Thursday, December 18, 2008

ભૂલ તુમ્હેં ભેજી હૈ ખતમેં


‘ભૂલનો સ્વીકાર કરવાનું બહુ સહેલું છે- ખાસ કરીને બીજાની ભૂલનો!’ આવું કોઇએ કહ્યું નહીં હોય તો કહેશે. પણ હકીકતમાં પોતાની ભૂલનો જાહેર સ્વીકાર કરવાનું કાઠું છે. ભૂલ ન થાય એ આદર્શ છે, જે વ્યવહારમાં હંમેશાં જળવાતો નથી. એ વખતે ભૂલ સ્વીકારવાનું વલણ બહુ ઉપયોગી થાય છે. જો કે, અત્યારે ચાલતો તેનો બીજો અંતીમ એવો છે કે નફ્ફટાઇથી ભૂલ સ્વીકારી લેવાની અને ગરજીને કહેવાનું,‘ભૂલ સ્વીકારી તો ખરી. હવે શું છે!’
બે દિવસ પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં બીજા પાને ‘કરેક્શન્સ’ નામની એક કોલમની ઊભી પટ્ટી જોવા મળી. તેમાં અખબારમાં થયેલી ભૂલોનો, ઘ્યાન દોરનારના નામ સાથે ઉલ્લેખ હતો. જ્યાં સ્પષ્ટતાની જરૂર હતી ત્યાં સ્પષ્ટતા પણ ખરી. અગાઉ એકાદ-બે વર્ષ પહેલાં ‘ધ હિંદુ’ અખબારમાં ‘રીડર્સ એડિટર’ની નિમણૂંક થઇ ત્યારે ત્યાં પણ આ પ્રકારનો સિલસિલો શરૂ થયો. પણ ‘રીડર્સ એડિટર’ની આખી પોસ્ટ આ કામ માટે ઊભી થઇ હોવાથી, એ કોલમનું કદ વાંચી ન શકાય એવી રીતે વધી ગયું. ‘એક્સપ્રેસ’માં આવું અગાઉ થયું હોય તો ખ્યાલ નથી. મારી નજર પહેલી વાર પડી.
પ્રસાર માઘ્યમો બને ત્યાં સુધી ભૂલો ન થાય તેનું ઘ્યાન રાખે, પણ મર્ફીના કે બીજા નિયમોને આધીન એ થાય જ, તો સ્વીકારવા જેટલી ખુલ્લાશ (નફ્ફટાઇ નહીં, ફક્ત ખુલ્લાશ) બહુ આવકાર્ય છે. આમ પણ મુંબઇના ત્રાસવાદી હુમલા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કવરેજના મામલે, ઘણી જુદા પ્રકારના અને સારા રીપોર્ટંિગ દ્વારા કમ સે કમ અમદાવાદ આવૃત્તિમાં મેદાન મારી ગયું હોય એવું લાગતું હતું. તેમાં ‘કરેક્શન્સ’ની કોલમ જોઇને આનંદ થયો. કોલમની નીચે મુકેલા ચોકઠામાં ભૂલ ચીંધવા માટે ફક્ત ઇ-મેઇલ એડ્રેસ મુકવામાં આવ્યું છે, એ બદલાયેલા જમાનાની અને અંગ્રેજી વાચકવર્ગની તાસીર છે. અંગ્રેજી છાપું વાંચતો માણસ ઇ-મેઇલ વાપરતો જ હોય એવું તેમાં નીહીત છે.
ગુજરાતી અખબારો શાણાં છે. એ આવા બધામાં પડતાં નથી, પડે તો અઠવાડિયામાં એક પૂર્તિ કદાચ ભૂલોની જ કાઢવી પડે. એનું નામ શું રાખી શકાય? એ માટેનાં ક્રીએટીવ સૂચનો આવકાર્ય છે. એવાં સારાં નામની સંખ્યા ૧૦થી વધારે થશે, તો તેને અલગ પોસ્ટ તરીકે મુકવામાં આવશે.

5 comments:

  1. ૧. ભૂલ ભાસ્કર
    ૨. ભૂલદળ
    ૩. ભૂલરંગ
    ૪. ભૂલરિમા

    :P

    ReplyDelete
  2. ૧.જીદ નહી ભુલ
    ૨.ભુલ સમાચાર
    ૩.ભુલ થી અપાયેલો સંદેશ
    ૪.ભુલ ભુલામણી.
    ૫.ભુલ @ છાપુ..

    ReplyDelete
  3. Anonymous8:02:00 PM

    Bhuleshwar.(yane bhul a j ishwar)

    ReplyDelete
  4. ભૂલસહિંતા

    દૈનિક અખબારોમાં ત્વરાએ કામ થતું હોય એટલે ક્યારેક ભૂલ જવી સંભવ છે. અલબત્ત ભૂલોે પ્રત્યે કાયમ બેદરકાર રહેવું એ પાછી એક મોટી ભૂલ છે. તેનો બચાવ ન થઈ શકે. ‘ધ હિન્દુ’ દેશમાં ‘રિડર્સ એડિટર’ની પ્રથા શરૂ કરનારંુ પ્રથમ અખબાર છે. રાજકોટ જર્નાલિઝમમાં ભણતો ત્યારે નિયિમિત ધ હિન્દુ પર નજર નાખતો. એવામાં ૧૪મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વાંચવા મળ્યું કે ધ હિન્દુ હવે દેશમાં પહેલી વખત રિડર્સ એડિટરની નીમણૂંક કરી રહ્યું છે. એડિટર તરીતે કે. નારાયણન નામના વિદ્વાન પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેઓ ત્યારે કન્સલ્ટીંગ એડિટર હતા. ધ હિન્દુએ આ પ્રથા બ્રિટીશ અખબાર ‘ધ ગાર્ડિયન’માંથી પ્રેરણા લઈ અપનાવી હોવાનું એ વખતે હિન્દુના એડિચરઇનચીફ એન.રામે જાહેર કર્યું હતું. આ જાહેરાત અને નિમણૂંકના થોડા દિવસો પહેલાં હિન્દુએ ગાર્ડિયનના રિડર્સ એડિટર ઇયાન મેયસ અને એડિટર એલન રુસબ્રીજ (ઉચ્ચારમાં ભુલ હોઈ શકે છે)ને ભારત આમંત્રિત કર્યા હતા. મીડિયા સબંધતિ કોઈ સેમિનાર પણ આયોજિત થયો હોવાનું થોડું થોડું યાદ છે. બદામાં આ સમાચારોના મોટા ફોટા છપાયા હતા.
    ઇન્ડિયન એક્સપ્રેસમાં રિડર્સ એડિટર છે, કે કેમ એ જાણ નથી. પણ તેની ભુલ સુધારણા ઝુંબેશ આવકાર્ય છે.
    આપણે ત્યાં રાજકોટથી પ્રસિધ્ધ થતાં અખબાર ‘ફૂલછાબ’માં દર રવિવારે તંત્રી વાચકોના પત્રોના જવાબ આપે છે અને તે દિવસે આખું પાનું ભરીને વાચકોના પત્રો છાપે છે. તેમાં ફૂલછાબની ભુલ સ્વિકારસુધાર પણ આવી જાય છે. બીજા કોઈ ગુજરાતી અખબાર આટલા મોટાં પ્રમાણમાં વાચકોના પત્રો છાપતા નથી. એમાં ભુલ સુધારણાની અપેક્ષા તો ન જ રાખી શકાય ને!

    ReplyDelete
  5. utkantha6:19:00 PM

    nice title..

    ReplyDelete