Monday, December 08, 2008
‘અર્ધી રાત્રે આઝાદી’ બ્લેકમાં! (અશ્વિની ભટ્ટ અમદાવાદમાં-૨)
જોડકાં નામ- લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આશકા માંડલ અને પછી એક-એક શબ્દ - ફાંસલો, આખેટ, કટિબંધ- નાં શીર્ષક ધરાવતી નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇએ લેખકજીવનના આરંભે ઘણા અનુવાદો કર્યા. મુખ્યત્વે એલિસ્ટર મેકલીન જેવા લેખકોની ‘ચપોચપ વેચાતી’ નવલકથાઓના પોકેટબુકસ્વરૂપ અનુવાદો. પરંતુ અનુવાદોમાં તેમના માટે સૌથી યશોદાયી કૃતિ નીવડી ‘ફ્રીડમ એટ મિડનાઇટ’. તેનો ‘અર્ધી રાત્રે આઝાદી’ નામે કરેલો અનુવાદ સૌથી પહેલાં એક ચીલાચાલુ પ્રકાશકે છાપ્યો હતો.
એ ભાઇએ ‘અર્ધી રાત્રે આઝાદી’ની ૩,૨૫૦ કોપી છાપી. અશ્વિનીભાઇને મહેનતાણા પેટે- હા, મહેનતાણા પેટે જ- રૂ.૩૦૦૦ હજાર આપવાનું નક્કી થયું હતું, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા. પછી અશ્વિનીભાઇ કહે છે તેમ, ‘ગાળાગાળી કરીને ગમે તે રીતે બાકીના વસૂલ કર્યા.’ મહેનતાણામાં ગોટાળા થશે એવો અંદેશો હોવાથી અશ્વિનીભાઇએ ૫૦ કોપી પહેલેથી અંકે કરી લીધી હતી.
એક નકલની કિંમત ૪૫ રૂ. રાખવામાં આવી હતી, જે એ સમય પ્રમાણે ઠીક ઠીક મોંઘી કહેવાય. છતાં પહેલી આવૃત્તિની ૩,૨૦૦ નકલો ફટાફટ વેચાઇ ગઇ. અશ્વિનીભાઇ પાસેની ૫૦ નકલોમાંથી દસેક તેમણે ભેટમાં આપી હતી. બાકીની એમની પાસે સલામત પડી હતી. એક દિવસ પ્રકાશકના ભાઇનો ફોન આવ્યો. પ્રકાશક બહારગામ ગયો હતો. ભાઇએ કહ્યું,‘ચોપડીઓનો ઓર્ડર આવ્યો છે ને અત્યારે માલ નથી. તમારી પાસે છે?’ અશ્વિનીભાઇએ હા પાડી અને કામચલાઉ ગોઠવણ તરીકે પોતાની ૪૦ નકલો એને આપી દીધી. થોડા દિવસ પછી પ્રકાશક પાછો આવ્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે પુસ્તક તો સાવ ખલાસ થઇ ગયું છે. એટલે તેની બીજી નકલો અશ્વિનીભાઇને મળી શકે એમ નથી. એટલું જ નહીં, પેલી ૪૦ નકલોના પૈસાના પણ વાંધા પડ્યા. કારણ કે પ્રકાશકનો ભાઇ એના કહ્યામાં ન હતો. પ્રકાશકે ઉલટું અશ્વિનીભાઇને કહ્યું,‘તમે એને નકલો શું કામ આપી? એ તો રોકડી કરીને જુગાર રમી આવ્યો.’
‘અર્ધી રાત્રે આઝાદી’ની નકલથી સદંતર વંચિત થઇ ચૂકેલા અશ્વિનીભાઇનો તેમના પુસ્તક સાથેનો ભેટો, તેમની નવલકથાઓમાં આવતી હીરો-હીરોઇનની મુલાકાત જેવો જ રોમાંચક અને પહેલી મુલાકાત જેવો ‘ટીઝીંગ’ રહ્યો. એક વાર અશ્વિનીભાઇ ભૂસાવળ સ્ટેશનેથી ટ્રેન પકડવાના હતા. ત્યાંના વ્હીલર બુક સ્ટોલ પર એક ખૂણે તેમની નજર પડી. ત્યાં ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, એટલે સ્ટોલના માલિકે શુદ્ધ હિંદીમાં ના પાડી દીધી અને કહ્યું કે ‘એ વેચવા માટે નથી. મે મારા માટે રાખી છે.’
અશ્વિનીભાઇએ કહ્યું, ‘ભાઇ બરોબર છે, પણ એ મારી જ ચોપડી છે. મેં જ એનો અનુવાદ કર્યો છે.’
સ્ટોલમાલિક ઘડીભર જોઇ રહ્યો. અશ્વિનીભાઇ કહે છે તેમ, જોઇ રહ્યા પછી પણ ખાસ ઇમ્પ્રેસ થયો નહીં. એટલે અશ્વિનીભાઇએ કહ્યું,‘ભાઇ, મારી જોડે એની એકેય કોપી નથી. એવું હોય તો થોડા વધારે રૂપિયા લે, પણ મને એ ચોપડી આપ.’
એટલે એ સુવ્વરે કહ્યું, ૧૦૦ રૂપિયા.’ અશ્વિનીભાઇ સ્પેશ્યલ ઉદ્ગાર.
‘મેં એને કહ્યું, અલ્યા, એની કિંમત પીસ્તાલી રૂપિયા છે. જોઇ લે પૂંઠા પર. એના સો તો બહુ કહેવાય.’ છેવટે એમણે ૭૫ રૂપિયામાં ચોપડીનો સોદો પાડ્યો.
લેખકો માટે આ પ્રસંગનો બોધપાઠઃ પોતાના પુસ્તકની ત્રણ નકલો ‘નથી કરીને’ માળીયે ચડાવી દેવી. (ઘણાના કિસ્સામાં તો વાચકો પણ એવું જ કરતા હોય છે.) વાચકો માટે બોધપાઠ એ કે અમુક ચોપડીઓ સાચવીને રાખી મુકવી. ક્યારેક એના લેખકને જ એ પાછી- અને વધારાના રૂપિયા ખંખેરીને- વેચી શકાય છે.
જ્યાં સુધી લેખકો -પ્રકશકો સાથે સ્વમાન અને ખુમારી નહિ રાખે ત્યાં સુધી તેમની દશા અશ્વિનીભાઇ જેવી થશે- સાભળ્યું છે કે આજકાલ એવું નથી રહ્યું-
ReplyDeleteબાય ધ વે, અશ્વિનીભાઇએ જાણવું કે મારી લાયબ્રેરીમાં "આશ્કા માંડલ"ની બે કોપીઓ છે.
'Ardhi rate aazadi' is one of my fav.-superb content-superb style-superb translation...traney ek bija ne chade a-va...
ReplyDeletebut,it is said dat some of its content was removed a long back... by what reasons? was it also banned in india 4 som time ? was d gujrati translation of d original one or d edited one ?
can nybody clerify all dis (n der may b more) controversies about freedom @ midnight - 'ardhi rate aazadi' ?
waiting 4 reply..
ગ્રેટ. નવીનક્કોર અને મજાની વાત જાણવા મળી.
ReplyDeleteતમારો બ્લોગ ઊંધેથી વાંચવાના ય ફાયદા છે!;)
- ધૈવત ત્રિવેદી
નમસ્કાર ઉર્વીશભાઈ
ReplyDeleteઆમ તો હું આપનો ફેન ના કહેવાઉં કેમકે નિખાલસતા થી કહું તો તમારા કેટલાક લખાણ મને નથી પણ ગમ્યા
પણ આજે તમારા બ્લોગ માં નગેન્દ્ર વિજય અને અર્ધી રાત્રે આઝાદી ના લેખ વાંચી ને બહુ જ ગમ્યા
હવે જે ગમ્યું એ કહેવું પણ ખરું ને એટલે તમને કહી દીધું
હવે ભલે ફેન નહિ પણ તમારા લેખ વાંચવા તો પડશે કેમકે મને વાંચવા નું વ્યસન છે
આભાર અને ગુડ નાઈટ
તમારા અશ્વિની ભટ્ટ એ કરેલી અનુવાદિત એલિસ્ટર મેકલીન વારી બુક રી પ્રિન્ટ કરવી જોઈએ
ReplyDelete