Thursday, September 29, 2011

ખાબોચિયું જોઇને : બાબુજી ધીરે ચલના

ચોમાસાના વર્ણન માટે સંસ્કૃત સાહિત્યથી માંડીને અસંસ્કૃત-ફૂટપાથિયા ‘સાહિત્ય’ સુધીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ, જાણીતા અને લોકપ્રિય છે. તેમાં ઘેરાયેલાં વાદળોથી માંડીને પલળેલી પ્રિયતમાઓ સુધીના વિષયોની છણાવટ કરવામાં આવે છે. આ પ્રકારના સાહિત્યની શાશ્વતતાનું પ્રમાણ એ છે કે સદીઓ પછી પણ તેના જોરે લોકોને ગલગલિયાં કરાવીને સસ્તી લોકપ્રિયતા ઉઘરાવી શકાય છે.

શૃંગારરસ - અને તેના કેટલાક ટાંકણીયાઓની અતૃપ્ત વાસના-થી ટપકતા ચોમાસુ સાહિત્યમાં ભાગ્યે જ સ્થાન મળ્યું હોય એવી એક વરસાદી ચીજ છેઃ ખાબોચિયું. ચોમાસું અને વરસાદ કુદરતી લીલાનો હિસ્સો છે, પણ ખાબોચિયાં સંપૂર્ણપણે કાળા માથા માનવીની અને તેમની બનેલી મ્યુનિસિપાલિટીની સરજત છે. ખાબોચિયાં વિશે જનસામાન્યમાં કોઇ જાતનો અહોભાવ નથી. બલ્કે, તુચ્છકારનો ભાવ છે. મોટા ભાગના લોકો માને છે કે રસ્તાના- અને તેના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા લોકોના- ચારિત્ર્યમાં રહેલાં ગાબડાં ચોમાસામાં ખાબોચિયાંના સ્વરૂપે ફૂટી નીકળે છે.

ખાબોચિયાંનો કોઇ પૌરાણિક-ઐતિહાસિક સંદર્ભ ન હોવાથી, એ રીતે પણ પ્રજાના મનમાં ખાબોચિયાં માટે ભાવ પેદા થઇ શક્યો નથી. તાત્યા ટોપેની પાછળ પડેલા અંગ્રેજ સિપાહીમાંથી આઠ-દસના ઘોડા રસ્તા પરના ખાબોચિયાંને કારણે લડખડી ગયા હોત, સિપાહીઓ જમીન પર પટકાયા હોત અને તાત્યા તેમને હાથતાળી આપીને નાસી છૂટ્યા હોત, તો ઇતિહાસકારોએ ભારતના ‘પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાબોચિયાંનું પ્રદાન’ જેવા વિષયો પર શોધનિબંધો લખ્યા હોત. તેનાથી એમ પણ સિદ્ધ કરી શકાત કે અંગ્રેજોએ સારા રસ્તા બનાવ્યા એ ખરેખર તો ભારત વિરુદ્ધનું કાવતરું હતું અને વર્તમાન યુગના શાસકોએ અંગ્રેજોની ભૂલમાંથી બોધપાઠ લીધો છે.

ઇતિહાસ કંટાળાજનક લાગતો હોય એવા લોકો માટે પુરાણમાં ખાબોચિયા-વિષયક કથાઓની વ્યવસ્થા હોવી જોઇએ. જેમ કે, ‘એક ખાબોચિયાએ વર્ષો સુધી તપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. એ ખાબોચિયું એટલે આજનો હિંદ મહાસાગર’. આ પ્રકારની કથાઓ બાળપણથી સાંભળવામાં આવે તો માણસ દરેક ખાબોચિયામાં મહાસાગરના અને દરેક મહાસાગરમાં ખાબોચિયાનાં દર્શન કરવા જેટલી ઉન્નત દૃષ્ટિ પૌર્વાત્ય સહજતાથી છેક બાળપણથી જ કેળવી શકે. પરંતુ આમાનું કશું જ બન્યું નહીં. એટલે ખાબોચિયાંનું માહત્મ્ય કરવાનો પ્રસંગ છેક આજે આવ્યો છે.

શાસ્ત્રીય દૃષ્ટિએ વિચારતાં, સૌથી પહેલો સવાલ એ થાય કે ખાબોચિયું એટલે શું? કોને ખાબોચિયું કહેવાય? વ્યવહારુ જ્ઞાન ધરાવતા સૌ જાણે છે કે ખાબોચિયું એ સાપેક્ષ શબ્દ છે. ભગવદ્‌ગોમંડળ કે ઓક્સફર્ડ ડિક્શનેરીમાં ખાબોચિયાનું કોઇ ચોક્કસ માપ આપેલું નથી કે અમુક બાય અમુક ફૂટનો, અમુક ઇંચ ઉંડો, તેમાં લધુતમ અમુક સપાટી સુધીનું પાણી ધરાવતો ખાડો જ ખાબોચિયું ગણાય. ગિનેસ બુક કે લિમ્કા બુકના સંચાલકો ખાબોચિયાં જેવી છીછરી ‘સિદ્ધિ’ઓના વિક્રમો નોંધે છે, પણ ખાબોચિયાંના પોતાાના વિક્રમો નોંધતા નથી. એટલે એ અંગેનાં કોઇ નિશ્ચિત ધારધોરણ નક્કી થયાં નથી. વિશાળ દૃષ્ટિ ધરાવતા કે વિમાનમાં મુસાફરી કરતા લોકોને કાંકરિયા કે સૂરસાગર પણ ખાબોચિયાં જેવાં લાગે અને કીડી-મંકોડાને ખાબોચિયું અરબી સમુદ્ર જેવું. પણ સરળતા ખાતર કોસ્મિક કક્ષા ચિંતકો માટે છોડીને, વાતને માણસો પૂરતી અને રસ્તાના ખાબોચિયાં પૂરતી મર્યાદિત રાખીએ.

ખાબોચિયાં પ્રકૃતિગત રીતે પરોપકારી અને પોતાનું અસ્તિત્ત્વ બીજાની હયાતીને ઉજાગર કરવામાં ખર્ચી નાખનારાં છે. દુનિયાની મોહમાયામાં અટવાયેલા લોકો રસ્તા પરનાં ખાબોચિયાં જોઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘તંત્ર’ને, તેમના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટતાને ભાંડે છે. એમ કરવાથી તબિયત સારી રહેતી હોય અને જમવાનું પચી જતું હોય તો કશું ખોટું નથી. પણ ખાબોચિયાંના સ્તરેથી સહેજ ઉપર ઉઠતાં સમજાશે કે ખાબોચિયાંનું હોવું એ ખરેખર તો રસ્તાના હોવાની નક્કર સાબિતી છે. ઘણા રસ્તા કાળક્રમે- હવે તો બન્યાના થોડા મહિનામાં કે પહેલા વરસાદ પછી- પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ સિદ્ધ કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તેની પરથી પસાર થતા વાહનચાલકોને રસ્તો છે કે નહીં, તેનો ખ્યાલ આવતો નથી. ભલું થજો ખાબોચિયાંનું કે તેમના પ્રતાપે, ‘જ્યાં ખાબોચિયાં નથી ત્યાં રસ્તો છે’ એવા તર્કશાસ્ત્રીય ન્યાયે ચાલકોને રસ્તો હોવાની સાબિતી મળતી રહે છે. એટલું જ નહીં, ચાલકો ખાબોચિયાંના કારણે વચ્ચે વચ્ચે આવતા રસ્તાના ટુકડાની કદર પણ કરી શકે છે અને બે ખાબોચિયાં વચ્ચે આવતા અમુક મીટરના સળંગ રસ્તાનો આનંદ માણીને મ્યુનિસિપલ કોર્પોરેશનને દુવા આપી શકે છે.

ખાબોચિયું-ખાડો-રસ્તા અને કોર્પોરેશનની વાત ચાલતી હોય ત્યારે ઘણા લોકોને ‘દુવા’ને બદલે ‘ભૂવા’ સાંભરે એ બનવાજોગ છે. ભૂવા ખરેખર તો ખાડા-ખાબોચિયાંનું જ વિસ્તરેલું સ્વરૂપ છે. પણ કેટલાક માણસો જેમ ‘મોટા’ થાય પછી કોઇ એક કોમ-જ્ઞાતિ કે પ્રાંતના મટી જાય છે, તેમ ભૂવા પણ ખાડા કે ખાબોચિયા તરીકેની સ્થાનિક-સંકીર્ણ ઓળખાણને બદલે ‘ભૂવા’ તરીકેની શહેરવ્યાપી ઓળખ ધારણ કરે છે. છાપાંમાં તેમના ફોટા છપાય છે, ટીવી પર તેમના સમાચાર આવે છે. એ જોઇ-વાંચીને નવી પેઢીનાં ‘ચિરંજીવી’ ખાબોચિયાં ભૂવા બનવાનાં સ્વપ્નાં જોતાં હશે.

ખાબોચિયાં અને ખાડા વચ્ચે તત્ત્વતઃ પાણીનો ફરક છે. ચોમાસામાં દરેક ખાડા ખીલીને, નિબંધની ભાષામાં કહીએ તો ‘સૌભાગ્યવંતા’ બનીને, ખાબોચિયાંમાં રૂપાંતરિત થાય છે. તે ભૂવાની જેમ અકસ્માતે નહીં, પણ (રસ્તાના) સર્જનહારની લીલાના અભિન્ન ભાગ તરીકે રસ્તા પર વિલસે છે. ખાબોચિયાંમાં કમળ ખીલતાં નથી કે મગર પણ આવતા નથી. તેના કિનારે બેસીને ૠષિઓ તપ કરતા નથી કે કન્યાઓ કિલ્લોલ કરતી નથી. કૃષ્ણ રાસ રમતા નથી કે થોરો ‘વોલ્ડન’ લખતા નથી. છતાં આ વર્ણન પરથી ખાબોચિયાંને સાવ નીરસ ધારી લેવામાં તેમને અન્યાય થશે. ખાબોચિયાં ફક્ત પાણીરૂપી આનંદ સંઘરીને બેસી રહેતાં નથી, પાસેથી પસાર થતા સૌને તેમાંથી આનંદછાંટણાં ઉડાડે છે. વાહનચાલકો તેમના જીવનની અને પરિવહનની કૃત્રિમતાને કારણે ઘણે ભાગે આ લ્હાવો લઇ શકતા નથી, બલ્કે અજાણતાથી કે બેકાળજીથી બીજાને એ લાભ આપવામાં નિમિત્ત બને છે.

ખાબોચિયાંની ખાસિયત નાના હોવામાં છે. એટલે ગૌરવવંતા ગુજરાતીઓ ખાબોચિયાં માટે ઇચ્છે તો ‘નેનો ભૂવા’ જેવો શબ્દ પણ વાપરી શકે છે. ખાબોચિયાંની શરમ અનુભવવાને બદલે, ‘ગૂગલ મેપ્સ’ પાસે ગુજરાતભરનાં ખાબોચિયાંનો ઉપગ્રહની મદદથી વિગતવાર નકશો તૈયાર કરાવી શકાય. મંગળ કે ચંદ્રની સપાટી પર દરેક મહત્ત્વના જણાતા ખાડાને નામ અપાય છે, તેમ ગુજરાતમાં પણ ચોમાસામાં ખીલી ઉઠતા દરેક ખાબોચિયાનું એક નામ હોય તો? ગુજરાત યુનિવર્સિટી પાસેનું સરસ મજાનું ખાબોચિયું ‘ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી ખાબોચિયું’ તરીકે ઓળખાતું હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામેનાં ખાબોચિયાંને દર ચોમાસે વારાફરતી તત્કાલીન મેયર, ડેપ્યુટી મેયર અને બીજા હોદ્દેદારોનાં નામ આપવામાં આવે તો?

શરમને ગૌરવમાં પલટાવવાની છેલ્લા દાયકાની ગુજરાતની પરંપરામાં ઉત્તમ ઉમેરો થયો ગણાશે.

Tuesday, September 27, 2011

વારંવાર થતી દલીલોના વિચારણીય જવાબ

જાહેર બાબતોમાં હંમેશાં એકમત સધાય એવું લોકશાહીમાં બહુ બનતું નથી. દેશહિતને લગતા કેટલાક નિર્ણયોને બાદ કરતાં ‘સમરસતા’ કેટલી ઇચ્છનીય ગણાય એ સવાલ છે.

પ્રશ્નો ઉઠાવનાર, દલીલો કરનાર કે જુદો મત પ્રગટ કરનારના ઘણા પ્રકાર હોય છેઃ અજાણ, જિજ્ઞાસુ- સમજવા માગતા, બીજું દૃષ્ટિબિંદુ અપનાવે નહીં તો પણ તેની પાછળનો તર્ક સ્વીકારનારા, બધી દલીલોના પોતાને મનગમતા જવાબ ન મળે ત્યાં સુધી ‘ચર્ચા’નો આગ્રહ રાખનારા, અગાઉ મળી ચૂકેલા જવાબોને દરેક ચર્ચા વખતે ભૂલીને નવેસરથી, ઉત્સાહભેર ‘ચર્ચા’ માટે પડકાર ફેંકનારા, પોતાના પ્રિય નેતા-આગેવાન કે પક્ષ કદી ખોટું કરી જ ન શકે એવું માનતા ભક્તિમાર્ગી, પોતાની માન્યતાથી જુદા વિચાર ધરાવનાર કદી સાચો હોઇ જ ન શકે એવું ઝનૂન ધરાવનારા, સ્પષ્ટ હકીકતો સામે આંખ આડા કાન કરીને બેશરમીપૂર્વક સચ્ચાઇની દુહાઇ દેનારા, ચોક્કસ પક્ષ કે વ્યક્તિના ચીયરલીડર..તેમની આવી એક કે વઘુ લાક્ષણિકતાઓને કારણે કેટલાક મુદ્દા અને સવાલ અવારનવાર ઉભા થતા રહે છે.

પ્રચારના આ યુગમાં, હિટલરના ‘પ્રચારપુરૂષ’ ગોબેલ્સે કહ્યું હતું તેમ, એક જૂઠાણાને સાચું બનાવી દેવા માટે એક હજાર વાર દોહરાવવાની પણ જરૂર પડતી નથી. ગોબેલ્સની આઘુનિક આવૃત્તિઓ એક જ વાર જૂઠાણું ઉચ્ચારે એટલે પ્રસાર માઘ્યમો-ટીવી ચેનલોથી માંડીને ભક્તમંડળીઓ બાકીનું કામ ઉપાડી લેવા તત્પર હોય છે. બીજી તરફ, પાયાના મુદ્દા અનેક વાર સ્પષ્ટ કર્યા પછી પણ તેનો એવો પડઘો પડતો નથી. કારણ કે માહોલ ભક્તિનો અને વિચાર નહીં કરવાની બોલબાલાનો છે. આ કે પેલા નેતાની, અમુક કે તમુક પક્ષની ભક્તિ કરો તો ‘એકના હજાર’વાળો પ્રતિભાવ પેદા થાય. પણ કોઇ પક્ષ કે વ્યક્તિ પ્રત્યે વફાદારી ધરાવતા ન હોય તેમણે ‘ગોબેલ્સ ઇફેક્ટ’ જેવા પ્રચંડ પ્રતિભાવની અપેક્ષા વિના, પોતાની વાત મૂકવાનું ચાલુ રાખવું પડે. તેનો બીજો કોઇ વિકલ્પ કે શોર્ટ કટ કે સુંવાળો રસ્તો નથી.

આટલી ભૂમિકા પછી કેટલાક સવાલ-દલીલ અને એ કરનારા માટે વિચારવાના થોડા મુદ્દાઃ

ઉકેલ-વિકલ્પ આપો કાં ચૂપ રહો

‘જે સાથે નથી, તે સામે છે’ એવી માનસિકતા, ઓછી તીવ્રતા સાથે ઘણી વાર આ રીતે પ્રગટ થાય છે. મુદ્દો ત્રાસવાદનો હોય કે અન્ના હજારેના આંદોલનનો, આ દલીલ એક યા બીજા સ્વરૂપે સાંભળવા મળી જાય છે.

અન્ના હજારેના આંદોલન વખતે, કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકોના અવાજની સામેલગીરી, કેવળ ચૂંટણી વખતે અને એ પણ અંશતઃ જાગ્રત થતા સુષુપ્ત નાગરિકોને સડક પર ઉતારવાની સિદ્ધિ જેવા મુદ્દે અન્નાના આંદોલનનું સમર્થન કરનાર ઘણા લોકોને તેમની કેટલીક માગણીઓ અને તેની સાથે જોડાયેલી આત્યંતિકતા નાપસંદ હતા. પરંતુ અન્ના આંદોલન અંગે વિરોધનો સૂર કાઢનારા સામે વારંવાર વીંઝાતી એક દલીલ હતીઃ ‘તમારી પાસે ભ્રષ્ટાચાર દૂર કરવાનો બીજો વિકલ્પ છે? જો હોય તો બતાવો અને ન હોય તો ચૂપ રહો. અન્નાના આંદોલનની ટીકા કરવાનો તમને કોઇ અધિકાર નથી.’

ધારો કે કોઇ વ્યક્તિ પાસે ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરવો જોઇએ તેના વિકલ્પો કે વૈકલ્પિક માળખું નથી. છતાં, અન્ના અને સાથીદારોની માગણીઓમાં તેને કેટલાક મુદ્દાસરના અને પાયાના વાંધા જણાય છે. તો એને પોતાનો વિરોધ રજૂ કરવાનો હક નથી? બહાર બેસીને રોડાં નાખવા ખાતર નહીં, પણ જનલોકપાલ ખરડા વિશે જાણીને, તેમાં રહેલા કેટલાક દેખાતી ચર્ચાસ્પદ મુદ્દા સામે વાંધો ઉઠાવવાનો કોઇ પણ વ્યક્તિને અધિકાર છે.

અત્યારે અન્ના આંદોલનની વાત છે. કાલે બીજો કોઇ મુદ્દો હોઇ શકે. પણ જેની પાસે વિકલ્પ હોય તે જ વિરોધ કરે, એવું વલણ કોઇ રીતે માન્ય રાખી શકાય નહીં. વિરોધના વાજબીપણાનો આધાર વિરોધના મુદ્દાથી નક્કી કરવાનો હોય- નહીં કે વિકલ્પના અસ્તિત્ત્વથી. લોકશાહી માળખામાં કશું કાયમ માટે ગોઠવાઇ ગયેલું કે ઠરી ગયેલું હોતું નથી. ‘ફાઇન ટ્યુનિંગ’- સતત સુધારાવધારાની પ્રક્રિયા સતત ચાલુ રહે એ માટે ખાંચાખૂંચી પ્રત્યે ઘ્યાન દોરનારાની પણ એટલી જ આવશ્યકતા છે, જેટલી સુધારાવધારા કરનારની. લેબોરેટરીના રિપોર્ટમાં ગાંઠ કેન્સરની નીકળે ત્યારે ‘તમે જ કેન્સરની સર્જરી કરી આપો અને એ કરી ન શકતા હો તો લેબોરેટરી બંધ કરી દો’ એવો આગ્રહ રાખવાનું જેટલું અવાસ્તવિક છે, એટલું જ ગેરવાજબી ‘વિકલ્પ આપો અથવા ચૂપ રહો’નું વલણ ગણી શકાય.

વિરોધીઓ એટલે ‘એક ટોળકી’

સરમુખત્યારશાહી સિવાય બીજે ક્યાંય કોઇ પણ પક્ષના બધા લોકો એકમત હોય એવું બને નહીં. એવું જ અભિપ્રાયભેદની બાબતમાં. સોનિયા ગાંધીનો વિરોધ કરનારા કે તેમના પ્રશંસકો, અન્નાનો વિરોધ કરનારા કે તેમના ચાહકો- આ બધા ઉપરછલ્લી રીતે એકજૂથ લાગે, પરંતુ તેમાં અનેક પ્રકાર-પેટાપ્રકાર હોય છે. સમજણ, સૌજન્ય અને સજ્જતાના તફાવત હોય છે. પરંતુ દરેક પક્ષના ચીયરલીડરોને પોતાના વિચારવિરોધીઓની ‘ગેંગ’ કે ‘ટોળકી’ છે એવો પ્રચાર કરવાનું બહુ અનુકૂળ આવે છે. એમ કરવાથી વિરોધના મુદ્દાની ચર્ચામાં ઉતરવાની તસ્દી લેવી પડતી નથી.

ગુજરાતમાં તેના મુખ્ય મંત્રીના પ્રેમી અને ટીકાકારોમાં બહોળું વૈવિઘ્ય જોવા મળે છે. તેમના પ્રેમીઓમાં સત્તા હોય એ બાજુ ઢળનારા, તકસાઘુ, ‘જોયું? સાહેબે મુસ્લિમોને કેવો પાઠ શીખવી દીધો? આપણે આવો મરદ મુખ્ય મંત્રી જોઇએ’ એવું માનનારા, તેમના પ્રચારથી અંજાઇ જનારા, ગુજરાતનો વિકાસ તેમના આવ્યા પછી જ થયો છે એવું ઐતિહાસિક અજ્ઞાન ધરાવનારા, તેમની લોકપ્રિયતાના મોજાંમાં પોતાનાં હોડકાં તરાવવા ઉત્સુક, કટ્ટર હિંદુત્વવાદી, કોંગ્રેસવિરોધી.. એવી જ રીતે મુખ્ય મંત્રીનો વિરોધ કરનારામાં પણ ઘણા પ્રકાર છેઃ માનવ અધિકારના નામે કારકિર્દી બનાવનારા, મુખ્ય મંત્રીની ટીકા કરીને નામ-દામ કમાવા ઉત્સુક, કોંગ્રેસપરસ્ત, ઝાકઝમાળથી અંજાવાને બદલે વાસ્તવિકતા પર નજર રાખનારા, ગુજરાતના ઇતિહાસ અને માહત્મ્યની સરકારી નહીં, પણ સાચી સમજણ ધરાવનારા, શાસકને માથે ચડાવવાને બદલે જમીન પર રાખવો જોઇએ એવું માનનારા...

પરંતુ બને છે એવું કે ઘણી વાર બન્ને પક્ષના કેટલાક લોકો ભાન ભૂલીને અથવા મોટે ભાગે તો બિલકુલ સભાનતાપૂર્વક, બધા ‘વિરોધીઓ’ને એક જ લાકડીએ હાંકવા પ્રયાસ કરે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીના આગળ જણાવેલા તમામ પ્રકારના વિરોધીઓને ગુજરાતવિરોધી, હિંદુવિરોધી, કોંગ્રેસી, બૌદ્ધિક, સેક્યુલર જેવા વિશેષણોથી ઓળખાવી દેવામાં આવે છે. એવું કરવાથી તેમના વિરોધમાં રહેલું અને પીડવાની ક્ષમતા ધરાવતું વાજબીપણું ખંખેરીની નિરાંત અનુભવી શકાય છે.

એ નહીં તો કોણ?

‘ગાંધીજી પછી કોણ?’ અને ‘નેહરુ પછી કોણ?’ એવા સવાલ જાણ્યા છે. પણ થોડા વખતથી એક નવો અહોભાવસૂચક ઉદ્‌ગાર સંભળાઇ રહ્યો છે. ફક્ત નિવાસી જ નહીં, બિનનિવાસી ગુજરાતીઓ પણ મુખ્ય મંત્રીની કેટલીક મુદ્દાની ટીકા કબૂલવાની કે સ્વીકારવાની ભૂમિકાએ આવે, ત્યારે (તેમના મતે) છેલ્લું પત્તું ઉતરે છેઃ ‘તમારી બધી વાત બરાબર, પણ આ નહીં તો બીજો કોણ મુખ્ય મંત્રી બની શકે? છે કોઇ આનાથી વધારે લાયક ઉમેદવાર? બન્ને વિકલ્પ ખરાબ હોય તો આ વિકલ્પ ઓછો ખરાબ નથી?’

બહુમતી બિનનિવાસી ગુજરાતીઓ-ભારતીયોમાં, સ્વેચ્છાએ દેશ છોડ્યા પછી જ ‘દેશપ્રેમ’ કેમ સોડાના ઉભરાની માફક પરપોટાતો હોય છે, તેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ પર છોડીએ અને તેમની તથા ઘણા નિવાસીઓની ‘એ નહીં તો કોણ?’ની દલીલની વાત કરીએ. સૌ પહેલાં તો, રાજકારણ અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે. વડા પ્રધાનો અને મુખ્ય પ્રધાનો તરીકે ક્યારે કોનો નંબર લાગી જશે એ નક્કી કરવાની અને ‘આ જ શ્રેષ્ઠ છે’ એવું માની લેવાની ઉતાવળનો રાજકારણમાં ઝાઝો અર્થ નથી. વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઇ પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારે એ જ હોદ્દા માટે વર્તમાન મુખ્ય મંત્રીનું નામ દૂર દૂર સુધી સંભળાતું ન હતું. તે દિલ્હીના આસમાનમાંથી જ ગુજરાત પર ટપક્યા હતા.

તેમને શ્રેષ્ઠ ગણતા અને ‘તેમનું સ્થાન કોઇ લઇ શકે એમ નથી’ એવી શ્રદ્ધા ધરાવતા લોકોએ, આ વિકલ્પવિહોણી સ્થિતિ સર્જવામાં મુખ્ય મંત્રીનો પોતાનો કેટલો ફાળો છે એ વિશે પણ વિચાર કરવો જોઇએ. સાથોસાથ, દિલ્હીની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તલપાપડ વર્તમાન મુખ્ય મંત્રી કોઇ હોદ્દે કે રાષ્ટ્રિય રાજકારણમાં દિલ્હી જતા રહેશે ત્યારે તેમની જગ્યાએ ગુજરાતમાં કોણ હશે એ સંભાવના પણ વિચારવા જેવી ખરી. પરંતુ તેમના ભક્તોની મુગ્ધતા જોઇને લાગે કે એક જ વ્યક્તિ એક સાથે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી તરીકેના હોદ્દા સંભાળી શકે એવા બંધારણીય સુધારા માટેનું આંદોલન ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. બિનનિવાસી ગુજરાતીઓમાંથી ઘણા તેમાં રાબેતા મુજબની હોંશથી ભાગ લેશે.

ક્રમની રીતે છેલ્લો પણ મહત્ત્વની રીતે સૌથી અગત્યનો મુદ્દોઃ લોકશાહીમાં બે ખરાબ ઉમેદવારોમાંથી એક ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટવાના પ્રસંગની નવાઇ નથી. પરંતુ એવું બને ત્યારે નાગરિકોએ યાદ રાખવાનું છે કે તેમણે શ્રેષ્ઠ નહીં, પણ ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટ્યો છે. આ સત્ય ફક્ત નાગરિકો યાદ રાખે એટલું પૂરતું નથી. તેમણે ચૂંટાયેલા ઉમેદવારને પણ ભાન કરાવતા રહેવું જરૂરી છે કે ‘તમને ચૂંટ્યા કારણ કે તમારો હરીફ તમારાથી પણ ખરાબ હતો. તેના કારણે એવું નહીં માનતા કે અમે તમારી પર વારી ગયા છીએ. તમે આ વખતે સરખું કામ નહીં કરો તો આવતી વખતે અમે એક ખરાબને બદલે બીજા ખરાબને તક આપીશું.’ આ વાત શબ્દોમાં નહીં, વર્તનથી વ્યક્ત કરી શકાય છે.

રાષ્ટ્ર હોય કે રાજ્ય, સત્તાધીશોની ભક્તિમાં સરી પડવાને બદલે કે તેમને તારણહાર માનવાની ભૂમિકામાં આવી જવાને બદલે, તેમની મર્યાદાઓને છાવરીને તેમને વકરાવવાને બદલે, તેમને વઘુ જવાબદાર, વઘુ ઉત્તરદાયી બનાવવા માટે નાગરિકોએ કડક કાળજી રાખવાની જરૂર હોય છે. પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે ‘આ નહીં તો બીજા કોણ?’ની દલીલ કરનારા, ‘ઓછા ખરાબ’ વિકલ્પને શ્રેષ્ઠ અને પછી સર્વેશ્રેષ્ઠ ગણતા થઇ જાય છે. દલીલ ખાતર એ કહી દે છે કે ‘બીજા કોઇ દેખાતા નથી ત્યારે આ સારા છે.’ પરંતુ મનોમન તે પોતે કરેલા સમાધાનને સિદ્ધિ તરીકે જોવા લાગે છે અને વઘુ સારા વિકલ્પના અભાવે આવી ગયેલા ઉમેદવારને તેના આક્રમક પ્રચારની જાળમાં આવીને, દેશ કે પ્રદેશનો ઉદ્ધારક ગણતા થઇ જાય છે.

લોકશાહીમાં નાગરિકોને ઉદ્ધારકની કે તારણહારની નહીં, સૌને સાથે લઇને ચાલી શકે એવા, લોકરંજન-લોકઉશ્કેરણીને બદલે લોકકલ્યાણના માર્ગે ચાલવાની દાનત ધરાવતા શાસકની જરૂર હોય છે. એ માટે નાગરિકોએ ‘ઓછા ખરાબ વિકલ્પ’ અને ‘તારણહાર’ વચ્ચેનો ફરક સમજીને અંકે કરવો રહ્યો.

Thursday, September 22, 2011

‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માનઃ આનંદ અને સંભારણાં

ગામડું એટલે સુંદર, ગામડાના લોકો બહુ ભોળા-સીધાસાદા, દિલના ચોખ્ખા, ખેડૂત એટલે જગતનો તાત- આ અને આવી અનેક ગેરમાન્યતાઓ હિંદી ફિલ્મો, વાર્તાઓ અને બીજાં અનેક કારણોસર લોકોના મનમાં ઘર કરી ગઇ છે. પરંતુ એક વાર ‘રાગ દરબારી’ વાંચ્યા પછી, તેના જ વાક્યમાં કહું તો, ‘અહા, ગ્રામ્યજીવન ભી ક્યા ચીજ હૈ’ એવા ખ્યાલનો ભાંગીને ભૂક્કો- વિઘટન અને ચૂર્ણીકરણ-થઇ જાય. આ ‘વિઘટન અને ચૂર્ણીકરણ’ પણ ‘રાગ દરબારી’/ Raag Darbariમાં વપરાયેલો પ્રયોગ છે. એ શબ્દો હિંદીમાં નવા નથી, પણ વ્યંગકાર શ્રીલાલ શુક્લે એક પાત્રના વ્યક્તિત્વનું ‘વિઘટન અને ચૂર્ણીકરણ’ થયું, એમ લખ્યું ત્યારે મઝા પડી ગઇ.

86 વર્ષના હિંદી વ્યંગકાર-નવલકથાકાર શ્રીલાલ શુક્લને ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ એવું જ્ઞાનપીઠ સન્માન મળ્યું, તેના સમાચાર ગઇ કાલે વાંચ્યા. શ્રીલાલ શુક્લની વ્યંગકૃતિઓ અને નવલકથાઓ જથ્થાબંધ નહીં તો પણ બે આંકડામાં છે. પરંતુ (અમારા માટે) તેમનું રામાયણ કે મહાભારત, ગીતા કે શાસ્ત્રો, જે ગણો તે એમની વ્યંગનવલકથા ‘રાગ દરબારી.’ અમારા- બીરેન અને મારા- જેવા ભારતભરમાં ઘણા લોકો છે, જેમને મન ‘રાગ દરબારી’ એટલે ‘બસ, વાત મૂકી દો.’ પાકા પૂંઠા વચ્ચે મોટા કદનાં 330 પાનાંમાં, 35 પ્રકરણોમાં પથરાયેલી આ કથાની સરખામણી કરવી હોય તો કદાચ, જુદી રીતે ‘ગર્મ હવા’ ફિલ્મ સાથે થઇ શકે.

‘ગર્મ હવા’ વર્ષો પહેલાં જોઇ ત્યારે પણ એવું લાગ્યું હતું કે તેમાં એક પણ ફ્રેમ નકામી નથી. ‘રાગ દરબારી’માં પાને પાને, ફકરે ફકરે અને ઘણી વાર તો વાક્યે વાક્યે થતા વ્યંગવિસ્ફોટ સૂક્ષ્મ છતાં એટલા પ્રચંડ છે કે વાંચનાર વાંચતી વખતે જ નહીં, વાંચ્યાના ઘણા સમય પછી પણ તેને યાદ કરીને મનોમન મલક્યા કરે. અમારા એક ગુરુજન, જૂના ફિલ્મસંગીતના પંડિત નલિન શાહ સાથે પંદર-સત્તર વર્ષ પહેલાં ‘રાગ દરબારી’ વિશે વાત નીકળી. એમને ત્યાં પુસ્તકની પાકા પૂંઠાની નકલ જોઇ (એ વખતે અમારી પાસે તેની પોકેટ બુક આવૃત્તિ હતી), એના વિશે પૂછ્યું એટલે નલિનભાઇ કહે, ‘મારી ટેવ છે. મને ગમતાં વાક્યો નીચે હું અન્ડરલાઇન કરું. આ ચોપડીમાં અન્ડરલાઇન શરૂ કરી, પણ પછી તો એવું લાગ્યું કે વાક્યે વાક્યે અન્ડરલાઇન કરવી પડશે. એટલે પછી રહેવા દીધું.’ એ સાંભળીને અમને એ વાતનો વિશેષ આનંદ થયો કે આવું ફક્ત આપણને જ નહીં, બીજા ઘણાને- નલિનભાઇ જેવાને પણ- લાગે છે. થોડાં વર્ષ ઉપર ‘સહારા સમય’ની એક પૂર્તિમાં- કદાચ શ્રીલાલ શુક્લ વિશેષ પૂર્તિમાં- વાંચ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કે મોટે ભાગે બિહારમાં કેટલાક લોકો ‘રાગ દરબારી’નું જાહેરમાં સામુહિક રીતે પઠન કરતા હતા.

કાતિલ વ્યંગ 330 પાનાં સુધી જાળવી રાખવા અને આઝાદીના બે દાયકા પછીના ભારતની લગભગ દરેક ક્ષેત્રની કડવી વાસ્તવિકતાઓને તેનો રૂપાળો મુખવટો ચીરીને વાંચનાર સામે હસવા હસવામાં રજૂ કરવી એ ‘રાગ દરબારી’ની અનન્ય સિદ્ધિ છે. 1968માં લખાયેલી આ નવલકથા એટલે જ 2011માં પણ ‘જૂની’ લાગતી નથી. ‘રાગ દરબારી’ પહેલી વાર વાંચ્યાના વર્ષો પછી મારું હાસ્યવ્યંગ લેખન શરૂ થયું અને ત્રણ વર્ષ પહેલાં મારો હાસ્યલેખ સંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ પ્રકાશિત થયો ત્યારે એ સંગ્રહની અર્પણનોંધ આ પ્રમાણે હતીઃ ‘મારી હાસ્યવૃત્તિના રસાયણમાં ભળેલાં બે પુસ્તકો ‘રાગ દરબારી’ (લેખકઃ શ્રીલાલ શુક્લ) અને ‘વિનોદની નજરે’ (લેખકઃ વિનોદ ભટ્ટ)ને’.
***

‘રાગ દરબારી’ અને તેના લેખક શ્રીલાલ શુક્લ સાથે અમારો પરિચય અને 1997માં લખનૌ જઇને શ્રીલાલ શુક્લ સાથે કરેલી મુલાકાતની થોડી વાત બીરેને તેના બ્લોગમાં લખી છે. http://birenkothari.blogspot.com/2011/09/blog-post_22.html

કોઇ પણ જાતની અપોઇન્ટમેન્ટ વગર, અરે ફોનનંબર પણ લખનૌ જઇને શોધવો પડે એવા સંજોગોમાં, અમે તેમને કેવી રીતે મળ્યા તેની રસિક વિગતો બીરેનના બ્લોગ પર છે. એ મુલાકાતની વિસ્તૃત નોંધ ફરી ક્યારેક આપીશ, પણ અત્યારે શુક્લજી સાથે થયેલી ‘રાગ દરબારી’ વિશેની થોડી વાતો, જ્ઞાનપીઠનો હરખ કરવાના પ્રસંગે, ટાંકું છું.


(Shrilal Shukla in conversation with Urvish Kothari, 3 August, 1997, Lucknow)

- ‘હાઇ કોર્ટમાં એક સમારંભ હતો. તેમાં મને બોલાવ્યો હતો. એ પ્રસંગે મારી ઓળખાણ આપતાં એક ન્યાયાધીશે કહ્યું, આમને તો હું (‘રાગ દરબારીના’) એક જ વાક્યથી ઓળખું છું- ‘હિંદુ ધર્મમેં પુનર્જન્મકે સિદ્ધાંતકી ઇજાદ દીવાની અદાલતમેં હુઇ હોગી.’

- ‘મારું વતન અત્રોલી (કે અત્રાલી) નામનું ગામ છે. ત્યાં હું બહુ રહ્યો નથી, પણ સંપર્ક ખરા. ત્યાં મારી જમીન-ખેતી પણ હતાં, જે થોડા વખત પહેલાં જ કાઢી નાખ્યાં. નોકરીમાં પહેલાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને પછી બીજી સરકારી સેવાઓમાં ગામડાના લોકો સાથે સીધા સંપર્કમાં આવવાનું થતું હતું. આઝાદી પછીનાં દસ-પંદર વર્ષ સુધી અધિકારીઓનું વલણ થોડું સારું હતું. બધાને કંઇક કરી બતાવવાની તમન્ના હતી. આઝાદીનો પ્રભાવ તાજો હતો. નવા આઇએએસ અફસરો જૂના આઇસીએસ કરતાં વધારે સારું કામ કરી દેખાડવા ઇચ્છતા હતા. ગામડાંના વિકાસ સાથે સંકળાયેલા અફસરોને વર્ષે 50-60 દિવસ ગામડે જવાનું થતું., એ રીતે મારે બહુ લોકોના સંપર્કમાં આવવાનું થયું...જોકે, ‘રાગ દરબારી’નું એક પણ પાત્ર મેં કોઇ એક વ્યક્તિ પરથી સીધેસીધું લીધેલું નથી. વૈદ્ય મહારાજ જેવો કોઇ માણસ હતો કે કેમ, એ યાદ કરવાનો મેં બહુ પ્રયાસ કરી જોયો. પણ એવો કોઇ માણસ યાદ આવ્યો નહીં. ચાર-પાંચ લોકોની ખૂબી એમનામાં ભેગી કરી હોય એવું બને.’

- ‘પહેલાં મેં ‘રાગ દરબારી’માં સળંગ નવલકથાને બદલે એક જ રંગની અલગ અલગ વાર્તાઓના કોલાજ તરીકે મુકવાનું વિચાર્યું હતું, પણ પછી પાત્રો મારા કાબૂમાંથી છટકતાં ગયાં.’

- ‘રાગ દરબારી'ના બીજી ભાષાઓમાં થયેલા અનુવાદ વિશેઃ ‘અંગ્રેજીવાળી છોકરીએ ઠીક ઠીક પ્રયત્ન કર્યો. એ અહીં બી.બી.સી.માં હતી. માર્ક ટલી જોડે એણે કામ કરેલું. પણ પુસ્તકમાં ભાષાની જે મઝા હતી એ રીપ્રોડ્યુસ કરવી બહુ મુશ્કેલ-લગભગ અશક્ય છે. અનુવાદકો તેના ઇક્વીવેલેન્ટ- બરાબરીયા શબ્દો મૂકવાનો પ્રયાસ કરે, પણ તમે હિંદી વાંચ્યું હોય તો તેમને રજાય મઝા આવે નહીં. આ તો જે હિંદી વાંચી શકતા નથી એમને અંગ્રેજી વાંચીને એનો આભાસ મળી શકે...આમ પણ અનુવાદો અસલિયતથી ઘણા દૂર હોય છે. મારો એક મિત્ર રશિયન અને ફ્રેન્ચ ભાષા વાંચી શકે છે. એ કહે છે કે આ સાહિત્યના અંગ્રેજી અનુવાદોમાં મૂળ ફ્લેવર બહુ ઓછી છે.’
***
‘રાગ દરબારી’ પરથી ટીવી સિરીયલ બની હતી અને ફિલ્મ બનાવવાની દરખાસ્ત પણ એમ.એસ.સથ્યુ જેવાએ મૂકી હતી. એની ‘વધુ રસિક’ કથાઓ નજીકના ભવિષ્યમાં લખવાની ખાતરી સાથે, અત્યારે તો શ્રીલાલ શુક્લને અને જ્ઞાનપીઠને હાર્દિક અભિનંદન.

Tuesday, September 20, 2011

સારી યાદશક્તિ નાગરિકધર્મનો હિસ્સો છે?

માણસમાં ભૂલવાની ક્ષમતા ન હોત તો તેની જિંદગી ઝેર બની જાત, એવું ઘણા શાયરો અને ફિલસૂફોએ કહ્યું છે. તેમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે પ્રજાની યાદશક્તિ સારી હોય તો મોટા ભાગના રાજકારણીઓને કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાઇ જાય. ગોરખધધામાં કે ગુનામાં સીધી- આડકતરી સંડોવણીનો આરોપ ધરાવતા તમામ નેતાઓ દૃઢતાથી માને છે કે ‘બસ, થોડો સમય વીતી જવા દો. પ્રજા બઘું ભૂલી જશે.’

દુઃખની વાત એ છે કે નેતાઓની માન્યતા મોટે ભાગે સાચી પડે છે. પ્રજાને ઢંઢોળીને જાગ્રત રાખવાનું કામ ધરાવતાં પ્રસાર માઘ્યમોમાં એક સમાચાર કે કૌભાંડ ત્યાં લગી જ ચમકે છે, જ્યાં લગી તેનું સ્થાન લેવા માટે બીજું કૌભાંડ કે ‘બડી ખબર’ ન આવે. ટીવી ચેનલો મહત્ત્વના મુદ્દાને ફક્ત ભૂલી જઇને જ નહીં, તેમાં તમતમતો મસાલો ભભરાવીને ચોવીસે કલાક માથે મારીને પણ તેમની ગંભીરતા ખતમ કરી શકે છે.

રીઢા રાજકારણીઓ એટલે જ પ્રસાર માઘ્યમોમાં થતી નકારાત્મક પ્રસિદ્ધિથી ગભરાવાને બદલે મોટે ભાગે હરખાતા થયા છે. તેમને મુખ્યત્વે બે વાતે ધરપત હોય છેઃ ૧) લોકોની યાદશક્તિ કેટલી? કાલે બીજું કંઇક બનશે એટલે આપણે છૂટ્ટા. ૨) એ બહાને છાપામાં-ચેનલો પર ચગવાથી-ચર્ચા થવાથી આપણું નામ મોટું થશે. તેનું મહત્ત્વ વધશે. મોટા ભાગના લોકોને થોડા સમય પછી, અમુક નામ બહુ જાણીતું બન્યું હતું- ચર્ચાયું હતું એટલું જ યાદ રહે છે. તેના બાકીના સંદર્ભો ભૂંસાઇ જાય છે અથવા ગૌણ બની જાય છે.

જરા યાદ ઇન્હેં ભી કર લો

અગત્યના, સળગતા, જવાબદાર હોદ્દેદારનો ભોગ લઇને જ જંપે એવા મનાતા અસંખ્ય મુદ્દા કોઇના આયોજનથી, કાવતરાના ભાગ તરીકે, સંયોગોવશાત્‌, અકસ્માતે કે માત્ર ને માત્ર નબળી યાદશક્તિને કારણે કેવા ઠરી જાય છે-દફન થઇ જાય છે, તેનો નાગરિક તરીકે આપણને બહોળો અનુભવ છે.

નજીકના ભૂતકાળની વાત કરીએ તો, અન્ના હજારેના ઉપવાસનો બીજો દૌર શરૂ થયો એ વખતે દિલ્હીની શીલા દીક્ષિત સરકાર કોમનવેલ્થ કૌભાંડમાં સંડોવણીના મુદ્દે બરાબર સકંજામાં આવી હતી. એકથી વઘુ અહેવાલોમાં કેટલાક પ્રધાનો ઉપરાંત ખુદ શીલા દીક્ષિત સામે આંગળી ચીંધાઇ હતી. કોમનવેલ્થ કૌભાંડમાં ફક્ત સુરેશ કલમાડી જ લાભાર્થી નથી એ સત્ય સૌને સમજાવા લાગ્યું હતું. વિદેશ ગયેલાં સોનિયા ગાંધી જેવો મજબૂત આધાર હોવા છતાં, દબાણ એ હદે વધી રહ્યું હતું કે જો એ વઘુ સમય ચાલુ રહ્યું હોત તો શીલા દીક્ષિતની ખુરશી જોખમમાં હતી.

પછી અન્નાના ઉપવાસ શરૂ થયા અને શીલા દીક્ષિત ભૂલાઇ ગયાં. ઉપવાસના નાટકીય ઘટનાક્રમ પછી થયેલા સમાધાનમાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે મહત્ત્વની ભૂમિકા ભજવી. ઉપવાસ પૂરા થયા, પણ શીલા દીક્ષિત સામેનો વિરોધ હવે તેની ધાર ગુમાવી ચૂક્યો છે. દિલ્હીમાં ભાજપી નેતાઓ વિધાનો કરે છે, પણ તેમાં અસર કરતાં ઔપચારિકતા વધારે જણાય છે.

શહીદ થયેલા લશ્કરી જવાનો માટે તૈયાર કરાયેલા ફ્‌લેટ બારોબાર ફાળવી દેવાનું ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ એકથી વઘુ કોંગ્રેસી નેતાઓ અને લશ્કરી અફસરોની શરમજનક સંડોવણી ધરાવતું હતું. તેની વિગતો બહાર આવી ત્યારે બહુ ગાજી. પછી મામલો એટલી હદે થાળે પડી ગયો કે ‘આદર્શના આરોપીઓ’ની યાદીમાં નામ ધરાવતા વિલાસરાવ દેશમુખે અન્ના હજારેના ‘ભ્રષ્ટાચારવિરોધી’ ઉપવાસનો અંત આણવામાં ચાવીરૂપ વ્યક્તિ બન્યા. સરકારી પ્રતિનિધિ તરીકે તેમણે અન્ના સાથે સંવાદ સાઘ્યો. એટલું જ નહીં, ઉપવાસ-સમાપ્તિની ઘોષણા વખતે - અને બીજા દિવસે અખબારોના પહેલા પાને છપાયેલી તસવીરોમાં- વિલાસરાવ ‘ટીમ અન્ના’ની સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા.

- અને નીરા રાડિયા? નામ ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? તેમની સાથે સંપર્કથી માંડીને સાંઠગાંઠ ધરાવતાં નામોની યાદીનો એક અંશ બહાર પડ્યો તેમાં કોર્પોરેટ જગત-રાજકારણ અને મીડિયા જગત ઉપરતળે થઇ ગયું હતું. બરખા દત્ત અને વીર સંઘવી જેવા મીડિયા મહારથીઓને ખુલાસા આપવાનો- અને એમના ખુલાસા ઘણા લોકોને સ્વીકાર્ય ન લાગે એવો- દિવસ આવ્યો હતો. પછી શું થયું? કંઇ નહીં. ભવિષ્યમાં કોઇ સરકાર કે નેતાને પોતાનું હિત જોખમાતું લાગશે ત્યારે એ અનુકૂળતા પ્રમાણે આ કૌભાંડની યાદ તાજી કરીને તેમાંથી પોતાનો સ્વાર્થ સાધી લેશે. બાકી સચ્ચાઇની શોધ કેવી, ન્યાય કેવો ને વાત કેવી?

શરદ પવાર જેવા, ભ્રષ્ટાચારના આરોપના મામલે ‘વરિષ્ઠ’ કહેવાય એવા નેતાને હજુ સુધી તકલીફ પડવાનું તો દૂર રહ્યું, ભ્રષ્ટાચારની વઘુ ને વઘુ તક ઊભી થાય એવા હોદ્દા મળી રહ્યા છે. તેમની સામે જેહાદ જગાડનાર ખૈરનારને અત્યારે ખૂણેખાંચરે શોધવા પડે, પણ શરદ પવાર કેન્દ્રિય પ્રધાનમંડળમાં અને બીસીસીઆઇ જેવી મોકાની જગ્યાએ, ભ્રષ્ટાચારશિરોમણીના જાહેર ખાનગી આરોપો સહિત, ઝળહળી રહ્યા છે.

થોડી જૂની વાત કરીએ તો, ચીમનભાઇ પટેલ કે ઇન્દિરા ગાંધી જેવાં નેતાઓના કિસ્સામાં, આગળ જણાવેલાં પરિબળો ઉપરાંત પાયા વગરનો આશાવાદ અને વિકલ્પોના અભાવ જેવા મુદ્દા પણ ભાગ ભજવી ગયાં હશે. તેના પરિણામે, જેમને પ્રજાએ લગભગ હાંકી કાઢ્‌યા હોય એ જ નેતાઓને ઉદ્ધારક તરીકે અપનાવવામાં ઘણા લોકોને કશો વિરોધાભાસ લાગતો નથી. દરેક માણસની જેમ નેતાઓને સુધરવાનો અધિકાર હોય જ. એનો ઇન્કાર નથી. પરંતુ તેમના વલણમાં રતિભાર સુધારો ન થયો હોવા છતાં, કેવળ સમય પસાર થઇ ગયા પછી, એ નેતાઓને પુનઃ મળતી લોકસ્વીકૃતિ આંચકાજનક હોય છે.

દાયકાઓ પહેલાં સમાજમાં અને રાજકારણમાં પ્રતિષ્ઠાની બોલબાલા હતી. નકારાત્મક પ્રસિદ્ધિ ખરેખર ખરાબ અસર પાડી શકતી હતી અને કોઇની કારકિર્દી ખતમ પણ કરી શકતી હતી. ‘બદનામીમેં ભી નામ હોતા હૈ’નું સૂત્ર બ્રહ્મવાક્ય બન્યું ન હતું. એક જ દિવસ છાપામાં ખરાબ છપાય તેનાથી નેતાઓ કે જાહેર જીવનમાં પડેલા લોકો ખળભળી ઉઠતા હતા. પરંતુ શરમ ગઇ એટલે પોતાની સાથે બધાં મૂલ્યોને લેતી ગઇ. હર્ષદ મહેતા-કેતન પારેખ હોય કે ભ્રષ્ટાચારી અફસરો-નેતાઓ, કૌભાંડક્ષમતા લગભગ તેમની આવડત અને લાયકાત ગણાવા લાગી. હર્ષદ મહેતાના જેલવાસ વખતે જેલમાંથી તેમણે માતાને લખેલા પત્રો પ્રગટ કરવામાં પ્રસાર માઘ્યમો ધન્યતા અનુભવતાં હતાં- કેમ જાણે ગાંધી-સરદારે જેલમાંથી લખેલા પત્રોનો ખજાનો હાથ લાગ્યો હોય.

સફળતાની શતરંજ

પ્રચારવિદ્યામાં પાવરધા ‘ગોબેલ્સના એકલવ્યો’ (તમારા મનમાં કોનું નામ આવ્યું?) ઘણી વાર સમય વીતવા દેવાની પણ રાહ જોતા નથી. એ માટેની ધીરજ ન હોય, રાહ જોવી પોસાય એમ ન હોય અથવા લોકોની નાડ પારખવાનો આત્મવિશ્વાસ હોય ત્યારે એવા નેતાઓ જાતે જ બીજા ‘મોટા સમાચાર’ ઊભા કરે છે. તેનાથી લોકોનું અને પ્રસાર માઘ્યમોનું ઘ્યાન અસલી મુદ્દો છોડીને નવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરફ ફંટાય છે. તેની તરફેણ અને વિરોધનો સિલસિલો શરૂ થઇ જાય છે અને અગાઉના મુદ્દાનો ‘ધી એન્ડ’. બસ, એટલું થઇ જાય એટલે નેતાઓ ગંગા નાહ્યા અને નાગરિકોએ ન્યાય-સચ્ચાઇના નામનું નાહી નાખવાનું.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વકરેલો ઉપવાસનો માનસિક રોગચાળો આ ‘સિદ્ધાંત’ને અમલમાં મૂકાતો જોવાનો ઉત્તમ મોકો છે. આ તરકીબ અપનાવનારા દૃઢપણે એવું માને છે કે તેમને સાંભળનારા- તેમની પ્રચારજાળમાં લપેટાયેલામાંથી બહુમતીને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. તેમની આંખે પટ્ટી બાંધીને તેમની પોતાની નહીં, પણ સત્તાધીશની કલ્પના પ્રમાણેની સૃષ્ટિમાં વર્ચ્યુઅલ વિહાર કરાવી શકાય છે.

ઉપવાસ-ચાળો ફાટી નીકળ્યો ત્યાર પહેલાંના ગુજરાતમાં કયા મુદ્દા સૌથી વઘુ ચર્ચાસ્પદ બન્યા હતા? યાદશક્તિને બહુ જોર આપવાની જરૂર નથી. હજુ અઠવાડિયા-બે અઠવાડિયા પહેલાંની જ વાત છે. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકના પ્રશ્ને રાજ્યપાલ વિરુદ્ધ મુખ્ય મંત્રીની ટક્કર થઇ હતી. ભ્રષ્ટાચારના મુદ્દે અન્ના હજારેના આંદોલનને સમર્થન આપનાર ગુજરાતના મુખ્ય મંત્રી પોતાની પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ લોકાયુક્ત દ્વારા ન થાય, તેના માટે સોગઠાબાજી ખેલી રહ્યા હતા. જે મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા તેની તપાસ માટે સરકારી તપાસપંચ નીમાઇ જાય, તો આપોઆપ એ મુદ્દા લોકાયુક્તના તપાસક્ષેત્રમાંથી બહાર નીકળી જાય. આ જોગવાઇનો ઉપયોગ કરી લેવાની મુખ્ય મંત્રીની આતુરતા દેખાઇ આવતી હતી. ત્યાં સુધી કાયદો-બંધારણ-રાજકારણની બૂમો પડી નહીં.

રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ કરીને તત્કાળ લોકાયુક્તની નિમણૂંક કરી કે તરત ‘આ તે રાજભવન કે કોંગ્રેસભવન?’ની નારાબાજી શરૂ થઇ ગઇ. મુખ્ય મંત્રીના સમર્થકોમાંથી ઘણા એ વખતે સ્વીકારતા હતા કે તે પોતાના દાવા પ્રમાણે સ્વચ્છ હોય તો પછી લોકાયુક્તની તપાસથી તેમણે શા માટે ડરવું જોઇએ? ‘હું ગુનેગાર હોઉં તો મને ફાંસી આપજો’ એવા ટંકાર કરનારા મુખ્ય મંત્રી આરોપોની તટસ્થ તપાસની વાત આવતાં વિચલિત થઇ ગયા, એ હકીકતની નોંધ તેમના સમર્થકોએ પણ લીધી. મામલો છેવટે હાઇ કોર્ટમાં ગયો, જ્યાં તેની પર ફેંસલો થશે.

આમ એક આફત ગૂંચવાડો ઊભો કરીને હાલ પૂરતી પાછી ઠેલવામાં આવી. ત્યાં સર્વોચ્ચ અદાલતે ગુલબર્ગ સોસાયટીના કેસમાં મુખ્ય મંત્રીની સંડોવણી વિશે કંઇ કહેવાને બદલે, એ કામ કાનૂની પ્રક્રિયા મુજબ નીચલી અદાલત પર છોડ્યું. સાથે એ સ્પષ્ટતા પણ કરી કે નીચલી અદાલતના ફેંસલા સામે ઉપલી અદાલતમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. તેમ છતાં, મુખ્ય મંત્રીએ આ હકીકતને ગોળગોળ શબ્દોમાં અને આક્રમક પ્રચાર દ્વારા પોતાને મળેલી ‘ક્લિનચીટ’ તરીકે ઓળખાવી, જે હકીકતમાં ‘ક્લિન ચીટિંગ’(ચોખ્ખી છેતરપીંડી)નો નમૂનો ગણાય. સર્વોચ્ચ અદાલતે જાણે તેમને નિર્દોષ છોડી દીધા હોય અને હવે નવેસરથી શરૂઆત કરવાની હોય તેમ, એમણે સદ્‌ભાવના ઉપવાસની જાહેરાત કરી દીધી અને અમેરિકાની સંસદ સમક્ષ અહેવાલ રજૂ કરતી એક સમિતિના અહેવાલના આધારે વડાપ્રધાનપદ માટેનો પોતાનો દાવો ચર્ચાના કેન્દ્રસ્થાને મૂકી દીધો.

હવે લોકો લોકાયુક્તના મુદ્દે મુખ્ય મંત્રીના ઠાગાઠૈયા ભૂલી જાય, સર્વોચ્ચ અદાલતના આદેશના સદંતર ગેરમાર્ગે દોરનારા અર્થઘટનને બદલે તેના પગલે કરાયેલા ઉપવાસની, તેમાં થયેલા ખર્ચની ને તેની સફળતા-નિષ્ફળતાની ચર્ચામાં પડી જાય, એટલે મુખ્ય મંત્રીના ઉપવાસ સફળ!

Sunday, September 18, 2011

ગાંધીટોપીઃ મારોય એક જમાનો હતો...

Mahatma Gandhi in Gandhi Cap/ ગાંધી ટોપી પહેરેલા ગાંધીજી

અન્ના હજારેના જનલોકપાલ આંદોલનથી ‘ગાંધીટોપી’નું વેચાણ વધ્યું હોવાના અહેવાલ આવ્યા હતા. અન્ના પહેરે છે તેને ‘ગાંધીટોપી’ કહેવાય કે કેમ, એની ચર્ચાનો અર્થ નથી. માહિતી ખાતર એટલું જાણી રાખવું જોઇએ કે મહારાષ્ટ્રમાં એવી ટોપી પહેરવાની રીત જૂની છે- અને તેને ગાંધીવાદી હોવા સાથે કશી લેવાદેવા નથી. (ગાંધીટોપી જેવી લાગતી મહારાષ્ટ્રી ટોપી પહેરેલા વી.શાંતારામનો ફોટો ફિલ્મરસિકોને યાદ હશે.) મહારાષ્ટ્રી ટોપી અને ગાંધીટોપી વચ્ચે કોઇ બાહ્ય તફાવત નથી. ફરક હોય તો એ ભાવનાનો છે – અને એ મોટો છે અને એ રીતે જોતાં, ગાંધીટોપી પહેરેલા રાહુલ ગાંધી અને ગાંધીટોપી પહેરેલા અરુણ ગવળીને જોઇને, જુદાં જુદાં કારણસર, પણ એકસરખી માત્રામાં રમૂજ થાય છે.

સ્વરાજની લડતનો બિનસત્તાવાર ગણવેશ બનેલી ગાંધીટોપી ગાંધીજીએ ક્યારે અપનાવી હશે, તેની ચોક્કસ તારીખ મળતી નથી. પણ જાન્યુઆરી, 1915માં ભારત પાછા ફરેલા ગાંધીજીએ દેશના લોકોનાં ગરીબી અને અભાવ જોયા પછી, 27 ઓક્ટોબર, 1921થી ટૂંકી પોતડી અને ઉપરના ભાગમાં કેવળ ખાદીની ચાદરનો પહેરવેશ અપનાવ્યો. ત્યાર પહેલાં રેંટિયો શોધતા ગાંધીજીને, 1917ના અંતમાં ગંગાબહેન મજુમદારે ગાયકવાડી શાસનના ગામ વીજાપુર (મહેસાણા)માંથી રેંટિયો શીધી આપ્યો. તેમાંથી કાંતણ અને ખાદીનો યુગ શરૂ થયો. ભારત આવ્યા પછી તરતના અરસામાં ગાંધીજીના માથે જોવા મળતા ફેંટાનું સ્થાન ત્યાર પછી ખાદીની ટોપીએ લીધું હોય, તો ગાંધીજીએ ખાદીની ટોપી માંડ ત્રણ-સાડા ત્રણ વર્ષ પહેરી હશે. પરંતુ 1921માં શરૂ થયેલી (અને ટોચ પર પહોંચ્યા પછી ચૌરીચૌરા હત્યાકાંડને કારણે મોકૂફ રહેલી) ચળવળ વખતે ‘ગાંધીટોપી’ દેશદાઝ-ફનાગીરી અને ગુલામી સામે માથું ઊંચું કરવાનું પ્રતીક બની.

અસહકારના આંદોલન વખતે અંગ્રેજ સરકારને ‘ગાંધીટોપી’માં બગાવતની ચિનગારી દેખાઇ. ભડકેલા અફસરોએ મનસ્વી રીતે ગાંધીટોપી સામે સરકારી હુકમો કાઢ્યા. અલાહાબાદના જિલ્લા કલેક્ટરે એક નોટિસ દ્વારા ‘સરકારી નોકરોએ ગાંધીટોપી પહેરવી નહીં’ એવો આદેશ કાઢ્યો. તેના પ્રતિભાવમાં ગાંધીજીએ લખ્યું, ‘હું દરેક સરકારી કર્મચારીને સલાહ આપું છું કે તે આ સુંદર હલકી ટોપી પહેરે. એમાં કોઇ ગુનો થતો નથી.’ (18-5-1921) અન્ય પ્રસંગે તેમણે કહ્યું, ‘જો ખાદીની ટોપી પહેરવી એ ગુનો થતો હોય તો એ ગુનો કરીને નોકરીમાંથી મુક્ત થવું એ જ યોગ્ય ગણાય...શું પ્રજામાં આટલું બળ પણ નથી આવ્યું કે પોતાની ઇચ્છામાં આવે તેવાં કપડાં પહેરવાની સ્વતંત્રતા પણ ન બતાવી શકે? મારી તો ઉમેદ છે કે પ્રજા, નોકરવર્ગ ને બીજો બધો વર્ગ ખાદીની ખાનદાની સમજીને ખાદીની ટોપી વગેરેનો ઉપયોગ કરશે જ.’ (22-5-1921)

બંગાળના કોમિલ્લા પ્રાંતના બ્રાહ્મણબારિયા જિલ્લાના મેજિસ્ટ્રેટ એલિસે 16 મે, 192ના રોજ કાયદાની ધમકી બતાવીને જાહેર કર્યું કે ‘જેને ગાંધીટોપી કહેવામાં આવે છે તે પહેરવી એ હિંદી ફોજદારી કાયદાની 228મી કલમ પ્રમાણે ગુનો થાય છે એવું સરકારે નક્કી કર્યું છે.’ આ ‘કાયદા’નો ભંગ કરવા બદલ એક સ્વયંસેવકને રૂ.10નો દંડ થયો. એ ચૂકવવાનો ઇન્કાર કરતાં તેને દસ દિવસની જેલ થઇ ત્યારે બેરિસ્ટર ગાંધીએ પોતાના લખાણમાં 228મી કલમનો ખુલાસો કરીને કહ્યું કે સરકારે જે સત્તા આપી નથી, તે મેજિસ્ટ્રેટે ધારણ કરી લીધી છે. ખાદીની ટોપી પહેરવાનો ‘ગુનો’ કરીને જેલમાં જનાર સ્વયંસેવકને તેમણે અભિનંદન આપ્યાં. (1 ડિસેમ્બર, 1921)

વીજાપુરની અદાલતમાં એક વકીલ કૌજલગી ધોળી ટોપી પહેરીને અંદર ગયા. ન્યાયાધીશે તેમને ટોપી ઉતારવાનો હુકમ કર્યો. વકીલે ના પાડતાં તેમને રૂ.200નો દંડ કરીને એક કલાક માટે અદાલતની બહાર મોકલવામાં આવ્યા. કલાક પૂરો થતાં વકીલ ફરી ટોપી સાથે જ અદાલતમાં આવ્યા. ફરી તેમને રૂ.200નો દંડ થયો અને તેમનો કેસ બીજા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યો. નવ દાયકા પહેલાં રૂ.200નું મૂલ્ય વિચારતાં દંડનું આકરાપણું અને વકીલની ખુદ્દારી બરાબર સમજી શકાશે. અંગ્રેજ સરકારના પગલે કેટલાંક દેશી રજવાડાં પણ ગાંધી ટોપીના વિરોધમાં ભળ્યાં. ગ્વાલિયર રાજ્યે 9 માર્ચ, 1922ના રોજ એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે ‘આજકાલ એક વિશિષ્ટ પ્રકારની ખાદી ટોપીનો ઉપયોગ થવા લાગ્યો છે. તેનો ઘાટ હોડી જેવો છે અને તેની બન્ને બાજુઓ વાળી દઇ શકાય છે. હકીકત એ છે કે આવી ટોપી કપડું બચાવવા માટે વપરાતી નથી. એ તો અમુક રાજકીય પક્ષનું ચિહ્ન બની ગઇ છે અને અમુક પ્રકારના વિચારો સાથે એનો સંબંધ એટલો નિકટનો બની ગયો છે કે જે લોકો આ ટોપી પહેરે છે તેઓ એ વિચાર ધરાવે છે એમ જ મનાય છે. આ કારણોને લીધે આવી ટોપીએ પહેરવી અયોગ્ય છે. આ (પ્રતિબંધ)માં ખાદીની કે બીજા કોઇની કાપડની બનેલી બીજા કોઇ ઘાટની ટોપીનો સમાવેશ થતો નથી.’

સરકારોની સાથે કેટલીક અંગ્રેજ કંપનીઓએ પણ ટોપીનો વિરોધ શરૂ કર્યો. ‘શો વોલેસ’ અને ‘બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન’ જેવી કંપનીઓએ પણ પોતપોતાના એક-એક કર્મચારીને ગાંધીટોપી પહેરવાના ગુનાસર બરતરફ કર્યા. એ બનાવ ગાંધીજીની જાણમાં આવતાં તેમણએ લખ્યું, ‘રાવણ રાજ્યમાં વિષ્ણુની છબી પોતાના ઘરમાં કોઇ રાખે તે ગુનો ગણાતો હતો. આ રાવણ રાજ્યમાં ધોળી ટોપી પહેરવી, અદાલતોમાં ન જવું, દારુ ન પીવો, પરદેશી કપડાં ન પહેરવાં, રેંટિયો ચલાવવો એ ગુનો ગણાય તો નવાઇ નહીં. આપણે બધા એ ગુનો કરતાં થઇ જઇએ ત્યારે જ સ્વરાજ છે.’ (28-7-1921)

દેશભરમાં સ્વરાજના આંદોલન સાથે સંકળાઇ ગયેલી ગાંધીટોપી ગાંધીજીને કેવી રીતે મળી? કાકાસાહેબ કાલેલકરે ગાંધીજીને આવો સવાલ પૂછ્યો ત્યારે ગાંધીજીએ ભારતના જુદા જુદા ભાગોમાં જોવા મળતી પાઘડીઓ, ટોપી, ફેંટાનું વિશ્લેષણ કરીને કહ્યું હતું કે ‘મને કાશ્મીરી ટોપી સારી લાગી. એ સરસ છે ને હલકી છે. તેને બનાવવામાં કશી મુશ્કેલી નથી અને તેની ગડી થઇ શકે છે. એટલે આપણે તેને વાળીને ખિસ્સામાં મૂકી શકીએ અથવા દબાવીને પેટીમાં પણ મૂકી શકીએ. કાશ્મીરી ટોપી ઊનની હોય છે. પણ મેં નક્કી કર્યું કે તે સુતરાઉ કાપડની બનવી જોઇએ. પછી વિચાર કર્યો રંગનો. કયો રંગ માથે શોભશે? એકે રંગ ગમ્યો નહીં. આખરે નિર્ણય કર્યો કે સફેદ રંગ સૌથી સારો છે. તેના પર પરસેવો પણ જલદી દેખાઇ આવે છે એટલે તેને ધોવી પડે છે. વળી ધોવામાં કશી મુશ્કેલી નથી. ગડીવાળી ને સફેદ હોવાથી માણસ સુઘડ દેખાય છે. આ બધો વિચાર કરી મેં આ ટોપી બનાવી.’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)

આઝાદી મળ્યા પછી ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પહેલા અધ્યક્ષ બન્યા, ત્યારે અધ્યક્ષે કાર્યવાહી વખતે પહેરવી પડતી વિગની પરંપરા તેમણે ફગાવી અને માથે ગાંધીટોપી ધારણ કરીને અધ્યક્ષપદ સંભાળ્યું. (‘ઇન્ડિયાઃ ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર’, દુર્ગા દાસ) ફિલ્મ અભિનેતાઓને ઝાંખા પાડી દે એવાં પ્રભાવ-લોકપ્રિયતા ધરાવતા જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વની ગાંધીટોપી વિના કલ્પના થઇ ન શકે, એ હદે તેમણે પહેરવેશમાં ગાંધીટોપીને અપનાવી હતી. છેક 2011માં લોકોને, ભલે જુદાં કારણસર, પણ આંદોલિત કરી શકે એવું ગાંધીટોપીનું પ્રતીક આપનાર ગાંધીજી, પ્રતીકોનું મહત્ત્વ સમજતા, પણ તેમના પ્રેમમાં પડી જતા ન હતા. અસહકાર આંદોલન વખતે તેમણે કહ્યું હતું, ‘ધોળી ટોપી પહેરવી એ કોઇ પણ રીતે અસહકારનું લક્ષણ ચે એ વાતનું હું ઇનકાર કરું છું. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેમને અસહકાર ગમતો નથી અને તેમ છતાં એક સગવડ તરીકે અને સ્વદેશીના પ્રતિકરૂપે એમણે સફેદ ખાદીની ટોપી પહેરવાનું શરૂ કર્યું.' (11-8-1921)

પાછલાં વર્ષોમાં ગાંધીજી પોતે ગાંધીટોપીને બદલે ‘સોલા હેટ’ના પ્રેમી બન્યા હતા. (એ હેટમાં તેમની તસવીરો જોવા મળે છે.) તેમણે કાકા કાલેલકરને કહ્યું હતું, ‘ખરૂં જોતાં આપણા દેશની આબોહવાની દૃષ્ટિએ મને સોલા હેટ ગમે છે. તે માથું, આંખો અને ગરદનનું તાપથી રક્ષણ કરે છે. લાકડાના ભૂકાની બનેલી હોવાથી તે હલકી ને ઠંડી હોય છે. વળી એમાંથી માથાને થોડી હવા પણ મળી શકે છે. આજે હું તેનો પ્રચાર નથી કરતો તેનું કારણ એ છે કે તેનો આકાર આપણા પોશાક સાથે મેળ નથી ખાતો અને યુરોપિયન ઢબની હોવાથી સામાન્ય લોકો તેને અપનાવે પણ નહીં. જો આપણા કારીગરો એ વિલાયતીટોપીના ગુણ કાયમ રાખીને તેનો આકાર આપણા પોશાક સાથે મેળ ખાય તેવો બનાવી શકે તો તેમનો મોટો ઉપકાર થાય.’

ગાંધીટોપીના સગવડિયા ઉપયોગને લીધે તેની લોકપ્રિયતા-લોકસ્વીકૃતિમાં ચડાવઉતાર આવતા રહ્યા. 1956-60ના મહાગુજરાત આંદોલન વખતે આ જ ગાંધીટોપી કોંગ્રેસ સાથે સંકળાઇને એટલી હદે અળખામણી બની કે અમદાવાદમાં આંદોલનકારીઓ ઘણા લોકોના માથેથી ગાંધીટોપી ઉતરાવતા હતા. રાજકીય પક્ષોમાં કોંગ્રેસે ગાંધીટોપી સાથે ખપ પૂરતો નાતો જાળવી રાખ્યો છે, જ્યારે ભાજપને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની કાળી ટોપી સાથે નાળસંબંધ છે. વખત આવ્યે અરુણ ગવળી જેવા ગેંગસ્ટરો પોતાની રાજકીય મહેચ્છાઓ જાહેર કરવા માટે ગાંધીટોપી ઠઠાડી શકે છે. હવે રૂ.100-500-1000ની ચલણી નોટ સાથે હોય એટલી જ લેવાદેવા ગાંધીજીને-તેમના સિદ્ધાંતોને ગાંધીટોપી સાથે રહી છે.

(શીર્ષક પંક્તિઃ રુસ્વા મઝલૂમી)

Friday, September 16, 2011

નોકરીમંત્રઃ કર સાહબકી બંદગી

નોકરી શબ્દનાં મૂળ આઘ્યાત્મિક - એટલે કે પૌર્વાત્ય સંસ્કૃતિમાં- હોવાં જોઇએ. કારણ કે નોકરીમાં ગમે તેવો મોટો હોદ્દો ધરાવનાર પણ છેવટે શબ્દાર્થમાં ‘નોકર’ગણાય છે. એ શબ્દ પ્રત્યે તુચ્છકારનો ભાવ સેવવો કે તેને માનનું પ્રતીક ગણવો એનો આધાર જોનાર પર છે.

નોકરી અને કામ વચ્ચે ગૂંચવાડો કરવા જેવો નથી. બેંકની નોકરીના સુખના દિવસોમાં - એટલે કે જ્યારે કોમેન્ટ્રી સાંભળવામાંથી સમય મળે ત્યારે બેન્કનું કામ કરી શકાતું હતું એ વખતે- એક કર્મચારી નિવૃત્ત થયા. સાથીદારોએ તેમને ચંિતાથી પૂછ્‌યું, ‘હવે શું કરશો?’તેમનો જવાબ હતો, ‘જે અત્યાર સુધી નથી કર્યું તે. કામ.’

કામ અને નોકરી બે સાવ જુદી જ વાતો હોય, એવો સાંસ્કૃતિક વારસો ઘણી ઓફિસોમાંથી હવે લુપ્ત થવા બેઠો છે. પરંતુ કેટલીક સરકારી કચેરીઓ હજુ દૃઢતાપૂર્વક એ પરંપરાને વળગી રહી છે. એટલે જ, ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં કર્મચારીઓ, સલાહનું ચીવટથી પાલન કરવા માટે, નોકરી ચાલુ કરી દેતા જોવા મળે છે. ઘરે રહેવાથી ઘરના લોકો કંઇનું કંઇ કામ ચીંઘ્યા કરે. છેવટે કંઇ ન સૂઝે તો બટાટા છોલવા કે ટમેટાં સમારવા પણ બેસાડે. પરંતુ એક વાર ઓફિસમાં ગયા પછી કોઇની મજાલ છે કે કામ ચીંધે? કબૂલ કે આવા સુખીયા જીવો માટેનું અનુકૂળ પર્યાવરણ હવે ગુજરાતનાં ગોચરોની જેમ અદૃશ્ય થતું જાય છે. ગાંધીજી માટે આઇનસ્ટાઇને કહ્યું હતું એવું આ પ્રકારની નોકરી માટે પણ આપણે કહેવું પડશેઃ ‘આવનારી પેઢીઓ વિશ્વાસ નહીં કરે કે કોઇ હાડચામનો આદમી નોકરી કરવા છતાં આ હદે કામથી અલિપ્ત રહી શક્યો.’

નોકરીના સાંસ્કૃતિક-આઘ્યાત્મિક વારસાનો બીજો પુરાવો સંતકવિઓની વાણીમાંથી મળી આવે છે. કોન્વેન્ટગામીઓ જેમને ‘સેન્ટ કબીર’ તરીકે ઓળખે છે કે કબીરસાહેબ જેવા સંતોએ ઇશ્વર માટે ‘સાહબ’ કે ‘સાહિબ’ જેવા શબ્દો પ્રયોજ્યા છે. મીરાંબાઇએ ‘મને ચાકર રાખો જી’ ગાયું છે. બને કે‘નૌકર’ શબ્દ ફારસી (કે અરબી) હોવાને કારણે મીરાંબાઇએ એ ન વાપર્યો હોય, પણ વાત તો છેવટે એ જ છેઃ નોકરી અને બોસ. સાહેબ અને ચાકર. આ જ સનાતન સત્ય છે.યુગ બદલાતાં સાહબ અને ચાકર જેવા શબ્દોના અર્થ બદલાયા છે, પરંતુ આપણા દેશમાં નોકરી કરવાનો સૌથી લોકપ્રિય પ્રકાર ‘કર સાહબકી બંદગી’ જ રહ્યો છે.

બાળપણની મુગ્ધ મનોદશામાં એવું લાગે છે કે નોકરી એટલે ગમતું કામ કરીને મળતા રૂપિયા. પરંતુ દસમા-બારમા સુધી પહોંચતાંમાં નોકરીની કઠણાઇઓ અંગે ખબર પડવા માંડે છે. મોટું સ્ટેશન આવતાં પહેલાં ટ્રેનની સામે અનેક પાટાનું આખું જાળું પથરાયેલું હોય એવું લાગે, એવી જ હાલત બારમા ધોરણ પછી લાઇન પસંદ કરનારા વિદ્યાર્થી અને તેના વાલીઓની હોય છે. કઇ લાઇન લેવાથી સારી- સારો પગાર અને માનમોભો ધરાવતી- નોકરી મળે એ જ ગણતરી દરેકના મનમાં હોય છે.

નોકરીની વેબસાઇટો થઇ તે પહેલાં, ભણી રહ્યા પછી નોકરીવાંચ્છુકો પથ્થર એટલા દેવ અને જાહેરખબર એટલી અરજીઓ કરતા હતા. અરજી ‘નાખ્યા’ પછી સદેહે સ્વર્ગલોક જવાનું તેડું આવવાનું હોય એટલી આતુરતાથી ‘(કોલ)લેટર’ની રાહ જોવાતી. ઇન્ટરવ્યુ માટેનો પત્ર આવે ત્યારે પચાસ ટકા ગઢ જિતાઇ ગયો હોય એવું લાગતું. કોલ લેટરથી ઉમેદવારને ભવિષ્યમાં ફાયદો થાય કે ન થાય, પણ ટપાલીને વર્તમાનકાળમાં બક્ષિશરૂપે ફાયદો થઇ જતો હતો. એમાં ઇન્ટરવ્યુમાં પાસ થઇ જવાય તો ઉમેદવારને એટલો આનંદ થતો કે તે એપોઇન્ટમેન્ટ લેટરને દોરી બાંધીને ગળે લટકાવવાનું જ બાકી રાખતા.

નોકરીના પહેલા દિવસે ટેબલ-ખુરશી મળે ત્યારે સમ્રાટ અશોકે તેના કોઇ સૂબાને કાબુલ-કંદહારનું રાજ સોંપ્યું હોય એવો ભાવ નોકરિયાતના મનમાં જાગતો હતો. ઓફિસનાં ટેબલ-ખુરશી કે જગ્યાને રાજરજવાડાં સાથે સરખાવવું પડે તેનું બીજું કારણ હતું ઃ રાજખટપટની યાદ અપાવે એવી ઓફિસ-ખટપટ. એ વખતે નવોદિત કર્મચારીને ઐતિહાસિક સત્ય સમજાતું કે ખુરશીમાં આ હાલ છે, તો સિંહાસનમાં કેવા ડખા હશે અને ભાઇ શા માટે ભાઇને સિંહાસન માટે મારી નાખતા હશે.

અનેક કર્મચારીઓ જેને (ગેરસમજણથી) પોતાનું રજવાડું સમજી બેસે છે, તે ઓફિસના પણ અનેક પ્રકાર હોય છે. તેમાં આંતરિક શિસ્ત-અશિસ્ત-ગેરશિસ્તનાં ઓઠાં હેઠળ અનેક કુરિવાજો ઠોકી બેસાડવામાં આવે છે. કેટલીક ઓફિસોમાં ચોતરફ શિસ્તપાલનની સૂચના (મોટે ભાગે ખોટા ગુજરાતી કે ખોટા અંગ્રેજીમાં) ચોતરફ વેરાયેલી જોવા મળે છે. જેમ કે, મુલાકાતીઓએ કામ સિવાય બેસવું નહીં (કેમ જાણે મુલાકાતીઓ બગીચાની અવેજીમાં પારકી ઓફિસે જતા હોય), ઘુમ્રપાન-તમાકુનું સેવન કરવું નહીં (ઓફિસની ખટપટ તબિયત માટે પૂરતી હાનિકારક છે), કઢંગી રીતે બેસવું નહીં (કઢંગી રીતે કામ કરો એટલું પૂરતું નથી?), ઓફિસમાં કચરો ફેંકવાની મનાઇ છે (કચરો ફક્ત એપોઇન્ટમેન્ટ ઓર્ડરથી જ લેવામાં આવે છે), થૂંકદાની સિવાય થૂંકવું નહીં (અને થૂંકદાની બાજુની ઓફિસમાં છે)...એવું લાગે જાણે ભર્તૃહરિનું આખેઆખું નીતિશતક દીવાલો પર ઉતારી નાખ્યું હોય.

આવી સૂચના-ચ્છાદિત ઓફિસમાં આજુબાજુ વધારે નજર ફેરવતાં બીક લાગે છે. ક્યાંક એવી સૂચના ન હો કે ‘મુલાકાતીઓએ ઓફિસમાં શ્વાસ લેવો નહીં’ અથવા ‘શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર અંકુશ રાખીને ઓફિસનું પર્યાવરણ શુદ્ધ રાખવામાં સહકાર આપશો. આભાર.’આવી ઓફિસોમાં કામ કરનાર લોકોને મળવા કોઇ આવે ત્યારે કર્મચારીને નોકરીની વાસ્તવિકતાનો ખરો અહેસાસ થાય છે. દાઉદ ઇબ્રાહિમ મળવા આવ્યો હોય અને એને મળ્યા પછી ઓફિસના આખા જગત સાથેના સંબંધ વણસી જવાના હોય એવી રીતે મુલાકાતીની સામે જોવામાં આવે છે. મુલાકાતી ભૂલેચૂકે વિઝિટર્સ રૂમ કે રિસેપ્શનથી આગળ વધે તો આગળની જમીનમાં સુરંગો દાટેલી હોય અથવા મુલાકાતી આત્મઘાતી બોમ્બર હોય એટલી ત્વરાથી એને આગળ વધતો અટકાવવામાં આવે છે અને શબ્દોથી-હાવભાવથી લગભગ તેનું બાવડું પકડીને તેને બેસાડી દેવામાં આવે છે. ત્યાર પછી ‘તમને કોઇ મળવા આવ્યું છે’એવું કર્મચારીને એવા અંદાજમાં કહેવામાં આવે છે કે ‘જલ્દીથી પતાવજો’ એવું અલગથી કહેવું પડતું નથી.

ફક્ત મુલાકાતીઓની બાબતમાં જ નહીં, બીજા અનેક મુદ્દે ઓફિસમાં હૈયાઉકાળા થાય ત્યારે કર્મચારીના મનમાં બ્રહ્મજ્ઞાનનો દીપ પ્રગટે છે. દુનિયા ફાની છે અને મોહ મિથ્યા છે, એ સત્ય તેને વધારે નક્કર રીતે અને સદૃષ્ટાંત લાધે છે.એ વિચારે છેઃ ‘આ એ જ નોકરી હતી, જેની મેં યુગો સુધી- એટલે કે અભ્યાસજીવનમાં કિમતી વર્ષો દરમિયાન ઝંખના કરી? આ જ એ નોકરી હતી કે જેના માટે મેં અભ્યાસનું આટલું કષ્ટ વેઠ્યું?’

તેમ છતાં જૂના વખતમાં ઘણા લોકો આખી જિંદગી એક જ નોકરીમાં વીતાવી દેતા હતા. ગ્લોબલાઇઝેશન પછી ખરાબ નોકરીઓના વિકલ્પો વઘ્યા છે. એટલે નોકરી કેટલી જુદી જુદી રીતે ખરાબ હોઇ શકે તેનો જાતઅનુભવ કર્મચારી મેળવી શકે છે. નવા જમાનામાં નોકરીની વ્યાખ્યા છેઃ સતત નોક (અણી) પર રહીને કરવાની હોય એ નોકરી. અનેક લોકોને રોજ સવારે ઉગતો સૂરજ જોઇને પ્રકૃતિની લીલા વિશેના નહીં, પણ આવતી કાલનો સૂરજ ઉગશે ત્યારે નોકરી ચાલુ હશે કે નહીં એના વિચાર આવતા હોય છે.

નોકરી કરનાર અને કરાવનારની ‘ભાતીગળ’ મનોસૃષ્ટિ તથા તેમની વ્યથાને છતી કરવા માટે ‘આંગળિયાત’ની તરાહ પર ‘નોકરિયાત’જેવી કોઇ નવલકથા લખવા માટે પૂરતો અવકાશ છે એમ નથી લાગતું?

Tuesday, September 13, 2011

ભ્રષ્ટાચારનો મુકાબલોઃ સિંગાપોર સ્ટાઇલ

જનલોકપાલ માટે અન્ના હજારે અને સાથીદારોના આંદોલન વખતે, ‘લોકપાલથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે’ એવું માની બેઠેલા ઘણા લોકો પોતાની માન્યતાના સમર્થનમાં સિંગાપોરનો દાખલો ટાંકતા જોવા મળ્યા. સિંગાપોરમાં લોકપાલનાં કેવાં ચમત્કારી પરિણામો આવ્યાં છે, તેની ‘નક્કર વિગતો’ સાથેના ઇ-મેઇલ ફરતા થઇ ગયા. એ વાંચતાં લાગે કે ‘લોકપાલ’ કહેતાં કોઇ કાનૂની જોગવાઇની નહીં, સંતોષીમા-દશામા જેવા ‘ઇચ્છિત ફળ આપનાર’ કાલ્પનિક દૈવી પાત્ર વિશે વાત થઇ રહી છે. આ પ્રકારના ઇ-મેઇલમાં ‘દસ જણને ફોરવર્ડ કરવાથી પુણ્ય મળશે’ એવું લખ્યું ન હતું, પણ ‘દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઇચ્છતા હો, તો આ ઇ-મેઇલ બીજાને ફોરવર્ડ કરો’ એવું સૂચન હતું.

‘મિસ્ડ કોલ’ કરવાથી કે ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે દેશમાં જાગૃતિ આવી જશે અથવા પોતે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં ‘યથાશક્તિ ફાળો’ આપ્યો ગણાશે, એવી માન્યતા વિશે ચર્ચા કરીને શા માટે સમય બગાડવો? ચર્ચાનો અસલી મુદ્દો સિંગાપોરમાં ‘લોકપાલના ચમત્કાર’ વિશેની જૂઠી માહિતીનો છે, જે સાચી માહિતી તરીકે ચોતરફ ફરી વળી છે. ‘સિંગાપોરના લોકપાલના ચમત્કાર’ વિશેના એક ઇ-મેઇલમાં જણાવાયું છેઃ ‘સિંગાપોરમાં 1982માં લોકપાલ બિલનો અમલ કરવામાં આવ્યો અને (તેના પગલે) એક જ દિવસમાં 142 ભ્રષ્ટ નેતાઓ અને અફસરોની ધરપકડ કરવામાં આવી...આજે સિંગાપોરમાં ફક્ત 1 ટકા લોકો ગરીબ છે. પ્રજાએ સરકારને કોઇ પણ પ્રકારના કરવેરા ચૂકવવા પડતા નથી. શિક્ષણનો દર 92 ટકા જેટલો ઊંચો છે, વધારે સારી તબીબી સુવિધાઓ છે, ચીજવસ્તુઓની કિંમતો પ્રમાણમાં સસ્તી છે અને બેકારીનો દર માત્ર 1 ટકા છે.’

ઉપરનું લખાણ વાંચીને લાગે કે ‘લોકપાલ’ એ કાયદો નહીં, જાદુઇ ચિરાગ હોવો જોઇએ અને ભ્રષ્ટાચારનો રાક્ષસ બધી સમસ્યાઓનો જનક. ચિરાગ ઘસાયો. જિન પેદા થયો. રાક્ષસ ખતમ. પ્રજા ખુશહાલ. વાર્તા પૂરી. બાકી, કાયદાના સદીઓ જૂના ઇતિહાસમાં કોઇ એક કાયદાએ આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી હકારાત્મક અસર ઉભી કરી હોય એવું જાણ્યું છે? (સતીપ્રથાનાબૂદીના કાયદાના ઘણા સમય સુધી – અને કેટલાક પુરાતનવાદીઓના મનમાં હજુ પણ- સતી થનાર સ્ત્રી વિશે આક્રોશ-અનુકંપાને બદલે અહોભાવની લાગણી હોય તો નવાઇ ન લાગે.)

લાંચ માટે બેધારી સજા

હકીકત જાણવા માટે શ્રદ્ધા કે ઉત્સાહ બાજુ પર મૂકીને થોડી તસ્દી લઇએ તો ભ્રષ્ટાચાર સામેની લડતમાં સિંગાપોરને મળેલી નોંધપાત્ર સફળતા અને તેની મર્યાદાઓ વિશે વાસ્તવિક વિગતો જાણવા મળે છે. ભ્રષ્ટાચારનાબૂદીને લગતાં વિવિધ સર્વેક્ષણોમાં સિંગાપોર ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે, એટલી નોંધ સાથે, શરૂઆત સમાચારોથી કરીએઃ

-લાંચ આપવાની કોશિશ બદલ મહિલાની ધરપકડ (5 સપ્ટે., 2011). વ્યસનને લગતી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે 30 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને 150 ડોલરની લાંચ આપીને છૂટી જવાનો પ્રયાસ કરતાં, લાંચ આપવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરવામાં આવી. લાંચ અંગેનો કેસ ‘કરપ્ટ પ્રેક્ટિસિસ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ને સોંપાયો છે.

- માર્ચ, 2009માં ટ્રાફિક ગુનામાંથી બચવા માટે ટ્રાફિક પોલીસને 200 ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવાના ગુનાસર આરોપીને અદાલતમાં ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. માર્ચ, 2010માં ટ્રાફિક પોલીસને 20 ડોલરની લાંચ ધરનારને ત્રણ અઠવાડિયાંની જેલ પડી હતી. સરકારી અફસરને લાંચ આપવાના ગુના બદલ સિંગાપોરમાં મહત્તમ પાંચ વર્ષની સજા, 1 લાખ ડોલર દંડ અથવા બન્નેની જોગવાઇ છે. આ વિગતો જાહેર કરનાર સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ (સીપીઆઇબી)ના નિવેદન પ્રમાણે, વિદેશોમાં વસતા સિંગાપોરના લોકો ટ્રાફિક પોલીસને લાંચ આપવાના ગુનામાં પકડાય, તેના સમાચાર પણ (સરકારી નિયંત્રણ ધરાવતાં) સિંગાપોરનાં ખબારોમાં પ્રસિદ્ધ થાય છે.

સીપીઆઇબીની વેબસાઇટ પર ‘1 દિવસમાં પકડાયેલા 142 નેતાઓ-અધિકારીઓ’ વિશે કશો ઉલ્લેખ મળતો નથી. હા, ભ્રષ્ટાચારના આરોપ બદલ 1966માં એક મંત્રીને હોદ્દેથી દૂર કરાયાનો, 1975માં એક મંત્રીને દોઢ વર્ષની સજાનો અને 1986માં એક મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો સામેની કાર્યવાહીથી બચવા કે તેનાથી શરમાઇને કે પોતાની નિર્દોષતાનું ગાણું ચાલુ રાખીને અંતે આપઘાત કર્યો હોવાની માહિતી મળે છે. એ રીતે પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓને જેલની સજા-દંડ થયાની વિગતો પણ સાઇટ પરથી મળે છે. અત્યાર સુધીની સૌથી મોટી સજા 1995માં સિંગાપોરના પબ્લિક યુટિલિટી બોર્ડના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને થઇ હતી. તેમની પર કોન્ટ્રાક્ટ આપવા માટે 1.38 કરોડ ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. 1995માં તેમને 14 વર્ષની જેલની સજા થઇ અને લાંચની રકમ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી.

આર્થિક ગોટાળા માટેની સજામાંથી ખાનગી ક્ષેત્રોને-વેપારઉદ્યોગોને પણ બાકાત રાખવામાં આવ્યાં નથી. એક કંપની બીજી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે એ કંપનીના અધિકારીને લાંચ આપે, તે પણ ગુનો બને છે અને સંબંધિત અધિકારીઓને સજા-દંડ થાય છે. (દા.ત. ઓટો પાર્ટ બનાવતી કંપની કોઇ કારઉત્પાદક કંપનીના અધિકારીને લાંચ-ભેટસોગાદો આપીને, એ કંપનીમાં પાર્ટસ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવી લે તો ત્યાં પણ ભ્રષ્ટાચારવિરોધી કાયદો લાગુ પડે.)

લાંચવિરોધી બ્યુરોઃ સ્થાપના અને સત્તા

સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશ બ્યુરો’ (સીપીઆઇબી)ને સાવ પ્રાથમિક હેતુની રીતે કદાચ ભારતના લોકપાલ (કે ‘જનલોકપાલ’) સાથે સરખાવી શકાય, પણ એ સિવાયની અનેક બાબતોમાં બન્ને વચ્ચે કોઇ સામ્ય નથી. તેનું એક મોટું કારણ એ પણ ખરું કે ભારત અને સિંગાપોર વચ્ચે વસ્તી અને વૈવિધ્યથી માંડીને શાસનપદ્ધતિ જેવા મુદ્દે મોટો તફાવત છે.

સીપીઆઇબીની સ્થાપના સપ્ટેમ્બર, 1952માં થઇ ત્યાર પહેલાં પોલીસની લાંચવિરોધી પાંખ દ્વારા આરોપોની તપાસ થતી હતી અને દેશમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. સિંગાપોર ત્યારે અંગ્રેજોનું સંસ્થાન હતું. શરૂઆતનાં વર્ષોમાં ઓછા સ્ટાફ અને પાંખી કામગીરીનો સિલસિલો ચાલ્યા પછી, 1968માં બ્યુરોને વડાપ્રધાનની કચેરીની સીધી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યો. દરમિયાન ભ્રષ્ટાચારવિરોધી કાયદામાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. નેવુના દાયકામાં બ્યુરોની કામગીરી અને તેની સજ્જતામાં મોટા પાયે બદલાવ અને સુધારો થયાં. પોતાના અફસરો માટે બ્યુરોએ પોલીસ અકાદમી પર આધાર રાખવાને બદલે ખાસ તાલીમી કાર્યક્રમો ઘડ્યા. સંસ્થામાં નવા હોદ્દા ઉભા કરવામાં આવ્યા. 1995માં ‘લાઇ ડીટેક્ટર’ તરીકે ઓળખાતા પોલીગ્રાફ મશીનનો તપાસ અને પૂછપરછ માટે ઉપયોગ શરૂ થયો. 1 જૂન, 2011થી બ્યુરોના માળખાને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છેઃ ઓપરેશન ડીપાર્ટમેન્ટ (માહિતી-જાણકારી એકત્ર કરવી), ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ (માહિતીના આધારે પૂરી તપાસ કરીને જરૂરી કાગળીયાં તૈયાર કરવાં) અને કોર્પોરેટ અફેર્સ ડીપાર્ટમેન્ટ (સંસ્થાનો આંતરિક-માળખાકીય વહીવટ).

સિંગાપોરના ભ્રષ્ટાચારવિરોધી કાયદા પ્રમાણે, કોઇ પણ વ્યક્તિ સામે ભ્રષ્ટાચારનો કેસ માંડતા પહેલાં પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ તપાસનાં બધાં કાગળીયાં-દસ્તાવેજ-પુરાવા રજૂ કરવાં પડે છે. તેમની મંજૂરી મળ્યા પછી જ કેસ ચાલી શકે. આરોપી સરકારી કર્મચારી હોય અને તેની સામે પૂરતા પુરાવા ન હોય તો તેમનો કેસ પબ્લિક પ્રોસિક્યુટરની સંમતિ સાથે, કર્મચારીના વિભાગીય વડાને મોકલવામાં આવે છે. બ્યુરો બાકીના સરકારી વિભાગોથી સ્વતંત્રપણે કામ કરે છે, પરંતુ તેનું કામ મજબૂત કેસ ઉભો કરવાનું છે. કેસની ગુણવત્તા નક્કી કરીને સજા ફરમાવવાની આખરી સત્તા અદાલત પાસે છે. બ્યુરોના સર્વોચ્ચ વડા (ડાયરેક્ટર) સીધા વડાપ્રધાનને જવાબદાર છે. બીજાં કોઇ ખાતાં તેમની પર દબાણ લાવી શકતાં નથી, જે સિંગાપોરની લાંબા સમય સુધી એક વ્યક્તિનું એકચક્રી રાજ ધરાવતી લોકશાહીમાં વ્યવહારૂ રીતે શક્ય બન્યું છે.

ભ્રષ્ટાચાર વિશે બાતમી આપનાર-ફરિયાદ નોંધાવનાર(ભારતમાં પ્રચલિત શબ્દઃ વ્હીસલ-બ્લોઅર)ની ઓળખ બ્યુરો દ્વારા ગુપ્ત રાખવામાં આવે છે. પણ કેસ અદાલતમાં પહોંચ્યા પછી તેમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી આવી છે એવું અદાલતને લાગે તો ફરિયાદીની ઓળખ ગુપ્ત રહેતી નથી. એટલું જ નહીં, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સજા ફટકારવામાં આવે છે. એક કંપનીમાં સેફ્ટી સુપરવાઇઝરે તેના ડેપ્યુટી સેફ્ટી મેનેજર સામે મૂકેલો ભ્રષ્ટાચારના આરોપ ખોટા પુરવાર થતાં, ફરિયાદીને આઠ અઠવાડિયાંની જેલ થઇ હોવાનો અને મકાનમાલિક પર ભ્રષ્ટાચારનો જૂઠો આક્ષેપ મુકનાર ભાડૂઆતને એક મહિનાની જેલ થઇ હોવાનો કિસ્સો પણ બ્યુરોની વેબસાઇટ પર નોંધાયેલો છે.

સિંગાપોરમાં ભ્રષ્ટાચારનાબૂદીને કારણે પ્રજાને કરવેરા ચૂકવવા પડતા નથી, એ માન્યતા ખોટી છે. વાર્ષિક 20 હજાર ડોલરની આવક સુધી વ્યક્તિગત કર ભરવો પડતો નથી, પણ ત્યાર પછી જુદી જુદી આવક પ્રમાણે આવકવેરાના આઠ પ્રકારના દર છેઃ સૌથી ઓછો દર (20 હજારથી 40 હજાર ડોલરની આવક માટે) 2 ટકા અને સૌથી વધુ (3લાખ 20 હજાર ડોલર કે વધુ વાર્ષિક આવક પર) 20 ટકા. સ્થાનિક લોકો અને બહારના લોકો માટે આવકવેરાના દર અલગ અલગ હોય છે. અલબત્ત, બીજા દેશોની સરખામણીમાં સિંગાપોર આવકવેરાના ઓછા દર માટે જાણીતું છે. પરંતુ તેનો સંબંધ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનાબૂદી સાથે જોડી શકાય નહીં.

ભ્રષ્ટાચારીઓ સામે તપાસ ઉપરાંત ભ્રષ્ટાચારને અટકાવવા માટે પણ બ્યુરો સરકારી અને શૈક્ષણિક રાહે કાર્યક્રમો ચલાવે છે, જેથી ભ્રષ્ટાચારનો મુદ્દો બાકીની વાસ્તવિકતાઓથી અલગ, અલાયદો બની ન જાય. ભ્રષ્ટાચાર સામે અસરકારકતાથી પનારો પાડવા માટે તેની વ્યાપકતા અને બધાં ક્ષેત્રો સાથે અડતો તેનો છેડો ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ બધું કર્યા પછી પણ ‘સ્વિફ્ટ એન્ડ સ્યોર’ (ઝડપી અને ખાતરીપૂર્વક)નો મુદ્રાલેખ ધરાવતા બ્યુરોનો દાવો એટલો જ છે કે ‘સિંગાપોરમાં ભ્રષ્ટાચાર અંકુશમાં છે.’ આ સફળતા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, શેહશરમ વગર કોઇ પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી અને ભ્રષ્ટાચારને જીવનરીતિ તરીકે જાકારો આપનાર પ્રજા- આ ત્રણને શ્રેય આપવામાં આવે છે.

સરખામણી કરવી હોય તો આ ત્રણે મુદ્દે સિંગાપોર અને ભારત વચ્ચે રહેલા તફાવતને સરખાવી શકાય.

Sunday, September 11, 2011

જાપાનની અણુદુર્ઘટનાઃ છ મહિના પછીના હાલચાલ-હાલહવાલ

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં 25 વર્ષ પછી કિરણોત્સર્ગી કચરો અને પ્લાન્ટનું સ્થળ સાફ થવાનાં ઠેકાણાં નથી. તેની સામે ‘ડાયટ’ તરીકે ઓળખાતી જાપાનની સંસદે 26 ઓગસ્ટના રોજ (દુર્ઘટનાના છ મહિના થાય તે પહેલાં) એક કાયદો પસાર કર્યો છે. તેની જોગવાઇ પ્રમાણે કિરણોત્સર્ગી કચરો અને વિકિરણથી દૂષિત માટીની સફાઇની જવાબદારી સરકારના માથે નાખવામાં આવી છે.

વર્ષે માર્ચ 11ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમા પ્લાન્ટનાં ત્રણ રીએક્ટરમાં ‘મેલ્ટ ડાઉન’ તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ સર્જાઇ. રીએક્ટરના કિરણોત્સર્ગી મલીદા ઉપરાંત વિકિરણ-દૂષિત પાણીનો પણ ખતરો ઉભો થયો, જે હજુ પૂરેપૂરો ટળ્યો નથી. અકસ્માત પછીના દિવસોમાં રોજેરોજ અણુદુર્ઘટનાનાં ગંભીર પરિણામ વિશે અનુમાન-આશંકા સાંભળવા મળતાં હતાં,

પરંતુ રીએક્ટરો ટાઢાં પડે તે પહેલાં પ્રસાર માધ્યમોમાંથી તેમને લગતા સમાચાર ઠરી ગયા છે. અણુવીજળીના ઇતિહાસની સૌથી ખતરનાક ચેર્નોબિલ દુર્ઘટનાની હારોહાર ગણાયેલી ફુકુશિમા કટોકટીમાં છ મહિના પછીની સ્થિતિ શી છે? તેના વિશે અનેક પ્રકારના સવાલ જાગે, જેના જવાબ હવે પ્રસાર માધ્યમોમાં મથાળાં બનતા નથી.

સૌથી પહેલાં સરકારી પ્રતિક્રિયાની વાતઃ દુર્ઘટના પછી તરતના અરસામાં જાપાન સરકારે તેની ગંભીરતા છુપાવવાનો ઠીક ઠીક પ્રયાસ કર્યો. પરંતુ સ્થિતિ ધીમે ધીમે એટલી હદે વણસી કે સરકાર માટે ઢાંકપિછોડો અશક્ય બન્યો. એક અંદાજ પ્રમાણે, ભૂકંપ-ત્સુનામી અને અણુદુર્ઘટનાના ત્રેવડા ફટકામાં આશરે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને 1.25 લાખ લોકોએ ઘરબાર. પ્લાન્ટના સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ (ટેપ્કો) અને સરકારે તેમના માટે અલગ અલગ રીતે વળતરની જાહેરાત કરી. અખબારી અહેવાલ પ્રમાણે અસરગ્રસ્તોને કંપનીએ આરંભિક વળતર તરીકે 10 લાખ યેન (આશરે 13 હજાર ડોલર) ચૂકવવાની જાહેરાત કરી. સાથે સરકાર તરફથી 3.5 લાખ યેન (આશરે 4550 ડોલર) ની મદદ પણ ખરી. કુલ વળતર પેટે કંપનીએ 5 અબજ ડોલરનું ભંડોળ અલગ કાઢ્યું છે અને ઘણાને વળતર ચૂકવાયું પણ છે. છતાં પરંતુ વળતરની ચૂકવણીમાં ઘણો વિલંબ થતો હોવાની બૂમ ‘ટાઇમ’ સાપ્તાહિકના અહેવાલમાં સાંભળવા મળી છે.

કંપની અને સરકાર હાલની પરિસ્થિતિ કાબૂહેઠળ હોવાની જાહેરાતો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ 5 સપ્ટેમ્બરના રોજ કહ્યું છે કે પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાનું- શટડાઉનનું-કામ હાલની ઝડપે ચાલશે તો એ ધારેલી મુદત કરતાં વહેલું પૂરું થઇ જશે. છતાં કંપની સ્વીકારે છે કે સૌથી મોટું જોખમ મોટા જથ્થામાં એકઠા થયેલા વિકિરણયુક્ત પાણીના સલામત નિકાલનું છે. પ્લાન્ટની આજુબાજુ 20 કિલોમીટરના ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર પણ પ્રદૂષણ ફેલાયું છે. ત્યાં રાહત કામગીરીમાં સરકારી તંત્ર સાવ ઢીલું પુરવાર થયું છે. પ્લાન્ટથી 50-60 કિ.મી.ના અંતરે આવેલા ફુકુશિમા શહેરના વાતાવરણમાં વિકિરણનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું. છતાં સરકારે એ શહેર ખાલી કરાવ્યું નહીં. શહેરનાં વિવિધ સ્થળોએ વિકિરણનું પ્રમાણ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભળેલું પ્રદૂષણ તપાસવાનું કામ આખરે કેટલાક નાગરિકોએ સરકારી તંત્રની સાથે મળીને, બલ્કે આગળ પડીને ઉપાડી લીધું. તેમની ચકાસણીમાંથી જાણવા મળ્યું કે શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઘણું વધારે હતું. સરખામણીની રીતે જોઇએ તો, સામાન્ય સંજોગોમાં અણુવીજળી મથકના કામદારો માટે જે પ્રમાણ માન્ય કરવામાં આવ્યું છે, તેના કરતાં પણ ફુકુશિમા શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઊંચું હતું.

બાળકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભા કરતા આ અહેવાલની પ્રતિક્રિયા તરીકે ‘ફુકુશિમા નેટવર્ક ફોર સેવિંગ ચિલ્ડ્રન ફ્રોમ રેડિએશન’ની સ્થાપના થઇ. નાગરિકોની પહેલથી કાર્યરત આ સંસ્થા મુખ્યત્વે શાળાઓમાં અને ખેતીવાડીનાં ઉત્પાદનોમાં વિકિરણોની માત્રા ચકાસે છે અને તેમનો ઉપયોગ થઇ શકે કે નહીં, તે જણાવે છે. શહેરને વિકિરણમુક્ત કરવાના કામ માટે જાપાનની કેન્દ્ર સરકારે 30 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી છે, પણ શહેરનું વહીવટી તંત્ર અને નાગરિકો એ નાણાં આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી. કિરણોત્સર્ગથી ફક્ત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જ નહીં, જમીન સુ્દ્ધાં દૂષિત થાય છે. તેને વિકિરણમુક્ત કરવા માટે દૂષિત જમીન પર 50 સેન્ટીમીટર જેટલો ચોખ્ખી માટીનો થર કરીને સ્થાનિક વહીવટી તંત્રે જમીનને સાફ કરવા પ્રયાસ કર્યો છે.

ફુકુશિમા પ્લાન્ટમાં પેદા થતી અણુવીજળી દેશના બીજા લોકો ખુશીથી વાપરતા હતા, પણ કિરણોત્સર્ગી કચરાના નિકાલ માટે જગ્યાની વાત આવે ત્યારે એ કચરો સંઘરવા કોઇ તૈયાર નથી. ફુકુશિમા પ્રાંત નજીક કામચલાઉ ધોરણે કિરણોત્સર્ગી કચરો સંઘરવા માટે વ્યવસ્થા ઉભી કરવાની વાત હતી, પરંતુ ત્યાંના રહીશોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો. આ પ્રકારના બનાવ ધ્યાનમાં રાખીને જાપાનના પર્યાવરણ મંત્રીએ બીજા પ્રાંતોને ફુકુશિમાની આફતમાં સહભાગી થવા કહેવું પડ્યું છે.

ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર રહેતા લોકોમાંથી ઘણાની ફરિયાદ એવી છે કે તેમના વિસ્તારમાં વિકિરણનું પ્રમાણ જોતાં, તેમને પણ પોતાનાં રહેઠાણો ખાલી કરીને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જવું છે, પણ આ બાબતે સરકાર મદદ કરે એવું તે ઇચ્છે છે. સૌથી મોટા પ્રશ્નોમાંનો એક ખાલી કરાવાયેલા વિસ્તારના લોકોનો છે. શરૂઆતમાં તેમને એવી આશા હતી- અને સરકારે પણ એવા સંકેત આપ્યા હતા- કે થોડા વખત પછી એ લોકો પાછા ફરી શકશે. પરંતુ પાંચ મહિના પછી સરકારી પ્રવક્તાએ કબૂલવું પડ્યું છે કે ‘કેટલાક વિસ્તારોના રહીશો લાંબા સમય સુધી ત્યાં પાછા ફરી ન શકે એવી સંભાવના છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે (ટીકાકારો માનતા હતા તેમ) પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેનારા ઘણા લોકો અને તેમની આગામી કેટલીક પેઢીઓ પણ એ જગ્યાએ પાછી ફરી નહીં શકે.’

ફુકુશિમા દુર્ઘટનાથી અત્યાર લગી જાપાનમાં ભાગ્યે જ ચર્ચાયેલો ઉચ્ચક કામદારોના હિતનો મુદ્દો પણ બહાર આવ્યો છે. જાપાનનાં 18 વ્યાવસાયિક અણુવીજળી મથકોમાં કામ કરતા આશરે 80 હજાર લોકોમાંથી 80 ટકા કાયમી નહીં, પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકો છે. ફુકુશિમા પ્લાન્ટમાં ગયા વર્ષના આંકડા પ્રમાણે (10 હજાર કામદારોમાંથી) 89 ટકા કોન્ટ્રાક્ટ પર કામ કરનારા હતા. (ભારતમાં પણ ગટરસફાઇના જોખમી કામ માટે દલિત કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, જેથી તેમને કંઇ થાય તો કોર્પોરેશન સહેલાઇથી હાથ ઉંચા કરી શકે.)

સામાન્ય મજૂરી કામ કરતાં અ્ણુવીજળી મથકોમાં મળતું મહેનતાણું ઘણું વધારે હોવાથી કામદારો ત્યાં જવા લલચાય છે, પરંતુ અણુવીજળી મથકોમાં જોખમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. દુનિયાના ટોચના પાંચ સમૃદ્ધ દેશોમાં સ્થાન પામતા જાપાન જેવા દેશમાં ઉચ્ચક કામદારોનું આટલું મોટું પ્રમાણ હોય અને કંપની કે સરકાર તેમની કોઇ પ્રકારની જવાબદારી લેતી ન હોય તે શરમજનક કહેવાય. સામાન્ય સંજોગોમાં રોજી ગુમાવવાની બીકે ચૂપ રહેતા અણુવીજળી મથકના કામદારોમાંથી કેટલાક હવે અવાજ ઉઠાવતા થયા છે. પરંતુ હજુ સુધી કંપની કે સરકારે જોખમ લેતા કામદારોના ભવિષ્યની જવાબદારી લેવાને બદલે, તેમને વધુ નાણાં આપવાની પદ્ધતિ ચાલુ રાખી છે.

ચેર્નોબિલ દુર્ઘટનાનાં વાસ્તવિક પરિણામ જાણવા-સમજવામાં વર્ષો નીકળી ગયાં. ફુકુશીમાને હજુ માંડ છ મહિના થયા છે. જાપાન રશિયા નથી એ ખરું - જાપાની નાગરિકોની સક્રિયતાએ એ સાબીત કરી આપ્યું છે - પણ જાપાનની સરકારે હજુ એ સાબીત કરવાનું બાકી છે.

Thursday, September 08, 2011

નવી, મસ્તીભરી શરૂઆત : 'ફેકન્યૂઝ' ઉર્ફે સાંપ્રત ઘટનાઓની 'પટ્ટી', અંગ્રેજી સમાચાર-સ્વરૂપે


આસપાસ બનતી ઘટનાઓ વિશે ફક્ત ગંભીર લખવાથી ઘણી વાર, ઘણું કહેવાનું બાકી રહી ગયાની લાગણી રહેતી હોય છે. હળવા લેખન માટે અઠવાડિક કોલમ 'બોલ્ચુંચાલ્યું માફ' (ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, બુધવાર) છે. પણ તેમાં 'ન્યૂઝી' કહેવાય એવી સામગ્રી માટે બહુ અવકાશ હોતો નથી અને ઇચ્છા પણ હોતી નથી.

એવું શું કરી શકાય કે જેનાથી સાંપ્રત ઘટનાઓ વિશે માર્મિક, વ્યંગાત્મક ટીપ્પણી, અઠવાડિક ચક્કરની રાહ જોયા વિના, કરી શકાય? એ વિચારતાં, ગંભીર સમાચાર-શૈલીમાં કાલ્પનિક સમાચાર લખવાનું મન થયું. 10-11 વર્ષ પહેલાં theonion.com જેવી વેબસાઇટ જોઇ ત્યારે થયું હતું કે આ બહુ સરસ છે (અને કરવા જેવું પણ ખરૂં.) છેવટે તેનો વારો આવી ગયો- અને એ નિમિત્તે જાહેર જીવનનાં ઘણાં પાત્રોનો વારો વ્યંગાત્મક રીતે નીકળવાનો છે.

Originally Fake એવું નામ ધરાવતા મારા નવા બ્લોગનું સરનામું છેઃ faketake.blogspot.com. (ફેસબુકના મારા પ્રોફાઇલ પર faketake નામે પેજ પણ મુક્યું છે, જેમાં હવેથી બ્લોગ પર મુકાનારા તોફાની સમાચાર જોઇ શકાશે.) બ્લોગના વિષયો અને તેમાં કરેલી મસ્તી સ્થાનિકથી માંડીને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય બાબતો અંગેનાં છે અને રહેવાનાં. દેખીતી રીતે આ સમાચારો પૂરેપૂરા કાલ્પનિક હશે, પણ ખરૂં જોતાં તેમાં સમાચારોનું કેરિકેચરિંગ કરવાનો આશય છેઃ મૂળ અર્કમાં તથ્યનો અંશ તો હોય જ, પણ તેને સાવ બીજા છેડે ખેંચીને ગમ્મત થઇ હોય અને એ રીતે સંબંધિત પાત્રોની કેટલી લાક્ષણિકતાઓને અતિશયોક્તિના માધ્યમથી અંજલિ અપાય.

બનાવટી સમાચારોનું કદ પણ સમાચાર જેટલું (નાનું). એટલે આ બ્લોગ સંપૂર્ણપણે અંગ્રેજીમાં લખવાનો પ્રયોગ કર્યો છે. હા, આખો બ્લોગ અંગ્રેજીમાં લખવાને તો 'પ્રયોગ' જ કહેવાય.

આ બ્લોગ ખુલ્લાશથી હસી શકતા અને સાબૂત સેન્સ ઓફ હ્યુમર ધરાવનારા લોકો માટે છે. પક્ષીય હિતો ધરાવનારા લોકો સામા પક્ષની ખીંચાઇ વખતે હસે, એટલું જ પોતાના પક્ષની ફિલમ ઉતરતી હોય ત્યારે પણ હસી શકે, તો તે લખાણની મઝા લઇ શકશે. બાકી, હાસ્યલેખોમાં 'ગંભીર' (અને ખરેખર તો હસવું આવે એવી) રાજકીય ચર્ચા પર ઉતરી જનારા મિ્ત્રોને બ્લોગની સામગ્રી બહુ અનુકૂળ નહીં આવે. બ્લોગના '(ઓ)મિશન સ્ટેટમેન્ટ'માં લખ્યું છે તેમ, 'નીતાંત મૌલિક-કાલ્પનિક એવા આ સમાચાર વાંચીને લાગણી દુભાવનારે પોતાના હિસાબે અને જોખમે એમ કરવાનું રહેશે.' એટલી મૈત્રીપૂર્ણ ચેતવણી અને વાંચનારને આનંદ આવશે એની ખાતરી. (ન આવે તો? શુભેચ્છાઃ-)

Wednesday, September 07, 2011

અન્ના-આંદોલન પછીનું સંભવિત ટોપી-વૈવિઘ્ય

અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દરમિયાન ‘મૈં અન્ના હું’લખેલી ટોપીઓ બહુ લોકપ્રિય બની. એક સાથે આટલી ટોપીઓ ક્યાંથી આવી, કોણે તૈયાર કરાવી, તેનું બિલ કોણ ચૂકવ્યું એવા ક્ષુલ્લક સવાલોમાં અટવાઇ જવાને બદલે, રોમાંચકારી કલ્પનાનો વિષય એ છે કે આવી બીજી કેટલી જાતની ટોપીઓનો દેશમાં ખપ છે? જુદા જુદા સમુહોના માથે બંધ બેસે એવી બીજી કેટલીક લખાણ-ટોપીઓઃ

મૈં મનમોહન સિંઘ હું
તમામ પ્રકારના નબળા સજ્જનો, નબળા પ્રામાણિકો, મારે નહીં ને ભણાવે નહીં એવા મહેતાઓ અને સંિઘો આ ટોપી હકથી, વટકે સાથ પહેરી શકે છે. એ ઉપરાંત, શાણા, કહ્યાગરા, નિશાળેથી નીકળીને પાંસરા ઘેર જનારા, વિદ્વાન, ગુસ્સે ન થઇ શકતા અને થાય તો સામેવાળાને એનો અહેસાસ ન કરાવી શકતા, મહિલા ઉપરીઓના આજ્ઞાંકિત પ્રતિભાવંતો પણ આ લખાણ ધરાવતી ટોપી પહેરીને ટોપીની શોભામાં અને દેશના વડાપ્રધાનની હંિમતમાં વધારો કરી શકે છે. આવડતના ક્ષેત્ર કરતાં સાવ અલગ- ભળતા ક્ષેત્રમાં ઊંચો હોદ્દો ધરાવતા લોકો આ ટોપી પહેરીને અપરાધભાવનામાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી જુએ. સફળતા મળવાની શક્યતા ઉજળી છે.

મૈં કલમાડી હું
કબૂલ કે આ ટોપી પહેરવા માટે પહેલાં ઘણાને ટોપીઓ પહેરાવવી પડે. એ પણ કબૂલ કે આ ટોપી પહેરવા માટે ‘છપ્પનની છાતી’ની અને ટીકાનો માર ખમી શકે એવું ભારે માથું જોઇએ. પણ તેનો અર્થ એવો થોડો છે કે આ ટોપીને લાયક માથાંની દેશમાં કમી છે? બહુરત્ના વસુંધરાના આર્યાવર્ત પ્રદેશમાં પંચાયતથી સંસદ સ્તરના નેતાઓ,ઉપનેતાઓ, લધુનેતાઓ, ઉપલધુનેતાઓ, પોતાના કદ કરતાં મોટો ભ્રષ્ટાચાર કરવાની તક મળતી હોય એવા સમાજના તમામ સ્તરના લોકો હોંશે હોંશે આ ટોપી ધારણ કરી શકે છે. નવા જમાનામાં આ ટોપી પહેરનારા પોતાની ઉજળી છાપ ઉપસાવવા માટે સારી (મોંઘી) પીઆર એજન્સી રોકશે તો તેમને તિહાર જેલમાં જવાનો વખત નહીં આવે. ઉપરથી, ટોપી પહેરવાને લીધે પ્રામાણિકતાના માર્ક મળશે તે અલગ.ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પછી નિરપેક્ષ અને સાપેક્ષ બન્ને પ્રકારની પ્રામાણિકતાની બોલબાલા ધરાવતા દેશમાં ‘મૈં કલમાડી હું’ પ્રામાણિક એકરારનું પ્રતીક પણ ગણાશે અને ભવિષ્યમાં બીજા પ્રામાણિક માણસો નહીં હોય ત્યારે આવા માણસો ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં નેતાગીરી માટે પણ કામ લાગશે.

મૈં નીતિન ગડકરી હું
અનૈતિક અને ગેરકાયદે વચ્ચેનો ફરક બતાવીને પોતાના પક્ષના મુખ્ય મંત્રીનો ‘કાયદેસર’બચાવ કરનાર ભાજપપ્રમુખ નીતિન ગડકરીએ અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને છેલ્લે છેલ્લે બિનશરતી ટેકો આપ્યો. જાણે કે ‘મૈં યેદીયુરપ્પા હું’ લખેલી ટોપી ફેરવી નાખીને તેની બીજી બાજુએ ‘મૈં અન્ના હજારે હું’ ચીતરાવી દીઘું. આવા મહા-જનના નામની ટોપી કોણ પહેરી શકે? એ બધા, જે હવાનો રૂખ પારખવામા, પ્રતિસ્પર્ધીઓની નબળાઇનો લાભ લેવામાં કે પોતાના સાથીદારોને અંકુશમાં રાખવામાં મોળા અને મોડા પડતા હોય.

મૈં રાહુલ ગાંધી હું
‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’- એ કહેણીમાં જગલાની ભૂમિકા ભજવનારા સૌ કોઇ આ ટોપી પહેરી શકે છે. સંસ્થાઓમાં જવાબદારી વગરની સત્તા ભોગવતા, વારેતહેવારે ચોથા વર્ગના કર્મચારીને ઘેર જઇને રોટલો આરોગી આવતા કે તેમનાં સંતાનોનાં ખબરઅંતર પૂછી લેતા (અને એ સિવાય બીજું કંઇ ન કરતા), વરસના વચલા દહાડે સેકન્ડ ક્લાસમાં કે રિક્ષામાં કે બસમાં સામાન્ય લોકો સાથે પ્રવાસ કરીને એ રીતે પોતાનું અસામાન્યપણું સિદ્ધ કરી આપનારા લોકો પણ આ ટોપીના પહેરણહાર તરીકે યોગ્ય ગણાય. ધંધાધાપામાં પિતાની ગાદી પર બેઠેલા અને ચાલુ હોદ્દે- પૂરા પગારે, ‘બોસ’ના હોદ્દે એપ્રેન્ટીસશીપ કરનારા બાબાલોગ આ ટોપીમાં શોભી ઉઠશે.

મૈં નરેન્દ્ર મોદી હું
આવું લખાણ ધરાવતી ટોપી પહેરનારા ગુજરાતમાં મોટી સંખ્યામાં છે.આ ટોપીની ખૂબી એ છે કે તે જોનારને દેખાય છે, પણ પહેરનારને દેખાતી નથી. તે એમ જ માને છે કે પોતે કોઇની ટોપી ધારણ કર્યા વિના ખુલ્લા માથે સત્યની તરફેણ કરી રહ્યા છે. સ્વપ્રચારમાં કોઇ પણ હદે જનારા, એક બાજુ અન્નાના આંદોલનને ટેકો આપીને બીજી બાજુ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપેલા, જરૂરી ન હોય ત્યાં રાજકીય લાભ ખાટવા કે ટેકેદારોને ખોટેખોટો પોરસ ચડાવવા માટે સંવાદો ફટકારતા અને ચોતરફથી ઘેરાઇ જાય ત્યાર મોં બંધ કરીને એ સમય પસાર કરી નાખવાની રીત અપનાવના આ દરેક પ્રકારના લોકો આ ટોપી હકથી પહેરી શકે છે.કોઇની આફતને પોતાના માટે અવસરમાં પલટાવવાની ‘કાબા’લિયત ધરાવતા અને લાજવાનું હોય ત્યારે ગાજવાનું પસંદ કરતા લોકો આ ટોપીને પહેલી પસંદગી આપશે.

મૈં ધોની હું
‘ધોની કો અનધોની કર દે, અનધોની કો ધોની’- એવી પંક્તિ ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પછી પ્રચલિત નહીં બની હોય તો હવે બનશે. અત્યાર સુધી ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા, ભારતની (એટલે કે બીસીસીઆઇની) ટીમને વર્લ્ડકપ જીતાડી આપનારા, કરોડાના કોન્ટ્રાક્ટમાં મહાલતાા ધોની અત્યાર સુધી અમોઘ નિર્ણયશક્તિ, હાર નહીં માનવાનો જુસ્સો, ખેલદીલી, ટીમવર્ક,નેતૃત્વના ગુણો અને સરવાળે તેના પ્રતાપે મળતી સફળતા માટે પંકાયેલા હતા. એ જ ધોની હવે ન સમજાય એવા, ભૂલ ભરેલા નિર્ણયો લેનાર, નેતૃત્વનું વરદાન ગુમાવી બેઠેલા શાપિત અને નિષ્ફળ કેપ્ટન ગણાવા લાગ્યા છે. તેમના દાખલા પરથી, રાતોરાત પોતાના વિશે દુનિયાનો અભિપ્રાય બદલાઇ ગયો હોય અને સફળતાની ટોચેથી નિષ્ફળતાની ખીણમાં ગબડી પડ્યા હોય, એવા લોકો આ ટોપી પહેરી શકે છે.આ ટોપી પહેર્યા પછી તેમનેપોતાની સ્થિતિ વિશે ઝાઝા ખુલાસા આપવા નહીં પડે. સમજનારા ટૂંકમાં બઘું સમજી જશે.

મૈં સિવિલ સોસાયટી હું
નાગરિકશાસ્ત્રની રૂએ ભારતનો કોઇ પણ નાગરિક આ ટોપી પહેરી શકે, પરંતુ દેશ નાગરિકશાસ્ત્રથી ચાલતો નથી, એ જૂની સમજણ છેલ્લા થોડા મહિનામાં વધારે પાકી બની છે. હવે અન્ના હજારેના આંદોલનને બિનશરતી- ભાવનાત્મક ટેકો આપનારા, તેમની કેટલીક માગણીઓના વાજબીપણા અને વ્યવહારુપણા વિશે શંકા ન કરનારા, બીજા સામાજિક અગ્રણીઓનાં લોકપાલ વિશેનાં સૂચનો ઘ્યાને લેવાની જરૂર ન જોનારા, ‘અન્ના ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ અન્ના ’માં દૃઢ શ્રદ્ધા ધરાવનારા, અન્ના હજારેને ‘દેશકા દૂસરા ગાંધી’ ગણનારા, તેમના આંદોલનને ‘ઓગસ્ટ ક્રાંતિ’, ‘આઝાદીની બીજી લડાઇ’જેવાં ભવ્ય નામે ઓળખનારા, અન્નાની માગણી વિશે ચર્ચા ઇચ્છતા લોકોને દેશદ્રોહી, ભ્રષ્ટાચારતરફી, સરકારતરફી જેવાં વિશેષણોથી નવાજનારા- આમાંની ઓછામાં ઓછી કોઇ એક શરત પૂરી કરનાર લોકો જ વર્તમાન ભારતમાં આ લખાણ ધરાવતી ટોપી પહેરી શકે છે.

Tuesday, September 06, 2011

‘બૌદ્ધિકો’નો વિરોધઃ તથ્ય, ફેશન, સ્વાર્થ...

કેવળ કાળું ને ધોળું જોવામાં મોટી સુવિધા છેઃ કાળા-ધોળાના મિશ્રણથી સર્જાતી અસંખ્ય રંગછટાઓ જોવા-તપાસવાની મહેનત કરવી પડતી નથી. તેમાં ‘ટાઇમ બગડતો નથી’, (એ રીતે બચેલા ટાઇમનું શું થાય છે, એ પૂછવું નહીં.) પોતાની માન્યતા વિરુદ્ધના સવાલ ઉભા થતા નથી ને તેના (મનગમતા નહીં, પણ) સાચા જવાબ શોધવાના રહેતા નથી.

આ રીતમાં અસુખ પ્રેરતા છતાં મુદ્દાના સવાલ ઉભા કરનાર દરેકને, તેમના સવાલોનું વાજબીપણું ચકાસ્યા વિના, ‘બૌદ્ધિક’ની ગાળ આપવાનો રિવાજ છે. ગુજરાત જેવાં રાજ્યોમાં એ રિવાજને સમાજાશ્રય ઉપરાંત રાજ્યાશ્રય પણ મળેલો છે. તે એટલી હદે કે ‘બૌદ્ધિક’ અને ગાળ? કેવી રીતે બને?’ એ સવાલ પણ હવે લોકોને થતો નથી. બલ્કે ‘બૌદ્ધિક’ એ અપશબ્દ જ છે અને કોઇ આપણને જાહેરમાં ‘બૌદ્ધિક’ ન કહી જાય- તેનો ખ્યાલ ઘણા લોકો રાખે છે.

શબ્દના અર્થ સમજ્યા વિના તેને પથ્થરની જેમ ફેંકવાના હોય ત્યારે, ‘બુદ્ધિજીવી’ અને ‘બૌદ્ધિક’ની પણ ભેળસેળ કરવામાં આવે છે. ‘બુદ્ધિજીવી’ એ ‘શ્રમજીવી’ પ્રકારનો શબ્દ છેઃ શ્રમ કરીને ગુજારો કરે (પેટીયું રળે) તે શ્રમજીવી અને બુદ્ધિનો ઉપયોગ કરીને પેટીયું રળે તે બુદ્ધિજીવી. તેમાં કારકુન અને સેલ્સમેનથી વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સુધીના સૌ કોઇ આવી જાય.

‘બૌદ્ધિક’ શબ્દનો ‘સાર્થ જોડણીકોશ’માં આપેલો પ્રાથમિક અર્થ છેઃ ‘બુદ્ધિ સંબંધી કે બુદ્ધિવાળું કે બુદ્ધિને કેળવે એવું’. પણ શબ્દનો ખરો અર્થ શબ્દકોશમાં નહીં, વ્યવહારકોશમાં નક્કી થાય છે. જેમ કે ‘ચંબુ’ એટલે એક પ્રકારનું વાસણ (ફ્લાસ્ક), પણ એ જ શબ્દ કોઇ વ્યક્તિ માટે વિશેષણ તરીકે વપરાય, ત્યારે એ અપમાનસૂચક બની જાય છે. ‘બૌદ્ધિક’ અને ‘બુદ્ધિજીવી’ જેવા શબ્દોને આ જ પ્રકારે અપમાનસૂચક બનાવી દેવામાં આવ્યા છે. જેમ બધા ‘સેક્યુલર’ લોકોને ‘સ્યુડો-સેક્યુલર’, હિંદુવિરોધી, મુસ્લિમતરફી, રાષ્ટ્રદ્રોહી ગણાવીને તેમના વિશે ધુત્કાર-ધીક્કાર ફેલાવવામાં આવે છે, એવું જ ‘બૌદ્ધિકો’ માટે બની રહ્યું છે.

અ-બૌદ્ધિકોની જેમ બૌદ્ધિકોના અનેક પ્રકાર હોય છે. તેમાં બુદ્ધિના જોરે પેટીયું કે પ્રસિદ્ધિ રળનારાથી માંડીને પાયાના સવાલ ઉઠાવનારાનો સમાવેશ થાય છે. પણ એવા ભેદ પાડવાની શી જરૂર? એમ કરવા જતાં ‘બૌદ્ધિકો’ને ફટકારવાનો અને લોકોની તાળીઓ ઉઘરાવવાનો આનંદ થઇ જાય તો?

બધા પ્રકારના ‘બૌદ્ધિકો’ને એક લાકડીએ વારંવાર ફટકારવાનો પ્રસંગ અન્ના હજારેના આંદોલન વખતે વધુ એક વાર આવ્યો. ભારે લોકસમર્થન ધરાવતા આ આંદોલનમાં અન્નાની માગણીઓના વ્યવહારુપણા વિશે અને તેમના સાથીદારોના આત્યંતિક વલણ વિશે કેટલાક સવાલ હતા. અન્નાના સમર્થકોની જેમ તેમની પદ્ધતિ વિશે સવાલ ધરાવનારા લોકોમાં ઘણું વૈવિધ્ય અને જુદાપણું હતાં. ડાબેરી ને વચ્ચેરી, લોકલાગણીમાં તણાયા વગર ‘લાગ્યું તેવું કહ્યું’ પ્રકારના અને ‘વિરોધ ન કરીએ તો બૌદ્ધિક કેવા?’ એ પ્રકારના, સૈદ્ધાંતિક વિરોધ કરનારા ને લોકશાહી પરંપરાની ચિંતા કરનારા, અંગત હિત વિના સવાલ ઉઠાવનારા અને પક્ષીય હિતમાં ટીકા કરનારા, સિવિલ સોસાયટીવાળા ને વિશ્લેષકો-સમીક્ષકો- આવા અનેક પ્રકારના લોકોએ આંદોલન વિશે સવાલ ઉભા કર્યા. તેમના ખરા-ખોટા, મહત્ત્વના કે ગૌણ સવાલો વિશે સજ્જડ જવાબો આપીને ‘વિરોધનો વિરોધ’ ચોક્કસ થઇ શકે. પણ તેમના અસ્તિત્ત્વને જ માન્ય ન રાખવું હોય અથવા ગણકારવું ન હોય તો?

સાવ સહેલું છેઃ તેમને ‘બૌદ્ધિક’ ગણાવી દેવા - જાણે ‘બૌદ્ધિકો’ નામની એકસરખાં લક્ષણ ધરાવતી કોઇ હિંસક-સમાજવિરોધી-દેશવિરોધી પ્રજાતિ હોય. એક વાર ‘બૌદ્ધિક’ તરીકેનું લેબલ લગાડી દીધા પછી તેમની કોઇ પણ વાતને જવાબ તો ઠીક, કાનસરો આપવાની પણ જરૂર નહીં. અન્ના-આંદોલન વખતે મહદ અંશે એવું જ થયું.

‘બૌદ્ધિકવિરોધી’ વાતાવરણ ઉભું કરવામાં - તેને ટકાવી રાખવામાં બૌદ્ધિકો અને તેમના વિરોધીઓની ભૂમિકા વિશે વાત કરતાં પહેલાં તેના ઇતિહાસ પર અછડતી નજર ફેરવીએ.


ક્યારેક હીરો, ક્યારેક ઝીરો

‘બૌદ્ધિક’ શબ્દની છાયા દેશકાળ પ્રમાણે સતત બદલાતી રહી છે. ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ પુસ્તકમાં રમેશ બી.શાહે નોંધ્યું છે તેમ, ફ્રાંસમાં એક સમયે શાસકો અને જમીનદારોની સામે અવાજ ઉઠાવનારા લોકો ‘બૌદ્ધિક’ તરીકે ઓળખાઇને પ્રતિષ્ઠા પામ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં બૌદ્ધિકોએ શાસકોના પક્ષે રહીને સમાજ પર પ્રભાવ પાડવાની કોશિશ કરી, ત્યારે ‘બૌદ્ધિક’ વિશેષણ અપમાનસૂચક બની ગયું.

ભારતની વાત કરીએ તો, વર્ણવ્યવસ્થામાં બૌદ્ધિકતા સદીઓ સુધી બ્રાહ્મણોનો ઇજારો હતી. તેનો સંબંધ ભદ્ર-ઉજળિયાત અને સમાજના નીચલા વર્ગોની વિરોધી માનસિકતા સાથે રહ્યો. રાજા-રજવાડાંના સમયમાં રાજકવિઓ-લેખકો ને રાજના વિદ્વાન બ્રાહ્મણો ઉપરાંત ખટપટીયા અને કાબા દીવાનો-મંત્રીઓ-સલાહકારો ‘બૌદ્ધિક’ હતા. અંગ્રેજોના શાસનમાં અંગ્રેજી કેળવણી પામેલા અને અંગ્રેજોના ‘સુધારા’થી પ્રભાવિત બૌદ્ધિકોનો સમુહ અસ્તિત્ત્વમાં આવ્યો. દલપતરામ અને નર્મદ તેમના જમાનાના અગ્રણી બૌદ્ધિક હતા, સમાજ પ્રત્યેની તેમની નિસબત નિર્વિવાદ હતી અને એ બન્નેએ પોતાની કવિતામાં 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે આનંદ વ્યક્ત કરીને અંગ્રેજી શાસનનો જયજયકાર કર્યો હતો.

19મી સદીના ઉત્તરાર્ધ-20મી સદીના આરંભે મોટી સંખ્યામાં નીતાંત રૂઢિચુસ્ત એવા ભારતીય પરંપરાના પંડિત-બૌદ્ધિકો અને ‘જૂનું બધું નકામું’ની આત્યંતિકતા સાથે પાશ્ચાત્ય ‘સુધારા’ના ભક્ત બૌદ્ધિકો હતા. ‘બૌદ્ધિકો’ની અવેજીમાં એ વખતે વપરાતો એક શબ્દ હતોઃ ‘સાક્ષર’. તેમાં એમના જ્ઞાન માટેના આદર-સન્માનની સાથોસાથ એ લોકો વાસ્તવિકતાથી દૂર, પોતાના સાંકડા વર્તુળમાં રાચતા હોવાનો પણ ધ્વનિ હતો.

રાજકીય ક્ષેત્રે 1885માં કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારે એ બૌદ્ધિકોની-મુખ્યત્વે વકીલો અને બીજા ઉજળિયાત અગ્રણીઓની બનેલી સંસ્થા હતી. અંગ્રેજી રાજ દરમિયાન દુનિયાભરનું જ્ઞાન ડહોળતા પણ સમાજના હિતમાં- પોતાના દેશબંધુઓની ઉન્નતિ અર્થે એ જ્ઞાનનો ઉપયોગ ન કરતા વિદ્વાનોને લીધે એવી છાપ ઉભી થઇ કે ‘બૌદ્ધિકો એટલે ફક્ત મિટિંગ-ચર્ચાઓ-સમિતિઓમાં રાચનારા, ન-કામા લોકો.’ ગાંધીજી આવ્યા અને પ્રભાવશાળી વિદ્વત્તાને બદલે સાદગી, સમાજના નીચલા વર્ગોની ફિકર, વાસ્તવિક સમસ્યાઓની ફક્ત ચિંતા જ નહીં, તેની સામે નક્કર કાર્યક્રમ લાવ્યા.

બૌદ્ધિકતાઃ અવાસ્તવિક આદર્શવાદ?

વિચારોની મૌલિકતા અને અભ્યાસની દૃષ્ટિએ ગાંધીજી ‘બૌદ્ધિક’ હતા, પણ આત્માનો અવાજ, અધ્યાત્મ- (તેમની વ્યાખ્યા પ્રમાણેના) સનાતન ધર્મ- જેવી બાબતોને લીધે તેમની પ્રમુખ ઓળખ ‘બૌદ્ધિક’ તરીકેની ન રહી. એ ઓળખ ભારતીય સમાજમાં વ્યાપક પ્રભાવ માટે અડચણરૂપ બને એવો ખ્યાલ ગાંધીયુગમાં વધુ દૃઢ બન્યો. (તેના માટે અંગ્રેજી કેળવણી પ્રત્યેનો અનાદર પણ કારણભૂત હતો.) એટલે સરદાર પટેલ જેવા લંડનના બેરિસ્ટર જાહેર સભાઓમાં બિનધાસ્ત કહેતા, ‘હું તો ચાર ચોપડી ભણેલો...હું તો ખેડૂતનો દીકરો...મારા જેવો વગર ભણેલો...’

કોંગ્રેસી નેતાગીરીની સમાંતરે અને સામે ઉભા થયેલા ડાબેરીઓ-સામ્યવાદીઓ-સમાજવાદી-ક્રાંતિકારીમાંથી ઘણા લોકો તેજસ્વી અને લોકોમાં લાગણી- આંદોલન પેદા કરી શકે એવા ‘બૌદ્ધિક’ હતા. પણ તેમની બૌદ્ધિકતા ‘અવાસ્તવિક આદર્શવાદ’ તરીકે ખપી જતી હતી-ખપાવી દેવામાં આવતી હતી. (એ રીતે જોતાં ગાંધીજીએ સેવેલા આદર્શ કેટલી હદે વાસ્તવિક હતા, એવો સવાલ પણ થવો જોઇતો હતો.) જવાહરલાલ બૌદ્ધિક હતા, પણ લાગણીઓથી દોરવાઇ જવાની પ્રકૃતિને લીધે બૌદ્ધિકતા તેમનો સ્થાયી ભાવ ન બની. તેમની બૌદ્ધિકતાનો જેટલો લાભ જેટલો તેમનાં પુસ્તકો થકી મળ્યો, એટલો તેમના શાસન થકી મળી શક્યો નહીં. ‘બૌદ્ધિકતા’ને પ્રાધાન્ય આપતા છતાં છેવાડાના માણસનાં દુઃખદર્દની વાત કરતા ડાબેરીઓમાંથી ઘણાખરા સત્તા મળ્યા પછી કે વિરોધ પક્ષ તરીકે પણ સ્થાપિત હિતપ્રધાન થઇ ગયા. તેમની બૌદ્ધિકતામાં પક્ષીય રાજકારણનો ભેગ થયો. બીજી તરફ, ‘બૌદ્ધિકો એટલે ડાબેરીઓ’ એવું સમીકરણ પણ પ્રચલિત બન્યું.

‘બૌદ્ધિક’ અથવા વધારે બહોળા અર્થમાં ‘પ્રજાલક્ષી બૌદ્ધિક’ (પબ્લિક ઇન્ટલેક્ચુઅલ)ની ભારત જેવા પ્રચંડ વૈવિધ્ય ધરાવતા દેશમાં સદા જરૂર રહેવાની. એ વ્યાખ્યામાં વ્યવસાયની રૂએ આવનારા શિક્ષણજગત, ન્યાયજગત અને લેખન-પત્રકારત્વજગતના લોકોમાંથી ઘણા રાજકીય વફાદારીઓ, હોદ્દા અને લોકપ્રિયતાની લાલચોમાં પડીને હોંશેહોંશે બૌદ્ધિક મટી ગયા. કપાયેલા નાકવાળાની બહુમતિ હોય ત્યાં નાક હોવું તે લાંછનરૂપ બની જાય, કંઇક એવી જ સ્થિતિ ઘણે અંશે બૌદ્ધિકતાના મામલે સર્જાઇ. જમણેરી રાજકારણના વધેલા પ્રભાવે પણ ‘બૌદ્ધિકો’ના ભેદ પાડ્યા વિના, તમામ ‘બૌદ્ધિકો’ સામે દ્વેષની લાગણી જગાડવામાં મોટો ફાળો આપ્યો. હિટલરયુગના જર્મનીમાં ‘બૌદ્ધિકો’ને દેશદ્રોહી અને સમાજવિરોધી તરીકે ચીતરવા માટે સમાજને રાષ્ટ્રવાદનું અફીણ પાવામાં આવતું હતું. ભારતમાં-ખાસ કરીને ગુજરાતમાં- એવી જ પદ્ધતિથી ‘બૌદ્ધિક’ માત્રને અનિષ્ટ તરીકે ચીતરવામાં આવ્યા, જેમના ગુણદોષની ચર્ચા કરવાની ન હોય. તેમને ફક્ત ગાળ જ દેવાની હોય. ધાર્મિક કુરિવાજો અને ગાડરિયાશાહીનો વિરોધ ‘બૌદ્ધિકતા’નું લક્ષણ હોવાથી, ધાર્મિક અથવા અન્ય ઝનૂન ધરાવતા લોકોને પણ ‘બૌદ્ધિકો’ને દુશ્મન ધારી લેવાનું અનુકૂળ રહ્યું.

‘બૌદ્ધિક’ એ કોઇ નિશ્ચિત ઓળખ ધરાવતો લોકસમુહ નથી. શાંત ચિત્તે અને યોગ્ય વિચાર કરીને, અંગત સ્વાર્થ કે પૂર્વગ્રહો વચ્ચે લાવ્યા વિના કોઇ નિર્ણય કે અભિપ્રાય પર આવે એવા તમામ લોકો બૌદ્ધિક ગણાય. (મુખ્યત્વે શિક્ષણ કે અભ્યાસના ક્ષેત્રે કેવળ સિદ્ધાંતો પર ગહન કામ કરનાર બૌદ્ધિકો અને તેમની ઉપયોગીતા-મર્યાદા આ લેખનો વિષય નથી. એટલે એ મુદ્દો અહીં ચર્ચ્યો નથી.) પરંતુ ‘બૌદ્ધિક’ની પ્રચલિત ઓળખ ધરાવનારા લોકોમાંથી ઘણા આ કસોટી પર ખરા ઉતરી શક્યા નથી. પ્રસિદ્ધિની ભૂખ અને આર્થિક હિતથી માંડીને પકડેલું પૂંછડું ન છોડી શકવાની લાચારી જેવી તેમની વ્યક્તિગત મર્યાદાઓ, વિરોધી પ્રચારને કારણે, સમગ્રપણે ‘બૌદ્ધિકો’ના માથે ઠોકી બેસાડવામાં આવી છે.

એક તરફ ‘બૌદ્ધિકો’ અને બીજી તરફ નામમાત્ર ‘બૌદ્ધિકો’નો વિરોધ કરનારા વચ્ચે એક નાગરિક તરીકે શું થઇ શકે? બધા ‘બૌદ્ધિકો’ એક અને એકસરખા નથી એ યાદ રાખવું પડે. પોતાનાં હિતો જળવાઇ રહે એ ખાતર બૌદ્ધિકો અને બૌદ્ધિકતા સામે ધીક્કાર ફેલાવનારા સમાજના હિતેચ્છુ નથી એ પણ ભૂલવું નહીં. વિરોધી પ્રચારની ગાડીમાં જાણેઅજાણે ચડી બેઠેલા લોકો બીજાને પણ પોતાની સાથે ખેંચી લેવા હાથ લાંબો કરશે. તેમને પોતાનો હાથ આપતાં પહેલાં વિચાર કરવો.. ‘બૌદ્ધિકો’એ ઉભા કરેલા મુદ્દાની આકરામાં આકરી ટીકા થઇ શકે, સરકારની જેમ બૌદ્ધિકો રસ્તો ભૂલતા હોય કે ધુમાડે જતા હોય ત્યારે તેમને ટપારવા પડે, પણ ‘બૌદ્ધિકો તો અમારે ખપે જ નહીં’ એવા વલણથી બચવું. ‘બૌદ્ધિકો’ નામે સમાજઘાતી છે, એવો પ્રચાર સમાજ અને વ્યકિતને જાગતા કરવા નહીં, પણ તેમને સદા ઉંઘતા રાખવા માટેનો હોય છે.,

- અને જાગવું કે ઉંઘતા રહેવું, એ સવાલ વ્યક્તિગત પસંદગીનો છે.

Sunday, September 04, 2011

ગાંધીજીએ ઉપવાસ અને સત્યાગ્રહ વચ્ચે પણ ભેદ પાડ્યો હતો

Gandhi on fast


ભારતીય પરંપરા પ્રમાણે કોઇ પણ વ્યક્તિ ઉપવાસ કરે એટલે તેમના માર્ગને ગાંધીચીંઘ્યો કે ગાંધીવાદનો ગણી લેવામાં આવે છે. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ હેતુઓ માટે જેટલી સંખ્યામાં અને ખાસ્સી સફળતા સાથે ઉપવાસ પ્રયોજ્યા, એ જોતાં ઉપવાસ, સત્યાગ્રહ અને ગાંધીજી લોકનજરમાં એકમેકના પર્યાય બની જાય એ સમજી શકાય એવું છે. પરંતુ ગાંધીજીએ આપેલા ઉપવાસના શાસ્ત્રમાં અને ઉપવાસ ક્યારે સત્યાગ્રહ બને (અથવા ન બને) તેની સમજૂતીમાં સહેજ ઉંડા ઉતરવાથી આ વિષય પરની સમજણ વધારે સ્પષ્ટ બની શકે.

ઉપવાસ ગાંધીજી માટે આઘ્યાત્મિક અને ઇશ્વર સાથે સંકળાયેલી બાબત હતી, જેની સાથે આજના નેતાઓને જ નહીં, ઘણા નાગરિકોને પણ સંમત થવું અઘરૂં લાગે. પોતાના જીવનના અંતીમ ઉપવાસ (જાન્યુઆરી, ૧૯૪૮માં) કર્યા પછી મૃત્યુના માંડ ૧૧ દિવસ પહેલાં તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું, ‘આજકાલ ઘણા લોકો વગર વિચારે ને વગરસમજે નકલ કરવા નીકળી પડે છે. તેથી મારે સૌને ચેતવવા જોઇએ કે આટલા જ વખતમાં આવાં જ પરિણામની અપેક્ષા રાખીને આવી જાતનો ઉપવાસ કોઇ શરૂ ન કરે...ઉપવાસની શરતો કપરી છે. ઇશ્વર વિષે જીવતીજાગતી શ્રદ્ધા ન હોય તો ઉપવાસ માંડી બેસવાનો કશો અર્થ નથી...ઉપવાસ માટે ઇશ્વરનો જોરદાર આદેશ તો જ મળે જો ઉપવાસનો આશય વાજબી હોય, સાચો હોય અને વેળાસરનો હોય. આમાંથી એવું પણ ફલિત થાય છે કે આવું પગલું લેતાં પહેલાં લેનારે આગળથી લાંબી તૈયારી કરવી પડે છે. તેથી મારી સલાહ છે કે કોઇ ઝટઝટ ઉપવાસ પર ન ચડી જાય.’(૧૯-૧-૪૮, દિલ્હી ડાયરી)

ઉપવાસ માટેની તેમની સમજણ હતી કે ‘જેઓ પોતાને વિરોધી અથવા દુશ્મન માનતા હોય તેવાઓ સામે ઉપવાસ ન કરી શકાય. ઉપવાસ હંમેશ જે પોતાની ઉપર પ્રેમ રાખતા હોય અને પોતાની પ્રવૃત્તિમાં સાથ આપતા હોય તેમની સામે જ કરી શકાય. વિરોધીનો મત ફેરવવા માટે ઉપવાસ યોગ્ય સાધન ન ગણાય.’(મહાદેવભાઇની ડાયરી-૨)

ગાંધીજીના ઉપવાસ ઉપર પણ ગેરવાજબી દબાણના આરોપ થયા હતા. એ વિશે પોતાની સમજણ રજૂ કરતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘શરતી ઉપવાસની શરત કરવામાં વિવેક અને મર્યાદા હોવાં જોઇએ. એવા ઉપવાસ પોતાના મિત્રો અને સાથીઓ ઉપર એક જાતનું દબાણ લાવે છે, પણ એ પ્રેમનું દબાણ હોઇ ઇષ્ટ ગણાય. કારણ, તેમના સૂતેલા અંતરાત્માને ઢંઢોળીને એ જગાડે છે અને તેમને પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરે છે.’ 


ગાંધીજીની સમજણ એવી હતી કે પોતાની માન્યતાને જે માણસ ધર્મ જેટલું મહત્ત્વ ન આપતો હોય કે એ માન્યતા પાછળ ઊંડો વિચાર કરેલો ન હોય, તો એવો માણસ લોકમતને માન આપીને અથવા ઉપવાસ કરનાર પ્રત્યેની લાગણીથી નમતું જોખે, ત્યારે તેમાં બળજબરી થઇ ન ગણાય. પણ જે માન્યતાને માણસ ધર્મ ગણતો હોય તે માન્યતાને કોઇના’ ઉપવાસથી વશ થઇને છોડી ન શકાય. મહાદેવભાઇએ ગાંધીજીનું વાક્ય ટાંકતાં કહ્યું છે, ‘મારી સામે લાખ માણસો ઉપવાસ કરે તો પણ, જેને હું મારો ધર્મ ગણતો હોઉં તે વસ્તુ ન છોડું.’(મહાદેવભાઇની ડાયરી-૨) તે એમ પણ માનતા હતા કે ‘ઉપવાસ ખોટા હેતુ પાર પાડવાને કરવામાં આવતા હોય તેમને અવગણવાની દૃઢતા લોકો કેળવતા થશે તો તેવા ઉપવાસોમાં રહેલું જબરજસ્તીનું અથવા અણઘટતા પ્રભાવનું દૂષિત તત્ત્વ દૂર થઇ જશે.’(હરિજન, ૯-૯-૩૩)

ગાંધીજીને ઉપવાસના નિર્ણય ભણી ધકેલનારું એક પરિબળ હતું એમને થતો લાચારીનો અનુભવ. કોમી હિંસા ચાલી રહી હોય અને તેમાં કંઇ જ ન કરી શકવાની લાચારી ગાંધીજી અનુભવતા હોય ત્યારે એ લાગણી છેવટે અંતરાત્માનો અવાજ બનીને ગાંધીજીને ઉપવાસ કરવા પ્રેરતી. જાન્યુઆરી, ૧૯૪૮ના ઉપવાસ વખતે તેમણે કહ્યું હતું, ‘ઉપવાસ સત્યાગ્રહીનો છેવટનો ઇલાજ છે...મુસલમાન ભાઇઓ મને આવીને પૂછે છે કે હવે અમે શું કરીએ? મારી પાસે આ સવાલનો કોઇ જવાબ નથી. થોડા સમયથી મારી આ લાચારીની લાગણી મને કોરી ખાતી હતી. ઉપવાસ શરૂ થતાંની સાથે એ ઉડી જશે.’(૧૨-૧-૪૮, દિલ્હી ડાયરી)

પોતાના સાથીદારોમાં અપાર સ્વીકૃતિ ધરાવતા હોવા છતાં ગાંધીજીના ઉપવાસના નિર્ણયનો સાથીદારો પોતપોતાનાં કારણો અને સમજણો અનુસાર વિરોધ પણ કરતા હતા. દલિતોને અલગ મતદાર મંડળના વિરોધમાં ગાંધીજીએ ઉપવાસનો નિર્ણય લીધો ત્યારે સરદાર પટેલે તેમને કહ્યું હતું,‘આ વસ્તુ ખળભળાટ કરશે. એને માટે (દલિતો પ્રત્યેના વર્તનમાં સુધારો કરવા માટે) હિંદુ સમાજને નોટિસ જોઇએ. એ લોકોને તો તમારા ઉપવાસ છોડાવવા સાથે વાત છે. આ બધી માગણી કરો તો સમાજ પર બળાત્કાર થાય. તમે સમાજને મજબૂત નથી કરી શકતા.’ 


૧૯૪૨ની અસલી ઓગસ્ટ ક્રાંતિ શરૂ થઇ તે પહેલાં ગાંધીજીએ વિચાર્યું હતું કે હવે જેલમાં જવાનું થાય તો જતાવેંત ઉપવાસ પર ઉતરવું. ગાંધીજીના વ્યક્તિત્વમાં પોતાની જાતને ઓગાળી દેનાર મહાદેવભાઇ દેસાઇએ આ મુદ્દે પોતાનો વિરોધ મુદ્દાસર પ્રગટ કરતો એક લાંબો પત્ર લખ્યો. તેમા એમણે લખ્યું હતું, ‘મને આખી કલ્પના જ ભમરાળી લાગે છે એમ કહું તો માફ કરશો. શોર્ટ અને સ્વિફ્‌ટ (ટૂંકું અને ત્વરિત)નો ખ્યાલ આપ મનમાંથી કાઢી નાખો. ઉતાવળે આંબા ન પાકે તેમ ઉતાવળે બલિદાનો પણ ન અપાય.’(૨૭-૭-૪૨, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ) ગાંધીજીના બીજા તેજસ્વી સાથીદાર સ્વામી આનંદે તેમને લખ્યું, ‘અંગ્રેજો સામેનો વિરોધ જારી રાખવો. એને જોઇએ તેટલું આકરું અને વ્યાપક સ્વરૂપ આપવું. એક્ટિવ પણ અહિંસક બળવાનો કોઇ કાર્યક્રમ દેશ આગળ મુકાવો જોઇએ. આમરણ ઉપવાસની વાત બહુ અપ્રસ્તુત લાગે છે.’

ઉપવાસનો નિર્ણય અંતરાત્માના અવાજ સાથે સંકળાયેલો હોવાથી, એક વાર તે લેવાઇ ગયા પછી ગાંધીજી એ વિશે ખાસ ચર્ચા કરતા નહીં. તેમ છતાં, એ વિશેના વિરોધી અભિપ્રાયો પણ સ્વીકારવા જેટલી ખુલ્લાશ રાખતા. અલગ મતદાર મંડળના વિરોધ વખતે ઉપવાસ શરૂ થવાના હતા એ સવારે અઢી વાગ્યે ઉઠીને તેમણે રવીન્દ્રનાથ ટાગોરને પત્ર લખ્યો. તેમાં લખ્યું હતું, ‘પ્રિય ગુરૂદેવ,...તમે મારા સાચા મિત્ર છો. કારણ તમે મારા નિખાલસ મિત્ર છો...તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તો પણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જો મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઇએ છે.’

બધા ઉપવાસને ગાંધીજીના ઉપવાસ સાથે સરખાવતી વખતે ગાંધીજીએ દોરી આપેલી ઉપવાસ અને સત્યાગ્રહ વચ્ચેની ભેદરેખા મનમાં આંકી રાખવી જરૂરી છે. ‘ઉપવાસ એ સત્યાગ્રહનો એક પ્રકાર અને જલદ પ્રકાર છે. પણ એ ઉપાય લેવામાં ઘણી ઉતાવળ અને ભૂલો થવાનો સંભવ છે’એમ જણાવીને તેમણે લખ્યું હતું, ‘ઉપવાસથી વિરોધીની ન્યાય કે ધર્મવૃત્તિ જ જાગ્રત ન થાય, પણ કેવળ એની કૃપાવૃત્તિ જાગે કે કજિયાનું મોં કાળું કરવાની વૃત્તિથી એ સત્યાગ્રહીની જીદ પૂરી કરે એમ બને. આમાં સત્યાગ્રહ થયો એમ ન કહેવાય.’ આ જ બાબતે તેમણે લખ્યું, ‘તંત્ર સામેના સત્યાગ્રહમાં ઉપવાસ એ છેવટનું પગલું છે. જ્યારે સત્યાગ્રહી પરાધીન સ્થિતિમાં હોય અને સત્યાગ્રહના બીજા કોઇ પણ ઉપાય લેવા એને શક્ય ન હોય, તથા તંત્ર દ્વારા થતો અધર્મ એને એટલો સાલે એવો હોય કે એ અધર્મ કે અન્યાયને સહન કરતાં જીવવું એ કેવળ સત્ત્વહીન દશાનું જીવતર બને ત્યારે જીવન છોડવાની તૈયારીથી જ એ અનશન શરૂ કરે.’(ગાંધીવિચારદોહનઃ કિશોરલાલ મશરૂવાળા, પૃષ્ઠ ૫૫-૫૬)

આ પ્રકારના ઉપવાસમાં જડ વલણ દાખવવા સામે ચેતવણી આપતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘(આમરણ ઉપવાસ કરવા પડે) એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે એવો નિર્ણય કરવામાં એ લાગણીને અતિ તીવ્ર નહીં કરે. પણ તંત્ર ચલાવનાર વ્યવસ્થાપકોની મુશ્કેલીઓનો તથા એમને પડી ગયેલી જૂની ટેવોનો પણ યોગ્ય વિચાર કરે તથા તે માટેની ઘટતી છૂટછાટ પણ મૂકે. વળી અનિવાર્ય અને આકસ્મિક ન્યાય અને ઇરાદાપૂર્વકના અન્યાય અથવા અન્યાયી નિયમો- એ વચ્ચે પણ એ વિવેક કરશે...’ ‘એક બાજુથી સત્યાગ્રહ રૂપે ઉપવાસ શરૂ કરવો અને બીજી બાજુથી પોતાની માગણીને મંજૂર રખાવવા વિરોધીના ઉપરીઓ દ્વારા દબાણ લાવવા પ્રયત્ન કરવો બરાબર નથી. એવા ઉપવાસને સત્યાગ્રહ કહી શકાય નહીં.’(ગાંધીવિચારદોહન, પૃષ્ઠ ૫૭)

Thursday, September 01, 2011

બુંદ જો બન ગઇ મોતી ઉર્ફે કુદરતી ‘લીલા’

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો. એટલે વરસાદમાં નહાઇને તાજામાજા થયેલા છોડ જોવા મળ્યા. ગુજરાતી કટારલેખક તરીકે ચિંતન-એટેક આવી જાય એવી સિચ્યુએશન ગણાય. પણ એને બદલે જુદાં જુદાં પાન પર આસન જમાવીને બેઠેલાં વરસાદનાં ટીપાં જોવામાં એટલી મઝા પડી કે ચિંતન-ફિંતન ક્ષુલ્લક લાગે. (જોકે, એ તો અમસ્તું પણ લાગે જ છેઃ-)


ફૂલછોડમાં મારું જ્ઞાન શૂન્યવત્, પણ કુદરતી લીલાની એ જ મઝા છેઃ એના માટે જ્ઞાની ન હોઇએ, તો ફક્ત જિજ્ઞાસુ- પીપાસુ હોવાથી કામ ચાલી જાય છે. વરસાદ ભલે એકસરખો પડ્યો હોય, પણ જુદા જુદા કદ-આકાર-વિન્યાસ ધરાવતાં પાન પર તે કેવી એકદમ અલગ રીતે ઝીલાય છે, એ જોવામાં બહુ આનંદ આવ્યો. અસલ એ અસલ ને તસવીરો એ તસવીરો. છતાં મને આવેલો આનંદ થોડોઘણો તમારા સુધી પણ પહોંચે તો કેવું? એમ વિચારીને લીધેલી આ તસવીરો.


આમને જોઇને તો એવું જ લાગે કે પાન ઉપરનાં જળબિંદુઓ ઉપરથીપડેલાં નહીં, અંદરથી ઉગેલાં છે. પાનની અંદર પથરાયેલા શિરાઓના જાળાની જેમ વરસાદી બિંદુઓ પાનના શરીરનો હિસ્સો હોય એવું જ લાગે. ગમે તેવો ઢાળ આવે તો પણ ઢળે નહીં ને પાન ઊભું હોય તો પણ ટીપાં નીચે પડે નહીં.





આ પાનાં પર જળબિંદુઓની ભાત ખરી, પણ ત્રીજા-ચોથા ધોરણના છોકરાએ દોરવાને બદલે ચીતરી મારી હોય એવી.




...અને પરમહંસ જેવાં ‘સ્થિતપ્રજ્ઞ’ આ પાનાં પર ઝરમર પડે કે રમઝટ, એની સપાટી પરથી જણાય જ નહીં. તેમને જોઇને ટપોરીબોલીમાં કોઇને ‘એ ચીકને’ કહેવાનું મન થઇ આવે.