Tuesday, March 23, 2010

ડો. લોહિયાની જન્મશતાબ્દિ (૨૩ માર્ચ, ૧૯૧૦-૨૦૧૦) : પગ જમીન પર, મસ્તક આકાશમાં

બહોળો અનુયાયી વર્ગ અને પાઠ્યપુસ્તકોમાં નામ હોય એવા નેતાઓના ભારતમાં બે પ્રકાર છે: ૧) આઝાદી પહેલાંની રાષ્ટ્રિય કોંગ્રેસ સાથે સંકળાયેલા અને ૨) ક્રાંતિકારીઓ. પહેલા વર્ગમાં નેહરૂ-સરદાર અને તેમના સાથીદારો આવે. બીજા વર્ગમાં આજે જેમની શહીદીની તિથી છે, તે ભગતસિંહ અને તેમના સાથીઓ આવે. સુભાષચંદ્ર બોઝ આ બન્ને વર્ગની વચ્ચેના, છતાં પૂરતા જાણીતા ખરા.

પાઠ્યપુસ્તકીયો ઇતિહાસ આટલેથી સમાપ્ત થઇ જાય. એટલે જ, ડો.રામમનોહર લોહિયા જેવું ચરિત્ર વઘુ ને વઘુ અપરિચિત બનતું જાય છે. ‘સમાજવાદી’ લેબલ સાથે બહુ તો મુલાયમસિંઘ- અને હમણાં સુધી અમરસિંઘ- જેવાં નામ ઉભરે. થોડા આગળ વધતાં, કટોકટી અને જનતા પક્ષના સંદર્ભે જયપ્રકાશ નારાયણનું નામ જાણીતું લાગે. પણ સમાજવાદી વિચારધારાના આધારસ્તંભ જેવા તેજતર્રાર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રામમનોહર લોહિયા? રળ્યાખળ્યા સમાજવાદીઓને કે અભ્યાસીઓને બાદ કરતાં તેમને દિલથી યાદ કરનાર કોઇ નથી.


ભૂલાયેલું છતાં ન ભૂલવા જેવું વ્યક્તિત્વ

લોહીયાને યાદ કરવા પડે એનાં ઘણાં કારણ છે. ૫૭ વર્ષમાં (૨૩ માર્ચ, ૧૯૧૦- ૧૨ ઓક્ટોબર, ૧૯૬૭) તેમણે જાણે ૧૦૦ વર્ષનું જીવન જીવી નાખ્યું. ઉચ્ચ શિક્ષણ માટે તે લંડન ગયા હતા, પણ અંગ્રેજોના દેશમાં થતો અસમાન વ્યવહાર માફક ન આવતાં, તે જર્મની ઉપડ્યા અને ત્યાં અર્થશાસ્ત્ર સાથે પીએચ.ડી. કર્યું. જર્મન ભાષામાં તેમણે લખેલી થીસીસ ભારતના મીઠાવેરા પર હતી! (જર્મન ભાષાના જ્ઞાનને લીધે ઘણી વાર તે સામ્યવાદીઓને ગમ્મતમાં ટોણો મારતા કે ‘તમે બધા રહેવા દો! તમે માર્ક્સનાં લખાણોનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો હશે, જ્યારે મેં તો અસલી માર્ક્સને જર્મન ભાષામાં વાંચ્યો છે.’)

લોહિયા જર્મનીમાં હતા ત્યારે ૧૯૩૧માં તેમના જન્મદિને ભગતસિંહને ફાંસી આપવામાં આવી. ત્યારથી લોહિયાએ જન્મદિન મનાવવાનું બંધ કર્યું. જીનીવામાં ‘લીગ ઓફ નેશન્સ’ (સંયુક્ત રાષ્ટ્રસંઘ બન્યો ત્યાર પહેલાંની સંસ્થા)ની બેઠક ભરાઇ હતી. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે બિકાનેરના મહારાજા આવ્યા હતા. તેમણે અંગ્રેજી રાજનાં ગુણગાન ગાવાનાં શરૂ કર્યાં, ત્યારે પ્રેક્ષકગૃહમાં બેઠેલા લોહિયાએ જોરથી સિસોટી મારીને ભાષણના રંગમાં ભંગ પાડ્યો. એટલું જ નહીં, બીજા દિવસે તે ભારતની સાચી સ્થિતિની માહિતી આપતી પત્રિકાઓ વહેંચવા સભાગૃહની બહાર ઉભા રહ્યા.
જર્મનીમાં તે ભારતીયોના એક સંગઠન સાથે સંકળાયેલા હતા, ત્યારે તેમણે હિટલરને ભાષણ કરવા બોલાવ્યો હતો. એ વખતે હિટલર જર્મનીનો શાસક બન્યો ન હતો, પણ લોહિયા ભારત પાછા ફર્યા ત્યાં સુધીમાં હિટલરનું રાજ શરૂ થઇ ગયું હતું. તેના ભાગરૂપે ડો.લોહિયાનાં ઘણાં પુસ્તકો જર્મન પોલીસે જપ્ત કરી લીધાં હતાં.
લોહિયાની નિસ્પૃહતા એવી કે જર્મનીથી મુંબઇ ઉતર્યા, ત્યારે કલકત્તા સુધીની મુસાફરીનું ભાડું પણ ખિસ્સામાં ન હતું. તે ‘ધ હિંદુ’ અખબારની કચેરીમાં ગયા, પોતાની પરિસ્થિતિ જાહેર કરી અને તત્કાળ એક લેખ લખીને તેના પુરસ્કાર પેટે રૂપિયા ૨૫ (કે રૂ.૪૦) મેળવ્યા, જેથી પ્રવાસ આગળ ચાલી શકે. આવી વિરક્તીને લીધે બજાજ અને બિરલા જેવા ઉદ્યોગપતિઓની દરખાસ્તો સ્વીકારવાને બદલે, તે પૂર્ણ સમય જાહેરજીવનમાં આવી ગયા. એક તરફ ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ હતું ને બીજી તરફ સમાજવાદ માટેની તાલાવેલી. આખરે, કોંગ્રેસમાં સમાજવાદી પક્ષની સ્થાપના ૧૯૩૪માં થઇ ત્યારે લોહિયા તેના સ્થાપક સભ્યોમાંના એક હતા.

નિષ્ફળ રાજકારણી, સફળ નેતા

લોહિયાની રાજકારણની યાત્રા બહુ ઉબડખાબડ અને અસાધારણ રહી. દેશ ગુલામ હતો ત્યારે તેમણે બીજા કોંગ્રેસી ને સમાજવાદી નેતાઓની જેમ જેલવાસ તો વેઠ્યો, પણ ભાગ્યે જ કોઇ રાજકીય નેતાએ સહન કર્યો હોય એટલો પોલીસનો અત્યાચાર પણ તેમણે સહ્યો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં મોટા ભાગના ટોચના નેતાઓની ધરપકડ પછી પણ સમાજવાદી નેતાઓએ ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. લાંબો સમય પોલીસને હાથતાળી આપ્યા પછી, આખરે ૧૯૪૪માં ડો.લોહિયા પકડાયા ત્યારે તેમને લાહોરની કુખ્યાત જેલમાં લઇ જવામાં આવ્યા.

આઝાદી હાથવેંતમાં દેખાતી હતી, ત્યારે લાહોર જેલમાં ડો.લોહિયા અને જયપ્રકાશ નારાયણ પર થર્ડ ડિગ્રીના કહેવાય એવા શારીરિક અત્યાચાર કરવામાં આવ્યા. દિવસો સુધી તેમને ઊંઘવા દેવામાં ન આવે, સહેજ ઝોકું આવે તો બાજુમાં બેઠેલો અફસર હાથકડી જોરથી ખેંચીને જગાડી મૂકે, પોલીસ તેમને ફરસ પર ઢસડે ને માર મારે. લોહીલુહાણ થવાની તો નવાઇ જ નહીં. શારીરિક પીડા ઓછી હોય તેમ લોહિયાની હાજરીમાં દેશનેતાઓને ગંદી ગાળો દેવામાં આવે...ભગતસિંહ માટે જે અંગ્રેજ અફસર રાખવામાં આવ્યો હતો, એ જ લાહોરની જેલમાં લોહિયા માટે હતો. એ લોહિયાને ઉશ્કેરવા જૂઠાણું કહે કે ‘ભગતસિંહે છેલ્લી ઘડીએ બઘું કબૂલી લીઘું હતું. તમે પણ કબૂલી લો.’ આવી અમાનુષી પીડા લોહિયા સહન કરી ગયા. પણ તેમનો જુસ્સો જરાય ઓસર્યો નહીં.

પોર્ટુગિઝ શાસિત ગોવામાં ૧૯૪૬માં થયેલો સત્યાગ્રહ આઝાદી પહેલાંનો કદાચ છેલ્લો સત્યાગ્રહ હશે, જેના પ્રેરક ડો.લોહિયા હતા. ગોવામાં પોર્ટુગીઝ સરકારનો સકંજો અંગ્રેજો કરતાં પણ વધારે લોખંડી હતો. પ્રજાને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. જ્યાં કંકોત્રી છપાવવા માટે સરકારની પરવાનગી લેવી પડતી, એવા ગોવામાં લોહિયાએ સરકારની અવગણના કરીને વિશાળ જાહેર સભા કરી. તેમની ધરપકડ થઇ. નવાઇની વાત એ કે સમાજવાદી ઝુકાવ ધરાવતા નેહરૂ, સમાજવાદ વિરોધીની છાપ ધરાવતા સરદાર પટેલ અને ટોચના સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ- આ સૌએ લોહિયાના ગોવા સત્યાગ્રહને અયોગ્ય ગણાવ્યો. ગોવાની સરકારનો એવો દાવો હતો કે લોહિયાએ ગોવાના આંતરિક મામલામાં દખલ કરી છે. ગાંધીજીએ આ દાવો ઠુકરાવીને લોહિયાના સત્યાગ્રહને વાજબી ઠરાવ્યો. ફરી વાર લોહિયા ગોવામાં ગયા ત્યારે સરકારે તેમની ધરપકડ કરી અને જેલની સડેલી કોટડીમાં પૂર્યા. એ વખતે પણ બીજા કોઇ કોંગ્રેસી નેતાએ તેમની પરવા ન કરી. ગાંધીજીએ અંગ્રેજ વાઇસરોય લોર્ડ વેવેલને અપીલ કરી અને ગોવા સરકાર પર પોતાનો પ્રભાવ વાપરવા જણાવ્યું. ત્યાર પછી ડો.લોહિયાને જેલમાંથી છોડવામાં આવ્યા.

એક વર્ષમાં ભાગલા આવી પડ્યા ત્યારે એકલા પડેલા ગાંધીજીની સાથે ડો.લોહિયા પણ હતા. તેમણે ૧૯૬૦માં ‘ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ શીર્ષક હેઠળ લખેલી પુસ્તિકામાં કોંગ્રેસી નેતાગીરીની ભરપૂર ઝાટકણી કાઢી. લોહિયા કદી કોઇની શેહમાં આવતા ન હતા. બીજા ઘણા નેતાઓને આઝાદી પછીની સત્તા નજર સામે દેખાતી હતી, ત્યારે ડો.લોહિયા સ્પષ્ટ શબ્દોમાં કહી શકતા હતા કે ‘કોંગ્રેસના અઘ્યક્ષે દેશના વડાપ્રધાન બનવું જોઇએ નહીં.’ નેહરૂ ખિજાય તેની લોહિયાને પરવા ન હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી બનવાની દરખાસ્તનો લોહિયાએ અસ્વીકાર કર્યો હતો. તેમને સફળતાનું રાજકારણ અથવા રાજકીય સફળતા નહીં, પણ પ્રજાલક્ષી રાજકારણ ખપતું હતું. એટલે જ તે કોંગ્રેસની લોકપ્રિયતાનાં સામા પૂરે ચૂંટણીઓ લડ્યા. સમાજવાદી પક્ષ અને પછીથી પ્રજા સમાજવાદી પક્ષના અગ્રણી હોવા છતાં, કદી લોકો પ્રત્યેની નિષ્ઠા કરતાં પક્ષની શિસ્તને તેમણે વધારે મહત્ત્વ આપ્યું નહીં. એટલે જ પ્રજા સમાજવાદી પક્ષની સરકારે ત્રાવણકોર અને કોચિમાં લોકો પર ગોળીબાર કર્યા ત્યારે ડો.લોહિયા ચૂપ ન બેઠા. પ્રજા પર ગોળીબાર કરવા બદલ (પોતાના જ પક્ષની સરકારના) મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઇએ, એવી તેમણે માગ કરી. સમજાવટ પછી પણ તેમણે પોતાનું વલણ બદલ્યું નહીં, ત્યારે પ્રજા સમાજવાદી પક્ષે ડો.લોહિયાને જનરલ સેક્રેટરી તરીકે જ નહીં, સામાન્ય સભ્ય તરીકે પણ પક્ષમાં ન રાખ્યા.

રામથી આઇન્સ્ટાઇન સુધીનો વીરલ વ્યાપ

જવાહરલાલ નેહરૂ સાથે ડો. લોહિયાની પહેલી મુલાકાત થઇ ત્યારે લોહિયા ૧૧ વર્ષના હતા. લોહિયાના પિતા હીરાલાલ કોંગ્રેસના કાર્યકર હોવાથી, તેમના અકબરપુર (ઉત્તર પ્રદેશ)ના ઘરે નેહરૂ આવ્યા હતા. લોહિયાના ચરિત્રકાર રાજેન્દ્રમોહન ભટનાગરે લખ્યું છે,‘ઘરે આવેલા નેહરૂને લોહિયાએ અરીસો અને કાંસકો લાવી આપ્યાં હતાં. એ તેમની પહેલી મુલાકાત!’ ત્યાર પછી દાયકાઓ સુધી- ખાસ કરીને નેહરૂ આઝાદ ભારતના વડા પ્રધાન બન્યા ત્યાર પછી- લોહિયાએ નેહરૂને આયનો બતાવવાનું ચાલુ રાખ્યું. જવાહરલાલ નેહરૂનો રોજનો ખર્ચ રૂ.૨૫ હજાર છે, એવો આરોપ સરેઆમ કરીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા. નેહરૂની ટીકા તે એટલા મોકળા મને કરતા કે ઘણા લોકો સગવડ ખાતર (ખોટી રીતે) લોહિયાને નેહરૂ-શત્રુ તરીકે ખતવી નાખે છે.

એક જાગ્રત, વિદ્વાન અને પ્રજાહિતનો ખ્યાલ કરનાર સાંસદ તરીકે લોહિયાને લોકસભાના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી પંગતમાં સ્થાન આપવું પડે. એ જ રીતે, પ્રજાકીય આંદોલનોમાં ભાગ લેવામાં પણ લોહિયાની જોડીના નેતાઓ આઝાદી પછી ભાગ્યે જ થયા. વર્ગભેદની વાતો કરતા સામ્યવાદીઓ સામે ભારતની જ્ઞાતિ આધારિત વાસ્તવિકતાની વાત કરતા લોહિયા હોય કે હિંદી અને સ્થાનિક ભાષાઓને ઉત્તેજન આપવા માટે અંગ્રેજી ભાષાનો વિરોધ કરતા લોહિયા, તેમનાં અનેક સ્વરૂપ છે. આજીવન અપરણિત લોહિયાના સ્ત્રીમિત્રો સાથેના સંબંધો પણ કદી છાનગપાતિયાંનો વિષય ન બને, એવા ગરીમાપૂર્ણ રહ્યા.

ચિત્રકૂટમાં રામાયણ-મેળાની આંતરરાષ્ટ્રિય સ્વરૂપમાં કલ્પના કરનાર ડો.લોહિયા કહેતા હતા કે ‘ધર્મ લાંબા ગાળાની રાજનીતિ છે અને રાજનીતિ ટૂંકા ગાળાનો ધર્મ. ધર્મનું કામ છે ભલાઇ કરે અને તેની પ્રશંસા કરે. રાજનીતિનું કામ છે બુરાઇ સામે લડે અને તેની ટીકા કરે.’ રામાયણ મેળાના આયોજન પાછળ બીજા હેતુઓ ઉપરાંત હિંદુસ્તાની ભાષાના પ્રચારનો પણ એક આશય હતો. તેમાં ધનુષધારી રામની પૂજાઅર્ચના કે વિધિવિધાનની વાત નહીં, પણ સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન થાય તથા વિવિધ રામાયણોની તુલના તથા તેના અભ્યાસ થાય, એવો તેમનો ખ્યાલ હતો. આ જ લોહિયા વિદેશપ્રવાસ દરમિયાન આઇન્સ્ટાઇન જેવા પ્રખર વૈજ્ઞાનિકને પોતાની વૈચારિક સ્પષ્ટતાથી પ્રભાવિત કરી શકતા હતા.

સફળતાના માપદંડથી જીવનની માપણી કરનારને ડો.લોહિયા કદાચ ‘નિષ્ફળ’ લાગે, પણ દુન્યવી નિષ્ફળતા તેમને સેંકડો લોકોના નાયક બનતાં અટકાવી શકી નહીં. ડો.લોહિયાનો ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે તેમની અને તેમનાં કાર્યો-લખાણોની સ્મૃતિ તાજી થાય, તો સમજાય કે રોલમોડેલ માટે બહુ ફાંફાં મારવાની જરૂર નથી. લોહિયા જેવાં વ્યક્તિત્વો ઘરઆંગણે મોજૂદ છે.

3 comments:

  1. Narendra4:53:00 PM

    "...samanya sabhya tarike pan paksh ma na rakhya" aam j bane karan,samaj ne-loko ne, siddhant ni vaato karta nahi parantu gamti vaat karta lokneta j pasand che!Lohia shu kaam? Gandhi,Sardar,Shubhababu...baddha j avaganvama ave che, naam levu game che, kaam temnu...toba karo.

    ReplyDelete
  2. Sir, I just knew the name of Lohiya. Thanks for this pen picture. Enjoyed reading this. Enriching for me.

    ReplyDelete
  3. Kalpesh Sathwara6:15:00 PM

    Veri nice Article, Really People know very few about Dr. Ramonohar Lohiya

    Thanks.

    ReplyDelete