Thursday, March 25, 2010

મીઠાના સંગ્રામઃ ગાંધીજી પહેલાં

અંગ્રેજી રાજના બંગાળમાં મીઠાની દાણચોરી થતી હતી

દાંડીકૂચને ૧૨ માર્ચ,૧૯૩૦ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં. રાબેતા મુજબ કોંગ્રેસે તેની ‘પ્રતીક ઉજવણી’કરી. અત્યારના પ્રજાકીય આંદોલનને અવગણીને, સિત્તેર વર્ષ પહેલાંના પ્રજાકીય આંદોલનની તિથી ઉજવવાનો દંભ પણ કરી નાખ્યો.

આકરા અને અન્યાયી મીઠાવેરાનો મુદ્દો ઉપાડવાનો જશ સામાન્ય રીતે ગાંધીજીને આપવામાં આવે છે. તેને એ સ્વરૂપે પણ રજૂ કરવામાં આવે છે કે ‘મીઠા જેવા મામૂલી છતાં સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દાને પોતાની કોઠાસૂઝથી ગાંધીજી મુખ્ય મંચ પર લઇ આવ્યા.’ આ છાપ અંશતઃ સાચી છે. તેમાં સુધારો એ બાબતે કરવો પડે કે મીઠાનો મુદ્દો કદી સાધારણ કે મામૂલી ન હતો. હા, બાકીના નેતાઓનું એ મુદ્દા વિશેનું, અંગ્રેજી રાજ વિશેનું અને દેશના કેટલાક ભાગોના ઇતિહાસ વિશેનું જ્ઞાન મર્યાદિત હતું. એટલે, ગાંધીજીને મીઠાવેરાની લડત ઉપાડવાનું સૂઝ્યું, ત્યાર પછી પણ એ મુદ્દાની મહત્તા વિશે શંકાકુશંકાઓ થતી રહી. છેવટે, અત્યારે યાદ છે તે ઇતિહાસમાં મીઠાનું રાજકારણ માત્ર દાંડીકૂચ સાથે સંકળાઇને રહી ગયું. (‘અત્યારે યાદ છે’ એ શબ્દો ઉપર પણ ફુદડી મારવી પડે. કારણ કે દેશભક્તિનાં ગીતો માટે જાણીતા, જૂની પેઢીના એક ગાયકે થોડા વર્ષ પહેલાં તેમના ગુજરાતી લેખકમિત્રને પૂછ્યું હતું,‘વોટ ઇઝ દાંડી?’ તેમને દાંડી વિશે કશી ખબર ન હતી.)

અંગ્રેજોએ ભારતમાં રાજ કરવાને બહાને સફેદ લૂંટ આદરી, ત્યારે મીઠું પણ તેમની નજરમાંથી બાકાત ન રહ્યું. ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો હોવાથી ગળીની ખેતીમાં થતું શોષણ અને તેનો કાળો ઇતિહાસ ઘ્યાન પર આવ્યાં, પણ મીઠાના મુદ્દે થયેલી દેશની બેહાલી અને બરબાદી એકંદરે અજાણ્યાં જ રહ્યાં.

વેપાર કરવા આવેલા અંગ્રેજોએ બંગાળ કબજે કર્યું ત્યારે પાડોશી રાજ્ય ઓરિસ્સામાં ઉચ્ચ ગુણવત્તાનું મીઠું પકવવામાં આવતું હતું. એ મીઠાના ઘણા ઉપયોગોમાંનો એક બારૂદ બનાવવામાં થતો. ભારત પર કબજો જમાવવા ફ્રેન્ચ સાથે યુદ્ધો ખેલતા અંગ્રેજોને બારૂદ માટે અઢળક મીઠાની જરૂર પડતી હતી. તેમાંનું ઘણું મીઠું ઓરિસ્સાથી આવતું. બ્રિટનના ચેશાયરમાં બનતું મીઠું ‘લીવરપુલ સોલ્ટ’ તરીકે જગપ્રસિદ્ધ હતું, પણ તેની પ્રસિદ્ધિ માટે મીઠાની ગુણવત્તા કરતાં અંગ્રેજી સામ્રાજ્ય વધારે જવાબદાર હતું. ગુણવત્તાની દૃષ્ટિએ ઓરિસ્સાનું મીઠું લીવરપુલ સોલ્ટ કરતાં બેશક ચડિયાતું હતું.

બ્રિટનમાં લીવરપુલ સોલ્ટનું ઉત્પાદન વધવા લાગ્યું, તેમ તેના માટે બજાર શોધવાની જરૂર ઉભી થઇ. બંગાળ પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોને ભારતમાં મીઠાનું મોટું અને કસદાર બજાર દેખાયું. પણ જ્યાં સુધી ઓરિસ્સાનું ચડિયાતું મીઠું સસ્તા ભાવે મળતું હોય, ત્યાં સુધી ઇમ્પોર્ટેડ લીવરપુલ સોલ્ટને કોણ હાથ લગાડે? વેપારી અંગ્રેજોએ (ઇ.સ. ૧૭૯૦માં) ઓરિસ્સાના મરાઠી સૂબા રાધુજી ભોસલે સમક્ષ ઓરિસ્સાનું સઘળું મીઠું ખરીદી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. તેની પાછળ રહેલી ખોરી દાનતની ગંધ રાધુજીને આવી જતાં, તેમણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. એ સાથે જ ભારતમાં મીઠાના સંઘર્ષનાં મંડાણ થયાં- દાંડીકૂચનાં આશરે ૧૪૦ વર્ષ પહેલાં.

મીઠાનો ઇતિહાસ લખનાર માર્ક કુર્લાન્સ્કીના પુસ્તકમાંથી મળતી વિગતો પ્રમાણે, અંગ્રેજોએ ઓરિસ્સાના મીઠા ઉદ્યોગને ફટકો મારવા માટે બંગાળમાં તેની પર પ્રતિબંધ ફટકારી દીધો. પરિણામ એ આવ્યું કે બન્ને રાજ્યો વચ્ચે ગાઢ જંગલના સ્વરૂપે પથરાયેલી સરહદની આરપાર મીઠાની દાણચોરી શરૂ થઇ. બંગાળમાં ઠલવાતા દાણચોરીના મીઠા સામે લીવરપુલ સોલ્ટનો ગજ વાગતો ન હતો. એટલે અંગ્રેજોએ દાણચોરી ડામવાના અને ગેરકાયદે વ્યાપાર અટકાવવાના ઓઠા હેઠળ (ઇ.સ. ૧૮૦૩માં) ઓરિસ્સા આંચકી લીઘું અને તેને બંગાળમાં ભેળવી દીઘું. બીજા જ વર્ષે ફરમાન જારી કરવામાં આવ્યું કે ‘હવેથી મીઠા પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો રહેશે. કોઇ પણ વ્યક્તિ ખાનગી રાહે મીઠું વેચી શકશે નહીં. જેમની પાસે મીઠાનો જથ્થો પડ્યો હોય તેમણે તત્કાળ અને સરકારી ભાવે જમા કરાવી દેવો.’ મીઠાની હેરફેરને ગેરકાયદે ઠરાવવામાં આવી. મીઠાના ગુપચુપ વેપાર પર નજર રાખવા માટે ખબરીઓ નીમવામાં આવ્યા.

અંગ્રેજોએ જમીનદારોને પણ સારા કહેવડાવ્યા. જમીનદારો ઉંચા દામે મીઠું પકવનારાને અગરની જમીન ભાડે આપતા હતા અને મલંગી તરીકે ઓળખાતા ઓરિસ્સના અગરીયા તેમાં મીઠું પકવીને પોતાની રીતે વેચતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મલંગીઓને મીઠાના ઉત્પાદન માટે આગોતરી લોન આપવાનું ચાલુ કર્યું અને એ રીતે તેમને દેવાના ખાડામાં એટલા ઊંડા ઉતારી દીધા કે છેવટે અગરીયાને દેવું ચૂકવવા આખી જિંદગી મીઠું જ પકવવું પડે અને અંગ્રેજોની- તેમના સોલ્ડ ડીપાર્ટમેન્ટની ગુલામી કરવી પડે. જમીનદારો અને મલંગીઓમાં ભડકતા અસંતોષે ૧૮૧૭માં વિદ્રોહનું રૂપ લીઘું,પણ તેમાં અંગ્રેજોની સંગઠીત તાકાત સામે તેમને સફળતા મળી નહીં.

મીઠાના ઉત્પાદનમાં એકાધિકાર મળી ગયા પછી નફાખોર ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આકરો વેરો વસૂલવાનું શરૂ કર્યું. આખા બંગાળમાં ઠેકઠેકાણે વેરો વસૂલવાનાં અને બહારથી થતી સસ્તા ભાવના મીઠાની સંભવિત દાણચોરી અટકાવવા થાણાં સ્થાપ્યાં. તેમાંથી સ્મિથ નામનો કસ્ટમ કમિશનર એવો ઉત્સાહી નીકળ્યો કે છૂટાંછવાયાં નાકાંથી તેને સંતોષ ન થયો. મીઠાના વેરાની પાછળ તે આદુ ખાઇને પડી ગયો. કસ્ટમ્સ વિભાગમાં ઓછો પગાર અને વઘુ સત્તા (= મોકળો ભ્રષ્ટાચાર) ધરાવતા માણસો નીમ્યા. એ લોકો મીઠાની દાણચોરી અટકાવવા માટે ગમે તેનો સામાન જપ્ત કરી શકતા હતા ને ધરપકડ કરવાની પણ સત્તા તેમની પાસે હતી.

મીઠાની દાણચોરી અટકાવવાનું ભૂત ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એવું વળગેલું કે ૧૮૪૦ના દાયકામાં દાણચોરોને અટકાવવા અને મીઠાવેરો વસૂલવામાટે કાંટાળી વાડ બાંધવાનો તુક્કો અમલમાં મૂકવામાં આવ્યો. એ તુક્કો અંગ્રેજી શાસનની આડેધડ શોષણખોરીના ઉત્તમ નમૂનાઓમાં સ્થાન પામ્યો. કંપનીના કસ્ટમ ખાતાએ ૧૪ ફૂટ ઊંચી અને ૧૨ ફૂટ જાડી કાંટાળી વાડ ઉભી કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. શરૂઆતમાં બંગાળની પશ્ચિમ સરહદે આ વાડ ઉભી કરવામાં આવી. ૧૮૫૭ના સંગ્રામ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ સરકારે ભારતનો વહીવટ હાથમાં લીધો, ત્યારે કાંટાળી વાડને નષ્ટ કરવાને બદલે તેનો વિસ્તાર વધારવામાં આવ્યો. હિમાલયથી ઓરિસ્સા સુધી પથરાયેલી કાંટાળી વાડની લંબાઇ ચારેક હજાર કિ.મી. સુધી પહોંચી. વાડમાં કાંટાં ઉપરાંત બીજાં ઝાડીઝાંખરાં પણ ઉગાડવામાં આવતાં હતાં. તેને કારણે વચ્ચે વચ્ચે મૂકેલા અને કડક ચોકીપહેરો ધરાવતા દરવાજા સિવાય વાડને ભેદવાનું અશક્ય બન્યું. (આઝાદી પછી ભારતની આંતરરાષ્ટ્રિય સરહદની આટલી કાળજી રાખવામાં આવી હોત તો કદાચ ચીનને ભારતનું નાક કાપવાની તક ન મળી હોત.)

મીઠાની દાણચોરી અને કરચોરી અટકાવવા માટે બનાવેલી આ વાડને અંગ્રેજો કેટલી ગંભીરતાથી લેતા હતા, તે દર્શાવતી એક જ હકીકત: ૧૮૭૦ સુધીમાં આ વાડના વ્યવસ્થા તંત્રમાં આશરે ૧૨ હજાર માણસનો સ્ટાફ તહેનાત હતો.

No comments:

Post a Comment