Wednesday, September 07, 2011

અન્ના-આંદોલન પછીનું સંભવિત ટોપી-વૈવિઘ્ય

અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દરમિયાન ‘મૈં અન્ના હું’લખેલી ટોપીઓ બહુ લોકપ્રિય બની. એક સાથે આટલી ટોપીઓ ક્યાંથી આવી, કોણે તૈયાર કરાવી, તેનું બિલ કોણ ચૂકવ્યું એવા ક્ષુલ્લક સવાલોમાં અટવાઇ જવાને બદલે, રોમાંચકારી કલ્પનાનો વિષય એ છે કે આવી બીજી કેટલી જાતની ટોપીઓનો દેશમાં ખપ છે? જુદા જુદા સમુહોના માથે બંધ બેસે એવી બીજી કેટલીક લખાણ-ટોપીઓઃ

મૈં મનમોહન સિંઘ હું
તમામ પ્રકારના નબળા સજ્જનો, નબળા પ્રામાણિકો, મારે નહીં ને ભણાવે નહીં એવા મહેતાઓ અને સંિઘો આ ટોપી હકથી, વટકે સાથ પહેરી શકે છે. એ ઉપરાંત, શાણા, કહ્યાગરા, નિશાળેથી નીકળીને પાંસરા ઘેર જનારા, વિદ્વાન, ગુસ્સે ન થઇ શકતા અને થાય તો સામેવાળાને એનો અહેસાસ ન કરાવી શકતા, મહિલા ઉપરીઓના આજ્ઞાંકિત પ્રતિભાવંતો પણ આ લખાણ ધરાવતી ટોપી પહેરીને ટોપીની શોભામાં અને દેશના વડાપ્રધાનની હંિમતમાં વધારો કરી શકે છે. આવડતના ક્ષેત્ર કરતાં સાવ અલગ- ભળતા ક્ષેત્રમાં ઊંચો હોદ્દો ધરાવતા લોકો આ ટોપી પહેરીને અપરાધભાવનામાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી જુએ. સફળતા મળવાની શક્યતા ઉજળી છે.

મૈં કલમાડી હું
કબૂલ કે આ ટોપી પહેરવા માટે પહેલાં ઘણાને ટોપીઓ પહેરાવવી પડે. એ પણ કબૂલ કે આ ટોપી પહેરવા માટે ‘છપ્પનની છાતી’ની અને ટીકાનો માર ખમી શકે એવું ભારે માથું જોઇએ. પણ તેનો અર્થ એવો થોડો છે કે આ ટોપીને લાયક માથાંની દેશમાં કમી છે? બહુરત્ના વસુંધરાના આર્યાવર્ત પ્રદેશમાં પંચાયતથી સંસદ સ્તરના નેતાઓ,ઉપનેતાઓ, લધુનેતાઓ, ઉપલધુનેતાઓ, પોતાના કદ કરતાં મોટો ભ્રષ્ટાચાર કરવાની તક મળતી હોય એવા સમાજના તમામ સ્તરના લોકો હોંશે હોંશે આ ટોપી ધારણ કરી શકે છે. નવા જમાનામાં આ ટોપી પહેરનારા પોતાની ઉજળી છાપ ઉપસાવવા માટે સારી (મોંઘી) પીઆર એજન્સી રોકશે તો તેમને તિહાર જેલમાં જવાનો વખત નહીં આવે. ઉપરથી, ટોપી પહેરવાને લીધે પ્રામાણિકતાના માર્ક મળશે તે અલગ.ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પછી નિરપેક્ષ અને સાપેક્ષ બન્ને પ્રકારની પ્રામાણિકતાની બોલબાલા ધરાવતા દેશમાં ‘મૈં કલમાડી હું’ પ્રામાણિક એકરારનું પ્રતીક પણ ગણાશે અને ભવિષ્યમાં બીજા પ્રામાણિક માણસો નહીં હોય ત્યારે આવા માણસો ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં નેતાગીરી માટે પણ કામ લાગશે.

મૈં નીતિન ગડકરી હું
અનૈતિક અને ગેરકાયદે વચ્ચેનો ફરક બતાવીને પોતાના પક્ષના મુખ્ય મંત્રીનો ‘કાયદેસર’બચાવ કરનાર ભાજપપ્રમુખ નીતિન ગડકરીએ અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને છેલ્લે છેલ્લે બિનશરતી ટેકો આપ્યો. જાણે કે ‘મૈં યેદીયુરપ્પા હું’ લખેલી ટોપી ફેરવી નાખીને તેની બીજી બાજુએ ‘મૈં અન્ના હજારે હું’ ચીતરાવી દીઘું. આવા મહા-જનના નામની ટોપી કોણ પહેરી શકે? એ બધા, જે હવાનો રૂખ પારખવામા, પ્રતિસ્પર્ધીઓની નબળાઇનો લાભ લેવામાં કે પોતાના સાથીદારોને અંકુશમાં રાખવામાં મોળા અને મોડા પડતા હોય.

મૈં રાહુલ ગાંધી હું
‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’- એ કહેણીમાં જગલાની ભૂમિકા ભજવનારા સૌ કોઇ આ ટોપી પહેરી શકે છે. સંસ્થાઓમાં જવાબદારી વગરની સત્તા ભોગવતા, વારેતહેવારે ચોથા વર્ગના કર્મચારીને ઘેર જઇને રોટલો આરોગી આવતા કે તેમનાં સંતાનોનાં ખબરઅંતર પૂછી લેતા (અને એ સિવાય બીજું કંઇ ન કરતા), વરસના વચલા દહાડે સેકન્ડ ક્લાસમાં કે રિક્ષામાં કે બસમાં સામાન્ય લોકો સાથે પ્રવાસ કરીને એ રીતે પોતાનું અસામાન્યપણું સિદ્ધ કરી આપનારા લોકો પણ આ ટોપીના પહેરણહાર તરીકે યોગ્ય ગણાય. ધંધાધાપામાં પિતાની ગાદી પર બેઠેલા અને ચાલુ હોદ્દે- પૂરા પગારે, ‘બોસ’ના હોદ્દે એપ્રેન્ટીસશીપ કરનારા બાબાલોગ આ ટોપીમાં શોભી ઉઠશે.

મૈં નરેન્દ્ર મોદી હું
આવું લખાણ ધરાવતી ટોપી પહેરનારા ગુજરાતમાં મોટી સંખ્યામાં છે.આ ટોપીની ખૂબી એ છે કે તે જોનારને દેખાય છે, પણ પહેરનારને દેખાતી નથી. તે એમ જ માને છે કે પોતે કોઇની ટોપી ધારણ કર્યા વિના ખુલ્લા માથે સત્યની તરફેણ કરી રહ્યા છે. સ્વપ્રચારમાં કોઇ પણ હદે જનારા, એક બાજુ અન્નાના આંદોલનને ટેકો આપીને બીજી બાજુ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપેલા, જરૂરી ન હોય ત્યાં રાજકીય લાભ ખાટવા કે ટેકેદારોને ખોટેખોટો પોરસ ચડાવવા માટે સંવાદો ફટકારતા અને ચોતરફથી ઘેરાઇ જાય ત્યાર મોં બંધ કરીને એ સમય પસાર કરી નાખવાની રીત અપનાવના આ દરેક પ્રકારના લોકો આ ટોપી હકથી પહેરી શકે છે.કોઇની આફતને પોતાના માટે અવસરમાં પલટાવવાની ‘કાબા’લિયત ધરાવતા અને લાજવાનું હોય ત્યારે ગાજવાનું પસંદ કરતા લોકો આ ટોપીને પહેલી પસંદગી આપશે.

મૈં ધોની હું
‘ધોની કો અનધોની કર દે, અનધોની કો ધોની’- એવી પંક્તિ ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પછી પ્રચલિત નહીં બની હોય તો હવે બનશે. અત્યાર સુધી ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા, ભારતની (એટલે કે બીસીસીઆઇની) ટીમને વર્લ્ડકપ જીતાડી આપનારા, કરોડાના કોન્ટ્રાક્ટમાં મહાલતાા ધોની અત્યાર સુધી અમોઘ નિર્ણયશક્તિ, હાર નહીં માનવાનો જુસ્સો, ખેલદીલી, ટીમવર્ક,નેતૃત્વના ગુણો અને સરવાળે તેના પ્રતાપે મળતી સફળતા માટે પંકાયેલા હતા. એ જ ધોની હવે ન સમજાય એવા, ભૂલ ભરેલા નિર્ણયો લેનાર, નેતૃત્વનું વરદાન ગુમાવી બેઠેલા શાપિત અને નિષ્ફળ કેપ્ટન ગણાવા લાગ્યા છે. તેમના દાખલા પરથી, રાતોરાત પોતાના વિશે દુનિયાનો અભિપ્રાય બદલાઇ ગયો હોય અને સફળતાની ટોચેથી નિષ્ફળતાની ખીણમાં ગબડી પડ્યા હોય, એવા લોકો આ ટોપી પહેરી શકે છે.આ ટોપી પહેર્યા પછી તેમનેપોતાની સ્થિતિ વિશે ઝાઝા ખુલાસા આપવા નહીં પડે. સમજનારા ટૂંકમાં બઘું સમજી જશે.

મૈં સિવિલ સોસાયટી હું
નાગરિકશાસ્ત્રની રૂએ ભારતનો કોઇ પણ નાગરિક આ ટોપી પહેરી શકે, પરંતુ દેશ નાગરિકશાસ્ત્રથી ચાલતો નથી, એ જૂની સમજણ છેલ્લા થોડા મહિનામાં વધારે પાકી બની છે. હવે અન્ના હજારેના આંદોલનને બિનશરતી- ભાવનાત્મક ટેકો આપનારા, તેમની કેટલીક માગણીઓના વાજબીપણા અને વ્યવહારુપણા વિશે શંકા ન કરનારા, બીજા સામાજિક અગ્રણીઓનાં લોકપાલ વિશેનાં સૂચનો ઘ્યાને લેવાની જરૂર ન જોનારા, ‘અન્ના ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ અન્ના ’માં દૃઢ શ્રદ્ધા ધરાવનારા, અન્ના હજારેને ‘દેશકા દૂસરા ગાંધી’ ગણનારા, તેમના આંદોલનને ‘ઓગસ્ટ ક્રાંતિ’, ‘આઝાદીની બીજી લડાઇ’જેવાં ભવ્ય નામે ઓળખનારા, અન્નાની માગણી વિશે ચર્ચા ઇચ્છતા લોકોને દેશદ્રોહી, ભ્રષ્ટાચારતરફી, સરકારતરફી જેવાં વિશેષણોથી નવાજનારા- આમાંની ઓછામાં ઓછી કોઇ એક શરત પૂરી કરનાર લોકો જ વર્તમાન ભારતમાં આ લખાણ ધરાવતી ટોપી પહેરી શકે છે.

3 comments:

  1. Anonymous9:56:00 AM

    ઉર્વિશ ભાઈ તમે ગાંધી ટોપી અને જિન્નાહ કેપનો ઝિકર ન કર્યો એ બિલકુલ વાજબીજ છે.શાત્રીજીના માથા પર અને છેલ્લે મુ.મોરારજીભાઈના માથ પર એ ગાંધીકમ નહેરુ ટોપી હતી.કોંગ્રેસીઓને હવે એ ટોપીનો મહિમાં સમજાય રહ્યો છે.(જબ અન્ના ચુગ ગયા ખેત). બાકી અડવાણીજી જિન્નાહ કેપ પહેરવા વગર પાકિસ્તાન જઈ જિન્નાહવાદ ઝિંદાબાદ કરી (ફજેતો વ્હોરી) આવતા રહ્યા. કચાશ જસવંત સિંહે પુરી કરી.આખું આખું પુસ્તક જિન્નાહ વિષે(જિન્નાએ ક્યાં પાક.બનાવ્યું છે?) લખી નાંખ્યું.સંઘ પરિવારની આંખ ખોલવા વગર ઊઘડી ગઈ,અને સુવા વગર ઉંઘ ઊડી ગઈ. આ બધું કરતાં એક જિન્નહ ટોપી પહેરી આવ્યા હોત તો આટલા દુ:ખી ન થાત.
    www.bazmewafa.wordpress.com
    Muhammedali Wafa

    ReplyDelete
  2. મજા પડી :)

    ReplyDelete
  3. Anonymous8:22:00 PM

    ૧ સુચન : 'હું ટપોરી છુ'.

    ગુજરાત રાજ્ય માં આ સિસ્ટમ ની ભેટ પણ રાજકીય-પ્રેરિત મળી તેનો પ્રજાએ સ્વીકૃત પ્રતિસાદ આપ્યો જે ખુબજ નુકસાન પ્રજાને અને દરેક રાજકીય વર્ગ ને લાભાવંત બન્યો. હવે તો ગણવેશ અને માત્રા નો ફરક છે.

    ReplyDelete