એ વિશે પણ વિચાર કરવો જોઇએ. સાથોસાથ, દિલ્હીની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તલપાપડ વર્તમાન મુખ્ય મંત્રી કોઇ હોદ્દે કે રાષ્ટ્રિય રાજકારણમાં દિલ્હી જતા રહેશે ત્યારે તેમની જગ્યાએ ગુજરાતમાં કોણ હશે એ સંભાવના પણ વિચારવા જેવી ખરી. પરંતુ તેમના ભક્તોની મુગ્ધતા જોઇને લાગે કે એક જ વ્યક્તિ એક સાથે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી તરીકેના હોદ્દા સંભાળી શકે એવા બંધારણીય સુધારા માટેનું આંદોલન ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. બિનનિવાસી ગુજરાતીઓમાંથી ઘણા તેમાં રાબેતા મુજબની હોંશથી ભાગ લેશે.

ક્રમની રીતે છેલ્લો પણ મહત્ત્વની રીતે સૌથી અગત્યનો મુદ્દોઃ લોકશાહીમાં બે ખરાબ ઉમેદવારોમાંથી એક ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટવાના પ્રસંગની નવાઇ નથી. પરંતુ એવું બને ત્યારે નાગરિકોએ યાદ રાખવાનું છે કે તેમણે શ્રેષ્ઠ નહીં, પણ ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટ્યો છે. આ સત્ય ફક્ત નાગરિકો યાદ રાખે એટલું પૂરતું નથી. તેમણે ચૂંટાયેલા ઉમેદવારને પણ ભાન કરાવતા રહેવું જરૂરી છે કે ‘તમને ચૂંટ્યા કારણ કે તમારો હરીફ તમારાથી પણ ખરાબ હતો. તેના કારણે એવું નહીં માનતા કે અમે તમારી પર વારી ગયા છીએ. તમે આ વખતે સરખું કામ નહીં કરો તો આવતી વખતે અમે એક ખરાબને બદલે બીજા ખરાબને તક આપીશું.’ આ વાત શબ્દોમાં નહીં, વર્તનથી વ્યક્ત કરી શકાય છે.

રાષ્ટ્ર હોય કે રાજ્ય, સત્તાધીશોની ભક્તિમાં સરી પડવાને બદલે કે તેમને તારણહાર માનવાની ભૂમિકામાં આવી જવાને બદલે, તેમની મર્યાદાઓને છાવરીને તેમને વકરાવવાને બદલે, તેમને વઘુ જવાબદાર, વઘુ ઉત્તરદાયી બનાવવા માટે નાગરિકોએ કડક કાળજી રાખવાની જરૂર હોય છે. પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે ‘આ નહીં તો બીજા કોણ?’ની દલીલ કરનારા, ‘ઓછા ખરાબ’ વિકલ્પને શ્રેષ્ઠ અને પછી સર્વેશ્રેષ્ઠ ગણતા થઇ જાય છે. દલીલ ખાતર એ કહી દે છે કે ‘બીજા કોઇ દેખાતા નથી ત્યારે આ સારા છે.’ પરંતુ મનોમન તે પોતે કરેલા સમાધાનને સિદ્ધિ તરીકે જોવા લાગે છે અને વઘુ સારા વિકલ્પના અભાવે આવી ગયેલા ઉમેદવારને તેના આક્રમક પ્રચારની જાળમાં આવીને, દેશ કે પ્રદેશનો ઉદ્ધારક ગણતા થઇ જાય છે.

લોકશાહીમાં નાગરિકોને ઉદ્ધારકની કે તારણહારની નહીં, સૌને સાથે લઇને ચાલી શકે એવા, લોકરંજન-લોકઉશ્કેરણીને બદલે લોકકલ્યાણના માર્ગે ચાલવાની દાનત ધરાવતા શાસકની જરૂર હોય છે. એ માટે નાગરિકોએ ‘ઓછા ખરાબ વિકલ્પ’ અને ‘તારણહાર’ વચ્ચેનો ફરક સમજીને અંકે કરવો રહ્યો.

16 comments:

  1. Abhimanyu Modi11:48:00 AM

    Very Good. Article shows sharp observation power of the author and very good articulation from an experienced pen. :)

    ReplyDelete
  2. તમારા મુદ્દાઑ અને દલીલો ઘણે અંશે સાચી છે ઉર્વીશભાઈ; જેમ તેને ના અવગણી શકાય તેમ એ બાબત ને પણ ના અવગણી શકાય કે જે કંઈ થઈ રહ્યું છે એમાં ઘણું બધું સારું પણ છે જ...સવાલ નીરક્ષીર તારવી ને ચાલવા નો છે...બાકી બેઉ પક્ષે આત્યંતિક વલણ ધરાવનારા તો રહેવાના જ...એમાં પણ સારો અને સાચો વર્ગ બેઉ પક્ષે હોવા નો જ...

    ReplyDelete
  3. Rakshit Shah12:52:00 AM

    Urvishbhai,
    What do you think about the fact that the three leading Gujarati news-papers are sold out to Congress in the last 3 months or so? I have never seen any rational comments from any writer so far.
    Rakshit

    ReplyDelete
  4. Tejas Patel8:44:00 AM

    Mr Rakshit ...
    My friends and I have been discussing exactly this thing. Gujarat Samachar, Divyabhaskar and Sandesh, all three are sold out to Congress for the last 3-4 mnths. I think columinsts like Urvishbhai must speak against this asap.
    - Tejas Patel

    ReplyDelete
  5. Bharat Zala5:38:00 PM

    ઉર્વીશભાઈ બહુ જ સરસ લેખ.સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વિચારણીય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થાય ત્યારે,આવી દલીલો થાય જ છે,એ અનુભવ મારો ય છે જ.તમે કોઈક મુદ્દા પર તમારો વ્યાજબી અભિપ્રાય આપો કે તરત જ એક ચોક્કસ જૂથ તમને સીધું ચોટી જ પડે.એ જૂથ માટે પછી મુદ્દો,એની સાથે સાંકળતા તર્કો-દલીલો બધું ગૌણ બની જાય,ને તમારી હાર(અલબત્ત વૈચારિક જ) જ મુખ્ય ઉદ્દેશ બની જાય.તમારા આ લેખ ને હું બારમાસી લેખ માનું છું,કેમ કે આપણા લોકશાહી દેશમાં હુપા હૂપ કરનારા વાંદરાઓ છે,ત્યાં સુધી આ લેખ એની અસરકારકતા જાળવી રાખશે,એ વાતમાં કોઈ જ શંકા નથી.અભિવ્યક્તિ સ્વંતત્રતા નો હક મળી જાય ફક્ત એ પુરતું નથી,એનો યોગ્ય ને શાલીન ઉપયોગ કરવાની પુખ્તતા પણ હોવી જોઈએ,દુર્ભાગ્યે આપણે એ બાબતે ઘણા કાચા સાબિત થઇ રહ્યા છીએ.

    ReplyDelete
  6. સાચી વાત છે રક્ષિતભાઈ. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ત્રણેય મોટા ગુજરાતી છાપાં વેચાઈ ગયેલા છે. એની સામે કોઈ કોલમિસ્ટ અવાજ નથી ઉઠાવી રહ્યું.
    - રચના

    ReplyDelete
  7. રક્ષિતભાઇ અને બીજા મિત્રોઃ તમે ઉઠાવેલા મુદ્દાનો આ લેખ સાથે કશો સંબંધ નથી. છતાં, તમે પૂછ્યું જ છે એટલેઃ
    આ પ્રકારની બાબતોના કશા આધારપુરાવા નથી હોતા. દરેક જણે પોતપોતાની સમજણ પ્રમાણે ધારી લેવાનું હોય છે. આવી શંકા જાય ત્યારે એ છાપાં સાથે સંકળાયેલા કોલમિસ્ટો કંઇક કરે અને વાચકો તેની રાહ જોઇને બેસી રહે, એવી અપેક્ષા વધારે પડતી લાગતી નથી?
    પેઇડ ન્યૂઝનો મુદ્દો રાષ્ટ્રિય સ્તરે ઘણા વખતથી ચર્ચામાં છે. તેની સમિતિઓ નીમાઇ છે. પરંતુ એક વાચક તરીકે મને લાગે છે કે તેમાં આખરે તો વાચકોએ જ સક્રિય બનવું પડે.

    છેલ્લો અને તમારી ચર્ચા સાથે સંબંધિત નથી એવો સવાલઃ તમે કહો છો તેમ ધારો કે છાપાં વેચાઇ ગયાં હોય તો, એ કોંગ્રેસને બદલે મુખ્ય મંત્રીને વેચાઇ ગયાં હોત તો તમને આટલો જ વાંધો પડ્યો હોત?

    ReplyDelete
  8. Rakshit Shah9:13:00 AM

    >આવી શંકા જાય ત્યારે એ છાપાં સાથે સંકળાયેલા કોલમિસ્ટો કંઇક >કરે અને વાચકો તેની રાહ જોઇને બેસી રહે, એવી અપેક્ષા વધારે >પડતી લાગતી નથી?

    It would be great if you could give the readers some suggestion on what they can do from their side, in such cases.

    >છેલ્લો અને તમારી ચર્ચા સાથે સંબંધિત નથી એવો સવાલઃ તમે કહો >છો તેમ ધારો કે છાપાં વેચાઇ ગયાં હોય તો, એ કોંગ્રેસને બદલે >મુખ્ય મંત્રીને વેચાઇ ગયાં હોત તો તમને આટલો જ વાંધો પડ્યો >હોત?

    Absolutely, yes! I would have the same problem with that. But by asking this question, you have confirmed that they are not sold out to the chief minister!

    Rakshit

    ReplyDelete
  9. Anonymous1:38:00 PM

    એ મુખ્યમંત્રીને વેચાઈ ગયા હોત તો તમે ક્યારનું કૈક લખ્યું હોત.
    Chirag

    ReplyDelete
  10. Yes, I agree with Mr. Bharat Zala.You have courage to speak against most powerful people of Gujarat when so called religious and writers keep mum.Keep it up.

    ReplyDelete
  11. રક્ષિતભાઇ, મનગમતા તારણ પર આવવાની આટલી ઉતાવળ? મારું ઇ-મેઇલ uakothari@gmail.com
    ભાઇ ચિરાગઃ આ મુદ્દે તમારી જોડે વાતચીત-ચર્ચાની વ્યર્થતા હું સમજી ચૂક્યો છું, એટલું જણાવવા જ આ છેલ્લી વાર લખું છું.

    ReplyDelete
  12. Tejas Patel7:30:00 AM

    Mr Urvish,

    Would you have asked me, 'Would you have the same problem if the newspapers were sold out to Congress instead of the chief minister?', if the newspapers were sold out to the chief minister !?!

    Tejas Patel

    ReplyDelete
  13. Mr Tejas, your question is as pointless as it can be. This way we can carry on a string of cross-questions that lead to nowhere. Sorry, Not interested.

    ReplyDelete
  14. Tejas Patel6:32:00 PM

    Mr Urvish,
    You started it! I had just asked a simple question!
    Tejas Patel

    ReplyDelete
  15. @Mr.Tejas Patel: I answered it first (read what I wrote to Rakshit) and then posed the question. You could have simply answered the way Rakshit did. I have nothing more to say.

    ReplyDelete
  16. કલ્પેશ સથવારા12:03:00 AM

    Article અને Comments વાંચ્યા પછી મુખ્યમંત્રી કે કોંગ્રેસ ના તારણ પર જવાને બદલે એટલું ચોક્ક્સ કહીશ કે ખૂબજ સરસ અને સંતુલીત લેખ છે.
    ઉકેલ-વિકલ્પ આપો કાં ચૂપ રહો:‘જે સાથે નથી, તે સામે છે’ એવી માનસિકતા, ઓછી તીવ્રતા સાથે ઘણી વાર આ રીતે પ્રગટ થાય છે.‘તમારી પાસે ભ્રષ્ટાચાર દૂર કરવાનો બીજો વિકલ્પ છે? જો હોય તો બતાવો અને ન હોય તો ચૂપ રહો. અન્નાના આંદોલનની ટીકા કરવાનો તમને કોઇ અધિકાર નથી.’
    જેની પાસે વિકલ્પ હોય તે જ વિરોધ કરે, એવું વલણ કોઇ રીતે માન્ય રાખી શકાય નહીં. વિરોધના વાજબીપણાનો આધાર વિરોધના મુદ્દાથી નક્કી કરવાનો હોય- નહીં કે વિકલ્પના અસ્તિત્ત્વથી.

    આની સાથે ચૂંટણીમાં કોઇને પણ વોટ ના આપી ને વિરોધ પ્રદર્શીત કરી શકાય કે જેથી વિરોધ વાળા ટૉટલ વોટ ની સરસાઇ માન્ય ના રહે એવી કોઇ માહીતી હોય તો આપવા વિનંતી છે.Somewhere I have read about that but not sure.

    ReplyDelete