Monday, March 15, 2010

વડોદરામાં ભારતભરની ભાષાઓનો ઐતિહાસિક મહાકુંભ

(L to R) : Narayan Desai, Mahashweta devi, Sudarshan Ayangar

(L to R) Tridip Suhrud, Ganesh Devy, Rajesh Sachdev (CIIL, Bangluru)

(L to R) Raghuveer Chaudhari, Shiv Vishvanathan, Kamalini Sengupta, D.P.Patnaik

ભાષાનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે. ભાષાને ગૌરવ આપવાથી માંડીને તેને સરળ બનાવવાના-ટકાવવાના-બચાવવાના-મજબૂત કરવાના પ્રયાસો વિશે વાત થઇ રહી છે, કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પોતપોતાની મતિ, મહત્ત્વાકાંક્ષા, મુન્સફી અને મુરાદ પ્રમાણે કેટલાક લોકો સક્રિય થઇ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાંથી ચર્ચા કરવાના આનંદ અને અંગત પ્રસિદ્ધિ સિવાય બીજું શું નીપજે છે, એ હજુ જોવાનું રહે છે.
ફક્ત ગુજરાતી જ નહીં, તમામ ભારતીય ભાષાઓ માટે વડોદરામાં આયોજિત ‘ભાષાસંગમ’ મહત્ત્વની ઘટના બની રહેશે. દેશભરમાંથી આશરે ૩૦૦ ભાષા-બોલી બોલનારા લોકો એકસાથે એક જ જગ્યાએ એકઠા થાય, એવું કદાચ પહેલી જ વાર વડોદરામાં ૮ માર્ચના રોજ બન્યું. તેજગઢ આદિવાસી અકાદમીના સ્થાપક અને અઘ્યાપક-કર્મશીલ પ્રો.ગણેશ દેવીના નિમંત્રણના જવાબમાં ‘કચ્છથી કોહીમા અને લદ્દાખથી આંદામાન સુધીના’ પ્રતિનિધીઓ આવ્યા. ઉપરાંત, ભાષા વિશે ઉંડાણપૂર્વક વાત કરનારા વિદ્વાનો અને મહાશ્વેતાદેવી, નારાયણભાઇ દેસાઇ જેવા મહાનુભાવો પણ ખરા. ભાષાઓ બોલનારા અને ભાષા વિશે વિચારનારા લોકોના આ અનોખા મેળાવડામાં સમૃદ્ધ વિચારભાથું પૂરૂં પાડે એવં મંથન થયું.
ભાષાઓ વિશેની ભારતની સરકારી અને સત્તાવાર સંસ્થા ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ (મૈસૂર)ના ડો.રાજેશ સચદેવે એક અવતરણ ટાંકીને કહ્યું ‘ટુ પ્લાન લેન્ગ્વેજ ઇઝ ટુ પ્લાન સોસાયટી’ (ભાષાનું ઘડતર એટલે સમાજનું ઘડતર). ૨૦૦૧ની વસતી ગણતરીનો હવાલો આપીને તેમણે કહ્યું કે દેશમાં ૧૨૨ ભાષા અને ૨૩૪ માતૃભાષા સરકારી ચોપડે નોંધાયેલી છે. પરંતુ સરકારી નીતિ એવી છે કે જે ભાષા બોલનારા લોકોની સંખ્યા ૧૦ હજારથી ઓછી હોય, તેમની નોંધણી કરવામાં આવતી નથી.
ભાષાના ભેદના આશ્ચર્યજનક આંકડા આપતાં એમણે કહ્યું કે ભારતમાં બોલાતી ભાષાઓમાં ઇન્ડો-આર્યન અને દ્રવિડી ભાષાઓની ટકાવારી માંડ ૨૦ ટકા છે, પણ એ બોલનારા લોકોનું પ્રમાણ ૯૮ ટકા છે, જ્યારે ૮૦ ટકા ભાષાઓ ઓસ્ટ્રો-એશિયાટિક અને તિબેટો-બર્મન પ્રકારની છે, પણ એ બોલનારાનું પ્રમાણ ૨ ટકા છે. ૧૯૯૧ની સરખામણીમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીનો અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે ગુજરાત સહિતનાં રાજ્યોમાં ભાષાઓ-બોલીઓની સંખ્યામાં વધારો થયો છે. ‘યુનેસ્કો’એ ભારતની ૧૯૬ બોલીઓ લુપ્ત થવાની અણીએ હોવાનું દર્શાવ્યું છે, પણ મણિપુરી અને ખાસી બોલીનાં ઉદાહરણનો ટાંકીને સચદેવે કહ્યું હતું કે યુનેસ્કોની યાદી સાચી નથી.
આંદામાનમાં રહીને ત્યાંના આદિવાસીઓની ભાષા પર સંશોધન કરનારાં પ્રો.અન્વીતા અબીએ કહ્યું કે ‘માણસ જન્મે છે, મોટો થાય છે, જુવાન થાય છે, વૃદ્ધ થાય છે ને મરે છે એ કુદરતી ક્રમ છે, પણ ભાષાઓ માટે મૃત્યુ કુદરતી નથી. ભાષા તો જન્મે, મોટી થાય, પરિપક્વ થાય, વઘુ પરિપક્વ થાય...મૃત્યુ તેની નિયતી નથી. ભાષા મરતી નથી. તેને મારવામાં આવે છે.’ સંસ્કૃત જેવી ભાષા હજુ પણ ટકી રહી છે, એ યાદ અપાવીને તેમણે કહ્યું ‘આદિવાસીઓની ભાષા કેટલી વિકસીત હોઇ શકે, તેનો ભાગ્યે જ કોઇને અંદાજ હશે. કેટલીક આદિવાસી ભાષાઓ આગળ સંસ્કૃત તો બચ્ચું લાગે. સંસ્કૃતનું બીજ આદિવાસી ભાષાઓમાં છે.
ભાષાઓનો દાટ વાળવા માટે સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા (એક સ્થાનિક સ્ટાન્ડર્ડ ભાષા- હિંદી અને અંગ્રેજી) ની પણ આકરી ટીકા થઇ. પ્રો. અન્વીતા આ ફોર્મ્યુલામાં ચોથી (પોતીકી) ભાષા ઉમેરાય એ માટે વર્ષોથી પ્રયત્નશીલ છે. પણ તેમને હજુ સફળતા મળી નથી.
સ્થાનિક લોકોમાં ‘થોટારપુચ’ તરીકે ઓળખાતી ગ્રેટ આંદામાનીઝ ભાષાઓ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં સ્થાન પામે છે, પણ તેમાંની ‘બો’ ભાષા બોલનાર આખરી વ્યક્તિ, ૮૫ વર્ષીય મહિલા બોઆનું આ વર્ષના ફેબુ્રઆરીમાં મૃત્યુ થયું. હવે એ ભાષા કેવળ અભ્યાસલેખો પૂરતી મર્યાદિત રહી ગઇ. બો સમુદાયના થોડા લોકો હજુ છે, પણ એ લોકો પોતાની ભાષા જાણતા નથી. આટલી જૂની પરંપરા તૂટવાનું મુખ્ય કારણ છે અંગ્રેજોએ કરેલા આદિવાસીઓને ‘સુધારવાના’ પ્રયાસ. આઝાદી પછી ભારત સરકારે પણ આદિવાસીઓની સંસ્કૃતિને જૈવિક વૈવિઘ્યના ભાગરૂપે જોવાને બદલે, તેમના વિસ્તારોમાં ‘વિકાસ’નું રોલર ચલાવ્યું. જંગલો કપાતાં ગયાં અને આદિવાસીઓ હડસેલાતા ગયા. ‘આંદામાન ગ્રાન્ટ ટ્રન્ક રોડ’ જેવાં બાંધકામ અને હવે મમતા બેનરજીએ આંદામાનમાં રેલવે લાઇન નાખવાની જાહેરાત કર્યા પછી, રહીસહી આદિવાસી જાતિઓ અને તેમની ભાષાના હાલ પણ જતે દિવસે ‘બો’ જેવા થાય એવી પૂરી શક્યતા છે.
ભાષા અને સંસ્કૃતિ અભિન્ન હોવાનો મુદ્દો વક્તવ્યોમાં વિવિધ સ્વરૂપે વ્યક્ત થતો રહ્યો. ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ના સ્થાપક-ડાયરેક્ટર ડો.ડી.પી.પટનાયકે કહ્યું કે આદિવાસીઓ બાકીના લોકો કરતાં પહેલાં અંગ્રેજોની સામે લડ્યા હતા. પણ આપણા ઇતિહાસમાં ૧૮૫૭ના સંગ્રામને જ પહેલો ગણવામાં આવે છે. આદિવાસીઓને આપણે બધી બાબતોમાં અવગણ્યા છે, એટલે તેમની ભાષાની પણ આ દશા છે. હિમાચલ પ્રદેશથી આવેલા અભ્યાસી ડો.શેખર પાઠકે વધારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે ‘ભાષા અલગથી બચતી નથી. આજુબાજુનું જીવન નહીં બચે, જમીન-જંગલ-પાણી નહીં બચે તો ભાષા પણ નહીં બચે.
દિલ્હીના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ના ભૂતપૂર્વ ડાયરેક્ટર પ્રો. ધીરૂભાઇ શેઠે કહ્યું કે ‘એક વાત બહુ સાદી, છતાં બહુ મહત્ત્વની છે. ભાષા લોકો માટે છે. તેને આપણે એક અલગ-પોતીકું-સ્વતંત્ર સ્વરૂપ આપી દઇએ છીએ (એ બરાબર નથી.) જે લોકોનું થાય છે, એ જ ભાષાનું થાય છે.’ ભાષા લુપ્ત થાય જ છે અને એનાં ઘણાં કારણ હોય છે. એમ કહીને તેમણે સિંઘુ સંસ્કૃતિનું ઉદાહરણ આપ્યું હતું. ‘જેમને આપણે હાંસિયામાં કે હાંસિયાની પણ બહાર રાખ્યાં છે, તેમની ભાષા મરે છે. કેટલીક ભાષાઓ બોલનારની પસંદગીથી મરે છે. કારણ કે બોલનારને લાગે છે કે પોતાની ભાષા પૂરતી નથી.’ ક્યારેક સત્તા માટે પણ પોતાની ભાષા છોડવી પડે છે, તેનું ઉદાહરણ આપતાં ધીરૂભાઇએ પાકિસ્તાનના પંજાબીઓની વાત કરી હતી. પાકિસ્તાનના રાજકારણમાં હિસ્સો મેળવવાનું પંજાબીભાષી તરીકે શક્ય ન હતું. એટલે તેમણે ઉર્દુ અપનાવી અને ભાષાના ભોગે રાજકારણમાં વર્ચસ્વ મેળવ્યું.
આ જ વાત રાજકારણને બદલે આર્થિક વર્ચસ્વના સંદર્ભમાં સિંધી ભાષાને લાગુ પડતી હોવાનું પ્રો. રીટા કોઠારીએ કહ્યું. સાથોસાથ તેમણે કહ્યું કે ‘ભાષાને ટકાવી રાખવા માટે સરકારનો ટેકો પૂરતો નથી. કોઇ ભાષા બોલવામાં શરમ આવે ત્યારે એ ભાષાને સરકાર (માન્ય ભાષાના) પરિશિષ્ટમાં મૂકે કે ન મૂકે, એ ભાષામાં ઇનામો આપે કે ન આપે, કોઇ ફરક પડતો નથી...બજાર અને સરકાર તો પછી આવે છે. પહેલાં જીવન આવે છે અને એ સ્તરે ભાષા સાથેનો સંબંધ તો રાખી જ શકાય છે.’
ભારતમાં ભાષાઓની ચોક્કસ ગણતરી નથી, એ અંગે નુક્તચીની કરતાં ભાષાશાસ્ત્રી પ્રો. ખુબચંદાનીએ કહ્યું હતું કે ‘જેની સંખ્યા ગણી પણ શકતા નથી, એને બચાવશો કેવી રીતે?’ ભાષા અને બોલી વચ્ચેનો તફાવત ભાષાશાસ્ત્રીય નહીં, કેવળ દરજ્જાનો છે એવું પણ તેમણે કહ્યું. માણસની બહુભાષિતા પર ભાર મૂકીને તેમણે કહ્યું કે બહુમતિવાદ વૈવિઘ્ય છીનવી લે છે. એ સૌથી મોટો દુશ્મન છે. વિવિધ ભાષાઓનો ખપ પૂરતો ઉપયોગ કરીને, તેમની વચ્ચે સંતુલન સાધવા પર તેમણે વઘુ ભાર મૂક્યો.
ભારતમાં કેટલી ભાષાઓ અને બોલીઓ છે, તેની છેલ્લી ગણતરી એક સદી પહેલાં અંગ્રેજી રાજના અધિકારી ગ્રીઅર્સને કરી હતી. આઝાદી પછીની વસતી ગણતરી દરમિયાન રાજ્યવાર ૧૦ હજારથી વઘુ લોકો બોલતા હોય એવી ભાષાઓની અને સત્તાવાર ભાષાઓની ગણતરી થાય છે, પણ ભારતના ભાષાવૈવિઘ્યનો સાચો ખ્યાલ આપે એવો અભ્યાસ (લિંગ્વિસ્ટિક સર્વે) આઝાદ ભારતમાં થયો નથી. ભાષા અને પ્રાંતવાદના રાજકારણને લીધે, સરકારને ભાષા સળગતો મુદ્દો લાગે છે. એટલે એક વાર લિંગ્વિસ્ટિક સર્વેનું નક્કી કર્યા પછી છેવટ ઘડીએ કેન્દ્ર સરકારે એ વિચાર પડતો મૂક્યો હતો. ભાષાઓની સાચી સ્થિતિ જાણવા માટે આ જાતના સર્વેક્ષણની જરૂરિયાત અંગે પણ વાત કરવામાં આવી.
વડોદરામાં હાજર રહેલા જુદી જુદી ભાષા બોલનારા લોકોનું રોપા વડે સ્વાગત કરવામાં આવ્યું. પ્રો. ગણેશ દેવીએ જાહેર કર્યું કે આ રોપા તેજગઢ આદિવાસી અકાદમીમાં રોપવામાં આવશે અને તેને ‘ભાષાવન’ તરીકે ઉછેરવામાં આવશે. દરેક વૃક્ષ એક ભાષા બોલશે- આલંકારિક રીતે નહીં, પણ ખરેખર! ટેકનોલોજીની મદદથી એવી ગોઠવણ કરવામાં આવશે કે દરેક વૃક્ષ પાસે જતાં, તે કોઇ એક ભારતીય ભાષામાં બોલે કે ગીત ગાય.
ભારતના વૈવિઘ્યપૂર્ણ વારસા જેવી અનેક ભાષાઓને તેજગઢના ભાષાવનનાં વૃક્ષો ઉપરાંત જીવંત બોલનારા પણ મળી રહે અને તે આબાદ રહે એવી હાર્દિક ઇચ્છા રાખવાનું પૂરતું નથી. બીજી ભાષાઓ અને તેના ફાયદા છોડ્યા વિના, પોતાની ભાષા દિલથી બોલવાનું અને તેની શરમ નહીં અનુભવવાનું આપણા-સામાન્ય નાગરિકોના- હાથમાં છે.

2 comments:

  1. સરસ રિપોર્ટ માટે અભિનંદન અને આભાર!
    અશોક ભાર્ગવ

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ, ૨૦૨૧ માં આ રિપોર્ટ વાંચી રહ્યો છું. આભાર રિપોર્ટ માટે. કોઈપણ ભાષા (ખાસ કરીને આદિવાસી ભાષા કે બોલી) લુપ્ત થવા પાછળ સમાજની વ્યક્તિગત કક્ષાએ નાકામી અથવા ઉપર દેખાવા તરફી અન્ય ભાષાની પસંદગી જવાબદાર છે જ સાથે અન્ય ભાષા તેમજ કલ્ચરની 'ચડાઈ' વધુ જવાબદાર છે, અને આમ થવાની જે પ્રક્રિયા છે તે સમજવી ખૂબ આવશ્યક છે. સાચું કે આ પ્રક્રિયાથી કોઈ સમાજ/સમુદાય અળગો નથી.એક પછી એક અન્ય ધર્મ/સમુદાય/સંસ્કૃતિનો પ્રભાવ સમયાંતરે થતા રહ્યા છે. આજે આદિવાસી સમુદાયો પોતાની ઓળખ, સંસ્કૃતિ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભાષા/બોલી આ ઓળખનું મૂળ છે - ખાસ કરીને જ્યારે અન્ય સંસ્કૃતિ-ધર્મ-વર્ગે આદિવાસીઓ પર આખરી તરાપ મારવાની કગાર પર છે અને ઈતિહાસ સહિત સંસ્કૃતિના મૂળ કથિત રીતે ફરી લખવાના પ્રયાસ થઇ રહ્યા છે. આદિવાસીઓની સમસ્યાઓ અગણિત છે પરંતુ આ ઓળખનો પ્રશ્ન સૌથી મહત્વનો જણાય છે.

    ReplyDelete