Thursday, September 03, 2009

સરદાર સાથે (કાલ્પનિક) સંવાદ

(બે અઠવાડિયાં પહેલાં, જસવંતસિંઘના પુસ્તક પર પ્રતિબંધના મુદ્દે સરદાર પટેલનો કાલ્પનિક ઇન્ટરવ્યુ લખ્યો હતો. એ લેખની પૂર્વભૂમિકા બાજુએ રાખીને, ફક્ત ઇન્ટરવ્યુ અહીં મૂક્યો છે.)

સ્વર્ગસ્થનાં ‘ક્વોટ’ લેવાની કોઇ તરકીબ નથી. એ નીકળે તો છાપાં-ચેનલવાળા એમને મૃત્યુ પછી પણ જંપવા ન દે. તેમની સાથે વાત કરવાની એક રીત છેઃ મનમાં એ વ્યક્તિનું ઘ્યાન ધરતાં જ એ ‘લગે રહો મુન્નાભાઇ’ના ગાંધીજીની જેમ, નજર સામે દેખાવા લાગશે. એક પત્રકારે ‘લગે રહો...’ પદ્ધતિથી વાતો કરવા માટે સરદારનું ઘ્યાન ધર્યું કે તરત સરદાર હાજર! સામે બેસીને રેંટિયો કાંતતા હતા. પત્રકારે વાતચીત શરૂ કરી.

પત્રકારઃ નમસ્તે સરદારસાહેબ.

સરદારઃ નમસ્તે ભાઇ નમસ્તે. કેમ છે મારૂં ભારત?

પત્રકારઃ અમુક દુભાયા, અમુક દબાયા, અમુક મરાયા, અમુક હાંકી કઢાયા, પણ એકંદરે સ્થિતિ કાબૂમાં.

સરદારઃ ભાઇ, તમે પહેલાં ગૃહ મંત્રાલયનું રીપોર્ટંિગ કરતા હતા?

પત્રકારઃ કહેવું પડે, સાહેબ. આટલાં વર્ષ પછી પણ આઇ.બી.માં તમારા કોન્ટેક્ટ એવા ને એવા છે.

સરદારઃ પત્રકારોની અક્કલમાં પણ ખાસ ફેર પડ્યો હોય એવું લાગતું નથી. એ બઘું તો ઠીક છે. બોલો, શું હતું?

પત્રકારઃ જસવંતસિંઘ વિશે તમારૂં શું કહેવું છે?

સરદારઃ મેં તો એના રજવાડાનું ક્યારનું વિલીનીકરણ કરી નાખ્યું. હવે જે કહેવાનું હશે તે એને જ હશે.

પત્રકારઃ હું ભાજપના જસવંતસિંઘની વાત કરૂં છું. તમારા વિશે ગમે તેમ લખ્યું છે...

સરદારઃ એમાં ખરાબ કોનું દેખાયું? એનું કે મારૂં? બાપુ વિશે આપણા લોકોએ ઓછું ખરાબ લખ્યું છે? પણ એનાથી બાપુને કશો ફરક પડ્યો?

પત્રકારઃ ધીમેથી બોલો, સાહેબ. અમારા મુખ્ય મંત્રીએ તો આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો છે. તમે એ પ્રતિબંધની વિરૂદ્ધમાં બોલશો તો રાજદ્રોહ થશે. તમારું અપમાન કરવા બદલ તમારી વિરૂદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે. અમારા સાહેબ બહુ કડક છે.

સરદારઃ તારા કડક સાહેબને મારા અપમાનથી આટલી બધી તકલીફ થાય છે, તો બાપુ વિશે આડુંઅવળું લખાય ત્યારે કેમ કંઇ થતું નથી? બાપુ ગુજરાતના પુત્ર નથી?

પત્રકારઃ બરાબર છે. પણ બાપુ તો કોંગ્રેસી ગણાય ને...

સરદારઃ તે હું ક્યારથી ભાજપમાં જોડાયો અલ્યા? હું છેવટ સુધી કોંગ્રેસમાં જ હતો ને! એ ખરૂં કે ત્યારની કોંગ્રેસને આજની કોંગ્રેસ સાથે કશી લેવાદેવા નથી.

પત્રકારઃ (ગુંચવાઇને) સાહેબની લીલા અકળ છે.

સરદારઃ મને એ કહે. તમારા સાહેબ કયા ઉપનામે ઓળખાતા હતા?

પત્રકારઃ (સહેજ શરમાઇને) છોટે સરદાર.

સરદારઃ (અંગુઠા અને પહેલી આંગળીથી ટચુકડાનો સંકેત કરીને) છોટે એટલે કેટલા છોટે? આટલા? (હસીને) અને હું કોણ છું?

પત્રકારઃ અસલી સરદાર...ના, ના. તમે અસલી તો પછી સાહેબ કંઇ નકલી? ના, એવું ના કહેવાય. તમે બડે સરદાર, બસ!

સરદારઃ અલ્યા, ‘બસ’ એટલે શું?

પત્રકારઃ (મૂંઝાઇને) એટલે કે..તમે મોટા. તમે વડીલ. તમે પહેલા સરદાર. ઘડવૈયા. ભારતના નાયબ વડાપ્રધાન...(મનોમન) બડે સરદાર ભારતના નાયબ વડાપ્રધાન તો છોટે સરદાર...ના, મને ત્રિરાશી નથી આવડતી. ના, હું રાજદ્રોહનો ગુનો નહીં કરૂં.

સરદારઃ શાના વિચારે ચડી ગયો?

પત્રકારઃ એમ તો અડવાણીજી પણ ‘લોહપુરૂષ’ તરીકે ઓળખાતા હતા.

સરદારઃ પછી શું થયું? કાટ ચડ્યો?

પત્રકારઃ એ બધી વાતમાં નથી પડવું સાહેબ. તમે એ કહો કે આ પ્રતિબંધ વિશે તમારી શી પ્રતિક્રિયા છે?

સરદારઃ મને પ્રતિબંધના સમાચાર જાણીને બહુ આનંદ થયો. ઉપર ગુજરાતના બીજા નેતાઓ છે એ પણ રાજી થયા.

પત્રકારઃ શું વાત કરો છો! આ તો સાહેબને ખાસ કહેવું પડશે!

સરદારઃ અમને બધાને ગુજરાતીઓના અંગ્રેજી વિશે ચિંતા રહેતી હતી. જસવંતસિંઘનું પુસ્તક અંગ્રેજીમાં છે. છસો પાનાંના પુસ્તકમાં મારા વિશે માંડ છ-આઠ ઠેકાણે ઉલ્લેખ છે. આવાં દળદાર અંગ્રેજી પુસ્તકો ઝીણવટથી વાંચનારો વર્ગ ગુજરાતમાં આટલો વધી ગયો છે તેની અમને કલ્પના જ નહીં. પુસ્તક પર પ્રતિબંધના સમાચાર આવ્યા ત્યારે જ અમને અહેસાસ થયો. કાલે જ ઝીણા આવ્યા હતા. દુઃખી થઇને કહેતા હતા કે પેલા જસવંતસિંઘે મારાં વખાણ કર્યાં છે, પણ અંગ્રેજીમાં! મારા પાકિસ્તાનમાં અંગ્રેજી વાંચશે કેટલા?

સરદારઃ મેં હોંશથી ઝીણાને કહ્યું કે ઝીણાસાહેબ, જસવંતસિંઘે ક્યાંક મારી ટીકા કરી છે, પણ મારા ગુજરાતમાં વાંચશે કેટલા! હવે તમારા સાહેબે પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો એટલે લોકો ગમે ત્યાંથી શોધીને આખું પુસ્તક નહીં તો છેવટે મારી ટીકા તો વાંચી જ લેશે. અંગ્રેજી નહીં આવડતું હોય એવા લોકો બીજા પાસેથી જાણી લેશે કે જસવંતે મારા માટે શું લખ્યું છે!

પત્રકારઃ આને કહેવાય અસરકારક મેનેજમેન્ટ!

આટલું બોલીને પત્રકાર સામે જુએ છે, તો સરદાર અદૃશ્ય.

3 comments:

  1. wow what wonderful article......વાંચવાની ખુબ મજા આવી ક્યાં વિષય નો કેવી રીતે ઉપયોગ કરવો એતો કોઈ આ રાજકારનીયો થી શીખે .....ખરેખર સરસ લેખ છે કોપી કરવાની ઈચ્છા રાખું જો તમે પેર્મીસીઓન આપતા હોય તો ......

    ReplyDelete
  2. This is real Urvish Brand of writting...kudos and thnx

    ReplyDelete
  3. can copy it for non-commercial purpose, with due credit to my name as well as the blog

    ReplyDelete