Tuesday, December 02, 2008
બજારમાં મંદી, ફૂટપાથ પર તેજી

બાળપણમાં એવું સાંભળેલું કે કાશ્મીરમાં અખરોટના કે ગોવામાં કાજુના ઢગલેઢગલા વેચાય છે. પણ એ યાદીમાં અમદાવાદનું નામ સાંભળવા મળ્યું ન હતું.
જે સાંભળ્યું પણ ન હોય, એ સીધું જોવા મળે તો કેવી હાલત થાય?
રોજની જેમ સવારે સરદાર બ્રિજ પરથી પસાર થતી વખતે થોડા દિવસ પહેલાં અનોખું દૃશ્ય જોવા મળ્યું. સહેજ આગળ જઇને મેં સ્કૂટર થોભાવ્યું અને ખાતરી કરવા પાછળ ફરીને ધ્યાનથી જોયું. મેં જે જોયું તે સાચું જ હતું. સરદાર પૂલની ફૂટપાથો પર બન્ને બાજુ કાજુ, અંજીર, બદામ, અખરોટ અને બીજા સૂકા મેવા ઢગલામાં વેચાતા હતા. વેચનારા માણસોના દેદાર સૂકા મેવાના વેપારી જેવા બિલકુલ નહીં. એ લોકો બદામ કે કાજુ ન વેચતા હોત તો ડુંગળી કે બટટા વેચતા હોત.

‘દુકાનો મૂકીને તમારે ત્યાંથી શું કામ લોકો ખરીદવા આવે?’ એના જવાબમાં એણે કહ્યું,’બજારમાં સૂકો મેવો 400 રૂપિયે કિલો મળે છે. અમે 380 રૂપિયે આપીએ છીએ. પછી લોકો અમારે ત્યાંથી શું કામ ન લે?’
ખરીદી કરી આવેલાં ઓફિસનાં એક જાણકાર બહેને માહિતી આપી હતી કે ‘બરાબર બારગેઇનિંગ કરવાનું. હું 325 રૂ.માં કિલો બદામ લાવી અને સારી છે.’
‘લોકો ખરીદવા આવે છે?’
‘હા, આખો દિવસ લોકોની અવરજવર રહે છે.’
‘તમે સસ્તામાં કેવી રીતે વેચી શકો છો? તમને કેવી રીતે પોસાય?’
‘અમે જથ્થાબંધ વેપારીને ત્યાંથી કે દિલ્હીથી માલ લાવીએ છીએ.’ આટલું કહીને પછી એણે જવાબને વધારે ‘કન્ટેમ્પરરી ટચ’ આપવા કહ્યું,’મંદી છે ને. એટલે ભાવ ઘટી ગયા.’
મારા જેવા માણસ માટે સમાચાર એ નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા. મને નવાઇ એ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે, એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે. ‘સસ્તું’ સાંભળીને તેના કાન તેજ થાય છે, આંખો પહોળી ને મગજ બંધ.
સ્થિતિ આવી રહેશે તો અમદાવાદથી અમેરિકા-ઇંગ્લેન્ડ જનારા ‘ત્યાં’નાં સગાં માટે કાજુ-બદામનાં પેકેટ લઇ જતા થઇ જશે અને ભારત સુપરપાવર થઇ જશે.
No comments:
Post a Comment