Tuesday, April 13, 2010

‘હરિશ્ચંદ્ર’ જોડીના બીજા જોડીદાર હરવિલાસબહેનની પણ વિદાય




‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાના ચાહકોમાં અને સર્વોદયી વર્તુળોમાં ‘હરિશ્ચંદ્ર બહેનો’ તરીકે જાણીતાં કાન્તાબહેન-હરવિલાસબહેનની જોડીમાંથી હરવિલાસબહેનનું ૨ એપ્રિલ, ૨૦૧૦ના રોજ અવસાન થયું. અમદાવાદમાં મૃત્યુ પામેલાં હરવિલાસબહેનના દેહાંતના સમાચાર કાંતિભાઇ શાહના મિત્રોને મોકલેલા એક વિશિષ્ટ પત્રથી મળ્યા. ગઇ કાલે ઘરે આવેલા ૪ પાનાંના એ પત્રમાંથી કેટલુંક લખાણ અને હરવિલાસબહેનની તસવીર આ સાથે મૂકી છે.

કોલેજકાળથી તેમનાં જોડીદાર અને વિનોબા સંગે ભૂદાન પ્રવૃત્તિ અને સર્વોદય પ્રવૃત્તિમાં તેમનાં આજીવન સાથી બની રહેલાં કાંતાબહેને પહેલાં વિદાય લીધી હતી. આ અનોખી જોડી વિશે કાન્તિભાઇ શાહે ‘એકત્વની આરાધના’ (યજ્ઞ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ: જૂન, ૧૯૯૩) પુસ્તક લખ્યું હતું. અઢીસો પાનાંના એ પુસ્તકમાં બન્નેની જીવનયાત્રાના વિવિધ પડાવનું સરળ છતાં સ્પર્શી જાય એવું આલેખન કરવામાં આવ્યું છે.

બન્ને બહેનોનું સંયુક્ત નામ ‘હરિશ્ચંદ્ર’ વિનોબાએ પાડ્યું હતું. તેમણે એક પત્રમાં લખ્યું હતું,‘તમે બન્ને મળીને એક માણસ, એમ સમજી આ નામ બનાવ્યું. બન્નેના નામોનો પૂર્વ ભાગ આમાં આવી જાય છે...તમારૂં બન્નેનું અદ્વૈત ઇચ્છું છું. અદ્વૈત માનીને જ તો ‘હરિશ્ચંદ્ર’ નામ દીઘું...તમારી બન્ને વચ્ચે જે હાર્દિક એકતા છે, તેને હું એક આદર્શ ઉદાહરણ રૂપે બહેનો સામે મૂકું છું.’ કાંતિભાઇએ બન્ને બહેનો વચ્ચેના સંબંધ માટે ‘અશેષ આત્મીયતા’ જેવો શબ્દપ્રયોગ વાપર્યો છે.

હરિશ્ચંદ્ર બહેનોએ ભૂમિપુત્રના છેલ્લા પાને, શબ્દોની મર્યાદામાં રહીને છતાં ભાવને ટૂંપ્યા વિના વર્ષોથી વાચકોને વાર્તાઓ દ્વારા માનવીય મૂલ્યો પીરસ્યાં. ‘વીણેલાં ફૂલ’ નામે થયેલા એ વાર્તાઓના અનેક સંચયોને મનુભાઇ પંચોળી જેવાની પ્રસ્તાવના પ્રાપ્ત થઇ હતી.

ઉત્તર ગાંધીયુગમાં અનેક રીતે વીરલ કહેવાય એવી આ જોડી હવે તેમનાં અસ્થિ પર ઉગેલા વૃક્ષ સ્વરૂપે અને તેમણે લખેલાં પુસ્તકો સ્વરૂપે આપણો સાથ નિભાવશે.

(આ પોસ્ટ માટે અઘ્યાપક મિત્ર સંજય ભાવેએ રાબેતા મુજબના ઉમળકાથી કેટલાંક પુસ્તકો પૂરાં પાડ્યાં છે.)

2 comments:

  1. Salil Dalal (Toronto)3:49:00 AM

    ’ભૂમિપુત્ર’ ની છેલ્લા પાનાની ટૂંકી વાર્તાઓ અને ’હરિશ્ચન્દ્ર’ના વરસો સુધી રહેલા નિયમિત વાચક તથા ચાહક તરીકે આ બધી વિગતો ખુબ સ્પર્શી ગઇ.
    આભાર.

    ReplyDelete
  2. 28 માર્ચ 2010ના રોજ શ્રી વિપુલ કલ્યાણીના ઓપિનિયન મેગેઝિનના સંકેલાના અવસરે હરવિલાસબેનની નાદુરસ્ત તબિયતને લીઘે કાંતિભાઈશાહ લંડન આવી શક્યા ન્હોતા. એમને સાંભળવાનો અવસર ગુમાવવાનો વસવસો હતો એવામાં આ માઠા સમાચાર જાણી વધુ દુખ થયું. આપણે અક્ષરદેહે હરિશ્ચંદ્ર બહેનોને યાદ કરતાં રહીશું.

    ReplyDelete