Wednesday, March 31, 2010
સાંકળ વગરનું સહજીવનઃ સલામતી વિરૂદ્ધ સ્વતંત્રતાની લડાઇ?
દેશની સંસ્કૃતિ અને પરંપરા ફરી એક વાર જોખમમાં છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશોએ કહ્યું કે ‘લગ્નબંધન વગરનું સહજીવન (લિવ-ઇન રિલેશનશીપ) ગેરકાનૂની નથી.’ એ સાથે કાગારોળ શરૂ થઇ છે. સર્વોચ્ચ અદાલતે જાણે લગ્નસંસ્થાને રદબાતલ ઠરાવીને લિવ-ઇન સંબંધોને ફરજિયાત બનાવ્યા હોય, એવો માહોલ ઉભો થયો છે. આટલું ઓછું હોય તેમ, સર્વોચ્ચ અદાલતની બેન્ચે લિવ-ઇન સંબંધોના ઉદાહરણ તરીકે (ખોટી રીતે) રાધા-કૃષ્ણનો પૌરાણિક દાખલો ટાંકતાં, રાબેતા મુજબ ધાર્મિક લાગણીઓ પણ દુભાઇ છે.
સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થા લિવ-ઇનના મુદ્દે ફક્ત કાનૂન અને બંધારણને વળગી રહી હોત તો એ પૂરતું હતું. સાંસ્કૃતિક પરંપરાનાં ઉદાહરણોમાં પૌરાણિક દેવીદેવતાઓ સુધી જવાથી, આખો વિવાદ ગૂંચવવા અને વકરાવવા ઇચ્છતા લોકોને દોડવું હતું ને ઢાળ મળ્યો. લિવ-ઇન સંબંધો સંપૂર્ણપણે કાનૂની ઠરવાને કારણે જેમના પેટમાં તેલ રેડાયું હતું, એવા લોકોએ રાધા-કૃષ્ણના મુદ્દે ધોકાબાજી કરીને, લિવ-ઇન સામેની ખીજ પણ કાઢી લીધી.
‘સંસ્કૃતિ ખતરેમેં’ અને ‘લગ્નસંસ્થા ખતરેમેં’ જેવી ભયાનક કલ્પનાઓ બાજુ પર રાખીને, અદાલતે ખરેખર શું કહ્યું ને કયા સંદર્ભમાં કયું, એ યાદ રાખવા જેવું છે. અડધા ગૂંચવાડા ત્યાં જ ઓછા થઇ જશે.
દક્ષિણ ભારતીય અભિનેત્રી ખુશ્બુએ પાંચ વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં લગ્ન પહેલાં જાતીય સંબંધોની તરફેણ કરી હતી. ખુશ્બુના અંગત અભિપ્રાય સાથે સંમત થવું જરૂરી નથી, પણ અભિપ્રાય આપવાનો તેનો અધિકાર છે એ માનવું પડે. મુલાકાત પ્રગટ થતાં સંસ્કૃતિના કેટલાક રખેવાળોએ ખુશ્બુ સામે ૨૨ ફોજદારી કેસ ફટકારી દીધા. બે વર્ષ પહેલાં મદ્રાસ હાઇ કોર્ટે ખુશ્બુ સામેના કેસ પાછા ખેંચવાની ના પાડી દેતાં, તકરાર સર્વોચ્ચ અદાલતમાં પહોંચી.
સર્વોચ્ચ અદાલતે ખુશ્બુના અભિપ્રાય આપવાના અધિકારને જ નહીં, પુખ્ત વયના સ્ત્રી-પુરૂષના લગ્ન સિવાય સાથે રહેવાના -જાતીય સંબંધ રાખવાના અધિકારને પણ માન્ય રાખ્યો. એટલું જ નહીં, એ અધિકારને ‘રાઇટ ટુ લાઇફ’ - જીવવાના મૂળભૂત અધિકારનો હિસ્સો ગણાવ્યો. તેમણે ફરિયાદી પક્ષના વકીલને સાફ શબ્દોમાં પૂછ્યું હતું કે ‘પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ લગ્ન કર્યા વિના સાથે રહે, તે કાયદાની કઇ કલમ હેઠળ ગુનો બને છે, એ તો કહો!’ અનૈતિકતા જેવી સાપેક્ષ બાબતોને ગુનો ગણી શકાય નહીં, એવું પણ ન્યાયાધીશોએ કહ્યું.
નવાઇ ખરેખર એ વાતની લાગવી જોઇએ કે આટલી પ્રાથમિક બાબતમાં ન્યાય મેળવવા માટે ખુશ્બુને છેક સર્વોચ્ચ અદાલત સુધી જવું પડ્યું! ન્યાય પ્રક્રિયાની આંટીધૂંટી પ્રમાણે, હજુ આ કેસનો ચૂકાદો બાકી છે. પણ ત્યાર પહેલાં મુખ્ય ન્યાયાધીશ સહિત ત્રણ ન્યાયાધીશોની બેન્ચે રજૂ કરેલાં નિરીક્ષણોથી ફેંસલો કલ્પી શકાય છે.
લિવ-ઇન અને લગ્નસંસ્થાઃ ફાયદા-નુકસાનની પટાબાજી
અગાઉ મૈત્રીકરાર તરીકે ઓળખાતા લગ્નમુક્ત સહજીવન- લિવ-ઇન રિલેશનશીપ વિશે સામસામા છેડાના અભિપ્રાયો પ્રચલિત છે.
પરંપરાગત ખ્યાલ એવો છે કે લિવ-ઇનને માન્યતા આપવાથી સમાજમાં લગ્ન વગરનાં દંપતિઓની સંખ્યા વધી જશે. આ દંપતિ લગ્નબંધનથી જોડાયેલાં ન હોવાને કારણે, થોડાં વર્ષોમાં એકબીજાથી કંટાળેલાં બન્ને પાત્રો પોતપોતાના રસ્તે પડશે. આ રીતે એકલાં પાત્રોની સંખ્યા સમાજમાં વધી જશે. લિવ-ઇનને માન્યતા મળતાં, કહેવાતા અનૈતિક સંબંધોની બોલબાલા વધશે અને સમાજમાં અંધાઘૂંધી ફેલાશે એવી બીક પણ વ્યક્ત કરવામાં આવે છે.
બીજા છેડાનો ખ્યાલ એવો છે કે સ્ત્રી-પુરૂષ સાથે રહે ને સહજીવન માણે. એમાં લગ્ન જેવી બંધનકર્તા ઔપચારિકતા શા માટે હોવી જોઇએ? પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ મિંયા-બીબી બન્યા વિના રાજી રાજી રહી શકતા હોય તો કાજીની શી જરૂર?
મઝાનો વિરોધાભાસ એ છે કે બન્ને છેડાના તરફદારો દાવો સ્ત્રીહિતનો કરે છે- અને તેમના દાવાનું ખરૂં બળ પોતાની પસંદગીની વ્યવસ્થાની સારપમાં નહીં, સામેની વ્યવસ્થાના દોષોમાં છે.
લગ્નસંસ્થાના તરફીઓ કહે છે કે લિવ-ઇન સંબંધોમાં સ્ત્રીની કોઇ સલામતી નથી. ઠેકાણા વગરની પુરૂષજાત ગમે ત્યારે સ્ત્રીને તરછોડી દે, તો સ્ત્રી ક્યાં જાય? હજુ આપણા સમાજમાં મોટા ભાગની સ્ત્રીઓ આર્થિક-માનસિક રીતે એટલી આઝાદ- પગભર થઇ નથી કે તે વૃદ્ધાવસ્થા સુધી એકલી, ખુમારીપૂર્વક જીવન વીતાવી શકે. ઉપરાંત, આ પ્રકારના સંબંધથી થતાં સંતાનોને કાનૂની વારસદાર તરીકે સાબીત કરવામાં મુશ્કેલી પડી શકે છે અને સામાજિક સંબંધોમાં ગૂંચવાડા પેદા થાય તે અલગ.
લિવ-ઇનની તરફેણ કરનારા (યોગ્ય રીતે જ) માને છે કે લગ્નસંસ્થામાં સલામતીના આભાસ તળે સ્ત્રીનું ભરપૂર શોષણ થાય છે. પોતાનું ઘર છોડીને સાસરે આવવાથી માંડીને, ફક્ત પતિ સાથે જ નહીં, પણ તેના આખા પરિવાર સાથે અનુકૂળતા સાધવામાં સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ ખીલવવાની તક ભાગ્યે જ મળે છે. નવા જમાનામાં નોકરી કરતી વહુ સામે વાંધો ન હોય એવાં પરિવારોને પણ એવી જ વહુ ગમે છે, જે સવારે નોકરીએ જતાં પહેલાં કામકાજ પરવારીને જાય અને રાત્રે નોકરીએથી આવ્યા પછી પણ સીધી રસોડામાં ધૂસી જાય. આટલી મોટી કિંમત ચૂકવીને મળતી સલામતી શા કામની?
અંતિમોની વચ્ચેથી નીકળતી વાસ્તવની કેડી
બન્ને પક્ષની દલીલોમાં સચ્ચાઇનો અંશ હોવા છતાં, તેમાં આખું ચિત્ર દેખાતું નથી. શરૂઆત સર્વોચ્ચ અદાલતનાં નિરીક્ષણોથી કરીએ તો, ‘લિવ-ઇન સંબંધો ગેરકાયદેસર નથી’ એમ કહેવામાં સર્વોચ્ચ અદાલતે માત્ર અગાઉના અદાલતી વલણની પુનરોક્તિ જ કરી છે. કોઇ નવી કે ક્રાંતિકારી વાત કહી નથી, જેની સમાજ પર દૂરોગામી અસરો પડે.
અદાલતોમાં વાત ફક્ત લિવ-ઇન સંબંધોને માન્યતા મળવા પૂરતી સીમીત રહી નથી. લાંબા સમય સુધી લગ્ન વિના સાથે રહ્યા પછી સ્ત્રી-પુરૂષ અલગ પડે, ત્યારે સ્ત્રીને (પત્નીની જેમ) ભરણપોષણ આપવાના હુકમ પણ અદાલતે કરેલા છે. આમ, લાંબો સમય રહ્યા પછી પ્રકૃતિગત કે બીજાં કારણોસર પુરૂષ સ્ત્રીને તરછોડીને હાથ ખંખેરીને ઉભો થઇ જાય, તો સ્ત્રી અદાલતમાં ન્યાય મેળવી શકે છે. (પુરૂષપ્રધાન સમાજ હોવાને કારણે સ્ત્રી પુરૂષને તરછોડે તો પુરૂષનું શું થશે, એવી ચિંતા સામાન્ય રીતે થતી નથી.)
રૂઢિચુસ્તો એવી અપેક્ષા રાખે છે કે સ્ત્રી-પુરૂષ પરણ્યા પછી કોઇ કાળે છૂટાં ન પડે, એમાં જ તેમના લગ્નજીવનનું અને ભારતની સંસ્કૃતિનું સાર્થક્ય છે. લગ્નવ્યવસ્થામાં રહેલાં મસમોટાં ગાબડાં અને ભારોભાર જુગારના તત્ત્વને પરંપરાપ્રેમીઓ સંસ્કૃતિના રેશમી ગાલીચા તળે ઢાંકી દે છે. સમાજની શરમે, ફક્ત કહેવા ખાતર કે થોડી મિનીટો પૂરતું દાંપત્યજીવન ગાળતાં સેંકડો કજોડાંની આંતરિક કરૂણ કથાઓ સંસ્કૃતિની વાહવાહ સાથે કદી ચર્ચાતી નથી. લગ્ન એકમેવ વ્યવસ્થા હોવાને કારણે, પડ્યું પાનું નિભાવી લેવામાં જ સઘળી સંસ્કૃતિ સમાઇ જાય છે. પત્ની કે પુત્રવઘુને ઉતરતો દરજ્જો આપતા લોકોનું પ્રમાણ બહુ મોટું છે. છતાં, લગ્નસંસ્થાની તરફેણ કરવાની આવે ત્યારે એ લોકો સ્ત્રીઓનો મુદ્દો આગળ ધરીને, લગ્નસંસ્થાને શ્રેષ્ઠ ઠરાવે છે.
લિવ-ઇનમાં પડ્યું પાનું નિભાવવાનું બંધન નથી. તેમાં ઘણી વધારે મોકળાશ છે. સાથોસાથ જવાબદારી પણ વધારે છે. એકબીજાની મર્યાદાઓ સ્વીકારવાનું લગ્નસંસ્થામાં ફરજિયાત છે. તેને કારણે એ અનિષ્ટ લાગે છે. પણ મજબૂરીને બદલે મરજીથી, એકબીજાની મર્યાદાઓ સ્વીકાર્યા વિના કોઇ પ્રકારનું સહજીવન શક્ય બનતું નથી.
લિવ-ઇનમાં બન્નેનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર પાયાની બાબત છે. પણ સ્વતંત્રતાનો અર્થ અલગાવ નથી થતો. બન્ને પાત્રોની વ્યક્તિગત સ્વતંત્રતાના સીમાડા ટકરાવાને બદલે ઓગળે ને એકરૂપ થાય, તો જ સહઅસ્તિત્ત્વ ટકે. બાકી, સાદું લગ્ન હોય, પ્રેમલગ્ન હોય કે લિવ-ઇન, એક વાર સાથે રહેવાનું ચાલુ કર્યા પછી - અને પ્રેમલગ્ન કે લિવ-ઇનના કિસ્સામાં પરાક્રમનો થોડોઘણો ભાવ ઓસરી ગયા પછી- કોઇ ફરક રહેતો નથી. પ્રેમમાં પડ્યા પછી સીધાંસાદાં લગ્ન કરીને લિવ-ઇન જેવી વ્યક્તિગત મોકળાશથી રહેતાં દંપતિ પણ (અપવાદરૂપે) જોયાં છે ને વ્યક્તિગત સ્વતંત્રતાના ભાર તળે કચડાઇને સહઅસ્તિત્ત્વ માટે નકામાં બની જતાં વ્યક્તિત્વો પણ જોવા મળે છે. સામાજિક બાબતોમાં કોઇ એક નિયમ બધાને લાગુ પાડી શકાતો નથી. છેવટનો આધાર વ્યક્તિની પ્રકૃતિથી માંડીને સંજોગો સુધીનાં અનેક પરિબળો પર રહે છે.
જલસા નહીં, જવાબદારી
લિવ-ઇન પ્રથાને લફરાંબાજીના લાયસન્સ તરીકે ગણનારા લોકો પણ છે. આ ગ્રંથિ ધૂંટતી વખતે એટલું યાદ રાખવું પડે કે પરણેલાં પાત્રોને લિવ-ઇન સંબંધ બાંધવાની છૂટ નથી. બન્ને પાત્રો કુંવારાં હોય અને બન્ને ‘આઝાદ’ રહેવાં ઇચ્છતાં હોય, તો એ તેમની મરજીની બાબત છે. પણ સામાન્ય સંજોગોમાં આવાં પાત્રોનો સંગાથ લાંબું ટકતો નથી ને સરખા સહજીવનમાં ફેરવાતો નથી. એકલાં કે વિખૂટાં પડેલાં પાત્રોને ‘સમસ્યા’ તરીકે જોવાની દૃષ્ટિને કારણે પણ સમાજમાં અવ્યવસ્થા સર્જાવાની બીક લાગે છે. પરંતુ એકલપંડે પોતાની રીતે જીવન જીવવું એ વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે. તેની સાથે કલંક કે મહાનતા- બન્નેમાંથી કોઇ ભાવ જોડવાની જરૂર નથી હોતી.
ફક્ત ભારતમાં જ નહીં, પરદેશમાં પણ વાસ્તવિકતા એ છે કે પ્રૌઢ વયે બે પાત્રો છૂટાં પડે ત્યારે સ્ત્રી અને પુરૂષ માટે ‘સમાન તકો’ હોતી નથી. પુરૂષપ્રધાન સમાજમાં પુરૂષને દેખીતા ફાયદા મળે છે, જ્યારે સ્ત્રી માટે પસંદગીની તકો મર્યાદિત થઇ જાય છે. એ સંજોગોમાં આર્થિક રીતે પગભર હોવા છતાં, એકલી રહી ન શકતી સ્ત્રીઓની દશા કફોડી થઇ શકે છે.
અદાલતે લિવ-ઇન સંબંધ ગેરકાયદે નહીં હોવાનો પુનરૂચ્ચાર કર્યો છે. કોઇ પણ સંબંધથી જન્મેલું બાળક કદી ગેરકાયદે હોતું નથી, એવું પણ અદાલતો અગાઉ કહી ચૂકી છે. તેમ છતાં, લિવ-ઇન સંબંધ અંતર્ગત રહેતા દંપતિમાંથી પુરૂષનું મૃત્યુ થાય તો પત્ની જેટલી સહજતાથી તેની જોડીદાર મિલકતની વારસદાર બની શકતી નથી. આ પ્રકારની કાનૂની ગૂંચો દૂર કરીને, લિવ-ઇન પ્રથા સ્વીકારનારાં પાત્રોના દંપતિ તરીકેના હક કુદરતી રીતે (કોર્ટમાં ગયા વિના મળે એ રીતે) સ્થાપિત કરવામાં આવે તો...
...કમ સે કમ, લિવ-ઇન સંબંધો સાથે સંકળાયેલા ગ્લેમર અને પરાક્રમની ચમકદમક ઓસરી જાય અને તેમાં રહેલું જવાબદારીનું તત્ત્વ વધારે ઉજાગર થાય.
Labels:
society- trends/સમાજ-પ્રવાહો
Sunday, March 28, 2010
આ પણ એક રંગ છે
ઉપરના મકાનનો રંગ જોઇને ત શાનું હશે એની કલ્પના કરી શકાય? એનો ફુલગુલાબી અને જાંબલી વચ્ચેનો રંગ જોઇને બ્યુટી પાર્લરથી માંડીને આઇસક્રીમ પાર્લર સુધીની કલ્પનાઓ આવી શકે છે. પરંતુ આ મકાન પોલીસ-પાર્લર - એટલે કે પોલીસ સ્ટેશન- છે. તેનો આવો રંગ કોના સૌજન્યને કે કોની પસંદગીને આભારી છે, એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. જોવાની મઝા આવી એટલું જ પૂરતું છે.
Friday, March 26, 2010
એનિમલ ફાર્મનું એનિમેશન સ્વરૂપ
સામ્યવાદી ક્રાંતિ પર જોરદાર કટાક્ષ કરતી જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ કથા ‘એનિમલ ફાર્મ’ પરથી એનિમેશન ફિલ્મ પણ બની છે.
ફિલ્મમાં પુસ્તક જેવા ને જેટલા પંચ ન હોય એ સ્વાભાવિક છે. છતાં એક પ્રિય કૃતિને પડદા પર જોવાની લાલચ પણ એટલી જ સ્વાભાવિક છે.
એકાદ કલાકની આ ફિલ્મ જોવા-ડાઉનલોડ કરવા માટેની લિન્કઃ
નોંધ: જયંતિ દલાલે વર્ષો પહેલાં ‘એનિમલ ફાર્મ’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તેનું શીર્ષક હતું: પશુરાજ્ય
Labels:
books,
film/ફિલ્મ,
humor-satire/હાસ્ય-વ્યંગ,
literature
Thursday, March 25, 2010
મીઠાના સંગ્રામઃ ગાંધીજી પહેલાં
અંગ્રેજી રાજના બંગાળમાં મીઠાની દાણચોરી થતી હતી
દાંડીકૂચને ૧૨ માર્ચ,૧૯૩૦ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં. રાબેતા મુજબ કોંગ્રેસે તેની ‘પ્રતીક ઉજવણી’કરી. અત્યારના પ્રજાકીય આંદોલનને અવગણીને, સિત્તેર વર્ષ પહેલાંના પ્રજાકીય આંદોલનની તિથી ઉજવવાનો દંભ પણ કરી નાખ્યો.
આકરા અને અન્યાયી મીઠાવેરાનો મુદ્દો ઉપાડવાનો જશ સામાન્ય રીતે ગાંધીજીને આપવામાં આવે છે. તેને એ સ્વરૂપે પણ રજૂ કરવામાં આવે છે કે ‘મીઠા જેવા મામૂલી છતાં સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દાને પોતાની કોઠાસૂઝથી ગાંધીજી મુખ્ય મંચ પર લઇ આવ્યા.’ આ છાપ અંશતઃ સાચી છે. તેમાં સુધારો એ બાબતે કરવો પડે કે મીઠાનો મુદ્દો કદી સાધારણ કે મામૂલી ન હતો. હા, બાકીના નેતાઓનું એ મુદ્દા વિશેનું, અંગ્રેજી રાજ વિશેનું અને દેશના કેટલાક ભાગોના ઇતિહાસ વિશેનું જ્ઞાન મર્યાદિત હતું. એટલે, ગાંધીજીને મીઠાવેરાની લડત ઉપાડવાનું સૂઝ્યું, ત્યાર પછી પણ એ મુદ્દાની મહત્તા વિશે શંકાકુશંકાઓ થતી રહી. છેવટે, અત્યારે યાદ છે તે ઇતિહાસમાં મીઠાનું રાજકારણ માત્ર દાંડીકૂચ સાથે સંકળાઇને રહી ગયું. (‘અત્યારે યાદ છે’ એ શબ્દો ઉપર પણ ફુદડી મારવી પડે. કારણ કે દેશભક્તિનાં ગીતો માટે જાણીતા, જૂની પેઢીના એક ગાયકે થોડા વર્ષ પહેલાં તેમના ગુજરાતી લેખકમિત્રને પૂછ્યું હતું,‘વોટ ઇઝ દાંડી?’ તેમને દાંડી વિશે કશી ખબર ન હતી.)
અંગ્રેજોએ ભારતમાં રાજ કરવાને બહાને સફેદ લૂંટ આદરી, ત્યારે મીઠું પણ તેમની નજરમાંથી બાકાત ન રહ્યું. ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો હોવાથી ગળીની ખેતીમાં થતું શોષણ અને તેનો કાળો ઇતિહાસ ઘ્યાન પર આવ્યાં, પણ મીઠાના મુદ્દે થયેલી દેશની બેહાલી અને બરબાદી એકંદરે અજાણ્યાં જ રહ્યાં.
વેપાર કરવા આવેલા અંગ્રેજોએ બંગાળ કબજે કર્યું ત્યારે પાડોશી રાજ્ય ઓરિસ્સામાં ઉચ્ચ ગુણવત્તાનું મીઠું પકવવામાં આવતું હતું. એ મીઠાના ઘણા ઉપયોગોમાંનો એક બારૂદ બનાવવામાં થતો. ભારત પર કબજો જમાવવા ફ્રેન્ચ સાથે યુદ્ધો ખેલતા અંગ્રેજોને બારૂદ માટે અઢળક મીઠાની જરૂર પડતી હતી. તેમાંનું ઘણું મીઠું ઓરિસ્સાથી આવતું. બ્રિટનના ચેશાયરમાં બનતું મીઠું ‘લીવરપુલ સોલ્ટ’ તરીકે જગપ્રસિદ્ધ હતું, પણ તેની પ્રસિદ્ધિ માટે મીઠાની ગુણવત્તા કરતાં અંગ્રેજી સામ્રાજ્ય વધારે જવાબદાર હતું. ગુણવત્તાની દૃષ્ટિએ ઓરિસ્સાનું મીઠું લીવરપુલ સોલ્ટ કરતાં બેશક ચડિયાતું હતું.
બ્રિટનમાં લીવરપુલ સોલ્ટનું ઉત્પાદન વધવા લાગ્યું, તેમ તેના માટે બજાર શોધવાની જરૂર ઉભી થઇ. બંગાળ પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોને ભારતમાં મીઠાનું મોટું અને કસદાર બજાર દેખાયું. પણ જ્યાં સુધી ઓરિસ્સાનું ચડિયાતું મીઠું સસ્તા ભાવે મળતું હોય, ત્યાં સુધી ઇમ્પોર્ટેડ લીવરપુલ સોલ્ટને કોણ હાથ લગાડે? વેપારી અંગ્રેજોએ (ઇ.સ. ૧૭૯૦માં) ઓરિસ્સાના મરાઠી સૂબા રાધુજી ભોસલે સમક્ષ ઓરિસ્સાનું સઘળું મીઠું ખરીદી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. તેની પાછળ રહેલી ખોરી દાનતની ગંધ રાધુજીને આવી જતાં, તેમણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. એ સાથે જ ભારતમાં મીઠાના સંઘર્ષનાં મંડાણ થયાં- દાંડીકૂચનાં આશરે ૧૪૦ વર્ષ પહેલાં.
મીઠાનો ઇતિહાસ લખનાર માર્ક કુર્લાન્સ્કીના પુસ્તકમાંથી મળતી વિગતો પ્રમાણે, અંગ્રેજોએ ઓરિસ્સાના મીઠા ઉદ્યોગને ફટકો મારવા માટે બંગાળમાં તેની પર પ્રતિબંધ ફટકારી દીધો. પરિણામ એ આવ્યું કે બન્ને રાજ્યો વચ્ચે ગાઢ જંગલના સ્વરૂપે પથરાયેલી સરહદની આરપાર મીઠાની દાણચોરી શરૂ થઇ. બંગાળમાં ઠલવાતા દાણચોરીના મીઠા સામે લીવરપુલ સોલ્ટનો ગજ વાગતો ન હતો. એટલે અંગ્રેજોએ દાણચોરી ડામવાના અને ગેરકાયદે વ્યાપાર અટકાવવાના ઓઠા હેઠળ (ઇ.સ. ૧૮૦૩માં) ઓરિસ્સા આંચકી લીઘું અને તેને બંગાળમાં ભેળવી દીઘું. બીજા જ વર્ષે ફરમાન જારી કરવામાં આવ્યું કે ‘હવેથી મીઠા પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો રહેશે. કોઇ પણ વ્યક્તિ ખાનગી રાહે મીઠું વેચી શકશે નહીં. જેમની પાસે મીઠાનો જથ્થો પડ્યો હોય તેમણે તત્કાળ અને સરકારી ભાવે જમા કરાવી દેવો.’ મીઠાની હેરફેરને ગેરકાયદે ઠરાવવામાં આવી. મીઠાના ગુપચુપ વેપાર પર નજર રાખવા માટે ખબરીઓ નીમવામાં આવ્યા.
અંગ્રેજોએ જમીનદારોને પણ સારા કહેવડાવ્યા. જમીનદારો ઉંચા દામે મીઠું પકવનારાને અગરની જમીન ભાડે આપતા હતા અને મલંગી તરીકે ઓળખાતા ઓરિસ્સના અગરીયા તેમાં મીઠું પકવીને પોતાની રીતે વેચતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મલંગીઓને મીઠાના ઉત્પાદન માટે આગોતરી લોન આપવાનું ચાલુ કર્યું અને એ રીતે તેમને દેવાના ખાડામાં એટલા ઊંડા ઉતારી દીધા કે છેવટે અગરીયાને દેવું ચૂકવવા આખી જિંદગી મીઠું જ પકવવું પડે અને અંગ્રેજોની- તેમના સોલ્ડ ડીપાર્ટમેન્ટની ગુલામી કરવી પડે. જમીનદારો અને મલંગીઓમાં ભડકતા અસંતોષે ૧૮૧૭માં વિદ્રોહનું રૂપ લીઘું,પણ તેમાં અંગ્રેજોની સંગઠીત તાકાત સામે તેમને સફળતા મળી નહીં.
મીઠાના ઉત્પાદનમાં એકાધિકાર મળી ગયા પછી નફાખોર ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આકરો વેરો વસૂલવાનું શરૂ કર્યું. આખા બંગાળમાં ઠેકઠેકાણે વેરો વસૂલવાનાં અને બહારથી થતી સસ્તા ભાવના મીઠાની સંભવિત દાણચોરી અટકાવવા થાણાં સ્થાપ્યાં. તેમાંથી સ્મિથ નામનો કસ્ટમ કમિશનર એવો ઉત્સાહી નીકળ્યો કે છૂટાંછવાયાં નાકાંથી તેને સંતોષ ન થયો. મીઠાના વેરાની પાછળ તે આદુ ખાઇને પડી ગયો. કસ્ટમ્સ વિભાગમાં ઓછો પગાર અને વઘુ સત્તા (= મોકળો ભ્રષ્ટાચાર) ધરાવતા માણસો નીમ્યા. એ લોકો મીઠાની દાણચોરી અટકાવવા માટે ગમે તેનો સામાન જપ્ત કરી શકતા હતા ને ધરપકડ કરવાની પણ સત્તા તેમની પાસે હતી.
મીઠાની દાણચોરી અટકાવવાનું ભૂત ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એવું વળગેલું કે ૧૮૪૦ના દાયકામાં દાણચોરોને અટકાવવા અને મીઠાવેરો વસૂલવામાટે કાંટાળી વાડ બાંધવાનો તુક્કો અમલમાં મૂકવામાં આવ્યો. એ તુક્કો અંગ્રેજી શાસનની આડેધડ શોષણખોરીના ઉત્તમ નમૂનાઓમાં સ્થાન પામ્યો. કંપનીના કસ્ટમ ખાતાએ ૧૪ ફૂટ ઊંચી અને ૧૨ ફૂટ જાડી કાંટાળી વાડ ઉભી કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. શરૂઆતમાં બંગાળની પશ્ચિમ સરહદે આ વાડ ઉભી કરવામાં આવી. ૧૮૫૭ના સંગ્રામ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ સરકારે ભારતનો વહીવટ હાથમાં લીધો, ત્યારે કાંટાળી વાડને નષ્ટ કરવાને બદલે તેનો વિસ્તાર વધારવામાં આવ્યો. હિમાલયથી ઓરિસ્સા સુધી પથરાયેલી કાંટાળી વાડની લંબાઇ ચારેક હજાર કિ.મી. સુધી પહોંચી. વાડમાં કાંટાં ઉપરાંત બીજાં ઝાડીઝાંખરાં પણ ઉગાડવામાં આવતાં હતાં. તેને કારણે વચ્ચે વચ્ચે મૂકેલા અને કડક ચોકીપહેરો ધરાવતા દરવાજા સિવાય વાડને ભેદવાનું અશક્ય બન્યું. (આઝાદી પછી ભારતની આંતરરાષ્ટ્રિય સરહદની આટલી કાળજી રાખવામાં આવી હોત તો કદાચ ચીનને ભારતનું નાક કાપવાની તક ન મળી હોત.)
મીઠાની દાણચોરી અને કરચોરી અટકાવવા માટે બનાવેલી આ વાડને અંગ્રેજો કેટલી ગંભીરતાથી લેતા હતા, તે દર્શાવતી એક જ હકીકત: ૧૮૭૦ સુધીમાં આ વાડના વ્યવસ્થા તંત્રમાં આશરે ૧૨ હજાર માણસનો સ્ટાફ તહેનાત હતો.
Labels:
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ,
politics
Tuesday, March 23, 2010
ડો. લોહિયાની જન્મશતાબ્દિ (૨૩ માર્ચ, ૧૯૧૦-૨૦૧૦) : પગ જમીન પર, મસ્તક આકાશમાં
બહોળો અનુયાયી વર્ગ અને પાઠ્યપુસ્તકોમાં નામ હોય એવા નેતાઓના ભારતમાં બે પ્રકાર છે: ૧) આઝાદી પહેલાંની રાષ્ટ્રિય કોંગ્રેસ સાથે સંકળાયેલા અને ૨) ક્રાંતિકારીઓ. પહેલા વર્ગમાં નેહરૂ-સરદાર અને તેમના સાથીદારો આવે. બીજા વર્ગમાં આજે જેમની શહીદીની તિથી છે, તે ભગતસિંહ અને તેમના સાથીઓ આવે. સુભાષચંદ્ર બોઝ આ બન્ને વર્ગની વચ્ચેના, છતાં પૂરતા જાણીતા ખરા.
પાઠ્યપુસ્તકીયો ઇતિહાસ આટલેથી સમાપ્ત થઇ જાય. એટલે જ, ડો.રામમનોહર લોહિયા જેવું ચરિત્ર વઘુ ને વઘુ અપરિચિત બનતું જાય છે. ‘સમાજવાદી’ લેબલ સાથે બહુ તો મુલાયમસિંઘ- અને હમણાં સુધી અમરસિંઘ- જેવાં નામ ઉભરે. થોડા આગળ વધતાં, કટોકટી અને જનતા પક્ષના સંદર્ભે જયપ્રકાશ નારાયણનું નામ જાણીતું લાગે. પણ સમાજવાદી વિચારધારાના આધારસ્તંભ જેવા તેજતર્રાર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રામમનોહર લોહિયા? રળ્યાખળ્યા સમાજવાદીઓને કે અભ્યાસીઓને બાદ કરતાં તેમને દિલથી યાદ કરનાર કોઇ નથી.
ભૂલાયેલું છતાં ન ભૂલવા જેવું વ્યક્તિત્વ
લોહીયાને યાદ કરવા પડે એનાં ઘણાં કારણ છે. ૫૭ વર્ષમાં (૨૩ માર્ચ, ૧૯૧૦- ૧૨ ઓક્ટોબર, ૧૯૬૭) તેમણે જાણે ૧૦૦ વર્ષનું જીવન જીવી નાખ્યું. ઉચ્ચ શિક્ષણ માટે તે લંડન ગયા હતા, પણ અંગ્રેજોના દેશમાં થતો અસમાન વ્યવહાર માફક ન આવતાં, તે જર્મની ઉપડ્યા અને ત્યાં અર્થશાસ્ત્ર સાથે પીએચ.ડી. કર્યું. જર્મન ભાષામાં તેમણે લખેલી થીસીસ ભારતના મીઠાવેરા પર હતી! (જર્મન ભાષાના જ્ઞાનને લીધે ઘણી વાર તે સામ્યવાદીઓને ગમ્મતમાં ટોણો મારતા કે ‘તમે બધા રહેવા દો! તમે માર્ક્સનાં લખાણોનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો હશે, જ્યારે મેં તો અસલી માર્ક્સને જર્મન ભાષામાં વાંચ્યો છે.’)
લોહિયા જર્મનીમાં હતા ત્યારે ૧૯૩૧માં તેમના જન્મદિને ભગતસિંહને ફાંસી આપવામાં આવી. ત્યારથી લોહિયાએ જન્મદિન મનાવવાનું બંધ કર્યું. જીનીવામાં ‘લીગ ઓફ નેશન્સ’ (સંયુક્ત રાષ્ટ્રસંઘ બન્યો ત્યાર પહેલાંની સંસ્થા)ની બેઠક ભરાઇ હતી. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે બિકાનેરના મહારાજા આવ્યા હતા. તેમણે અંગ્રેજી રાજનાં ગુણગાન ગાવાનાં શરૂ કર્યાં, ત્યારે પ્રેક્ષકગૃહમાં બેઠેલા લોહિયાએ જોરથી સિસોટી મારીને ભાષણના રંગમાં ભંગ પાડ્યો. એટલું જ નહીં, બીજા દિવસે તે ભારતની સાચી સ્થિતિની માહિતી આપતી પત્રિકાઓ વહેંચવા સભાગૃહની બહાર ઉભા રહ્યા.
જર્મનીમાં તે ભારતીયોના એક સંગઠન સાથે સંકળાયેલા હતા, ત્યારે તેમણે હિટલરને ભાષણ કરવા બોલાવ્યો હતો. એ વખતે હિટલર જર્મનીનો શાસક બન્યો ન હતો, પણ લોહિયા ભારત પાછા ફર્યા ત્યાં સુધીમાં હિટલરનું રાજ શરૂ થઇ ગયું હતું. તેના ભાગરૂપે ડો.લોહિયાનાં ઘણાં પુસ્તકો જર્મન પોલીસે જપ્ત કરી લીધાં હતાં.
લોહિયાની નિસ્પૃહતા એવી કે જર્મનીથી મુંબઇ ઉતર્યા, ત્યારે કલકત્તા સુધીની મુસાફરીનું ભાડું પણ ખિસ્સામાં ન હતું. તે ‘ધ હિંદુ’ અખબારની કચેરીમાં ગયા, પોતાની પરિસ્થિતિ જાહેર કરી અને તત્કાળ એક લેખ લખીને તેના પુરસ્કાર પેટે રૂપિયા ૨૫ (કે રૂ.૪૦) મેળવ્યા, જેથી પ્રવાસ આગળ ચાલી શકે. આવી વિરક્તીને લીધે બજાજ અને બિરલા જેવા ઉદ્યોગપતિઓની દરખાસ્તો સ્વીકારવાને બદલે, તે પૂર્ણ સમય જાહેરજીવનમાં આવી ગયા. એક તરફ ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ હતું ને બીજી તરફ સમાજવાદ માટેની તાલાવેલી. આખરે, કોંગ્રેસમાં સમાજવાદી પક્ષની સ્થાપના ૧૯૩૪માં થઇ ત્યારે લોહિયા તેના સ્થાપક સભ્યોમાંના એક હતા.
નિષ્ફળ રાજકારણી, સફળ નેતા
લોહિયાની રાજકારણની યાત્રા બહુ ઉબડખાબડ અને અસાધારણ રહી. દેશ ગુલામ હતો ત્યારે તેમણે બીજા કોંગ્રેસી ને સમાજવાદી નેતાઓની જેમ જેલવાસ તો વેઠ્યો, પણ ભાગ્યે જ કોઇ રાજકીય નેતાએ સહન કર્યો હોય એટલો પોલીસનો અત્યાચાર પણ તેમણે સહ્યો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં મોટા ભાગના ટોચના નેતાઓની ધરપકડ પછી પણ સમાજવાદી નેતાઓએ ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. લાંબો સમય પોલીસને હાથતાળી આપ્યા પછી, આખરે ૧૯૪૪માં ડો.લોહિયા પકડાયા ત્યારે તેમને લાહોરની કુખ્યાત જેલમાં લઇ જવામાં આવ્યા.
આઝાદી હાથવેંતમાં દેખાતી હતી, ત્યારે લાહોર જેલમાં ડો.લોહિયા અને જયપ્રકાશ નારાયણ પર થર્ડ ડિગ્રીના કહેવાય એવા શારીરિક અત્યાચાર કરવામાં આવ્યા. દિવસો સુધી તેમને ઊંઘવા દેવામાં ન આવે, સહેજ ઝોકું આવે તો બાજુમાં બેઠેલો અફસર હાથકડી જોરથી ખેંચીને જગાડી મૂકે, પોલીસ તેમને ફરસ પર ઢસડે ને માર મારે. લોહીલુહાણ થવાની તો નવાઇ જ નહીં. શારીરિક પીડા ઓછી હોય તેમ લોહિયાની હાજરીમાં દેશનેતાઓને ગંદી ગાળો દેવામાં આવે...ભગતસિંહ માટે જે અંગ્રેજ અફસર રાખવામાં આવ્યો હતો, એ જ લાહોરની જેલમાં લોહિયા માટે હતો. એ લોહિયાને ઉશ્કેરવા જૂઠાણું કહે કે ‘ભગતસિંહે છેલ્લી ઘડીએ બઘું કબૂલી લીઘું હતું. તમે પણ કબૂલી લો.’ આવી અમાનુષી પીડા લોહિયા સહન કરી ગયા. પણ તેમનો જુસ્સો જરાય ઓસર્યો નહીં.
પોર્ટુગિઝ શાસિત ગોવામાં ૧૯૪૬માં થયેલો સત્યાગ્રહ આઝાદી પહેલાંનો કદાચ છેલ્લો સત્યાગ્રહ હશે, જેના પ્રેરક ડો.લોહિયા હતા. ગોવામાં પોર્ટુગીઝ સરકારનો સકંજો અંગ્રેજો કરતાં પણ વધારે લોખંડી હતો. પ્રજાને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. જ્યાં કંકોત્રી છપાવવા માટે સરકારની પરવાનગી લેવી પડતી, એવા ગોવામાં લોહિયાએ સરકારની અવગણના કરીને વિશાળ જાહેર સભા કરી. તેમની ધરપકડ થઇ. નવાઇની વાત એ કે સમાજવાદી ઝુકાવ ધરાવતા નેહરૂ, સમાજવાદ વિરોધીની છાપ ધરાવતા સરદાર પટેલ અને ટોચના સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ- આ સૌએ લોહિયાના ગોવા સત્યાગ્રહને અયોગ્ય ગણાવ્યો. ગોવાની સરકારનો એવો દાવો હતો કે લોહિયાએ ગોવાના આંતરિક મામલામાં દખલ કરી છે. ગાંધીજીએ આ દાવો ઠુકરાવીને લોહિયાના સત્યાગ્રહને વાજબી ઠરાવ્યો. ફરી વાર લોહિયા ગોવામાં ગયા ત્યારે સરકારે તેમની ધરપકડ કરી અને જેલની સડેલી કોટડીમાં પૂર્યા. એ વખતે પણ બીજા કોઇ કોંગ્રેસી નેતાએ તેમની પરવા ન કરી. ગાંધીજીએ અંગ્રેજ વાઇસરોય લોર્ડ વેવેલને અપીલ કરી અને ગોવા સરકાર પર પોતાનો પ્રભાવ વાપરવા જણાવ્યું. ત્યાર પછી ડો.લોહિયાને જેલમાંથી છોડવામાં આવ્યા.
એક વર્ષમાં ભાગલા આવી પડ્યા ત્યારે એકલા પડેલા ગાંધીજીની સાથે ડો.લોહિયા પણ હતા. તેમણે ૧૯૬૦માં ‘ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ શીર્ષક હેઠળ લખેલી પુસ્તિકામાં કોંગ્રેસી નેતાગીરીની ભરપૂર ઝાટકણી કાઢી. લોહિયા કદી કોઇની શેહમાં આવતા ન હતા. બીજા ઘણા નેતાઓને આઝાદી પછીની સત્તા નજર સામે દેખાતી હતી, ત્યારે ડો.લોહિયા સ્પષ્ટ શબ્દોમાં કહી શકતા હતા કે ‘કોંગ્રેસના અઘ્યક્ષે દેશના વડાપ્રધાન બનવું જોઇએ નહીં.’ નેહરૂ ખિજાય તેની લોહિયાને પરવા ન હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી બનવાની દરખાસ્તનો લોહિયાએ અસ્વીકાર કર્યો હતો. તેમને સફળતાનું રાજકારણ અથવા રાજકીય સફળતા નહીં, પણ પ્રજાલક્ષી રાજકારણ ખપતું હતું. એટલે જ તે કોંગ્રેસની લોકપ્રિયતાનાં સામા પૂરે ચૂંટણીઓ લડ્યા. સમાજવાદી પક્ષ અને પછીથી પ્રજા સમાજવાદી પક્ષના અગ્રણી હોવા છતાં, કદી લોકો પ્રત્યેની નિષ્ઠા કરતાં પક્ષની શિસ્તને તેમણે વધારે મહત્ત્વ આપ્યું નહીં. એટલે જ પ્રજા સમાજવાદી પક્ષની સરકારે ત્રાવણકોર અને કોચિમાં લોકો પર ગોળીબાર કર્યા ત્યારે ડો.લોહિયા ચૂપ ન બેઠા. પ્રજા પર ગોળીબાર કરવા બદલ (પોતાના જ પક્ષની સરકારના) મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઇએ, એવી તેમણે માગ કરી. સમજાવટ પછી પણ તેમણે પોતાનું વલણ બદલ્યું નહીં, ત્યારે પ્રજા સમાજવાદી પક્ષે ડો.લોહિયાને જનરલ સેક્રેટરી તરીકે જ નહીં, સામાન્ય સભ્ય તરીકે પણ પક્ષમાં ન રાખ્યા.
રામથી આઇન્સ્ટાઇન સુધીનો વીરલ વ્યાપ
જવાહરલાલ નેહરૂ સાથે ડો. લોહિયાની પહેલી મુલાકાત થઇ ત્યારે લોહિયા ૧૧ વર્ષના હતા. લોહિયાના પિતા હીરાલાલ કોંગ્રેસના કાર્યકર હોવાથી, તેમના અકબરપુર (ઉત્તર પ્રદેશ)ના ઘરે નેહરૂ આવ્યા હતા. લોહિયાના ચરિત્રકાર રાજેન્દ્રમોહન ભટનાગરે લખ્યું છે,‘ઘરે આવેલા નેહરૂને લોહિયાએ અરીસો અને કાંસકો લાવી આપ્યાં હતાં. એ તેમની પહેલી મુલાકાત!’ ત્યાર પછી દાયકાઓ સુધી- ખાસ કરીને નેહરૂ આઝાદ ભારતના વડા પ્રધાન બન્યા ત્યાર પછી- લોહિયાએ નેહરૂને આયનો બતાવવાનું ચાલુ રાખ્યું. જવાહરલાલ નેહરૂનો રોજનો ખર્ચ રૂ.૨૫ હજાર છે, એવો આરોપ સરેઆમ કરીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા. નેહરૂની ટીકા તે એટલા મોકળા મને કરતા કે ઘણા લોકો સગવડ ખાતર (ખોટી રીતે) લોહિયાને નેહરૂ-શત્રુ તરીકે ખતવી નાખે છે.
એક જાગ્રત, વિદ્વાન અને પ્રજાહિતનો ખ્યાલ કરનાર સાંસદ તરીકે લોહિયાને લોકસભાના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી પંગતમાં સ્થાન આપવું પડે. એ જ રીતે, પ્રજાકીય આંદોલનોમાં ભાગ લેવામાં પણ લોહિયાની જોડીના નેતાઓ આઝાદી પછી ભાગ્યે જ થયા. વર્ગભેદની વાતો કરતા સામ્યવાદીઓ સામે ભારતની જ્ઞાતિ આધારિત વાસ્તવિકતાની વાત કરતા લોહિયા હોય કે હિંદી અને સ્થાનિક ભાષાઓને ઉત્તેજન આપવા માટે અંગ્રેજી ભાષાનો વિરોધ કરતા લોહિયા, તેમનાં અનેક સ્વરૂપ છે. આજીવન અપરણિત લોહિયાના સ્ત્રીમિત્રો સાથેના સંબંધો પણ કદી છાનગપાતિયાંનો વિષય ન બને, એવા ગરીમાપૂર્ણ રહ્યા.
ચિત્રકૂટમાં રામાયણ-મેળાની આંતરરાષ્ટ્રિય સ્વરૂપમાં કલ્પના કરનાર ડો.લોહિયા કહેતા હતા કે ‘ધર્મ લાંબા ગાળાની રાજનીતિ છે અને રાજનીતિ ટૂંકા ગાળાનો ધર્મ. ધર્મનું કામ છે ભલાઇ કરે અને તેની પ્રશંસા કરે. રાજનીતિનું કામ છે બુરાઇ સામે લડે અને તેની ટીકા કરે.’ રામાયણ મેળાના આયોજન પાછળ બીજા હેતુઓ ઉપરાંત હિંદુસ્તાની ભાષાના પ્રચારનો પણ એક આશય હતો. તેમાં ધનુષધારી રામની પૂજાઅર્ચના કે વિધિવિધાનની વાત નહીં, પણ સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન થાય તથા વિવિધ રામાયણોની તુલના તથા તેના અભ્યાસ થાય, એવો તેમનો ખ્યાલ હતો. આ જ લોહિયા વિદેશપ્રવાસ દરમિયાન આઇન્સ્ટાઇન જેવા પ્રખર વૈજ્ઞાનિકને પોતાની વૈચારિક સ્પષ્ટતાથી પ્રભાવિત કરી શકતા હતા.
સફળતાના માપદંડથી જીવનની માપણી કરનારને ડો.લોહિયા કદાચ ‘નિષ્ફળ’ લાગે, પણ દુન્યવી નિષ્ફળતા તેમને સેંકડો લોકોના નાયક બનતાં અટકાવી શકી નહીં. ડો.લોહિયાનો ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે તેમની અને તેમનાં કાર્યો-લખાણોની સ્મૃતિ તાજી થાય, તો સમજાય કે રોલમોડેલ માટે બહુ ફાંફાં મારવાની જરૂર નથી. લોહિયા જેવાં વ્યક્તિત્વો ઘરઆંગણે મોજૂદ છે.
Labels:
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ,
politics
Monday, March 22, 2010
Thursday, March 18, 2010
સ્માર્ટના માથે શિંગડાં: બાઇ મેગી કહે...
આ જાહેરખબર બનાવનારને એમ હશે કે તેમણે જબરી ક્રિએટીવીટી વાપરીને તેમના હરીફ ‘મેગી’ નૂડલ્સને ફટકો મારી દીધો. જાહેરખબરની નબળી કોપીમાં એક સ્ત્રીપાત્રનું નામ મેગી હોય, એવો કારસો રચવામાં આવ્યો છે અને એવા નબળા પ્લોટના ટેકે પંચલાઇન બનાવી છેઃ ‘હવે મેગી પણ બોલી.’
કમ્પેરેટીવ એડ ના આવા નમૂના કોક-પેપ્સીમાં વર્ષોથી જાણીતા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને હિંદુસ્તાન ટાઇમ્સે પણ તેમાં કશું બાકી રાખ્યું ન હતું. દિલ્હીમાં ‘ટાઇમ્સ’ ગયું ત્યારે બેમાંથી એક છાપાએ જાહેરખબરમાં બીજા છાપાને ટોઇલેટ રોલ તરીકે બતાવ્યાનું પણ યાદ આવે છે. પુસ્તકોમાં ‘એલીસ્ટર મેકલીનથી પણ ચડિયાતું થ્રીલર’ એ પ્રકારની ટેગલાઇન જોયેલી છે.
ઉપરની જાહેરખબરમાં મૂળ બ્રાન્ડ કરતાં ‘મેગી’ શબ્દ મોટો કરવાથી, મેગીનું પત્તું કપાય કે તેની બ્રાન્ડ વધારે સ્ટ્રોંગ થાય?
Labels:
ad
Wednesday, March 17, 2010
અશ્વિની ભટ્ટ ફરી અમેરિકામાં
૧૧-૩-૧૦. એકાદ વર્ષના અમદાવાદ રોકાણ પછી અશ્વિનીભાઇ-નીતિભાભીનો અમદાવાદમાં છેલ્લો દિવસ હતો. એ રાત્રે તે અમેરિકા જવા નીકળવાનાં હતાં. રાબેતા મુજબ અલકમલકની વાતો થઇ. પેકિંગની મગજમારી ને સામાનની માથાકૂટ પણ સાથે ચાલતી હતી.
અમદાવાદમાં અશ્વિનીભાઇએ બે-ત્રણ પુસ્તકોની શરૂઆત કરી. મુખ્યત્વે હાસ્યપ્રધાન, કસબ-કમઠાણ સિરીઝનાં બે અને એક નવલકથા. તેમના ચાહકો જાણે છે કે ઇસવી સન પૂર્વે તેમણે એલિસ્ટર મેકલીનની કથાઓનો અનુવાદ કર્યો હતો. તેમાંની એક ‘ગન્સ ઓફ નેવેરોન’માં સુધારોવધારો કરીને તેમણે ‘નવભારત’માં આપી દીધી. તે ટૂંક સમયમાં બહાર પડશે.
અશ્વિનીભાઇ અમેરિકા જાય એટલે ઘણા લોકો માટે વેળાકવેળા જઇ શકાય એવા એક ઘરની ખોટ સાલે છે. એમના પાછા આવવાની રાહ જોઇએ. ત્યાં સુધી અમેરિકામાં એ તબિયત સાચવે, તેમના અંગ્રેજી લખાણોના સંગ્રહનું કંઇક કરે અને ગુજરાતી લખાણો આગળ વધારે એવી અપેક્ષા.
અશ્વિનીભાઇ-નીતિભાભી હિંચકા પર બેઠાં હોય એ બિલકુલ પિક્ચર-પરફેક્ટ દૃશ્ય છે. બસ, બેમાંથી એકના હાથમાં સૂડી-સોપારીની ખોટ છે.

Monday, March 15, 2010
વડોદરામાં ભારતભરની ભાષાઓનો ઐતિહાસિક મહાકુંભ
(L to R) Tridip Suhrud, Ganesh Devy, Rajesh Sachdev (CIIL, Bangluru)
(L to R) Raghuveer Chaudhari, Shiv Vishvanathan, Kamalini Sengupta, D.P.Patnaik
ભાષાનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે. ભાષાને ગૌરવ આપવાથી માંડીને તેને સરળ બનાવવાના-ટકાવવાના-બચાવવાના-મજબૂત કરવાના પ્રયાસો વિશે વાત થઇ રહી છે, કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પોતપોતાની મતિ, મહત્ત્વાકાંક્ષા, મુન્સફી અને મુરાદ પ્રમાણે કેટલાક લોકો સક્રિય થઇ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાંથી ચર્ચા કરવાના આનંદ અને અંગત પ્રસિદ્ધિ સિવાય બીજું શું નીપજે છે, એ હજુ જોવાનું રહે છે.
ફક્ત ગુજરાતી જ નહીં, તમામ ભારતીય ભાષાઓ માટે વડોદરામાં આયોજિત ‘ભાષાસંગમ’ મહત્ત્વની ઘટના બની રહેશે. દેશભરમાંથી આશરે ૩૦૦ ભાષા-બોલી બોલનારા લોકો એકસાથે એક જ જગ્યાએ એકઠા થાય, એવું કદાચ પહેલી જ વાર વડોદરામાં ૮ માર્ચના રોજ બન્યું. તેજગઢ આદિવાસી અકાદમીના સ્થાપક અને અઘ્યાપક-કર્મશીલ પ્રો.ગણેશ દેવીના નિમંત્રણના જવાબમાં ‘કચ્છથી કોહીમા અને લદ્દાખથી આંદામાન સુધીના’ પ્રતિનિધીઓ આવ્યા. ઉપરાંત, ભાષા વિશે ઉંડાણપૂર્વક વાત કરનારા વિદ્વાનો અને મહાશ્વેતાદેવી, નારાયણભાઇ દેસાઇ જેવા મહાનુભાવો પણ ખરા. ભાષાઓ બોલનારા અને ભાષા વિશે વિચારનારા લોકોના આ અનોખા મેળાવડામાં સમૃદ્ધ વિચારભાથું પૂરૂં પાડે એવં મંથન થયું.
ભાષાઓ વિશેની ભારતની સરકારી અને સત્તાવાર સંસ્થા ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ (મૈસૂર)ના ડો.રાજેશ સચદેવે એક અવતરણ ટાંકીને કહ્યું ‘ટુ પ્લાન લેન્ગ્વેજ ઇઝ ટુ પ્લાન સોસાયટી’ (ભાષાનું ઘડતર એટલે સમાજનું ઘડતર). ૨૦૦૧ની વસતી ગણતરીનો હવાલો આપીને તેમણે કહ્યું કે દેશમાં ૧૨૨ ભાષા અને ૨૩૪ માતૃભાષા સરકારી ચોપડે નોંધાયેલી છે. પરંતુ સરકારી નીતિ એવી છે કે જે ભાષા બોલનારા લોકોની સંખ્યા ૧૦ હજારથી ઓછી હોય, તેમની નોંધણી કરવામાં આવતી નથી.
ભાષાના ભેદના આશ્ચર્યજનક આંકડા આપતાં એમણે કહ્યું કે ભારતમાં બોલાતી ભાષાઓમાં ઇન્ડો-આર્યન અને દ્રવિડી ભાષાઓની ટકાવારી માંડ ૨૦ ટકા છે, પણ એ બોલનારા લોકોનું પ્રમાણ ૯૮ ટકા છે, જ્યારે ૮૦ ટકા ભાષાઓ ઓસ્ટ્રો-એશિયાટિક અને તિબેટો-બર્મન પ્રકારની છે, પણ એ બોલનારાનું પ્રમાણ ૨ ટકા છે. ૧૯૯૧ની સરખામણીમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીનો અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે ગુજરાત સહિતનાં રાજ્યોમાં ભાષાઓ-બોલીઓની સંખ્યામાં વધારો થયો છે. ‘યુનેસ્કો’એ ભારતની ૧૯૬ બોલીઓ લુપ્ત થવાની અણીએ હોવાનું દર્શાવ્યું છે, પણ મણિપુરી અને ખાસી બોલીનાં ઉદાહરણનો ટાંકીને સચદેવે કહ્યું હતું કે યુનેસ્કોની યાદી સાચી નથી.
આંદામાનમાં રહીને ત્યાંના આદિવાસીઓની ભાષા પર સંશોધન કરનારાં પ્રો.અન્વીતા અબીએ કહ્યું કે ‘માણસ જન્મે છે, મોટો થાય છે, જુવાન થાય છે, વૃદ્ધ થાય છે ને મરે છે એ કુદરતી ક્રમ છે, પણ ભાષાઓ માટે મૃત્યુ કુદરતી નથી. ભાષા તો જન્મે, મોટી થાય, પરિપક્વ થાય, વઘુ પરિપક્વ થાય...મૃત્યુ તેની નિયતી નથી. ભાષા મરતી નથી. તેને મારવામાં આવે છે.’ સંસ્કૃત જેવી ભાષા હજુ પણ ટકી રહી છે, એ યાદ અપાવીને તેમણે કહ્યું ‘આદિવાસીઓની ભાષા કેટલી વિકસીત હોઇ શકે, તેનો ભાગ્યે જ કોઇને અંદાજ હશે. કેટલીક આદિવાસી ભાષાઓ આગળ સંસ્કૃત તો બચ્ચું લાગે. સંસ્કૃતનું બીજ આદિવાસી ભાષાઓમાં છે.’
ભાષાઓનો દાટ વાળવા માટે સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા (એક સ્થાનિક સ્ટાન્ડર્ડ ભાષા- હિંદી અને અંગ્રેજી) ની પણ આકરી ટીકા થઇ. પ્રો. અન્વીતા આ ફોર્મ્યુલામાં ચોથી (પોતીકી) ભાષા ઉમેરાય એ માટે વર્ષોથી પ્રયત્નશીલ છે. પણ તેમને હજુ સફળતા મળી નથી.
સ્થાનિક લોકોમાં ‘થોટારપુચ’ તરીકે ઓળખાતી ગ્રેટ આંદામાનીઝ ભાષાઓ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં સ્થાન પામે છે, પણ તેમાંની ‘બો’ ભાષા બોલનાર આખરી વ્યક્તિ, ૮૫ વર્ષીય મહિલા બોઆનું આ વર્ષના ફેબુ્રઆરીમાં મૃત્યુ થયું. હવે એ ભાષા કેવળ અભ્યાસલેખો પૂરતી મર્યાદિત રહી ગઇ. બો સમુદાયના થોડા લોકો હજુ છે, પણ એ લોકો પોતાની ભાષા જાણતા નથી. આટલી જૂની પરંપરા તૂટવાનું મુખ્ય કારણ છે અંગ્રેજોએ કરેલા આદિવાસીઓને ‘સુધારવાના’ પ્રયાસ. આઝાદી પછી ભારત સરકારે પણ આદિવાસીઓની સંસ્કૃતિને જૈવિક વૈવિઘ્યના ભાગરૂપે જોવાને બદલે, તેમના વિસ્તારોમાં ‘વિકાસ’નું રોલર ચલાવ્યું. જંગલો કપાતાં ગયાં અને આદિવાસીઓ હડસેલાતા ગયા. ‘આંદામાન ગ્રાન્ટ ટ્રન્ક રોડ’ જેવાં બાંધકામ અને હવે મમતા બેનરજીએ આંદામાનમાં રેલવે લાઇન નાખવાની જાહેરાત કર્યા પછી, રહીસહી આદિવાસી જાતિઓ અને તેમની ભાષાના હાલ પણ જતે દિવસે ‘બો’ જેવા થાય એવી પૂરી શક્યતા છે.
ભાષા અને સંસ્કૃતિ અભિન્ન હોવાનો મુદ્દો વક્તવ્યોમાં વિવિધ સ્વરૂપે વ્યક્ત થતો રહ્યો. ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ના સ્થાપક-ડાયરેક્ટર ડો.ડી.પી.પટનાયકે કહ્યું કે આદિવાસીઓ બાકીના લોકો કરતાં પહેલાં અંગ્રેજોની સામે લડ્યા હતા. પણ આપણા ઇતિહાસમાં ૧૮૫૭ના સંગ્રામને જ પહેલો ગણવામાં આવે છે. આદિવાસીઓને આપણે બધી બાબતોમાં અવગણ્યા છે, એટલે તેમની ભાષાની પણ આ દશા છે. હિમાચલ પ્રદેશથી આવેલા અભ્યાસી ડો.શેખર પાઠકે વધારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે ‘ભાષા અલગથી બચતી નથી. આજુબાજુનું જીવન નહીં બચે, જમીન-જંગલ-પાણી નહીં બચે તો ભાષા પણ નહીં બચે.’
દિલ્હીના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ના ભૂતપૂર્વ ડાયરેક્ટર પ્રો. ધીરૂભાઇ શેઠે કહ્યું કે ‘એક વાત બહુ સાદી, છતાં બહુ મહત્ત્વની છે. ભાષા લોકો માટે છે. તેને આપણે એક અલગ-પોતીકું-સ્વતંત્ર સ્વરૂપ આપી દઇએ છીએ (એ બરાબર નથી.) જે લોકોનું થાય છે, એ જ ભાષાનું થાય છે.’ ભાષા લુપ્ત થાય જ છે અને એનાં ઘણાં કારણ હોય છે. એમ કહીને તેમણે સિંઘુ સંસ્કૃતિનું ઉદાહરણ આપ્યું હતું. ‘જેમને આપણે હાંસિયામાં કે હાંસિયાની પણ બહાર રાખ્યાં છે, તેમની ભાષા મરે છે. કેટલીક ભાષાઓ બોલનારની પસંદગીથી મરે છે. કારણ કે બોલનારને લાગે છે કે પોતાની ભાષા પૂરતી નથી.’ ક્યારેક સત્તા માટે પણ પોતાની ભાષા છોડવી પડે છે, તેનું ઉદાહરણ આપતાં ધીરૂભાઇએ પાકિસ્તાનના પંજાબીઓની વાત કરી હતી. પાકિસ્તાનના રાજકારણમાં હિસ્સો મેળવવાનું પંજાબીભાષી તરીકે શક્ય ન હતું. એટલે તેમણે ઉર્દુ અપનાવી અને ભાષાના ભોગે રાજકારણમાં વર્ચસ્વ મેળવ્યું.
આ જ વાત રાજકારણને બદલે આર્થિક વર્ચસ્વના સંદર્ભમાં સિંધી ભાષાને લાગુ પડતી હોવાનું પ્રો. રીટા કોઠારીએ કહ્યું. સાથોસાથ તેમણે કહ્યું કે ‘ભાષાને ટકાવી રાખવા માટે સરકારનો ટેકો પૂરતો નથી. કોઇ ભાષા બોલવામાં શરમ આવે ત્યારે એ ભાષાને સરકાર (માન્ય ભાષાના) પરિશિષ્ટમાં મૂકે કે ન મૂકે, એ ભાષામાં ઇનામો આપે કે ન આપે, કોઇ ફરક પડતો નથી...બજાર અને સરકાર તો પછી આવે છે. પહેલાં જીવન આવે છે અને એ સ્તરે ભાષા સાથેનો સંબંધ તો રાખી જ શકાય છે.’
ભારતમાં ભાષાઓની ચોક્કસ ગણતરી નથી, એ અંગે નુક્તચીની કરતાં ભાષાશાસ્ત્રી પ્રો. ખુબચંદાનીએ કહ્યું હતું કે ‘જેની સંખ્યા ગણી પણ શકતા નથી, એને બચાવશો કેવી રીતે?’ ભાષા અને બોલી વચ્ચેનો તફાવત ભાષાશાસ્ત્રીય નહીં, કેવળ દરજ્જાનો છે એવું પણ તેમણે કહ્યું. માણસની બહુભાષિતા પર ભાર મૂકીને તેમણે કહ્યું કે બહુમતિવાદ વૈવિઘ્ય છીનવી લે છે. એ સૌથી મોટો દુશ્મન છે. વિવિધ ભાષાઓનો ખપ પૂરતો ઉપયોગ કરીને, તેમની વચ્ચે સંતુલન સાધવા પર તેમણે વઘુ ભાર મૂક્યો.
ભારતમાં કેટલી ભાષાઓ અને બોલીઓ છે, તેની છેલ્લી ગણતરી એક સદી પહેલાં અંગ્રેજી રાજના અધિકારી ગ્રીઅર્સને કરી હતી. આઝાદી પછીની વસતી ગણતરી દરમિયાન રાજ્યવાર ૧૦ હજારથી વઘુ લોકો બોલતા હોય એવી ભાષાઓની અને સત્તાવાર ભાષાઓની ગણતરી થાય છે, પણ ભારતના ભાષાવૈવિઘ્યનો સાચો ખ્યાલ આપે એવો અભ્યાસ (લિંગ્વિસ્ટિક સર્વે) આઝાદ ભારતમાં થયો નથી. ભાષા અને પ્રાંતવાદના રાજકારણને લીધે, સરકારને ભાષા સળગતો મુદ્દો લાગે છે. એટલે એક વાર લિંગ્વિસ્ટિક સર્વેનું નક્કી કર્યા પછી છેવટ ઘડીએ કેન્દ્ર સરકારે એ વિચાર પડતો મૂક્યો હતો. ભાષાઓની સાચી સ્થિતિ જાણવા માટે આ જાતના સર્વેક્ષણની જરૂરિયાત અંગે પણ વાત કરવામાં આવી.
વડોદરામાં હાજર રહેલા જુદી જુદી ભાષા બોલનારા લોકોનું રોપા વડે સ્વાગત કરવામાં આવ્યું. પ્રો. ગણેશ દેવીએ જાહેર કર્યું કે આ રોપા તેજગઢ આદિવાસી અકાદમીમાં રોપવામાં આવશે અને તેને ‘ભાષાવન’ તરીકે ઉછેરવામાં આવશે. દરેક વૃક્ષ એક ભાષા બોલશે- આલંકારિક રીતે નહીં, પણ ખરેખર! ટેકનોલોજીની મદદથી એવી ગોઠવણ કરવામાં આવશે કે દરેક વૃક્ષ પાસે જતાં, તે કોઇ એક ભારતીય ભાષામાં બોલે કે ગીત ગાય.
ભારતના વૈવિઘ્યપૂર્ણ વારસા જેવી અનેક ભાષાઓને તેજગઢના ભાષાવનનાં વૃક્ષો ઉપરાંત જીવંત બોલનારા પણ મળી રહે અને તે આબાદ રહે એવી હાર્દિક ઇચ્છા રાખવાનું પૂરતું નથી. બીજી ભાષાઓ અને તેના ફાયદા છોડ્યા વિના, પોતાની ભાષા દિલથી બોલવાનું અને તેની શરમ નહીં અનુભવવાનું આપણા-સામાન્ય નાગરિકોના- હાથમાં છે.
Saturday, March 13, 2010
અલવિદા, વૈદ્યસાહેબ
ડો.પી.સી.વૈદ્યની વિગતવાર મુલાકાતના આધારે મેં લખેલો અને ૯ જુલાઇ, ૨૦૦૬ના દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં પ્રગટ થયેલો ઇન્ટરવ્યુ વૈદ્યસાહેબને અંજલિ તરીકે.
એક પ્રસંગઃ ‘સ્કોપ’માં નગેન્દ્રવિજયે બ્લેકહોલ વિશે (કે સાપેક્ષવાદ વિશે?) લાંબો લેખ કર્યો ત્યારે તેમના સલાહકાર મંડળના સભ્ય બહારગામ હોવાથી, તેમણે એ લેખનું પરામર્શન વૈદ્યસાહેબ પાસે કરાવ્યું હતું, જે તેમણે યથાયોગ્ય કસોટી પછી કરી આપ્યું હતું. ‘સુગણિતમ્’ નામનું ગણિત સામયિક ચલાવતા વૈદ્યસાહેબે જ્યારે જાણ્યું કે ‘સ્કોપ’નું સરક્યુલેશન તેમના ધાર્યા કરતાં ઘણું વધારે છે, ત્યારે એ માનવા તૈયાર ન હતા કે ગુજરાતમાં વિજ્ઞાન સામયિક આટલું વેચાય!
બીજું સ્મરણઃ ફાધર વાલેસ અમદાવાદ આવ્યા ત્યારે સમારંભ પછી મિત્ર બિનીત મોદી સાથેની મુલાકાતમાં વૈદ્યસાહેબની વાત નીકળતાં, અમારા મોદી નં.૧ના ફોન પરથી ફાધરે વૈદ્યસાહેબ સાથે વાતચીત કરી હતી
Friday, March 12, 2010
બેટરહાફઃ સારા સમાચાર
કોઇ મિત્રએ ફિલ્મ બનાવી હોય, ત્યારે જીવ અકારણ જરાતરા ઊંચો રહે. એક તો ફિલ્મ ગુજરાતી હોય, ને પાછી સારી પણ હોય. એટલે એવું થાય કે શું થશે આ ફિલ્મનું?
આશિષ કક્કડની ‘બેટરહાફ’ વિશે એવી જ લાગણી થતી હતી. પણ તેમની સાથેની વાતચીત અને આજના છાપામાં ફિલ્મની જાહેરખબર સાથે ‘બીજું લોકપ્રિય સપ્તાહ’ વાંચીને આનંદ થયો. આશિષ, ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા અને આખી ટીમને અભિનંદન.

Gujarati/ગુજરાતી ભાષા
Wednesday, March 10, 2010
અમદાવાદઃ અજાણી દંતકથાઓ, સંભવિત ઇતિહાસ
જૂના વખતમાં, અહમદશાહ બાદશાહના જમાનામાં, છાપાં, ન્યૂઝચેનલો કે માહિતીખાતું ન હતાં. એટલે જૂઠાણાં, અફવાઓ કે ‘બત્તી’ (પ્લાન્ટેડ સ્ટોરી) સમાચાર તરીકે નહીં, પણ ઉડતી વાતો તરીકે પ્રસિદ્ધ થતાં અને દંતકથા તરીકે યાદ રહેતાં. એવી એક જાણીતી દંતકથા મુજબ અહમદશાહ કૂતરો લઇને ઘોડા પર બેસીને (સીધી વાત છેઃ કૂતરા પર બેસીને ઘોડો લઇને તો ન જ નીકળ્યા હોય) શિકાર કરવા નીકળ્યા, ત્યારે એક સસલાએ તેમના કૂતરાને દાટી મારી.
અહમદશાહ બાદશાહને બદલે કોર્પોરેટ મેનેજર હોત તો તેમણે કોસ્ટકટિંગના ભાગરૂપે કૂતરાને સસલાનું કામ સોંપીને તેનો પગાર અડધો કરી નાખ્યો હોત. એ અહમદશાહને બદલે અહમદભાઇ પટેલ હોત તો હાઇકમાન્ડના ઇશારે કૂતરાની રાતોરાત નાગાલેન્ડ કે મણિપુરમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે બદલી થઇ ગઇ હોત અને સસલાને મહારાષ્ટ્રનું પ્રભારી બનાવી દેવાયું હોત. પણ બાદશાહ સીધોસાદો બાદશાહ હતોઃ ‘રાજા, વાજાં ને વાંદરાં’ ટાઇપનો. એણે સસલાનું અને કૂતરાનું શું કર્યું એ જાણવા મળતું નથી, પણ સસલાના જીગરથી પ્રભાવિત થઇને તેણે અમદાવાદ શહેર વસાવ્યું એવી દંતકથા છે.
શક્ય છે કે ઉપરની કથાની સસલાને, કૂતરાને કે ખુદ અહમદશાહને પણ ખબર ન હોય. અહમદશાહના કે ત્યાર પછીના કોઇ બાદશાહના માહિતીખાતાએ પોતે મફતનો પગાર નથી લેતા એવું સાબીત કરવાના ઉત્સાહથી કૂતરા-સસલાની વાર્તા ઘડી કાઢી હોય માહિતી ખાતાનું કર્તવ્ય જ એ હોય છે કે જ્યાં કશું ન હોય ત્યાં કાલ્પનિક સંઘર્ષ ઉભો કરીને, તેમાં સામેના પક્ષને સબળો ચીતરવો અને છતાં એ સંઘર્ષમાં પોતાના સાહેબનો વિજય જાહેર કરવો. આવું કંઇ થાય નહીં તો ભાવિ પેઢી માટે ઇતિહાસ કેવી રીતે સર્જાય?
એકનો એક ઇતિહાસ લખી-વાંચીને કંટાળેલા નવીનતાપ્રેમી લોકોના અને ભાવિ પેઢીના લાભાર્થે અમદાવાદનાં 600 વર્ષ નિમિત્તે કેટલીક નવી દંતકથાઓ શોધી કાઢવામાં આવી છે. તેનો પ્રચાર-પ્રસાર કરવાથી આપણા ઐતિહાસિક સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરો થઇ શકે છે.
માણેકચોકમાં મુગલે આઝમઃ
અકબર દિલ્હીથી વીજળીક વેગે અમદાવાદ પર ચડી આવ્યો અને અમદાવાદ લીધું એ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે, પણ અકબરે આવું શા માટે કર્યું એ સમજાતું ન હતું. જેમણે ફક્ત ઇતિહાસનો સ્વાદ ચાખ્યો હોય અને માણેકચોકના ખાણીપીણી બજારનો સ્વાદ ન લીધો હોય તેમને એ કદી સમજાશે પણ નહીં.
અકબરને પાણીપુરી-ભેળપુરી જેવા પદાર્થો બહુ ભાવતા હતા અને માણેકચોકનું ખાણીપીણી બજાર એ વખતથી વખણાતું હતું. (દંતકથાઓમાં ‘હશે’ને બદલે ‘હતું’ લખવાનો રિવાજ છે.) એક દિવસ જોધાબાઇએ મહાબલીની થાળીમાં તુરિયાં-ગલકાંનું શાક મૂક્યું, એટલે મુગલે આઝમ ભડક્યા. જોધાબાઇએ રાબેતા મુજબ દલીલ કરી કે ‘શાક બનાવતાં પહેલાં તમને પૂછાવડાવ્યું હતું.’
જહાંપનાહે જવાબ આપ્યો કે ‘માણસ મને પૂછવા આવ્યો ત્યારે નવ રત્નો સાથે મારી મિટિંગ ચાલતી હતી. નવ રત્નોનું ધીમે ધીમે મારે ડીસઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું છે- તેમની પાસેથી ગપ્પાં મારવા ઉપરાંતનું પણ બીજું કંઇક નક્કર કામ લેવું છે. એ બધી ચર્ચામાં શાકનો કકળાટ ક્યાંથી સંભળાય? પણ હવે બહુ થયું. આજે ફેંસલો થઇ જાય. કાં તુરિયાં-ગલકાં નહીં કાં હું નહીં.’
જોધાબાઇ ડઘાઇ ગયાં. ‘હું નહીં’ એ તો જાણે સમજ્યા, પણ તુરિયાં-ગલકાં નહીં તો શું?
અકબરે માણેકચોકના ખાણીપીણી બજાર વિશે સાંભળ્યું હતું. તેમણે તત્કાળ ચુનંદા સૈનિકોને ભેગા કર્યા અને પોતે તેમની આગેવાની લઇને મારતે ઘોડે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદનો મરાઠી સૂબો એ વખતે માણેકચોકમાં પાણીપુરી ખાતો હતો. અકબરને જોઇને તે છેલ્લી એક મોળી પુરી ખાવા પણ ન રહ્યો અને ભાગ્યો. તેની પરથી કહેવત પડી કે ‘પાણીપુરી ખાતાં ગુજરાત ખોઇ.’ પણ આ કહેવત ઇતિહાસને શોભે એવી ન લાગતાં, ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ એવી કહેણી બનાવવામાં આવી.
કાંકરિયા અને જહાંગીરઃ
ઇતિહાસમાં જહાંગીર ન્યાયપ્રિય રાજા તરીકે જાણીતો છે. પોતાના દરબારમાં તેણે સોનાનો ઘંટ લટકાવ્યો હતો, જે એ જમાનામાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ)ની ગરજ સારતો હતો. જહાંગીર ‘એનઆરઆઇ’ ન હતો. છતાં તેને અમદાવાદની ‘ડસ્ટની એલર્જી’ હતી. તેણે અમદાવાદને ‘ગર્દાબાદ’ તરીકે ઓળખાવ્યું હતું. અમદાવાદના લોકોને એની ખબર હતી, પણ જહાંગીર જ્યાં સુધી ‘ધૂળવેરો’ ન નાખે ત્યાં સુધી એમને કશો વાંધો ન હતો. કદાચ ઓછી ધૂળ ઉડે એટલે જ જહાંગીર અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે પડાવ નાખતો અને રાત્રે આતશબાજી કરાવતો. કાંકરિયાની આતશબાજી અત્યારે થાય છે એ રીતે, પ્રજાના પૈસે જ થતી. ફરક એટલો કે એ વખતે રાજાશાહી હતી.
કાંકરિયાના કિનારે બેસીને જહાંગીરે અંગ્રેજ પ્રતિૉનિધિ ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી એ જાણીતો ઇતિહાસ છે, પણ અજાણી દંતકથા એ છે કે ટોમસ રોએ બાદશાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ભેટસોગાદો ઉપરાંત કાયમી કમાણીનો એક આઇડીયા બાદશાહને આપ્યોઃ તળાવની આજુબાજુ દીવાલ ચણો, જૂના કિલ્લાના દરવાજા પડ્યા હોય તો એ લગાડી દો, દરવાજે પહેરેદારો ગોઠવી દો અને અંદર જવા માટે ફી વસૂલ કરો. દંતકથા પ્રમાણે, ટોમસ રોનો આઇડીયા સાંભળીને જહાંગીર હસી પડ્યો હતો અને કહ્યું હતું કે ‘તમારો આઇડીયા રાજકર્તાને નહીં, પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારીવૃત્તિને છાજે એવો છે,’
આશ્રમરોડ અને ગાંધીજીઃ
ગાંધીજી નજીકના ઇતિહાસની ઘટના છે. છતાં તેમના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. આઝાદીના આંદોલન માટે તે અમદાવાદમાં સ્થાયી તો થયા, પણ પછી તેમની પર આઝાદી લઇ આવવાનું કેટલું દબાણ હશે કે તેમને કહેવું પડ્યું, ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં આવું.’
અંગ્રેજો બહુ હોંશિયાર છતાં કેટલીક બાબતમાં કાચા પડ્યા. એ વખતે તેમણે રીવરફ્રન્ટ બનાવી દીધો હોત અને વાઇસરોયને બોલાવીને રીવરફ્રન્ટમાં લાગલગાટ ઉત્સવો ચાલુ કરી દીધા હોત તો દાંડીકૂચનો સવાલ જ ન રહેત. રીવરફ્રન્ટ પરના સરકારી સમારંભો વખતે આશ્રમ રોડ પર જે રીતે ટ્રાફિક ખોરવાય છે અને સામાન્ય પ્રજાને જે હેરાનગતિ પહોંચે છે, એ જોતાં ગાંધીજી અને એમના પદયાત્રીઓ સુરક્ષા વ્યવસ્થામાં અટવાઇને સાબરમતી નદી પાર જ ન કરી શક્યા હોત અને ખિસ્સામાંથી મીઠું કાઢીને, તેને રીવરફ્રન્ટમાં પકવેલું જાહેર કરીને સંતોષ માની લેવો પડ્યો હોત. વધારે સંભવ તો એ છે કે તેમણે મીઠાનો મુદ્દો બાજુ પર મૂકીને વીઆઇપીઓને લીધે પ્રજાને પડતી અગવડના મુદ્દે સત્યાગ્રહ છેડ્યો હોત.

Friday, March 05, 2010
સ્મરણમુકુરઃ ૧૯મી સદીના અમદાવાદનો આયનો
કવિ દલપતરામ પાસે કવિતા ભણનાર અને કવિ નર્મદને રૂબરૂ મળનાર, અમદાવાદમાં પહેલી મિલ સ્થાપનાર રણછોડલાલ રેંટિયાવાળાથી માંડીને અમદાવાદમાં જજ તરીકે આવેલા સત્યેન્દ્રનાથ ટાગોર (રવીન્દ્રનાથ મોટા ભાઇ) સાથે ઘરોબો ધરાવનાર કોઇ વ્યક્તિ વિશે પહેલી વાર જાણીને ઇર્ષ્યાની લાગણી ને મોડા જન્મ્યાનો અફસોસ થાય. પરંતુ એ વ્યક્તિ જ્યારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા હોય અને તેમની પાસેથી અંગત છતાં બિનઅંગત એવાં સંભારણાં વાંચવા મળે, ત્યારે ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીના પ્રારંભનું અમદાવાદ-ગુજરાતનું સંસ્કારજીવન આપણી સમક્ષ જીવંત થઇ ઉઠે છે.
‘સ્મરણમુકુર’ (સ્મરણોનો આયનો) એ શીર્ષકથી ૧૯૨૬માં પ્રકાશિત થયેલું નરસિંહરાવનું આ પુસ્તક અનેક રીતે વિશિષ્ટ છેઃ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અનેક હસ્તીઓનાં અંગત સંસ્પર્શ ધરાવતાં વ્યક્તિચિત્રો તેમાં છે. લખાણનું કેન્દ્ર નરસિંહરાવના સુધારાવાદી પિતા ભોળાનાથ સારાભાઇ છે, પરંતુ એ નિમિત્તે વિશિષ્ટ વ્યક્તિત્વો ઉપરાંત અમદાવાદ-અમદાવાદીઓની પણ લાક્ષણિકતાઓ તેમાં ઝીલાઇ છે. અમદાવાદનાં ૬૦૦ વર્ષની ઉજવણી શરૂ થઇ છે, ત્યારે રત્નમણિરાવનું ‘ગુજરાતનું પાટનગરઃ અમદાવાદ’ અને મગનલાલ વખતચંદનો ‘અમદાવાદનો ઇતિહાસ’ જેવાં અઢળક પ્રમાણમાં ટાંકવામાં આવતાં પુસ્તકોને બાજુ પર રાખીને, નરસિંહરાવના ‘સ્મરણમુકુર’ થકી જૂના અમદાવાદની સફર કરવા જેવી છે.
વઢવાણથી અમદાવાદ આવેલા કવિ દલપતરામની અંગ્રેજ અફસર ફોર્બ્સ ઉર્ફે ફાર્બસ સાથે જોડી હતી. નરસિંહરાવે નોંઘ્યું છે કે અમદાવાદની હાઇસ્કૂલમાં ફક્ત ગુજરાતી કાવ્યો ભણાવવા માટે દલપતરામની શિક્ષક તરીકે નિમણૂંક થઇ હતી. કવિતાશિક્ષકનો હોદ્દો ખાસ દલપતરામને આશ્રય આપવા માટે ઉભો કરવામાં આવ્યો, એવો આરોપ લોકો મૂકતા હતા. પરંતુ હાઇસ્કૂલમાં દલપતરામ પાસે કવિતા ભણેલા નરસિંહરાવે ભારપૂર્વક લખ્યું છે કે ‘હું માનું છું- પૂર્ણ શ્રદ્ધાથી માનું છું - કે એ લોપની સાથે આપણા ગુજરાતના વિદ્યાર્થીવર્ગમાંથી ગુજરાતી ભાષા, સાહિત્ય ઇત્યાદિના અભ્યાસ તરફની રૂચિનો નાશ થયો અને હેનાં માઠાં ફળ આજ સુધી અનુભવમાં જોઇયે છિયે.’ (જોડણી મૂળ લખાણ પ્રમાણે રાખી છે.)
પિતા ભોળાનાથ સારાભાઇ વિશેનાં સંભારણામાંથી જાણવા મળે છે કે નરસિંહરાવના કુટુંબમાં ફારસી ભાષાના અભ્યાસની પરંપરા હતી. ભોળાનાથ ફારસીના જાણકાર હતા ને એમના પિતા સારાભાઇ ફારસીના ઉત્તમ અભ્યાસી હતા. નરસિંહરાવ સ્કૂલમાં સંસ્કૃત ભણતા હતા, પણ તેમના માટે ઘરે ફારસી શીખવવા એક મુનશી આવતા હતા. ‘પિતા પાસેથી સાંભળેલી વાતો’ તરીકે નરસિંહરાવે લખ્યું છે કે ‘અમદાવાદમાં પ્રથમ વર્તમાનપત્ર પ્રગટ થયું (તેનું) ‘અમદાવાદ સમાચાર’ કે એ નામ હતું. બુધવારે પ્રગટ થતું તેથી એ પત્રનું નામ ‘બુધવારિયું’ પડ્યું હતું- એ એટલે સુધી કે તે પછી જે કોઇ વર્તમાનપત્ર પ્રગટ થયાં તે બધાંને માટે...‘બુધવારિયું’ એ સામાન્ય નામનો શબ્દ થઇ ગયો હતો. મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં‘બુધવારિયાં’ આવ્યાં! એક જ પત્રની પ્રતો. પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છેઃ એક વાંચે છે ને બીજો પોતાની પ્રત તપાસે છે અને ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે. લગારે ભૂલ નથી. ત્હારી ને મ્હારી નકલ બરાબર છે.’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’
અમદાવાદના શેઠિયાઓની ખાસિયત ગણાતી કંજૂસાઇના નમૂના પણ નરસિંહરાવે નોંઘ્યા છે. ‘એક દિવસ એક શેઠ-કુટુમ્બના જૂના પરિચિત મિત્ર- મળવા આવ્યા. વાતે વાતે પોતાની ગૃહવ્યવસ્થાની એક વાત બોલ્યા,‘ભોળાનાથભાઇ! હું રોજ બે કેળાં લાવું છું. એક હું ખાઊં છું, અડઘું મ્હારી માને આપું છું ને અડઘું વધે છે તે દાળ્યમાં (દાળમાં) નખાવું છું. એટલે છોકરાં ને રાંડો બધાંને મળે.’ આ શેઠ લક્ષાધિપતિ હતા એ કહેવાની જરૂર તો છે જ.’
અમદાવાદના મિલઉદ્યોગના પિતામહ રણછોડલાલ છોટાલાલનું વર્ણન કરતાં નરસિંહરાવ લખે છે, ‘રણછોડભાઇની કંજૂસાઇ હેમના મિત્રવર્ગમાં પ્રખ્યાત હતી. લક્ષાધિપતિ થયા છતાં લાંબા સમય સુધી જૂનું સગરામ, સરતો ઘોડો અને અંદર હાથ ખોસવાની લાંબી આરામપટ્ટીઓમાં બે હાથ ભેરવીને જાત્યનું રક્ષણ કરતા બ્હાવરા જેવા બેઠેલા, સાદાઇ જોડે ઉમદાઇ નહિ પણ મૂજીપણાનો ભાસ આપતાં વસ્ત્રો... તીક્ષ્ણ નયનદ્વારમાંથી બુદ્ધિતેજ ઝરતા રણછોડભાઇ...’
ડ્યુક ઓફ કોનોટના આગમન વખતનો એક પ્રસંગ રણછોડભાઇ વિશેના લેખમાં નોંધાયેલો છેઃ ‘ડ્યુક ઓફ કોનોટ અમદાવાદ આવ્યો તે વખતે હેના ઇસ્તેકબાલ માટે રેલવે સ્ટેશન ઉપર આવેલા મંડળમાં રણછોડભાઇ હતા. હેમનો મેલા જેવો, ઉપટી ગયેલા રંગનો, જૂની કાથિયા બનાતનો કોટ જોઇને તે તરફ આંગળી કરીને કલેક્ટરે કહ્યું,‘રણછોડલાલ! વોટ રેચેડ કોટ યુ હેવ કમ ઇન?’ ગૂંચવાયલા, ગભરાયેલા સ્વરે રણછોડભાઇ બોલ્યા,‘ઇટ ઇઝ નોટ માઇન...ઇટ ઇઝ ચીનુઝ.’ (આ કોટ મારો નથી- મારા પૌત્ર ચીનુનો છે.) રણછોડલાલના પૌત્ર ચીનુ આગળ જતાં બેરોનેટનો ખિતાબ મેળવીને ચીનુભાઇ બેરોનેટ તરીકે ઓળખાયા. ‘
રણછોડભાઇ જૂના જમાનાની અપૂર્ણ ભાસતી, પણ આત્મબળથી પ્રાપ્ત કરેલી ઘરગથ્થુ કેળવણીનો પાક હતા. સંસ્કૃત, ફારસી, અંગ્રેજી (તેમણે) જાતે જ સંપાદન કરેલાં હતાં’ એવું પણ નરસિંહરાવે પ્રશંસાપૂર્વક લખ્યું છે. તેમણે આપેલી વિગત પ્રમાણે ‘મિલઉદ્યોગ શરૂ કરતાં પહેલાં રણછોડભાઇ અંગ્રેજ સરકારની નોકરીમાં પોલિટિકલ ખાતામાં અમલદાર હતા. નોકરીમાં પણ પોતાની શક્તિથી છાપ પાડી. પણ ‘ભાવિ તણા જ પ્રભાવે’ લાંચના આરોપને લીધે નોકરી ખોઇ...મ્હારા પિતા કહેતા કે રણછોડભાઇ એમ દલીલ બતાવતા કે રાજા રજવાડામાં મૂર્ખ અજ્ઞાન રાજાઓ કને ધન પડી રહે, હેનો સદુપયોગ એ કરી પણ ના જાણે. ત્હેના કરતાં આપણી કને એ ધન હોય તો વધારે સારૂં.’ છતાં ‘અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદની અપૂર્વ સેવા રણછોડભાઇની હતી એ નિર્વિવાદ છે...અમદાવાદમાં અગાઉ દર સાલ કોલેરાનો રોગ આવતો જ. સ્વચ્છ પાણી રણછોડભાઇની દૂરદર્શિતાથી આવ્યું ત્ય્હારથી એ રોગ નાબૂદ થયો.’
અમદાવાદની સાથે નોકરીની રૂએ સંકળાયેલા બિનગુજરાતી ભારતીયોમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું નામ મહત્ત્વનું ગણાય. નરસિંહરાવ બાળક હતા ત્યારે સત્યેન્દ્રનાથ અમદાવાદના રસ્તા પર પોતાનાં પત્નીને ઉઘાડી ગાડીમાં સાથે લઇને ફરતા અને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હતા. એવો એક ઉદગાર નરસિંહરાવે નોંઘ્યો છે,‘પેલા નવા જજસાહેબ તો કોઇક નાટકશાળાને જોડે બેસાડીને ગાડીમાં ફરવા નીકળે છે!’ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં હતા ત્યારે જ તેમના ભાઇ રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા હતા અને શાહીબાગ (હાલ સરદાર સ્મારક છે તે ઇમારતમાં-તેનાથી પ્રેરાઇને) એમની પ્રસિદ્ધ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી. રવીન્દ્રનાથે શાંતિનિકેતનની શરૂઆત કરી ત્યારે અમદાવાદમાં બંધાયેલા કૌટુબિંક સંબંધને આધારે સત્યેન્દ્રનાથે નરસિંહરાવને કહ્યું હતું,‘રવિયે બોલપુરમાં એક ન્હાની સરખી સંસ્થા ઊભી કરી છે તે જોવાને જજો.’

***
એક શહેરનો ઇતિહાસ ફક્ત રાજાઓ-બાદશાહોની તારીખો-તવારીખો કે ઐતિહાસિક ઇમારતો પૂરતો સીમિત હોતો નથી. તેના લોકજીવન અને સંસ્કારજીવનના પ્રવાહો સુધી પહોંચવાથી જ ચિત્ર વઘુ સમૃદ્ધ અને વઘુ વાસ્તવિક બને છે. ‘સ્મરણમુકુર’ જેવા ગ્રંથો એ તક પૂરી પાડે છે.
Thursday, March 04, 2010
બેટરહાફઃ એક સરસ ગુજરાતી ફિલ્મ
ગુજરાતી ફિલ્મોના સ્ટીરીયોટાઇપ (બીબાં)ની વાતો પણ એટલી સ્ટીરીયોટાઇપ થઇ ગઇ છે કે એ કરતાં બીક લાગે. એ ચર્ચામાં પડ્યા વગર આપવાના સારા સમાચાર એ છે કે આવતી કાલે આશિષ કક્કડની ગુજરાતી ફિલ્મ ‘બેટરહાફ’ રિલીઝ થઇ રહી છે.
થોડા વખત પહેલાં આ ફિલ્મનો પ્રીવ્યુ જોવાની તક મળી હતી. શરૂઆતનો થોડો ભાગ મેં ગુમાવ્યો, પણ મોટા ભાગની ફિલ્મ જોઇ અને એ ગમી પણ ખરી. એ વખતે મિત્રભાવે નહીં, પણ તટસ્થ પ્રેક્ષક તરીકે આશિષને આપેલાં અભિનંદન અહીં લખું તો, મારે એ જોવું હતું કે આ ફિલ્મમાં સિરીયલના પાંચ હપ્તા સળંગ જોઇએ એમાં કશો ફરક છે કે કેમ? એ જોવું હતું. ફિલ્મમાં સહજતા-સ્વાભાવિકતા કેટલી હદે છે એ જોવું હતું. એ બધા જવાબો હકારાત્મક મળ્યા. સંગીત પણ સદભાગ્યે 'સુગમ' કે સૌરાષ્ટ્રની સોડમવાળું નથી.
ફિલ્મમાં એકથી વઘુ જગ્યાએ વિચારતા થઇ જવાય, એવી ક્ષણો સરસ રીતે આવે છે. પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય ત્યારે જે પ્રકારના પ્રશ્નો ઉભા થાય, તે તટસ્થ (એટલે કે પત્નીનાઃ-) દૃષ્ટિકોણથી મૂકવામાં આવ્યા છે. આશિષ સાથે ટૂંકા ગાળાના ગાઢ પરિચયમાં પહેલી છાપ તેમની સ્પષ્ટતાની પડી હતી. ફિલ્મમાં પણ એ સ્પષ્ટતા દેખાય છે. છતાં તે મોટે ભાગે ઉપદેશાત્મક નથી. બલ્કે, દર્શનીય અને રસાળ છે.
ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતાએ મુખ્ય પાત્રો સરસ રીતે ભજવ્યાં છે. ડાયેના રાવલ અને રાજુ બારોટ જેવા જૂના જોગીઓ પણ છે. (મહેમાન કલાકારોમાં ફોટોગ્રાફર મિત્ર સંજય વૈદ્ય પણ દેખાઇ જાય છે.) ડાયરેક્શન આશિષનું છે અને નિર્માતા તરીકે પણ તોમાલી અને આશિષ કક્કડનાં નામ વાંચવા મળે છે. ફિલ્મમાં ચિરાગ ત્રિપાઠીએ લખેલાં અને નિશીથ મહેતાએ સ્વરબદ્ધ કરેલાં ગીતો શાને ગાયાં છે, પણ આ જ ગીતો ફિલ્મની સીડી પર હિંદીમાં અને ઘ્વનિતના અવાજમાં સાંભળવા મળી શકે છે. (નજીકના મ્યુઝિક સ્ટોરનો સંપર્ક સાધો. ટીંગટોંગ.)
આ શનિ-રવિનાં કરવા જેવાં કામોમાં ‘બેટરહાફ’ જોઇ પાડવા જેવી છે. અમદાવાદમાં એ વાઇડ એન્ગલ અને સીટી પલ્સ (રાયપુર) માં આવે છે. આશિષ આ ફિલ્મમાંથી ઘણું કમાય ને બીજી ઘણી ફિલ્મો બનાવે એવી (એકબીજાથી સ્વતંત્ર) શુભેચ્છા.
Labels:
film/ફિલ્મ,
Gujarat/ગુજરાત,
Gujarati/ગુજરાતી ભાષા
Wednesday, March 03, 2010
કામચોરીની તરફેણમાં : અકર્મણ્યેવાધિકારસ્તે...
સવાલ ખરૂં જોતાં બોલનારના વિવેકનો કે તેમની સમજણનો છે. કામ કરવાની વૃત્તિ માટે ‘કામચોરી’ જેવો હીન, અપમાનજનક, તુચ્છકારસૂચક શબ્દ વાપરી શકાય?
કામ નહીં કરનારને ‘કામચોર’ કહી દેવામાં કશી બુદ્ધિ દોડાવવાની નથી કે કોઇ જાતનો વિચાર કરવાનો નથી. સવાલ એ છે કે ફક્ત કામ ન કરવાના કારણે કોઇને ‘કામચોર’ કહીને ઉતારી પાડવામાં કેટલું ઔચિત્ય છે? જરા વધારે તીખાશથી પૂછીએ તો, એમાં આપણી સાંસ્કૃતિક પરંપરા અને આઘ્યાત્મિક સમૃદ્ધિની હળાહળ ઉપેક્ષા નથી?
કહેનારા કહેશે કે ભારતવર્ષે વિશ્વને ‘કર્મનો સિદ્ધાંત આપ્યો.’ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્.. એ શ્વ્લોકથી બી.આર. ચોપરાનું મહાભારત જોઇ ચૂકેલા સૌ ભારતવાસીઓ પરિચિત છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે એ શ્વ્લોક અસલમાં ‘અકર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન’ એ સ્વરૂપે હતો. પહેલી વાર એ પ્રગટ થયો ત્યારે ‘અકર્મણ્યે..’માંથી ‘અ’ ઉડી ગયો. શ્વ્લોક પ્રચલિત કરનાર પોતે અકર્મમાં માનનાર હશે. એટલે તેમણે ‘ઠીક છે. શું ફેર પડે છે? સમજનારા ગમે તે લખીએ તો પણ સમજી જશે અને નહીં સમજનારા ગમે તેટલી સ્પષ્ટતાથી લખીએ તો પણ નહીં સમજે.’ એમ માનીને - અને ખાસ તો એક વાર બેઠા પછી ઊભું કોણ થાય એમ વિચારીને- સુધારો કરવાની તસ્દી લીધી નહીં હોય. એ રીતે શ્વ્લોક વર્તમાન સ્વરૂપે પ્રચલિત બન્યો હશે. આ અટકળ છે, પણ તેને તર્કશાસ્ત્રની એરણ પર ચકાસતાં તે સાચી હોવાનો પૂરો સંભવ છે.
કર્મણ્યેવાધિકારસ્તે... એ શ્વ્લોકનો અર્થ તો બહુ જાણીતો છેઃ ‘ફળની આશા વિના કર્મ કરો.’ પરંતુ ‘અકર્મણ્યેવાધિકારસ્તે..’નો અર્થ એટલો સીધોસાદો નહીં. હકીકતે, તેનું અટપટાપણું જ તેના આઘ્યાત્મિક ઉંડાણના પુરાવારૂપ છે. શ્વ્લોક કહે છે કે ‘હે વત્સ, ફળની આશા રાખ્યા વિના અકર્મ કર.’ અકર્મ જેવો શબ્દ કેટલાકને મૂંઝવી શકે. ‘અકર્મીનો પડિયો કાણો’ એવી કહેવતથી ગેરરસ્તે દોરાવાનો પણ સંભવ ખરો. છતાં આઘ્યાત્મિક સત્ય એમ રેઢું પડ્યું નથી. ત્યાં સુધી પહોંચવા માટે ભ્રમના કંઇક કોઠા વીંધવા પડે.
‘અકર્મ’ એ કર્મનો વિરોધી શબ્દ છે, એ તો સ્પષ્ટ છે. સૃષ્ટિમાં યુગ્મનો મહિમા છે. સ્ત્રી અને પુરૂષ, સૂર્ય અને ચંદ્ર, આગ અને પાણી...એ જ રીતે કર્મ અને અકર્મ એકબીજાનાં વિરોધી નહીં, પણ એકમેકનાં પૂરક છે. તેમાંથી કોઇ એકની પસંદગી કરવાનું શક્ય નથી. સૃષ્ટિનું સંતુલન ટકાવી રાખવા માટે બન્ને જરૂરી છે. એ ન્યાયે અકર્મનું મહત્ત્વ પણ કર્મથી ઓછું કે ઉતરતું નથી. જેમ સ્ત્રી અને પુરૂષમાંથી કોણ ચડિયાતું એવો પ્રશ્ન અસ્થાને છે અને છતાં પુરૂષ પરંપરાથી (અયોગ્ય રીતે) ચડિયાતાપણું ભોગવે છે, એ જ રીતે કર્મી અને અકર્મીમાંથી કોઇ ચડિયાતું નથી. છતાં કર્મીઓ (અયોગ્ય રીતે) પોતાને ઉંચા ગણે છે.
સામાન્ય સંસારીઓને એવો સવાલ થઇ શકે કે ‘અકર્મ કરવું એટલે શું?’ અથવા ‘કર્મ કરી શકાય, પણ અકર્મ કેવી રીતે કરવું?’ નોકરિયાતો માટે તેનો જવાબ બહુ આસાન છેઃ જાતમાં સહેજ ઉંડા ઉતરતાં સમજાશે કે કંઇ કરવા કરતાં કંઇ ન કરવું એ વધારે અઘરૂં કામ છે. સાહેબો પગાર કરતાં દોઢું કામ લેવા માટે ટાંપીને બેઠા હોય, એ સ્થિતિમાં ધરાર કંઇ કામ ન કરવું, એ એક મહાકાર્ય છે. જેને આવડે એને આવડે. બાકીના પોતાની અણઆવડત અને જેને આવડતું હોય એની આવડત પર જીવ બાળે.
અકર્મનો મહિમા કેવળ સરકારી કર્મચારીઓ પૂરતો મર્યાદિત છે એમ ન માનવું. રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાકવિ પણ ઘણી વાર નિરાંતે બેઠા હોય અને કોઇ પૂછે કે શું કરો છો, ત્યારે કહેતા, ‘કંઇ કામ ન કરવાનું કામ કરૂં છું.’ એટલે શું રવીન્દ્રનાથને પણ ‘કામચોર’ કહી દેવાના? આ જ સમજવાની વાત છેઃ કંઇ કામ ન કરવું એ સૌથી મોટું કામ છે. અકર્મનો મહિમા ભારતની પરંપરામાં અનેક રીતે થયેલો છે. કર્મનાં બંધનોમાં રચ્યાપચ્યા રહેતા સંસારીઓ કરતાં કર્મના બંધનથી મુક્ત સન્યાસીઓનો મહિમા ઉંચો ગણાયો છે. સન્યાસીઓને કોઇ અકર્મી કે કામચોર (કમે સે કમ જાહેરમાં તો) નથી કહેતું. બલ્કે, કર્મ ન કરવું એ જ તેમની લાયકાત હોય એમ લાગે છે.
માણસ કર્મ કરે તો સત્કર્મ કે દુષ્કર્મ જેવા વિભાગનો સવાલ આવે, પણ જો એ કર્મ જ ન કરે તો? તેના સત્કર્મથી થતો સંભવિત ફાયદો કદાચ ન મળે, પણ તેના દુષ્કર્મથી થનારું નુકસાન ટળી જશે- અને વર્તમાન સમયમાં સત્કર્મ કરતાં દુષ્કર્મોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે, ‘નહીં ફાયદો, નહીં નુકસાન’ એવો સત્કર્મ કે દુષ્કર્મને બદલે અકર્મનો માર્ગ શ્રેયષ્કર છે એમ વિના સંકોચે કહી શકાય.
મહાભારતમાં દુર્યોધન કહે છે કે ‘ધર્મ શું છે એ હું જાણું છું પણ હું આચરી શકતો નથી અને અધર્મ શું છે તે હું જાણું છું પણ તેમાંથી નિવૃત્ત થઇ શકતો નથી.’ આ મૂંઝવણને અકર્મના સિદ્ધાંતના પ્રકાશમાં વિચારી જોવાથી સમજાશે કે દુર્યોધન કર્મ કરે ત્યારે ધર્મ-અધર્મનો સવાલ આવે છે. પરંતુ જો તે કંઇ કરે જ નહીં, તો કમ સે કમ અધર્મમાંથી નિવૃત્ત થયાનો સંતોષ તો લઇ શકે. અને નૈતિકતાના પેપરમાં દુર્યોધન જેવાના પચાસ ટકા ‘પાસિંગ માર્ક’ નહીં, પણ ‘ડિસ્ટિંક્શન’ જેવા લાગે.
શાસ્ત્રોમાં કર્મના બે પ્રકાર છેઃ સકામ કર્મ અને નિષ્કામ કર્મ. એ જ રીતે અકર્મના પણ બે પ્રકાર પાડી શકાયઃ સકામ - એટલે કે કામ કરતા હોવાનું લાગે છતાં કંઇ કામ ન થાય એ જાતનું અકર્મ અને નિષ્કામ એટલે કોઇ જાતના દેખાવ વગરનું, વિશુદ્ધ અકર્મ. ખાનગી ઓફિસમાં સકામ અકર્મનો મહિમા છે, જ્યારે સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ બિનધાસ્તપણે નિષ્કામ અકર્મ કરીને ભવસાગરમાં જલસાથી સ્વિમિંગ કરે છે.
વધારે સ્પષ્ટતાથી કહીએ તો, ખાનગી ઓફિસમાં ઘણા માણસો એવા હોય છે, જે ખરેખર શું કરે છે તેની કોઇને ખબર પડતી નથી. છતાં એ લોકો હંમેશાં વ્યસ્ત હોય છે. કામ નહીં કરવા માટે એ લોકો બહુ મહેનત કરે છે અને આખરે કામ નહીં કરવામાં સફળ થઇને જ જંપે છે. તેમને કામ સોંપતાં સૌ કોઇ ખચકાય છે. કારણ કે દરેકને એવું લાગે છે કે તે બહુ વ્યસ્ત છે. તેમની અકર્મણ્યતા એટલા ઉંચા દરજ્જાની હોય છે કે તેમના માટે ‘અકર્મઠ’ જેવો માનવાચક શબ્દ વાપરવાનું મન થાય.
એવા અકર્મઠ લોકોની સરખામણીમાં નિષ્કામ અકર્મીઓ માટે દુનિયા ‘દાંડ’ કે ‘નઘરોળ’ જેવાં વિશેષણો વાપરે છે. કારણ કે ફક્ત કામચોર કહેવાથી તેમના માટેની લાગણી વ્યક્ત કરવામાં ઉણપ લાગે છે. નિષ્કામ અકર્મીઓ ગીતામાં વર્ણવ્યા પ્રમાણેની સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ પહોંચેલા હોય છે. ખાસ કરીને, સરકારી નોકરીરૂપી સલામતી મળેલી હોય ત્યારે સ્થિતપ્રજ્ઞતાની ચરમસીમા આવે છે. એ સ્થિતિમાં વિનંતી તેમને ભીંજવી શકતી નથી, ઠપકો તેમને સૂકવી શકતો નથી કે મેમોની ધમકી તેમને બાળી શકતી નથી. એ અકર્મની મસ્તીમાં મસ્ત રહીને આજુબાજુની દુનિયા માટે ઇર્ષ્યાનું પાત્ર બને છે.
ફક્ત ભારતીય જ નહીં, વિદેશી પરંપરા પ્રમાણે પણ અકર્મ માટેની સૂગ વાજબી ઠેરવી શકાય નહીં. વિકલાંગને અંગ્રેજીમાં ‘ડિસએબલ’ નહીં, પણ ‘ડીફરન્ટલી એબલ’ કહેવામાં આવે છે. એ જ રીતે, અકર્મ કરનારને અંગ્રેજીમાં નવરા કે આળસુ નહીં, પણ ‘ડીફરન્ટલી ઓક્યુપાઇડ’ (વિશિષ્ટ રીતે વ્યસ્ત) તરીકે ઓળખી શકાય.

humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Posts (Atom)