Wednesday, September 30, 2009

300મી પોસ્ટઃ ઉપર ગગન વિશાલ

ગઇ કાલે મન્ના ડેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાના સમાચાર સંશોધક મિત્ર હરીશ રઘુવંશીએ આપ્યા, ત્યારે હરખ થયો હતો. પોસ્ટ લખવાનું નક્કી કર્યું, પણ સમય ન રહ્યો. સુખદ સંયોગ એવો છે કે આ પોસ્ટ બ્લોગયાત્રાનો 300મો મુકામ છે. મારા પહેલા - અને ભૂતકાળ ન બન્યો હોય એવા- જીવનરસ સમકક્ષ જૂનાં ગીતોના પ્રેમને 300મી પોસ્ટ સાથે સાંકળવાનું નિમિત્ત ઉભું થયું એનો આનંદ છે. એટલે જ, મન્ના ડેને અંજલિ આપવા માટે અને બ્લોગયાત્રાના આગળના મુકામોના સંદર્ભે મથાળું આપ્યું છેઃ 'ઉપર ગગન વિશાલ. '

બ્લોગ વિશે હવે કંઇ વધારાનું લખવાનું નથી. 100મી અને 200મી પોસ્ટમાં બધું લખી ચૂક્યો. બ્લોગની નિયમિત-અનિયમિત મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર પણ નહીં માનું. જેવી મને મઝા આવે છે, એવી તમને આવતી જ હશે. તમે પણ મારો આભાર ન માનતા. એટલે હિસાબ સરભર.

મન્ના ડે વિશે આજના અખબારોમાં ઘણું છપાઇ ચૂક્યું છે. પણ ટેકનોલોજીના જમાનામાં મન્ના ડેને અંજલિ આપવામાં શબ્દોની મર્યાદા શા માટે સ્વીકારવી એમ વિચારીને નક્કી કર્યું કે મન્ના ડેના કંઠના જુદા જુદા મિજાજ પ્રગટ કરતાં કેટલાંક ગીતો યુટ્યુબ પરથી શોધીને તેમની લિન્ક અહીં આપવી. પાંચ ગીત મૂકવાનો ઇરાદો હતો, પણ મન્ના ડે એવી પ્રચંડ પ્રતિભા છે કે બાર ગીતની લિન્ક મૂક્યા પછી પણ મને સંતોષ થતો નથી. 11 ગીતોની વિડીયો ઉપરાંત સ્નેહી વડીલ બનેલા ગુજરાતી સંગીતકાર અજિત મર્ચંટનું સંગીત ધરાવતા 'સપેરા'ના ગીતની ઓડિયો લિન્ક પણ મૂકી છે. આ અગિયાર ગીતો કોઇ રીતે સંપૂર્ણ પરિચયનો દાવો કરતાં નથી. પણ આજનાં અખબારોમાં આવેલી નોંધો કેટલી અધૂરી છે તેનો ઘણે અંશે ખ્યાલ આપશે.

સાથે એક દુર્લભ તસવીર પણ મન્ના ડેની આત્મકથામાંથી મૂકી છે. મન્ના ડે તેમના કાકા, મહાન ગાયક કૃષ્ણચંદ્ર (કે.સી.) ડે પાસેથી સંગીત શીખ્યા. કાકા-ભત્રીજા ગુરુ-શિષ્ય તરીકે બેઠા હોય એવી તસવીર, આજના દિવસે મન્ના ડેની સાથે સાથે અંધ ગાયક તરીકે વિખ્યાત કે.સી.ડે ને પણ હૃદયપૂર્વકની અંજલિ તરીકે.

1. Upar Gagan Vishal- Mashal- SD Burman- http://www.youtube.com/watch?v=n9XOBlsNfh8

2. Dharati kahe pukar ke - Do bigha zamin- Salil choudhury-http://www.youtube.com/watch?v=HLGwWKcnVnY

3. Ritu aaye ritu jaye sakhi ti (with Lata)- Hamdard - Anil Biswas- http://www.youtube.com/watch?v=zEppdGSTKIs

4. Lapak Zapak - Bootpolish- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=ja3XCe4e2gc

5. Chalat musafir- Teesari Kasam- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=iMkMbUxdpLI&feature=related

6. Mastibhara hai sama (with Lata)- Parvarish- Dattaram- http://www.youtube.com/watch?v=1XN0hjpgjfs

7. Tu pyar ka sagar hai- Seema- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=5QM8ohMGneY

8. Aye mere pyare watan- Kabuliwala- Salil Choudhury- http://www.youtube.com/watch?v=FHO2hsXCfQo

9. Tu chhupi hai kahan- Navrang- C. Ramchandra- http://www.youtube.com/watch?v=1lieuCEc_wI&feature=related

10. Zindagi kaisi ye paheli hay- Anand- Salil choudhury- http://www.youtube.com/watch?v=c__p-c1Hu3Y

11. Ae meri zoharjabeen - Waqt- Ravi-http://www.youtube.com/watch?v=Mf62EtCP0YY&feature=related

and LIVE- http://www.youtube.com/watch?v=fGo3XUirq4s

AUDIO

Roop tumhara ankhon se pee loon - Sapera- Ajit Merchant- http://www.youtube.com/watch?v=MqscOQSUft0

છેવટે, તાજા કલમ તરીકે હરીશભાઇએ મોકલેલી ફાળકે એવોર્ડ પુરસ્કૃત કલાકારોની યાદી પણ અહીં મૂકું છું. થેન્ક્સ હરીશભાઇ, રાબેતા મુજબની તમારી ચોક્સાઇ અને મદદરૂપ થવાની તત્પરતા માટે.

Tuesday, September 29, 2009

‘માય લાઇફ ઇઝ માય મેસેજ’ના વિમોચન નિમિત્તે આશિષ નાંદી અમદાવાદમાં

નારાયણભાઇ દેસાઇના ચાર ભાગના બૃહદ ગાંધીચરિત્ર ‘મારૂં જીવન એ જ મારી વાણી’ના ત્રિદીપ સુહૃદે કરેલા અંગ્રેજી અનુવાદ ‘માય લાઇફ ઇઝ માય મેસેજ’નું વિમોચન ગુરૂવારે, ૨ ઓક્ટોબરની સવારે સાબરમતી આશ્રમ, અમદાવાદમાં થશે. સવારે ૮:૩૦ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં અગાઉ નારાયણભાઇનું ગાંધીજયંતિ વિશેષ પ્રવચન છે, પણ પુસ્તકનો લગતો ભાગ ૯:૪૦ વાગ્યાથી શરૂ થશે. આશિષ નાંદી/Ashish Nandi હાજરી અને પ્રવચન આપવાના છે. ઉપરાંત નારાયણભાઇ અને ત્રિદીપભાઇ તો ખરા જ. ગુજરાતી-અંગ્રેજી ભાષામાં એકસરખા પ્રભુત્વથી કામ પાડી શકતા અને વિવિધ વિષયોમાં ઉંડો અભ્યાસ કરનારા ત્રિદીપભાઇને અભિનંદન.
આકર્ષક સાદગી ધરાવતાં ચારે ભાગનાં ટાઇટલ અહીં ત્રિદીપભાઇના સૌજન્યથી મૂક્યાં છે. આવું ડિઝાઇનિંગ ગુજરાતી પુસ્તકોમાં અપૂર્વ આશરના અપવાદને બાદ કરતાં ભાગ્યે જ જોવા મળે.

નારાયણભાઇ દેસાઇ, આશિષ નાંદી, ત્રિદીપ સુહૃદ, પ્રકાશક ઓરિએન્ટ બ્લેકસ્વાન તરફથી ડો.નંદિની રાવ અને રાજ્યપાલ પ્રવચનો કરશે. ગાંધીચરિત્ર ઉપરાંત નારાયણભાઇએ લખેલા મહાદેવભાઇના ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ની ત્રીજી આવૃત્તિ એ દિવસે પ્રસિદ્ધ થશે.

Monday, September 28, 2009

ફાધર વાલેસ માટેનો ઉમળકો તાજો કરી આપતો અવસર

L to R: Dr. Meeta Peer, Devendra Peer, Sudarshan Ayangar, Father valles, Narayan Desai, (last) Raghuveer Chaudhari

L to R: Sudarshan Ayangat, Dr. Meeta Peer, Father Valles, Narayan Desai


L To R : Dr. Meeta Peer, Devendra Peer, Sudarshan Ayangar, Father Valles, Narayan Desai, Raghuveer Chaudhari, Chimanlal Trivedi, Prof.Mahavir Vasavada


‘ગયા જન્મના ભારતીય’, ‘સાચા વૈષ્ણવ’, ‘માનદ્ (ઓનરરી) જૈન’, ‘એન-ઇન્ડિયન-એન્ડ- એ- હાફ’ જેવાં અનેક વિશેષણો જેમના માટે અનુક્રમે કિશનસિંહ ચાવડા, કરસનદાસ માણેક, પરમાનંદ કાપડીયા, ઉમાશંકર જોશી જેવા લોકો પ્રયોજી ચૂક્યા છે એ ફાધર વાલેસ/Father Vales નું શનિવારે 26 સપ્ટેમ્બરની સાંજે ગૂજરાત વિદ્યાપીઠમાં અભિવાદન થયું. 84 વર્ષના ફાધર વાલેસ તેમના અમેરિકન સ્નેહી પીર દંપતિ- દેવેન્દ્ર પીર અને ડો.મીના પીર- સાથે ઉપસ્થિત હતા. ફાધરના નવા અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’નું નારાયણભાઇ દેસાઇના હાથે વિમોચન પણ થયું.
ફાધરને અને નારાયણભાઇના અધ્યક્ષીય પ્રવચનને સરખામણીમાંથી બાકાત રાખીએ તો, આખા કાર્યક્રમમાં સૌથી સારું વક્તવ્ય ગણિતના અધ્યાપક મહાવીરભાઇ વસાવડાનું હતું. તેમણે ગુજરાતના શિક્ષણજગતની કેટલીક વાતો અને તેમાં ફાધરની સંકળામણ તથા સંકડામણ રસાળ ભાષામાં યાદ કર્યાં. મહાવીરભાઇએ કહ્યું કે 1961થી 1970નો દાયકો ગુજરાતમાં ગણિત માટે ગૌરવવંતો હતો. શાળાથી અનુસ્નાતક કક્ષા સુધી અભ્યાસક્રમ અને અભિગમમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા હતા. ડો.પી.સી. (પ્ર.ચૂ.) વૈદ્ય, એ.આર.રાવ અને ફાધર વાલેસે ગણિતની જવાબદારી સંભાળી હતી. નવા ગણિત સામે ભારે વિરોધ હતો. બધા કહેતા હતા કે ગણિતમાં વળી શું નવું હોય? એક ને એક બે જ થાય ને? વર્ષોથી ઘરેડમાં ભણાવતા શિક્ષકોને પણ નવા ગણિત સામે વાંધા હતા. એ વખતે 1973માં ફાધર વાલેસે ગણિતના સામયિક ‘સુગણિતમ્’ના એક અંકમાં શિક્ષકોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો.
એ પત્ર આખો વાંચવાની લાલચ ટાળીને મહાવીરભાઇએ કહ્યું કે ફાધરે ગણિત જેવા બુદ્ધિના વિષયમાં હૃદયની લાગણી સાંકળી લીધી હતી. કન્યા પરણીને આવે તે પહેલાં જ એના વિશે માથાભારેની છાપ ઉભી થઇ ગઇ હોય એટલે કન્યા સીધીસાદી હોય તો પણ, તેને સાસરીમાં તકલીફ પડે. આવું ઉદાહરણ આપીને ફાધરે કહ્યું હતું કે ‘નવું ગણિત બિલકુલ અઘરૂં નથી. એ નવોઢાના શરમ-સંકોચ લઇને આવે છે. તેને પનોતાં પગલાં પાડવા દઇએ.’ મહાવીરભાઇએ કહ્યું’ફાધરે અહિંસાપૂર્વક એક કાંકરે બે પક્ષી માર્યાં.’
ગણિતનાં પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી પરિભાષા નક્કી કરવાના મહાકાર્યમાં ફાધર વાલેસનું મહત્ત્વપૂર્ણ પ્રદાન યાદ કરીને તેમણે કહ્યું કે હવે ફાધરનાં લખેલાં ગણિતનાં પુસ્તકો ભલે નહીં ચાલતાં હોય, પણ ગણિતના ગમે તે પુસ્તકમાં જે પરિભાષા વપરાઇ હશે તે ફાધરની દેન છે. ગણિત જેવા વિષયમાં ભાષા સાથે ફાધર કેવી રીતે કામ પાડતા હતા તેનો એક દાખલો મહાવીરભાઇએ આપ્યો. ગણિતની પરિભાષામાં ‘વન ટુ વન’ અને ‘વન ટુ મેની’ એવા બે અંગ્રેજી શબ્દપ્રયોગ આવ્યા, ત્યારે ફાધરે ‘વન ટુ વન’ માટે ‘સતીસંબંધ’ અને ‘વન ટુ મેની’ માટે ‘દ્રૌપદીસંબંધ’ જેવા શબ્દો સૂચવ્યા હતા. ‘આ સૂચવતી વખતે ફાધર કેટલા ગંભીર હતા એ જાણતો નથી. પણ મિત્રોને લાગ્યું કે ગણિતમાં પહેલેથી ઘણાં મહાભારત છે. તેમાં આ મહાભારત ઉમેરવાની જરૂર નથી. એટલે એ સૂચન આગળ ન ચાલ્યું.’ ફાધરલિખિત ગણિતના ગ્રંથોને અને જ્ઞાનગંગોત્રી શ્રેણીના છઠ્ઠા પુસ્તક ‘ગણિતદર્શન’ને મહાવીરભાઇએ ઉત્કૃષ્ટ સાહિત્ય ગણાવ્યું.
પોતાનું લખેલું પોતાના જ લમણે આવે ત્યારે કેવો ખેલ થાય તેની ફાધરની વાત કરતાં પહેલાં મહાવીરભાઇએ ઉમાશંકર જોશીને યાદ કર્યા. ઉમાશંકર કુલપતિ હતા ત્યારે કર્મચારીઓની હડતાળ પડી. કર્મચારીઓનાં બે જૂથ હતાં. તેમાંથી એક જૂથ નારાબાજીમાં ઉમાશંકરની પંક્તિનો પૂર્વાર્ધ બોલે, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે’ એટલે બીજું જૂથ બરાડે, ‘ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. ફાધરનો અનુભવ પ્રમાણમાં ઘણો હળવો હતો. ‘ચાલશે’ ગુજરાતી ભાષાનો કેટલો ભયંકર શબ્દ છે, એવો એમનો એક પાઠ અભ્યાસક્રમમાં હતો. એ પાઠ ભણાવ્યા પછી પિરીયડના નીયત સમય કરતાં એકાદ મિનીટ મોડું થઇ ગયું, એટલે પિરીયડ પૂરો થયે લેવાની હાજરીનું રજિસ્ટર ખોલીને બંધ કરતાં ફાધરે કહ્યું, ‘ચાલશે.’ પછી શું થયું હશે તે કલ્પી શકાય છે.

***

કાર્યક્રમનું પહેલું વક્તવ્ય વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે આપ્યું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતા અલગ નિવાસસ્થાનમાં રહેવાને બદલે વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રહેતા હતા. તેમનો રૂમ નંબર 48 અને ઝેવિયર્સમાં ભણતા સુદર્શનભાઇ તેમની સાવ બાજુમાં 49 નંબરમાં રહે. ફાધરનાં લખાણો વિશે વાત કરીને સુદર્શનભાઇએ એટલી ટકોર કરી કે ફાધર બહુ યોગ્ય સમયે પાછા આવ્યા છે. હવે બધું બદલાઇ ગયું છે. ત્યારે ફાધરનાં લખાણોને ફરી નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે. ‘નવી પેઢી સુધી તેમનો શબ્દદેહ પહોંચે એ જ તેમનું સૌથી મોટું સન્માન છે.’
ફાધર સાથે ઝેવિયર્સમાં 31 વર્ષ સહઅધ્યાપક રહેલા ચીમનભાઇ ત્રિવેદીએ ફાધર વાલેસની સાથે ફાધર લોબોને પણ યાદ કર્યા, જેમની પરથી રાવજી પટેલે પોતાની ‘અશ્રુઘર’ નવલકથામાં એક ફાધરનું પાત્ર બનાવ્યું હતું. ચીમનભાઇએ કહ્યું,‘ફાધર યુવાનોના હૃદય સુધી પહોંચીને, તેમની લાગણીને સ્પર્શીને બોધ આપે છે’. તેમણે ફાધરનું ભાષા વિશેનું પુસ્તક ‘શબ્દલોક’ યાદ કર્યું અને કહ્યું કે નામને કારણે કે ગમે તેમ પણ એ પુસ્તક બહુ ઉપડ્યું નહીં. તેની બીજી આવૃત્તિ વખતે નામ બદલીને ‘વાણી જેવું વર્તન’ રાખવામાં આવ્યું. આ પુસ્તક ગમે ત્યાંથી મેળવીને વાંચવાની ભલામણ કરી. ફાધર વિશે કાકાસાહેબની પ્રસન્નતા સંભારીને તેમણે કાકાના ઉદગાર યાદ કર્યા. કાકા કહે, ‘હું તો મરાઠી છું. ગુજરાતી મારી ભગિનીભાષા છે. આ માણસ યુરોપિયન છે ને ગુજરાતી પર આટલી પકડ ધરાવે છે એ મોટી વાત છે.’
ચીમનભાઇના વક્તવ્ય પછી ફાધરના શિષ્યો કંઇક બોલશે એવો ઉપક્રમ હતો, જે ઠેકાણા વગરનો રહ્યો. બોલવા આવનારા ત્રણ જણમાંથી કોઇ પાસે ફાધર વિશેની કશી ખાસ વાત ન હતી. ત્રણમાંથી એક- રેડિયોજોકી ધ્વનિત તો ફાધરના શિષ્ય પણ ન હતા. ‘ત્રણ વિદ્યાર્થીઓ’વાળો સમયગાળો એવો હતો કે એ દરમિયાન એક-બે ફોન આવ્યા ત્યારે આજુબાજુ બેઠેલા મિત્રોએ ગમ્મત કરતાં કહ્યું, ‘અમારે તો ફોન પણ નથી આવતા (કે ઉઠીને બહાર જઇ શકીએ)’.
વચ્ચે પુસ્તક વિમોચન, ચરખાની પ્રતિકૃતિ અર્પણ કરીને તથા શાલ ઓઢાડીને સન્માન કરવાના કાર્યક્રમ તસવીરકારોના ઝુંડની હાજરીમાં આટોપાઇ ગયા. એક વાતની હંમેશાં નવાઇ લાગે છેઃ તોતિંગ ઝૂમ લેન્સ લટકાવીને ફરતા તસવીરકારબંધુઓ સ્ટેજને અડીઅડીને ઉભા રહેવાને બદલે દૂરથી તસવીરો પાડી નહીં શકતા હોય? આ બ્લોગ સાથે મૂકેલી તમામ તસવીરો મેં મારા 7 મેગા પિક્સેલના કેમેરાથી પાડી છે અને હું એ ઝુંડથી ક્યાંય દૂર, સલામત અંતરે હતો. છતાં, નિરાંતે છાપી શકાય એવી ગુણવત્તાની તસવીરો મળી છે. સ્ટેજ નજીક ગીરદી કરવાનું વૈજ્ઞાનિક કારણ કંઇ હોય તો એ સમજવામાં મને ચોક્કસ રસ છે. વિવેક દેસાઇ કે સંજય વૈદ્ય જેવા ઉત્તમ ફોટોગ્રાફર-મજબૂત મિત્રો કે બીજું કોઇ પણ પ્રકાશ પાડે તો આનંદ થશે.
ફાધરનું બીજી રીતો ઉપરાંત શાલ અર્પણ કરીને સન્માન થયું. (રજનીકુમાર પંડયા કહે છે કે ‘શાલ ઓઢાડી’ એ શબ્દપ્રયોગ ‘ફૂટપાથ પર રહેનારા ધાબળા ઓઢાડ્યા’ જેવો લાગે છે. ભારતીય પરંપરાઓના ભાગ્યે જ કોઇને ખબર હોય તેવા ઉંડા, અર્થસભર અને લોકો જેનાથી સાવ અજાણ્યા છે એવા અર્થો શોધી કાઢનાર ફાધર, શાલથી સન્માન કરવાની પરંપરા વિશે કંઇક લખે, તો કંઇક થાય.
સન્માન અને વિમોચન પછી મહાવીરભાઇ બોલ્યા. તેમના પછી કાર્યક્રમના ‘યજમાન’ દેવેન્દ્રભાઇ અને મીતાબહેન પીર બોલ્યાં. તેમના પછી રઘુવીર ચૌધરી. રઘુવીરભાઇએ તેમની ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ સ્ટાઇલમાં કહ્યું કે ‘ફાધરે 1960માં પહેલી ચોપડી ‘સદાચાર’ ગાંઠના ખર્ચે છપાવી હતી. અમેરિકા આવતા લેખકોને સાચવતા દેવેન્દ્રભાઇ-મીતાબહેનને તેમણે કહ્યું કે ‘હવે તમે ઉઘાડા પડી ગયાં. વલ્નરેબલ થઇ ગયાં. હવે લેખકો તમને છોડશે નહીં.’ આ કાર્યક્રમ જ્યાં યોજાયો હતો એ વિદ્યાપીઠના નવા હોલનાં વખાણ કરીને, ‘વીજળી ઓછી બળે છે ને ગરમી લાગતી નથી’ એમ કહીને પરિષદના હોલના રીનોવેશન માટે દેવેન્દ્રભાઇનો સહકાર માગ્યો. વિદ્યાપીઠના ‘ઇકો-ફ્રેન્ડલી’ હોલમાં ગરમી તો લાગતી જ હતી, પણ એકંદરે તે સારો હતો ને પરિષદના હોલની સરખામણીમાં તો કોઇ પણ હોલ સારો લાગે. રઘુવીરભાઇની વાતના જવાબમાં દેવેન્દ્રભાઇએ કહ્યું, ‘અમારી મદદ જોઇતી હોય તો અમને કહેવાની જ વાર. અમે તૈયાર છીએ, પણ તમેય તૈયારી રાખજો.’ એમનો કહેવાનો ધ્વનિ એ માન્યતાની પૂર્તિ કરે એવો હતો કે રૂપિયા આપનારા તો છે, પણ રસ લઇને દૃષ્ટિપૂર્વક કામ કરનારા સંસ્થાઓ પાસે નથી હોતા.

***

ફાધર વાલેસના પાંત્રીસેક મિનીટના વક્તવ્ય પછી નારાયણભાઇ દેસાઇએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું. એમણે ફાધરને ‘વિશ્વનાગરિક’ અથવા ઉપનિષદના શબ્દ પ્રમાણે ‘વિશ્વમાનુષ’ ગણાવતાં ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ પુસ્તકને શાંતિસેનાની ટેક્સ્ટબુક જેવું ગણાવ્યું. ફાધરની ભાષા ‘સત્યના અનુભવોમાંથી ઉત્પન્ન થયેલી પ્રેમની ભાષા છે’ અને ‘એમની સરળ ભાષા અનુભૂત સત્યને કારણે સરળ બની છે’ એવું પણ તેમણે કહ્યું. ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને આ કાર્યક્રમના આયોજનમાં દેવેન્દ્રભાઇ પીર સાથે સક્રિય રીતે સંકળાયેલા રમેશ તન્નાએ આભારવિધી કરી. તેમણે આપેલી સહભાગી સંસ્થાઓની લાંબી યાદીમાં પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્નનું નામ કદાચ ચૂકાઇ ગયું, એવું પણ કેટલાક કીડાઓએ નોંધ્યું. (હજારના ઓડિયન્સમાં આવા પાંચ-પચીસ કીડા તો રહેવાના રમેશભાઇ:-)
હોલમાં સ્ટેજની બન્ને પડખે મોટા સ્ક્રીન લગાડેલા હતા, જેની પરથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતું હતું. તેમાં સ્ટેજ સિવાયનાં દૃશ્યો અને એકના એક ચહેરા- ગમે તેટલા મુખ્ય કેમ ન હોય તો પણ- વારંવાર બતાવાતા હોવાથી, જેમના ચહેરા બતાવાતા હોય એમને પણ મૂંઝવણ થતી હશે અને જોનારને તો થતી જ હતી. લગ્નની વિડીયોકેસેટમાં સૌ પોતાના ચહેરા શોધે અથવા સમારંભમાં કોણકોણ આવ્યું છે એ જોતા રહે, એવી કસરતની તક આવા સમારંભોમાં ન અપાય તો વધારે સારું એવું આ કાર્યક્રમ દરમિયાન પહેલી વાર લાગ્યું.
કાર્યક્રમ પછી સૌ માટે ભોજનની વ્યવસ્થા હતી. હું કાર્યક્રમ પૂરો થતાં ટ્રેન પકડવા નીકળી ગયો, પણ બિનીતે કેટલાંક બિનીત જ કરી શકે એવાં કામ કર્યાં. પ્ર.ચૂ.વૈદ્યે બિનીતને કહ્યું હશે, એટલે બિનીતે પોતાના મોબાઇલ ફોન પરથી ફાધર વાલેસની વૈદ્યસાહેબ સાથે વાત કરાવી. ફાધર સાથેની અલપઝલપ મુલાકાતમાં બિનીતે એ પણ યાદ કર્યું કે બકુલ ત્રિપાઠીનું ઘર બદલવાનું હતું ત્યારે ફાધર બાકાયદા સામાન પેકિંગ કરવાથી માંડીને નવા ઘરના ધાર્મિક પ્રસંગો સુધી હાજર રહ્યા હતા. રવિવારે ફાધર ઝેવિયર્સ કોલેજ જવાના છે. બાજુમાં આવેલો બકુલભાઇનો બંગલો હજુ છે કે કેમ એ વિશે પણ તેમણે પૃચ્છા કરી.
***
પાંત્રીસેક મિનીટના વક્તવ્યમાં ફાધરે પુસ્તકમાંથી અને પુસ્તક સિવાયની ઘણી વાતો કરી. પોસ્ટની લંબાઇને કાબૂમાં રાખવા માટે ફાધરના વક્તવ્ય અંગેની અને બીજી થોડી વાતો-તસવીરો હવે પછી ભાગ-2માં.

Thursday, September 24, 2009

એક્સપ્રેસ હાઇ વે પર ટક્કરઃ થોડું મારા તરફથી

છેલ્લાં બે અઠવાડિયાંથી સતત પ્રવાસ અને ચડત કામને લીધે વ્યસ્ત રહ્યો, એ દરમિયાન બર્નાડ કોહનની પોસ્ટનો વિવાદ વકર્યો. http://urvishkothari-gujarati.blogspot.com/2009/09/blog-post_11.html#comments હવે થોડી રાહત મળતાં, એ મુદ્દે થયેલી ગરમાગરમી અને ચર્ચાનાં ધોરણો વિશેની મારી અપેક્ષા વિશે થોડી વાત મૂકું છું.

નીરવભાઇએ લખેલી કમેન્ટનો મુખ્ય મુદ્દો હતોઃ એક્સપ્રેસ હાઇ વે પર ટુ વ્હીલર ન જવા દે/તેને દંડ કરે તે ‘અપાર્થીડ’ કહેવાય. નરેન્દ્રભાઇ (એનવી)એ ‘અપાર્થીડ’ શબ્દના પ્રયોગ સામે વાંધો વ્યક્ત કરતાં લખ્યું: એક્સપ્રેસ રસ્તા પર દ્વિચક્રી વાહનોની પ્રવેશબંધી સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવામાં આવે છે. બીજા દેશોમાં પણ આવું જ હોય છે અને એ દ્વિચક્રી વાહનચાલકોની સલામતી માટે છે.

આટલે સુધી ઠીક હતું.

નીરવભાઇએ ક્યાંય જ્ઞાતિની વાત કરી ન હતી. જોસેફભાઇને તેમણે દલિત લેખક તરીકે ઓળખાવ્યા, એ સાચું જ છે. દલિત સાહિત્યની વ્યાખ્યા છેઃ ‘દલિતો વિશે જે સાહિત્ય લખાય તે.’ ફક્ત હું જ નહીં, ચંદુભાઇ (મહેરિયા) જેવા મિત્રો પણ આ વ્યાખ્યા સ્વીકારે-અપનાવે છે. (આ જ વ્યાખ્યાને અનુસરીને અમે ‘દલિતશક્તિ’નો દલિત સાહિત્ય વિશેષાંક તૈયાર કર્યો હતો.) આ બાબતે જેમને વાંધો પડતો હોય, તેમણે દલિત સમસ્યા વિશે વધારે સમજણ કેળવવી રહી. સભાનતાપૂર્વક વધારે સંવેદનશીલ બનવું રહ્યું અથવા ‘જ્ઞાતિના ભેદભાવમાં માનતો નથી’ એવો દાવો છોડવો રહ્યો.

નીરવભાઇએ સામાન્ય નાગરિકના એક્સપ્રેસ હાઇ વેનો ઉપયોગ કરવાના અધિકારની વાત, અલબત્ત આત્યંતિક રીતે, મૂકી હતી. તેમની સાથે અસંમતિ હોઇ શકે, જેમ નરેન્દ્રભાઇએ વ્યક્ત કરી હતી. ઋતુલે વધારે સજ્જતાપૂર્વક અસંમતિ વ્યક્ત કરતાં લખ્યું કે આ પ્રકારનાં આયોજનોમાં સામાન્ય માણસનો વિચાર કરવાનો મુદ્દો સાચો અને વાજબી છે. નીરવભાઇ સાથે અસંમતિ વ્યક્ત કરતાં તેમણે એક્સપ્રેસ હાઇ વેનો ઉપયોગ કરતી એસ.ટી. બસનું ઉદાહરણ આપ્યું, જેના થકી કાર ન હોય એવા લોકો એક્સપ્રેસ હાઇ વેનો ઉપયોગ કરી શકે છે.

આને ચર્ચા કહેવાય. પરંતુ ચર્ચાના ઉત્સાહમાં બીજું શું થયું?

જય વસાવડાએ નીરવભાઇની વાતને ‘બ્લર્ડ વિઝન ઓફ દલિતોક્રસી’ અને ‘એબ્સર્ડ પીસ ઓફ રબીશ જન્ક’ તરીકે ગણાવી.એક્સપ્રેસ હાઇ વે વિશે એક જ લીટીમાં તેમણે કહી દીઘું કે એ સેફ્ટી, ઇકોનોમી, ટાઇમ અને સાયન્સનો મામલો છે. બસ! એ સિવાયના બધા અભિપ્રાયો હાસ્યાસ્પદ! આખી ચર્ચાને તેમણે ‘ક્રીસ્ટલ ક્લીયર ફેક્ટ વર્સીસ ફૂલીશનેસ’ સમકક્ષ ગણાવી - એ જાણવાની પરવા કર્યા વિના કે ઋતુલ જોશી ‘સેપ્ટ’ જેવી સંસ્થામાં અર્બન પ્લાનિંગ ભણાવે છે અને આ વિષયમાં બધા લોકો કરતાં તેમનો અભ્યાસ અને અધિકાર ઘણાં વધારે છે.

મૂળ મુદ્દો ચાતરીને 'દલિતોક્રસી' જેવું અગડમબગડમ લખવામાં છતી થઇ જતી માનસિકતાનો અંદાજ ભાઇ જય જેવા મિત્રોને રહેવો જોઇએ. તેમની પદ્ધતિથી મુગ્ધ ચાહકો કે સળી કરવા ખાતર સળી કરતા લોકોને દબાવી-દબડાવી શકાય, પણ સરખી અથવા ચડિયાતી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા મિત્રો સાથે ચર્ચા ન થઇ શકે.

એક્સપ્રેસ હાઇ વે પર ટુ વ્હીલરના મુદ્દે મને આટલું સમજાયું

૧) એક્સપ્રેસ હાઇ વે પર ટુ વ્હીલરના પ્રવેશની મનાઇ હોય અને ત્યાં પ્રવેશીએ તો દંડ ભરવો જ પડે. તેના વિશે વિરોધ નોંધાવવો હોય તો દંડ ઉઘરાવનારા સામે નહીં, બીજાં યોગ્ય ઠેકાણાંએ નોંધાવવો જોઇએ.

૨) પરદેશમાં એ ફોર (કે વઘુ) વ્હીલર માટે હોય છે, માટે અહીં પણ એમ જ હોવું જરૂરી નથી.

૩) ચર્ચાના હાર્દમાં રહેલો મુદ્દો એ છે કે કોઇ પણ આયોજન કરતી વખતે સામાન્ય માણસની સુવિધાનો તેમાં સમાવેશ કરવાનો પ્રામાણિક પ્રયાસ થાય છે ખરો? કે કમેન્ટ્સમાં થયેલી દલીલો જેવી દલીલો આગળ ધરીને, વિચારવાના લાંબા રસ્તાને બદલે પરંપરાગત ટૂંકો રસ્તો અપનાવી લેવામાં આવે છે?

૪) ઉદાહરણ સાથે વાત કરૂં તો, એક્સપ્રેસ હાઇવે અત્યારે ત્રણ લેનનો છે. ભવિષ્યમાં ચાર લેનનો થાય એવી પણ વાત છે. એ રસ્તા પર, બીઆરટીએસના રૂટની જેમ, અડધો ફુટ-એક ફૂટની, દ્વિચક્રી વાહન ઓળંગી ન શકે એવી પાળી કરીને, દ્વિચક્રી વાહનો માટે અલગ લેન બનાવી શકાય?

ખબર નથી, પણ એ વિશે મગજ ખુલ્લું રાખીને વિચારી તો શકાય જ!

દરેક ચર્ચામાં કે કમેન્ટ્સમાં એકબીજા વિશેના અભિપ્રાયો ફેંકવાને બદલે મૂળ મુદ્દા સાથે સંકળાયેલાં શક્ય એટલાં વઘુ પાસાંની-સંભાવનાઓની-દૃષ્ટિબિંદુઓની મુદ્દાસર ચર્ચા થાય એવો આ પ્રયાસ છે. એ દિશામાં સૌની સહભાગિતાની અપેક્ષા.

તા.ક. : કમેન્ટનો જવાબ કમેન્ટથી આપવાનો સામાન્ય ધારો મેં શરૂઆતથી જ રાખ્યો અને જાળવ્યો છે. આ વખતે ૨૫ કમેન્ટ વિશે કેટલીક મૂળભૂત અને એકંદરે બધી પોસ્ટને લાગુ પડે એવી વાત કરવાની હોવાથી, તે અલગ પોસ્ટ સ્વરૂપે મૂકી છે.

Wednesday, September 23, 2009

સ્વદેશની મુલાકાતે આવેલા ફાધરનું સન્માન




કાર્લોસ જી. વાલેસ એવું નામ ધરાવતા કોઇ લેખકનું અંગ્રેજી પુસ્તક અમદાવાદમાંથી અને તે પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી શા માટે લોકાર્પીત થાય એવો સવાલ ઇન્ટરનેટ-પેઢીના વાચકોને થઇ શકે. તેનાથી એક પેઢી પહેલાંના મિત્રો પણ ઘડીભર મૂંઝાઇ શકે. પછી વાલેસ નામથી તરત તેમના મનમાં બત્તી થાયઃ ઓહો, આ તો ફાધર વાલેસ હોવા જોઇએ.

ગુજરાતમાં ચિંતકોએ જ્યારે આટલો ઉપાડો લીધો ન હતો, કાકાસાહેબ કાલેલકરની પરંપરા પ્રમાણે નિબંધ અને ચિંતન બન્ને જુદાં (અને સારી રીતે ખેડાતાં) સ્વરૂપો હતાં ત્યારે ગણિતશિક્ષક સ્પેનિશ ફાધર કાર્લોસ વાલેસ તેમનાં સરળ શૈલીનાં, બોધાત્મક અને તેમના પ્રેમીઓ જેને જીવનઘડતરનાં કહે છે એવાં લખાણોથી છવાઇ ગયા હતા.

‘છવાઇ ગયા હતા’ એ શબ્દપ્રયોગ મારી બાળપણની સ્મૃતિના આધારે લખ્યો છે. ફાધર વાલેસનાં લખાણો વાંચવાં, પુસ્તકો વસાવવાં એ સંસ્કારિતાની નિશાની ગણાતી હતી. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ફાધર વાલેસના પાઠ આવતા હતા અને ગણિતના તો એ ઉત્તમ શિક્ષક હતા. મિત્ર સુકુમાર ત્રિવેદી જેવા એક પેઢી આગળના લોકો ફાધરની ગણિતલેખનની શૈલીથી- ગણિત જેવા ક્લિષ્ટ વિષય પર સરળ અને રસાળ લખી શકવાની તેમની ક્ષમતાને ભાવપૂર્વક યાદ કરે છે.

24 વર્ષથી 74 વર્ષ (1949થી 1999) સુધી પચાસ વર્ષ ગુજરાતમાં ગુજરાતી બનીને વીતાવનાર ફાધર એક વાર પોતાના વતન સ્પેન જતા હતા ત્યારે ઉમાશંકર જોશીને તેમણે કહ્યું કે ‘હું પરદેશ (અબ્રોડ) જાઉં છું.’ ઉમાશંકરે તેમને યાદ કરાવ્યું કે ખરેખર તમે પરદેશ નહીં, વતન જાવ છો. ફાધરે ગુજરાતને-ભારતને પોતાનું ઘર બનાવી લીધું હતું.

સ્પેનથી ભારત આવેલા 84 વર્ષના ફાધર વાલેસનો સન્માન સમારંભ અને તેમના અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’નું લોકાર્પણ તા. 26 સપ્ટેમ્બર શનિવારે સાંજે પાંચ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં થશે. કાર્યક્રમના અધ્યક્ષ નારાયણભાઇ દેસાઇ છે. ડો.મીતા પીર, દેવેન્દ્ર પીર અને ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી સ્નેહાધીન છે. શુભેચ્છકોમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગુજરાત સાહિત્ય પ્રકાશ (અંગ્રેજી પુસ્તકના પ્રકાશક) અને બીજી કેટલીક સંસ્થાઓ છે. સમારંભ નિમિત્તે ‘ગૂર્જર’ દ્વારા તેમનાં છ પુસ્તકો પુનઃપ્રકાશિત થશે.

આ પોસ્ટની તસવીરો અને વિગતો કાર્યક્રમના આયોજન સાથે સક્રિય રીતે સંકળાયેલા ‘ગુજરાત ટાઇમ્સ’ (અમેરિકા)ના તંત્રી- મિત્ર રમેશ તન્નાના પ્રેમભાવથી મળી છે. ફાધર વાલેસના સૌ ચાહકોને શનિવારે સાંજે ઉપસ્થિત રહેવાનું ખુલ્લું નિમંત્રણ છે. વધુ જાણકારી-પૂછપરછ માટે સંપર્કઃ રમેશ તન્ના- 98240 34475, અનિતા જતકર - 079-27493724
(ફોટોઃ સૌથી ઉપર, ફાધર વાલેસ દાંડિયા રમતા અને લખતા)

Saturday, September 19, 2009

Chandu Bardanwala and Jam-e-Hasrat


(Nimmi, Sharda- in marron saree, Rajanikumar Pandya and other guests)

નવાઇની વાત તો ખરી જ.
આ દુનિયામાં પોતાના સદગત મિત્રને તેની વિદાય પછી પણ કોઇ યાદ કરે, તેની સ્મૃતિમાં કાર્યક્રમ કરે- અને એ પણ એકાદ-બે વર્ષના ઉભરા લેખે નહીં, લાગલગાટ દસ-દસ વર્ષ સુધી.

અમદાવાદ-વડોદરા-રાજકોટની સરખામણીમાં બીજા ક્રમે આવતા અને ગુજરાતના એક છેડે આવેલા જામનગરમાં રાજ કપૂર-દિલીપકુમાર-દેવ આનંદનાં હીરોઇન બની ચૂકેલાં હીરોઇન નીમ્મી તેમની 75થી પણ વધુની ઉંમરે, તબિયતના વાંધા સાથે આવી પહોંચે. એટલું જ નહીં, હવાઇ મુસાફરી ટાળવાની ડોક્ટરોની સલાહને કારણે, તે વિમાનની ટિકીટ કેન્સલ કરાવીને મુંબઇથી જામનગરની લાંબી ટ્રેન મુસાફરી ખેડે. કારણ? પારિવારિક મિત્ર બની ચૂકેલા રજનીકુમાર પંડ્યાને વચન આપ્યું હતું. કોઇ પણ ઉંમરે નાઝોનખરાં માટે કુખ્યાત એવી ફિલ્મી હસ્તીઓમાંથી કોઇ કોઇ નીમ્મી જેવા અપવાદ પણ હોય, એ નવાઇ નહીં તો બીજું શું?

મર્હૂમ શાયર હસતર જયપુરીને સ્ટેજ પરથી અપાતી ગીતાંજલિમાં સામેલ થવા માટે ફક્ત ગુજરાત કે મુંબઇથી જ નહીં, મુઝફ્ફરનગર જેવાં દૂર દૂરનાં ઠેકાણેથી સંગીતપ્રેમીઓ આવે. સદગત દોસ્તની સ્મૃતિમાં કાર્યક્રમ યોજતા ચંદુભાઇ બારદાનવાલા સંખ્યાબંધ મહેમાનો માટે રહેવા-જમવાની ઉત્તમ ગોઠવણ કરે- જાણે ઘરમાં લગ્નપ્રસંગ હોય. લગ્નપ્રસંગ તો દસ-વીસ વર્ષે એક વાર આવે, પણ ચંદુભાઇ-ચંદ્રિકાબહેન બારદાનવાલા પરિવારને ત્યાં આ પ્રસંગ દર વર્ષે આવતો હોય અને વર્ષોવર્ષ તેની ઉજવણીના ઉમળકામાં જરાસરખી ઓસરપ ન હોય.

આ તો દર વર્ષની વાત. ગઇ કાલે સંપન્ન થયેલા કાર્યક્રમમાં એવાં કાયમી સુખદ અચરજો ઉપરાંત પણ બીજું ઘણું હતું- અભિનેત્રી નીમ્મી અને ‘તીતલી ઉડી’ ફેઇમ પાર્શ્વગાયિકા શારદાની હાજરી, 72 વર્ષનાં શારદાએ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાંના રણકા સાથે રજૂ કરેલાં ગીતો, કરસન ઘાવરી જેવા ભૂતપૂર્વ ક્રિકેટરથી માંડીને બેન્કના અફસરો સુધીની રેન્જ ધરાવતા ચંદુભાઇના મિત્રોની હાજરી, રાત્રે દસ વાગ્યે શરૂ થયા પછી રાત્રે લગભગ સવા બે વાગ્યા સુધી ચાલેલાં ગીતો, રાત્રે (ખરેખર તો વહેલી સવારે) સવા-દોઢ વાગ્યે થયેલું રાજકોટના જાણકાર ઉદઘોષક ભરત યાજ્ઞિક અને પરિવારની તૈયાર કરેલી એક સીડીનું વિમોચન...રેડિયો સિલોનના બે ભૂતપૂર્વ ઉદઘોષકો કાર્યક્રમમા હાજર હતાઃ સુવર્ણયુગના પ્રતિનિધિ મનોહર મહાજન અને એંસીના દાયકામાં સિલોન ગયેલા કુમાર. મહાજને તેમનો જૂનો ટ્રેક જાળવ્યો, જ્યારે કુમાર સસ્તા મનોરંજનમાં સરી પડ્યા. જો કે, તેમાં પણ એમનો નંબર બીજો રહ્યો. કારણ કે અશોક દવે તેમના પહેલાં મંચ પર આવી ચૂક્યા હતા.

કાર્યક્રમનો અંત રાબેતા મુજબ ‘દિલ એક મંદિર હૈ’થી આવ્યો. રાબેતા મુજબ, એ ગીતમાં સ્ટેજ પર અતિથીઓનો મેળો હતો. ગીતમાં ‘હમ યાદોંકે ફુલ ચડાયેં’ વાળી પંક્તિ આવી, એટલે દર વખતની જેમ આ વખતે પણ સ્ટેજના ઉપરના ભાગમાંથી ફુલોની વર્ષા થઇ. પછી ચંદુભાઇએ ખોબામાં થોડાં ફુલ લઇને ઓડિયન્સ પર વૃષ્ટિ કરી. એ આખો માહોલ ખાસ્સો ફિલ્મી હોવા છતાં ભાવસભર પણ હોય છે. આ વખતે ભાવની માત્રા કંઇક વધુ હોવાનું એક કારણ એ પણ હતું કે સ્મરણાંજલિનો આ કાર્યક્રમ છેલ્લો હોવાનું ચંદુભાઇએ અગાઉથી જાહેર કરી દીધું હતું. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે ‘આ કાર્યક્રમ ચાલુ રાખવો’ એવાં સૂચનો-વિનંતી-અનુરોધ થતા રહ્યા, પણ ચંદુભાઇએ હજુ સુધી નિર્ણય ફેરવ્યો નથી.
પછીની ખબર નથી.

સ્વાઇન ફ્લુનું એન્કાઉન્ટરઃ એક કાલ્પનિક મિટિંગનો અહેવાલ

ગુજરાતમાં સ્વાઇન ફ્લુની સાથે એન્કાઉન્ટર-ફ્લુએ પણ ઉથલો માર્યો છે. શરદી થઇ હોય એવા બધા લોકો ‘ક્યાંક સ્વાઇન-ફ્લુ તો નહીં હોય ને!’ એવી શક્યતાથી ફફડે, તેમ એન્કાઉન્ટર સાથે કોઇ પણ રીતે સંકળાયેલા પોલીસદળમાં અત્યારે ફડકો પેઠો છે,‘ક્યાંક આપણું નામ પણ એકાદ જૂના એન્કાઉન્ટરમાં નહીં ખુલે ને!’ એક સમયે એન્કાઉન્ટર કરવા તલપાપડ બંકાઓ હવે ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ની માફક, કાયદા-કાનૂનમાં એન્કાઉન્ટર ન થઇ જાય, એની ચિંતા કરે છે.

છતાં, હાઇવે પર થતાં એન્કાઉન્ટરને ગોકુળ-મથુરા-વૃંદાવન સુધી લઇ જનારા ચિંતાજનક ચિંતકોથી માંડીને ગુજરાતના ઘણા સી.એમ.- કોમન મેન-સામાન્ય માણસોને ખાતરી છે કે ક્યારેક એન્કાઉન્ટરનો જૂનો દબદબો પાછો આવશે. અત્યારે ભલે એન્કાઉન્ટર અને તેના કરનારાને ડફણાં પડતાં હોય, પણ ફરી એ લોકોને હીરોનો દરજ્જો પાછો મળશે. નકલી એન્કાઉન્ટરના આરોપસર જેલમાં પુરાયેલા ફરી હીરોની માફક પૂજાશે અને ફરી તેમની મુલાકાતો ભોળા ભાવકો સમક્ષ પીરસાશે.

કોઇ પણ ચીજનો આતંક વધી જાય તો તેનું એન્કાઉન્ટર કરી નાખવું, એ પદ્ધતિ સરકારને એવી માફક આવી ગઇ છે કે સ્વાઇન ફ્લુના પ્રતિકારની મિટિંગમાં પણ તેનો પડઘો પડ્યા વિના રહેતો નથી. એવી એક, ગાંધીનગરમાં નહીં ભરાયેલી, પણ ભરાઇ શકે એવી કાલ્પનિક મિટિંગનો અહેવાલઃ

અધિકારી ૧ મિત્રો, આજે આપણે સૌ કેમ ભેગા થયા છીએ એ તો તમે જાણો જ છો.

અધિકારી ૨ (મનમાં) હવે સાહેબનું જોઇને હાલતા ને ચાલતા બધા ‘મિત્રો...મિત્રો...’ બોલવા મંડી પડ્યા છે.

અધિકારી ૩ હા સાહેબ, એક અખબારે લખ્યું છે કે આપણા રાજ્યમાં સ્વાઇન ફ્લુથી થતો મૃત્યુઆંક સૌથી વધારે છે.

અધિકારી ૧ મિસ્ટર, આટલા વખતથી તમે સરકારમાં કામ કરો છો, પણ તમે કંઇ શીખ્યા નહીં. ‘મૃત્યઆંક સૌથી વધારે છે’ એવું અશુભ આપણે ન બોલીએ. આપણએ તો એમ કહેવાનું હોય કે ‘સ્વાઇન ફ્લુમાં પણ ગુજરાત નંબર વન રાજ્ય!’

અધિકારી ૪ સાહેબ, વચ્ચે એક સવાલ પૂછી લઊં? મેડ કાઉ ડીસીઝ વિશે મેં સાંભળ્યું હતું. હવે આ સ્વાઇન ફ્લુ આવ્યો છે. કાઉ (ગાય) અને સ્વાઇન (સુવ્વર)- સાહેબ, કહો ન કહો, પણ મને તો આખી વાતમાં સેક્યુલરિસ્ટોનું કાવતરૂં લાગે છે.

અધિકારી ૧ વેરી ગુડ. વેલ સેઇડ. (અધિકારી ૩ તરફ ફરીને) જોયું? આને કહેવાય વિચારશીલતા! મૌલિક ચિંતન ! મારે સાહેબને વાત કરવી પડશે.

અધિકારી ૪ (સહેજ દબાતા અવાજે) જરૂર કરજો, પણ મારા નામે કરજો.

અધિકારી ૧ તમે કંઇ કહ્યું?

અધિકારી ૪ ના રે સાહેબ. હું કંઇ બોલ્યો જ નથી. એ તો તમારા અંતરમાંથી અવાજ આવ્યો હશે.

અધિકારી ૨ આપણે વળી અંતરના અવાજ કેવા? સચિવાલયની સિક્યોરીટી એટલી ટાઇટ થઇ ગઇ છે કે અંતરનો અવાજ પણ અંદર લઇ જવા દેતા નથી. બહાર ગેટ પર જમા કરાવીને જવું પડે છે. ઘણી વાર તો વળતાં પાછો લઇ જવાનું પણ ભૂલી જવાય છે.

અધિકારી ૧ (સહેજ કડકાઇથી) આડીઅવળી વાતો બંધ કરીને આપણે મુદ્દાની વાત પર આવીએ. સ્વાઇન ફ્લુનું શું કરીશું?

અધિકારી ૩ આઇડીયા!

અધિકારી ૧ ના ભાઇ ના. આમાં મોબાઇલ કંપનીનું કામ નહીં. આવાં કામ એમને ન ફાવે.

અધિકારી ૩ એમ નથી કહેતો સાહેબ. એક આઇડીયા છે. આપણે રાજ્યભરમાં મોટાં મોટાં હોર્ડંિગ ચીતરાવી દઇએ. તેમાં લખવાનું કે ‘સ્વાઇન ફ્લુ અને તેનો મૃત્યુ આંક ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં છે. જે કોઇ સ્વાઇન ફ્લુથી મૃત્યુ પામશે તેમને રાજ્યદ્રોહી ગણીને તેમની સામે તથા સ્વાઇન ફ્લુના જીવાણુ વિરૂદ્ધ રાજ્યદ્રોહની કલમો અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સ્વાઇન ફ્લુ, મુર્દાબાદ. આપણું ગુજરાત, ઝિંદાબાદ.’ બાજુમાં સાહેબનો બાવડું બતાવતો ફોટો અને નીચે સ્વાઇન ફ્લુના વિષાણુ તરફડતા હોય એવું કાર્ટૂન. કેવો આઇડીયા છે સાહેબ!

અધિકારી ૧ આઇડીયા ખોટો નથી. સાહેબને કદાચ ગમી જાય. પણ હજુ મને લાગે છે કે આપણે વિચાર કરવો જોઇએ. હજુ ચા-નાસ્તો પણ આવ્યો નથી.

અધિકારી ૪ સાહેબ, હું તો માનું છું કે સ્વાઇન ફ્લુના જંતુઓને આતંકવાદની જેમ ઉગતા જ ડામવા હોય તો...

અધિકારી ૧ તો શું?

અધિકારી ૪ તમે ગુસ્સે તો નહીં થાવ ને?

અધિકારી ૧ તમે આગળ નહીં બોલો તો ગુસ્સે થઇશ.

અધિકારી ૪ મારૂં માનો તો સ્વાઇન ફ્લુના જીવાણુઓનું એન્કાઉન્ટર કરાવવું જોઇએ. મારી જોડે એની આખી સ્ટોરી તૈયાર છે. મહારાષ્ટ્રના પૂના શહેરથી શસ્ત્રસજ્જ થયેલા અને પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા સ્વાઇન ફ્લુના જંતુઓ દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યા. તેમનો દેખાવ એવો હતો કે તેમની ઘાતકતા વિશે કોઇને શંકા ન પડે. એક વાર ગુજરાતમાં પેઠા પછી સ્થાનિક સહકારથી તે આગળ વઘ્યા અને છેક અમદાવાદ-ગાંધીનગરની સીમ સુધી આવી ગયા. આઇ.બી.નો રીપોર્ટ હતો કે ગુજરાતના વીવીઆઇપી મહાનુભાવોના માથે સુરક્ષાનો મોટો ખતરો તોળાઇ રહ્યો છે. આ એલર્ટથી પોલીસ દળ સાવધાન બની ગયાં હતાં. આવી જ રીતે સરખેજ-ગાંધીનગર હાઇ વે પર રાત્રે રોન લગાવતી એક ટુકડીને શંકાસ્પદ હાલતમાં કેટલાક વિષાણુઓ મળી આવ્યા. શંકાના આધારે પોલીસે પૂછપરછ કરતાં વિષાણુઓ પોલીસ પર સીધો હુમલો કર્યો. સ્વબચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં સ્વાઇન ફ્લુના વિષાણુઓનું સ્થળ પર મૃત્યુ થયું. એ વિષાણુઓનો ચેપ બીજે ન ફેલાય એ માટે પોલીસે કોઇ પણ પ્રકારની લાંબી વિધી કર્યા વિના તેમના મૃત શરીરનો નિકાલ કરી નાખ્યો છે. આમ, ગુજરાતને સ્વાઇન ફ્લુના વિષાણુઓથી મુક્તિ મળી ગઇ છે. કેવી લાગી સ્ટોરી, સાહેબ?

અધિકારી ૧ (દાંત ભીંસીને) સરસ. રામગોપાલ વર્માને આપી આવજો. એની પરથી ફિલ્મ બનાવી નાખશે. પણ એ તો કહો કે વાઇરસનું એન્કાઉન્ટર કેવી રીતે થાય?

અધિકારી ૨ એમાં શી મોટી વાત છે, સાહેબ! આખેઆખા માણસોનું આપણે ચપટીમાં એન્કાઉન્ટર કરી નાખીએ છીએ, તો આ ઝીણા વાઇરસને મસળી નાખતાં કેટલી વાર?

અધિકારી ૧ શ્શ્શ્...ખબરદાર ઝીણાનું નામ લીઘું છે તો...

અધિકારી ૨ સાહેબ, હું તો એમ કહેતો હતો કે આ ટચૂકડા વાઇરસની શી વિસાત? મને તો ખાતરી છે કે જસવંતસિંઘના પુસ્તકની જેમ સ્વાઇન ફ્લુના વાઇરસ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવે તો વાઇરસ પણ ફફડી જશે ને ગુજરાતનો ડંકો વાગી જશે.

(બરાબર એ જ વખતે ઘડિયાળમાં ડંકા પડે છે, એટલે એ ડંકા ગુજરાતના હોય એમ સૌ હરખાતા છૂટા પડે છે. )

Wednesday, September 16, 2009

નેતાઓની સાદગીઃ ફકીરીથી ફાઇવ-સ્ટારી

સરેરાશ ભારતીય નેતાઓના શબ્દકોશમાં ‘સાદગી’ ભૂતકાળસૂચક શબ્દ છે. મંદીના જમાનામાં, ભારત જેવા ગરીબ દેશના બે પ્રધાનો- શશિ થરૂર અને એસ.એમ.કૃષ્ણ- ત્રણ-ત્રણ મહિનાથી ફાઇવ-સ્ટાર હોટેલમાં રહે છે, એ સમાચારથી સાદગી ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં છે.

નેતાઓના સંદર્ભે ‘સાદગી’નો અર્થ છે ‘સાદગીનો અભાવ’. પક્ષ ગમે તે હોય, પણ સાદગીથી જીવન વ્યતીત કરતા નેતાઓ શોધવાનું કામ અશક્ય લાગે એટલું અઘરૂં છે. કોઇ લાલુ ગ્રામ્ય નેતાનો વેશ ધારણ કરીને આવે કે કોઇ શશિ થરૂર મહાનગરી પરિવેશમાં પેશ થાય, કોઇ જ્યોતિ બસુ જિંદગી આખી સામ્યવાદનો ધંધો કરે કે કોઇ અડવાણી હિંદુત્વની વાત કરે, એ બધાની જીવનશૈલીમાં સહજ અને અંતરમાંથી સ્ફુરેલી સાદગી માટે ભાગ્યે જ સ્થાન જોવા મળે છે.

એનો અર્થ એવો પણ નથી કે ભૂતકાળમાં સૌ સારૂં હતું અને હવે બઘું બગડી ગયું.

ગાંધીયુગ પહેલાં

નેતાઓએ સાદગી રાખવી જોઇએ, એવો ખ્યાલ ભારતના રાજકારણમાં ગાંધીજી લાવ્યા એમ કહી શકાય. ત્યાર પહેલાંના નેતાઓ મોટે ભાગે સમાજના ઉપલા વર્ગમાંથી આવતા, વકીલ-બેરિસ્ટર અને અંગ્રેજી કેળવણી ધરાવતા હતા. મોટા ભાગના નેતાઓને મન રાજકારણ બૌદ્ધિક ટાઇમપાસની પ્રવૃત્તિ હતું.

ભારતીય સંસ્કૃતિના પ્રચલિત અર્થઘટન પ્રમાણે સાદગીથી જીવવાની જવાબદારી શિક્ષકો અને તપ કરનાર ઋષિઓની હતી. બાકીના લોકો પૂર્ણપણે સંસારસુખો ભોગવતા. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના આરંભ સુધી નેતાઓ પાસેથી સાદગીની અપેક્ષા પણ રાખવામાં આવતી ન હતી. નેતા પ્રજા કરતાં બધી બાબતમાં- ખર્ચની બાબતમાં પણ - ચાર આંગળ ઊંચો હોય એવો ખ્યાલ હતો. એ ખ્યાલ પાછળ વર્ષોથી ચાલ્યું આવતું રાજાશાહીનું મોડેલ પણ થોડુંઘણું કારણભૂત હશે. કારણ કે મોટા નેતામાં પ્રજાને અમુક અંશે રાજસી તત્ત્વોનાં દર્શન થતાં હતાં.

દક્ષિણ આફ્રિકા ગયેલા બેરિસ્ટર ગાંધી તેમાં અપવાદ ન હતા. પરંતુ ગાંધી ભારત આવ્યા ત્યારે બેરિસ્ટરની સત્તાવાર અને સત્તાસૂચક ઓળખ તજી ચૂક્યા હતા. ભારતભ્રમણ દરમિયાન ભારતની ગરીબી અને વાસ્તવિકતાના સંપર્કમાં આવેલા ગાંધીએ ‘દરિદ્રનારાયણ’ની વાત મૂકી અને સાદગી તેમ જ ગરીબીનો મહિમા કર્યો. જે દેશના લાખો લોકોને બે ટંક ભોજન કે તન ઢાંકવા માટે પૂરતું કપડું ન મળતું હોય, તેમનું પ્રતિનિધિત્વ થ્રી-પીસ સૂટ પહેરીને ન થઇ શકે, એવું ગાંધીને લાગ્યું. અગાઉ ટોલ્સ્ટોય અને રસ્કિનના વિચારોથી આકર્ષાઇને દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનના પ્રયોગો કરી ચૂકેલા ગાંધીએ ભારતની કારમી વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવાના પ્રયાસરૂપે, એક દરિદ્ર ભારતીય જેવો પોશાક અપનાવ્યો.

ગાંધીની સાદગીનાં ત્રણ પરિમાણ

ફક્ત પોશાક જ નહીં, જીવનજરૂરી ઘણી બાબતોમાં કડક કરકસરથી કામ લીઘું. પેન્સીલનો ટુકડો સાવ નાનો થઇ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાની જિદ અને એ ટુકડો કોઇ સાથીદારે ફેંકી દીધો ત્યારે ટુકડો ન મળે ત્યાં સુધી ચેન ન લેવાની એમની જીદ બહુ જાણીતાં છે. ગાંધીજી પર આવતા પત્રોમાંથી કવર ફાડીને તેની કોરી બાજુ એ પત્ર લખવા માટે ઉપયોગમાં લેતા હતા. જેલમાં લીમડાનું દાતણ કરે તો પણ એક દાતણ આગળનો કૂચાવાળો ભાગ કાપીને બીજા દિવસે ચલાવે. એમ દાતણ છેક સુકાઇ ન જાય ત્યાં સુધી વાપરે. બીજી તરફ, વહીવટી બાબતોમાં કે ચોક્સાઇમાં ખર્ચની પરવા કરતા ન હતા. સૂચનાઓ કે સલાહ આપવા માટે લાંબા તાર કરવામાં બાર-પંદર રૂપિયા ખર્ચવામાં તેમને સંકોચ ન થાય. એક વાર માર્ગ અકસ્માતને કારણે જાહેર કાર્યક્રમમાં સમયસર પહોંચાય એવી સંભાવના ઉભી થઇ ત્યારે બંગાળના પાર્વતીપુરથી ગોઆલંદો સુધી તેમણે સ્પેશ્યલ ટ્રેન કરી હતી, જેનું ભાડું રૂ.૧,૧૪૦ રૂ. ચૂકવવું પડ્યું. પરંતુ ગાંધીજીની દલીલ હતી,‘વાઇસરોયને આપેલો સમય હું જેટલી સખતાઇથી પાળું છું, તેટલી જ સખતાઇથી આપણા લોકોને આપેલો સમય પાળવો જોઇએ.’

ગાંધીજીની સાદગીની સાથોસાથ વ્યવહારૂતાની આ બન્ને બાજુઓ પ્રમાણમાં જાણીતી છે, પણ તેમની સાદગીનું એક ત્રીજું પરિમાણ હતું. તેમનો પ્રભાવ વઘ્યા પછી તેમની સાદગીનું ઘ્યાન રાખવા માટે અનુયાયીઓ ઘણી મહેનત કરતા હતા. સરોજિની નાયડુ જેવાં તો કહેતાં પણ ખરાં કે થર્ડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરીને સાદગીનો સંતોષ લેતા ગાંધીજીને ખબર નથી કે તેમની સાદગી ખરેખર કેટલી મોંઘી છે. સરોજિની નાયડુનો સંદર્ભ ગાંધીજીની સલામતી માટે રાખવી પડતી ચીવટ અને તેમાં થતા ખર્ચ અંગે હતો. ગાંધીજીના સેવક અને અંતેવાસી બ્રિજકૃષ્ણ ચાંદીવાલાએ નોંઘ્યું છે કે ૧૯૩૭માં લોર્ડ લિનલિથગોને મળ્યા પછી ગાંધીજી પાછા દિલ્હી સ્ટેશને જતા હતા ત્યારે તેમની મોટરના પૈડામાં પંક્ચર પડ્યું. પાછળ આવતા એક અંગ્રેજે પોતાની મોટરમાં તેમને બેસાડી લીધા. ત્યારથી ગાંધીજી જ્યાં જતા ત્યાં ઘણુંખરૂં તેમની મોટરની સાથે એક વધારાની મોટર રાખવામાં આવતી હતી. દિલ્હીમાં એ વખતે ભંગી કોલોની તરીકે ઓળખાતા દલિત મહોલ્લામાં ગાંધીજી રહેવા આવે તે પહેલાં કેવી ખર્ચાળ તૈયારીઓ થઇ હતી, તેનો ચિતાર અમેરિકન પત્રકાર-લેખિકા માર્ગારેટ બોર્ક-વ્હાઇટે પોતાના પુસ્તકમાં આપ્યો છે.

આ ત્રીજા પરિમાણ છતાં સાદગી અને ગાંધીજી એકબીજાથી અભિન્ન રહ્યાં. આઝાદી મળ્યા પછી રાજવહીવટમાં વધેલા ખર્ચ વિશે તેમણે બ્રિજકૃષ્ણ ચાંદીવાલા સમક્ષ ટીપ્પણી કરી હતી,‘જેમની પાસે લાખો ખરચવાના નહોતા તેમને કરોડો ખરચવા મળી ગયા પછી શું થાય?’

ગાંધીવાદીઓની સાદગીઃ પ્રકૃતિ અને વિકૃતિ

ગાંધીના પગલે ભારતના જાહેર જીવનમાં સાદગીનો આખો સંપ્રદાય ઉભો થયો. સાચા દિલની સાદગીથી લઇને નિર્માલ્ય, અહંકારથી છલકાતી અથવા દંભનીતરતી સાદગી સુધીની છાયાઓ ગાંધીવાદીઓ સાથે સંકળાઇ. સાદગીની બાબતમાં ગાંધીજીની હરોળમાં મૂકી શકાય એવાં જૂજ નામમાં સરદાર પટેલ અને રવિશંકર મહારાજને ગણી શકાય. સરદાર પરંપરાગત અર્થમાં ‘ગાંધીવાદી’ ન હતા. તે કદી આશ્રમમાં ન રહ્યા કે ગાંધીટોપી પણ ન પહેરી. બેરિસ્ટર વલ્લભભાઇનું પૂર્વજીવન વૈભવી હતું, પણ ગાંધીના સંસર્ગમાં આવ્યા પછી તેમણે સાદગીને કાયમી જીવનમૂલ્ય તરીકે સ્થાન આપ્યું. આખી જિંદગી તેમણે મણિબહેને કાંતેલી ખાદીનાં વસ્ત્રો પહેર્યાં. કોંગ્રેસના લાખો રૂપિયાનો વહીવટ કર્યા છતાં કદી મોજશોખમાં મહાલ્યા નહીં. ૧૯૪૬માં પહેલી વાર વચગાળાની સરકારમાં મંત્રી બન્યા પછી ઓફિસે જતી વખતે સરદારને મણિબહેને ઘડિયાળ-પેન લેવાનું યાદ કરાવ્યું, ત્યારે સરદારનો જવાબ હતો,‘ઘડિયાળ તો ત્યાં હશે જ ને જે સહી કરાવવા આવશે તેની પાસે પેન પણ હશે.’

અમેરિકાથી પાછો ફરેલો પૌત્ર વિપીન ભેટમાં મળેલો રેશમી ખાદીનો તાકો લઇને સરદારને બતાવવા ગયો, ત્યારે સરદારે તેને કહ્યું હતું,‘તું દસ રૂપિયે વાર ખાદી પહેરશે?શાના ઉપર? બાપકમાઇ ઉપર? કમા પહેલાં!’ પોતે દેશના નાયબ વડાપ્રધાન હતા, એ હકીકત પોતાના વારસદારો માટે વિશેષાધિકારનો મુદ્દો ન બને તેની સરદારે સતત કાળજી રાખી. સંતાનો ભવિષ્ય માટે દલ્લો કે સલામતી છોડીને જવાના મોહમાંથી પણ તે મુક્ત રહી શક્યા. તેમના અંતકાળ વિશે મણિબહેને નોંઘ્યું છે,‘છેલ્લી ઘડી સુધી અર્ધજાગ્રત અવસ્થામાં પણ મારૂં નહીં દેશનું સ્નેહરટણ- હૈદરાબાદ, કાશ્મીરનું રટણ કરતા રહ્યા. મને ફિકર રહ્યા કરતી કે કંઇ મારી ચિંતા ન કરે. પણ તેમને એટલો વિશ્વાસ હતો કે વખત આવ્યે છોકરી વાસણ માંજીને પણ સ્વમાનથી દિવસો કાઢે એમ છે. ’

સરદારના સાથી અને સ્વામી આનંદ જેવાએ જેમને પુણ્યશ્વ્લોક ગણાવ્યા હતા, તે રવિશંકર મહારાજ પણ નિર્ભાર સાદગીનો મૂર્તિમંત નમૂનો હતા. તેમનાં ૯૦ વર્ષ નિમિત્તે પ્રગટ થયેલા ગ્રંથમાં પિંડવળનાં કાંતાબહેન-હરવિલાસબહેને કરેલી નોંધ પ્રમાણે, જિંદગીનાં પચીસ વર્ષ તે ફક્ત એક ટંક જમ્યા. તેમાં દસ વર્ષ ફક્ત દાળચોખાની ખીચડી. સાથે શાક કે દૂધ-દહીં પણ નહીં. પચાસેક વર્ષ ખાંડ અને મધ વિના ચલાવ્યું. માથામાં કદી તેલ નાખ્યું નહીં. આખા વર્ષમાં પોતે ૮૦ વાર ખાદી કાંતે. તેમાંથી પોતાના માટે ૧૩ વાર રાખીને બાકીની મિત્રોને આપી દે. તેમની ધોતી દોઢ વર્ષ અને બંડી-ટોપી બે-અઢી વર્ષ ચાલે.

સરદાર અને મહારાજની શુદ્ધ સાદગી સામે ગાંધીવાદીઓના એવા કિસ્સા પણ જાણ્યા છે, જેમાં કોઇ ભાવિકે ભૂલથી તેમનાં જૂતાં પોલિશ કર્યાં હોય તો ગાંધીવાદી મહાનુભાવ પોલિશ કરેલાં જૂતાં પર મુઠ્ઠી ભરીને ઘૂળ ઠાલવી દે અને પોતાની હિંસક સાદગીથી સામેવાળાને આતંકિત કરી નાખે. ગાંધીના નામે સાદગીની દુહાઇ આપતા અને દંભ પોષતા લોકો એ ન સમજી શક્યા કે સાદગી સ્વતંત્રપણે બહુ મોટું મૂલ્ય નથી. સાદગી સાથે સમાજની સેવા કરવાની સાચી ભાવના અને ગાંધી જેને દરિદ્રનારાયણ કહેતા હતા તેમની સાથે તાદાત્મ્ય અનુભવવાની, તેમના અન્યાય સામે લડવાની તાકાત હોય તો જ એ સાદગી શોભી ઉઠે છે. બાકી, બીજી બધી રીતે નબળા લોકોની સાદગીનું મૂલ્ય અનૈચ્છિક અવિવાહીતોના બ્રહ્મચર્ય કરતાં વધારે નથી.

અરીસા સામે ઉભા રહીને...

જાહેર જીવનમાં સાદગી અને ભપકાની વાત નીકળે, એટલે નેતાઓના માથે માછલાં ધોવાની સૌને મઝા પડે છે. નેતાઓની ટીકા એક હદ સુધી બરાબર છે, પણ કવિઓ જેને ‘ખૂની ભપકો’ કહે છે, એ કરવામાં પ્રજા તરીકે આપણે પણ બહુ પાછળ રહેતા નથી. આ દેશમાં ફક્ત નેતાઓ જ પ્રજાના પૈસા વેડફે છે અથવા નેતાઓ વેડફે એટલા રૂપિયા જ પ્રજાના છે એવું માની લેવાની જરૂર નથી. બાકીના માલેતુજારો રૂપિયા ક્યાંથી પેદા કરે છે? તેમના રૂપિયા ઝાડ પર તો ઉગતા નથી. છેવટે આ સમાજમાંથી જ તે સમૃદ્ધ બને છે. તો પછી નેતાઓની જેમ માલેતુજારોના ભપકાનો પણ સામાજિક હિસાબકિતાબ શા માટે ન થવો જોઇએ? તેમણે સમાજને શું આપ્યું અને પોતાનો વટ પાડવા માટે કેટલા રૂપિયા વેડફી નાખ્યા, તે શા માટે ન ચર્ચાવું જોઇએ? અને ઉજવણીના નામે પાંચસો-હજાર રૂપિયાની ડીશ રાખીને લગ્નસમારંભોમાં કરોડો રૂપિયા ખર્ચનારા લોકોનાં ગુણગાન ગાવાને બદલે, નેતાઓની માફક તેમની પણ ટીકા શા માટે ન થવી જોઇએ?

એટલા માટે કે એ લોકો આપણામાંના એક છે? અથવા આપણે પણ એમના જેટલા રૂપિયાવાળા હોઇએ તો એવું જ કરીએ?

Friday, September 11, 2009

‘ઢેન ટેણેન’નું મૂળ સ્વરૂપ

‘કમીને’ વિશે આ બ્લોગ પર ઘણી ચર્ચા થઇ.

http://urvishkothari-gujarati.blogspot.com/2009/08/blog-post_20.html

અભિપ્રાયોની પટાબાજીની સાથોસાથ ઠેકાણાસરની ચર્ચા આગળ વધારવાના સિલસિલામાં મિત્ર જયેશ અઘ્યારૂએ એક લિન્ક મોકલી છે.

થોડાં વર્ષ પહેલાં ઝી ટીવી પર આવતી સિરીયલ ‘ગુબ્બારે’માં દરેક હપ્તો જુદા જુદા ડાયરેક્ટર કરતા હતા. તેમાં વિશાલ ભારદ્વાજે ‘ઢેનટેણેન’ નામનો હપ્તો અને એ જ શબ્દોવાળું એક ગીત બનાવ્યું હતુ અને તેને પિક્ચરાઇઝ પણ કર્યું હતું. એ ગીતની લિન્ક જોઇને મઝા પડી. અભિનેતાઓમાં શર્મન જોશી ઓળખાય છે. બીજા વિશેની અને આ હપ્તા વિશેની વઘુ માહિતી આવકાર્ય છે.

ખાસ તો, એ ગીતમાં સંગીતકાર વિશાલ ભારદ્વાજની છાપ બરાબર દેખાય છે. આ ગીત સાંભળીને ક્યાંક ક્યાંક ‘છોડ આયે હમ વો ગલીયાં’, ‘ચપ્પા ચપ્પા ચરખા ચલે’ ને ‘ગોલી માર ભેજેમેં’ યાદ આવે. બે કે વઘુ પુરૂષ અવાજવાળાં ગીતોની એક મઝા હોય છે. આ ગીતમાં એ મઝા પણ છે.

http://www.youtube.com/watch?v=TRrL5YpeAxQ

કોહન હૈ જો દિલમેં સમાયા..

આ અઠવાડિયે ફ્રેન્ચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહન/Bernard Kohn ને ઇન્ટરવ્યુ માટે મળવાનું થયું. મિત્ર ઋતુલ જોશીની મદદથી તેમનો સંપર્ક થયા પછી કોહને ઇ-મેઇલ, ફોન દ્વારા ચોક્સાઇપૂર્વક જવાબો આપીને મુલાકાત ગોઠવી. ‘સમય અને સ્થળ નક્કી કરવા માટે તમને સવારે ફોન કરીશ’ એવું ૭૮ વર્ષના, કોહનની કક્ષાના આર્કિટેક્ટ ઇ-મેઇલમાં લખે અને બીજે દિવસે સવારે આઠ પણ ન વાગ્યા હોય ત્યાં એમનો ફોન આવી જાય. આ મઝા હોય છે કોહન જેવા માણસોને મળતાં પહેલાંની.

કમલ મંગળદાસના મહેમાન કોહને પહેલાં કમલભાઇના મંગળબાગ બંગલે મળવાનું કહ્યું હતું. પછી ‘ગ્રીનહાઉસ’ રેસ્ટોરાંમાં મળવાનું નક્કી થયું. સાથે ઝવેરીલાલ મહેતા પણ હતા. (વો કહાની ફિર કભી!)

કોહને પહેલેથી મેઇલમાં અને ફોન પર સ્પષ્ટતા કરી દીધી હતી કે ‘હું સાબરમતી રીવરફ્રન્ટ વિશે નહીં બોલું.’ કલાકેકની વાતચીત દરમિયાન કોહન તેમના ફ્રેન્ચ ભાષામાં ચાલતા લેપટોપમાંથી થોડા ચાર્ટ, થોડા ફોટોગ્રાફ્સ બતાવતા ગયા અને ખાસ્સી અનૌપચારિક વાતો થઇ. એમણે કહ્યું કે બીજા ઘણા દેશોમાં પણ વિકાસના નામે આ જ ગતિ છે. ‘ઇટ્સ નોટ લોસ્ટ બેટલ, પણ વી આર વન ઇન ટેન.’ એ વખતે મને પ્રકાશભાઇના પ્રિય શબ્દ ‘અણુમતિ’નું અંગ્રેજી ન સૂઝ્યું. (એટમિક માઇનરિટી?)

ગુજરાત સમાચાર (7-9-9)માં પ્રગટ થયેલો અહેવાલ અહીં મૂકું છું.

***

૭૮ વર્ષના ફ્રેન્ચ આર્કિટેક્ટ બર્નાર્ડ કૉહન અમદાવાદ સાથે ચાર દાયકાનો નાતો ધરાવે છે. ૧૯૬૨માં તેમણે બાલકૃષ્ણ દોશી અને ડો.આર.એન.વકીલ સાથે મળીને ‘સેપ્ટ’- સેન્ટર ફોર પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત કરી હતી. ત્યારથી સતત અમદાવાદ આવતા રહેલા કૉહન અનોખા આર્કિટેક્ટ-પ્લાનર છે. અમદાવાદ સાથે તેમનો નાતો એવો છે કે તેમના બે સંતાનનો જન્મ અમદાવાદમાં થયો હતો. કૉહન હસીને કહે છે,‘મારાં બે સંતાન અમદાવાદી છે.’ એક પુત્રીનું નામ તેમણે રાધિકા પાડ્યું છે.

પરંતુ વાત અમદાવાદના ‘વિકાસ’ની આવે એટલે કૉહનના ખુશખુશાલ ચહેરા પર ચિંતા અને અસુખ છવાઇ જાય છે. કાંકરિયા તળાવની ફરતે દીવાલો ઉભી કરવાના નિર્ણયનો તેમણે ખુલીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, કાંકરિયા અને વસ્ત્રાપુર જેવાં તળાવોથી આમજનતાને વંચિત રાખતા આયોજનની તેમણે ‘સોશ્યલ એન્ડ ઇકોનોમિક અપાર્થીડ’ (રંગભેદની કક્ષાના સામાજિક-આર્થિક ભેદભાવ) જેવા કડક શબ્દોમાં ટીકા કરી હતી. ‘પબ્લિક સ્પેસ’ને- જાહેર જગ્યાઓનું મહત્ત્વ સમજાવતાં તે એક જ વાક્યમાં કહે છે,‘પબ્લીક સ્પેસ ઇઝ સ્પેસ ઓફ ડેમોક્રસી’ (જાહેર જગ્યાઓ લોકશાહીનાં સ્થાનકો છે). પબ્લીક સ્પેસથી માંડીને આઘુનિક પ્લાનિંગની બાબતમાં તેમને નવા અમદાવાદ કરતાં પોળો અનેક ગણી ચડિયાતી લાગે છે.

દુનિયા જોઇ ચૂકેલા કૉહન કહે છે, ‘મુઠ્ઠીભર અમીરોને નહીં, પણ સામાન્ય નાગરીકોને ઘ્યાનમાં રાખીને પ્લાનિંગ થવું જોઇએ. કમનસીબે એવું થતું નથી.’ અમદાવાદના સંદર્ભમાં ઉદાહરણો ટાંકતાં કૉહ્ન કહે છે,‘પંચવટી પાંચ રસ્તા- કોમર્સ છ રસ્તા જેવી જગ્યાએ મારી ઊંમરનો માણસ પગપાળો જતો હોય તો એ ચાલે ક્યાં? અને રસ્તો ક્રોસ કેવી રીતે કરે? સીદી સૈયદની જાળીથી રસ્તાની સામી બાજુએ જવું હોય તો પણ મને અઘરૂં પડે છે. આ બધી બાબતનો પ્લાનિંગમાં વિચાર જ થતો નથી કે ચાલનારા માણસોનું શું થશે?’

‘એક બહુમાળી મકાન બાંધવા કરતાં પ૦ વૃક્ષો વાવવાનું હું વધારે પસંદ કરૂં.’ એવું કહેનારા કૉહન ગાંધીનગરના ‘ગિફ્ટ’ સીટીમાં ૬૦ માળનું ગ્લાસહાઉસ બનાવવાની વાતથી આઘાત પામી ગયા હતા. તેમણે કહ્યું,‘આ દેશમાં આવાં તોતિંગ ગ્લાસ હાઉસ ચાલે નહીં. એટલે હું કહું છું કે ‘ઇટ્સ અ ગિફ્ટ ઓફ પોઇઝન.’ (આ ‘ગિફ્ટ’ નહીં, ઝેરીલી ‘ગિફ્ટ’- સોગાદ છે.)

બહુચર્ચીત સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ વિશે કંઇ કહેવાને બદલે બર્નાર્ડ કૉહન સાબરમતી નદીના ૪૦૦ કિલોમીટરના સમગ્ર કાંઠા પર વધારે ભાર મૂકે છે. કૉહન કહે છે, ‘ન્યૂયોર્ક હોય, પેરિસ હોય કે અમદાવાદ, શહેરોની એક તકલીફ હોય છે. એમની દૃષ્ટિ સંકુચિત- ફક્ત પોતાના પૂરતી હોય છે. હું સાબરમતી નદી વિશે વિચારૂં ત્યારે ફક્ત અમદાવાદના નદીકાંઠાની વાત કરતો નથી. નદીની શરૂઆતથી ખંભાતના અખાત સુધીના આખા પટ્ટામાં આવતાં ગામ, વસ્તી અને તેની પર્યાવરણ પ્રણાલી/ઇકોલોજીને ઘ્યાનમાં રાખું છું.’

શહેરોનું પ્લાનિંગ ફક્ત સરકારો કે આર્કિટેક્ટ-પ્લાનરોનો ઇજારો નથી, એવું માનતા બર્નાર્ડ કૉહને ગયા વર્ષે ‘સેપ્ટ’માં સાબરમતી નદીના ૪૦૦ કિલોમીટરના સમગ્ર પટ વિશે એક પરિસંવાદમાં ભાગ લીધો હતો. તેમાં નદીના પટની આસપાસનાં વૃક્ષો, રોજબરોજના જીવનમાં નદી સાથે સંકળાયેલા લોકો, જમીનનું ધોવાણ કે ખારાશ ઉભરી આવવા જેવી સમસ્યાઓ- આ દરેકે દરેક બાબતો અંગેના ચાર્ટ ગુજરાતીમાં તૈયાર કરવામાં આવ્યા. અમદાવાદના રવિવારી બજારમાં એ ચાર્ટ મૂકવામાં આવ્યા, ત્યારે સામાન્ય લોકોએ પણ નદીને લગતા આયોજનની વિગતોમાં ઊંડો રસ લીધો હતો. કૉહન માને છે ક પ્લાનિંગ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર જેવાં વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓએ સાથે મળીને નવાં આયોજન અંગે વિચાર કરવો જોઇએ.

ચાળીસ વર્ષથી અમદાવાદ સાથે સંકળાયેલા કૉહનને વર્તમાન અમદાવાદમાં શાની ખોટ સાલે છે? ખાસ્સું વિચાર્યા પછી એ કહે છે,‘૧૯૬૭-૬૮માં શહેરની ફરતે જે લીલોતરી (ગ્રીનબેલ્ટ) હતી એની!’

સામાન્ય લોકોને કેન્દ્રમાં રાખીને નવાં આયોજન કરવાની વાત વઘુ પડતી આદર્શવાદી નથી? એવો સવાલ કૉહનને વારંવાર પૂછાય છે. ૧૯૧૫માં ભારત આવેલા પ્લાનર, સંશોધક અને પોતાના ગુરૂ પેટ્રીક ગેડીસ તથા ગાંધીજીને યાદ કરતાં બર્નાર્ડ કૉહન કહે છે,‘હા, એ આદર્શ છે, પણ એ આદર્શ વગરના વગરના ભારતની કોઇ હસ્તી નથી.’

Friday, September 04, 2009

જસવંત-પુસ્તક-વિવાદઃ સરકારી પ્રતિબંધ કચરાટોપલી ભેગો

મન તો એવું થઇ આવે કે 'સરકારને લપડાક' પ્રકારનું મથાળું બાંધવું. પછી એમ થાય કે જવા દો. જે કામ થવા જેવું હતું તે થઇ ગયું. ખાડામાં પડે પ્રતિબંધ ને પ્રતિબંધના મૂકનારા.

જસવંતસિંઘના પુસ્તક પર ગુજરાતમાં મૂકાયેલો પ્રતિબંધ આખરે આજે કચરાટોપલી ભેગો થઇ ગયો છે. હાઇકોર્ટમાં પ્રકાશભાઇ (શાહ) અને મનીષીભાઇ (જાની) એ પ્રતિબંધ વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ કરી હતી. તેમનો મુદ્દો પુસ્તકની સામગ્રીની ખરાઇ વિશે નહીં, પણ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય અને જાણવાના અધિકાર વિશે હતો. મુખ્ય મંત્રીએ સંભવતઃ પેટાચૂંટણીઓમાં પટેલ મતોને ધ્યાનમાં રાખીને, પૂરતી તપાસ વિના પ્રતિબંધ ફટકારવાનું જાહેરનામું બહાર પાડી દીધું. સીન એવો થયો કે પ્રતિબંધ મૂક્યા પછી અધિકારીઓ પોતે શાના માટે પ્રતિબંધ મૂક્યો છે એ શોધવા બેઠા.

એક-બે દિવસ પહેલાં હાઇકોર્ટમાં સરકારને જૂનું જાહેરનામું સુધારીને નવું મૂકવાની વાત કરી ત્યારે ફરિયાદીઓએ જણાવ્યું હતું કે અદાલતમાં પડકાર જૂના જાહેરનામાને છે. માટે અદાલતે એ જાહેરનામાના આધારે પ્રતિબંધ ઉપર જ ફેંસલો આપવો જોઇએ.
આજે અદાલતે ફેંસલો આપી દીધોઃ પ્રતિબંધ રદ.

સરકારી અધિકારીઓ પુસ્તક વાંચીને તેમાંથી વાંધાજનક ભાગો શોધવાની કસરત કરી રહ્યા છે. તેના આધારે સરકાર ફરી નવું જાહેરનામું બહાર પાડે અને ફરીથી પ્રતિબંધ ફટકારે તો?
દિનશા પટેલ રાજી થશે. બીજું શું? કારણ કે એ મહાનુભાવે પુસ્તક પર આખા દેશમાં પ્રતિબંધ મૂકવાની શરમજનક રીતે બુદ્ધિનું પ્રદર્શન કરે એવી માગણી મૂકી હતી.

Thursday, September 03, 2009

સરદાર સાથે (કાલ્પનિક) સંવાદ

(બે અઠવાડિયાં પહેલાં, જસવંતસિંઘના પુસ્તક પર પ્રતિબંધના મુદ્દે સરદાર પટેલનો કાલ્પનિક ઇન્ટરવ્યુ લખ્યો હતો. એ લેખની પૂર્વભૂમિકા બાજુએ રાખીને, ફક્ત ઇન્ટરવ્યુ અહીં મૂક્યો છે.)

સ્વર્ગસ્થનાં ‘ક્વોટ’ લેવાની કોઇ તરકીબ નથી. એ નીકળે તો છાપાં-ચેનલવાળા એમને મૃત્યુ પછી પણ જંપવા ન દે. તેમની સાથે વાત કરવાની એક રીત છેઃ મનમાં એ વ્યક્તિનું ઘ્યાન ધરતાં જ એ ‘લગે રહો મુન્નાભાઇ’ના ગાંધીજીની જેમ, નજર સામે દેખાવા લાગશે. એક પત્રકારે ‘લગે રહો...’ પદ્ધતિથી વાતો કરવા માટે સરદારનું ઘ્યાન ધર્યું કે તરત સરદાર હાજર! સામે બેસીને રેંટિયો કાંતતા હતા. પત્રકારે વાતચીત શરૂ કરી.

પત્રકારઃ નમસ્તે સરદારસાહેબ.

સરદારઃ નમસ્તે ભાઇ નમસ્તે. કેમ છે મારૂં ભારત?

પત્રકારઃ અમુક દુભાયા, અમુક દબાયા, અમુક મરાયા, અમુક હાંકી કઢાયા, પણ એકંદરે સ્થિતિ કાબૂમાં.

સરદારઃ ભાઇ, તમે પહેલાં ગૃહ મંત્રાલયનું રીપોર્ટંિગ કરતા હતા?

પત્રકારઃ કહેવું પડે, સાહેબ. આટલાં વર્ષ પછી પણ આઇ.બી.માં તમારા કોન્ટેક્ટ એવા ને એવા છે.

સરદારઃ પત્રકારોની અક્કલમાં પણ ખાસ ફેર પડ્યો હોય એવું લાગતું નથી. એ બઘું તો ઠીક છે. બોલો, શું હતું?

પત્રકારઃ જસવંતસિંઘ વિશે તમારૂં શું કહેવું છે?

સરદારઃ મેં તો એના રજવાડાનું ક્યારનું વિલીનીકરણ કરી નાખ્યું. હવે જે કહેવાનું હશે તે એને જ હશે.

પત્રકારઃ હું ભાજપના જસવંતસિંઘની વાત કરૂં છું. તમારા વિશે ગમે તેમ લખ્યું છે...

સરદારઃ એમાં ખરાબ કોનું દેખાયું? એનું કે મારૂં? બાપુ વિશે આપણા લોકોએ ઓછું ખરાબ લખ્યું છે? પણ એનાથી બાપુને કશો ફરક પડ્યો?

પત્રકારઃ ધીમેથી બોલો, સાહેબ. અમારા મુખ્ય મંત્રીએ તો આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો છે. તમે એ પ્રતિબંધની વિરૂદ્ધમાં બોલશો તો રાજદ્રોહ થશે. તમારું અપમાન કરવા બદલ તમારી વિરૂદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે. અમારા સાહેબ બહુ કડક છે.

સરદારઃ તારા કડક સાહેબને મારા અપમાનથી આટલી બધી તકલીફ થાય છે, તો બાપુ વિશે આડુંઅવળું લખાય ત્યારે કેમ કંઇ થતું નથી? બાપુ ગુજરાતના પુત્ર નથી?

પત્રકારઃ બરાબર છે. પણ બાપુ તો કોંગ્રેસી ગણાય ને...

સરદારઃ તે હું ક્યારથી ભાજપમાં જોડાયો અલ્યા? હું છેવટ સુધી કોંગ્રેસમાં જ હતો ને! એ ખરૂં કે ત્યારની કોંગ્રેસને આજની કોંગ્રેસ સાથે કશી લેવાદેવા નથી.

પત્રકારઃ (ગુંચવાઇને) સાહેબની લીલા અકળ છે.

સરદારઃ મને એ કહે. તમારા સાહેબ કયા ઉપનામે ઓળખાતા હતા?

પત્રકારઃ (સહેજ શરમાઇને) છોટે સરદાર.

સરદારઃ (અંગુઠા અને પહેલી આંગળીથી ટચુકડાનો સંકેત કરીને) છોટે એટલે કેટલા છોટે? આટલા? (હસીને) અને હું કોણ છું?

પત્રકારઃ અસલી સરદાર...ના, ના. તમે અસલી તો પછી સાહેબ કંઇ નકલી? ના, એવું ના કહેવાય. તમે બડે સરદાર, બસ!

સરદારઃ અલ્યા, ‘બસ’ એટલે શું?

પત્રકારઃ (મૂંઝાઇને) એટલે કે..તમે મોટા. તમે વડીલ. તમે પહેલા સરદાર. ઘડવૈયા. ભારતના નાયબ વડાપ્રધાન...(મનોમન) બડે સરદાર ભારતના નાયબ વડાપ્રધાન તો છોટે સરદાર...ના, મને ત્રિરાશી નથી આવડતી. ના, હું રાજદ્રોહનો ગુનો નહીં કરૂં.

સરદારઃ શાના વિચારે ચડી ગયો?

પત્રકારઃ એમ તો અડવાણીજી પણ ‘લોહપુરૂષ’ તરીકે ઓળખાતા હતા.

સરદારઃ પછી શું થયું? કાટ ચડ્યો?

પત્રકારઃ એ બધી વાતમાં નથી પડવું સાહેબ. તમે એ કહો કે આ પ્રતિબંધ વિશે તમારી શી પ્રતિક્રિયા છે?

સરદારઃ મને પ્રતિબંધના સમાચાર જાણીને બહુ આનંદ થયો. ઉપર ગુજરાતના બીજા નેતાઓ છે એ પણ રાજી થયા.

પત્રકારઃ શું વાત કરો છો! આ તો સાહેબને ખાસ કહેવું પડશે!

સરદારઃ અમને બધાને ગુજરાતીઓના અંગ્રેજી વિશે ચિંતા રહેતી હતી. જસવંતસિંઘનું પુસ્તક અંગ્રેજીમાં છે. છસો પાનાંના પુસ્તકમાં મારા વિશે માંડ છ-આઠ ઠેકાણે ઉલ્લેખ છે. આવાં દળદાર અંગ્રેજી પુસ્તકો ઝીણવટથી વાંચનારો વર્ગ ગુજરાતમાં આટલો વધી ગયો છે તેની અમને કલ્પના જ નહીં. પુસ્તક પર પ્રતિબંધના સમાચાર આવ્યા ત્યારે જ અમને અહેસાસ થયો. કાલે જ ઝીણા આવ્યા હતા. દુઃખી થઇને કહેતા હતા કે પેલા જસવંતસિંઘે મારાં વખાણ કર્યાં છે, પણ અંગ્રેજીમાં! મારા પાકિસ્તાનમાં અંગ્રેજી વાંચશે કેટલા?

સરદારઃ મેં હોંશથી ઝીણાને કહ્યું કે ઝીણાસાહેબ, જસવંતસિંઘે ક્યાંક મારી ટીકા કરી છે, પણ મારા ગુજરાતમાં વાંચશે કેટલા! હવે તમારા સાહેબે પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો એટલે લોકો ગમે ત્યાંથી શોધીને આખું પુસ્તક નહીં તો છેવટે મારી ટીકા તો વાંચી જ લેશે. અંગ્રેજી નહીં આવડતું હોય એવા લોકો બીજા પાસેથી જાણી લેશે કે જસવંતે મારા માટે શું લખ્યું છે!

પત્રકારઃ આને કહેવાય અસરકારક મેનેજમેન્ટ!

આટલું બોલીને પત્રકાર સામે જુએ છે, તો સરદાર અદૃશ્ય.

Wednesday, September 02, 2009

યુરેનસ બુક્સની વણનોંધાયેલી વાચનયાત્રા


ગુજરાતીમાં પુસ્તકોના વેચાણ અને પ્રસારની વાત નીકળે ત્યારે (યોગ્ય રીતે જ) અડધી સદીની વાચનયાત્રા અને મહેન્દ્રભાઇ મેઘાણીને યાદ કરવામાં આવે છે. અઢળક સાત્ત્વિક વાચનસામગ્રી ઉપરાંત ઓછી કિંમતનું ભારે આકર્ષણ ધરાવતી અરધી સદીની વાચનયાત્રાના કે પછી સુધા મૂર્તિ ટાઇપ- પ્રેરણાનું ઝરણું ટાઇપ પુસ્તકોનો મહિમા થાય છે. પ્રકાશકો કહે છે, 'ચિંતન ને પોઝિટીવ લાઇફ ને એવું બધું બહુ વેચાય છે.' પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા નક્કર વિષયોમાં આશ્ચર્યજનક વેચાણ ધરાવતાં યુરેનસ બુક્સનાં પુસ્તકોની વાત ક્યાંય સાંભળવા મળતી નથી.

યુરેનસ બુક્સના તાજા પ્રકાશન 'આસાન અંગ્રેજી' નિમિત્તે ફરી એક વાર આ તીવ્ર અહેસાસ તાજો થયો. એમ થવાનાં કેટલાંક નક્કર આંકડાકીય કારણઃ ઓછી કિંમતના કોઇ આકર્ષણ વિના, ગણિત જેવા પરંપરાગત રીતે અઘરા ગણાય એવા વિષય અંગેનું રૂ.180ની કિંમતનું ગુજરાતી પુસ્તક કેટલું વેચાય? અને એ પુસ્તક જ્યારે નગેન્દ્રવિજય લખે, હર્ષલ પુષ્કર્ણાનો તેને ટચ મળે, પછી તે કેટલું વેચાય?

'માનો યા ન માનો' જેવી હકીકત એ છે કે યુરેનસ બુક્સનાં તમામ પુસ્તકોમાં સૌથી વધુ વેચાણ મેથેમેજિકનું છેઃ 16 હજાર નકલ.

છતાં, ગુજરાતીની ચિંતા કરનારા કોઇ પાસેથી સાંભળ્યું છે કદી આ પુસ્તક કે તેને મળેલી આંખ ઉઘાડી નાખનારી સફળતા? ખગોળશાસ્ત્રને લગતા પુસ્તક કોસ્મોસની રૂ.180ની કિંમતની 12 હજાર નકલ વેચાઇ ચૂકી છે. પ્રકૃતિ અને પ્રાણીજગત વિશેનાં પુસ્તકોની નકલો પ્રમાણમાં ઓછી. પણ ઓછી એટલે? 8 હજાર. (વિજયગુપ્ત મૌર્ય લિખિત જિંદગી જિંદગીની અત્યાર સુધીમાં 30-35 હજાર નકલો જુદા જુદા સ્વરૂપે વેચાઇ ચૂકી છે એ પણ નોંધવું રહ્યું.)

ગુજરાતી પુસ્તકજગતમાં આવાં સીમાચિહ્નોની નોંધ પણ ન લેવાય અને બીજી તરફ ભાષા બચાવવાના ઉધામા થાય, એનું નામ ગુજરાતી સાહિત્યજગત.
( તા.ક.- યુરેનસ બુક્સનાં પ્રકાશનો એવાં હોય છે કે તે વાંચીને ખરીદવાને બદલે ખરીદીને વાંચવામાં જરાય જોખમ નહીં. છતાં, જેને ખરીદતાં પહેલાં તેની વિગતો મેળવવી હોય તે સફારીની વેબસાઇટ પરથી મેળવી શકે છે. ઉપરની તસવીરમાં પુસ્તકનું ટાઇટલ અને બેકટાઇટલ મૂક્યાં છે)