Sunday, September 18, 2011

ગાંધીટોપીઃ મારોય એક જમાનો હતો...

Mahatma Gandhi in Gandhi Cap/ ગાંધી ટોપી પહેરેલા ગાંધીજી

અન્ના હજારેના જનલોકપાલ આંદોલનથી ‘ગાંધીટોપી’નું વેચાણ વધ્યું હોવાના અહેવાલ આવ્યા હતા. અન્ના પહેરે છે તેને ‘ગાંધીટોપી’ કહેવાય કે કેમ, એની ચર્ચાનો અર્થ નથી. માહિતી ખાતર એટલું જાણી રાખવું જોઇએ કે મહારાષ્ટ્રમાં એવી ટોપી પહેરવાની રીત જૂની છે- અને તેને ગાંધીવાદી હોવા સાથે કશી લેવાદેવા નથી. (ગાંધીટોપી જેવી લાગતી મહારાષ્ટ્રી ટોપી પહેરેલા વી.શાંતારામનો ફોટો ફિલ્મરસિકોને યાદ હશે.) મહારાષ્ટ્રી ટોપી અને ગાંધીટોપી વચ્ચે કોઇ બાહ્ય તફાવત નથી. ફરક હોય તો એ ભાવનાનો છે – અને એ મોટો છે અને એ રીતે જોતાં, ગાંધીટોપી પહેરેલા રાહુલ ગાંધી અને ગાંધીટોપી પહેરેલા અરુણ ગવળીને જોઇને, જુદાં જુદાં કારણસર, પણ એકસરખી માત્રામાં રમૂજ થાય છે.

સ્વરાજની લડતનો બિનસત્તાવાર ગણવેશ બનેલી ગાંધીટોપી ગાંધીજીએ ક્યારે અપનાવી હશે, તેની ચોક્કસ તારીખ મળતી નથી. પણ જાન્યુઆરી, 1915માં ભારત પાછા ફરેલા ગાંધીજીએ દેશના લોકોનાં ગરીબી અને અભાવ જોયા પછી, 27 ઓક્ટોબર, 1921થી ટૂંકી પોતડી અને ઉપરના ભાગમાં કેવળ ખાદીની ચાદરનો પહેરવેશ અપનાવ્યો. ત્યાર પહેલાં રેંટિયો શોધતા ગાંધીજીને, 1917ના અંતમાં ગંગાબહેન મજુમદારે ગાયકવાડી શાસનના ગામ વીજાપુર (મહેસાણા)માંથી રેંટિયો શીધી આપ્યો. તેમાંથી કાંતણ અને ખાદીનો યુગ શરૂ થયો. ભારત આવ્યા પછી તરતના અરસામાં ગાંધીજીના માથે જોવા મળતા ફેંટાનું સ્થાન ત્યાર પછી ખાદીની ટોપીએ લીધું હોય, તો ગાંધીજીએ ખાદીની ટોપી માંડ ત્રણ-સાડા ત્રણ વર્ષ પહેરી હશે. પરંતુ 1921માં શરૂ થયેલી (અને ટોચ પર પહોંચ્યા પછી ચૌરીચૌરા હત્યાકાંડને કારણે મોકૂફ રહેલી) ચળવળ વખતે ‘ગાંધીટોપી’ દેશદાઝ-ફનાગીરી અને ગુલામી સામે માથું ઊંચું કરવાનું પ્રતીક બની.

અસહકારના આંદોલન વખતે અંગ્રેજ સરકારને ‘ગાંધીટોપી’માં બગાવતની ચિનગારી દેખાઇ. ભડકેલા અફસરોએ મનસ્વી રીતે ગાંધીટોપી સામે સરકારી હુકમો કાઢ્યા. અલાહાબાદના જિલ્લા કલેક્ટરે એક નોટિસ દ્વારા ‘સરકારી નોકરોએ ગાંધીટોપી પહેરવી નહીં’ એવો આદેશ કાઢ્યો. તેના પ્રતિભાવમાં ગાંધીજીએ લખ્યું, ‘હું દરેક સરકારી કર્મચારીને સલાહ આપું છું કે તે આ સુંદર હલકી ટોપી પહેરે. એમાં કોઇ ગુનો થતો નથી.’ (18-5-1921) અન્ય પ્રસંગે તેમણે કહ્યું, ‘જો ખાદીની ટોપી પહેરવી એ ગુનો થતો હોય તો એ ગુનો કરીને નોકરીમાંથી મુક્ત થવું એ જ યોગ્ય ગણાય...શું પ્રજામાં આટલું બળ પણ નથી આવ્યું કે પોતાની ઇચ્છામાં આવે તેવાં કપડાં પહેરવાની સ્વતંત્રતા પણ ન બતાવી શકે? મારી તો ઉમેદ છે કે પ્રજા, નોકરવર્ગ ને બીજો બધો વર્ગ ખાદીની ખાનદાની સમજીને ખાદીની ટોપી વગેરેનો ઉપયોગ કરશે જ.’ (22-5-1921)

બંગાળના કોમિલ્લા પ્રાંતના બ્રાહ્મણબારિયા જિલ્લાના મેજિસ્ટ્રેટ એલિસે 16 મે, 192ના રોજ કાયદાની ધમકી બતાવીને જાહેર કર્યું કે ‘જેને ગાંધીટોપી કહેવામાં આવે છે તે પહેરવી એ હિંદી ફોજદારી કાયદાની 228મી કલમ પ્રમાણે ગુનો થાય છે એવું સરકારે નક્કી કર્યું છે.’ આ ‘કાયદા’નો ભંગ કરવા બદલ એક સ્વયંસેવકને રૂ.10નો દંડ થયો. એ ચૂકવવાનો ઇન્કાર કરતાં તેને દસ દિવસની જેલ થઇ ત્યારે બેરિસ્ટર ગાંધીએ પોતાના લખાણમાં 228મી કલમનો ખુલાસો કરીને કહ્યું કે સરકારે જે સત્તા આપી નથી, તે મેજિસ્ટ્રેટે ધારણ કરી લીધી છે. ખાદીની ટોપી પહેરવાનો ‘ગુનો’ કરીને જેલમાં જનાર સ્વયંસેવકને તેમણે અભિનંદન આપ્યાં. (1 ડિસેમ્બર, 1921)

વીજાપુરની અદાલતમાં એક વકીલ કૌજલગી ધોળી ટોપી પહેરીને અંદર ગયા. ન્યાયાધીશે તેમને ટોપી ઉતારવાનો હુકમ કર્યો. વકીલે ના પાડતાં તેમને રૂ.200નો દંડ કરીને એક કલાક માટે અદાલતની બહાર મોકલવામાં આવ્યા. કલાક પૂરો થતાં વકીલ ફરી ટોપી સાથે જ અદાલતમાં આવ્યા. ફરી તેમને રૂ.200નો દંડ થયો અને તેમનો કેસ બીજા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યો. નવ દાયકા પહેલાં રૂ.200નું મૂલ્ય વિચારતાં દંડનું આકરાપણું અને વકીલની ખુદ્દારી બરાબર સમજી શકાશે. અંગ્રેજ સરકારના પગલે કેટલાંક દેશી રજવાડાં પણ ગાંધી ટોપીના વિરોધમાં ભળ્યાં. ગ્વાલિયર રાજ્યે 9 માર્ચ, 1922ના રોજ એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે ‘આજકાલ એક વિશિષ્ટ પ્રકારની ખાદી ટોપીનો ઉપયોગ થવા લાગ્યો છે. તેનો ઘાટ હોડી જેવો છે અને તેની બન્ને બાજુઓ વાળી દઇ શકાય છે. હકીકત એ છે કે આવી ટોપી કપડું બચાવવા માટે વપરાતી નથી. એ તો અમુક રાજકીય પક્ષનું ચિહ્ન બની ગઇ છે અને અમુક પ્રકારના વિચારો સાથે એનો સંબંધ એટલો નિકટનો બની ગયો છે કે જે લોકો આ ટોપી પહેરે છે તેઓ એ વિચાર ધરાવે છે એમ જ મનાય છે. આ કારણોને લીધે આવી ટોપીએ પહેરવી અયોગ્ય છે. આ (પ્રતિબંધ)માં ખાદીની કે બીજા કોઇની કાપડની બનેલી બીજા કોઇ ઘાટની ટોપીનો સમાવેશ થતો નથી.’

સરકારોની સાથે કેટલીક અંગ્રેજ કંપનીઓએ પણ ટોપીનો વિરોધ શરૂ કર્યો. ‘શો વોલેસ’ અને ‘બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન’ જેવી કંપનીઓએ પણ પોતપોતાના એક-એક કર્મચારીને ગાંધીટોપી પહેરવાના ગુનાસર બરતરફ કર્યા. એ બનાવ ગાંધીજીની જાણમાં આવતાં તેમણએ લખ્યું, ‘રાવણ રાજ્યમાં વિષ્ણુની છબી પોતાના ઘરમાં કોઇ રાખે તે ગુનો ગણાતો હતો. આ રાવણ રાજ્યમાં ધોળી ટોપી પહેરવી, અદાલતોમાં ન જવું, દારુ ન પીવો, પરદેશી કપડાં ન પહેરવાં, રેંટિયો ચલાવવો એ ગુનો ગણાય તો નવાઇ નહીં. આપણે બધા એ ગુનો કરતાં થઇ જઇએ ત્યારે જ સ્વરાજ છે.’ (28-7-1921)

દેશભરમાં સ્વરાજના આંદોલન સાથે સંકળાઇ ગયેલી ગાંધીટોપી ગાંધીજીને કેવી રીતે મળી? કાકાસાહેબ કાલેલકરે ગાંધીજીને આવો સવાલ પૂછ્યો ત્યારે ગાંધીજીએ ભારતના જુદા જુદા ભાગોમાં જોવા મળતી પાઘડીઓ, ટોપી, ફેંટાનું વિશ્લેષણ કરીને કહ્યું હતું કે ‘મને કાશ્મીરી ટોપી સારી લાગી. એ સરસ છે ને હલકી છે. તેને બનાવવામાં કશી મુશ્કેલી નથી અને તેની ગડી થઇ શકે છે. એટલે આપણે તેને વાળીને ખિસ્સામાં મૂકી શકીએ અથવા દબાવીને પેટીમાં પણ મૂકી શકીએ. કાશ્મીરી ટોપી ઊનની હોય છે. પણ મેં નક્કી કર્યું કે તે સુતરાઉ કાપડની બનવી જોઇએ. પછી વિચાર કર્યો રંગનો. કયો રંગ માથે શોભશે? એકે રંગ ગમ્યો નહીં. આખરે નિર્ણય કર્યો કે સફેદ રંગ સૌથી સારો છે. તેના પર પરસેવો પણ જલદી દેખાઇ આવે છે એટલે તેને ધોવી પડે છે. વળી ધોવામાં કશી મુશ્કેલી નથી. ગડીવાળી ને સફેદ હોવાથી માણસ સુઘડ દેખાય છે. આ બધો વિચાર કરી મેં આ ટોપી બનાવી.’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)

આઝાદી મળ્યા પછી ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પહેલા અધ્યક્ષ બન્યા, ત્યારે અધ્યક્ષે કાર્યવાહી વખતે પહેરવી પડતી વિગની પરંપરા તેમણે ફગાવી અને માથે ગાંધીટોપી ધારણ કરીને અધ્યક્ષપદ સંભાળ્યું. (‘ઇન્ડિયાઃ ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર’, દુર્ગા દાસ) ફિલ્મ અભિનેતાઓને ઝાંખા પાડી દે એવાં પ્રભાવ-લોકપ્રિયતા ધરાવતા જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વની ગાંધીટોપી વિના કલ્પના થઇ ન શકે, એ હદે તેમણે પહેરવેશમાં ગાંધીટોપીને અપનાવી હતી. છેક 2011માં લોકોને, ભલે જુદાં કારણસર, પણ આંદોલિત કરી શકે એવું ગાંધીટોપીનું પ્રતીક આપનાર ગાંધીજી, પ્રતીકોનું મહત્ત્વ સમજતા, પણ તેમના પ્રેમમાં પડી જતા ન હતા. અસહકાર આંદોલન વખતે તેમણે કહ્યું હતું, ‘ધોળી ટોપી પહેરવી એ કોઇ પણ રીતે અસહકારનું લક્ષણ ચે એ વાતનું હું ઇનકાર કરું છું. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેમને અસહકાર ગમતો નથી અને તેમ છતાં એક સગવડ તરીકે અને સ્વદેશીના પ્રતિકરૂપે એમણે સફેદ ખાદીની ટોપી પહેરવાનું શરૂ કર્યું.' (11-8-1921)

પાછલાં વર્ષોમાં ગાંધીજી પોતે ગાંધીટોપીને બદલે ‘સોલા હેટ’ના પ્રેમી બન્યા હતા. (એ હેટમાં તેમની તસવીરો જોવા મળે છે.) તેમણે કાકા કાલેલકરને કહ્યું હતું, ‘ખરૂં જોતાં આપણા દેશની આબોહવાની દૃષ્ટિએ મને સોલા હેટ ગમે છે. તે માથું, આંખો અને ગરદનનું તાપથી રક્ષણ કરે છે. લાકડાના ભૂકાની બનેલી હોવાથી તે હલકી ને ઠંડી હોય છે. વળી એમાંથી માથાને થોડી હવા પણ મળી શકે છે. આજે હું તેનો પ્રચાર નથી કરતો તેનું કારણ એ છે કે તેનો આકાર આપણા પોશાક સાથે મેળ નથી ખાતો અને યુરોપિયન ઢબની હોવાથી સામાન્ય લોકો તેને અપનાવે પણ નહીં. જો આપણા કારીગરો એ વિલાયતીટોપીના ગુણ કાયમ રાખીને તેનો આકાર આપણા પોશાક સાથે મેળ ખાય તેવો બનાવી શકે તો તેમનો મોટો ઉપકાર થાય.’

ગાંધીટોપીના સગવડિયા ઉપયોગને લીધે તેની લોકપ્રિયતા-લોકસ્વીકૃતિમાં ચડાવઉતાર આવતા રહ્યા. 1956-60ના મહાગુજરાત આંદોલન વખતે આ જ ગાંધીટોપી કોંગ્રેસ સાથે સંકળાઇને એટલી હદે અળખામણી બની કે અમદાવાદમાં આંદોલનકારીઓ ઘણા લોકોના માથેથી ગાંધીટોપી ઉતરાવતા હતા. રાજકીય પક્ષોમાં કોંગ્રેસે ગાંધીટોપી સાથે ખપ પૂરતો નાતો જાળવી રાખ્યો છે, જ્યારે ભાજપને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની કાળી ટોપી સાથે નાળસંબંધ છે. વખત આવ્યે અરુણ ગવળી જેવા ગેંગસ્ટરો પોતાની રાજકીય મહેચ્છાઓ જાહેર કરવા માટે ગાંધીટોપી ઠઠાડી શકે છે. હવે રૂ.100-500-1000ની ચલણી નોટ સાથે હોય એટલી જ લેવાદેવા ગાંધીજીને-તેમના સિદ્ધાંતોને ગાંધીટોપી સાથે રહી છે.

(શીર્ષક પંક્તિઃ રુસ્વા મઝલૂમી)

5 comments:

  1. સફારીના એક લેખમાં જણાવ્યાં પ્રમાણે દ.આફ્રીકામાં ગાંધીજીને કારાવાસની સજા થઇ હતી. એ સજા દરમિયાન કારાવાસમાં તેઓ 'દેશી' હોવાને કારણે તેમના ગણવેશમાં એક વધારાની વસ્તુ સામેલ કરવામાં આવી હતી. એ હતી ભારતમાં ત્યારબાદ જાણીતી બનેલી ગાંધીટોપી. આ વિશે થોડો પ્રકાશ પાડજો

    ReplyDelete
  2. એવો સંદર્ભ મેં પણ વાંચ્યો છે. પરંતુ એ ટોપી પહેરવેશના ભાગ તરીકે તેમણે જેલની બહાર અપનાવી હોય કે ચાલુ રાખી હોય એવું જાણવા મળતું નથી. ભારત આવ્યા પછી પણ ગાંધીજીએ સીધી એ ટોપી અપનાવી નથી. કાકા કાલેલકરને આપેલા જવાબમાં પણ તેમણે આફ્રિકાની જેલની ટોપીને યાદ કરી નથી. આટલી હકીકતો ધ્યાનમાં રાખતાં, જેલવાસ દરમિયાન પહેરવા મળેલી ટોપી સાથે 'ગાંધીટોપી'નું સામ્ય સાંયોગિક હોય એવી સંભાવના વધારે ગણાય.

    ReplyDelete
  3. Anonymous2:28:00 AM

    મારો યે જમાનો હતો કોણ માનશે?
    ટોપીનો દિવાનો હતો કોણ માનશે?

    ટોપી એ છોડી અને બંડી એ છોડી,
    ધોતીમાં મઝાનો હતો કોણ માનશે?

    ગાંધીજીની ટોપી પણ સંશોધનનો વિષય ખરો.પણ હવે અન્ના ટોળકી ને મેં અન્ના હું વાળી ટોપી બનાવનારને એ જવાબદારી સોંપી દઈએં. બાકી એક રિવાયત એવી પણ છે કે આ જાતની ટોપી હકીમ અજમલખાં પહેરતા. એક વખતે ગાંધીજી ના માથા પર પહેરાવી દીધી અને કહ્યું કે બાપુ હવે આજથી આ ગાંધી ટોપી બની ગઈ.
    Muhammedali Wafa
    www.bagewafa.wordpress.com

    ReplyDelete
  4. કિન્નરી ભટ્ટ9:28:00 PM

    ગાંધી ટોપી વિશે આપે બ્લોગમાં લખેલા સરસ લેખ માટે અભિનંદન. આ સંદર્ભે કંઇક વહેંચવા માગું છું.

    ગાંધીજીએ કચ્છ પહેરવાની શરૂઆત તા. ૨૨ સપ્ટેમ્બર ૧૯૨૧ ના દિવસે મદુરાથી કરી અને આ જ દિવસે આ અંગે એક સંદેશ આપ્યો. જે બીજે દિવસે એટલે કે તા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ ધ હિંદુ માં પ્રગટ થયો :
    " . . . હું જાણું છું કે ઘણાને પરદેશી કાપડ એકદમ છોડવાનું મુશ્કેલ લાગશે. લાખો લોકો એટલા ગરીબ છે કે ત્યજી દીધેલાં કપડાની જગ્યાએ પૂરતી ખાદી ન ખરીદી શકે. મદ્રાસને દરિયાકાંઠે મેં આપેલી સલાહ હું તમને ફરી એક વાર આપું છું. અને તે એ કે તેમને કેવળ એક કચ્છ વડે સંતોષ માનવો. આપણી આબોહવામાં ઉનાળાના દિવસોમાં શરીર ઢાંકવા માટે એથી વધારે કાપડની ભાગ્યે જ જરૂર પડે છે. પહેરવેશ વિશે ખોટા શરમાળવેડા જરૂરી નથી. હિંદમાં પુરુષો માટે સંસ્કારિતાની કસોટી તરીકે આખું શરીર ઢાંકવાનો કદી આગ્રહ રાખવામાં આવ્યો નથી.
    મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું આ સલાહ આપું છું. એટલે દાખલો બેસાડવા માટે, ઓછામાં ઓછું, ૩૧મી ઓક્ટોબર સુધી, હું મારી ટોપી અને પહેરણનો ત્યાગ કરી માત્ર એક કચ્છ અને શરીરને રક્ષણ આપવા માટે જરૂર પડે ત્યારે એક ચાદરથી ચલાવી લેવા માગું છું. હું આ ફેરફાર અપનાવું છું કેમ કે હું પોતે જેનું પાલન કરવા તૈયાર ન હોઉં તેની સલાહ આપતાં મને હમેશાં સંકોચ થયો છે. . . ."
    સંદર્ભ: અક્ષરદેહ ખંડ-૨૧
    ........................
    વિજાપુરથી રેંટિયો શોધી આપનાર હતાં શ્રી ગંગાબહેન મજમુદાર.
    આભાર,
    કિન્નરી

    ReplyDelete
  5. nice your artical and your Post thanks bro...

    ReplyDelete