Monday, May 31, 2010

‘કૃત્રિમ કોષ’નું સર્જનઃ હલ્લાગુલ્લા અને હકીકત

કોઇ કહે છે, ડો. ક્રેગ વેન્ટરની ટીમે કૃત્રિમ કોષનું સર્જન કર્યું, તો કેટલાક ઉત્સાહીઓ દાવાના પતંગમાં વધારે ઢીલ મૂકતાં કહે છે કે ડો.વેન્ટરે કૃત્રિમ જીવનનું સર્જન કરીને માણસને ભગવાનની હરોળમાં મૂકી દીધો છે.

બેશક, જીવવિજ્ઞાનની તવારીખમાં ડો.વેન્ટરની ટીમની સિદ્ધિ નોંધપાત્ર અને ઐતિહાસિક છે. પરંતુ તેની મહત્તા અને મર્યાદાનો, ભાવિ સંભાવનાઓ અને પરિણામો-દુષ્પરિણામોનો ખ્યાલ મેળવવા માટે પ્રચારવાયુના ઘુમાડાથી દૂર જવું જરૂરી છે.

જનીનવિજ્ઞાનમાં ડો.વેન્ટરનું નામ અને કામ સિદ્ધિની સાથોસાથ વિવાદનો પણ પર્યાય ગણાય છે. પોતાનાં સંશોધનો માટે નાણાં ઉભાં કરવામાં અને દરેક નવી શોધનો પ્રચાર કરવામાં વેન્ટર પાવરધા છે. પરંતુ તેમની સિદ્ધિઓ પણ અવગણી શકાય એવી નથી. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા માનવશરીરમાં રહેલા ડીએનએના તમામ છ અબજ ઘટકો ઉકેલવાનું કામ સરકારી રાહે ચાલતું હતું, ત્યારે વેન્ટરની કંપની સેલેરા જિનોમિક્સે એવો સપાટો બોલાવ્યો કે સરવાળે આખું કામ નિયત મુદત કરતાં વહેલું પૂરૂં થયું. એટલું જ નહીં, સરકારી ભંડોળથી કામ કરતી વૈજ્ઞાનિકોની ટુકડીની સાથે વેન્ટરને પણ સરખા ભાગનો જશ આપવામાં આવ્યો હતો.

વેન્ટરની સામાન્ય છાપ હોલિવુડની ફિલ્મોમાં દર્શાવાતા, જિનીયસ પણ સારા-ખોટાનો ભેદ ન રાખતા વૈજ્ઞાનિક જેવી છે. આ જ કારણથી કેટલાક તેમને હિટલરના રોકેટ વૈજ્ઞાનિક વર્નર બ્રાઉન સાથે સરખાવે છે. (બ્રાઉન માટે કહેવાતું હતું કે તેમનો રસ કેવળ રોકેટને ઉપર મોકલવામાં હતો. પછી એ રોકેટ નીચે ક્યાં, કોની પર પડે છે એની સાથે તેમને કશી નિસબત ન હતી.) વેન્ટરની ઝડપ, તેમની ભંડોળ એકઠું કરવાની ક્ષમતા અને પ્રચારપટુતાથી તેમના વિશેની છાપ વખતોવખત દૃઢ બની છે. (એક અહેવાલ પ્રમાણે તેમણે પોતાના લેટેસ્ટ સંશોધન- કૃત્રિમ ડીએનએના પેટન્ટ હકો માટે અરજી કરી દીધી છે.) પરંતુ તેમની સિદ્ધિઓ એવી નક્કર હોય છે કે તેના મહત્ત્વની ટકાવારી વિશે મતભેદ હોઇ શકે, પણ તેને અવગણી શકાતી નથી.

એટલે જ, વેન્ટરની ટીમે ‘કૃત્રિમ કોષ’ બનાવ્યાની જાહેરાતથી દુનિયાભરનાં પ્રસાર માઘ્યમોમાં ઉત્તેજના ફેલાઇ છે. અગાઉ વેન્ટરની ટીમ કૃત્રિમ જિનોમ બનાવી ચૂકી છે અને એક બેક્ટેરિયમના આખા જિનોમનું બીજા બેક્ટેરિયમના ડીએનએમાં પ્રત્યારોપણ પણ કરી ચૂકી છે. (‘બેક્ટેરિયા’ બહુવચન છે. એટલે એક બેક્ટેરિયા માટેનો શબ્દ છેઃ બેક્ટેરિયમ) આ વખતે વેન્ટરની મંડળીએ ‘કૃત્રિમ કોષ’માં કેવીક ધાડ મારી છે, એ જાણતાં પહેલાં કેટલીક પાયાની બાબતો પર ઉડતી નજર કરી લઇએઃ

કોષ રચનાની દૃષ્ટિએ સજીવોના બે પ્રકાર હોય છેઃ કોષકેન્દ્ર સહિતની બીજી અટપટી રચનાઓ ધરાવતા/યુકેરિઅટિક અને કોષકેન્દ્ર વગરના, ફક્ત સાઇટોપ્લાઝ્મ તરીકે ઓળખાતું પ્રવાહી ધરાવતા/ પ્રોકેરિઓટિક. પહેલા પ્રકારમાં મનુષ્ય-પશુપંખીઓ-વનસ્પતિ સૃષ્ટિ અને ફુગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બીજા પ્રકારની રચના મુખ્યત્વે એકકોષી જીવોમાં જોવા મળે છે. એ ઉપરાંત કેટલાક બહુકોષી બેક્ટેરિયા પણ આ પ્રકારમાં આવે છે.

કોઇ પણ સજીવના શરીરની કામગીરી તેના કોષો થકી થાય છે અને દરેક કોષનું સંચાલન તેમાં રહેલું ડીએનએ કરે છે. એ દૃષ્ટિએ ડીએનએને એક ‘ઓફિસ મેન્યુઅલ’ જેવું કલ્પી લો, જે ઓફિસમાં દરેકે દરેક ટેબલ પર હોય અને તેમાં ઓફિસની દરેકેદરેક વ્યક્તિની કામગીરીની સૂચના લખેલી હોય. એવું ડીએનએ ગુંચળા સ્વરૂપે દરેક કોષમાં મોજૂદ હોય છે- સજીવ કોષકેન્દ્ર ધરાવતો હોય તો તેના કોષકેન્દ્રમાં અને કોષકેન્દ્ર ન હોય એવા સજીવોના કોષમાં આવેલા પ્રવાહી સાઇટોપ્લાઝ્મમાં.

ડીએનએના ગુંચળામાં એ, ટી, સી અને જીના ટૂંકા નામે ઓળખાતા ચાર બેઝ હજારો-લાખોની સંખ્યામાં હારબંધ ગોઠવાયેલા હોય છે. (મનુષ્યના ડીએનએમાં આ ચાર મૂળભૂત ઘટકોનો કુલ આંકડો ૬ અબજનો છે.) કમ્પ્યુટરમાં સઘળો ડેટા જેમ ૦ અને ૧ની જુદી જુદી ગોઠવણો દ્વારા સંઘરાયેલો હોય છે, એવી જ રીતે, ડીએનએમાં પહેલી નજરે અવળસવળ છતાં વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલા ચારે બેઝથી અર્થપૂર્ણ ‘સૂચનાઓ’ સર્જાય છે. એ સૂચનાઓ સમજીને દરેક કોષ પોતપોતાનું કામ કરે છે. આખા ડીએનએમાં બેઝની ગોઠવણીનો વિગતવાર નકશો ‘જિનોમ’ તરીકે ઓળખાય છે. જિનોમમાં દેખાતા બેઝની સાંકેતિક લિપિ ઉકેલી શકાય તો સજીવના શરીરનું નિયમન કરતું મેન્યુઅલ વાંચી શકાય.

જિનોમમાં કેટલોક હિસ્સો ચોક્કસ પ્રકારની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે, જ્યારે ‘જન્ક’ તરીકે ઓળખાતો બહુ મોટો હિસ્સો કોઇ દેખીતી કામગીરી (જેમ કે અમુક પ્રોટિનના ઉત્પાદન) સાથે સંબંધ ધરાવતો નથી.

હવે ક્રેગ વેન્ટરની ટીમે શું કર્યું તે જોઇએ. વેન્ટરની ટીમે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે કોષકેન્દ્ર વગરના એક બેક્ટેરિયમ (નામે માઇકોપ્લાઝ્મા માઇકોઇડ્સ)નું ડીએનએ બનાવ્યું. તેને નામ આપ્યું ‘સિન્થીઆ’. અગાઉ પણ તે સફળતાપૂર્વક કૃત્રિમ ડીએનએ બનાવી ચૂક્યા હતા. નવું કામ તેમણે એ કર્યું કે કૃત્રિમ રીતે તૈયાર કરેલા ડીએનએ- સિન્થીઆને બીજા જીવંત (અને કુદરતી) કોષમાં દાખલ કર્યું. બેક્ટેરિયમનો એ કોષ એવો હતો, જેમાં પ્રવાહી (સાઇટોપ્લાઝ્મ) સહિતનું બઘું કુદરતી હતું, પણ ડીએનએ દૂર કરી નાખવામાં આવ્યું હતું. તેના સ્થાને પ્રયોગશાળામાં બનેલું કૃત્રિમ ડીએનએ દાખલ કરવામાં આવ્યું- જાણે કમ્પ્યુટરની ખાલીખમ હાર્ડ ડિસ્કમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરી. વેન્ટર એન્ડ કંપનીની સિદ્ધિ એ છે કે કુદરતી રીતે બનેલા કોષે કૃત્રિમ રીતે બનેલા ડીએનએનો સ્વીકાર કર્યો અને તેની સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, એ કોષનું વિભાજન થતાં જે નવા કોષ બન્યા, તેનું ડીએનએ પણ કૃત્રિમ ડીએનએની ઝેરોક્સ કોપી જેવું હતું.

ઉપરનું વર્ણન શાંતિથી વાંચતાં સમજાશે કે વેન્ટરની ટીમે નવો કોષ બનાવ્યો નથી. બલ્કે કૃત્રિમ ડીએનએને કુદરતી કોષમાં સ્થાપિત કરીને, તેને સફળતાપૂર્વક કામ કરતું બનાવી દીઘું છે. બીજા શબ્દોમાં કહીએ તો, કુદરતી કોષને કૃત્રિમ સૂચનાઓ પ્રમાણે વર્તતો કરવામાં અથવા કુદરતી કોષ પાસે કૃત્રિમ રીતે, ધાર્યું કરાવવામાં સફળતા મેળવી છે. તેને ‘કૃત્રિમ જિંદગી’ તો ઠીક, ‘કૃત્રિમ કોષ’નું સર્જન પણ ન કહી શકાય.

છતાં, કૃત્રિમ ડીએનએની મદદથી કુદરતી કોષ પાસે ધાર્યું કરાવવાની સિદ્ધિ જેવીતેવી નથી. સજીવોના સ્વભાવ, વિશિષ્ટતાઓ, લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ- એ બધાની ચાવી ડીએનએ પાસે હોય છે. જેમ ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગીતાનો અને તેમાં જોવા મળતા વૈવિઘ્યનો પાર નથી, એવું જ કૃત્રિમ ડીએનએની બાબતમાં પણ કહી શકાય. ચોક્કસ પ્રકારનું ડીએનએ બનાવીને તેને બેક્ટેરિયાનાં ‘ખોખાં’માં ભરવાથી એવા સજીવ બનાવી શકાય છે, જેમનું અત્યાર લગી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સર્જન થઇ શક્યું નથી. જેમ કે, વાયુપ્રદૂષણ કરતા કાર્બન ડાયોક્સાઇડને બળતણમાં ફેરવી નાખે એવા બેક્ટેરિયા અથવા સમુદ્રમાં ઢોળાયેલા ક્રુડ ઓઇલનું
બિનહાનિકારક પદાર્થોમાં વિઘટન કરી નાખે એવા બેક્ટેરિયા.

આ શક્યતાઓને હવાઇ તુક્કા ગણવાની જરૂર નથી. એક્ઝોન મોબિલ જેવી જાયન્ટ ઓઇલ કંપની એક પ્રકારની શેવાળના ડીએનએમાં ફેરફાર કરીને બાયોફ્યુઅલ બનાવવાના કરાર અને નોવાર્તિસ જેવી ફાર્માસ્યુટિકલ કંપની રસી બનાવવાના કરાર ડો.વેન્ટરની કંપની સાથે કરી ચૂકી છે. તેમણે વેન્ટરના સંશોધનમાં નાણાં પણ રોક્યાં છે. પર્યાવરણ અને બળતણની બાબતમાં અમેરિકાની સરકારને પણ રસ હોવાથી, તેમણે વેન્ટરના સાહસમાં અંશતઃ રોકાણ કર્યું છે. બેક્ટેરિયાના કે બીજા સૂક્ષ્મ જીવોના કોષનું ડીએનએ બદલીને તેને રસી કે બળતણના ઉત્પાદન જેવા ‘સત્કાર્ય’માં લગાડવાથી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે.

કુદરતી કોષમાં કામ કરતા કૃત્રિમ ડીએનએના ફાયદાની સામે ભયસ્થાનો પણ ઘણાં છે. બેક્ટેરિયા માટે કૃત્રિમ ડીએનએ બનાવતાં કંઇક ભૂલ રહી જાય અથવા ઓડનું ચોડ વેતરાઇ જાય તો બેક્ટેરિયા ઉપયોગી બનવાને બદલે જોખમી બની શકે અને એવા બેક્ટેરિયા પ્રયોગશાળાની બહાર પગ કરી જાય તો તેમનો ઉપદ્રવ કાબૂમાં લેવાનું અઘરૂં પડે.

પરંતુ એક વાત નક્કી છેઃ ડો. વેન્ટર અને તેમના જેવા વૈજ્ઞાનિકોએ પાડેલા આ ચીલાનો કેવળ વિરોધ કરવામાં શાણપણ નથી. તે ઇચ્છનીય નથી અને હવે શક્ય પણ નથી. કૃત્રિમ કોષના સર્જનની દિશામાં આ પહેલું છતાં મહત્ત્વનું પગથીયું છે. કોષકેન્દ્ર ધરાવતા કોષમાં હજુ કૃત્રિમ ડીએનએનો અખતરો બાકી છે. ત્યાર પછી કૃત્રિમ કોષના અને કૃત્રિમ જીવનના સર્જનનો તબક્કો આવે ત્યારે ખરો. પણ અત્યારે કૃત્રિમ ડીએનએને કુદરતી કોષમાં મૂકવાના પ્રયોગો અંગે યોગ્ય નીતિ કરવામાં આવે અને વ્યાપારીકરણનાં અનિષ્ટો અને મોનોપોલીની શક્યતાઓ નિવારવામાં આવે એ જરૂરી છે. એટલી સાવચેતી સાથે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે, તો માનવજાતની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળવાની- અને કેટલીક નવી સમસ્યાઓ ઉભી થવાની- શક્યતા ઉજળી છે.

Wednesday, May 26, 2010

ગરમીનિવારણઃ મહાનુભાવોની નજરે

નર્મદા યોજના કરતાં પણ વધારે પ્રમાણમાં કોઇ એક મુદ્દે આખું ગુજરાત સંમત થયું હોય તો એ છે: ગરમીનો પ્રકોપ. કોમી હિંસામાં મૂક સાક્ષી બનેલા ગુજરાતના બહુમતી નાગરિકો પશ્ચાતાપના અગ્નિમાં શેકાતાં શેકાશે, પણ ત્યાર પહેલાં ૪૪-૪૫-૪૬ ડિગ્રી ગરમીમાં બફાઇ-શેકાઇ રહ્યા છે. ગરમી વધારે અસહ્ય છે કે એન્કાઉન્ટરબાજો માટેનો લોકોનો પ્રેમ, એ નક્કી કરવું અઘરૂં થઇ પડ્યું છે.

ગરમીને ભારતની હાલની સ્થિતિના સંદર્ભમાં ઉપમા આપવી હોય તો તેના માટે માઓવાદી હિંસાની સરખામણી સૂઝે છે. કારણ એ જ કે બધા તેનાથી ત્રાસેલા છે, તેનાં પૂરેપૂરાં નહીં તો પણ અંશતઃ કારણો ખબર છે, તત્કાળ નિવારણ શક્ય નથી એ હકીકત છે અને લાંબા ગાળાના ઉપાયો માટે લોકોની તૈયારી નથી.

ગરમીથી ત્રાસેલી પ્રજા કેટલાક જાણીતા/નામીચા લોકોને ગરમીનિવારણનું કામ સોંપે તો એ લોકો શું કહે? શું કરે? થોડી અટકળો.

***

વડાપ્રધાન
ગરમીનો ત્રાસ ખરેખર વધી ગયો છે. મેં લાલ કિલ્લા પરથી ગરમીને દેશની આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો ખતરો જાહેર કરી દીધી છે. હવે મને તક મળશે તો વ્હાઇટ હાઉસની છત પરથી પણ હું પોકારી પોકારીને કહીશ કે ગરમી ભારત સામેનો સૌથી મોટો ખતરો છે. તમને જાણીને આશ્ચર્ય અને આદર જ નહીં, અહોભાવ થશે કે અગાઉ આ જાહેરાત શ્રીમતી ગાંધી કરવાનાં હતાં. પણ તેમણે ફરી એક વાર મહાન બલિદાન આપ્યું, મહાન ત્યાગ કર્યો અને આ જાહેરાત કરવાનું સૌભાગ્ય મને આપ્યું. તેમની મહાનતાનો પાર નથી. જય જન. જય જનપથ.

સોનિયા ગાંધી
માનનીય વડાપ્રધાનશ્રીએ સાચું જ કહ્યું છે કે દેશ સામે ગરમીનો ખતરો સૌથી મોટો છે. મેં જ એમને આ શીખવાડ્યું હતું. આઇ મીન, કહ્યું હતું. આખા દેશમાં જેટલી ગરમી પડે છે એના કરતાં પણ અમેઠી અને રાયબરેલીમાં ગરમી બે ડીગ્રી વધારે હોય છે. કારણ કે આ મારા અને મારા પુત્રના મતવિસ્તાર છે અને ઉત્તર પ્રદેશમા મુખ્ય મંત્રી તરીકે માયાવતી છે. ગરમીનું ખરેખર કંઇક કરવું જોઇએ. મેં અહેમદભાઇને વાત કરી દીધી છે. કારણ કે તેમને બઘું ટાઢું પાડવામાં ઘણી ફાવટ છે. જેમ કે, ગુજરાત કોંગ્રેસ.

નીતિન ગડકરી
સૂરજ આપણા દેશમાં છૂટા હાથે બેફામ આગ વરસાવે છે અને યુરોપના દેશોમાં જઇને કૂતરાની જેમ પૂંછડી પટપટાવે છે ને બરફનાં તળીયાં ચાટે છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે સૂરજ કૂતરો છે. પણ મને ખાતરી છે કે પ્રસાર માઘ્યમો મારા આ નિવેદનમાંથી એવો જ અર્થ કાઢશે. શું થાય? જેવી એમની મરજી. વિવાદ ચગાવ્યા પછી પ્રસાર માઘ્યમો મારી બાઇટ લેવા આવે ત્યારે શું કરવું એનો મેં વિચાર કરી રાખ્યો છે. હું એમના માઇક પકડેલા હાથને જ ‘બાઇટ’ કરી લઇશ અથવા ત્રણ જ શબ્દોની પ્રતિક્રિયા આપીશઃ વાઉ, વાઉ, વાઉ.

શશિ થરૂર
ટ્વીટર ઉપર મેં ગરમીના ત્રાસનો વિભાગ અલગ જ રાખ્યો છે. સારૂં છે હું મંત્રી નથી. બાકી આવી ગરમીમાં કોઇ પણ ક્લાસમાં મુસાફરી કરવાની થાય તો પણ એ ‘કેટલ ક્લાસ’ જેવી જ લાગે. થેન્ક્સ, લલિત. થેન્ક્સ, સુનંદા.

લલિત મોદી
ગરમી નડે છે તો શું થયું? ઘરે ઘરે ચીયરલીડર મોકલી આપવા જોઇએ, જે વીંઝણા ને ચામર ઢોળે. તેનાથી એક ફાયદો એ પણ થશે કે જ્યાં લાઇટ કનેક્શન નહીં હોય ત્યાં પણ પંખાનો લાભ મળશે. મને ખબર હતી કે ભારતમાં ગરમીની સમસ્યા વધવાની જ છે. ગ્લોબલ વોર્મંિગને માપમાં રાખવા માટે મેં આઇપીએલની કાર્બન ફૂટપ્રિન્ટનો હિસાબ રાખવાનો શરૂ કર્યું હતું, પણ એમાં આગળ વધી શકાય તે પહેલાં મારો હિસાબ થઇ ગયો. બાકી હું આટલી બધી કમાણી કોના માટે કરતો હતો? દેશ માટે જ વળી! મારૂં સ્વપ્ન હતું કે આખા ભારતને સેન્ટ્રલી એરકન્ડિશન્ડ બનાવી દેવું.

શું કહ્યું? અશક્ય છે?
પણ એમ તો આઇપીએલ ટુર્નામેન્ટ પણ ક્યાં કોઇને શક્ય લાગતી હતી?

હું ભલે આઇપીએલ કમિશનર ન રહ્યો, પણ મારી પાસે હજુ આઇડીયા ખૂટ્યા નથી. મને દેશનો સર્વસત્તાધીશ બનાવી દેવામાં આવે તો હું જાહેર કરૂં કે દેશની પ્રજાએ સઘળી કામગીરી રાત્રે કરવી અને દિવસે તડકાથી બચવા આરામ કરવો. ક્રિકેટરો બિચારા પોતાની રીતે એ જ કરતા હતા, પણ એમનું બેડ લક.

ગુજરાતના મુખ્ય મંત્રી
આટલી બધી ગરમી પડશે તો મારે નવું, ઝીણા સદરાવાળું ફોટોસેશન કરાવવું પડશે અને નવાં હોર્ડિંગ મૂકાવવાં પડશે. પણ કંઇ નહીં, ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા માટે હું બઘું જ કરવા તૈયાર છું.

મેં પણ સાંભળ્યું છે કે ગરમીનો ત્રાસ બહુ વધી પડ્યો છે. પહેલો વિચાર તો એ જ આવે કે ગરમીનું એન્કાઉન્ટર કરાવી નાખીએ. પણ એમાં બે સમસ્યા છે: એક તો ગરમીનું નામ મુસ્લિમ નથી ને બીજો મોટો પ્રશ્ન એ છે કે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોમાંથી ઘણા જેલમાં છે અને બાકીના ત્યાં જવા ઇચ્છતા નથી.

આ સ્થિતિમાં એક જ વિકલ્પ બાકી રહે છે: ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ગરમી’ એવા સૂત્ર સાથે નવો સૂર્યોત્સવ શરૂ કરવો. એ નિમિત્તે સૂર્યપૂજા થાય. મોઢેરાના સૂર્યમંદિરમાં અમિતાભ બચ્ચનને ગુજરાત વતી સૂર્યપૂજા કરવા બેસાડ્યો હોય અને એનું લાઇવ ટેલિકાસ્ટ કરાવીએ તો ગુજરાતનો કેવો વટ પડી જાય! ગુજરાતના વિરોધીઓ ગુજરાતનો આ વિકાસ જોઇને ઇર્ષ્યાથી બળી જશે. આફતને અવસરમાં પલટાવે એ જ ગુજરાત!

મહેન્દ્રસિંહ ધોની
મને ખબર હતી કે એકાદ મોટી ટુર્નામેન્ટ હારી જઇશું તો અમારા માથે ભરપૂર માછલાં ધોવાવાનાં છે અને ભારતમાં જે કંઇ થાય છે એ બધાની જવાબદારી અમારે માથે ઢોળવામાં આવશે. હવે મારે ન છૂટકે પણ કહેવું પડશે કે અમે આઇપીએલની મેચ પછી મોડી રાતની પાર્ટીઓમાં જતા હતા અને એ પાર્ટીઓ પાછળ થતા પેટ્રોલ-એસીના બળતણને લીધે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું કે આ વખતે કાતીલ ગરમી પડી. મને ખબર છે કે હું આવું કહીશ એટલે મીડિયા કહેશે કે આ તો છટકવાની વાત છે. પણ હું ક્યાં છટકી રહ્યો છું! મેં કબૂલ્યું તો ખરૂં કે હા, અમારા લીધે ગરમી વધારે પડી છે અને હવે ફરીથી અમે રાતની પાર્ટીઓમાં નહીં જઇએ.

બીસીસીઆઇ
ગરમી વધારે પડે છે? તો એના પ્રસારણના, એડના, બ્રાન્ડિંગના, મોડેલિંગના વહીવટમાંથી કેટલા રૂપિયા ઉપજે એમ છે?

Wednesday, May 19, 2010

ગાંધીયુગમાં ટ્વીટર હોત તો?

એક મંત્રી (શશિ થરૂર) અને એક કમિશનર (લલિત મોદી)ને ભૂતપૂર્વ બનાવનાર ‘ટ્વીટર’નો પ્રતાપ સૌ જાણી ચૂક્યા છે. શબ્દાર્થમાં ‘ટ્વીટર’ એટલે ઘ્વનિવર્ધક- અવાજ મોટો કરી આપતું- યંત્ર અને ‘ટ્વીટ’ એટલે ‘ચીં ચીં’ પ્રકારનો પક્ષીના બચ્ચાનો કલરવ.

પણ ૧૪૦ કેરેક્ટરની મર્યાદામાં સૌને પોતાની વાત કહેવાની-મુકવાની-ફેંકવાની-ઉછાળવાની તક આપતી વેબસાઇટ ‘ટ્વીટર.કોમ’ને લીધે બધા અર્થો અને તેની છાયાઓ બદલાઇ ગયાં છે. ‘ટ્વીટર’થી અવાજ કરતાં વધારે ઘોંઘાટ વઘ્યો છે અને એટલા પૂરતું ઇન્ટરનેટનું માઘ્યમ જાણે માણેકચોક-ગાંધીરોડ જેવું થઇ ગયું છે. ‘ટ્વીટર’ પર મૂકાતા ‘ટ્વીટ’ (સંદેશા) ઘણી વાર ‘ચીં ચીં’ને બદલે ‘મ્યાઊં મ્યાઊં’ જેવા હોય છે, જે વાંચીને લલિત મોદી જેવા લોકોને થાય છે,‘મેરી બિલ્લી, મુઝકો મ્યાઊં?’ અને ઇન્ટરનેટની બહારના વાસ્તવિક જગતમાં યુદ્ધો ફાટી નીકળે છે.

એફ.એમ.રેડિયોની વ્યાખ્યા પ્રમાણે પ્રાચીન કહેવાય એવી ફિલ્મ ‘બોબી’નું એક યુગલગીત હતું: ‘મુઝે કુછ કહેના હૈ...મુઝે ભી કુછ કહેના હૈ..’ ટ્વીટરયુગમાં આ યુગલગીત કોરસ બન્યું છે અને અસલી ગીતની જેમ તેમાં કોઇ ‘પહેલે તુમ...પહેલે તુમ...’ નથી કરતું. બધા કહે છે,‘પહેલે મૈં...પહેલે મૈં...’

‘બોબી’થી પણ જૂના, ‘બરસાત’ના જમાનામાં નાના ગામના પાદરે ઘટાદાર વડ-પીપળાની નીચે જે પ્રકારની મંડળીઓ જામતી અને ગામ-દેશ-દુનિયાની ચોવટ થતી, એ કામ ઇ-યુગમાં ટ્વીટર અને ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કંિગની વેબસાઇટો પર થાય છે. તેમના પીપળા નીચે બેસીને લોકો પોતપોતાના વિશે, એકબીજાના વિશે અને બાકીના સૌ વિશે મનમાં આવે તે કહે છે, શબ્દોમાં હસે છે, શબ્દોમાં ગિન્નાય છે, શબ્દોમાં બાખડે છે ને શબ્દોમાં આશિકી કરે છે. ક્ષણિક આવેશને વશ થઇને, શાંતિથી વિચાર્યા વિના લખી નાખવું અને (મોટે ભાગે) તેનો અફસોસ ન અનુભવવો, એ ટ્વીટર-ફેસબુક-ઓરકુટ સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે.

એકવીસમી સદીની તાસીર જેવાં ટ્વીટર-ફેસબુક ગાંધીયુગમાં હોત તો? કલ્પનાઓનો પાર નથીઃ કોંગ્રેસનાં અધિવેશનોમાં બેઠાં બેઠાં જવાહરલાલ નેહરૂ શશિ થરૂર જેટલા જ ઉત્સાહથી કેવા ટ્વીટ પર ટ્વીટ કરતા હોત અને પક્ષને મૂંઝવણમાં નાખતા હોત! સરદાર-નેહરૂ વચ્ચે ટ્વીટના આદાનપ્રદાનની કાચા પૂંઠાની ફૂટપાથિયા પુસ્તિકાઓ બહાર પડતી હોત. ઝીણાએ ગાંધીજીને કહી દીઘું હોત કે જ્યાં સુધી ટ્વીટર પર મારા ફોલોઅર્સની સંખ્યા તમારા ફોલોઅર્સ જેટલી નહીં થાય, ત્યાં સુધી આપણી વચ્ચે કોઇ પણ પ્રકારની વાટાઘાટો શક્ય નહીં બને- અને ગાંધીજીએ પોતાના બધા ફોલોઅર્સને ઝીણાના ફોલોઅર્સ બનવા માટે અપીલ કરી દીધી હોત. દર સોમવારે ગાંધીજી ટ્વીટર ઉપર પણ મૌન પાળતા હોત. મહાદેવભાઇએ ગાંધીજીના ‘ટ્વીટરદેહ’નું સંપાદન કર્યું હોત અને તેની પ્રસ્તાવનામાં બાપુએ પોતાના ગડબડિયા અક્ષરોમાં લખ્યું હોત,‘મારાં ટ્વીટ એ જ મારો સંદેશ’.
સામાન્ય વાતચીત તો ઠીક છે, પણ દાંડીકૂચ જેવી કોઇ ઘટના વખતે ટ્વીટર-ફેસબુક જેવી તત્કાળ ઉભડક ટીપ્પણીઓના આદાનપ્રદાનની સુવિધા મોજૂદ હોત તો કેવાં દૃશ્યો સર્જાયાં હોત?

***

(ટ્વીટર જેવી સાઇટો પર અસલી નામ ઉપરાંત ઘણ વાર ફેન્સી નામ સાથે પણ લોકો રજૂ થાય છે. ટ્વીટર-સંસ્કૃતિના એ રિવાજને ઘ્યાનમાં રાખીને અહીં એવાં કાલ્પનિક ફેન્સી નામ મૂકવામાં આવ્યાં છે. તેમાં સંબંધિત નેતાઓનો કોઇ પ્રકારે અનાદર જોવાની જરૂર નથી.)

હરહરજવાહરઃ બાપુને ઘણી વાર શું થઇ જાય છે, ખબર પડતી નથી. હું બુઢ્ઢો થઇશ ત્યારે મને પણ આવું થશે?
સેવકમહાદેવઃ બાપુની તબિયત સારી છે. આજે એમણે રોજની જેમ ખજૂર અને બકરીનું દૂધ લીઘું. જવાહરભાઇ એમની ખબર જોવા આવ્યા હતા.

વીફોરવલ્લભઃ અમુક જણને અમુક લક્ષણો માટે બુઢ્ઢા થવાની રાહ જોવી પડતી નથી.

કાકાકા (કાલેલકર): હું ને સ્વામી (આનંદ) હિમાલય ગયા ત્યારે મોટી ઊંમરના એક સાઘુની તંદુરસ્તી જોઇને અમે દંગ થયા હતા.

આનંદઆનંદઃ સત્તાની લાલી વિના પણ તેમના ચહેરા પર તેજ હતું. એ જોઇને બાપુની યાદ આવી.

હરહરજવાહરઃ લોકો ગમે તે કહે, હું હિમાલય જવાનો નથી. હું દાંડીકૂચના નિર્ણયની વાત કરૂં છું. મીઠા માટે કાયદો તોડાય? મીઠા માટે છેક અમદાવાદથી દાંડી ચાલતા જવાય? અંગ્રેજોએ રેલવે કોના માટે શોધી છે?

પ્રસાદરાજેનઃ અંગ્રેજોએ રેલવે સત્યાગ્રહ કરવા તો નથી જ શોધી.

વીફોરવલ્લભઃ ચાલતા જવાથી દાંડીમાં નહીં, ડરબનમાં મીઠું મફત મળતું હોય તો અમદાવાદી ત્યાં જાયઃ-) @હરહરજવાહર: અમદાવાદમાં અને અલાહાબાદમાં ફેર છે.

હરહરજવાહરઃ જ્રવીફોરવલ્લભઃ ગમ્મતની વાત નથી. હું સિરીયસ છું.

વીફોરવલ્લભઃ એ જ ગમ્મતની વાત નથી? મીઠાવાળું હુંય સમજ્યો નથી. પણ ડોસાને સમજ્યો છું. એટલે મગજમારી કરતો નથી. મહારાજને રૂટના સર્વે માટે મોકલ્યા છે.

ઓલ્ડઇઝગોલ્ડઃ ગાંધીની કૂચ નિષ્ફળ જશે તો કોંગ્રેસનું મીઠું પણ નહીં આવે ને વગર મીઠે વિસર્જન થઇ જશે.

ઓરિજિનલકોંગ્રેસીઃ આટલી મહેનત પછી આપણે માંડ દિલ્હી સુધી પહોંચ્યા ને હવે ગાંધી દિલ્હીથી દાંડી લઇ જવા માગે છે. દાંડીમાં નવી ધારાસભા ખુલવાની છે?

હરહરજવાહરઃ હં...તમારી વાત સાચી લાગે છે.

વીફોરવલ્લભઃ @ઓરિજિનલકોંગ્રેસીઃ દિલ્હી પહોંચીને શું ઉખેડી લીઘું?

હરહરજવાહરઃ હં...તમારી વાત પણ સાચી લાગે છે...મારો આ જ પ્રોબ્લેમ છે.

પ્રસાદરાજેનઃ અમને તો ખબર હતી. તમને ખબર છે જાણીને આનંદ થયો.

મોગલગાર્ડનઃ માર્ચ-એપ્રિલની ગરમીમાં ગાંધી અધરસ્તે ઢળી પડે તો અંતિમ ક્રિયાની બધી વ્યવસ્થા અમે તૈયાર રાખી છે. એમને અંજલિ આપતું વાઇસરોયનું પ્રવચન ટાઇપ થઇ ગયું છે. અમારામાં પણ લાગણી જેવું હોય છે.

વીફોરવલ્લભઃ શું ભાવ આપી લાગણી? એક કિલોના કેટલા પાઉન્ડ-શિલિંગ-પેન્સ?

ઓલ્ડઇઝગોલ્ડઃ મીઠું તો કંઇ મુદ્દો છે? ગાંધીને ભાન નથી.

રીડલ્સઓફકોંગ્રેસ (ડો.આંબેડકર) : કદાચ આ બાબતે હું કોંગ્રેસ સાથે સંમત થઇ શકું. કાલારામ મંદિરમાં પ્રવેશનો અમારો સત્યાગ્રહ ચાલે છે, ખબર છે?

બાપુનાઆશીર્વાદ: ૧૨ માર્ચની સવારે દાંડી જવા નીકળીશ. તમારો રામ સૂઝાડે તેમ કરજો.

Tuesday, May 18, 2010

સોરાબુદ્દીન માટેનો હોબાળોઃ ન્યાય કે નાઇન્સાફી?

ગુજરાતના એન્કાઉન્ટરબાજ પોલીસ અફસરોના મુદ્દે ભાજપ સરકાર ફરી એક વાર કઠેડામાં આવી છે. ફરી એક વાર આ મુદ્દે ગૂંચવાડા સર્જાઇ રહ્યા છે. એન્કાઉન્ટરને ‘પવિત્ર ઘટના’ ગણાવનારા ચિંતકોથી માંડીને ‘એક ગુંડાને મારી નાખ્યો એમાં આટલો બધો હોબાળો શા માટે?’ એવા સવાલ પુછનારા લોકોનો મોટો વર્ગ ઇચ્છા-અનિચ્છાએ ગુંચવાડાનો ભોગ બનીને, ગુંચવાડો આગળ વધારી રહ્યો છે.

ખરેખર શું થયું હતું? કોના દાવામાં કેટલું તથ્ય છે? ગુજરાતના પોલીસ અફસરો ત્રાસવાદીઓને ખતમ કરનારા બહાદુર હતા? તેમની સામે પગલાં લેવાથી રાજ્યના પોલીસતંત્રનું મનોબળ ભાંગી પડશે? સીબીઆઇની ભૂમિકા કેવી છે? આ બધી બાબતોને એક યા બીજા પક્ષની છાવણીમાં બેઠા વિના, ઉપલબ્ધ હકીકતોના આધારે ચકાસવાની જરૂર છે.

સોરાબુદ્દીન નિર્દોષ હતો?
ના. સોરાબુદ્દીન ઘાતક હથિયારો રાખતો હતો અને ખંડણી ઉઘરાવતો હતો. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજસ્થાન હતું. પરંતુ ગુજરાતમાં પણ તેની ખંડણીપ્રવૃત્તિ ચાલતી હતી. સાથોસાથ, તે પોલીસનો બાતમીદાર પણ હતો.

તો પછી એના એન્કાઉન્ટરની આટલી હાયવોય કેમ?
આ સૌથી વઘુ પૂછાતો સવાલ છે. પણ તેનો જવાબ મેળવતાં પહેલાં વચ્ચે એક સવાલ રહી ગયો. એ છે:

સોરાબુદ્દીન અને ગુજરાત પોલીસ વચ્ચે કેવા સંબંધ હતા?
સોરાબુદ્દીન ખંડણીખોર હતો એટલો પરિચય પૂરતો નથી. તે જોતજોતાંમાં ‘પોલીસમાન્ય ખંડણીખોર’ બની ગયો. આરોપ મુજબ, સોરાબુદ્દીનના ખંડણી વ્યવસાયમાંથી પોલીસને હિસ્સો મળતો હતો. બે પક્ષો વચ્ચે થયેલી તકરારમાં એક પક્ષ સોરાબુદ્દીનને રોકે એટલે તે સામેવાળાને ધાકધમકી આપીને પતાવટ કરે. પણ ત્યાર પછી તે પોતાની ‘સેવાઓ’ લેનાર વિશે પોલીસને માહિતી આપે, જેથી પોલીસ સોરાબુદ્દીનના ‘અસીલ’ની ગુંડાને રોકવાના ગુના બદલ તપાસ કરે અને ભીનું સંકેલવા માટે તગડી રકમની માગણી કરે.

વાત આટલેથી ન અટકી. થોડા સમય પછી પોલીસે- અત્યારે બહાર આવેલા નામ પ્રમાણે પોલીસ અફસર ચુડાસમાએ- સોરાબુદ્દીનને પોતાનો સાગરીત બનાવી દીધો અને તેની મદદથી પોતે જ ખંડણી ઉઘરાવવાનું શરૂ કરી દીઘું! તેમની માગણીને તાબે ન થનાર પર ગોળીબાર કરવાની જવાબદારી કામ સોરાબુદ્દીનની!
વર્દી વગર ખંડણી ઉઘરાવે તે ગુંડો કહેવાય, તો વર્દી પહેરીને ખંડણી ઉઘરાવે તેને શું કહેવાય? અને વર્દી વગર ખંડણી ઉઘરાવનારનું એન્કાઉન્ટર વાજબી ગણાય, તો વર્દીધારી ખંડણીખોરનું શું કરવું જોઇએ? એનો જવાબ ચુડાસમાની ધરપકડમાં ‘સીબીઆઇનો દુરૂપયોગ’ જોનાર ભાજપે આપવો રહ્યો.

સોરાબુદ્દીનના એન્કાઉન્ટરની નોબત કેમ આવી?
ઉપલબ્ધ માહિતી પ્રમાણે, પોલીસો પાર્ટનર બનેલો ખંડણીખોર સોરાબુદ્દીન રાજસ્થાનમાં વેપારીઓ પાસે કરોડો રૂપિયાની ખંડણી માગવા લાગ્યો. તેનાથી ત્રાસેલા વેપારીઓએ રાજસ્થાનના અને ગુજરાત સાથે સંકળાયેલા એક ભાજપી નેતાનો સંપર્ક કર્યો. રાજસ્થાન સરકાર એન્કાઉન્ટરની બબાલમાં પડવા માગતી ન હતી. એટલે નેતાએ ગુજરાત સરકારનો સંપર્ક કર્યોઃ કાયદો-વ્યવસ્થાની મદદ માટે નહીં, સોદાબાજી માટે! જાણકારી મુજબ, સોદો એ પ્રકારનો હતો કે રાજસ્થાનની વેપારી લોબી અમુક રકમ આપવા માટે તૈયાર છે. બદલામાં ગુજરાત પોલીસે સોરાબુદ્દીનને એન્કાઉન્ટરમાં પતાવી દેવાનો.

એન્કાઉન્ટર માટે ગુજરાત કેમ?
કારણ કે ત્યાં લગીમાં ગુજરાતની ભૂમિ એન્કાઉન્ટર માટે બહુ અનુકૂળ બની ગઇ હતી. ‘મુખ્ય મંત્રી પર હુમલો કરવા આવેલા ત્રાસવાદીઓ’નું લેબલ લગાડીને નાના ગુનેગારો અને કેટલાક નિર્દોષોનાં એન્કાઉન્ટર કરવામાં ગુજરાત પોલીસને ઘણી ફાવટ આવી ગઇ હતી.

ગુજરાતના કેટલા બધા શત્રુઓ છે અને કેટલા બધા ‘ત્રાસવાદીઓ’ ગુજરાતના મુખ્ય મંત્રીને મારવા ફરે છે, એવું સાબીત કરવામાં નકલી એન્કાઉન્ટર ઘણાં કારગત નીવડ્યાં. તેનાથી પ્રજામાનસમાં એવી છાપ ઉભી થઇ કે ‘એન્કાઉન્ટર એટલે ત્રાસવાદીઓ સામે ગુજરાતની બહાદુર પોલીસની જીત અને એન્કાઉન્ટરનો વિરોધ એટલે ત્રાસવાદની તરફેણ.’ મુખ્ય મંત્રીએ પણ જાહેર સભાઓમાં લોકોના જ મોઢેથી એન્કાઉન્ટર વાજબી ઠરાવવાનો વ્યૂહ અપનાવ્યો.

‘મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવેલા’ અને પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ‘ત્રાસવાદીઓ’ની વિગતો જેમ જેમ ખુલી, તેમ જણાયું કે માર્યા ગયેલામાંથી કેટલાક ગુંડા હતા (ત્રાસવાદી નહીં), એ મુખ્ય મંત્રીને મારવા આવ્યા હોય એવી કોઇ કડીઓ કે પુરાવા ન હતા અને કેટલાંક પાત્રો સાવેસાવ નિર્દોષ હતાં. પરંતુ તેમનાં મુસ્લિમ નામ તેમને ત્રાસવાદી સિદ્ધ કરવા માટે પૂરતાં હતાં. કાલ્પનિક ભયના ઉભા કરાયેલા માહોલમાં લોકોએ પણ સરકારી દાવા સ્વીકારી લીધા અને ‘એન્કાઉન્ટર ખોટાં હોય તો પણ ગુનેગાર સાચા છે. મૂઆ મરી ગયા તો એટલા ઓછા...’ એવું વલણ અપનાવ્યું. એ સરકારી પ્રચારની સફળતા હતી.

સોરાબુદ્દીનના એન્કાઉન્ટરમાં શું બન્યું?
આગળ જોયું તેમ રાજસ્થાનના વેપારીઓનો રાજસ્થાનના ભાજપી નેતા દ્વારા ગુજરાત સરકાર-પોલીસ સાથેની સોદો થયો. એ પાર પાડવા માટે સોરાબુદ્દીનને ખતમ કરવો જરૂરી હતો, પણ તેનો પત્તો કેવી રીતે મેળવવો? (કેમ કે તે પોલીસના અનિયમિત સંપર્કમાં રહેતો હતો.) સોરાબુદ્દીનને શોધવા માટે તેના સાગરીત તુલસીરામ પ્રજાપતિની મદદ લેવામાં આવી. (તુલસીરામ મુસ્લિમ ન હતો. એટલે તેનું નામ ઉછાળવામાં આવતું નથી.)
નક્કી થયેલી તારીખે સોરાબુદ્દીન-તેની પત્ની કૌસરબી અને તુલસી હૈદ્રાબાદથી સાંગલી જવા માટે બસમાં નીકળ્યાં, ત્યારે (તુલસીએ અગાઉથી આપેલી માહિતીના આધારે) આંધ્ર પ્રદેશની પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસની આખી મંડળી ત્યાં હાજર હતી. તેમણે તુલસી સહિત ત્રણે જણની ધરપકડ કરી.

(સોદો પાર પાડવા માટે) સોરાબુદ્દીનને ગુજરાત લાવીને ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને એવું જાહેર કરવામાં આવ્યું કે એ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો હતો! સોરાબુદ્દીનના ખૂન પછી તેની પત્ની કૌસરબીનો સવાલ ઉભો રહ્યો. રાજકીય છત્રછાયા ધરાવતી ગુજરાતની એન્કાઉન્ટરબાજ પોલીસ મંડળીએ તેમના ગોરખધંધાનાં સાક્ષી કૌસરબીનું પણ ખૂન કર્યું અને તેમની લાશ સગેવગે કરી દીધી. (એ કામમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડીજી વણઝારાને અબુધ ચાહક વર્ગ મળી રહ્યો એ પણ ગુજરાતની તાસીર ગણવી પડે.) તુલસી પ્રજાપતિ પોલીસનો બાતમીદાર હતો. એટલે તેને હેમખેમ જવા દેવામાં આવ્યો.

સોરાબુદ્દીનના ખૂનની અને વળતર આપવાની ખુદ ગુજરાત સરકારની કબૂલાત
ગુજરાત પોલીસ માટે તો આ વઘુ એક એન્કાઉન્ટર હતું, જેની બિલકુલ નવાઇ ન હતી. પરંતુ ૨૧ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ સોરાબુદ્દીનના ભાઇએ પોતાનો ભાઇ ત્રાસવાદી નહીં હોવાની રજૂઆત સાથે, સર્વોચ્ચ અદાલતમાં પોતાની ભાભી કૌસરબીના ગુમ થયાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ (કબજામાં રહેલી વ્યક્તિને અદાલત સમક્ષ હાજર કરવાની વિનંતી) ફાઇલ કરી. અદાલતે સીઆઇડી (ક્રાઇમ)ની ગુજરાત શાખાને તપાસ સોંપી. તપાસમાં તુલસી પ્રજાપતિની પૂછપરછનો તબક્કો આવતાં, ગુજરાત પોલીસની એન્કાઉન્ટર મંડળીએ ભાંડો ફૂટી જવાની બીકે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ તુલસી પ્રજાપતિનું પણ ખૂન કરી નાખ્યું હોવાનો મજબૂત આરોપ છે. તુલસી પ્રજાપતિ પોલીસ પાસેથી છટકી ગયો અને પોલીસે તેને પકડી પાડતાં પોલીસ પર હુમલો કર્યો, એવી વાર્તા બનાવીને પોલીસે તુલસીનું ખૂન કર્યું. પોલીસ તરફથી પોતાને ખતરો છે, એ મતલબની અરજી મૃત્યુના બે અઠવાડિયાં પહેલાં જ તુલસીએ ઉદેપુરના ડિસ્ટ્રીક્ટ જજને આપી હોવાના પણ અહેવાલ છે.

તપાસ પૂરી થયા પછી સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર નકલી હોવાની સિલસિલાબંધ વિગતો સાથેનો અહેવાલ સીઆઇડી (ક્રાઇમ), ગુજરાત તરફથી જ સર્વોચ્ચ અદાલતમાં ગયો. ત્યાં સુધી વિરોધ પક્ષ કે સીબીઆઇ, કોઇ ચિત્રમાં ન હતાં. ગુજરાતની એન્કાઉટરબાજ પોલીસમંડળી અતિવિશ્વાસમાં રાચતી હતી. તેમાંના ઘણા અફસરો ગૃહમંત્રીના અને ગૃહમંત્રી મુખ્ય મંત્રીના ખાસ ગણાતા હતા. એટલે વાળ પણ વાંકો નહીં થવાની તેમને ખાતરી હતી.

પરંતુ સીઆઇડી (ક્રાઇમ)નો રીપોર્ટ મળ્યા પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારનો આ મુદ્દે જવાબ માગ્યો. ત્યારે આ જ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામા પર સ્વીકાર્યું કે સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર નકલી હતું અને પોલીસે મુખ્ય મંત્રીની હત્યાનો ખોટો આરોપ ઉભો કરીને તેની હત્યા કરી છે. એટલું જ નહીં. ગુજરાત સરકારે સોરાબુદ્દીનના પરિવારને રૂ.૧૦ લાખનું વળતર આપવાનું પણ સ્વીકાર્યું. અદાલતે વળતરની રકમ વધી શકે કે કેમ, એ અંગે પૂછતાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે આ રકમ વચગાળાની છે.

સીબીઆઇનો ‘દુરૂપયોગ’ અને સાર
સર્વોચ્ચ અદાલતે કેસની તપાસ ફરી એક વાર ગુજરાત પોલીસને સોંપી હતી, પરંતુ આ વર્ષના આરંભે કેસની તપાસ આખરે સીબીઆઇને તપાસ સોંપવામાં આવી. યાદ રાખવા જેવી હકીકત એ છે કે સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી પ્રજાપતિ ખૂનકેસમાં થયેલી તમામ ધરપકડોમાંથી બે જ ધરપકડ સીબીઆઇએ તપાસ હાથમાં લીધા પછી થઇ છે - અને તેના માટે સીબીઆઇએ પૂરતા પુરાવા એકઠા કર્યા છે. ત્યાર પહેલાંની બધી જ ધરપકડો ગુજરાતની પોલીસે જ કરી છે. એટલે સીબીઆઇ ગુજરાત પોલીસની પાછળ પડી ગઇ છે એવો આરોપ હાસ્યાસ્પદ જૂઠાણું છે.

બીજો મુદ્દો ગુજરાત પોલીસના મનોબળનો છે. એક તરફ નકલી એન્કાઉન્ટરો દ્વારા પ્રજાને ભરમાવીને અને રાજકીય સાહેબોને રાજી રાખીને પોતાના ગોરખધંધા ચલાવતા અફસરો છે અને બીજી તરફ પ્રામાણિક રીતે પ્રજાની સેવા કરનારા પોલીસ અફસરો છે. હાલની સ્થિતિમાં ફક્ત ગોરખધંધા કરનારા અને રાજકારણીઓને રાજી કરવા માટે કોઇ પણ હદે જનારા પોલીસ અફસરોને જ તકલીફ છે. પ્રામાણિક રીતે ફરજ બજાવનારનું મનોબળ વધે એવી સ્થિતિ છે. તો આમજનતાએ રાજી થવું જોઇએ કે દુઃખી?

તમામ રાજકારણ બાજુ પર રાખીને ગુજરાતના નાગરિકો એટલું તો પૂછી શકે ને કે રાજ્યના ગૃહમંત્રીએ સ્વર્ણિમ સમારંભમાં ગેરહાજર રહેવું પડે અને દિવસોથી ભૂગર્ભમાં ઉતરી જવું પડે એવું તેમણે શું કર્યું છે? અને કોની સૂચનાથી, કોની જાણકારી સાથે કર્યું છે?

સવાલો તો ઘણા છે, પણ એ શાસકોએ પ્રજાને નહીં, પ્રજાએ શાસકોને પૂછવાના છે- અને તેના સાચા જવાબો મળવાથી જે બદનામી થાય તે ગુજરાતની કે તેની જનતાની નહીં, પણ તેના કેટલાક મંત્રીઓ- નેતાઓની છે.

Thursday, May 13, 2010

આઇ-પેપર

આઇ પેડ આવ્યા પછી લોકોની વાંચવાની ટેવો બદલાઇ જશે એવો એક અંદાજ છે.

ભારતમાં આઇપેડનો મુકાબલો કોની સામે છે એ આપણે જાણીએ છીએઃ આઇ પેડ પર ચાનો કપ મૂકી શકાવાનો નથી, તેનાથી માખી-મચ્છર મારી શકાવાનાં નથી, પખો ખાઇ શકાવાનો નથી.તેમાંથી ચાર પાનાં અલગ કાઢીને કોઇને આપી શકાવાનાં નથી...આઇ પેડ આઇ પેડ છે, તો છાપું છાપું છે- અને આ એવું જ એક દૃશ્ય છે.

રેલવે પ્લેટફોર્મ પર જે રીતે વાયરલેસ પેપર-પાન થઇ રહ્યું છે, તે જોઇને જોનારની આંખ ઠરે એમ છે.

Wednesday, May 12, 2010

વસ્તી ગણતરી અને સિંહમિલન

ગુજરાતમાં સિંહ પછી હવે ગીધોની વસ્તી ગણતરી થવાની છે. આમ જુઓ તો આજકાલની નહીં, છેલ્લાં આઠેક વર્ષથી ગુજરાતમાં વસ્તી ગણતરીની મોસમ ચાલે છે. ‘ગુજરાતની વસ્તી કેટલી’ એવો સવાલ દસ વર્ષ પહેલાં પૂછ્યો હોય તો આમજનતા જ નહીં, ખાસજનતા પણ માથું ખંજવાળવા બેસી જાય. પરંતુ વર્ષ ૨૦૦૨થી બચ્ચાબચ્ચાને ખબર પડી ગઇ કે ગુજરાતની વસ્તી પાંચ કરોડ છે. ‘પાંચ કરોડ’ અને વસ્તીવધારા પછી ‘સાડા પાંચ કરોડ’ માત્ર આંકડા ન બની રહેતાં, ગુજરાતની સંખ્યાજન્ય અસ્મિતાનું પ્રતીક બન્યા. વસ્તી ગણતરીની શુષ્ક પ્રક્રિયાને આ રીતે ધબકતા લોકજીવનનો ભાગ બનાવવા બદલ ઇન્ડિયન સેન્સસ બ્યુરોએ ગુજરાતના મુખ્ય મંત્રીનું સાડા પાંચ કરોડ શાલ ઓઢાડીને સન્માન કરવું જોઇએ.

સાડા પાંચ કરોડ શાલ કેવી રીતે ઓઢાડવી? એવો સવાલ સ્વર્ણિમ ગુજરાતના નાગરિકોને ન થવો જોઇએ. છતાં થાય તો તેમન જણાવવાનું કે મહાનુભાવોનું સન્માન કરી નાખવાનું પૂરતું નથી. તેમનાં કાર્યોમાંથી પણ પ્રેરણા લેવી જોઇએ. મુખ્ય મંત્રીના કિસ્સામાં તેમને એક શાલ ઓઢાડીને બાકીની ૫.૪૯૯૯ કરોડ શાલના એમ.ઓ.યુ.નું એક કાગળીયું સ્ટેજ પરથી આપી શકાય. બીજો વિકલ્પઃ મુખ્ય મંત્રીને એક શાલ ઓઢાડીને તેનાં સાડા પાંચ કરોડ હોર્ડિંગ- ઓ.કે., સાડા પાંચ કરોડ હોર્ડિંગ ન થાય તો કંઇ નહીં, સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે હોર્ડિંગ- આખા ગુજરાતમાં લગાડી શકાય.

હોર્ડિંગના રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. તેનાં વિવિધ ખાતાં ને નિગમો કંઇ એવાં ગયાં ગુજરેલાં નથી કે સાહેબનાં હોર્ડિંગનું બિલ ચૂકવવાની ના પાડી દે. કેટલાક શોખીન જાણભેદુઓ તો જાહેરખબરોની તસવીરોમાં સાહેબની બદલાતી વેશભૂષા જોઇને, તેનું બિલ કયા ખાતામાં પડ્યું હશે તેની અટકળ લગાવે છે. જેમ કે, ખભે કેસરી ખેસવાળા હોર્ડિંગગનું બિલ કયા ખાતામાં જશે ને છટાથી ઉંચા કરેલા હાથવાળા હોર્ડિંગનું બિલ ક્યાં પડશે. (ગુજરાતસહજ આંત્રપ્રેન્યોરશીપ ધરાવતા ઉત્સાહીઓને આ બાબતમાં સટ્ટાઉદ્યોગના ગેરકાયદે વિકાસની મોટી તક દેખાય તો નવાઇ નહીં.) આ બાબતને મુખ્ય મંત્રીની ઉડાઉગીરી, હોર્ડિંગગપ્રેમ કે ‘જાત ભણીની જાતરા’ ગણવાને બદલે ‘અર્થતંત્રને ટકાવી રાખવાના સ્ટિમ્યુલસ પેકેજ’ તરીકે પણ જોઇ શકાય. ગમે તેટલી મંદી છતાં ગુજરાતમાં જાહેરખબર ઉદ્યોગ માટે ખરાબ દિવસો ન આવે તેની તકેદારી રાખવા બદલ ગુજરાત સરકારની દીર્ઘદૃષ્ટિને બિરદાવવી જોઇએ.

શું કહ્યું? કેવી રીતે?

સિમ્પલ છે દોસ્ત: થોડાં વઘુ હોર્ડિંગ મૂકાવીને.

ગુજરાતમાં ફક્ત સરકારી હોર્ડિંગની જ નહીં, ગીરના સિંહોની સંખ્યામાં પણ વધારો થયો છે. એ બન્ને વચ્ચે કશો સંબંધ નથી. હોવો જરૂરી પણ નથી. સંબંધ હોય છતાં ન હોય એવી આઘ્યાત્મિક ભૂમિકાને કારણે તો રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ જેલની હવા ખાતા હોવા છતાં તેમના સાહેબના સાહેબ એવા મુખ્ય મંત્રી સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. સિંહની વસ્તી ગણતરી કરવા માટે ગીરમાં જવું પડે તેમ બંદૂકબાજ પોલીસ અધિકારીઓની વસ્તી ગણતરી માટે સાબરમતી જેલમાં જવું પડશે, એવું અત્યારની તાસીર પરથી લાગી રહ્યું છે.

સિંહોની વસ્તી ગણતરીનાં પરિણામ પરથી ગીર અને ગાંધીનગર વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ થઇ ગયો. સામાન્ય છાપ એવી છે કે ગુજરાતના રાજકારણમાં ભાજપની બોલબાલા પછી ‘સિંહો’નાં વળતાં પાણી થયાં છે, પરંતુ કમ સે કમ ગીરના સિંહોની બાબતમાં ખાતરીપૂર્વક કહી શકાય કે કોંગ્રેસમાં ન જોડાયેલા હોવા છતાં (કે એટલે જ?) સિંહોના ભવિષ્ય પર કોઇ ખતરો નથી. સિંહોની સંખ્યા ૪૦૦થી પણ વઘુ થતાં સિંહઆલમમાં આનંદનું મોજું ફેલાયું હોવાના અહેવાલ અને એકબીજા સાથે ‘ઇન્ટરએક્શન’ કરતા સિંહોની તસવીરો છાપાંમાં હજુ સુધી છપાઇ નથી એ નવાઇની વાત છે. આ કસર પૂરી કરવા માટે ગીરના ગુજરાતી સિંહ સાથે એક મુલાકાત ગોઠવી.

નક્કી કરેલા સમયે સિંહની ગુફા પાસે પહોંચતાં જ, અચાનક જમીનમાંથી ફૂટી નીકળ્યા હોય તેમ ચાર વરૂ ધસી આવ્યા અને હમણાં જ તૂટી પડશે એવી મુખમુદ્રા સાથે પૂછ્યું, ‘શું છે? કોનું કામ છે? શું કરવા આવ્યા છો?’

‘મારે સિંહને મળવાનું છે. એમણે ટાઇમ આપેલો છે. પણ તમે કોણ છો? આ સિંહની ગુફા નથી’

એક રીંછે છીંકોટો નાખીને કહ્યું,‘ખબરદાર જો એક પણ સવાલ વધારે પૂછ્યો છે તો! અંદર કરી દઇશ. આ સિંહની ગુફા છે, ગિરનારનો મેળો નથી કે ગમે તે આવી પડે. અને અમે એમની ઝેડ કેટેગરીની સિક્યોરિટી છીએ.’

‘તમારી કેટેગરી તમારા સ્વભાવ પરથી નક્કી થતી હોય છે?’

‘ચૂપ. અમે સુરક્ષાતપાસ પૂરી ન કરીએ ત્યાં સુધી એક અક્ષર પણ બોલવાનો નથી. તમારો મોબાઇલ ફોન, સ્કૂટરનો પ્લગ સાફ કરવાનું ટચૂકડું ચપ્પુ, ફાઉન્ટન પેનની નીબ, ટાંકણીઓ, સ્વિસ નાઇફ...તમામ શસ્ત્રો અહીં જમા કરાવી દો.’

‘શસ્ત્રો? આ બધાં શસ્ત્રો લાગે છે? મારે સિંહને મળવાનું છે કે કીડીને?’

ફરી રીંછ ગર્જ્યું,‘કપડાં પહેરીને અંદર જવા દઇએ છીએ એટલું ઓછું છે?’

વારાફરતી સુરક્ષાકોઠા ભેદ્યા પછી સિંહની ગુફાના મુખ્ય હિસ્સામાં પ્રવેશ મળે છે. સિંહ ખુરશી પર બેઠો બેઠો ઘ્યાન કરી રહ્યો છે. એક વાત યાદ રાખવી. ગુજરાતના સિંહો કદી ઊંઘતા નથી. એ ઊંઘતા લાગે ત્યારે સમજવું કે ઘ્યાન કરી રહ્યા છે. સહેજસાજ ખખડાટથી સિંહની આંખ ખુલી જાય છે અને એ બોલવા માંડે છે,‘તમને કેટલી વાર કહ્યું? મારે કુલ સાત સંતાનો છે. એમાંથી બે કૂવામાં પડીને મરી ગયાં, એકને ખેતરની વાડનો કરંટ લાગ્યો, એક સક્કરબાગ ઝૂમાં ‘સરકારી નોકરી’ કરે છે, એક સરકારી અભયારણ્યમાં ટુરિસ્ટોનું મનોરંજન કરે છે અને બાકીનાં બે એમની મા સાથે રહે છે. હવે તો છાલ છોડો! આ વસ્તી ગણતરીવાળા લોહી પી ગયા...’
સિંહનો મોનોલોગ પૂરો થતાં તેમને યાદ કરાવવું પડે છે કે, ‘હું વસ્તીગણતરી માટે નથી આવ્યો. આપણે ઇન્ટરવ્યુની વાત નહોતી થઇ? ’

‘અરે હા, વસ્તી ગણતરીની લ્હાયમાં એ તો હું ભૂલી જ ગયો. બોલ, શું પૂછવું છે? પણ ટૂંકમાં પતાવજે.’ સિંહે કેશવાળીને હળવો ઝટકો આપ્યો અને રાજકુમારની છટાથી કહ્યું, ‘સિંહો જવાબ આપતા નથી. જવાબ માગે છે.’

‘ગુજરાતમાં અત્યારે સિંહો નહીં, સી.બી.આઇ. જવાબો માગી રહી છે...’

એ સાંભળીને સિંહે ગૂંચવાઇને પૂછ્યું, ‘એ વળી કયું પ્રાણી છે? હિંસક છે કે પાલતુ?’

‘તમને તો ખબર હશે, નવાબી રાજમાં લોકો ચિત્તા પાળતા હતા. સી.બી.આઇ.નું પણ એવું જ છે.’

સિંહે વાતનો બંધ વાળતાં કહ્યું,‘હશે ભાઇ, મારે કેટલા ટકા? મેં ક્યાં એન્કાઉન્ટર કર્યાં છે? ને હું ક્યાં ગુજરાતનો ગૃહમંત્રી છું!’

‘ગીરમાં છાપાં નિયમિત આવતાં લાગે છે..તો ગુજરાતનાં પચાસ વર્ષ વિશે પણ તમને ખબર જ હશે.’ એવો મમરો મૂક્યો એટલે સિંહ કહે, ‘હોય જ ને. અમારી ગણતરી ભલે સાડા પાંચ કરોડ ગુજરાતીઓમાં ન થતી હોય, અમને એક વાતનું ગૌરવ છે કે ગુજરાતની અત્યારની સ્થિતિમાં અમારો કોઇ ફાળો નથી. કેમ કે, અમે મત આપતા નથી ને સરકારો ચૂંટતા નથી.’

‘તો તમે ગુજરાતમાં રહીને શું કરો છો?’

‘શિકાર! અને એક વાત સમજી લે. શિકાર કરનારને અને શિકાર બનનારને પચાસ વર્ષ થાય કે પાંચસો વર્ષ, સ્વર્ણિમ હોય કે રક્તિમ- કશો ફેર પડતો નથી. બસ, હવે વધારે ન બોલાવીશ. મારે પણ ગાંધીનગરનાં કામ પડતાં હોય છે.’

એટલું કહીને સિંહ ફરી એક વાર ઘ્યાનમાં સરી પડ્યો.

Friday, May 07, 2010

400મી પોસ્ટ અને ‘બીસ સાલ બાદ’


(l to r : biren, urvish, paula parikh with Asha Bhosle)

બ્લોગમાં, ખાસ કરીને હું જે પ્રકારની પોસ્ટ મુકું છું તેમાં 400નો આંકડો ખાસ્સો સંતોષ થાય એવો છે. તેની અંગત ઉજવણીના ભાગરૂપે થોડી અંગત યાદગીરી.

બરાબર વીસ વર્ષ પહેલાં, મે 1990માં મોટો ભાઇ બીરેન કોઠારી અને હું એક ખાસ હેતુથી મુંબઇ ગયા. એ હેતુ હતોઃ પ્રિય કલાકારોને મળવું.

જૂના ફિલ્મસંગીતમાં બીરેનને અને એના પગલે મને પ્રબળ ખેંચાણ જાગ્યું હતું. ફક્ત ગીતો સાંભળીને બેસી રહેવાથી સંતોષ થતો ન હતો. તેની સાથે સંકળાયેલા ગીતકારો-સંગીતકારો-ગાયકો વિશે વધુ જાણવાની તીવ્ર ઇચ્છા થતી હતી. એ વખતે પત્રકારત્વ કે લેખનમાં કારકિર્દી હોય ને તેમાં આગળ વધી શકાય એવી જાણ પણ ન હતી. લખવું ફક્ત પત્રલેખન પૂરતું મર્યાદિત હતું. પણ એ ઉંમરે (મારી 19 અને બીરેનની 25) હોય એવા મુગ્ધ ઉત્સાહથી અમે બન્ને પોતપોતાની લઘુતાગ્રંથિઓ બાજુ પર મૂકીને મુંબઇ જવા તૈયાર થયા. મુંબઇમાં રહેવાનો સવાલ ન હતો. સગા કાકા અને એટલો જ નિકટનો સંબંધ ધરાવતા પિતરાઇ કાકાનાં ઘર હતાં.

સૌથી પહેલાં કોને મળવું? કેવી રીતે મળી શકાય? એવો કશો ખ્યાલ ન હતો. પણ શૈલેષકાકા (પરીખ)ના પેડર રોડના ઘરેથી ચાલતાં માંડ પાંચેક મિનીટ દૂર ‘પ્રભુ કુંજ’ આવે- મંગેશકર બહેનોનું નિવાસસ્થાન. લતા મંગેશકરનાં ગીતો બીજા કોઇની જેમ અમને ગમે, પણ બીજા ઘણા લોકોની જેમ આશા ભોસલે માટે અમને ખાસ આકર્ષણ. એટલે વિચાર્યું કે આશા ભોસલેને મળાય? પ્રયત્ન કરવામાં કંઇ જતું નથી. એટલે બીરેને એના મિત્ર પાસેથી મુંબઇ માટે લીધેલો ઓલમ્પસનો એસએલઆર કેમેરા, ટ્રાઇપોડ અને અમારા ‘સાહસ’માં અમારા જેટલા જ ઉત્સાહથી ભાગ લેનાર પિતરાઇ પૌલા પરીખ સાથે અમે ‘પ્રભુકુંજ’ ગયા. કોઇ અપોઇન્ટમેન્ટ નહીં. ઇન્ટરવ્યુ લેવા જેવી કોઇ માનસિક ભૂમિકા નહીં. ફક્ત પ્રિય કલાકારને- જેનાં ગીતો સાંભળીને અનેક દિવસો સુધર્યા હોય એવા કલાકારને- મળવાની ઇચ્છા.

પ્રભુકુંજ નીચે પહોંચ્યા એટલે ગુરખાએ પૂછ્યું,’અપોઇન્ટમેન્ટ હૈ?’

પૌલાએ ગુરખો ગૂંચવાય એવો જવાબ આપ્યો,’ફોન કિયા થા, લેકિન બાત નહીં હુઇ’ કે એવું જ કંઇક. પણ તેનાથી કંઇક ભૂમિકા ઉભી થઇ. અમે એવું ઠરાવ્યું કે ચિઠ્ઠી લખીને આપીએ છીએ. તમે લઇને જાવ. પછી હા કહેશે તો આવીશું.

ડાયરીમાંથી કાગળની ચબરખી ફાડી, પણ લખવું શું? આ પ્રકારની મુલાકાતનો પહેલો પ્રસંગ હતો. બીજી મુલાકાતો માટેના ઉત્સાહનો ઘણો આધાર આ મુલાકાત પર આધારિત હતો. આશા ભોસલેના મોઢેથી ‘આઇયે મહેરબાન...’ આજે સાંભળવા મળે એવું શું કરીએ? થોડી ઉત્તેજનાપૂર્ણ ક્ષણો પછી ચબરખીમાં લખ્યું, ‘આયે હૈં દૂર સે, મિલને હજુરસે.. કેન વી સે ધીસ પર્સનલી?’

ગુરખો એ ચિઠ્ઠી લઇને ઉપર ગયો. અમારી ચટપટીનો પાર નહીં. કેટલો સમય વીત્યો હશે ખબર નહીં. કારણ કે સેકંડો કલાક જેવી લાગતી હતી. થોડી વારે જોયું તો ગુરખો દાદર પર ઉભો રહીને અમને ઉપર આવવા ઇશારો કરતો હતો..

ઉપર પહોંચ્યા ત્યારે એક માણસે દરવાજો ખોલ્યો. અમે અંદર બેઠા. તરત અંદરથી આશા ભોસલે પ્રગટ થયાં. તદ્દન ઘરેલુ પોશાકમાં, ચહેરા પર સ્મિત સાથે એમનો પહેલો સવાલઃ’દૂરસે, કહાં સે આયે હૈં?’ મોટા ભાગના લોકોએ મહેમદાવાદનું નામ પણ ન સાંભળ્યું હોય. એમને અમદાવાદના રેફરન્સથી સમજાવવું પડે. ત્યાર પછી આશાજી નિરાંતે તેમના આ મહેમદાવાદી ચાહકો સાથે બેઠાં. કોઇ ભાર નહીં, કોઇ હવા નહીં, સેલિબ્રિટી તરીકેના કોઇ દાવપેચ નહીં. એ મુલાકાત લગભગ પોણો કલાક ચાલી હશે. વચ્ચે વચ્ચે બીરેન ટ્રાઇપોડ પર કેમેરા ગોઠવીને ફોટા પાડતો રહ્યો. પાંચ-છ ફોટા પાડ્યા. ફિલ્મમાં (રોલમાં) ફોટાનું પણ રેશનિંગ હોય.

‘કયાં ગીતો સાંભળો છો?’ એવી વાત થઇ. અમે ‘રીધમ હાઉસ’માંથી અમુક એલ.પી. ખરીદી હતી તેનાં નામ દીધાં એટલે કહે,’આપ તો બહોત પુરાને ગાને સુનતે હો.’ એ અરસામાં આશા ભોસલે-આર.ડી.-ગુલઝારનાં ગેરફિલ્મી ગીતોની બે રેકોર્ડનું એક આલ્બમ ‘દિલ પડોસી હૈ’ બહાર પડ્યું હતું. એ અંદરથી લઇ આવ્યાં. એની સાથે ગુલામઅલી સાથેનું બે રેકોર્ડનું ગઝલ આલ્બમ ‘મેરાજ-એ-ગઝલ’ અને નુરજહાંના ગીતો તેમણે (આશાએ) ફરી રેકોર્ડ કર્યાં હતાં તેની એક કેસેટ. આ બધું અમને આપવા માટે! પ્રિય કલાકારોને મળવાની યાત્રાના પહેલા જ મુકામ પર, આશા ભોસલે જેવાં કલાકાર પાસેથી મેળવેલી રેકોર્ડનો સ્વાદ કેવો સ્વર્ગીય લાગે!

આ મુલાકાતનો સૌથી મોટો આડફાયદો એ થયો કે બીજા કલાકારોને મળવાની અને સારા-નરસા અનુભવો મેળવવાની હિંમત અને ઉત્સાહ આવ્યાં. ખરા અર્થમાં એક દુનિયા જોવા મળી. મુગ્ધતાનો સવેળા મોક્ષ થવાથી આગળ જતાં ઘણા ઉધામા ન જાગ્યા અને પત્રકારત્વમાં આવતાં પહેલાં, અજાણતાથી, તેનું જુદા પ્રકારનું લેસન થયું.

આશા ભોસલેની મુલાકાતની તારીખ હતી 22-5-1990 અને બીજા દિવસે શ્યામ બેનેગલને ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે આવેલા ‘એવરેસ્ટ’ બિલ્ડિંગમાં તેમની ઓફિસમાં મળ્યા. મહાનતના ભાર વગરના બેનેગલે પણ કલાકેક બેસાડીને અમને અમારી મર્યાદિત સમજણ સાથે બરાબર સાચવ્યા. વાતો કરી. ટ્રાઇપોડ પર ‘ઓટો’ મોડમાં અમારી સાથે ફોટો પડાવ્યો. કાગળીયાંથી આચ્છાદિત ઓફિસમાં બે જ ખુરશી હતી, તો બે ખુરશીમાં અમારી સાથે ત્રીજા શ્યામ બેનેગલ પણ સાંકડમાંકડ જરાય કટાણું મોં કર્યા વિના ગોઠવાયા.

અંગત રીતે યાદગાર એવા આ પ્રસંગો આપવડાઇ તરીકે નહીં, પણ સામેનાં પાત્રોના નમૂનેદાર વ્યવહાર તરીકે હંમેશાં દિલમાં અંકાઇ ગયા છે. ત્યાર પછી બીજા ઘણા, મુખ્યત્વે જૂના કલાકારોને મળવાનું થયું. પત્રકાર બન્યા પછી પણ ઘણા ‘મોટા’ લોકોને મળવાનું થયું, પણ 19 વર્ષના એક સામાન્ય મહેમદાવાદી તરીકે 20 વર્ષ પહેલાં આશા ભોસલેને મળવાની જે થ્રીલ હતી, તેનું સ્થાન હંમેશાં વિશિષ્ટ અને ઊંચું રહ્યું છે.






Wednesday, May 05, 2010

ઇન્દુલાલ યાજ્ઞિકનો ‘સ્વર્ણિમ’ ઇન્ટરવ્યુ

અમદાવાદમાં નેહરૂબ્રિજના નાકે ‘આ પોસ્ટમેન જેવા ભાઇ કોણ છે?’ એવો સવાલ જેમના પૂતળા માટે પૂછાતો રહ્યો છે, એ ઇન્દુલાલ યાજ્ઞિક એટલે ગુજરાતના ‘ચાચા’. મહાગુજરાત આંદોલનના નેતા. ‘જુવાન ડોસલા’ના ખિતાબ માટે પૂરેપૂરા લાયક. પાછા ગાંધીજી જેવા સાત્ત્વિક પણ નહીં. તાજ છાપ સિગરેટ પીએ ને થેલામાં ચણા રાખે અને ભૂક્કા કાઢી નાખવાની વાત કરે. પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે એમની સાથે વાતચીત કરવા મળે તો?

એવો વિચાર ચાલુ હતો ત્યાં એવું લાગ્યું, જાણે સામે કોઇ આવીને બેઠું. જરા ઘ્યાનથી જોયું તો એ જ ટોપી ને એ જ થેલો...ઇન્દુલાલ યાજ્ઞિક. ગાંધીજી જેવા ગાંધીજી મુન્નાભાઇ પાસે જઇ શકતા હોય તો ઇન્દુલાલ કેમ ન આવે? એટલે ઝાઝો વિચાર કર્યા વિના વાતચીત શરૂ કરી દીધી.

સઃ ચાચા, તમે ક્યાંથી?
ઇ: તું મને ચાચા ન કહીશ. નેહરૂ જેવું લાગે છે. અને વાતો પછી. પહેલાં એક તાજ છાપ કાઢ. જરા ઘુમાડો કાઢીએ તો મઝા આવે.
સઃ ચાચા, યુ ટુ? તમને પણ ઘુમાડામાં મઝા આવવા લાગી?
ઇ: અલ્યા, હું તો સિગરેટના ઘુમાડાની વાત કરૂં છું- સ્વર્ણિમના નહીં.
સઃ એક મિનિટ, ચાચા. શું બોલ્યા? સ્વર્ણિમ?
ઇ: હા ભઇ, મારા અમદાવાદમાં ફરતો હતો ત્યાં ઠેકઠેકાણે પાટિયાં પર વાંચ્યું: સ્વર્ણિમ ગુજરાત.
(પછી થોડી વાર અટક્યા અને આગળ વઘ્યા)
ઇ: ગાંધીજી મૂરખ હતા...
સઃ ચાચા, સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ગાંધીજી ક્યાં આવ્યા?
ઇ: સ્વર્ણિમની કોણ વાત કરે છે? હું કહું છું કે ગાંધીજીએ અંગ્રેજો સામે આટલી મોટી લડત ઉપાડી, તેના માટે થઇને હજારો લોકોએ લાઠીઓ ખાધી, આંદોલન કર્યાં, જેલ વેઠી. એને બદલે ગાંધીજીએ આખા ભારતમાં હોર્ડિંગ ચીતરાવી દીધાં હોત: ‘અંગ્રેજો ભારત છોડો’, ‘સ્વર્ણિમ ભારત, સ્વર્ણિમ સ્વરાજ્ય’, ‘ભારત અમારૂં, અમે ભારતના’- અને દરેક હોર્ડિંગ જોડે પોતાના જુદા જુદા ફોટા મૂકાવ્યા હોત...
સઃ તો શું? અંગ્રેજો એ પાટિયાં વાંચીને ભારત છોડી દેત?
ઇ: એવું મેં ક્યાં કહ્યું! મહત્ત્વ અંગ્રેજોએ ભારત છોડ્યું એનું છે? કે આપણે એમને ભારત છોડવાનું કહી દીઘું એનું? જરા વિચારી જો! એક હોર્ડિંગમાં ચરખા પર હાથ મૂકીને ઉભેલા ગાંધીજીનો ફોટો હોય, બીજામાં તેમણે ખભે ખેસ નાખ્યો હોય, ત્રીજામાં શાલ ઓઢી હોય, ચોથામાં કૂર્તો પહેર્યો હોય, તો કેવો વટ પડી જાય?
સઃ પણ એનાથી અંગ્રેજોને શો ફરક પડે?
ઇ: અંગ્રેજોને ફરક પડે કે ન પડે, પણ પ્રજા પર કેવી જોરદાર અસર પડે? પ્રજાને લાગે કે અંગ્રેજો તો ફાસફૂસ છે. અસલી હીરો તો આ જ છેઃ વીર હોર્ડિંગવાળો.
સઃ વાહ, ચાચા. તમારો ફિલમનો ટચ હજુ ગયો નથી. તમને આ સ્ટોરી કેવી રીતે સૂઝી?
ઇ: બસ, આ તને મળવા આવતી વખતે રસ્તામાં હોર્ડિંગ જોયાં એની પરથી. ચાલ, હવે વાતો બહુ થઇ. ચા પીએ. મારી પાસે દસ પૈસા છે. તારી પાસે કેટલા છે?
સઃ તમે એ બધી ચિંતા ન કરો. ગુજરાતમાં કોઇ પણ પીણાની વ્યવસ્થા થઇ જશે. તમે ચા કહો તો ચા ને....
ઇ: તું વાત આડા પાટે ચડાવે છે. ચા મંગાવ ને કામની વાત કર.
સઃ ઓકે, ચાચા. રવિશંકર મહારાજને મળવાનું થાય કદી?
ઇ: હમણાં જ મળ્યો હતો. હું ગયો ત્યારે એ કંઇક શોધતા હતા. મેં પૂછ્યું એટલે ખબર પડી કે એ ૧ મે, ૧૯૬૦ના દિવસે એમણે આપેલું પ્રવચન શોધતા હતા.
સઃ કેમ? એમને વળી પચાસ વર્ષ જૂના પ્રવચનનું શું કામ પડ્યું?
ઇ: મેં એ જ પૂછ્યું. એટલે મહારાજ કહે, બસ, આજે હાસ્યલેખ વાંચવાનું મન થયું. એમ કહીને જાતે જ હસી પડ્યા.
સઃ અને ચાચા, મોરારજીભાઇ?
ઇ: એ પણ મળે. હજુ કહેતા હોય કે હું ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધી છું અને હજુ કહે છે કે ગોળીઓ છોડવામાં પોલીસે કોઇ ભૂલ કરી નહોતી. પછી મારે એમને વારવા પડે કે મોરારજીભાઇ, એ બધી જૂની વાતો થઇ. હવે તો ગુજરાતની પોલીસ એન્કાઉન્ટર કરતી થઇ ગઇ છે અને તેમને રક્ષણ આપનારા પણ એન્કાઉન્ટર વખતે કહેતા હોય છે કે ‘પોલીસે ગોળી છોડવામાં કોઇ બૂલ નથી કરી. બીજો વિકલ્પ ન રહેતાં પોલીસે ગોળી છોડી છે...’
સઃ મોરારજીભાઇને એન્કાઉન્ટર એટલે શું એનો ખ્યાલ આવે?
ઇ: હાસ્તો, રાજકારણમાં એમનું પોતાનું કેટલી બધી વાર થઇ ગયું! પંડિતજી દ્વારા, ઇન્દિરા દ્વારા...
સઃ ચાચા, તમે ધાર તૈયાર રાખી છે. હજુ ચૂંટણીમાં ઝંપલાવો તો વાંધો ન આવે.
ઇ: મને ખોટેખોટો ચડાવ નહીં. અત્યારે મને કોઇ ઓળખતું પણ નથી ને તું મત આપવાની વાત કરે છે?
સઃ તમને ખબર નથી, ચાચા. સ્વર્ણિમ જયંતિમાં અમદાવાદમાં તમારા બાવલાની પછવાડે મુખ્ય મંત્રીનાં એટલાં બધાં હોર્ડિંગ છે કે જતાં-આવતાં લોકોની નજર એ હોર્ડિંગ તરફ જાય જ- અને હોર્ડિંગ તરફ જુએ એટલે તમારૂં પૂતળું પણ જુએ અને બધા હોર્ડિંગ માં ભલે સાહેબના ફોટા હોય, એકાદ હોર્ડિંગ માં તમારો ફોટો પણ છે.
ઇ: ધન્ય ભાગ્ય મારાં કે મને યાદ કર્યો ને હોર્ડિંગ ચડાવ્યો. પણ મને એવા કોઇ ધખારા નથી. મને કેમેરાનો ને ફિલમનો શોખ હતો ત્યારે હું અસલી ફિલમલાઇનમાં જઇ આવ્યો છું ને પિક્ચરો ઉતારી આવ્યો છું. પોતાનો ચહેરો જોવાનો બહુ શોખ હોય એમણે નેતાગીરીને બદલે ફિલમમાં એક્ટિંગ ચાલુ કરવી જોઇએ. એનાથી ફિલ્મલાઇનને પણ ફાયદો થાય.
સઃ ચાચા, આ બધા નવા જમાનાના તકાદા છે. તમે ના સમજો. લોકોને નેતા તરીકે હવે કોઇ બગલથેલાવાળો માણસ ન ચાલે.
ઇ: તો? નાણાંકોથળીવાળો જ ચાલે?
સઃ હવે ગુજરાતમાં નેતા બનવું હોય તો ડીઝાઇનબંધ કપડાં પહેરવાં પડે ને આગળપાછળ અંગરક્ષકો રાખવા પડે. તમારા જેવાનું કામ નહીં. તમે ચણા ખાવ, તાજ છાપ સિગરેટ પીઓ ને ઘુમાડા ઉડાડો. રાજ ચલાવવું એટલું સહેલું નથી.
(આ સંવાદો સાથે જ ઘ્યાનથી જોયું તો સામેથી ઇન્દુલાલ ગાયબ હતા અને જમીન પર થોડા ચણા અને તાજ છાપ સિગરેટની રાખ વેરાયેલી હતી.)

Monday, May 03, 2010

કચ્છ સરહદે પાકિસ્તાની આક્રમણઃ મંત્રણાના મેજ પર કાચું પડેલું ભારત


અલગ ગુજરાતના ઇતિહાસનું એક વિસરાયેલું પ્રકરણ

ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધોની તવારીખમાં કચ્છની સરહદ ઘણી વાર વિસરાઇ જાય છે. ૧૯૭૧ના યુદ્ધ વખતે કરાચી પર હુમલો કરવા ગયેલા મિસાઇલ બોટો ઓખાથી રવાના થઇ હતી. એ પ્રકરણ નૌકાસૈન્યની તવારીખમાં યાદગાર ગણાય છે. પરંતુ ૧૯૭૧ના યુદ્ધના અંતે ભારતીય સૈનિકોની બહાદુરી પછી, શાસકોના પક્ષે કુનેહનો જે અભાવ જોવા મળ્યો, તેનો પહેલો અંક ૧૯૬૫માં કચ્છના રણમાં ભજવાઇ ચૂક્યો હતો.

પાકિસ્તાનના સરમુખત્યાર ફિલ્ડમાર્શલ ઐયુબખાન કચ્છના રણની માલિકી બાબતે વિવાદ ઉભો કરવા માગતા હતા. એ વિવાદ ચગે એટલે તેને આંતરરાષ્ટ્રિય તખ્તા પર લઇ જવાનો તેમનો પ્લાન હતો. કચ્છનું અડપલું ખરૂં જોતાં તેમને મન ટેસ્ટકેસ જેવું હતું. તેમાં ભારતની લશ્કરી તાકાતનો અંદાજ આવી જાય, તો પછી કાશ્મીર અને પંજાબની સરહદે મોરચા ખોલીને દિલ્હી સર કરી લેવાનું તેમનું સ્વપ્ન હતું.

ઐયુબખાનના અડપલાનો આરંભ
ઐયુબખાનના પ્લાન પ્રમાણે, ૧૯૬૫ના જાન્યુઆરી મહિનાથી પાકિસ્તાનનું નાટક શરૂ થઇ ગયું. કચ્છના રણમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ એક સવારે જોયું તો સરહદનાં બે સ્થળો સરાઇ અને દિંગ વચ્ચે પાકિસ્તાને પાકી સડક બાંધી દીધી હતી. (સ્થળોનો ખ્યાલ મેળવવા માટે જુઓ નકશો)



સરાઇ અને દિંગ પાકિસ્તાન બાજુ આવેલાં હતાં, પણ તેમને જોડતી સડક ભારતમાં ત્રણેક કિલોમીટર અંદરથી પસાર થાય એ રીતે બાંધવામાં આવી હતી. ત્યાંથી પસાર થતા ભારતીય જવાનોને પાકિસ્તાની જવાનોએ આંતર્યા અને ‘ચોરી પર શિરજોરી’ની અદાથી તેમની પર ધૂસણખોરીનો આક્ષેપ કર્યો. આટલેથી અટકી જવાને બદલે, પાકિસ્તાને કંજરકોટની ચોકી પર કબજો જમાવવાનું નક્કી કર્યું. પાકિસ્તાની સુરક્ષા દળોની હિલચાલના જવાબમાં ભારતના જવાનોએ કંજરકોટથી દસેક કિલોમીટર દૂર આવેલા વીગોકોટમાં ચોકી સ્થાપી અને દીંગમાં પાકિસ્તાની મોરચાબંધીના જવાબરૂપે સરદાર પોસ્ટમાં સીમા સુરક્ષા દળની ટુકડીઓ મોકલી આપી.

આટલે સુધી પાકિસ્તાની સૈન્ય ચિત્રમાં આવ્યું ન હતું. સીમા સુરક્ષા દળો વચ્ચે જ દાવપેચ ચાલતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શાંતિકરાર મુજબ ‘રાજકોટ પોલીસ રેન્જર્સ’ના ડી.આઇ.જી.એ પાકિસ્તાનના ‘ઇન્ડસ રેન્જર્સ’ના વડા સાથે તાત્કાલિક મુલાકાત યોજવાનો આગ્ર રાખ્યો. પણ પાકિસ્તાનને સમય પસાર કરવામાં રસ હતો. એટલે ‘ઇન્ડસ રેન્જર્સ’ના વડાને બદલે કોઇ સ્થાનિક અફસરને મોકલવામાં આવ્યો. એ વાતચીતનું કશું પરિણામ ન આવ્યું. પાકિસ્તાને એક જ રટણ ચાલુ રાખ્યું, ‘અમે અમારા વિસ્તારમાં જ પેટ્રોલિંગ કરીએ છીએ. અમે ક્યાંય ધૂસણખોરી કરી નથી. કંજરકોટમાં અમારૂં કોઇ થાણું નથી.’

વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સરકારે પાકિસ્તાન સમક્ષ સત્તાવાર રીતે વાંધો પ્રગટ કર્યો, ત્યારે પાકિસ્તાન સરકારે લેખિતમાં જણાવ્યું,‘અમારાં દળોએ કંજરકોટ કબજે કર્યું નથી.’

જૂઠાણાં પછી આક્રમણ
ખાસ્સું ડહાપણ ડહોળ્યા પછી પાકિસ્તાને કચ્છની સરહદે સૈન્યની જમાવટ શરૂ કરી. કચ્છને અડીને આવેલા સિંધ પ્રાંતના કરાચી નજીકનો કેન્ટોન્ટમેન્ટ વિસ્તાર ચહલપહલથી ધમધમી ઉઠ્યો. ભૂમિદળનો ત્રણ બટાલિયન, તોપદળ તથા મોર્ટારથી સજ્જ એક-એક ટુકડી સરહદ તરફ રવાના કરવામાં આવી.

પાકિસ્તાનની બે બટાલિયનોએ વિધિવત્ રીતે ભારતની સરહદમાં આવેલી સરદાર પોસ્ટ પર હુમલો કર્યો, ત્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ની બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. સરદાર પોસ્ટની ચોકી પર સીમા સુરક્ષા દળની બે કંપની મોજૂદ હતી. તેમની પાસે બંદૂકો હતી, પણ તે તાલીમબદ્ધ સૈન્યની સામે ઝીંક ઝીલી શકે એમ ન હતા. સંખ્યાબળની દૃષ્ટિએ પણ પાકિસ્તાનની સૈનિકો ભારતીય જવાનો કરતાં ચાર-પાંચ ગણી સંખ્યામાં હતા.

મર્યાદિત સાધનો અને સંખ્યાબળ હોવા છતાં સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાની હુમલા સામે ચોકી ટકાવી રાખી. સરદાર પોસ્ટની લડાઇમાં બે ભારતીય જવાનો શહીદ થયા. પાકિસ્તાનના ૨૪ સૈનિકો માર્યા ગયા. આમ પહેલા હુમલામાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી. બીજા દિવસે સવારે પાકિસ્તાને નવેસરથી હુમલો કર્યો, ત્યારે સરદાર પોસ્ટ જાળવનારા જવાનો પાસે દારૂગોળો તો ઠીક, પીવાનું પાણી પણ ખૂટી ગયું હતું. તેમ છતાં ૧૪ કલાક સુધી ચોકી ટકાવી રાખ્યા પછી ન છૂટકે તે પીછેહઠ કરીને વીગોકોટની ચોકી પર પહોંચ્યા. એ તબક્કે ભારતીય સૈન્યએ સીમા સુરક્ષા દળ પાસેથી મોરચો સંભાળી લીધો.

બન્ને દેશનાં લશ્કર આમનેસામને આવી ગયાં. ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાએ લોકસભામાં કચ્છની વણસતી સ્થિતિ વિશે માહિતી આપી અને ભારતીય લશ્કરે હવાલો સંભાળી લીધો હોવાનું કહ્યું. સીધા યુદ્ધમાં ભારતને હંફાવવાનું અઘરૂં પડે એમ ધારીને ઐયુબખાને ‘બે ડગલાં આગળ, એક ડગલું પાછળ’ની નીતિ અપનાવી.

મંત્રણાના ડોળ સાથે હુમલા
બે અઠવાડિયાં સુધી પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની ઉટપટાંગ દરખાસ્તો સૂચવાતી રહી. ભારતના હાઇકમિશનરને બોલાવીને ‘કચ્છ-સિંધ સરહદે ભારતે કરેલી ધૂસણખોરી’ બદલ પાકિસ્તાને વાંધો પ્રગટ કર્યો. પાકિસ્તાની વિદેશ મંત્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટોએ ગુમાનભેર જાહેરાત કરી કે કંજરકોટની ચોકી છોડી દેવાનો સવાલ જ પેદા થતો નથી.

બન્ને દેશો વચ્ચે મંત્રણાઓનાં વાદળાં બંધાતાં હતાં, ત્યારે પાકિસ્તાને નવેસરથી કચ્છ સરહદે હુમલા કર્યા. સરદાર પોસ્ટ, વીગોકોટ અને કંજરકોટથી આશરે ૭૦ કિલોમીટર દૂર આવેલા બાયરબેટ ઉપરાંત ‘પોઇન્ટ ૮૪’ ઉપર પણ પાકિસ્તાની સૈન્યએ ભારે હુમલો કર્યો. કંજરકોટથી આશરે ૪૮ કિ.મી. પૂર્વમાં આવેલા પોઇન્ટ ૮૪ પરના હુમલામાં ટેન્કો પણ સામેલ હતી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની ૬ ટેન્કોનો ખુરદો બોલાવી દીધો અને તેનો બીજો હુમલો પણ નિષ્ફળ બનાવ્યો. એટલે ફરી એક વાર પાકિસ્તાને સુલેહની દરખાસ્ત મૂકી. ૨૭ એપ્રિલ, ૧૯૬૫ના રોજ પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે ‘બન્ને દેશો વિવાદગ્રસ્ત વિસ્તારમાંથી પોતાનાં સૈન્યો પાછાં ખેંચી લે એવું સમાધાન પાકિસ્તાનને મંજૂર છે.’

(નકશામાં) ૨૪ અક્ષાંશની રેખાથી ઉપર આવેલો આશરે ૩,૫૦૦ ચોરસ માઇલનો પ્રદેશ વિવાદાસ્પદ તરીકે ખપાવી દેવાનો પાકિસ્તાનનો ઇરાદો હતો. ૧૯૪૭ થી ૧૯૬૫ સુધીમાં આઠેક વખત પાકિસ્તાને આ વિસ્તારને સિંધ પ્રાંતનો હિસ્સો ગણાવવાની કોશિશ કરી હતી, પણ તેમાં સફળતા મળી ન હતી. પોતાનો સીધેસીધો દાવો માન્ય નહીં રહે એવું લાગતાં પાકિસ્તાને બીજી દલીલ પણ તૈયાર રાખી હતી.

રણને સમુદ્ર ગણાવવાની ચાલ
આંતરરાષ્ટ્રિય નિયમ પ્રમાણે બે પ્રદેશોની વચ્ચેસમુદ્ર કે તળાવ આવેલું હોય તો તેના સમગ્ર વિસ્તાર પર કોઇ એક દેશની માલિકી નહીં, પણ બન્ને દેશોની સરખા હિસ્સે માલિકી રહે છે. પાકિસ્તાને દાવો કર્યો કે કચ્છનું રણ વાસ્તવમાં સિંધ અને કચ્છ વચ્ચે આવેલો સમુદ્ર છે. જનાબ ભુત્તોએ કહ્યું કે વર્ષમાં છ મહિના આ પ્રદેશ પાણીમાં રહેતો હોવાથી તેને સમુદ્ર અથવા તળાવની સમકક્ષ ગણવો જોઇએ. પરંતુ ભારતે આઝાદી પહેલાંના અનેક ગેઝેટીયરો અને બીજા પુરાવા રજૂ કરીને આ દાવાનો છેદ ઉડાડી દીધો.

વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ૨૮ એપ્રિલ, ૧૯૬૫ના રોજ લોકસભામાં જાહેર કર્યું કે ‘પાકિસ્તાન હુમલા ચાલુ રાખશે તો ભારતનું સૈન્ય દેશનું રક્ષણ કરવા ઉપરાંત તેને યોગ્ય લાગે એ રીતે વ્યૂહરચના ગોઠવશે.’ એટલે ઐયુબખાને ફરી પોતાની નિર્દોષતા જાહેર કરી અને કહ્યું કે ‘અમારે હુમલા કરવા હોત તો કચ્છને બદલે બીજા મોરચે ન કર્યા હોત!’

કચ્છમાં અડપલાં કરવા પાછળનો ઐયુબખાનનો મુખ્ય હેતુ પાકિસ્તાની શસ્ત્રબળની તાકાત ચકાસવાનો હતો. અમેરિકાની દયાથી મેળવેલાં આઘુનિક સેબરજેટ યુદ્ધવિમાનો અને પેટન ટેન્કના જોરે ઐયુબખાનનો જુસ્સો માતો ન હતો. કચ્છમાં ભારતના મર્યાદિત સંખ્યાબળ સામે પોતાનું મોટું સૈન્ય લગાડીને ઐયુબખાને (ખોટું) તારણ કાઢ્યું કે ભારતને પછાડવામાં વાંધો નહીં આવે.

એપ્રિલના છેલ્લા અઠવાડિયે રણમાં યુદ્ધ થયા પછી મંત્રણાઓ ચાલતી હતી. તેમ છતાં, ૨૫ મેનારોજ ભારતની સરહદમાં સાતેક કિલોમીટર અંદર આવેલા બાયરબેટ પર પાકિસ્તાની સૈનિકોએ બખ્તરિયા ગાડી સહિત આક્રમણ કર્યું. એ જ પ્રમાણે, ૧૫મી જૂને સરદાર પોસ્ટ અને વીગોકોટ પર પાકિસ્તાને હુમલા કર્યા. અંતે બ્રિટનના વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનની દરમિયાનગીરીથી બન્ને દેશ યુદ્ધવિરામ માટે સંમત થયા. ૩૦ જૂનની બપોરે બાર વાગ્યે વિલ્સનની દરખાસ્તો પર સહી થતાં ૧ જુલાઇ, ૧૯૬૫થી સવારે છ વાગ્યાથી કચ્છ સરહદ શાંત થઇ.

બેની લડાઇમાં ત્રીજાની દખલગીરી
વિલ્સન કરારમાં યુદ્ધવિરામ અને લશ્કર પાછું ખેંચી લેવાની કલમો ઉપરાંત ૧ જાન્યુઆરી, ૧૯૬૫ની સ્થિતિ યથાવત્ રાખવાની કલમ હતી. કચ્છ-સિંધના મામલે બ્રિટિશ જમાનાથી ચાલી આવતી સરહદ આખરી ગણવાને બદલે વિલ્સને બન્ને દેશોની સરકારો પર મામલો છોડ્યો. બન્ને દેશો નિર્ણય પર ન આવી શકે તો ત્રણ વ્યક્તિઓની એક સમિતિ રચવાની જોગવાઇ પણ તેમાં હતી. એ સમિતિમાં બન્ને દેશ તેમના નાગરિક ન હોય એવા એક-એક વિદેશી પ્રતિનિધિ નીમે અને અઘ્યક્ષ તરીકે બન્ને પક્ષોને માન્ય કોઇ વ્યક્તિ નીમાય. અઘ્યક્ષ અંગે બન્ને દેશો એકમત સાધી ન શકે તો ‘યુનો’ના સેક્રેટરી જનરલ અઘ્યક્ષની નિમણૂંક કરે.

વિલ્સનકરારથી કે આ સમિતિની રચનાથી પાકિસ્તાનને કશું નુકસાન ન હતું. એના માટે ‘વકરો એટલો નફો’ હતો. જે સરહદ માટે કોઇ વિવાદ ન હતો. ભારત માટે ફરી એક વાર, નાના પાયે, કાશ્મીરમાં જે થયું હતું તેનું પુનરાવર્તન થયું. ૧ જાન્યુઆરી, ૧૯૬૫ના દિવસની સ્થિતિ યથાવત્ જાળવી રાખવાની કલમને કારણે પાકિસ્તાને કંજરકોટ, બાયરબેટ અને પોઇન્ટ ૮૪ ખાલી કર્યાં, પણ સામા પક્ષે ભારતને વીગોકોટ અને સરદાર પોસ્ટ છોડવાં પડ્યાં.

કચ્છનું યુદ્ધ થોડા મહિના પછી (૧ સપ્ટેમ્બર, ૧૯૬૫થી શરૂ થઇને ૨૨ દિવસ સુધી ચાલનારા) ભારત-પાકિસ્તાન યુદ્ધનું ટ્રેલર હતું. પૂરા કદના યુદ્ધમાં પાકિસ્તાનની અવદશા થઇ, પરંતુ મંત્રણાઓના મોરચે ભારતના ભાગે લખાયેલી નુકસાનીનો કોઇ ઇલાજ ન હતો.

Saturday, May 01, 2010

ગુજરાતઃ પચાસ પૂરાં કર્યા પછી...

ગુજરાતની સ્થાપનાને આજે પચાસ વર્ષ પૂરાં થયાં. ભૌગોલિક સરહદો વગરના એક સાંસ્કૃતિક એકમ તરીકે ગુજરાતનો ખ્યાલ બહુ જૂનો છે. ‘જય જય ગરવી ગુજરાત’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ જેવાં ગુજરાત વિશેનાં અનેક પ્રશસ્તિકાવ્યો રચાયાં, ત્યારે નકશામાં એક પ્રાંત તરીકે ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. કનૈયાલાલ મુનશી જેવા ગુજરાતનાં-ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્ન સેવનારા ગુજરાતને ‘એક સાંસ્કારિક વ્યક્તિ’ કે ‘એક ભાવના’ તરીકે ઓળખાવતા હતા. ભૌગોલિક રીતે જેની ચોક્કસ વ્યાખ્યા બાંધવાનું અઘરૂં હતું એવા ગુજરાતની ટૂંકી વ્યાખ્યા હતીઃ ગુજરાતી ભાષા બોલનારા લોકોનો પ્રદેશ. આ જ વ્યાખ્યા ૧૯૫૦ના દાયકામાં મહાગુજરાત આંદોલન વખતે લાગુ પડી.

ભારતની આઝાદીની ચળવળમાં દેખીતી રીતે રાષ્ટ્રિય કોંગ્રેસનો મોટો ફાળો હતો. કોંગ્રેસ કેવળ રાજકીય નહીં, સામાજિક સંસ્થા પણ હતી. તેના વ્યાપ અને કામગીરીને કારણે, આઝાદી મળી તેના એક-બે દાયકા સુધી કોંગ્રેસ ભારતનો નૈસર્ગિક શાસકપક્ષ બની રહ્યો. તેની પાછળ એવો સામાન્ય તર્ક કામ કરતો હતો કે ‘કોંગ્રેસે આઝાદી અપાવી છે, એટલે રાજ એનું જ હોય ને!’ આઝાદી પહેલાં પણ શાસનનો થોડો અનુભવ અને તેના નેતાઓની દેશવ્યાપી પહોંચને લીધે રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનાં મૂળીયાં લોકમાનસમાં મજબૂત રીતે સ્થાપિત થઇ ગયાં. પરંતુ મહાગુજરાત આંદોલન સુધીમાં પરિસ્થિતિ બદલાઇ ચૂકી હતી.

દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ ગુજરાતીભાષી રાજ્યની માગણી મૂકાવા લાગી, ત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું. એક તબક્કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઇ એમ ત્રણ અલગ રાજ્યો રચવાનું જાહેર કરી દીઘું હતું. મુંબઇને અલગ રાખવા પાછળનો ખ્યાલ એવો હતો કે ત્યાં ગુજરાતી-મરાઠી બન્ને ભાષાઓનું સરખું ચલણ હતું અને મિજાજે મુંબઇ કોસ્મોપોલિટન (પચરંગી) હતું. પણ મરાઠીભાષીઓ મુંબઇ વિનાનું મહારાષ્ટ્ર સ્વીકારવા તૈયાર ન હતા. તેમના દબાણ સામે કેન્દ્ર સરકારે અને તેની ઇચ્છાથી રાજ્ય સરકારે નમતું જોખીને દ્વિભાષી રાજ્યની જાહેરાત કરી. એટલે અલગ ગુજરાતના અસ્તિત્ત્વ પર કામચલાઉ પૂર્ણવિરામ મૂકાઇ ગયું. ત્યાર પછી થયેલા અલગ ગુજરાત માટેના સંઘર્ષમાં રાજ્ય અને કેન્દ્રની કોંગ્રેસી સરકારો મુખ્યત્વે સામા પક્ષે રહી.

આઝાદીના એક જ દાયકા પછી, મહાગુજરાત આંદોલન કોંગ્રેસવિરોધી બની ચૂક્યું હતું. તેના નાયક ઈંદુલાલ યાજ્ઞિક ભૂતકાળમાં સરદાર પટેલ જેવા મહારથી સામે ટક્કર લઇ ચૂક્યા હતા અને કોંગ્રેસના ટીકાકાર તરીકેની તેમની મજબૂત છાપ હતી. એ બધાં પરિબળોની ઉપરવટ જઇને, ૧૯૫૭ની ચૂંટણીમાં કોંગ્રેસની જ જીત થઇ. છતાં, મહાગુજરાત આંદોલન વખતની ભૂમિકાને કારણે લોકમાનસમાં અને જાહેરજીવનમાં કોંગ્રેસવિરોધી લાગણીને ઠીક ઠીક સ્થાન મળ્યું. તેનો મનોવૈજ્ઞાનિક લાભ વિપક્ષોને અને વર્ષોથી ગુજરાતમાં ચાલતા ભાજપના શાસનને કેટલો મળ્યો, એ અભ્યાસનો વિષય છે. પરંતુ મહાગુજરાત આંદોલનના પરિણામે ગુજરાતના કેટલાક હિસ્સામાં પ્રજામાનસ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે કચવાટની લાગણી અવશ્ય ઉભી થઇ. પેઢીઓ બદલાવાની સાથે એ કચવાટનાં કારણ બદલાયાં, પણ તેનાં મૂળ શોધવા નીકળીએ તો એ મહાગુજરાતના આંદોલનમાંથી મળી આવે ખરાં.

અસ્તિત્ત્વની અવઢવથી આત્મનિરીક્ષણ સુધી
ગુજરાતને પચાસ વર્ષ પૂરાં થાય એ નિમિત્તે રાજ્યસ્તરે ઉજવણી થાય એ સ્વાભાવિક છે, પણ ઉત્સવની સાથોસાથ એ પણ સમજવું પડે કે ગુજરાતનાં પચાસ વર્ષ પૂરાં થવાં એ કોઇ સિદ્ધિ નથી- ફક્ત કાળચક્રની ગતિનું એક સ્ટેશન છે. હા, ગુજરાત પડ્યું ત્યારે મહારાષ્ટ્રથી અલગ રહીને તે પોતાનું અસ્તિત્ત્વ કેવી રીતે ટકાવી શકશે એ પ્રકારની ચિંતાઓ થતી હતી. મોરારજી દેસાઇ જેવા નેતાને ગુજરાત આર્થિક રીતે અલગ રાજ્ય તરીકે ટકી શકશે કે કેમ, એ વિશે પ્રશ્નો હતા. પરંતુ ગુજરાતના આરંભકાળના નેતાઓએ રાજ્યની આર્થિક ઉન્નતિ સાધીને તેનું અલગ અસ્તિત્ત્વ સાર્થક સિદ્ધ કરી બતાવ્યું. ‘કમાય ગુજરાત ને લઇ જાય મહારાષ્ટ્ર’ એવો જૂનો કચવાટ દૂર થયો (અથવા ‘કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતા અન્યાય’ના નવા સ્વરૂપે ચાલુ થયો). લગભગ ત્યારથી જ ગુજરાતના અસ્તિત્ત્વ સામેની રહીસહી શંકાઓ નાબૂદ થઇ ચૂકી હતી. એટલે ભારતના એક આગળપડતા રાજ્ય તરીકે ગુજરાતના અસ્તિત્ત્વને પચાસ પૂરાં થાય કે સો, તેમાં વહેતા સમય સિવાય ભાગ્યે જ કોઇએ જશ લેવાનો હોય.

ગુજરાતનું અસ્તિત્ત્વ વર્ષો પહેલાં સિદ્ધ થઇ ગયા પછી વર્ષગાંઠો જેવા પ્રસંગે વિચારવાનું એટલું જ હોય કે ગુજરાતમાં શું છે અને શું ખૂટે છે? રવિશંકર મહારાજ જેવા સેવા અને સાદગીનાં ગાંધીમૂલ્યો આત્મસાત્ કરનારા અને ગુજરાતે જેમને ભૂલાવી દીધા છે એવા નેતાએ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટનનું પ્રવચન કર્યું હતું. એ રીતે શરૂ થયેલા રાજ્યની પચાસમી વર્ષગાંઠ ઉજવવા માટે કરોડો રૂપિયાનો ઘુમાડો થાય ને એમાં પ્રજાને કશો વાંધો ન પડે તો ઘુમાડો કરનારાના રૂપિયા વસૂલ છે! બાકી, વનપ્રવેશના આ વળાંકે ગુજરાતને શું જોઇએ છે અને શાની જરૂર નથી, એ વિચારવાનું કામ ફક્ત નેતાઓ પર છોડવા જેવું નથી. એ દિશામાં શરૂઆત તરીકે થોડી કસરત.

જોઇએ છેઃ ગુજરાતી ભાષાની સારી નિશાળો
એ ભૂલી જવાય છે કે જે લાક્ષણિકતા, જે ધરી પર અલગ રાજ્યની રચના થઇ, તે રાજકીય નહીં પણ ભાષાની ધરી હતી. ‘ગુજરાતી બોલનારા લોકોના પ્રદેશં’ તરીકે અસ્તિત્ત્વમાં આવેલા રાજ્યમાં શરૂઆતમાં અંગ્રેજીના ભોગે ગુજરાતી અને પાછલાં વર્ષોમાં ગુજરાતીના ભોગે અંગ્રેજીનો જુલમ ચાલ્યો. અત્યારની સ્થિતિ એવી છે કે મોટા ભાગના વાલીઓ પાસે તેમનાં સંતાનોને ભણાવવા માટે બે જ વિકલ્પો છેઃ સસ્તી અને ખરાબ ગુજરાતી નિશાળ, મોંઘી અને ખરાબ અંગ્રેજી નિશાળ. વાલીઓની દેખીતી પસંદગી મોંઘી અને ખરાબ અંગ્રેજી નિશાળની હોય છે. (સારી અંગ્રેજી નિશાળોની ટકાવારી બહુ ઓછી છે અને એવી નિશાળો સમાજના ઉપલા વર્ગ સિવાય બીજાને પોસાતી નથી.) ખરાબ અંગ્રેજી નિશાળમાં બાળકને મૂકવા પાછળનો તર્ક એટલો જ હોય છે કે બીજું કંઇ નહીં, તો તેનું અંગ્રેજી તો સુધરશે. અંગ્રેજી સુધરે કે ન સુધરે, અંગ્રેજીની બીક દૂર થાય તો પણ તેમને રૂપિયા વસૂલ લાગે છે.

આ સંજોગોમાં સરકારી ગુજરાતી નિશાળોનો જીર્ણોદ્ધાર કરીને તેમને આઘુનિક બનાવવાનું કામ બહુ મોટું અને તાકીદનું છે. આ પડકાર એટલો મોટો છે કે સરકારના ગંજાવર તંત્ર સિવાય અને શિક્ષણના નિષ્ણાતોની આંતર્દૃષ્ટિ સિવાય તેમાં કશું ઉકાળી શકાય નહીં. સમય સરી રહ્યો છે. ટૂંક સમયમાં આ દિશામાં કોઇ નક્કર કામગીરી નહીં થાય, તો ગુજરાતી માઘ્યમ અને ઈંગ્લિશ મિડીયમમાં ભણનારા વચ્ચેની ખાઇ શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ ભારે ખાઇ સર્જશે, જેની શરૂઆત થઇ ચૂકી છે.
જરૂર નથીઃ શોપિંગ સેન્ટર જેવી, માત્ર ટંકશાળ પાડવા માટે ઉભી થઇ હોય એવી, અધકચરી અને અપૂરતી સુવિધા ધરાવતી (મુખ્યત્વે ઇંગ્લીશ મિડીયમ) સ્કૂલોની.


જોઇએ છેઃ આદિવાસીઓના હક
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી અને સેવાકીય સંસ્થાઓથી માંડીને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ ગુજરાતના અસ્તિત્ત્વ પહેલાંની સક્રિય છે. પરંતુ તેમની પ્રવૃત્તિ ‘આદિવાસીકલ્યાણ’ પર કેન્દ્રિત છે. તેમાં આદિવાસીઓના હકની લડાઇને બહુ સ્થાન હોતું નથી. આદિવાસીઓના હક માટે સંઘર્ષમાં ઉતર્યા વિના, તેમને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયાસ સૌ પોતપોતાની સમજણ પ્રમાણે કરે છે. સ્વાભાવિક છે કે તેનાં ધાર્યાં અને સંતોષકારક પરિણામ મળતાં નથી. કોઇ આદિવાસીઓને ‘હિંદુ’ બનાવીને સાર્થકતા અનુભવે છે, તો કોઇ ‘ખ્રિસ્તી’ બનાવીને. બીજી તરફ, આદિવાસીઓના હક પર સરકારનો પંજો સતત વિસ્તરતો રહ્યો છે. તેને કારણે આદિવાસીઓ માટે જંગલ અને જમીનની માલિકીની સમસ્યાઓ સર્જાઇ છે. સરકારો આદિવાસીઓ સાથે દિલચોરીથી પેશ આવે છે અને તેમને ગંભીરતાથી લેતી નથી અને સ્થિતિ ગંભીર જણાય ત્યારે આડેધડ નક્સલવાદના આરોપો કરીને પલીતા ચાંપે છે. ગુજરાતના આદિવાસીઓમાં હજુ સુધી નક્સલવાદનો પગપેસારો થયો નથી, એવો એ વિસ્તારોમાં કામ કરનારા લોકોનો અનુભવ છે. પરંતુ સરકાર હકની વાત કરનારા નિર્દોષ કાર્યકરોને ‘નક્સલવાદી’ તરીકે ખપાવીને તેમની ધરપકડો કરે, તો તે આડકતરી રીતે નક્સલવાદને આમંત્રણ આપવા બરાબર થશે. નક્સલવાદનાં ધસમસતાં પાણી શાંતિને વેરવિખેર કરી નાખે તે પહેલાં સાફ દાનતથી સંવાદની પાળ બાંધવાનું રાજ્ય સરકારનું કામછે.
જરૂર નથીઃ આદિવાસીઓના અસંતોષથી ફૂલતાફાલતા નક્સલવાદની.

જોઇએ છેઃ અસ્પૃશ્યતાનિવારણ

ગાંધીજીના પ્રભાવ હેઠળ ગુજરાતમાં ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, પરીક્ષિતલાલ મજમુદાર જેવા નેતાઓએ નિષ્ઠાવાન રીતે અસ્પૃશ્યતા દૂર કરવાના પ્રયાસ કર્યા. છતાં સદીઓ જૂની માનસિકતા સામેની લડાઇમાં એમ જીત મળે? ઉલટું, એ દિશામાં કામ બંધ થાય ત્યારે ઢાળ પર ધક્કો મારીને ચડાવેલા વાહનની જેમ, એક ડગલું આગળ વધેલી લડત બે ડગલાં પાછળ આવીને ઉભી રહી જાય.

‘અસ્પૃશ્યતાનિવારણ’ વાંચીને ઘણાને થશે, ‘એ તો ક્યારનું થઇ ગયું. ખૂણેખાંચરે કદાચ હોય તો હોય. ને એ પણ સમય જતાં નીકળી જશે.’ અસ્પૃશ્યતાનિવારણ સામેનો સૌથી મોટો પડકાર જ આ છેઃ અત્યારે તેના અસ્તિત્ત્વનો સ્વીકાર કરતાં સૌ ખચકાય છે અથવા પોતાની આજુબાજુ કે પોતાના જ મનમાં તેનું અસ્તિત્ત્વ જોવાની ક્ષમતા લોકોએ ગુમાવી દીધી છે. એટલે જ મહાગુજરાતના જમાનાની ડીઝાઇન ધરાવતી ઠેલણગાડી ઠેલતા કે ગટરમાં ઉતરતા સફાઇ કામદારોને જોયા પછી પણ અસ્પૃશ્યતાની વાત નીકળે ત્યારે ‘એ તો હવે ક્યાં રહી છે?’ એવા ભોળા ઉદગાર નીકળી જાય છે.
જરૂર નથીઃ અસ્પૃશ્યતાનો અસ્વીકાર કરતા જૂઠા સરકારની અહેવાલોની.

આ તો યાદીની શરૂઆત છે. તેમાં સૌ પોતપોતાના દૃષ્ટિકોણથી વઘુ મુદ્દા ઉમેરી શકે છે. કોઇ પણ સમસ્યાને ઉકેલવા માટે તેનો સ્વીકાર કરવો એ પહેલું પગથીયું છે. પચાસ વર્ષના મુકામે એવાં પગથીયાં ચડવાની ક્ષમતા શાસકો અને શાસિતો સૌમાં કેળવાય, એ જ શુભેચ્છા.